વર્ષોથી એક કલ્પના થતી આવી છે કે જો પૈસાના ઝાડ હોય તો ? જ્યારે બાળકો કોઈ વસ્તુ માટે જીદ કરે ત્યારે પિતા કહે કે," આપણા ઘરે કાંઈ પૈસાના ઝાડ નથી તે દરેક જીદ પૂરી થાય." એટલે બાળક વિચારે કે શું પૈસાનું પણ ઝાડ હોય ? અને હોય તો શું થાય? બધાના ઘરે કોઈ જ વસ્તુનો અભાવ ના રહે. બધાના ઘરે મોંઘીદાટ ગાડીઓ હોય, ઘર સોના ચાંદીના ઘરેણાંથી ભરેલું હોય, સોનાની થાળીમાં બધા જમતા હોય, દરેકની પાસે આઇ ફોનનું લેટેસ્ટ મોડેલ હોય... પણ શું પૈસાના ઝાડ હોય તો આ બધું શક્ય બને? - જવાબ છે ' ના '
બધાના ઘરે પૈસાના ઝાડ હોય તો પૈસાની કોઈ જ કિંમત ન રહે.જેવી રીતે બધાના ઘરે કેરીઓના ઝાડ હોય તો કેરીની કોઈ જ કિંમત ન રહે.બધાને ઘરે જ કેરીઓ મળે તો બજારમાંથી કોણ ખરીદે? પણ કરીને તો આપને ખાઈ પણ શકીએ, તેનો ઉપયોગ થાય. પૈસાના ઝાડનો શો ઉપયોગ ? જેમ વડના ટેટાનો આપણે ઉપયોગ નથી કરતાં એટલે તેની કોઈ કિંમત નથી હોતી તેમ પૈસા પણ કિંમત વગરના થઈ જાય...
આવો જ બીજો એક સવાલ કેટલાકનાં મનમાં થતો હોય છે કે " રૂપિયા સરકાર ( સામાન્ય રીતે ભારતમાં RBI છાપે છે ) જ છાપે છે તો વધારે રૂપિયા કેમ છાપી નથી નાખતી? બધાની ગરીબી દૂર થઈ જાય અને દેશનું દેવું કેમ દૂર નથી કરી નાખતી? " આ સવાલ ' જો પૈસાના ઝાડ હોય તો? ' એવો જ થયો અને આનો જવાબ પણ એવો જ છે.દરેક સરકાર તેના દેશમાં કેટલા સંસાધન છે અથવા કેટલું ઉત્પાદન છે એ આધારે રૂપિયા છાપતી હોય છે.જો ઉત્પાદન કરતાં વધુ પૈસા છપાઈ જાય તો ઉત્પાદનની કિંમત વધી જાય, પરિણામે મોંઘવારી વધી જાય. આ પરિસ્થિતિનો તાજેતરમાં જ બધાએ લોકડાઉનમાં અનુભવ કર્યો જ હશે. ધારો કે આપણા ગામમાં માત્ર દસ જ પેટી કેરી વધી છે અને આગળથી કેરીની આવક બંધ થઈ ગઈ છે તો તમારી પાસે ભલે લાખો રૂપિયા હોય પણ તમને દસ જ પેટી કેરી મળેશે, અગિયાર પેટી નહિ. કારણ કે કિંમત કેરીની હોય છે પૈસાની નહિ. અર્થતંત્રમાં નાણું એ તો ફક્ત વિનિમયનું સાધન છે. સાચી કિંમત તો વસ્તુઓની ,ઉત્પાદનની હોય છે. જેના ભાવ માંગ પ્રમાણે વધઘટ થયા કરે છે. વધારે પૈસા છાપી દેવા અને લોકોને આપી દેવા એનો અર્થ તો એમ જ થાય કે બધાને પૈસાના ઝાડ આપી દેવા. લોકો પાસે પૈસા વધી જાય તો લોકો વધુ ખરીદી કરવા પ્રેરાય.રૂપિયા વધી જાય પણ સામે ઉત્પાદન એટલું ઝડપી ના વધે એટલે બજારમાં વસ્તુની તંગી સર્જાય અને છેવટે ભાવવધારો થાય, મોંઘવારી વધે... દક્ષિણ આફ્રિકાના વેનેઝુએલા નામના દેશે આવી ભૂલ કરી હતી અને દેશનું દેવું તથા ગરીબી દૂર કરવા વધારે પ્રમાણમાં બોલીવર ( વેનેઝુએલા નું ચલણ ) છાપી નાખ્યા હતા. પરંતુ સામે ઉત્પાદન એટલું જ રહ્યું. પરિણામે વર્ષ 2017 માં ત્યાં એક બ્રેડના પેકેટની કિંમત એક લાખ સુધી પહોંચી ગઈ હતી. નાની અમથી વસ્તુ લેવા માટે કોથળા ભરીને બોલિવર ( રૂપિયા ) આપવા પડતાં હતા.એટલે હવે કોઈ પણ દેશ આવી ભૂલ કરવાનું સ્વપ્નમાં પણ વિચારી નથી શકતો...
યુનિવર્સલ બેઝિક ઈનકમ
વિશ્વના અર્થશાસ્ત્રીઓએ ગરીબી દૂર કરવા માટે એક ઉપાય શોધી કાઢ્યો છે જેનું નામ છે યુનિવર્સલ બેઝિક ઈનકમ ( UBI ) એટલે કે સાર્વત્રિક મૂળભૂત આવક. આજે સમગ્ર વિશ્વમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઈ દિવસે અને દિવસે વધતી જ જાય છે. અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ બનતો જાય છે. અમીર અને ગરીબ વચ્ચેના આ તફાવતને દૂર કરવા માટેનો ઉપાય એટલે ' યુનિવર્સલ બેઝિક ઈનકમ '. એમ આજના અર્થશાસ્ત્રીઓ નું માનવું છે. UBI એટલે કે દેશના દરેક નાગરિકને વગર શરતે કેટલીક રકમ નિશ્ચિત સમયે આપવામાં આવે જેથી તે પોતાની ગરીબી દૂર કરી પોતાના જીવનસ્તરમાં વધારો કરી શકે. પરંતુ UBI ની વિરુદ્ધ અનેક પૂર્વધારણાઓ થઈ જેમ કે, લોકોને મફતમાં પૈસા આપવાથી તેઓ આળસુ થઈ જશે, દેશમાં મોંઘવારી વધી જશે,પૈસાની કિંમત ઘટી જશે, જનતા મુફ્તખોર બની જશે વગેરે વગેરે....
સાંભળવામાં તર્કપૂર્ણ લગતા આ બધા સવાલોનો જવાબ તો ત્યારે જ મળે જ્યારે UBI ને સાચે જ ઉપયોગમાં લવાય. ત્યારબાદ અર્થશાસ્ત્રીઓએ UBI નો પ્રયોગ કર્યો અને પ્રયોગના મળેલા પરિણામો અગાઉ થયેલી પૂર્વધારણાઓથી તદ્દન વિપરીત અને ચોંકાવનારા હતા. વિશ્વમાં સૌ પ્રથમ ભારતના મધ્યપ્રદેશમાં વર્ષ 2010 માં UBI નો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તે માટે 20 ગામોની પસંદગી થઈ હતી. જેમાંથી 8 ગામના લોકોને કેટલાક વર્ષ સુધી દર મહિને કેટલીક નિશ્ચિત રકમ આપવામાં આવી અને બાકીના 12 ગામને જેમના તેમ રાખવામાં આવ્યા.નિયત કરેલા સમય પછી ચકાસણી કરતાં માલૂમ પાડ્યું કે જે 8 ગામ માં UBI યોજના લાગુ કરવામાં આવી હતી ત્યાં લોકોનું જીવનધોરણ બાકીના 12 ગામ કરતાં ખુબ જ ઊંચું આવી ગયું હતું.ત્યાં શિક્ષણ સ્તરમાં વધારો થયો હતો, લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો હતો, કુપોષણની માત્ર ઘટી ગઈ હતી, લોકો પોષણયુક્ત આહાર લેતા થયા હતા. વગર શરતે પૈસા મળવાથી લોકો આળસુ થવાની જગ્યા એ તે પૈસા ધંધા, રોજગાર અને ખેતીમાં લગાવીને તેનો વિકાસ કરવા લાગ્યા હતા. પ્રયોગના આ પરિણામે અગાઉની બધી જ પૂર્વધારણાઓને મિથ્યા સાબિત કરી દીધી હતી.
ત્યારબાદ સમગ્ર વિશ્વમાં યુનિવર્સલ બેઝિક ઈનકમ ( UBI ) ની ચર્ચા થવા લાગી. અર્થશાસ્ત્રીઓએ તેની ઉપયોગ કરવાનું નક્કી કર્યું. યુગાન્ડા નામના દેશમાં પણ આ જ રીતે પ્રયોગ થયો અને પરિણામ પણ મધ્યપ્રદેશમાં મળ્યા હતા એવા જ મળ્યા. ફિનલેન્ડની સરકારે તો ઘોષણા પણ કરી દીધી કે તે તેના નાગરિકોને દર મહિને 462 યુરો ( 1 યુરો :- 84.65 રૂપિયા આજની તારીખે ) આપશે.આજે વિશ્વમાં યુનિવર્સલ બેઝિક ઈનકમ તેના અસરકારક પરિણામોના કારણે ચર્ચા નો વિષય બન્યો છે.
ભારતમાં કઈ રીતે લાગુ કરી શકાય?
UBI ને અર્થશાસ્ત્રીઓ ગરીબી દૂર કરવાના ઉપાય તરીકે જુએ છે.પરંતુ તેના માટે સરકાર વધુને વધુ રૂપિયા છાપી ન શકે, જો તેમ કરે તો મોંઘવારી વધી જાય અને આપણી હાલત પણ વેનેઝુએલા જેવી થાય તથા આ યોજના નુકસાનકારક સાબિત થાય. એટલે UBI નો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે વધારાના રૂપિયા છાપવા ન પડે અને ફુગાવો કાબૂમાં રહે. આજે દેશમાં એવી ઘણી યોજનાઓ છે કે જેની પાછળ સરકાર દર વર્ષે અઢળક રૂપિયા ખર્ચે છે અને છતાં પણ તે યોજનાઓના કોઈ અસરકારક પરિણામ નથી મળી રહ્યા. આવી યોજનાઓને બંધ કરીને તે રૂપિયાનો ઉપયોગ UBI પાછળ થઈ શકે છે.
તાજેતરમાં થયેલા એક રિપોર્ટ પ્રમાણે ભારતના ફક્ત 1% ધનિકો પાસે દેશની 70% જેટલી સંપતિ છે અને આજે પણ ભારતની ચોથા ભાગની વસ્તી ગરીબીમાં સબળે છે.આવા સુપર રીચ ( અતિ ધનવાન ) લોકો પર વધારાનો કર નાખીને તે રૂપિયા UBI માં વાપરી શકાય છે. એના માટે કર વ્યવસ્થામાં ઘણા ફેરફારો કરવા પડે જેથી સુપર રીચ લોકો પાસેથી કર વસૂલી તે રકમ ગરીબ અને મધ્યવર્ગીય લોકોને મળે. આ યોજના સામે પડકારો અધિક છે. કોઈ પણ યોજનાની સફળતાનો આધાર સરકારની પ્રતિબદ્ધતા પર જ હોય છે.હાલમાં લોકડાઉન સમયે પણ સરકારે જનધન ખાતા ધારક મહિલાઓના ખાતામાં વિના શરતે 500 રૂપિયા જમાં કરાવ્યા જ હતા. તો એ રીતે આ યોજનાને પણ વ્યવસ્થિત સ્વરૂપ આપી શકાય તેમ છે.
હજુ આ યોજનાનો બધી જગ્યા એ અમલ કરવામાં આવ્યો નથી અને તેને અમલમાં લાવવા માટે ઉતાવળ પણ ના કરવી જોઈએ. તેના કેવા પરિણામો મળશે એતો જે તે સ્થળની જનતા પર જ નિર્ભર છે. જેમ કે તે જનતા આપેલા પૈસાથી મોજશોખ કરે છે કે પછી તેનો યોગ્ય ઉપયોગ કરે છે. આ યોજના અનેક પડકારોથી ભરેલી છે એટલે હજુ તેમાં અનેક પ્રયોગો કરવાની જરૂર છે. સફળ પ્રયોગ પછી જ તેને અમુક સમય માટે અમલમાં મૂકી શકાય. આ યોજના ગરીબો માટે એક આશાનું કિરણ છે. જો આ યોજના સફળ થાય તો ગરીબી દૂર કરી શકાય એવો અર્થશાસ્ત્રીઓ નો મત છે....
પાર્થ પ્રજાપતિ
( વિચારોનું વિશ્લેષણ )