🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 43
કુદરત ક્યારેક એવા પ્રસંગો સર્જી દે છે કે, કોઈની પણ બુદ્ધિ શૂન્ય બની જાય. હૃદય અવાક થઈ અનિર્ણાયક બની જાય. સઘડી સંઘર્ષની.....
❣️કૂબો સ્નેહનો❣️
આમ તો આપણે સૌ એક માત્ર સાથી
ફૂલ પર હસ્તાક્ષર કરીને
ઝાકળને રહેવું ગમે;
માળી તો જાણે જ છે ને !
વણવિકસ્યા બટમોગરાને
બાજ્યો તો જરીક ડૂમો..
નકરે નકરું, ખારે ખારું આંસુ ખર્યુ;
ઝાકળ સામે
પુષ્પેશુએ ચઢાવ્યું તીર;
આંખ શબવત્ , અવાજ ક્ષીણ;
પગ શબવત્ , પગલાં હીન;
ધરતી રૂઠી, પાનખર બેઠી;
જીવતી ઝંખનાઓ મહીં નિર્જીવ
પતઝડ વૃક્ષ...
ક્યાંક ઝાકળ ખર્યાનો ધબાકો થયો..
ને ફૂલોના રડવાનો ભણકારો થયો..
પછી તો વિજળીનો થયો કડાકો ભડાકો;
ઊભો ઊભો
જાણે મૂંગી મૂંગી તસ્વીર..© રુહાના
સારા કે નરસાં સમયને મુઠ્ઠીમાં તો બાંધી નથી શકાતાં. પરંતુ અમુક પડાવે ઘડી બે ઘડી રોકાઈને સફરનો થાક ઉતારવો પડે છે. આમ થોડીક હળવાશ મહેસૂસ થાય ત્યારે તરોતાજા થઈ બમણી ક્ષમતાથી આગળ વધાય છે.
વિરાજની બાળપણની યાદો મમળાવીને અમ્મા અને મંજરી પોત પોતાનો બાઝેલો ડૂમો સંતાડીને, એકબીજાને જ જાણે સાંત્વના આપીને હળવા થવાની કોશિશ કરી રહ્યાં.
દિક્ષા હાથ પકડીને મંજીને બહાર વરંડામાં લઈ ગઈ અને વિતેલી ક્ષણોને નિતરતી આંખે કહેવા માંડી. આમ તો બંસરી સિવાય એ ક્યાં ક્યારેય પોતાની વ્યક્તિગત વાતો ઉવાચી શકતી હતી!! પણ આજે બહુ સમય પછી આવો સમય મળ્યો હતો, જે મંજીને મળીને પોતાની જાતને ભીતરથી હળવી અનુભવી રહી હતી. એકદમ એની પાસે બેસીને ધીમાં અવાજે શબ્દો કાઢી રહી હતી. રખેને અમ્મા, એક પણ શબ્દ સાંભળી જાય તો..!!
"આધુનિક જીવનશૈલી અને સુખ સગવડોથી વિરુ ક્યારેય અંજાયા નથી.. અમેરિકામાં રહીને પણ હંમેશા પોતાના આદર્શોને વળગી રહીને એક સીધું સાદું સરળ જીવન વ્યતીત કરવામાં માનતા વિરુએ હંમેશા સચ્ચાઈને સહારે જ ડગ માંડ્યા છે..
વિરુએ, 'જીવન પ્રવાસ ખેડનાર' એ નામથી એક હેલ્પલાઇન ચાલુ કરી હતી.. અમેરિકામાં જે એકલા જ આવ્યા હોય, અથવા ત્યાંની યુનિવર્સિટીમાં જેટલા પણ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ભણવા માટે આવ્યા હોય, એમને જે પણ મદદ જોઈતી હોય વિરુ કરી આપતા. રહેવાની વ્યવસ્થા ન હોય એમને રહેવાથી માંડીને એક મહિના સુધીનું સીધુ સામાન આપી ખાવાપીવાની વ્યવસ્થા કરી આપતા.. સાથે સાથે ત્યાંના ઘરડાં લોકોને પણ મદદ કરવા તત્પર રહેતા.. અને કહેતા, 'વડલાની છાંયમાં ઝૂલા ઝૂલવાની મળેલી ક્ષણો ભોગવીને આશીર્વાદ લેવામાં જે આત્માનંદ મળે અને પ્રસન્નતા મળે એવી બીજે ક્યાંય ન મળે !!' આમ સદાયે મદદરૂપ થવા માટેનું જ વિરુએ કર્મ કરેલું છે.. 'જોય ઓફ ગિવીંગ' નામનો મંત્ર એમના જીવનમાં માત્ર ધ્યેય બની ગયો હતો. એમના જીવનમાં ઊંડાણમાંથી ઉદ્ભવેલુ કોઈ પણ કાર્ય પ્રાણવાન બની જતું..
ઘણી વખત આપણી પ્રગતિ વિઘ્નસંતોષી લોકોથી જોવાતી નથી, એ તો ઠીક પણ ઈશ્વર થીયે જાણે જોવાતું નથી, એવું નથી લાગતું !? પરંતુ ઉત્તમ કર્મોનું ભાથું બાંધનાર સાચા ઉપાસકને ક્યારેય કોઈનોય ડર લાગતો જ નથી.. હા..રાખવાની જરૂર પણ શું છે?
અને એકવાર વિરુની મુલાકાત નતાશા નામની ઉત્તર પ્રદેશની એક છોકરી સાથે થઈ હતી.. જે પોતાના માતા-પિતાની વિરુદ્ધ જઈને એકલી અમેરિકા આવી હતી.. વિરુના કૉલેજ કાળ સમયે એ વખતે અમદાવાદ ભણવા આવી હતી, બિંદાસ્ત વાતો કરતી એકદમ અલ્લડ ને બોલ્ડ નતાશા વિરુને અમેરિકામાં મળીને બહુ જ ઇમ્પ્રેશ થઈ ગઈ હતી. કેમકે વિરુ બહુ સારી રીતે ત્યાં અમેરિકામાં સેટ થઈ ગયા હતા.. જૉબ, સેલરી, કંપનીનું એપાર્ટમેન્ટ.. નતાશા તો બસ ઉઠતાં બેસતાં વિરુના નામનું જ રટણ કર્યા કરતી હોય.. પોતાની વાક્છટા દ્વારા એ વિરુને પોતાની તરફ આકર્ષિત કરવા પ્રયત્નો કર્યા કરતી, અને કહેતી,
'ઉસ સમય કૉલેજમે ક્યું સહી સમજ હી ના શકી તુઝે મેં., તુ તો કિતના ઝિનીયસ હૈ રે..??'
પરંતુ વિરુ એને કોઈ દાદ આપતા નહોતા.. વિરુ ઘરે આવીને એની સાથે બનેલી સઘળી વાતોની જાણકારી આપી દેતા.. કોઈ વાત મારાથી છૂપી નહોતાં રાખતા.. હંમેશા પારદર્શકતા ભર્યું વલણ અપનાવ્યું હતું વિરુએ..
અહિં ઇન્ડિયામાં ધ્યાનમાં બેઠેલો અર્ધનગ્ન બ્રહ્મચર્ય પાળનારા ત્યાગી વંદનને પાત્ર હોય છે કેમ કે તેની નગ્નતા જ કહી જાય છે કે, એમને દુનિયાની કંઈ જ પડી નથી !! પરંતુ અમેરિકામાં જ્યારે અર્ધનગ્ન છોકરી ફરતી હોય તો એ આપણા માટે ઘૃણાને પાત્ર હોય છે કેમ કે, તેની નગ્નતા કહી જાય છે કે એમને દુનિયાની કંઈ જ પડી નથી !!
'વિરુનું તદ્દન અલગ અદભુત વિરલ વ્યક્તિત્વ છે !! આવો અલગારી માણસ સદેહે મળવો ને જોવો બહુ મુશ્કેલ છે..' આવું ઘણા બધા લોકો મને કહેતાં, અને એમના વખાણ કરતા નહોતા થાકતાં.. એવી મને અંગત અનુભૂતિ થઈ છે.. પરંતુ કહે છે ને કે, કાળ ફરે ત્યારે મતિ ફરે..
દરરોજ મળતાં બંનેના ચહેરાઓમાં અને આંખોમાં એકબીજાની લાગણીઓ ભીંજાવા લાગી હતી..
એક દિવસ મોર્નિંગમાં ઑફિસ જવાની તૈયારી સાથે ફટાફટ તૈયાર થઈને નાસ્તો કરવા, ટેબલ પર ગોઠવાઈ ગયા.. મેં કહ્યું, 'વિરુ આજે સન્ડે છે !! કેમ ભૂલી ગયા તમે ?'
એટલે ચોરી પકડાઈ જવાની ફીલીંગ આવતા જ, કોન્શિયસ થઈ ગયા અને વિરુના ચહેરા પરનો રંગ અને ભાવ એકદમ જ બદલાઈ ગયા.. જાણે સંધ્યા કાળે સૂર્યના જવાના અહેસાસથી જ કળીઓ મુરઝાઈ જાય એમ..
પછી તો વાત સંભાળી લેતાં બોલ્યા,
'હા..હા..આજે સન્ડે છે એ બરાબર !! પણ મારે ઑફિસમાં થોડું કામ છે.. અને એક મિટિંગ પણ છે, જે પતાવીને આજે પાછો વ્હેલો આવી જઈશ..'
'પણ તમારે પહેલેથી જણાવવું જોઈએ ને !! કે આજે ઑફિસ ચાલુ છે.. હું નાસ્તો રેડી કરી રાખત..'
'અને હા.. જો મારે એમની સાથે જ લંચ લેવાનું હોવાથી મારે આજે લંચ બોક્સ પણ નથી લઈ જવાનું..'
'પણ મેં તો દર સન્ડેની જેમ લંચની તૈયારી શરૂ કરી દીધી છે.. સન્ડે તમે મોડા સુધી સૂતા હોવ છો એટલે તમે ઉઠો પછી આપણે સાથે સીધા લંચ લઈએ છીએ એટલે..'
આમ હું બોલતી રહી અને વિચારોની માળામાં ગુંચવીને વિરુ, કશું બોલ્યા વગર જ નીકળી ગયા.. મારા મનમાં શંકાનો સળવળતો કીડો છોડતા ગયા..
'વિરુ, નક્કી આજે કંઈક ખોટું બોલી રહ્યા છે !!' એમના ગયા પછી મેં સંદીપને ફોન લગાવ્યો.. એમને પૂછતાં કહ્યું, 'ઑફિસ તો આજે બિલકુલ બંધ છે. કોઈ જ કામ નથી..'
મને ધ્રાસકો પડ્યો.. મેં એમની પાછળ શંકાશીલ ચક્રો ગતિમાન કરીને રજેરજ જાણકારી રાખવા માંડી હતી.. ઘરમાં આવે ત્યારે બસ ખોવાયેલા જ રહેતા.. એમને અમારામાં કોઈ રસ રહ્યો નહોતો અને એમના વર્તનમાં ફેરફાર આવવા લાગ્યા હતા..
એકઠી થયેલી માહિતી મુજબ વિરુ નતાશા નામની કોઈ છોકરીના સકંજામાં ફસાઈ ચૂક્યા હતા.. જે એમણે જ મને જણાવ્યું હતું કે, 'નતાશા કરીને છોકરી પાછળ પડી છે, મને મેસેજો કરીને મને હેરાન કરી રહી છે..'
તો અચાનક એની સાથે ફરવા લાગ્યા.. એનું શું કારણ??
હું કંઈ પણ આ બાબતે પૂછું તો, અડધી રાત્રે અચાનક જ કાળું ડીબાંગ વાદળું ચંદ્ર આગળ આવી જાય અને ઝાંખો પાખો થઈ જાય એમ મોઢું વિલાઈને ઝંખવાઈ જતું.. જાણે અમે તો બળબળતો સૂર્ય અને એ તો ચંદ્ર.."
અને ત્યાં જ હળવા હોંકારા સાથે અમ્મા, એ બેઉંની નજીક આવ્યા, "બેય જણિયો કેટલી વાતો કરશો નણંદ ભોજાઈ !? ચાલો જમવું નથી કે શું..? આમ વાતોમાં જ રાત વિતાવવી છે ? દિપકકુમાર અને ભાણિયા ભાઈ તો ક્યારનાયે જમીને પરવારી ગયાં અને મેડીએ જઈને સૂઈ ગયાં.. રાંધેલું બે બે વાર ગરમ કર્યું ને ઠંડું થઈ ગયું.."
આજે તો બધાંને ક્ષુધાધ્વંસ થયો હતો. દિપકે પણ ખાવા ખાતર મહા પરાણે, બે ચાર કોળિયા ગળેથી ઉતારીને જમવાનું પૂરું કર્યું હતું.
દિક્ષા અને મંજરી, આમ અચાનક આમ્માના આવવા પર ભોંઠાઈ ગયાં હતાં, ને મનોમન વિચારવા લાગ્યાં અને આંખોને ઉલાળે એકબીજાને પૂછી રહ્યાં હતાં જાણે કે, 'એમણે કશી વાત સાંભળી તો નહીં હોય ને.?'
"આખી જિંદગી વાગોળી શકાય એટ એટલાં તમારા ભાઈના સ્મરણો છે.. મંજી બેના.. વાતો સાંભળીને તમારા કાન થાકી જશે પણ એમની વાતો નહીં ખૂટે હો.." આવું અમથું અમથું બોલીને અમ્માથી છુપાવવા દિક્ષા, પરાણે વેદનાનો ડૂમો ઓલવવાના વ્યર્થ પ્રયત્ન કરી રહી.
દિક્ષા અને વિરાજના લાંબા ભૂતકાળની ઊંડી અને ઝાંખી જ આ તો એક માત્ર હતી. એણે તો માત્ર ભૂતકાળની આપણને સત્યની એક બાજુનું દર્શન કરાવ્યું. પરંતુ ભવિષ્યકાળ પણ પોતાના ગર્ભમાં અદ્રશ્ય બીજી અનેક બાજુઓનું સત્ય છુપાવીને બેઠું હતું, એ અદ્રશ્યતા શું છે એ આપણે ક્યાં કશુંયે જાણીએ છીએ. અને આ અધુરી રહી ગયેલી બાબત, પોતાની ખોજ કરવા હવે મંજીરીને આમંત્રે છે એવું નથી લાગતું..!!©
ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 44 માં ભવિષ્ય કાળના ગર્ભમાં બીજી શું અદ્રશ્ય વાતો છે જે દિક્ષાથી પણ અજાણ છે..!!
-આરતીસોની ©