Ant-anant in Gujarati Love Stories by Paresh books and stories PDF | અંત-અનંત

The Author
Featured Books
Categories
Share

અંત-અનંત


અંત - અનંત.

જ્યારે બારીમાંથી આછા સૂર્યના કિરણો અનંતના ચહેરા પર પડ્યા ત્યારે મોડે સુધી ઉજાગરા કરેલ અનંતની આંખો ખુલી. ઉઠતા વેંત બાજુમાં રહેલ આકાંક્ષા પર તેની નજર પડી. હવાની લહેરખી આકાંક્ષાના વાળને પવન નાખતી હતી, અને આછા સોનેરી વાળ આકાંક્ષાના ચહેરાની શોભા વધારતા હતા. જાણે શિલ્પીએ સુંદર નકશીકામ કરીને કોઈ સુંદર બેનુમન મૂર્તિનું સર્જન કર્યું હોય તેવી દેખાતી હતી અનંતની આકાંક્ષા. જેમ જાત – જાતના આકારો વાળા વાદળો આકાશની શોભા વધારે છે. તેમ આકાંક્ષાના ચહેરા પર પડેલી આછી આછી કરચલીઓ પણ તેના સોંદર્યમાં વધારો કરતી હતી. અનંત તેની આકાંક્ષાના કપાળે એક હળવું ચુંબન કરીને ઉભો થયો, અને રસોડામાં ગયો. રસોડામાં એણે સ્ટવ પર બે કપ ચા મૂકી અને ગેલેરીમાં આવીને ઉભો રહ્યો. ધીરે ધીરે મરેલું શહેર જીવતું થતું હતું, અને વાહનોની ચહલ-પહલ, પક્ષીઓનો કલરવ તેમજ ક્રોકીટના જંગલોની મહેક ફેલાતી હતી જે અનંત પર કાઈ જ અસર નહોતી કરતી.

અનંત એક જ નજરે પાંપણના પલકારા વગર આકાશ તરફ મીટ માંડીને ઉભો હતો. અને આકાશ તરફનું ફિક્કું હાસ્ય કાઈ કેટલાય પ્રશ્નો તરફ નિર્દેશ કરતું હતું. આ બાજુ તેને કાંઇક યાદ આવતા રસોડામાં આવ્યો. રસોડામાં ચા ઉકળતી હતી કે અનંતના દિમાગમાં તેનું પાંચ વર્ષનું દામ્પત્ય જીવન ઉકળતું હતું. ઉભરો બંને બાજુ હતો. એકને તપેલીમાંથી બહાર આવવું હતું અને એકને આંખોમાંથી. એકને પુરષ રોકતો હતો અને એકને પુરુષત્વ.....

અનંત તૈયાર થયીને ચા પીને આકાંક્ષાનો ચા નો કપ તૈયાર કરીને તેની બેડની બાજુમાં મૂકી રૂમમાં એરફ્રેશનર છાંટીને ઓફિસે જવા નીકળ્યો. દિવસ દરમ્યાન પોતાનું કામ નિષ્ઠા અને ખંતથી પુરૂ કરીને સાંજે ઓફિસેથી છૂટીને આકાંક્ષાની મનગમતી હોટેલમાંથી તેનું મનગમતું જમવાનું પેક કરાવીને ઝડપથી ઘરે આવવા પ્રયાણ કરે છે. પોતાના સુગમ એપાર્ટમેન્ટમાં ગાડી પાર્ક કરીને લીફ્ટમાં ❼ નંબરનું બટન પ્રેસ કરીને જ્યારે સાંજે લીફ્ટ સડસડાટ છ ફ્લોર પસાર કરે છે. જ્યારે સાતમાં ફ્લોરે લીફ્ટનો દરવાજો ખુલે છે, ત્યારે અનંતની નજર એના ઘર તરફ પડે છે. તેના હાથમાં રહેલું પાર્સલ ત્યાજ પડી જાય છે. ઘર નંબર ૭૦૩જ્યાં “ અનંતની આકાંક્ષા ” નામની નેમપ્લેટ ચળકતી હતી ત્યાં પોલીસ અને આજુબાજુના પડોશીઓનું ટોળું નજરે ચડે છે. અને અનંતના ઘરનો દરવાજો ખુલ્લો છે. અનંત સમજી જાય છે કે ૭૦૨ વાળા પડોશી વિજયભાઈ કે જે તેને વારેઘડીયે ફોન કરતા હતા અને જે અનંત કટ કરતો હતો તે આના માટે જ હતો.

અનંત માટેની આકાંક્ષાની સુવાસ આજે દીવાલો ચીરીને પડોશીઓ માટે દુર્ગંધ બની ગઈ હતી. ત્રણ દિવસથી પૂરી મહેનતથી પોતાની ફરજ નીભાવતું રૂમ ફ્રેશનર પણ આજે હારી ગયું. બેડ પર આકાંક્ષા એજ અદાથી સુતેલી છે. બેડની બાજુમાં ત્રણ ચાના કપ પણ જેમના તેમ છે. ડાઈનીંગ ટેબલ પર ત્રણ દિવસથી અનંત અને આકાંક્ષાની જમવાની સજાવેલી થાળીઓ પણ જેમના તેમ છે. આકાંક્ષાને પોતાનાથી અલગ નહી કરવાનો નિર્ધાર પણ આજે તૂટી ગયો. આકાંક્ષાનો બેડ પણ ભીનો થયી ગયો હતો સતત બરફ મુકીને અનંતે આકાંક્ષાની પથારી ઠંડી રાખી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં અનંત શંકાના દાયરામાં આવતો હતો. અનંતને પોલીસે પોતાની કસ્ટડીમાં લીધો. અનંત પોતે તો દિગ્મુઢ થયી ગયો હતો, પોતે નિશબ્દ થયી ગયો હતો. પોતાની સફાઈમાં કાઈ કહી શકે તેવી હાલતમાં જ નહોતો. પોલીસના કહેવા પ્રમાણે તે મુર્તીવંત આદેશોનું પાલન કરવા લાગ્યો. અનંત એકાંતમાં સરી પડ્યો હતો. શરીર હતું પરતું સાવ શૂન્યમનસ્ક થયી ગયું હતું. આકાંક્ષાના સપનાના ઘરમાંથી આજે સીધો એ જેલની ચાર દીવાલો વચ્ચે આવી ગયો હતો. આકાંક્ષા વગર એક પળ પણ ના રહી શકનાર અનંત આજે આકાંક્ષાની જ મોત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. અનંત અને આકાંક્ષાની પ્રેમની મિસાલ આપનારો આ સમાજ આજે જાતે જ જજ બની ગયો હતો. કોર્ટના ચુકાદા પહેલા પોતેજ નિર્ણય સંભળાવી દેતા હતા. આખી રાત અનંતને પોલીસસ્ટેશનની અંધારી કોટડીમાં પસાર કરવી ખુબ જ મુશકેલ હતી. અનંતની આંખો સમક્ષ તેનો આકાંક્ષા સાથે વિતાવેલો સમય ઘડિયાળની ઉંધી ગતી ને જેમ પસાર થવા માંડ્યો. આકાંક્ષા સાથે વિતાવેલો સમય, કાંઈ કેટલીય યાદો સમયના ઘટનાચક્રની જેમ ફરવા લાગ્યો. આખી રાત અનંતની જાગતી આંખો આકાંક્ષાના સપના જોવા લાગી.

બીજા દિવસની સવાર અનંત આંખો ઉજાગરાથી લાલચોળ થયી ગયેલ હતી. આકાંક્ષાનો મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયી ગયેલ હતું. પોલીસ સ્ટેશનમાંથી જ આકાંક્ષાના મૃતદેહને અંતિમવિધિ માટે અનંતને લઇ જવામાં આવ્યો હતો. આકાંક્ષાના મૃતદેહને અગ્નિદાહ આપતા જાણે અનંત ખુદ જ પોતાની જાતને આગ લગાડી રહ્યો હતો. આવી પડેલ પરિસ્થિતિને માનવા અનંતનું મન તૈયાર જ નહોતું. પરતું સંસ્કૃતિના સંસ્કારને માન આપીને અનંતે પોતાના ધ્રુજતા હાથે આકાંક્ષાના શરીરને જાણે પોતાનું મોત આપતો હોય તેવી રીતે અગ્નિદાહ આપ્યો. આ બધી પરંપરા તોડીને દોડીને આકાંક્ષા સાથે એની જોડે જ ભળી જાઉં. રાખ થયીને ખાખ થયી જાઉં એની સાથે. આકાંક્ષાની અંતિમવિધિ પતાવીને અનંત જેલમાં આખો દિવસ સાવ સુનમુન થયી ગયો હતો. આખો દિવસ અને આખી રાત અનંત આકાંક્ષાના વિચારોમાં જ ખોવાઈ ગયો હતો. આકાંક્ષા સાથે હંમેશા સાથે જીવવા અને સાથે મરવાના આપેલ વચનને અનંત નિભાવી ના શકયો. એના માટે હજુ આકાંક્ષા જીવતી જ હતી. અને વ્રજઘાત જેવું હતું આકાંક્ષાના મોતનો આરોપ. જે આકાંક્ષા એના માટે મૃત્યુ પામી જ ન હતી. એના જ મૃત્યુની સજા ભોગવી રહ્યો હતો આજે અનંત.

હજુ ગઈ કાલે આકાંક્ષાને આપેલો અગ્નિદાહ હજુ અનંતના શરીરને દજાડતો હતો. વળી, આજે કોર્ટમાં અનંતને હાજર કરવાનો હતો. આજે ફેસલો આપવાનો હતો, આકાંક્ષાના મૃત્યુનો. લોકોના ટોળા, ભીડ વચ્ચેથી આરોપી અનંતને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. વકીલની દલીલો અને દરેક પ્રશ્નો સામે નીરુત્તર હતો અનંત. લોકોની નજરે દોષિત અનંત પોલીસ શોધખોળ અને પોસ્ટમોર્ટમના રીપોર્ટમાં નિર્દોષ સાબિત થયો. પોસ્ટમોર્ટમના રીપોર્ટ મુજબ આકાંક્ષાનું મૃત્યુ હ્રદયરોગના હુમલાને કારણે થયેલ હતું. કોર્ટમાંથી નિર્દોષ સાબિત થતા અનંત પોલીસસ્ટેશનમાં પ્રાથમિક તપાસ પતાવીને પોતાના સુગમ એપાર્ટમેન્ટમાં આવ્યો, જ્યાં લીફ્ટમાં ❼ નંબરનું બટન પ્રેસ કર્યું. આજે અનંત ને ઘર તરફ જવાની કોઈ જ ઉતાવળ નથી. આકાંક્ષા સાથે વિતાવેલો સમય સ્લોમોશનમાં નીકળવા લાગ્યો. લીફ્ટ છ ફ્લોર પસાર કરે છે. જ્યારે સાતમાં ફ્લોરે લીફ્ટનો દરવાજો ખુલે છે. અનંત સામે એજ ભીડ જાણે એને ગુનેગાર ઠેરવવા રાહ જોઈને ઉભી રહી હોઉં એવો ભાસ થાય છે. ઘર નંબર ૭૦૩જ્યાં “ અનંતની આકાંક્ષા ” નામની નેમપ્લેટને અનંત ઘણો સમય એમને એમ જ જોઈ રહે છે. અનંત રૂમમાં આવી પોતાના બેડ પર આડો પડ્યો. તે પોતાની જગ્યા પર પગ લાંબા કરી વિચારોના વમળમાં ક્યારે આંખનું નમન થયી ગયું ખબર ના પડી. વહેલી સવારે સૂર્યના કિરણો અનંતની આંખો ખોલી ના શક્યા. આકાંક્ષાના સહવાસમાં જીવતો અનંત આજે તેના વગર શ્વાસ નાં લઈ શક્યો. દીવાલો ફરી અનંતના શરીરની ગંધથી પાડોશીઓને ચેતવવા તૈયાર થયી ગઈ. અનંતનું આકાશ તરફનું મો તેના ચહેરા પર એક હાસ્ય આકાશને જાણે કંઈક જવાબ આપી રહ્યું હતું.