Viprani Videshyatra - Nepal Pravas - 9 in Gujarati Travel stories by દીપક ભટ્ટ books and stories PDF | વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૯

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૯

બૌદ્ધનાથ સ્તૂપ ~~~

પોખરાથી પાછા ફર્યા પછી નેપાળ પ્રવાસના આખરી ઓપમાં હવે બાકીની ખુબ જ જાણીતી જગ્યાઓની મુલાકાત લેવાની હતી

નેપાળ પ્રવાસની શરૂઆતે સ્વયંભુનાથ મંદિરની અને સ્વયંભુનાથ ગાર્ડનની મુલાકાત લઈ લીધી હતી.

આજે શહેરના ઉત્તરપૂર્વ ભાગમાં શહેરથી ૧૨ KM દૂર આવેલા બૌદ્ધનાથ સ્તૂપની મુલાકાતે અમારી રથયાત્રા નીકળી.

રહેણાંક વિસ્તારોની અને ધંધાકીય બજારોની વચ્ચે હોવાથી ગાડીના પાર્કિંગના પ્રોબ્લેમ હતા

એટલે અમારા સારથીએ ગાડી દોઢ - બે KM દૂર એક રહેણાંક વિસ્તાર નજીકની નાનકડા મેદાન જેવી જગ્યામાં રોકી લીધી

અમે ત્યાંથી ચાલીને બૌદ્ધનાથ સ્તૂપના આગમન દરવાજે પહોંચ્યા

અહીં SAARC દેશોના પ્રવાસીઓ માટે રૂ.૧૦૦ પ્રવેશ ફી છે જ્યારે ચીન સહિતના અન્ય દેશોના પ્રવાસીઓ માટે રૂ.૪૦૦ની પ્રવેશ ફી છે.

સ્થાનિક નેપાળીઓ માટે કોઈ પ્રવેશ ફી નથી.

દસ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકો માટે પણ કોઈ પ્રવેશ ફી નથી.

મુખ્યત્વે પ્રવાસન પર નભતા નેપાળ જેવા દેશ માટે આવા મંદિર સહિતના પ્રવાસસ્થળોએ પ્રવેશ ફી જરૂરી તો ખરી જ.

અને અમે બૌદ્ધનાથ સ્તૂપના પરિસરમાં પ્રવેશી ચુક્યા

શું ભવ્યતા હતી

જમીનથી ૩૬ ફૂટ ઉપર લગભગ ૫૦ મીટર ઊંચો સ્તૂપ અને સ્તૂપનો ઘેરાવો લગભગ ૩૩૦ ફૂટ

આ સ્તૂપ દુનિયાનો સૌથી મોટો સ્તૂપ હોવાનું મનાય છે

આ સ્તૂપ ઈ.સ. પૂર્વે ૬૦૦ વર્ષ પહેલા બન્યો હોવાની માન્યતા છે એટલે કે આજથી લગભગ ૨૬૦૦ વર્ષ પહેલા !

આજે એ સ્થળ UNESCOની World Heritage Cultural siteમાં સ્થાન ધરાવે છે

તિબેટમાં ચીનના આધિપત્ય પછી હજારો તિબેટી શરણાર્થીઓ હિજરત કરીને નેપાળમાં આવ્યા અને તેઓ બૌદ્ધનાથ સ્તૂપની આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરવા લાગ્યા

દરવર્ષે ફેબ્રુઆરી મહિનામાં અહીં તિબેટીયન નવું વર્ષ "લ્હોસાર" મનાવવામાં આવે છે

કદાચ તિબેટીયન નવાવર્ષની ઉજવણી તિબેટમાં અને નેપાળમાં અલગ અલગ દિવસોએ કરાય છે

લોકોક્તિ પ્રમાણે લિચ્છવી રાજા બિક્રમાદિત્યના સમયે આ વિસ્તારમાં દુષ્કાળના ઓળા છવાયેલા.

લોકો પાણી માટે વલખતા અને ઝાકળનું પાણી એકઠુ કરીને પોતાની તરસ છીપાવતા

નેપાળી ભાષામાં "ખસ" એટલે ઝાકળ અને "તી" એટલે ટીપા

આ વિસ્તારને જે તે સમયથી "ખસતી"ના નામે ઓળખવામાં આવે છે

રાજાથી પ્રજાનું આ દુઃખ ના જોવાયું

રાજાએ "ધ્રુન્ગે ધારા" બનાવવાનો નિર્ણય કર્યો અને જે તે સમયના જ્યોતિષાચાર્યોની સલાહ લીધી

સલાહ પ્રમાણે ૩૨ લક્ષણા પુરુષની બલિ ચઢાવાય તો જે તે જગ્યાએ પાણી ફૂટે

જે તે સમયે રાજ્યમાં ૩૨ લક્ષણા ત્રણ જ પુરુષો હાજર હતા

એક રાજા પોતે અને બીજા બે રાજકુમાર

રાજાએ પોતાની બલિ ચઢાવવાનું નક્કી કર્યું

અને પોતાના મોટા રાજકુમારને તલવાર આપીને રાજાએ પોતાનું મસ્તક ધડથી અલગ કરી દેવા જણાવ્યું

જે સ્થળે રાજાનું મસ્તક પડ્યું ત્યાં ભૂગર્ભમાંથી પાણી ના મળ્યું

હવે રાજકુમારને પોતાના પિતાનો અકારણ વધ કરવાનો વસવસો થયો !

જેનું પ્રાયશ્ચિત કરવાના ઉપાય જે તે જ્યોતિષાચાર્યોને પૂછ્યા

જ્યોતિષાચાર્યોના કથન પ્રમાણે રાજકુમારને એક મરઘી ઉડાડવાનું કહેવાયું અને જ્યાં એ મરઘી બેસે ત્યાં મંદિર બનાવવા કહેવાયું

જે તે મરઘી ઉડીને "ખસતી"ના હાલના બૌદ્ધનાથ મંદિરની જગ્યાએ બેઠી

અને ત્યાં "બૌદ્ધનાથ મંદિર" બન્યું

આજે આ વિસ્તાર "ખસતી"ના બદલે "બૌદ્ધનાથ" તરીકે ઓળખાય છે

જોકે બૌદ્ધનાથ મંદિરના બાંધકામ અંગે આજેય ઘણા મતમતાંતર પણ પ્રવર્તે છે

જુદાજુદા દાવાઓ પ્રમાણે રાજા શિવદેવ (૫૯૦ - ૬૦૪ CE) , માનદેવ (૪૬૪ - ૫૦૫ CE) દ્વારા બૌદ્ધનાથ સ્તૂપનું નિર્માણ કરાયું

જયારે તિબેટીયનોના દાવા પ્રમાણે ૧૫મી સદીમાં આ આ જગ્યાએ નિર્માણકાર્ય શરુ કરાયું

ત્યારે જે તે જગ્યાએથી રાજા અંશુવર્માના (૬૦૫ - ૬૨૧) અસ્થિ પ્રાપ્ત થયા હતા

બૌદ્ધનાથમાં નિર્વાણના તેર તબક્કાઓ દર્શાવાયા છે.

સ્તૂપના મધ્યભાગમાં એ તબક્કાઓ દર્શાવતું "Life Tree" બતાવાયું છે

પ્રવાસીઓ, ગુંબજના પ્લીન્થ પર પ્રદક્ષિણા કરી શકે છે

અમે પણ ગુંબજના પ્લીન્થ પર પ્રદક્ષિણા કરી આશીર્વાદ મેળવ્યા

સ્તૂપના છેક નીચેના ભાગમાં ભગવાન બુદ્ધની ૧૦૮ યોગ મુદ્રાઓ દર્શાવાઈ છે જે તાંબાના પતરામાં ઉપસાવેલી છે.

સ્તૂપના ઉત્તરભાગના પ્રવેશે હરિતિ ઉર્ફે અજીમા માતાનું મંદિર છે.

જે માતાજી આપણા "શીતળા માતા"ને સમકક્ષ ગણાય છે.

બૌદ્ધનાથ પરિસરમાં હોટલ, રેસ્ટોરન્ટ , ભગવાનની મૂર્તિઓની દુકાનો, ભગવાનની ભક્તિ કરવા વપરાતી સાધન સામગ્રીની દુકાનો આવેલી છે.

મોટાભાગની હોટલ અને રેસ્ટોરન્ટ ચીની માલિકોની જણાઈ

૨૫ એપ્રિલ ૨૦૧૫ના રોજ નેપાળમાં આવેલા વિનાશક ભૂકંપમાં બૌદ્ધનાથ સ્તૂપને ઘણું નુકશાન થયું હતું

ઓક્ટોબર ૨૦૧૫ સુધીમાં બૌદ્ધનાથના ગુંબજને ફરી બનાવાયો

ત્યારબાદ નવેમ્બર ૨૦૧૫થી બૌદ્ધનાથ સ્તૂપના ગુંબજ પરના "Life Tree"નું નવેસરથી બાંધકામ શરુ કરાયું

ત્યાંની દુકાનોમાંથી અમારે તો કોઈ ખરીદી કરવાની નહોતી

એટલે "Window Shopping" શરુ કર્યું

દરમ્યાન મૂર્તિઓની એક દુકાનના શોરૂમમાં ખુબ જ સુંદર મૂર્તિઓ જોઈ અને એની તસવીર ખેંચી

અને દુકાનદાર મને તસવીર ખેંચતા જોઈ ગયો

અને એ દુકાનદાર સાથે થોડીક માથાકૂટ થઈ

પણ હું જે તે તસવીર મારા અંગત ઉપયોગ માટે જ વાપરવાનો હોવાની વાત એ દુકાનદાર મિત્રને સમજાવવામાં હું સફળ રહ્યો

અને એ તસવીરો બચી ગઈ

પરિસરની બહાર નીકળતા સામે એક નાનકડી પાણીપુરીની દુકાન દેખાઈ

પછી જીવ ઝાલ્યો રહે !

નજીકમાં જ એક તડબૂચની દુકાન પણ દેખાઈ

એને પણ યોગ્ય ન્યાય આપ્યો

કહે છે અહીં પણ મોટાપ્રમાણમાં UP અને બિહારના લોકો ધંધા રોજગારની શોધમાં આવી વસ્યા છે

પણ અહીં લારીગલ્લા ઉભા કરી શકતા નથી એટલે સાયકલો પર ટોપલા અને ખુમચા સાથે રાખીને પોતાનો ધંધો કરે છે

રાત્રે આઠેક વાગે અમે સીધા અશોક રેસ્ટોરન્ટ પર ગયા અને પેટપૂજા કરી હોટલના ઉતારે પાછા ફર્યા

"લુકલા એરપોર્ટ" ઉર્ફે "તેનઝિંગ - હિલેરી એરપોર્ટ" ~~~

દુનિયાના સૌથી ખતરનાક એરપોર્ટમાં જેની ગણના થાય છે એ લુકલા એરપોર્ટ ઉર્ફે તેનઝિંગ - હિલેરી એરપોર્ટની વાત કર્યા વગર નેપાળ પ્રવાસની વાતો અધૂરી જ કહેવાય

"હિમાલય કી ગોદમેં" +૯૩૦૦ ફૂટની ઊંચાઈએ આવેલ એરપોર્ટ

જે ૧૭૩૦ ફૂટનો રનવે ધરાવે છે અને રનવેની પહોળાઈ માત્ર અને માત્ર ૯૮ ફૂટ જ છે !

જ્યારે સામાન્યરીતે રનવે ૫૫૦૦ થી ૬૦૦૦ ફૂટનો હોવો જરૂરી છે

જ્યારે સામાન્યરીતે રનવે ૨૦૦ ફૂટ થી ૨૫૦ ફૂટ પહોળા હોવા જોઈએ

એરપોર્ટના રનવે અને પર્વતમાળાની મર્યાદાઓ સાથે મોડી સવારથી શરુ થઈ સાંજ સુધી રહેતો સખત પવન નાનકડા વિમાનોને અને હેલિકોપ્ટરને હવામાં ઉડાડી દે તેવો તીવ્ર અને જોરદાર હોય છે

જે આ એરપોર્ટને ખતરનાક થી વધુ ખતરનાક બનાવવા માટે પૂરતો હોય છે

આ કારણે આ એરપોર્ટ સવારે ૭ વાગ્યાથી સવારના ૧૧ વાગ્યા સુધી જ કાર્યરત રહી શકે છે એટલે આજેય કાઠમંડુ એરપોર્ટથી સૌથી પહેલી લુકલાની ફ્લાઇટો રવાના કરાય છે

ત્યારબાદ માઉન્ટેન ફ્લાઇટ અને છેલ્લે અન્ય ફ્લાઇટોનો નંબર આવે છે.

આ સમય દરમ્યાન ડોનીયર 228, L 410 ટર્બોલેટ અને DHC 6 ઓટર જેવા નાનકડા વિમાનો અને નાનકડા હેલિકોપ્ટર જ અવરજવર કરી શકે છે

આ સફરમાં મોટેભાગે વિદેશી પર્વતારોહકો , વિદેશી પર્વતારોહકો માટેનો જરૂરી સામાન, લુકલા અને નામછે બાઝાર સહિતના આજુબાજુના ગામોમાં રહેતા લોકો માટેનો જીવનજરૂરી સામાન આવે છે

કારણ કે આજેય લુકલા સુધી પાકા રસ્તા બન્યા નથી.

અહીંથી પાછી ફરતી મોટાભાગની ખેપ મોટાભાગે ખાલી જ હોય છે

૧૯૫૩માં એડમંડ હિલેરીને એવરેસ્ટ સર કરતા એ વાત ધ્યાને આવી કે એવરેસ્ટ સર કરવા જેટલું જ ખતરનાક કામ એવરેસ્ટ બેઝકેમ્પ સુધી પહોંચવું છે.

૧૯૬૪માં સર એડમંડ હિલેરીએ જે તે સમયના રાજા "મહેન્દ્ર વીર વિક્રમ શાહ"ને વિનંતી કરી હિમાલયની પર્વતમાળામાં એવરેસ્ટની ગોદમાં આવેલા "લુકલા" નામના આ નાનકડા ગામમાં એરપોર્ટ બનાવવાની પરવાનગી લીધી.

મૂળ યોજના પ્રમાણે લુકલા નજીકના ખેતરોની જમીન પર એરપોર્ટ બનાવવાની યોજના હતી

પણ જે તે સમયે ખેડૂતોએ પોતાની ઉપજાઉ જમીનો એરપોર્ટ આપવાની તૈયારી ના બતાવી એટલે છેક પર્વતમાળાની નજીકમાં હાલ જે જગ્યાએ એરપોર્ટ છે એ એરપોર્ટ સર એડમંડ હિલેરીની સીધી દેખરેખ હેઠળ બનાવાયું.

હિલેરીએ સ્વખર્ચે એરપોર્ટ માટે જે તે સમયે આ એરપોર્ટની જમીન સ્થાનિક શેરપાઓ પાસેથી US $૨૬૫૦માં ખરીદી હતી.

જે તે સમયે લુકલા સુધી ભારેખમ "રોડ રોલર" સહિતના અન્ય સાધનો પહોંચાડવાનું કામ દુષ્કર હતું , જ્યાં માણસ જ માંડ પહોંચતો હતો !

અપૂરતા સાધનોની સગવડે બનેલા ઉબડખાબડ રનવે થી હિલેરી નાખુશ હતા

આથી તેમણે સ્થાનિક શેરપાઓને સ્વખર્ચે ખુબ જ દેશી દારૂ પીવડાવેલો અને જે તે સમયના રનવેને સમથળ કરવા જે તે રનવે પર કલાકો સુધી "જાઝ નૃત્ય" કરાવેલું !

What an Idea, હિલેરી Sirજી !

એ પ્રયત્ને અને એ રનવેના સહારે શરુ થયેલું એરપોર્ટ ૨૦૦૧ સુધી એમ જ કાર્યરત રહ્યું

છેક ૨૦૦૧માં જે તે રનવેનું નવીનીકરણ કરાયા બાદ દુનિયાના અન્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ધારાધોરણ પ્રમાણે સમથળ રનવે અસ્તિત્વમાં આવ્યો.

છેક ડિસેમ્બર ૨૦૦૭ સુધી એ એરપોર્ટનું નામ "લુકલા એરપોર્ટ" જ હતું

પણ જાન્યુઆરી ૨૦૦૮માં નેપાળ સરકારે આધિકારીકરીતે સૌ પ્રથમ એવરેસ્ટ શિખર સર કરનારા પર્વતારોહી તેનઝિંગ અને હિલેરીના સન્માનમાં એ એરપોર્ટનું નામ "તેનઝિંગ - હિલેરી એરપોર્ટ" કર્યું

૨૦૨૧ સુધીમાં લુકલા એરપોર્ટ નજીક ૧૦ હેલિપેડ બનાવવાનું આયોજન છે.

દુનિયાના આ ખતરનાક એરપોર્ટ પર વિમાન સલામતરીતે લઈ જવા લાવવાની જવાબદારી નેપાળ સરકારના ખાસ કાયદાનુસાર એવા પાઈલોટોના શિરે મુકાઈ છે

જે પાઈલોટને ઓછામાં ઓછા ૧૦૦ short-takeoff-and-landing (STOL)નો અનુભવ હોય અથવા

જે પાઈલોટે અનુભવી પાઈલોટ સાથે ઓછામાં ઓછી ૧૦ વખત લુકલા એરપોર્ટ પર ઉડાન ભરીને સલામતરીતે ઉતરાણ અને ઉડાન પાર પાડયા હોય !

કદાચ ઉપર દર્શાવેલા કારણોના કારણે જ કાઠમંડુથી લુકલાના ૧૪૦ KMની વિમાની મુસાફરીની સેવાની કિંમત આપોઆપ જ વધી જાય છે

કાઠમંડુથી લુકલાની એકતરફ્ની ટિકિટ નેપાળીઓ માટે રૂ.૫,૫૦૦ , ભારતીય પ્રવાસીઓ માટે રૂ.૧૦,૦૦૦ અને વિદેશી પ્રવાસીઓ માટે US $ 200 રખાઈ છે.

અત્યારે ૧,૫૦,૦૦૦ પ્રવાસીઓ કાઠમાન્ડુ - લુકલાની આ વિમાન અને હેલિકોપ્ટર સેવાનો લાભ લે છે. જેમાં મોટાભાગના વિદેશી પર્વતારોહીઓ જ હોય છે.

સરકાર અને એવિએશન ઓથોરિટી દ્વારા આટઆટલી તકેદારી રાખવા છતાંયે લુકલા એરપોર્ટ પર અવારનવાર વિમાન અને હેલિકોપ્ટરના અકસ્માત થતા રહે છે

છેલ્લા ૧૫ વર્ષમાં નોંધાયેલા જીવલેણ અકસ્માતોમાં

૨૫ મે ૨૦૦૪ના દિવસે યેતી એરલાઈન્સનું DHC-6 પ્રકારનું વિમાનઘરની નજીકની લામજૂરા ટેકરી પાસે દુર્ઘટનાગ્રસ્ત થયું

કાઠમંડુથી આવતા આ વિમાનમાં એ સમયે એકપણ પ્રવાસી ના હતો

પણ વિમાનચાલક અને વિમાનની પરિચારિકા સહીત ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા

ફરી ૮ ઓક્ટોબર ૨૦૦૯ના દિવસેયેતી એરલાઈન્સનું DHC-6 પ્રકારનું વિમાનઘરના રનવે પર ઉતરતા અકસ્માતગ્રસ્ત થયું અને તેમાં આગ લાગી

આ જીવલેણ અકસ્માતમાં ૧૮ પ્રવાસીઓ અને ૩ વિમાનચાલક અને વિમાન પરિચારિકા સહીત ૨૧ વ્યક્તિઓના મૃત્યુ થયા.

૨૭ મે ૨૦૧૭ના દિવસે સુમિત એરનું એક કાર્ગો વિમાન લુકલા વિમાનઘર પર ઉતારતા સમયે એક ઝાડને અડી જતા રનવે પર અકસ્માતગ્રસ્ત થયું

એક પાયલોટનું અકસ્માત સ્થળે મૃત્યુ થયું

ઘવાયેલા અન્ય એક પાયલોટનું આઠ કલાક પછી હોસ્પિટલમાં મૃત્યુ થયું

વિમાનમાં સવાર એક અન્ય કર્મચારી ગંભીરરીતે ઘવાયો હતો

૧૪ એપ્રિલ ૨૦૧૯ સુમિત એરનું એક કાર્ગો વિમાન લુકલા વિમાનઘર પરથી ઉડતા સમયે અચાનક ફંટાઈને એરપોર્ટ પર ઉભેલા બે હેલિકોપ્ટર પર જઈ પડ્યું

આ અકસ્માતમાં જે તે વિમાન સહીત એક હેલિકોપ્ટર સંપૂર્ણપણે નષ્ટ પામ્યા

આ અકસ્માતમાં વિમાનમાં બે પાઈલોટ અને એરપોર્ટ પર ફરજપરસ્ત પોલીસ અધિકારી મૃત્યુ પામ્યા

વિશ્વનું ખતરનાક એરપોર્ટ, લુકલા એરપોર્ટ ઉર્ફે તેનઝિંગ - હિલેરી એરપોર્ટ.

લુકલા એરપોર્ટ ઉર્ફે તેનઝિંગ - હિલેરી એરપોર્ટ, સ્વર્ગના દરવાજાની અનુભૂતિ !

નામછે બાઝાર, શેરપા કેપિટલ ઓફ એવરેસ્ટ, Gateway of Everest ~~~

અરે એ ગામનું નામ જ છે "નામછે બાઝાર"

બસ એ જ તો છે એવરેસ્ટનું પ્રવેશદ્વાર

ઉત્તર-પૂર્વ નેપાળનું છેક છેવાડાનું ગામ

લગભગ ૪૦૦ ઘર અને લગભગ ૧૬૦૦ લોકોની વસ્તી

ગામનું એકએક ઘર શેરપાનું ઘર

ગામનો એકએક શેરપા એવરેસ્ટનો ભોમિયો

એ શેરપા જ તો તમને વિશ્વના સૌથી ઊંચા પર્વતાધિરાજની ટોચ પર પહોંચવામાં મદદ કરે

એજ તમારો ભોમિયો, એજ તમારો સહાયક અને એજ તમારો સારથી

અને ટૂંકાગાળાના એ સંબંધો સાવ એવા નહિ કે મુસીબતમાં એ તમને રઝળાવીને પોતાનો જીવ બચાવીને ભાગી જાય

વિકટ પરિસ્થિતિમાં પોતાના જીવની પરવા કર્યા વગર એ પહેલા તમારો જીવ બચાવે પછી જ પોતાના જીવની પરવા કરે !

શેરપા એટલે ખરા અર્થમાં શેર !

એટલે જ તો "નામછે બાઝાર" ને "શેરપા કેપિટલ ઓફ એવરેસ્ટ" તરીકે ઓળખાય છે !

આમ તો માઉન્ટ એવરેસ્ટ નેપાળ અને તિબેટ વચ્ચે વહેંચાયેલો

પણ એવરેસ્ટને સર કરવાનો સૌથી સહેલો કહેવાતો પણ કપરો રસ્તો "નામછે બાઝાર" થઈને પસાર થાય

એવરેસ્ટ સર કરવા નીકળેલા વિદેશી પર્વતારોહીઓ "નામછે બાઝાર"માં બે ત્રણ દિવસ રોકાય અને એવરેસ્ટના વાતાવરણથી સુપરિચિત થાય

સાથે સાથે આ રોકાણ દરમ્યાન પોતાને પર્વતારોહણ માટે લઈ જવાની ટ્રેકીંગની સાધનસામગ્રી અને જરૂરી ખાદ્ય વસ્તુઓનો બંદોબસ્ત કરે

કારણ કે નામછે બાઝાર પછી એવરેસ્ટના રસ્તે તેમને જરૂરી કોઈ જ વસ્તુઓ મળવાની કોઈ જ શક્યતા નથી.

અહીં નાનીમોટી દુકાનો ખરી

પણ દર શનિવારે સવારથી બજાર ભરાય

આ બજારમાં સ્થાનિક લોકો માટેની ખાદ્યસામગ્રી સહીત જીવનજરૂરી વસ્તુઓ ઉપલબ્ધ

આ બજારમાં નામછે બાઝાર સહિતના આજુબાજુના નાના નાના ગામોના લોકો પોતાની રોજિંદી વપરાશની વસ્તુઓ ખરીદવા આવે

આ બજારમાં નેપાળી અને તિબેટી વેપારીઓ પોતાનો ધંધો કરે

એવું કહેવાય છે કે "નામછે બાઝાર" દુનિયાની સૌથી મોંઘી જગ્યા છે

"અહીં કોઈપણ વસ્તુના ભાવ જે તે વસ્તુના સામાન્ય ભાવથી ૨૦ થી ૨૫ ઘણા વધારે હોય છે !"

કારણ કે માર્ગ વાહનવ્યવહારના અભાવે ત્યાં આવતી તમામ ચીજવસ્તુઓ કાઠમંડુથી વિમાનમાર્ગે લવાય છે

નામછે બાઝાર, યાકના દૂધમાંથી સ્થાનિક શેરપાઓએ પોતાના ઘરમાં બનાવેલા ચીઝ અને પનીર ખુબ વખણાય છે

નામછે બાઝારમાં વિદેશી પર્વતારોહીઓને રહેવા માટે નાનકડી હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ અને સાયબર કાફેની સગવડ છે.

નામછે બાઝારથી એવરેસ્ટ તરફ આગળ વધતા તમે સમગ્ર દુનિયા સાથેના તમામ સંદેશાવ્યવહારથી વંચિત થઈ જાવ છો

આજના જમાનામાં એ પરિસ્થિતિ એક અસહ્ય, અનિચ્છનીય અને અકલ્પનિય ઘટના ગણી શકાય !

૧૯૯૫થી "નામછે બાઝાર"ને નજીકમાં આવેલા થામે - નામછેના 600 MWના હાઈડ્રો પાવરપ્લાન્ટમાંથી વીજળી પૂરી પાડવામાં આવે છે

કાઠમંડુ ડોમેસ્ટિક એરપોર્ટ પર સતત ચાર દિવસ સુધી વહેલી સવારે લુકલા જનારી ફ્લાઈટમાં જવા માટે આતુર એવા અસંખ્ય વિદેશી પર્વતારોહી પ્રવાસીઓને જોયા કે જેઓ જે તે ફ્લાઈટ કેન્સલ થવાની જાહેરાત થતા નિરાશ વદને એરપોર્ટથી બહાર નીકળતા હતા

એક વિચાર, એકવીસમી સદીમાં આટઆટલી સગવડો છતાંયે લુકલા કે નામછે બાઝાર પહોંચવું દુષ્કર છે તો પહેલા તો કેવી હાલત હશે ?!

લુકલાથી નામછે બાઝારનું અંતર આમ તો ૧૫ KM જ પણ ઘણીવખત પગપાળા એ અંતર કાપતા દોઢ દિવસ લાગી જાય છે !

નામછે બાઝાર દરિયાની સપાટીથી +૧૧,૨૦૦ ફૂટ ઉપર છે

જેના એવરેસ્ટ તરફના નજીકમાં નજીક આવેલા ગામોમાં સિન્ગબોચે , થામે, ખુમજૂન્ગ અને ખૂંડે ગામો છે

નામછે બાઝારથી પશ્ચિમે પર્વત "કૉંગડે રી" સ્થિત છે જેની ઊંચાઈ ૨૦,૩૦૦ ફૂટની છે અને પૂર્વમાં થમશેરકુ પર્વત છે જેની ઊંચાઈ ૨૧,૮૦૦ ફૂટની છે

અહીં જૂન - જુલાઈમાં સૌથી વધુ તાપમાન ક્યારેક ૧૫ - ૧૬ ડિગ્રી પહોંચે છે

જયારે નવેમ્બરથી એપ્રિલ સુધીમાં અહીંનું વધુમાં વધુ તાપમાન (-) ૮ થી (-) ૧૦ જેટલું રહે છે

વર્ષભરનું અહીંનું સરેરાશ તાપમાન ૪ ડિગ્રીની આસપાસ રહે છે

"નામછે બાઝાર"માં ૧૨,૩૦૦ ફૂટની ઊંચાઈએ "સિન્ગબોચે" નામનું નાનકડુ એરપોર્ટ આવેલું છે

જે એરપોર્ટ પર પ્રવાસી વિમાનોના ઉતરાણ પર પ્રતિબંધ છે

હા ... ક્યારેક એ એરપોર્ટ પર રશિયન બનાવટના કાર્ગો હેલિકોપ્ટર જીવનજરૂરી માલસામાનના વહન માટે ઉતારાય છે

અને એ પણ માત્ર આકસ્મિક સંજોગોમાં જ

ખાલી એનું નામ છે "નામછે બાઝાર" પણ એ "Gateway of Everest" છે !


મહાલંગૂર હિમાલ ઉર્ફે ચોમોલુન્ગ્મા ઉર્ફે સાગરમાથા ઉર્ફે એવરેસ્ટ ~~~

વર્ષો સુધી દુનિયામાં સૌથી ઊંચો પર્વત હોવાનો જશ "કાંચનજંઘા"ને મળ્યો

આજેય ભારતની હદમાં આવેલો સૌથી ઊંચો પર્વત "કાંચનજંઘા" જ છે

૧૮૫૨ સુધી "બિન આધિકારિક"પણે "કાંચનજંઘા"ની દુનિયાના સૌથી ઊંચા શિખરધારી પર્વત તરીકેની ઓળખ રહી.

૧૮૪૯માં the Great Trigonometrical Survey of Indiaના અવલોકનો અને તારણો પરથી જે તે સમયે Peak 15 દુનિયાનો સૌથી ઊંચો પર્વત હોવાનું કહેવાયું

વધુ અવલોકનો અને તારણો પછી ૧૮૫૬માં અધિકારીકરીતે Peak 15ને દુનિયાના સૌથી ઊંચા પર્વત તરીકે સ્થાન અપાયું

અને કંચનજંઘાની ત્રીજો નંબર અપાયો

નવા માપ અને તારણોના આધારે નેપાળ અને તિબેટની સરહદોમાં વસેલો "એવરેસ્ટ" ૨૯૦૨૯ ફૂટ (૮૮૪૮ મીટર)ની ઊંચાઈ સાથે પ્રથમ સ્થાને

પાપીસ્તાન અને ચીનની સરહદોમાં આવેલો "K 2" ૨૮૨૫૧ ફૂટ ( ૮૬૧૧ મીટર)ની ઊંચાઈ સાથે બીજા સ્થાને

અને ભારત અને નેપાળની સરહદે બિરાજમાન "કાંચનજંઘા" ૨૮૧૬૯ ફૂટ ( ૮૫૮૬ મીટર )ની ઊંચાઈ સાથે ત્રીજા સ્થાને છે

જોકે આપણે લુકલાથી આગળ વધીને છેક નામછે બજાર પહોચી ગયા છીએ

અને આપણે તો વાત દુનિયાના સૌથી ઊંચા પર્વત "એવરેસ્ટ"ની વાત કરવાની છે

એવરેસ્ટનું નામકરણ ૧૮૬૫માં Andrew Waugh નામના British Surveyor General of India દ્વારા કરાયુ

Andrew Waugh પહેલા Sir George Everest એ British Surveyor General of India હતા

Peak 15ને પોતાનું નામ આપવાની Sir George Everestની જરાયે ઈચ્છા ના હતી પણ Andrew Waugh Peak 15ને Everest નામ આપીને જ રહયા

નેપાળમાં Everestને આજેય "સાગરમાથા" તરીકે અને તિબેટમાં "ચોમોલુન્ગ્મા" તરીકે જ ઓળખવામાં આવે છે.

એવરેસ્ટ હિમાલયની "મહાલંગૂર હિમાલ" સબ રેન્જમાં સ્થિત છે.

નેપાળ આજે એવરેસ્ટની ઊંચાઈ ૮૮૪૮ મીટરની માને છે

જયારે ચીન આ ઊંચાઈને ૮૮૪૪ મીટર (29017 ફૂટ) જ ગણે છે

ચીનની દલીલ પ્રમાણે "એવરેસ્ટના શિખર પર ૪ મીટર સુધી જામેલો સખત બરફ ખડકાળ પર્વતની ઊંચાઈમાં ગણાવો ના જોઈએ"

૨૯ મે ૧૯૫૩ના દિવસે ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરી અને તેનઝિંગ નોર્ગેય સૌપ્રથમ વખત વિશ્વના સૌથી ઊંચા પર્વત એવરેસ્ટના શિખર પર પગ મૂકીને એવરેસ્ટને સર કર્યો.

એ પહેલા ઘણા પર્વતારોહીઓએ પ્રયત્ન કર્યા હશે અને કદાચ સફળ પણ થયા હશે પણ પાછા ફરતા તોફાનોમાં અટવાઈને એવરેસ્ટ પર જ દફન થઈ ગયા હશે

આજથી પંદરેક વર્ષ પહેલા ફોટા સહીત છાપામાં આવેલા અહેવાલ પ્રમાણે એવરેસ્ટની ટોચની સાવ નજીક એક વ્યક્તિનો મૃતદેહ હાથ લાગ્યો હતો

જેની પર્વતારોહી તરીકેની નોંધણી નેપાળ કે તિબેટમાં ઉપલબ્ધ નહોતી !

કદાચ એ પર્વતારોહી ૧૯૫૩ પહેલા એવરેસ્ટના શિખર સુધી પહોંચી ગયો હોય

પણ કમનસીબે એ પર્વતારોહી પોતાની સિદ્ધિ જગતને જણાવતા પહેલા મૃત્યુ પામ્યો હોય !

કદાચ એ પર્વતારોહી જેવા બીજા ઘણા પર્વતારોહીઓના નિશ્ચેતન શરીર એવરેસ્ટના બરફ હેઠળ ધરબાયેલા પણ હોય !

એવરેસ્ટ શિખર સર કર્યાના બરાબર બે વર્ષ પછી ૨૫ મે ૧૯૫૫ના દિવસે જો બ્રાઉન અને જ્યોર્જ બેન્ડ નામના બે બ્રિટિશ પર્વતારોહીઓએ સૌપ્રથમ વખત કાંચનજંઘાનું શિખર સર કર્યું.

નેપાળ, પ્રવાસન ઉદ્યોગ પર નભતો નાનકડો દેશ છે

અત્યારે એવરેસ્ટ પર જવા માંગતા પર્વતારોહીએ નેપાળ સરકાર પાસેથી એવરેસ્ટ પર પર્વતારોહણ કરવા જરૂરી પરવાનગી લેવી પડે છે

આ પરવાનગીની ફી US $ 11000 છે. આ ફી ગ્રુપમાં જતા પર્વતારોહીઓ માટે છે

જયારે વ્યક્તિગતરીતે જતા પર્વતારોહી માટે આ પરવાનગી ફી US $ 15000 છે.

આ ફીમાં કોઈપણ ઈમરજન્સીમાં સરકારી સેવાનો સમાવેશ થઈ જાય છે.

એ સિવાય શેરપાની ફી, ઓક્સિજન સિલિન્ડર, ગાઈડ અને પોર્ટરની ફી, ખાવાપીવાની સામગ્રી વગેરેનો ખર્ચ US $ 40000 થી US $ 50000 જેટલો અલગથી થાય છે

એ સિવાયના અન્ય ખર્ચાઓ સહીત એવરેસ્ટ શિખરને સર કરવાનો ખર્ચ US $ 70000 જેટલો અંદાજાય છે

એવરેસ્ટ સર કરતા શેરપા / ગાઈડ અને પર્વતારોહી સાથે મળીને આમ તો પોતાનો ખોરાક બનાવે છે

પણ મોટાભાગે રસ્તામાં ખાવા માટે માંસની રાંધેલી વાનગીઓ, ચીઝ, સૂકોમેવો અને આયાતી ફળો પોતાની સાથે રાખે છે

૮ મે ૧૯૭૮ના દિવસે રેઇનહોલ્ડ મેસ્સનેર અને પીટર હાબેલર નામના બે પર્વતારોહીએ ઓક્સિજન વગર એવરેસ્ટના શિખર પર સૌપ્રથમ વખત પગ મુક્યો

દરવર્ષે લગભગ ૧૦૦૦ પર્વતારોહીઓ એવરેસ્ટ સર કરવાની પરવાનગી લઈ એવરેસ્ટ સર કરવા પ્રયત્ન કરે છે

પણ લગભગ ૫૦૦ પર્વતારોહીઓ જ એવરેસ્ટ શિખર સુધી પહોંચી શકે છે

સામાન્યરીતે એપ્રિલ થી જૂન અને સપ્ટેમ્બર થી નવેમ્બર સુધીનો સમય એવરેસ્ટ સર કરવા માટેનો શ્રેષ્ઠ સમય ગણાય છે.

શેરપા અને ગાઈડ દરેક સીઝનમાં US $ 7000 કમાઈ શકે છે

નેપાળમાં મહિનાની સામાન્ય સરેરાશ આવક US $ 50 ગણાય છે

બેઝકેમ્પ થી એવરેસ્ટના શિખર પર પગ મૂકીને પાછા બેઝકેમ્પ સુધી આવવામાં સામાન્યરીતે ૪૦ દિવસ થાય છે

હેલિકોપ્ટર એવરેસ્ટની ઊંચાઈ સુધી ઉડવા સક્ષમ છે પણ એવરેસ્ટના શિખર પર સમાનવ હેલિકોપ્ટર ઉતારવું જોખમી છે અને શક્ય નથી.

આમ છતાંયે ૨૦૦૫માં યુરોકોપ્ટર AS 350 B3ના પાઈલોટ દીદીએર દેલસલ્લેએ એવરેસ્ટ પર પોતાનું યુરોકોપ્ટર ઉતાર્યાનો દાવો કર્યો હતો.

૩ એપ્રિલ ૧૯૩૩ના દિવસે ડેવિડ મસાઇન્ટીર અને ડગ્લાસ હેમિલ્ટન નામના પાયલોટોએ પોતાનું નાનકડું વિમાન એવરેસ્ટ પરથી ઉડાડયાની નોંધ છે

૨૨ મે ૨૦૧૦ના રોજ યુએસના જોર્ડન રોમેરો નામના ૧૩ વર્ષ ૧૦ મહિના અને ૧૦ દિવસની ઉંમર ધરાવતા બાળકે એવરેસ્ટ સર કર્યો હતો

સૌથી યુવા પર્વતારોહીનો રેકોર્ડ જોર્ડન રોમેરોના નામે છે.

૨૫ મે ૨૦૧૪ના દિવસે ભારતની માલવથ પૂર્ણા નામની યુવા પર્વતારોહીએ એવરેસ્ટ સર કર્યો.

એ દિવસે પૂર્ણાની ઉંમર માત્ર ૧૩ વર્ષ ૧૧ મહિના અને ૧૫ દિવસની હતી

૨૩ મે ૨૦૧૩ના દિવસે જાપાનના યૂઈચિરો મિયુરા નામના પર્વતારોહીએ એવરેસ્ટ સર કર્યો ત્યારે તેમની ઉંમર ૮૦ વર્ષ અને ૨૨૪ દિવસની હતી

જેમને સૌથી "યુવા વૃદ્ધ" પર્વતારોહી ગણી શકાય

૧૬ મે ૧૯૭૫ના દિવસે જુનકો તાબે નામની પ્રથમ મહિલા પર્વતારોહીએ એવરેસ્ટનું શિખર સર કર્યું

એરિક વેઈહૅમયેર નામના અમેરિકાના પ્રજ્ઞાચક્ષુ પર્વતારોહીએ ૨૫ મે ૨૦૦૧ના દિવસે એવરેસ્ટને સર કર્યો.

ડેવ હાંન નામના US પર્વતારોહીએ આજસુધી ૧૫ વખત એવરેસ્ટ શિખર પર પગ મુક્યો છે.

જે વિદેશી પર્વતારોહીના નામે એક રેકોર્ડ છે

ભારતની મહિલા પર્વતારોહી સંતોષ યાદવે ૧૯૯૨ અને ૧૯૯૩માં એમ બે વખત એવરેસ્ટ શિખર સર કર્યું છે

૩૦ મે ૨૦૦૫ના દિવસે મોની મુલપતિ અને પેમ દોરજી શેરપાએ એવરેસ્ટ સર કર્યું

અને એ બંનેએ એવરેસ્ટ પર લગ્ન કર્યા

આમ એવરેસ્ટ પર લગ્ન કરનાર અને એવરેસ્ટ સર કરનાર પ્રથમ દંપત્તિ બન્યા

નેપાળના "સુપર શેરપા" ઉર્ફે "આપા શેરપા"એ ૧૯૯૦ થી ૨૦૧૧ દરમ્યાન ૨૨ વખત એવરેસ્ટ સર કર્યો

પોતાની પત્નીને આપેલા વચન પ્રમાણે આપાએ ત્યારબાદ નિવૃત્તિ લઈ લીધી

આપાના દાવા પ્રમાણે કૂંભુ આઇસફોલ સુધી તો ઓછામાં ઓછો ૧૦૦૦ વખત જઈ આવ્યો છે

આપાએ એડમંડ હિલેરીના પુત્ર પીટર હિલેરી સાથે ૧૯૯૦માં પ્રથમ ચઢાણથી એવરેસ્ટ સર કરવાની શરૂઆત કરી હતી.

હાલમાં આ રેકોર્ડ કામી રીટા શેરપાના નામે છે

જેણે ૨૦ મે ૨૦૧૯ સુધીમાં એવરેસ્ટ ૨૪ વખત સર કર્યો

હું પણ નસીબદાર તો ખરો જ કે કાઠમંડુથી શરુ થતી "માઉન્ટેન ફ્લાઈટ"માં સવાર થઈ "એવરેસ્ટના શિખર"ને શક્ય એટલી નજીકથી જોઈ શક્યો

અને સૌથી મોટી વાત કે પર્વતારોહીઓ એકસમયે એક જ પર્વત સર કરી શકે છે જયારે એ ફ્લાઈટમાં મેં નેપાળ, તિબેટ, ચીન અને ભારતમાં વિસ્તરેલા મોટાભાગના હિમાલયને હવાઈમાર્ગે સર કરેલા.


જનકપુર ~~~

જનકપુર, જે સીતાનું જન્મસ્થળ મનાય છે તે

જનકપુર, જ્યાં સીતાનો સ્વયંવર યોજાયો હોવાનું મનાય છે તે

જનકપુર, જ્યાં રામ - સીતાના લગ્ન થયા હોવાનું મનાય છે તે

જનકપુર, કાઠમંડુથી દક્ષિણ - પશ્ચિમમાં ૪૦૦ KMના અંતરે

જનકપુર, બિહારના સીતામઢીથી લગભગ ૬૦ KMના અંતરે

સીતામઢીની ઉલ્લેખ થયો છે તો પહેલા સીતામઢીની થોડી વાત પણ કરી જ લઈએ

કેટલાક સંદર્ભોમાં સીતાનો જન્મ સીતામઢીમાં થયો હોવાનો ઉલ્લેખ પણ કરાયો છે

સીતામઢીથી પાંચ કિલોમીટર દૂર આવેલા પુનૌરા ગામમાં સીતાકુંડ અથવા જાનકીકુંડ છે

અહીં એક અતિ પ્રાચીન મંદિર પણ છે

કહે છે યુગો પહેલા અહીં પુંડરિક ઋષિનો આશ્રમ હતો.

અને આ આશ્રમ નજીક સીતાનો જન્મ થયો હતો

જે તે વિસ્તારમાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે પુરોહિતો અને પંડિતોએ રાજા જનકને જે તે જગ્યા પર "હળકર્ષણ યજ્ઞ" કરી હળ ચલાવવાનો આદેશ આપ્યો

કે જેથી ઈંદ્રદેવ ખુશ થાય અને વરસાદ પડે

જયારે મિથિલાના રાજા જનક પોતાના હાથે ખેતરોમાં હળ ચલાવતા હતા બસ ત્યારે જ જમીનમાંથી બાળકીરૂપે સીતા પ્રગટ થયા હતા

અને જે તે સમયે મુશળધાર વરસાદ પડવો શરુ થયો

સીતામઢીમાં જાનકીઆશ્રમ છે.

સીતામઢી શહેર બિહારની રાજધાની પટનાથી ૧૪૦ કિલોમીટર અને હાલના નેપાળની સરહદની ખુબ જ નજીક છે

૧૯૭૨ સુધી સીતામઢી તાલુકો મુઝફ્ફરપુરનો ભાગ હતો

૧૯૭૨થી સીતામઢી જિલ્લો બનાવાયો અને ડુમરા એ સીતામઢી જિલ્લાનું મુખ્યમથક છે

સીતામઢીમાં વર્ષમાં બે વખત પશુમેળાનો આયોજન થાય છે

એક રામનવમીના દિવસે

બીજો વસંતપંચમી અથવા વિવાહપંચમીના દિવસે

જનકપુર અને સીતામઢી બે અલગ અલગ જગ્યાઓ અને બંનેય જગ્યાઓના સીતાના જન્મસ્થળ હોવાના દાવા

આજે એક સ્થળ નેપાળમાં બીજુ ભારતમાં

એકસમયે જનકપુર અને સીતામઢી બંનેય મિથિલા રાજ્યના ભાગ હતા

આપણે તો વાત જનકપુરની કરવાની છે અને આપણે સીતામઢીની વાતે ચઢી ગયા

મિથિલાના દરેક રાજાઓ "જનક" તરીકે જ ઓળખાતા

પણ એ બધા જનક રાજાઓમાં જનકપુરના રાજા "સીરધ્વજ જનક" ખુબ જ પ્રસિદ્ધ રહયા

"સીરધ્વજ જનક" એટલે કુંવરી સીતાના પિતા

ધરતીપુત્રી સીતા રાજા જનકને આ સ્થળે ધરતીમાંથી પ્રગટ થયેલા મળ્યા હતા

ધરતીપુત્રી સીતાને મિથિલાના રાજા જનક અને રાણી સુનયનાએ પોતાની દીકરીની માફક ઉછેર્યા

રાજા સીરધ્વજ જનક ખુબ જ વિદ્વાન અને ધાર્મિક હતા અને પોતે અનન્ય શિવભક્ત હતા

ભગવાન શિવે પ્રસન્ન થઈ જનક રાજાને પોતાનું દિવ્યધનુષ્ય ભેટ આપ્યું

એક દિવસ રાજા જનકના ધ્યાને આવ્યું કે બાળસીતા એ વજનદાર દિવ્યધનુષ્યને આસાનીથી ધારણ કરીને રમી રહી છે

ત્યારે જ જનક રાજાએ નક્કી કર્યું કે સીતાના લગ્ન માટે "સ્વયંવર" રચવો

અને જે રાજકુમાર આ દિવ્યધનુષ્ય ઉપાડીને તેની પ્રત્યંચા ચઢાવી શકે એની સાથે જ સીતાના લગ્ન કરાવવા

દુનિયાભરના રાજાઓ અને રાજકુમાર આ "સ્વયંવર"માં ભાગ લેવા આવ્યા હતા

અને આ "ધનુષ્યયજ્ઞ" ઉર્ફે સ્વયંવરમાં માત્ર અને માત્ર રામ જ એ વજનદાર દિવ્યધનુષ્ય ધારણ કરી પ્રત્યંચા ચઢાવવાનો પ્રયાસ કરવામાં સફળ રહયા

એ પ્રયાસમાં "દિવ્યધનુષ્ય"ના ત્રણ ટુકડા થઈ ગયા

"સ્વયંવર"ના નિયમ પ્રમાણે રાજા જનકે સીતાના લગ્ન રામ સાથે કરાવવા ઠરાવ્યું

અને રામ અને સીતાના લગ્ન જે તે વર્ષની વસંતપંચમીના દિવસે કરાયા હતા

નેપાળમાં જેને "વિવાહપંચમી" તરીકે ઓળખાવાય છે.

જનક રાજાએ પોતાના ગુરુ વશિષ્ઠના આદેશ અનુસાર રામ - સીતાના લગ્નની સાથે જ લક્ષ્મણના લગ્ન સીતાની નાની બહેન ઉર્મિલા સાથે અને ભરતના અને શત્રુઘ્નના લગ્ન રાજા જનકે પોતાના નાના ભાઈ કુશધ્વજ ની પુત્રીઓ અને પોતાની ભત્રીજી માંડવી અને માંડવીની નાની બહેન શ્રુતકીર્તિ સાથે કરાવ્યા

રામાયણમાં કહેવાયા પ્રમાણે ભગવાન રામ વિષ્ણુનો સાતમો અવતાર હતા

જયારે લક્ષ્મણ , ભારત અને શત્રુઘ્ન અનુક્રમે શેષનાગ, શંખ અને સુદર્શન ચક્રનો અવતાર હતા

લક્ષ્મણ અને શત્રુઘ્ન જોડકા ભાઈઓ હતા

લોકોક્તિ પ્રમાણે રામ - સીતાના લગ્ન બાદ રાજા જનકે અહીં રામ - સીતા - લક્ષ્મણની મૂર્તિની સ્થાપના કરી હતી

કહેવાય છે કે કાળક્રમે ત્રેતાયુગનું એ જનકપુર અલોપ થઈ ગયું

લોકોક્તિ પ્રમાણે વર્ષ ૧૬૫૭માં સન્યાસી સૂરકિશોરદાસે જે તે જગ્યાએ સીતાનું જન્મસ્થળ હોવાનું અને જે તે જગ્યાએ પ્રાચીન જનકપુર હોવાના પ્રમાણો શોધી કાઢયા અને સીતાના જન્મસ્થળની અને વિવાહ સ્થળની જગ્યાઓ શોધી કાઢી

અને જે તે આધારોએ આ જગ્યાએ જનકપુરને નવેસરથી વસાવાયું

વર્ષો બાદ ૧૮૯૮માં ( હાલના MPના ) તીકમગઢના રાણી વૃષભાનુએ પુત્ર પ્રાપ્તિ માટે જનકપુરમાં "કનક ભવન મંદિર" નિર્માણની શરૂઆત કરાવી પણ નિર્માણકાર્ય શરુ થવાના એકવર્ષમાં જ રાણી વૃષભાનુનું અવસાન થયું

અને મંદિર નિર્માણનું અધૂરું કામ વૃષભાનુની નાની બહેન નરેન્દ્રકુમારીએ સંપન્ન કરાવ્યું

વૃષભાનુના અવસાન પછી તીકમગઢના રાજાએ નરેન્દ્રકુમારી સાથે લગ્ન કર્યા હતા

એવી માન્યતા છે કે હાલમાં જાનકીમંદિર છે એ જગ્યા પર જનકરાજાને સીતા પ્રાપ્ત થયા હતા.

જાનકીમંદિર સંપૂર્ણપણે આરસપહાણમાંથી બનાવેલ છે.

મંદિરનું નિર્માણ ૧૮૯૮માં શરુ કરાયું પણ મંદિરનું બાંધકામ છેક ૧૯૧૦માં જ પૂર્ણ થયેલ છે

૧૯૧૦માં નિર્માણ પામેલ એ મંદિર યુગો પુરાણું હોવાનો અહેસાસ જગાવે છે

જે તે સમયે આ મંદિર બનાવવાનો કુલ ખર્ચ રૂ.૯ લાખ થયો હતો

એટલે આ મંદિરને "નવ લખા મંદિર" તરીકે પણ ઓળખવામાં આવે છે

આ મંદિર પરિસરમાં પેગોડા ટાઈપ ત્રણમાળનું રામમંદિર છે

જેનું નિર્માણ તો છેક ૧૭૮૨માં કરાયું હોવાની માન્યતા છે.

જાનકી મંદિરની બાજુમાં જ "રામ સીતા વિવાહ મંદિર" સ્થિત છે

એમ મનાય છે કે જે તે સ્થળે રામ સીતાના લગ્ન થયા હતા

જાનકી મંદિરના પ્રાંગણમાં શિવજી, હનુમાનજી અને દેવી દુર્ગા પણ બિરાજેલા છે

જનકપુરમાં આ મંદિરોમાં રામનવમી , હનુમાન જયંતિ , વસંતપંચમી / વિવાહપંચમી, વિજયાદશમી, દિવાળી, છઠપૂજા , મકરસંક્રાંતિ જેવા તહેવારો લાખો શ્રદ્ધાળુઓની હાજરીમાં ઉજવાય છે

મંદિરની પછીતે રામ અને સીતાની જીવનવૃતાન્તની વાતો કહેતું એક નાનકડું સંગ્રહાલય છે

જેની પ્રવેશ ફી રૂ.૧૫ છે

મંદિરના મુખ્ય દ્વારની સામે "ધનુષ સાગર" અને "ગંગા સાગર" નામે પાણીના કુંડ છે જ્યાં શ્રદ્ધાળુઓ સ્નાન કરે છે.

નજીકમાં ફૂલ-હાર અને અન્ય પૂજા - પ્રસાદ સામગ્રીના નાનામોટા સ્ટોલ્સ છે

આ બે મુખ્ય કુંડ સિવાય જનકપુરમાં નાનામોટા ૨૦૦ કુંડ છે.

જનકપુરથી ૧૪ KM દૂર "ઉત્તર ધનુષ્ય" નામની જગ્યા છે

કહે છે એ જગ્યા પર સીતા સ્વયંવર રચાયો હતો

આજેય દર વસંતપંચમીના દિવસે જાનકી મંદિરમાં રામસીતાના વિવાહનો ઉત્સવ ઉજવાય છે

એક સમયે નેપાળના જનકપુરથી બિહારના જયનગર વચ્ચે , ૫૯ KM, નેરોગેજ઼ ટ્રેન નેપાળ સરકાર દ્વારા ચલાવાતી

નેપાળની એકમાત્ર નેરોગેજ રેલસેવા અત્યારે જનકપુરથી સીરાહા વચ્ચે ઉપલબ્ધ છે

સીરાહા નેપાળની સરહદે આવેલું નેપાળનું અંતિમ રેલવે સ્ટેશન છે

પહેલા આ રેલસેવા બિહારના જયનગર સુધી ઉપલબ્ધ હતી

પણ કેટલાક રાજકીય કારણોસર ૧૯૩૭થી ચાલતી રેલસેવા હવે ભારતમાં ઉપલબ્ધ નથી

જનકપુરથી સીરાહાનો રેલમાર્ગ ૩૪ KMનો જ છે

૨૦૧૪માં એ નેરોગેજ઼ લાઈનને બ્રોડગેજમાં પરિવર્તિત કરી ચલાવવાની ભારત સરકાર દ્વારા હૈયાધારણ અપાઈ હતી

પણ સંભાવિતઃ ચીનના આધિપત્ય હેઠળ આવી ગયેલી નેપાળ સરકારે એ દરખાસ્તને ફગાવી દીધી છે

જનકપુરમાં નાનકડુ વિમાનીમથક છે

જનકપુર વિમાનમાર્ગે માત્ર કાઠમંડુ સાથે જોડાયેલું છે

જનકપુરથી નેપાળના મુખ્ય શહેરો વચ્ચે ખાનગી બસસેવાઓ ઉપલબ્ધ છે

શહેરમાં પરિવહનના સાધનો તરીકે પગરીક્ષાઓ, ઇલેક્ટ્રિક રીક્ષાઓ, ટેક્સીઓ ઉપલબ્ધ છે

જનકપુર, નેપાળનું પાંચમું મુખ્ય શહેર છે

શહેરની વસ્તી લગભગ બે લાખની છે

૧૯૬૪માં જનકપુરમાં નેપાળની એકમાત્ર સિગારેટ બનાવતી ફેક્ટરી સ્થપાઈ હતી જે આર્થિક અને રાજકીય કારણોસર ૨૦૧૨માં બંધ થઈ ગઈ છે

ભારતમાં રામમંદિર નહિ બનાવી શકનારા પોતાનો રાજકીય લાભ ખાટવા માટે અવારનવાર જનકપુરના જાનકીમંદિર અને રામમંદિરની મુલાકાતે જાય છે , એ એક અલગ વિષય છે

જય સીતારામ


ચિંતવન નેશનલ પાર્ક, ચિતવન ~~~

સમજોને હજુ ગઈકાલ સુધી તો નેપાળમાં રાજાશાહી જ હતી

અને રાજાશાહીમાં પશુઓના શિકારનો શોખ તો હોય જ

વળી આ નેપાળ તો હિમાલયની ગોદમાં વસેલું એટલે ત્યાં અલગ અલગ પશુઓની પણ ભરમાર

રાજાશાહીના સમયમાં જે તે નેશનલ પાર્ક અથવા જે તે પશુઓ માટે ખાસ બનાવેલા સંરક્ષણ પાર્કમાં રાજવી અને રાજવીઓના મહેમાન સિવાય અન્ય કોઈ વ્યક્તિઓ ભાગ્યે જ પ્રવેશી શકતા

ચિંતવન નેશનલ પાર્ક પણ ૧૯૭૩ સુધી "ચિંતવન રોયલ નેશનલ પાર્ક" તરીકે જ ઓળખાતો

૧૯૭૩માં "ચિંતવન રોયલ નેશનલ પાર્ક"નું નામ બદલીને "ચિંતવન નેશનલ પાર્ક" કરવામાં આવ્યું અને ખાસ મહેમાનો સહીત સામાન્ય નાગરિકો અને વિદેશી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો

આજે "ચિંતવન નેશનલ પાર્ક"ની વ્યક્તિદીઠ પ્રવેશ ફી - નેપાળી નાગરિક માટે રૂ.૫૦, સાર્ક સંગઠનના દેશના પ્રવાસી માટે રૂ. ૧૦૦૦ જયારે અન્ય વિદેશી પ્રવાસી માટે રૂ.૨૦૦૦ છે.

આ પ્રવેશ ફી ૨૪ કલાક માટેની છે

પાર્કમાં વધુ રોકાણ કરવું હોય તો વધારાની ફી ભરીને ફરી શકાય છે.

અત્યારે આ નેશનલ પાર્ક ૯૩૨ ચો.કી.માં ફેલાયેલો છે

આ નેશનલ પાર્કમાં ફરવા માટે ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય જોઈએ

ચિતવન નેશનલ પાર્કની આજુબાજુ આવેલી હોટલો બે રાત અને ત્રણ દિવસના પેકેજમાં આખા નેશનલ પાર્કમાં સફર કરાવે છે

અત્યારે "ચિતવન નેશનલ પાર્ક" એશિયાનો સૌથી શ્રેષ્ઠ વન્યજીવનની હાજરીવાળો પાર્ક ગણાય છે

અહીં "ગેંડા" અને "વાઘ" સહિતના અન્ય વનપશુ જોવા મળે છે

૧૯૫૦માં આ વિસ્તારમાં લગભગ ૧૦૦૦ ગેંડા હતા

પણ એમાંથી મોટાભાગના ગેંડા રાજવીઓના શિકારના શોખમાં કે ગ્રામ્યવાસીઓના ખોરાકમાં ખપી ગયા

૧૯૬૦ના દશકમાં આ વિસ્તારમાં માત્ર ૮૦ જેટલા જ ગેંડાઓ રહ્યા હતા

આજે દુનિયામાં માત્ર ૩૦૦૦ ગેંડા હોવાનું કહેવાય છે જેમાંથી ૫૩૪ ગેંડા "ચિતવન નેશનલ પાર્ક"માં છે

૧૯૫૦ના દાયકામાં વન્યજીવોને સાચવતા આ વનનું કદ ૨૬૦૦ ચો.કી.નું હતું

પછી પોતાના અસ્તિત્વની લડાઈ લડતા લોકો ખેતીલાયક જમીનની શોધમાં આ વનમાં આવી વસ્યા અને મોટાભાગની જમીનો પર તેમને પોતાનો અનધિકૃત કબ્જો જમાવી દીધો

આ લડાઈમાં જે તે વન્યજીવોનું નિકંદન નીકળી ગયું

જે તે સમયે રાજવી પરિવારોએ કાઠમંડુ , લલિતપુર કે અન્ય સ્થળોએથી વન્યજીવોના શિકારાર્થે આ જંગલમાં ગાડા અથવા પગપાળા પહોંચતા ૨૫ - ૩૦ દિવસો લાગી જતા las

જે તે જગ્યાઓના કાયમી રખેવાળ કોઈ ના હતા

બસ એ બાબતોનો લાભ ઉઠાવીને આ જંગલમાં અતિક્રમણ થયું

જયારે આ બાબતો રાજવીઓના ધ્યાને આવી ત્યારે બહુ મોડુ થઈ ગયુ હતું

૧૯૭૦માં સ્થાનિક થારુ જાતિના લોકોને બંદૂકની અણીએ જે તે વિસ્તારમાંથી બહાર કઢાયા

તેમના ઘર અને ગામ લશ્કર દ્વારા નષ્ટ કરાયા

ત્યારે ૫૪૪ ચો.કી.નો જંગલનો વિસ્તાર શાસકોના હાથમાં આવ્યો

આ પ્રક્રિયા ૧૯૭૭ સુધી ચાલુ રહી

અને હાલનો ૯૩૨ ચો.કી.નો વિસ્તાર "નેશનલ પાર્ક" તરીકે જાહેર કરાયો

અત્યારે નેશનલ પાર્ક સંપૂર્ણપણે નેપાળી લશ્કરના તાબામાં છે

એક અંદાજ પ્રમાણે હાલમાં આ પાર્કમાં ગેંડા, બંગાળ ટાયગર , હાથી, દીપડા, રીંછ સહિતના ૭૦૦ વન્યજીવોની હાજરી છે

અહીં કોબ્રા સહિતના મોટા અને ઝેરી અસંખ્ય સાપની હાજરી પણ નોંધાઈ છે.

અહીં ૫૦૦ ઉપરાંત અલગ અલગ પક્ષીઓની હાજરી પણ નોંધાઈ છે

૧૯૮૪માં "ચિતવન નેશનલ પાર્ક" (CNP)નો સમાવેશ "World Heritage Site"માં કરાયો છે.

"ચિતવન નેશનલ પાર્ક"નું પ્રવેશદ્વાર સૌરાહા ગામ છે.

"ચિતવન નેશનલ પાર્ક"ના પ્રવેશદ્વાર સૌરાહા પાસે "સેવન સ્ટાર રિસોર્ટ" છે જેના માલિક "માધવ દુવાડી" મારા મિત્ર બની ગયા છે.

હું કાઠમંડુથી ભારત આવવા નીકળવાનો હતો એ દિવસે તેઓ ખાસ મને મળવા કાઠમંડુ આવ્યા હતા

"ચિતવન નેશનલ પાર્ક"માં "Night Safari" પણ ઉપલબ્ધ છે.

વિદેશી ધરતી પર એકવખત જોવા જેવી જગ્યા - એશિયાનું નંબરવન "ચિતવન નેશનલ પાર્ક"


લુમ્બિની ~~~

અગાઉ જણાવ્યું તેમ નાનકડુ નેપાળ વિશ્વના બે મહાન ધર્મોની ધરોહર સાચવીને બેઠુ છે

એક તરફ પશુપતિનાથ દાદા અને સીતા માતાનું જન્મસ્થળ સાચવે છે અને બીજી તરફ ભગવાન બુદ્ધના જન્મસ્થળને સાચવે છે

અહીં એકસાથે વિશ્વના બંનેય મહાન ધર્મોના અવશેષો અને સ્મૃતિઓ સચવાયેલા છે

લુમ્બિની, કાઠમંડુથી ૩૦૦ KM પૂર્વ દિશામાં સ્થિત છે

કાઠમંડુથી પૃથ્વી હાઇવે પર અહીં પહોંચતા લગભગ ૮ કલાક થાય છે

હવાઈ માર્ગે કાઠમંડુ થી ભૈરવાહા (લુમ્બિની) ૧૮૬ KM છે

અને હવાઈમાર્ગે કાઠમંડુથી ભૈરવાહા એરપોર્ટ પહોંચતા ૪૦ મિનિટ થાય છે

ભૈરવાહા એરપોર્ટથી લુમ્બિની પહોંચતા બીજી ૩૦ મિનિટ થાય છે

લુમ્બિની, ભગવાન બુદ્ધની જન્મભૂમિ અને વિશ્વનું ખાસ એવું આધ્યાત્મિક સ્થળ

લુમ્બિનીમાં માયાદેવી મંદિર એ લુમ્બિની ગાર્ડનના નામે ઓળખાતી જગ્યામાં મુખ્ય મઠ છે

લુમ્બિની ગાર્ડન ૩.૫ માઈલની લંબાઈ અને ૧.૫ માઈલની પહોળાઈ ધરાવતી જગ્યા છે

આ જગ્યામાં મઠ અને ધ્યાનકેન્દ્રો જ બનાવી શકાય છે

આ જગ્યામાં રહેઠાણ, દુકાન, રેસ્ટોરન્ટ, હોટલ વગેરે વગેરે બનાવવા પર સંપૂર્ણ બંધી છે

આ વિસ્તારમાં અલગ અલગ દેશો દ્વારા બનાવવામાં આવેલા ૨૫ જેટલા મઠ અને ધ્યાનકેન્દ્રો છે.

લુમ્બિનીમાં માયાદેવી મંદિર ઉપરાંત વર્લ્ડ પીસ પેગોડા, મ્યાનમાર ગોલ્ડ ટેમ્પલ, અશોક સ્તંભ જોવા લાયક જગ્યાઓ છે

પુરાતત્વવિદોએ મહાપ્રયત્ને શોધી કાઢ્યું છે કે હાલમાં જ્યાં માયાદેવી મઠ છે બસ એ જગ્યાએ જ રાજકુમાર સિદ્ધાર્થનો જન્મ થયો હતો.

જે આગળ ઉપર ભગવાન બુદ્ધ બન્યા.

લોકોક્તિ પ્રમાણે કપિલવસ્તુના મહારાજા શુદ્ધોધનની મહારાણી માયાદેવીએ ઈ.સુ.ના જન્મવર્ષના ૫૬૩ વર્ષ પહેલા રાજકુમાર સિદ્ધાર્થને જન્મ આપ્યો

એ વૈશાખ સુદ પૂર્ણિમાનો દિવસ હતો

ગર્ભવતી રાણી માયાદેવીએ મહેલની નજીક આવેલા "પુષ્કરણી સરોવર"માં સ્નાન કર્યું અને ત્યારબાદ તુરંત રાજકુમાર સિદ્ધાર્થને જન્મ આપ્યો

લુમ્બિની પાર્કમાં માયાદેવીના મઠ ઉપરાંત જે દેશોએ બૌદ્ધધર્મ અપનાવ્યો છે તેવા ચીન, જાપાન, શ્રી લંકા, મ્યાનમાર સહિતના ફ્રાન્સ અને જર્મની જેવા દેશોએ પોતાનું પ્રતિનિધિત્વ કરતા મઠ બનાવ્યા છે.

અહીં લુમ્બિની પાર્કમાં શ્રદ્ધાળુઓને ધ્યાન અને ચિંતન કરવા માટે ખાસ ધ્યાનકેન્દ્રો અને ચિંતનકેન્દ્રો બનાવાયા છે

લોકોક્તિ પ્રમાણે ૧૪ સદી સુધી મલ્લ રાજવી રિપુ મલ્લના રાજ સુધી ભગવાન બુદ્ધના માતા માયાદેવીને હિન્દૂ દેવી તરીકે પુજવામાં આવતા હતા

કહેવાય છે કે ઈ.સ. પૂર્વે ૨૪૯માં આ સ્થળની મુલાકાત કલિંગના યુદ્ધમાં જીત પ્રશ્ચાત મૌર્ય સમ્રાટ અશોકે આ સ્થળની મુલાકાત લીધી હતી

અને બુદ્ધધર્મને આનુસંગિક અને જગતને શાંતિનો સંદેશ આપતો શિલાલેખ કોતરાવ્યો હતો

"સેન્ડસ્ટોન"માંથી બનાવેલા અશોકસ્થંભ પર પાલી ભાષામાં ઉપદેશાત્મક લખાણ કોતરાવેલા છે

આ પરિસરમાં અહીં "વિપશ્યના કેન્દ્ર" પણ ચાલે છે

જેથી આસ્થાળુઓ અને શ્રદ્ધાળુઓ જગતની શાંતિની સાથેસાથે વ્યક્તિગત શાંતિ માટે પણ પ્રયત્નો આદરી શકે છે

નેપાળમાં લુમ્બિની પાર્ક ધ્યાન , ચિંતન , પ્રાર્થના કરવાનું અને આધ્યાત્મિક અનુભવો મેળવવાનું અનન્ય સ્થળ ગણાય છે પણ આશ્ચર્યજનકરીતે ભગવાન બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીની મુલાકાતે આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા દરવર્ષે +૧,૦૦,૦૦૦ જેટલી જ રહે છે

કદાચ હિન્દૂધર્મના શ્રદ્ધાળુઓ અને આસ્થાળુઓ આ સ્થળની મુલાકાતે જવાનું ટાળતા હશે !

કદાચ કાઠમંડુના બૌદ્ધનાથ સ્તૂપની મુલાકાતે આવતા વિદેશી શ્રદ્ધાળુઓ અને આસ્થાળુઓની સંખ્યા દરવર્ષે લગભગ + ૨૫,૦૦,૦૦૦ની છે

લુમ્બિની પાર્કની માલિકી નેપાળ સરકારની છે

નેપાળ સરકારે આ પવિત્રસ્થળની સાચવણી માટે "લુમ્બિની ડેવલપમેન્ટ ઓથોરિટી" નામની સંસ્થાની રચના કરી છે જે એક NGO તરીકે આ પવિત્રસ્થળને જાળવે છે

વળી UNESCO દ્વારા આ સ્થળનો "World Heritage Site"માં સમાવેશ કરાયો છે

જગતના ધર્મોને સમજવા ખુબ જ અઘરા છે

પણ એકવાત નક્કી છે કે જગતમાં ભાઈચારો અને જગતમાં શાંતિ ફેલાવવાનો એ દરેક ધર્મોનો મુખ્ય ઉદેશ્ય અને મુખ્ય ઉપદેશ છે.

કહે છે રાજકુમાર સિદ્ધાર્થના જન્મસમયે આ સ્થળનું નામ "લુમ્બિનીવનના" હતું

યુગો પર્યન્ત આ જગ્યા ભુલાઈ ગઈ હતી

છેક ૧૯મી સદીમાં જર્મન પુરાતત્વવિદોએ આ સ્થળ અને અશોકસ્થંભને શોધી કાઢયા હતા અને જગતને ભગવાન બુદ્ધના જન્મસ્થળથી અવગત કરાવ્યા

રાજકુમાર સિદ્ધાર્થના જન્મના સાતમા દિવસે જ જન્મદાત્રી માતા "મહાદેવી" અવસાન પામ્યા

અને રાજકુમાર સિદ્ધાર્થના પાલનપોષણની જવાબદારી મહારાણી માયાદેવીની નાની બહેન "મહાપ્રજાપતિ ગૌતમી"ના શિરે આવી

રાજકુમાર સિદ્ધાર્થે મહેલમાં રહેતા દુઃખની અનુભૂતિ ક્યારેય કરી જ નહોતી

સમય રહેતા રાજકુમાર સિદ્ધાર્થના "યશોધરા" સાથે લગ્ન થયા અને દીકરા "રાહુલ"નો જન્મ થયા બાદ મહેલની બહાર રાજ્યના પ્રજાજનોને થતા દુઃખો પરત્વે , વૃદ્ધત્વ અને મૃત્યુ પરત્વે ધ્યાન ગયું

અને રાજકુમાર "સિદ્ધાર્થે" દુઃખ , વૃદ્ધત્વ અને મૃત્યુના સત્યને શોધવા પોતાના પત્ની, પુત્ર, પરિવાર અને રાજપાટ ત્યજી દીધા

અને આખરે બિહારના બોધિગયામાં બોધિવૃક્ષ નીચે જ્ઞાન મેળવ્યું એ વાત અને એ પછીના ઘટનાક્રમની વાતો આપણે જાણીયે છીએ

(ક્રમશઃ)