રાઈટ એંગલ
પ્રકરણ–૪૪
બીજે દિવસે સવારથી જ કોર્ટના પ્રાંગણમાં મહિલા સંસ્થાના કાર્યકરો, મિડિયાના પત્રકારો, ચેનલ રિપોર્ટર્સ ફોટોગ્રાફર્સની અને ઓબી વેનની જમાવટ થઈ ગઈ હતી. મિડિયા આ કેસની સરખામણી પરેશ રાવલની ફિલ્મ ‘ઓહ માય ગોડ‘ સાથે કરી હતી. કારણ કે એ ફિલ્મમાં ધરતીકંપમાં થતાં નુકસાન માટે ભગવાનને જવાબદાર ઠેરવીને એમની સામે વળતર મેળવવા માટે કેસ કરવામાં આવ્યો હતો જેનો વિચાર આજસુધી કોઈ કર્યો ન હતો કે ધરતીકંપ આવે તો અને નુકસાન થાય તો એના વળતર મેળવવા માટે ભગવાન સામે કેસ કરી શકાય.
તેવી જ રીતે આજસુધી કોઈએ કશિશની જેમ વિચાર્યું ન હતું કે પોતાને મરજી મુજબ જાણીજોઈને માત્ર છોકરી હોવાના કારણે ભણવા દેવામાં ન આવે તો તેના માટે પોતાના ભાઈ કે પિતા સામે કેસ કરી શકાય. પહેલી નજરે બાલિશ લાગતી આ ઘટના વાસ્તવમાં સ્ત્રીઓને સમાજમાં થતાં અનેક અન્યાય જેવો જ આ એક અન્યાય છે તે વાત લોકોને સમજાઇ હતી. એટલે જ આ કેસની ચર્ચા ઘરે ઘરે થઈ હતી.
ઉદય અને નિતિન લાકડાવાલા કોર્ટ પ્રાંગણમાં આવ્યા તેવા જ પ્રેસ રિપોર્ટર્સે એમને ઘેરી લીધા, અને એમના પર અનેક સવાલનો મારો ચલાવ્યો. પણ બન્નેને ચૂપ રહેવામાં જ સમજદારી દેખાતી હતી. આ કેસને મિડિયામાં વધુ કવરેજ ન મળે તે માટે નિતિનભાઈએ ભરપૂર પ્રયાસ કર્યાં હતા પણ તે બધાં નિષ્ફળ રહ્યાં હતા. એમના ચહેરા પર કેસ હારી જવાની નાલેશી ચાડી ખાતી હતી.
કશિશ અને ધ્યેય સાથે મહેન્દ્રભાઈને જોઈને લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતુ. પ્રેસે એમને અનેક સવાલ પૂછવાની કોશિશ કરી હતી ત્યારે કશિશ અને ધ્યેયએ માત્ર એટલું જ કહ્યું કે કોર્ટનો ફેંસલો આવી જવા દો...અમે પછી બધાં સવાલના જવાબ આપીશું. કશિશ કોર્ટરુમમાં દાખલ થઈ તો એની નજર ત્યાં બેઠેલાં કૌશલ અને એના પપ્પા પર પડી. એ પણ કોર્ટમાં આવ્યા હતાં તે એને માટે સુખદ આશ્ચર્ય હતું. એ અતુલભાઈને પગે લાગી એટલે એમણે આશીર્વાદ આપ્યાં,
‘વિજયી ભવ:!‘ જવાબમાં કશિશે માત્ર સ્મિત કર્યું. ફોટોગ્રાફરે એનો ફોટા પણ પાડી લીધા.
જજસાહેબ ચેમ્બરમાં પ્રવેશ્યા અને કોઈ ફેંસલો આપે તે પહેલાં જ ધ્યેયએ એપ્લિકેશન આપી. એના પર નજર ફેરવીને એમણે કશિશને પૂછયું,
‘બહેન, તમે આ ફેંસલો તમારી મરજીથી લીધો છે કે કોઈના દબાણમાં આવીને લઈ રહ્યાં છો?‘
‘જી..ના સર...આ ફેંસલો મેં મારી મરજીથી લીધો છે. હું કોર્ટને વિનિંતી કરું છું કે મારી કેસ પાછો ખેંચવાની અરજી મંજૂર થાય અને મારા ભાઈ અને પિતાને છોડી મૂકવામાં આવે!‘ કશિશના આ નિવેદન પર કોર્ટમાં એકક્ષણ માટે સ્તબ્ધતા છવાય ગઈ. પણ બીજી ક્ષણે લોકો કોર્ટ શિષ્ટાચાર ભૂલીને કશિશની તરફેણમાં નારાં લગાવ્યા.
લોક લાગણીનું અભૂતપૂર્વ મોજું કશિશની તરફેણમાં હતું, તે પાછળ કદાચ સદીઓથી સ્ત્રીઓને થતો અન્યાય જવાબદાર હતો. તારીખ ગવાહ છે કે પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓનું અનેક રીતે શોષણ થાય છે, કદીક ધર્મના નામે તો કદીક જાતિના નામે ભેદભાવ રાખવામાં આવે છે. આ કેસ સ્ત્રીઓને થતાં અન્યાય સામે મિશાલરુપ હતો તેથી જ લોકોમાં એના પરિણામ માટે અપેક્ષા હતી.
જજે લોકોને શાંત રહેવા અપીલ કરી અને કશિશની વિંનતી મંજૂર રાખી. ભારે આશાએ આવેલા લોકો તથા મિડિયા આને માટે તૈયાર ન હતા. તેથી જેવી કશિશ અને ધ્યેય કોર્ટરુમની બહાર નીકળ્યા લોકો એમને ઘેરી લીધા, કશિશ હાથ ઊંચો કરીને એમને શાંત થવા કહ્યું,
‘તમારી પાસે અનેક સવાલ છે પણ મારી વિંનતીં છે કે મને એકવાર સાંભળી લો પછી તમે પૂછો તેના જવાબ આપીશ. મેં કેસ કર્યો તે પહેલાંથી જ નક્કી કર્યું હતું કે હું મારા ભાઈ તથા પપ્પાને સજા નહીં કરાવુ કારણ કે મારી એમની સામે કોઈ દુશ્મની નથી. હું સમાજ સામે આ ઘટના લાવવા ઈચ્છતી હતી તેથી મેં કેસ કર્યો હતો. જેથી કરીને લોકો પોતાની દીકરીને સપના પૂરાં કરવા માટે શહેરમાં મોકલે. ગામડાંમાં રહેતી દેશની દરેક દીકરીને મનગમતું એડયુકેશન મળે, છોકરાંની જેમ શહેરમાં ભણવા માટે અધિકાર મળે તે જરુરી છે. દીકરીને પણ કરિયર બનાવવા માટે એટલો જ સ્કોપ મળવો જોઈએ જેટલો દીકરાંને મળે છે. માત્ર દીકરી હોવાના કારણે કોઈ સ્ત્રી હાયર એડ્યુકશેનથી વંચિત ન રહેવી જોઈએ. કારણ કે એડ્યુકશેન મેકસ ધ ઓલ ડિફરન્સ!
વળી કોઈ છોકરીને લગ્ન કરવા જ ન હોય, માત્ર કરિયર જ બનાવી હોય તો શું કામ એના બળજબરીથી લગ્ન કરાવવાના? દીકરી મોટી થાય એટલે પરણાવી જ દેવી એ એક માત્ર અભિગમ ન હોવો જોઈએ. મારી લડાઈ આ મુદ્દા માટે જ હતી, આ કેસથી સમાજમાં જાગૃતિ આવે. ઘરે ઘરે દીકરીને દીકરાં જેટલાં અધિકાર મળશે તો એ જ મને થયેલો ન્યાય હશે.
તમે જે હાજરીમાં અહીં હાજર રહ્યાં, મને સપોર્ટ આપ્યો તે જ દર્શાવે છે કે હું તમારા સુધી મારી વાત પહોંચાડવામાં સફળ રહી છુ. બસ મારી એટલી જ અરજ છે કે તમારા કુંટુંબ, સગાં–વહાલા કે કોઈપણ દીકરીને તમે ઓળખતા હોવ અને એને કરિયર બનાવવાનો મોક્કો આપવામાં ન આવતો હોય તો એને સપોર્ટ કરજો...જરુર પડે તો ચોક્કસ મારી મદદ માંગજો..મારાથી થાય તેટલી મદદ હું કરીશ. રહી વાત કેસ જીતવાની તો એ હું તમારા પ્રેમને કારણે જીતી જ ગઈ છું. પ્રેસ–મિડિયાએ મારા કેસને કવરેજ આપીને સમાજ કલ્યાણનું કામ કર્યું છે તે માટે એમની હું કઋણી છું.‘ કશિશનું બોલવાનું પૂરું થયું અને સતત પાંચ મિનિટ સુધી તાળીઓના ગડગડાટ સંભળાતા રહ્યા.
‘મેમે..તમે તમારા ભાઈ અને પિતા સાથે હવે કેવા સંબંધ રાખશો?‘ કશિશ શું જવાબ આપે છે તે સાંભળવા માટે ઉદય ઊભો રહી ગયો,
‘જી..હું પહેલાં જેવા જ સંબંધ રાખીશ..કારણ કે આ અન્યાય સામેની લડાઈ હતી. પર્સનલી મને તેમની સામે કોઈ વાંધો નથી.‘ એટલું સાંભળીને કશિશ તરફ જવા માટે ઉદયે પગ ઊઠાવ્યા ત્યારે નિતિનભાઈએ એને રોકવાની કોશિશ કરી,
‘આમ જાહેરમાં એને મળશો તો સમાજમાં ઈજ્જત નહીં રહે.‘
‘સમાજમાં ઈજ્જત રહે એટલાં માટે જ જાઉં છુ...બહેનને અન્યાય કર્યાનો ભાર લઈને જીવી નહીં શકું.?‘ નિતિનભાઈ એને જતાં જોઈ રહ્યાં. કશિશની નજીક ઉદય આવીને હાથ જોડ્યા,
‘મને માફ કરી દે કિશુ..!‘
‘મેં તો ક્યારનો માફ કરી દીધો છે એટલે જ તો કેસ પાછો ખેંચ્યો.‘ કશિશના માથાં પર ઉદયે વહાલથી હાથ ફેરવ્યો.
‘આ કેસ માટે તમે બહુ બધું ગુમાવવું પડ્યું તેનો અફસોસ છે?‘ મિડિયાના આ સવાલ કશિશ માટે ઈમોશનલ હતો,
‘રામ જ્યારે વનવાસમાં જતાં હતાં ત્યારે લક્ષ્મણે કહ્યું હતું કે રામ તમે ઈચ્છો તો કૈકયી માતાનું વચન ફોક કરી શકો. કારણ કે ચૌદ વર્ષ વનવાસ વેઠવામાં જીવન વ્યર્થ બની જશે. આદર્શ મુજબ જીવન જીવવામાં જીવન વ્યર્થ બની જાય છે. ત્યારે રામે કહ્યું હતું કે આદર્શ માટે વ્યર્થ બનેલું જીવન બીજા માટે આદર્શ બની જતું હોય છે. હું રામ જેટલા ત્યાગ તો નથી કરી શકી પણ મારા કારણે કોઈને નવી જીવન દિશા મળતી હોય તો એ માટે જે ગુમાવવું પડ્યુ તેનો મને અફસોસ નથી.‘
કશિશના આ વાક્ય સાથે તાલીઓનો ગડગડાટ થયો. કશિશે બધાંને હાથ જોડી નમસ્કાર કર્યા. એ કોર્ટના પગથિયા પાસે આવી. ત્યાં એની નજર કૌશલ સામે પડી. એક પિલરને અડીને એની રાહ જોતો ઊભો હતો. કૌશલ સામે કશિશે સમિત કર્યું, તો એની નજર ધ્યેય પર પડી, એની ઓફિસ પાસે એની રાહ જોઈને ઊભો હતો. કશિશના ડગ એના તરફ મંડાયા, અસમંજસમાં એ ઊભી રહી ગઈ, પછી ધ્યેય સામે પ્રેમભર્યું સ્મિત કરી અને એણે આશા અને ઉંમગ સાથે કોફી હાઉસ તરફ ડગલું ભર્યું.
(સમાપ્ત)
કામિની સંઘવી
આ કથા આંશિક સત્યઘટના પર આધારિત છે. એક છોકરી જેને મોટા શહેરમાં ભણવા જવું હતું પણ એના ભાઈએ એને પપ્પા સાથે મળીને જૂંઠું બોલીને જવા ન દીધી જેને કારણે પેલી છોકરીની કરિયર ન બની. આ ઘટનાની મને જાણ હતી એટલે એને મારી નવલકથાના બીજનું રુપ આપીને વટવૃક્ષ બનાવ્યું.
અભિયાનના વાચકોએ આ નવીન પ્રયોગને વધાવ્યો તથા આવકાર્યો જેથી આ નવલકથા માત્ર નારી કેન્દ્રી ન બની રહેતાં પૂરા સમાજ સુધી પહોંચી શકી તે માટે એમને ધન્યવાદ!
મારી નવલકથા માટે જરુરી કાયદાકીય સલાહ–સૂચન આપવા માટે વકીલ મિત્રો ભાવિનભાઈ ઠક્કર તથા વિરલભાઈ રાચ્છનો દિલથી આભાર. સૌથી વિશેષ આભાર ક્રિમિનલ લોયર ધ્રુમિલ સૂચકનો..જેણે ડગલે અને પગલે મને માર્ગદર્શન પૂરું પાડ્યુ. નવલકથાના પહેલાં વાચક તરીકે અજય સોનીએ ઉમદા ફરજ બજાવી તે માટે એને થેન્કયુ!
લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ... તરુણસર તથા ટીમ અભિયાનનો આભાર.
ફરી મળીશું...ત્યાં સુધી અલવિદા દોસ્તો!
કામિની સંઘવી