Samantar - 13 in Gujarati Love Stories by Shefali books and stories PDF | સમાંતર - ભાગ - ૧૩

The Author
Featured Books
Categories
Share

સમાંતર - ભાગ - ૧૩

સમાંતર ભાગ - ૧૩

આગળના ભાગમાં આપણે જોયું કે, ફેસબુકના માધ્યમથી ઝલક કેવી રીતે પોતાના જૂના શોખથી જોડાય છે અને એ શોખ એને અને નૈનેશને જ નહીં પણ એને ખુદને મેળવવામાં પણ મદદ કરે છે. રાજ પણ ઝલકના આ પરિવર્તનથી ખુશ દેખાય છે. ઝલક નૈનેશની ફેસબુક ફ્રેન્ડ તો બની ગઈ પણ હવે એને અજાણ્યાની આમ ફેસબુક મિત્રતા સ્વીકારવા પર ડર લાગી રહ્યો હોય છે અને એ નૈનેશનું નામ લીધા વિના જ રાજને ઓનલાઇન મૈત્રી વિશે પૂછે છે જેના રાજે આપેલા ઉત્તરથી એની આધુનિક વિચારધારા સાથે પરિપક્વતા ધરાવતો સ્વભાવ આપણે જોઈ શકીએ છીએ. હવે આગળ...

*****

રાજ જોડે ઓનલાઇન મૈત્રી ઉપર ચર્ચા કર્યા પછી ઝલક થોડી હળવી થઈ હોય છે. રોજની જેમ વહેલા ઊઠીને રાજનું ટિફિન તૈયાર કરી અને રૂટિન પતાવીને એ એની બહેન નમ્રતાને કોલ કરવા માટે ફોન હજી તો હાથમાં જ લેછે ને ફેસબુકમાં નૈનેશનો good morning મેસેજ આવે છે. એનું હૃદય એક ધબકાર ચૂકી જાય છે. થોડી પળ જવાબ આપવો કે નહીં એ વિચારતી એ ફોન હાથમાં લઈને બેસી જ રહે છે. પછી એને ગઈ કાલ રાતની રાજની વાત યાદ આવે છે અને એ પણ સામે રિપ્લાય આપે છે જે જોઈને નૈનેશ લાઈકનું ઇમોજી મોકલી દે છે.

એ પછી તો બે દિવસ સુધી એમની વચ્ચે good morning સિવાય બીજા કોઈ મેસેજની આપ લે નથી થતી કે નથી બીજા કોઈ પેજ પર નૈનેશની હાજરી દેખાતી. આખરે ત્રીજા દિવસે ઝલક જ નૈનેશને બપોરે એના સૂવાના સમયે મેસેજ કરવાનું વિચારે છે. બધું કામ પતાવીને બપોરે નાનું ઝોકું લેતા પહેલાનો સમય ઝલકને ખૂબ ગમતો. એ સમયને એ "me time" કહેતી, જ્યારે એ રૂમમાં પોતાની જાત સાથે હોય. ફેસબુકમાં સમય પસાર કરવો, યુ ટ્યુબમાં વિડિયો જોવા કે વાંચવું... એવા મનગમતા કામ આ સમય દરમિયાન એ કોઈની પણ ખલેલ વિના કે કામની ચિંતા વિના કરી શકતી.

"મને ગમતીલો છે એ સમય,
જેમાં હોઉં છું હું મારી જોડે.!
કરી લઉં છું ચિંતન, મનન પણ,
ને જીવી લઉં છું હું મારી જોડે.!"

ઝલક મેસેન્જર ખોલે છે, અને નૈનેશના ઇનબૉક્સમાં હાઈ ટાઈપ કરે છે. આ વખતે એ બહુ વિચાર્યા વિના મેસેજ સેન્ડ જ કરી દે છે ને સામેથી તરત હેલો રિપ્લાય આવે છે. જે જોઈને ઝલક ફરી મેસેજ કરે છે.

ઝલક : કેમ છો.?

નૈનેશ : એકદમ મઝામાં... તમે કેમ છો.?

ઝલક : હું પણ મઝામાં... બે દિવસથી કૉમેન્ટમાં તમે કોઈ શેર કે શાયરી નથી મૂકી.?

નૈનેશ : હા, થોડો કામમાં વ્યસ્ત હતો. પણ મને નહતી ખબર કે તમે આમ મારી કૉમેન્ટ મિસ કરતા હશો. ચાલો મને ગમ્યું તમે આ નાચિઝને એ બહાને તો યાદ કર્યો. હા..હા..હા

ઝલક : હું હમણાં નવી નવી જ જગજીત સિંહ ફેન ક્લબ પેજમાં જોડાઈ છું. કાલે થોડો સમય મળ્યો તો એમાં જૂની પોસ્ટ જોઈ અને એક વાત નોટિસ કરી કે લગભગ દરેક પોસ્ટમાં તમારી કૉમેન્ટ હોય છે જ. પણ બે દિવસથી નહતી દેખાઈ એટલે જ ખાલી પૂછ્યું, બીજું કોઈ કારણ નહતું. (સહેજ ઝંખવાણી થઈને ઝલકે લખ્યું.)

નૈનેશ : અરે ના, હું મજાક કરું છું ખાલી. મારા કહેવાનો બીજો કોઈ મતલબ નહતો. તમને ખોટું લાગ્યું હોય તો સોરી. (નૈનેશે પોતાની ભૂલ સમજમાં આવતા લખ્યું..)

ઝલક : હમમ.. ઇટ્સ ઓકે.. (ઝલકે બીજું કંઈ ના સુઝતા લખી દીધું.)

નૈનેશ : મને શોખ છે ફેસબુક પર નવા મિત્રો બનાવવાનો, એમની સાથે વાતો કરવાનો અને એમને ગુડ મોર્નિંગ મેસેજ કરવાનો. અમુક જોડે તો લાંબી ચેટ પણ કરી લઉં, તો એમની જોડે હસી મજાક સહજ થઈ જાય પણ તમારી જોડે પહેલી વારમાં મારે આમ મજાક ના કરવી જોઈએ. હું ખરેખર દિલગીર છું.

ઝલક : હા, જોયું મેં.. તમારું ફ્રેન્ડ લીસ્ટ ઘણું મોટું છે. (એના મનમાં રાજે કહેલી ઓનલાઇન મિત્રો બનાવવાના શોખવાળી વાત યાદ આવતા થોડી હળવી થઈને ઝલક લખે છે)

નૈનેશ : હા, અને તમારું ઘણું નાનું.

ઝલક : હું અજાણ્યા લોકોને એમાં સ્થાન નથી આપતી. તમે એ પહેલી વ્યક્તિ છો જેને હું જાણતી ના હોવા છતાં ફેસબુક ફ્રેન્ડ બનાવ્યા છે.

નૈનેશ : ઓહ.. ખરેખર.!? મને ખુશી છે એ સદભાગ્ય મને પ્રાપ્ત થયું અને એ નાના ફ્રેન્ડ લિસ્ટમાં મને સ્થાન મળ્યું.

નૈનેશ : શું હું એનું કારણ જાણી શકું.!? (ઝલકના રિપ્લાયની રાહ જોયા વિના જ નૈનેશે તરત જ વળતો પ્રશ્ન કર્યો..)

મેસેજ વાંચીને ઝલક વિચારતી થઈ જાય છે. એને પણ આ જ સવાલ વારંવાર પરેશાન કરતો હતો કે, "કેમ કોઈ અજાણ્યાની રિક્વેસ્ટને તરત જ ડિલીટ કરી નાખતી હું આ નૈનેશને ઓનલાઇન ફ્રેન્ડ બનાવી શકી.!? એવું તો શું કારણ હશે જે મને નથી જડતું.!? કે પછી આ અજાણી વ્યક્તિમાં હું મને તો નથી શોધતીને.!? હા એવું જ હશે.! મને એમનામાં કોલેજકાળ વાળી ઝલક દેખાઈ હશે. ગઝલની એકદમ ચાહક, જેને વળગણ હતું ગઝલનું..." એનું મન આવા બધા વિચારોથી ખિન્ન થઈ જાય છે. એ કંઈ પણ જવાબ આપ્યા વિના ઓફલાઈન થઈ જાય છે.

તો નૈનેશને પણ આ સવાલ પૂછીને એણે ફરી ભૂલ કરી નાખી હોવાનો એહસાસ થતો હોય છે. એ તરત જ, "બાય... તમારી સાથે વાત કરીને ઘણો આનંદ મળ્યો. મારી કોઈ વાતથી ખરાબ લાગ્યું હોય તો સોરી.. Take Care.." નો મેસેજ સેન્ડ કરે છે અને પોતાના કામે વળગે છે.

ઝલકની નજર પડે છે એ મેસેજની નોટિફીકેશન પર પણ એ આગળ જવાબ આપવાનું ટાળી જાય છે. એ ઊંઘવા માટે પ્રયત્ન કરે છે પણ હવે એના મન પર કોઈ અલગ જ વિચારે ભરડો લઈ લીધો લેછે. એને રહી રહીને હવે એ વિચાર આવવા લાગ્યા હોય છે કે એણે નૈનેશને મેસેજ કરવાની પહેલ કરીને કંઈ અયોગ્ય કામ તો નથી કર્યું ને.! કેમ એ નૈનેશ વિશે જાણવાની પોતાની જિજ્ઞાસાને રોકી ના શકી.!? આનું કોઈ ખરાબ પરિણામ તો નહીં આવે ને.!?અને નૈનેશ એના વિશે શું વિચારતા હશે કે, આતો કેવી સ્ત્રી છે કે આમ કોઈ અજાણ્યા પુરુષને મેસેજ કરે છે.!? શું એણે કોઈ મોટી ભૂલ કરી નાખી.!?"

"આને મનમાની કહેવી કે ગુસ્તાખી કહેવી.!?
કોઈ ભૂલ કહેવી કે સહજ કામના કહેવી.!?
નવી રાહ પર ધીમા પગલાં પડયા છે જોને,
તો શું કોઈ નવા સફરની શરૂઆત કહેવી.!?"

આમને આમ ચાર વાગી જાય છે અને ઝલક પથારીમાંથી ઊભી થઈને કામે વળગે છે, પણ એનું મન આજે કામમાં જરાય નથી લાગતું. રાતે પથારીમાં સૂતી વખતે રાજ પણ એને પૂછે છે કે એ કેમ સ્ટ્રેસમાં હોય એવી લાગે છે, જેનો જવાબમાં એ આખી બપોર રેસિપી જોવામાં ઊંઘી ના શકી હોવાનું કહે છે.

રાજના ઊંઘ્યા પછી પણ ઝલક ક્યાંય સુધી જાગતી પડી સતત પોતાને એજ સમજાવતી હોય છે કે એણે કોઈ મોટો ગુનો નથી કરી નાખ્યો મેસેજ કરવાની પહેલ કરીને. હવેની ઓનલાઇન રહેતી દુનિયામાં આવું સંકુચિત વલણ થોડું વધારે પડતું કહેવાય. એક સ્ત્રી અને એક પુરુષ ઓનલાઇન મિત્રો બને એ વાત એમના ચારિત્ર જોડે ના જોડી શકાય, બસ બંનેની યોગ્યતા હોવી જોઈએ આવો સંબંધ નિભાવવાની અને એક તંદુરસ્ત સંબંધ હોવો જોઈએ બંને વચ્ચે. બાકી થોડી પળોની ચેટ કરવાથી કોઈ એના પતિ કે પત્નીને છેતરે છે એ વાતમાં કોઈ તથ્ય નથી. અને એને સવારે એની બહેન નમ્રતા જોડે ફોનમાં કરેલી વાત યાદ આવે છે કે કેવી રીતે એની એક ફ્રેન્ડને એના એક ઓનલાઇન મિત્રએ મુશ્કેલીમાં મદદ કરી હતી. અને જાણે મનના અમુક પ્રશ્નોનું સમાધાન થયું હોય એમ એ શાંત થઈને ઊંઘી જાય છે.

*****

ઝલકના મનમાં વિચારોનું જે વંટોળ ચાલે છે, એમાં પણ એને નૈનેશ એના વિશે શું વિચારશે એવા જ સવાલો થાય છે. કેમ એને એક વાર પણ એવો વિચાર ના આવ્યો કે રાજ એના વિશે શું વિચારશે.? શું આ એનો રાજ પરનો વિશ્વાસ હતો કે પછી અંદરથી જ કંઇક એને નૈનેશ જોડે જોડાવા પ્રેરી રહ્યું હતું.? આમ જોવા જઈએ તો સાવ સરળ લાગતો પ્રશ્ન છે, પણ એનો ઉત્તર કદાચ એટલો સરળ નથી. એના માટે ઘણી નાની નાની વાત હશે કે પછી બની શકે કોઈ નાનો પ્રસંગ જેને સાવ સામાન્ય કહી શકાય એ કારણભૂત બન્યો હશે. તો શું હશે એ વાત કે એ પ્રસંગ અને આગળ જતાં નૈનેશ અને ઝલકની મૈત્રી કેવી રીતે ગાઢ બને છે એ જાણવા વાંચતા રહો સમાંતર...

©શેફાલી શાહ

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

જય જીનેન્દ્ર...
શેફાલી શાહ