"એ ડફોળ ખબર નથી સાહેબની ઑફિસમાં પૂછ્યા વગર ન જવાય" - બોલી રહ્યો છે એક હવાલદાર. જગ્યા છે ફૂલવા ગામની એસ.પી. કચેરી અને સમય છે બપોરના બે વાગ્યાની આસપાસ. એક ચા વાળો નાનો છોકરો હાથમાં ચાની કીટલી અને થોડાક કાચના પ્યાલા લઈને એસ.પી કચેરીમાં ચા આપવા માટે આવેલો ! પણ એ ઑફિસમાં પ્રવેશ કરે એ પહેલા જ મગન નામના હવાલદારે તેને બહાર જ રીતસરનો ખખડાવી નાખ્યો !
હવાલદાર નું આવું તોછડાઈ ભર્યું વર્તન જોઈને એસ.પી અમિત કુમાર બહાર આવ્યા અને મગન ને કહ્યું, "સરકારી નોકરી કરો છો તો પણ જનતા સાથે કેમ વર્તવું એનો જરા પણ ખ્યાલ નથી ??" આટલું કહીને એસ પી. સાહેબે પેલા ચા વાળા છોકરાને પ્રેમ ભરી નજરથી જોયો અને કહ્યું, આવ બેટા અંદર આવ !
એસ.પી. સાહેબે ચા વાળા છોકરાને અંદર બોલાવ્યો અને એકદમ મીઠાશથી કહ્યું, " ચાલ ! તારી મસાલેદાર આદુ વાળી ગરમાં ગરમ ચા અમને બધાને પીવડાવી દે !" અમે સવારથી એક કેસ માં ગૂંચવાઈ ગયા છીએ, વિચારી વિચારીને માથું દુઃખી ગયું છે, એમાં આ તારી મસાલેદાર ચા દવા જેવું કામ કરશે..!
ચા પીતા પીતા એસ.પી. અમિત કુમારે બહાર બેઠેલા હવાલદાર મગનને બોલાવ્યો અને ચા વાળા છોકરાને કીધું અમારા આ મગન માટે પણ એક ચાનો પ્યાલો ભર. ચાની ચુસ્કી લેતા લેતા એસ.પી. અમિત કુમારે હવાલદાર મગનને કહ્યું, " મગન ચા વેચવી એ આ છોકરાની મજબૂરી છે, એના માટે એના સ્વમાનને ઠેસ પહોંચાડવા ની આપણે કોને મંજૂરી આપી ??" હવાલદાર મગન પાસે કોઈ જવાબ નહોતો એ આંખ નીચી કરીને એસ.પી. સાહેબ ને સાંભળતો રહ્યો અને બોલ્યો, "સાહેબ ! હું તો ખાલી મારી ફરજ નિભાવતો હતો ! તમે કેસ માં ગૂંચવાયેલા હતા એટલે તમને કોઈ ખલેલ ન પહોંચે એટલે આ છોકરાને અટકાવ્યો હતો !"
એસ.પી. સાહેબે મગનને સાંભળ્યો અને કીધું, કોઈ વાંધો નહિ મગન ! આવું તો ચાલ્યા કરે ! પણ હવે આવું ન બનવું જોઈએ !! મગન પણ જી સાહેબ ! કહીને બહાર નીકળી ગયો. બધા ચા ના પ્યાલા ભેગા કરીને જતા જતા ચા વાળા છોકરાએ એસ.પી. અમિત કુમાર ને સવાલ કર્યો, "સાહેબ સાચું કહેજો હોં ! શું હું તમને "ડફોળ" લાગુ છું ??" ચા વાળા છોકરાની આંખો એસ.પી અમિતકુમાર ની આંખોમાં એના જવાબ ની પ્રતીક્ષા કરતી રહી !!
સાહેબ એને શું જવાબ આપે??? વર્ષો પહેલાં એણે પણ કોઈએ આવું જ મહેણું મારેલું. ત્યારે સાહેબની ઉમર પણ આ બાળક જેવડી જ હતી. પણ સાહેબ આ બાળક ને કઈ રીતે સમજાવે ??? ઘણી વખત સાચું સમજવા માટે સમજણ નહિ પણ ઉંમર કામ કરતી હોઈ છે ! એટલા માટે સાહેબે આ બાળકને કશું કહેવા કરતાં મૌન રહેવાનું પસંદ કર્યું.
જો સાહેબ ઈચ્છા ધરાવતા હોય તો આ બાળક ને બધું કહી શકે, પણ આ કુમળા માનસ પર એની અવળી છાપ ઉપસી આવે, એટલા માટે સાહેબે આ બાળક ને પોતાની વાત ન કરી અને ખાલી એના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને ચા ના પૈસા આપી એને રવાના કર્યો. પણ બાળક હજુ પણ એવું જ વિચારતો હતો કે સાહેબ એના પ્રશ્ન નો જવાબ આપશે પણ એ બાળક ને ક્યાં ખબર હતી કે એના આ એક સવાલ પરથી સાહેબ ના જૂના જખ્મો ફરી તાજા બની ગયા હતા...... એ દિવસે પોલીસ સ્ટેશન માં એસ.પી અમિત કુમાર ના મનમાં આ બાળકનો સવાલ આખો દિવસ ઘૂમતો રહ્યો કે, સાહેબ સાચું કહેજો શું હું તમને ડફોળ લાગુ છું???