madaske in Gujarati Short Stories by Falguni Shah books and stories PDF | મળસ્કે

Featured Books
Categories
Share

મળસ્કે

મનહરભાઈ રેખાબેન નાં મર્યા પછી છેલ્લા બે વર્ષથી પથારી માં પડ્યા પડ્યા દિવસો કાપતાં હતાં.
રેખાબેન નાં ગયાં પછી શિક્ષક મનહરભાઈ સાવ એકલાં ને પરવશ થ‌ઈ ગયા હતા...ઘડપણ , ડાયાબિટીસ ને થાઈરોઈડ તો હતો જ ને એક દિવસ લપસી જતાં થાપાનું ફેક્ચર થઈ ગયું.....બસ એ દા'ડો ને આજ નો દિવસ, એ વળી ને ઉભા થયા જ નહીં.....
સંપૂર્ણ પથારી વશ.....બધી જ ક્રિયાઓ માટે એ પરવશ થ‌ઈ ગયા...સમીર એક જ દિકરો ને રીના એની વહુ...સમીરને પપ્પા માટે બહુ લાગણી ને પ્રેમ...એ ઘરે હોય તો ત્યાં સુધી એ જ મનહરભાઈ ની સેવા કરે પણ એનાં નોકરી ગયા પછી બધું જ બે વરસ થી રીના એ કરવું પડતું....

સમીર નાં ટૂંકા પગારમાં બે નાના છોકરા , બે માણસ પોતે , મનહરભાઈ નો દવા નો ખર્ચો સમાવવા પડતા... એટલે બધા જ ઘરકામ જાતે જ કરવા પડતાં ને ઉપરથી સસરાની સેવા...રીના ત્રાસી ગઈ હતી હવે આ બધી વાતથી....

"આ તમારાં બાપા મરતા ય નથી ને મને જીવવા ય દેતાં નથી, આખો દા'ડો એમની ચાકરી કરી કરી ને મારા તો ટાંટીયા આઈ રે' છે , હે ભગવાન , કયા પાપની સજા મને આલી રયો છે" રીના બે હાથ જોડીને છત તરફ તાકી ને સમીરને સંભળાવી રહી હતી....
બિચારા મનહરભાઈ બાજુનાં રૂમમાં પડ્યા પડ્યા આ કકળાટ સાંભળી રહ્યા હતાં....એ ખુદ જ આ ખાટલા થી જિંદગી હારી ગયા હતા પણ મોત એમ માગ્યું થોડું મળે?? ટપ ટપ ચૂપચાપ બે ય આંખો રેખાબેન ને યાદ કરીને વરસી રહી હતી....
આજે પત્ની હોત તો જીવનભર સ્વમાન થી જીવેલા માણસને આમ કોઈનાં ઓશિયાળા ના થવું પડત....એ વિચાર એમને કોરી ખાતો..

"બસ હવે બહુ કોસવાનું બંધ કર , આ જગ્યાએ તારા બાપા હોત તો તું શું કરત? એમને ક્યાં મુકી આવત? જરાક ઉપરવાળા નો તો ડર રાખ" ... સમીર ગુસ્સે થઈ ને રીના પર તાડૂકયો.

"તે મારા બાપે તમારા બાપા જેટલા પાપો નથી કર્યા કે આટલા વર્ષો લોકો નાં ગોદા ખાઈને રીબાવું પડે ને ઠેબાં ખાવા પડે સમજ્યાં ને ??

ને સમીરે ઉભા થ‌ઈને ધાડ કરતાં બે લાફા રીનાને ઝીંકી દીધા.
રીના ગાલ પકડી ને લાલઘૂમ થઈ ને રડતી રડતી સમીર સામે વિસ્ફોટક બની ને ગરજી ઉઠી, " આજે મારા પર તમે હાથ ઉગામ્યો?? બીજો કોઈ હોત ને તો ઘરડાં ઘરમાં નાંખી આયો હોત....પણ કાયર છો ..તમે.. કાયર.. બૈરી પર શૂરો નબળો ધણી.....પણ કાલે સવારે કાં તમારો બાપ નહીં કાં હું નહીં.." બારણું પછાડીને એનાં રૂમમાં જતી રહી...

સમીર પપ્પા પાસે આવીને એમનાં માથે હાથ ફેરવીને બોલ્યો," પપ્પા તમે ચિંતા ના કરો... હું છું તમારી પાસે ....ને સાથે.. મમ્મી ને યાદ કરી ને નિરાંતે તમે આરામ કરો "

બિચારા મનહરભાઈ આ સાંભળી ને કણસતા રહ્યા આખી રાત.... એમનાથી દિકરાનું દુઃખ નહોતું જોવાતું....પણ આત્મહત્યા ક્યાં એટલી સહેલી હતી ?? એટલે રાત આખી મનોમન ભગવાન ને પ્રાર્થના કરતાં રહ્યાં કે તું મને હવે ઝટ મોત આપી દે એટલે આ બધાં મારાથી છૂટે.. મારાં છોકરાં નો સંસાર બચાવી લે હે ઈશ્વર..... હું બાકીનાં પાપોનું પ્રાયશ્ચિત આવતે ભવે કરી લ‌ઈશ......
હતી એટલી શક્તિ થી આજીજી કરતાં રહ્યાં છેકે મળસ્કા સુધી ..એમને ખાત્રી હતી કે મળસ્કે કરેલ પ્રાર્થના ઉપરવાળો જરૂર સાંભળે છે...

સવારે સમીર ચા આપવા એમનાં રૂમમાં ગયો ત્યારે મળસ્કા ની પ્રાર્થના ઉપર મંજૂરી ની મહોર લાગી ગઈ હતી.....
-ફાલ્ગુની શાહ ©