S.R.D. Institute. એક અનામી વાત ભાગ -૮
સવારનો લગભગ સાડા અગિયારનો સમય થયો હશે. એસ.આર.ડી. ઇન્સ્ટીટયુટના ગેટ નં .૬ની કેબીનમાં લાખો પંજાબી બેઠો-બેઠો પોતાના કાન ખોતરી રહ્યો છે, આમે હવે ૫ વાગ્યા સુધી નાતો તે અહીંથી હલવાનો હતો નાતો કોઈ તેને હલાવી શકવાનું હતું. સાંજ સુધી તેણે બસ આમજ કાન ખોતરવાનું કે કાનમાં પૂમડા ભરાવીને બેસવાનું હતું.કારણકે એક વખત ગેટ બંધ થાય પછી તે માત્ર શિખા મેડમની પરમિશનથી જ ખૂલતો નહીતર બંધ. છેલ્લા સાત વર્ષથી લાખો અહી નોકરી કરતો હતો અને છેલ્લા સાત વર્ષોમાં કઈ કેટલીયે રૂપકડી છોકરીઓને તેમના બોયફ્રેન્ડ સાથે મળતા રોકવાનું કામ લાખાએ કર્યું હતું. ફક્ત છોકરીઓ જ નહિ કઈ કેટલાય પ્રેમી પતંગો એટલેકે છોકરાઓને પણ તેમની પ્રેમિકાઓ સાથે મળતા રોકાવાનું કામ લાખો કરી ચુક્યો હતો અને હજી કરેછે.કદાચ એ બધાના શ્રાપના કારણેજ આજસુધી તે પોતે સાથી વિહોણો હતો. સાત વર્ષની તેની નોકરીમાં તે આ ઇન્સ્ટી.ની માલિકણ શિખા રાય દેસાઈના સૌથી વિશ્વાસુ માણસોમાનો એક બની ચુક્યો હતો.
શિખા મુકુન્દરાય દેસાઈ જે માત્ર એક નામ નહોતું પણ એક પૂર્ણ હાલતું ચાલતું ઇન્સ્ટીટયુટ હતું. ચોકસાઈ, નિયમિતતા, અને ઇન્સ્ટીટયુટ માં કામ કરતા નાનાથી લઈને મોટા દરેક વ્યક્તિનું વ્યક્તિગત ધ્યાન રાખવામાં તે તેના પિતાથી પણ ચડિયાતી હતી. શિખા જ્યારે કેમ્પસમાં પગ મુકતી ત્યારે આખા કેમ્પસમાં તેની આભા છવાઈ જતી. સુડતાળીસ વર્ષની ઉમરે પણ સત્તાવીસ વર્ષની યુવતીઓને શરમાવે તેવું શરીર સૌષ્ઠવ અને કમર સુધી પહોચતા વાળ, જે કમરના વલયથી વળીને ગૂંચળું થતા. તેની આંખોમાં ક્યારેક ન સમજાય તેવો ખાલીપો રહેતો.તે ભાગ્યેજ બોલતી પણ જ્યારે બોલતી ત્યારે ટૂંકમાં ઘણું કહેવાની તેની કાબેલિયત હતી. પ્રત્યેક કોલેજના પ્રોફેસર્સ તેની ગૂડબૂકમાં આવવા માટે સતત પ્રયત્ન કરતા પણ તેની ગૂડબૂક માં તેવીજ વ્યક્તિ આવતી જે સંપૂર્ણ ફરજ પરસ્ત હોય. તે બધુજ ચલાવી લેતી પણ ફરજ પ્રત્યે બેદરકારી ક્યારેય નહિ. અને તેની આ જ આદતને કારણે તેને કેમ્પસની હિટલરનું બિરુદ મળ્યું હતું. આ બિરુદ કેટલાક પ્રોફેસર અને વિદ્યાર્થીઓએ મળીને આપ્યું હતું. તે પોતે આ વાત જાણતી હોવા છતાં તે જાણે આ બધાથી અલિપ્ત રહેતી. ક્યારેક કોઈ ખૂણે કેટલાક અસંતુષ્ટ લોકો તેની અને તેની દીકરીની વાત કરતા કહેતા કે.... તે તેની દીકરીને નથી બોલાવતી કારણકે તે તેના પતિની નિશાની છે, એ પતિ જે તેને છોડીને ભાગેલો. એ વ્યક્તિએ આને લગભગ આના આકરા સ્વભાવને કારણેજ છોડી હશે. આમે પૈસાદાર બાપની ઓલાદ ખરીને. અભિમાન રહેવાનું જ. બળ્યું આપણે શું?
મુંબઈના ધનાઢ્ય કહેવાતા વિસ્તારમાં પુરા ૩૦ એકરની જમીનમાં ફેલાયેલું એસ.આર.ડી. ઇન્સ્ટી. ફક્ત એક ઇન્સ્ટી.નહોતું પણ એક ઘર હતું તેના વિધ્યાર્થિઓ માટે. એ વિદ્યાર્થીઓ જેમાં મુંબઈના સૌથી અમીર બાપની ઓલાદો હતા તો ઘણા એવા પણ હતા જે સ્કોલરશીપ પર ભણતા હતા. કેમ્પસમાં વિધ્યાર્થીઓના માત્ર શૈક્ષણિક જ નહિ પણ સર્વાંગી વિકાસનું ધ્યાન રાખવામાં આવતું, જેમાં હોર્સ રાઈડીંગ, સ્વીમીંગ, અને બીજા ઘણા ઇન્ડોર્સ અને આઉટડૂર્સ ગેમ્સ પણ આવતી. સાથે-સાથે યોગ, ધ્યાન, વિપશ્યના ની તાલીમ દ્વારા તેમના માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રખાતું. અહી જુદા-જુદા કેમ્પસમાં જુદી-જુદી એક્તીવીટી ચાલતી અને દરેક વિદ્યાર્થીએ ફરીજૈયત પોતાને ગમતી એક કે તેથી વધુ ભાગ લઇ શકતો. તે વિશાળ ઇન્સ્ટીટયુટ ના કુલ સાત ગેટ્સ હતા જેમાં પ્રત્યેક કોલેજનો પોતાનો એક અલગ ગેટ રહેતો. દરેક ગેટની બાજુમાં એક નાનકડી કેબીન રહેતી જેમાં ગેટકીપર આખો દિવસ રહેતો અને રાતનો રાત્રે.
ગેટ નં ૬ પાસે આવેલી કેબીનમાં રોજની જેમ આજે પણ લાખો બેઠો છે. બેઠો-બેઠો તે તેનું કોઈ ગીત ગણગણી રહ્યો છે, ત્યાજ પાસેથી એક અવાજ આવે છે, “ લાખાભાઈ મને આજે બહાર જવા દેશો પ્લીસ.” તે વિદ્યાર્થી બોલ્યો.
કોણ છે? પરમીશન લાય ભઈલા... જો નથી તો નઈ જવા મલે. લાખાએ બારી બહાર ડોકું કાઢતાં કહ્યું.
અરે ભાઈ મેડમ નથી આવ્યા. નહીતર પરમીશન લખાવી લેત. તે છોકરો બોલ્યો.
નાં હો.... એ બધા બહાના નો ચાલે...કી કોલેજથી આવ્યો? લાખાએ પૂછ્યું.
જી , ફાઈન આર્ટ્સ. છોકરો બોલ્યો.
શું નામ છે?
જી. રવિ. છોકરો બોલ્યો.
ફાઈન આર્ટ્સ અને રવિ નામ સાંભળતાજ લાખો ચમક્યો અને અત્યારસુધી બેધ્યાન રહેલા તેણે ધારીને તે છોકરા સામે જોયું, અલ્યા હરીકાકાનો છોકરો કે? તે બોલ્યો.
જી. છોકરો આશા સાથે બોલ્યો.
જો ભઈલા તારેતો આપડા શિખા મેડમની જ પર્સનલ પરમિશન લેવી પડશે
અરે ભાઈ પણ મારે નથી ભણવું અહી કેમ નથી સમજતા તમારા મેડમ. છોકરો ચીડ સાથે બોલ્યો. ઘરે ગરડા બાપને એકલો મુકીને તમે જ કહો શું તમને ઈચ્છા થશે. અને આમે હું કોઈના ઉપકાર નથી લેવા માંગતો.
ઠીક છે. જો તારે ઉપકાર ન લેવા હોયતો આજથી કેન્ટીન કે પછી બીજી કોઈ નોકરી કેમ્પસમાં શોધીલે. પાછળ ઉભેલી અને ક્યારથી આ છોકરાને જોઈ રહેલી શિખા બોલી.
શિખાને જોતાંજ સુસ્ત થઈને બેઠેલો લાખો ઉભો થયો અને તેને સલામ કરતા બોલ્યો. મેડમ આ ક્યારનોય માથું ખાય છે.
જાણું છું. શિખા તેની નજીકમાં જતા બોલી, જો રવિ તું અહી એટલા માટે નથી કે તું હરીકાકાનો પૌત્ર છે, તું અહી છુ કારણકે તું અહી ભણવા માટે કાબેલ છે. અને રહી વાત ઉપકારની તો જે ઉપકાર તારા માબાપ અને દાદાએ મારા ઉપર અને આ કોલેજ ઉપર કર્યા છે તેની આગળ હું તો કઈ નથી કરતી. તારા દાદાએ આ કોલેજને તેના આરંભથી સાચવી છે. અને તારા માબાપે તેને સિંચી છે. અમેતો માત્ર અહી ખુરશીમાં બેઠા છીએ પણ એ ખુરશીમાં બેસતા અમને શીખવાડવા વાળા તારા દાદા છે. એ હું કેવી રીતે ભૂલું. અરે યુવાનીમાં મને સાચવવા વાળા એ પ્રેરણામૂર્તિ ને મારાથી ભૂલાય જ કેમ? અને રહી વાત તારી ચિંતાની તો, જો દીકરા હરીકાકાની બધી જવાબદારી મારી છે ત્યાં સુધી જ્યાં સુધી તું ભણીગણીને પોતે પગભર ના થાય.
પણ તેઓ એકલા છે. છોકરો લગભગ રડમસ અવાજે બોલ્યો. તેમને ખાંસી આવશે તો તેમને... અને છોકરો રડી પડ્યો. શિખાએ તેને પાસે બોલાવ્યો અને કેબીનમાં લઇ જઈને તેને પાણી આપીને કહ્યું, અરે તેઓ મારી સાથે છે. તંદુરસ્ત જોવા છે તારે એમને જોઇલે કહી શિખાએ પોતાનો ફોન કાઢીને તે છોકરાને તેમાં હરિકાકાનો ફોટો બતાવતા કહ્યું.
પણ તેમને મારી જરૂર પડશે તો...છોકરો બોલ્યો.
અરે હુંછુને... અને તેમની પૂરી કાળજી રાખીશ. પ્રોમિસ. તારે ફક્ત ભણવાનું છે. સમજ્યો. અને જો તને નોકરી જોઈતી હોયતો કેન્ટીનમાં કેશ કાઉન્ટર પર બેસી જજે ઠીક છે.
હમ...છોકરો બોલ્યો. અને મેડમ મને અઠવાડિયે ફક્ત એકવારતો જવાદેશોને દાદાને મળવા? છોકરો બોલ્યો.
ઠીક છે. લાખા આને શનિવાર કે રવિવારે બહાર નીકળવા દેજો. હવે ખુશ.
હા. થેક્સ મેડમ. ખુશ થતા છોકરો બોલ્યો.
મેડમ તમને બધા નાહક જ હિટલર કે છે, અરે તમે તો કેટલા દયાળુ છો. લાખો બોલ્યો.
લાખા આ દુનિયામાં આપણે બધાને ગમીએ એવું તો ના હોયને. અને જો દરેક પરિસ્થિતિમાં દરેક માણસ અલગ હોય છે. અને એ પરિસ્થિતિ મુજબ તેનું અવલોકન જે તે વ્યક્તિ કરેછે. તેમાં કોઈ ખોટું કે કોઈ સાચું નથી હોતું ફક્ત પરિસ્થિતિ સારી કે ખરાબ હોય છે. અને આટલું કહીને શિખા ત્યાંથી નીકળી ગઈ.
.......................................................................
લાખો આજે પણ એ જ જાગ્યાએ છે. એ જ ગેટ પર પણ આજે આ ઇન્સ્ટીટયુટ બદલાઈ ગઈ છે, તેના માલિકની સાથે સાથે અહી બીજું પણ ઘણું બદલાયું છે જે તે વખતે તેને આ ઇન્સ્ટીટયુટ પ્રત્યે પ્રીતિ કરાવતું હતું. નામ તો બદલાયું જ પણ...પણ બીજું પણ ઘણું એવું બદલાયું જે નહોતું બદલાવા જેવું. શિખાબેને તેને તે દિવસે આ ઇન્સ્ટીટયુટ ને છોડવાની રજા આપી હોત, કાશ શીખાબેને તે દિવસે એ પગલું નાં ભર્યું હોત તો આજે ચિત્ર કૈક અલગ જ હોત.
એવું શું થયું હશે પ્રાષાના ભૂતકાળમાં? તેની માતાએ શા માટે કોઈ પગલા ભર્યા હશે? એવું કયું કારણ હોઈ શકે કે આજે પ્રાષા કોઈ અલગ પ્રદેશમાં અલગ લોકો વચ્ચે રહેવા મજબૂર થઇ જેવા અગણિત સવાલોના જવાબ જાણવા માટે બન્યા રહો મારી સાથે એક અનામી વાતમાં.