રિજિયોનલ મ્યુઝિયમની મુલાકાતે
~~~~~
ગુપ્તેશ્વર મહાદેવ અને દેવી'સ ફોલની યાત્રા કર્યા પછી અમારા સારથીએ અમારો રથ પોખરાના "મ્યુઝિયમ" તરફ વાળ્યો.
મોટાભાગે મ્યુઝિયમની મુલાકાત એટલે આમ તો અણગમતો વિષય.
મ્યુઝિયમની મુલાકાતે માત્ર રસ ધરાવતા અને જે તે વિષયના ભૂતકાળમાં ડોકિયું કરી ઐતિહાસિક સંદર્ભો મેળવવાના જ્ઞાનપિપાસુઓ જ પ્રવેશ ફીના પૈસા ખર્ચીને આવે.
એક સમયે ઘરમાં આવતા મહેમાનોને હું પાલડી મ્યુઝિયમ જોવા અચૂક લઈ જતો.
જોકે આજે એ વાતને લગભગ +૫૦ વર્ષ થયા હશે.
દેશવિદેશથી ખાસ અમદાવાદમાં લોકો જોવા માટે આવે છે એ કેલિકો મ્યુઝિયમ હજુસુધી મેં જોયું નથી.
પણ આતો નેપાળની અને એમાયે પોખરાની વાત હતી.
સમયનો સાથ હતો અને પૈસા વસૂલીની પણ વાત હતી.
ઐતિહાસિક કે સાંસ્કૃતિક દ્રષ્ટિએ મૂલ્યવાન વસ્તુઓ કે નમુનાની જાળવણી તથા તેનું પ્રદર્શન એ મ્યુઝિયમનો મુખ્ય ઉદ્દેશ હોય છે.
જે તે અમૂલ્ય વસ્તુઓની પ્રાપ્તિ, જે તે વસ્તુઓની કાળજીભરી સાચવણી, જે તે વસ્તુઓની સુનિયોજિત ગોઠવણી,અને તેનું હેતુલક્ષી પ્રદર્શન, જનસમુદાય માટે કલાશિક્ષણનો પ્રબંધ તેમજ કલા ઈતિહાસને લગતું સંશોધન જેવી બહુવિધ કામગીરીનો મ્યુઝિયમમાં સમાવેશ થાય છે.
ટૂંકાણમાં કહીયે તો ચીજવસ્તુઓને સુરૂચિપૂર્વક પ્રદર્શિત કરવાની કલા.
મ્યુઝિયમ શબ્દ પ્રાચીન ગ્રીકની કલા અને વિજ્ઞાનની અધિષ્ઠાત્રી દેવીઓ નામ મ્યુઝીસ પરથી આવ્યો હોવાનું મનાય છે
આમ તો નાનકડુ પોખરા મ્યુઝિયમોની બાબતે પણ ખુબ જ સમૃદ્ધ.
પાંચ પાંચ અલગ અલગ મ્યુઝિયમ પોતાના નાનકડા વિસ્તારમાં સમાવીને બેઠુ છે.
૧. ઈન્ટરનેશનલ માઉન્ટેન મ્યુઝિયમ
૨. ગોરખા મેમોરિયમ મ્યુઝિયમ
૩. રિજિયોનલ મ્યુઝિયમ
૪. અન્નપૂર્ણા મ્યુઝિયમ
૫, બુદ્ધ દર્શન પ્રાયવેટ મ્યુઝિયમ .
શરૂઆત થઈ "રિજિયોનલ મ્યુઝિયમ"થી
કદાચ એ મ્યુઝિયમમાં જે તે સમયે અમારા સિવાય કોઈ જ મુલાકાતી ના હતા.
આગળ મેં કહ્યુંને કે રસનો વિષય છે.
એકવીસમી સદીની ચકાચૌંધમાં અટવાયેલા માનવીને આજેય આદિમાનવની જેમ જીવતા અથવા આદિવાસીની પરંપરાઓને સાચવીને જીવતા લોકોમાં રસ ના હોય અને એ જાણીને આજે શું કરવાનું ? કદાચ એવી માનસિકતા પણ હોય.
પ્રવેશદ્વારે જ જન્મથી મરણ સુધીની વિવિધ અવસ્થા દર્શાવતા કાષ્ટ અને માટીથી ઘડેલા આકર્ષક વિવિધ પૂતળાઓ.
મરણોત્તર વિધિ માટે (લાઇટથી) પ્રજ્વલિત દોણી સહિતનો સામાન
અસાર સંસારના સારાનરસા પ્રસંગોની એક ઝલક પલકવારમાં આંખ સામે આવી ગઈ.
જોકે એ સ્મશાનવૈરાગ્ય ક્ષણભર પૂરતો જ હતો
અને બીજી જ પળે એકવીસમી સદીના ભોગવિલાસ નજરે તરવા લાગ્યા.
હિંદુધર્મી હોવાથી પુનર્જન્મની થિયરી મેં આત્મસાત તો કરેલી છે પણ આ જન્મે મળેલુ માનવ ખોળીયુ ત્યજવાનું મન નથી થતું
કારણ પણ ઘણા છે
બીજો જન્મ ભારતદેશની બહાર મળે તો ?
આવો સારો દેશ અને આવી સારી લોકશાહી વગર કારણે ત્યજવાની થાય ને ?
બીજો જન્મ ધારણ કર્યા પછી સમજણ અને પરિપકવતા મેળવવા બીજા ૧૮ - ૨૦ વર્ષ રાહ જોવાની !
આ અને આવા કારણે મન મનાવ્યું કે હાલ મળેલા માનવ ખોળીયાને હમણાં તો જે હાલતમાં છે એ હાલતમાં જાળવી જ રાખવું.
પછી બદલવાની વાત આવશે ત્યારે વિચારીશું !
.
પોખરા, આમ તો ગુરખાઓની જન્મભૂમિ.
રહેઠાણમાં કદ સમાવવા પૂરતી સામાન્ય ઝૂંપડી
સાંકડમોકડ કદાચ ચારેક વ્યક્તિ સાથે રહે તેવી.
રહેવા માટે સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ
ત્યારે "Luxury "નું હજુ તો ગર્ભાધાન થયું હશે !
સમજણ વધતા પથ્થરયુગની બહાર આવેલો માનવ નગ્નતા અને સજ્જનતાનો ભેદ પારખવા લાગ્યો હતો એટલે પોતાના અંગ ઢાંકવાના વસ્ત્રોની સમજ એને આવી ગઈ હતી
સ્થાનિક ગુરખાપ્રજાની રહેણીકરણીને સમજવા મ્યુઝિયમમાં આગળ વધતા અસૈનિક ગુરખાપ્રજાના પહેરવેશ સુધી પહોંચ્યા.
જે સામાન્ય ભારતીય ગ્રામીણ પ્રજાના પહેરવેશને મળતો જ હતો !
એજ ધોતી એજ પહેરણ એજ સાડલો એજ પોલકુ
કદાચ હિંદુધર્મીઓનો એ સામાન્ય અને સર્વસ્વીકાર્ય સાદો પહેરવેશ હશે !
એક જમાનામાં ના માત્ર હું પણ આખોયે સમાજ ફાટેલા વસ્ત્રો પહેરીને પોતાના ઘરની બહાર નીકળવામાં પણ શરમ અનુભવતો
જો કે આજે પરિસ્થિતિ સાવ જુદી છે !
મોંઘાભાવના નવા કપડાએ ફાટેલા લાવીને ઇજ્જતદાર થઈને એ સમાજમાં ફરે છે
એ કપડાથી જ એની સામાજિક આબરૂ, વ્યક્તિગત ઈજ્જત અને મોભો સચવાય છે !
મ્યુઝિયમમાં પૂર્ણકદના જે પૂતળાંઓ હતા તે સામાન્ય ભારતીય વ્યક્તિઓ કરતા કદમાં જરૂર નીચા હતા
અને આપણે જાણીયે છીએ કે ના માત્ર ગુરખાપ્રજા પણ સમગ્ર નેપાળીપ્રજા પ્રમાણમાં ભારતીયપ્રજાથી કદમાં નીચા છે.
રહેઠાણ અને પહેરવેશ બાદ વારો આવ્યો રસોડાનો
નાનકડા રસોઈઘરમાં લાઇટથી પ્રકાશિત ચૂલો , ધાતુ અને માટીના રસોઈના વાસણો અને રસોઈના સાધનો
ચૂલા પર એ જ માટીની કલાડી
બાજુમાં હાથથી રોટલો ઘડતી સ્ત્રી
સ્ત્રી, કે જે રસોડામાં રસોઈ કરતાંયે પોતાના પતિની સામે પણ સાડીના છેડો માથે ઓઢીને બેઠેલી
હિન્દૂ સંસ્કાર જ ને !
સામે જમવા બેઠેલો પતિ પણ ધોતી અને પહેરણ પહેરેલો અને માથે સફેદ ફેંટો / પાઘડી પહેરેલો.
આગળ અને પાછળની અભરાઈઓ પર એ સમયે રસોઈઘરમાં વપરાતા માટીના અને ધાતુના રસોઈના વાસણો અને રસોઈના સાધનો
આગળ વધતા ભાતભાતના વાજિંત્રો આવ્યા
ગુરખા અને નેપાળીઓ હિંદુધર્મી હોવાના કારણે પ્રભુભક્તિ માટે કે પોતાના ઇષ્ટદેવની ભક્તિ સમયે વાંજિત્રોની જરૂર ઉભી થતી હોય.
વળી ત્યારે મેળા, સામુહિક ઉત્સવો અને ઉજવણીઓ એજ મનોરંજનના પર્યાયો હશે
એટલે વાંજીત્રો વગર તો એ ઉજવણીનો ઉત્સાહ અને ઉમંગ અધૂરો જ રહે
ઢોલ, નગારા, મંજિરા, ખંજરી, કરતાલ, બૂંગિયો , શહેનાઇ, ભૂંગળ અને પીપૂડા
ત્યારે કદાચ સ્પીકર . માઈક કે લાઉડસ્પીકરો પણ જન્મ્યા નહિ હોય
શક્ય છે કે વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના સાધનોના અભાવે મોટા અવાજ કરતા વાંજીત્રો એક ગામથી બીજે ગામ કોઈક નિશ્ચિત સંદેશો આપવા માટે પણ વપરાતા હોય.
વાજિંત્રો આમ તો કલા સાથે પણ સંકળાયેલા એટલે ગાયન સાથે વાદન અને નૃત્ય સાથે વાદન
જાતજાતના અને ભાતભાતના કપડાનું પ્રદર્શન
ભાતીગળ કપડા જોતા જ સૌરાષ્ટ્ર અને કચ્છના જાતજાતના ભરતકામવાળા વસ્ત્રોની યાદ આવી ગઈ.
એ જમાનામાં સૌરાષ્ટ્ર અને કચ્છની કલા ત્યાં સુધી કેવીરીતે પહોંચી હશે ?
કે સહજ ટેલિપથીથી એ કલા ત્યાં પહોંચી અને વિકસી હશે !
કદાચ દરેક સ્ત્રીઓમાં ભગવાને સમજણના એકસરખા બીજ રોપ્યા પણ હોય !
સુતરાઉ અને રેશમી કપડા, સુતર મિશ્રિત રેશમી કપડા.
રાજા મહારાજાઓના જરકશી જામા.
રણભૂમિમાં યુધ્ધે ચઢતા યોધ્ધાઓના ખૂબ જ જાડા કપડા
કાપડ અને કપડાનું વૈવિધ્ય
જે તે સમયના પાત્રો અને પ્રસંગોની ચિત્રાવલી
ક્યાંક રંગસભર અને ક્યાંક શ્વેતશ્યામ
રંગસભર તો રંગસભર જ હોય પણ
શ્વેતશ્યામ ચિત્રો પણ અસંખ્ય રંગસભર !
અને અમારા માટે જ ખાસ ખુલ્લું રખાયું હોય એવું રિજિયોનલ મ્યુઝિયમ માણીને અમે આગળ વધ્યા.
સંગ્રહસ્થાનની યાદોને મનમાં સંઘરતા અમારી રથયાત્રા આગળ વધી
આગળ કહ્યું એમ , દિવસો થોડાને ફરવાની જગ્યાઓ ઝાઝી !
અને સાથે પૈસા વસૂલીની આ અમદાવાદી જીવની આદત !
છેલ્લે તમે ક્યારે કોઈ મ્યુઝિયમમાં ગયા હો એવું તમને યાદ છે ?!
ગોરખા મેમોરિયલ મ્યુઝિયમની મુલાકાતે
~~~~~
અને હવે અમે પ્રવેશ કર્યો "ગોરખા મેમોરિયલ મ્યુઝિયમ - પોખરા"માં.
ગોરખા મેમોરિયલ મ્યુઝિયમના સંભારણા યાદ કરતા પહેલા ગોરખા ઉર્ફે ગુરખા લોકોની અને તેમના ખડતલપણાની વાતો જાણવી રહી.
ગોરખા જાતિ આજે મૂળ નેપાળના ગોરખાલીના હોવાનું કહેવાય છે.
ગોરખા એ નામ તેમણે હિન્દુ સંત અને યોદ્ધા એવા ગુરુ ગોરખનાથ પાસેથી આઠમી શતાબ્દીમાં મેળવ્યું હોવાનું નોંધાયું છે.
ગોરખા જાતિના લોકોના મૂળ ભારતીય પ્રદેશ મેવાડ, રાજસ્થાન સાથે જોડાયેલા છે.
મેવાડના "બપ્પા રાવલ", ગુરુ સંત ગોરખનાથના શિષ્ય હતા જેમના બે દીકરા હતા - રાજકુમાર ક્લભોજ અને રાજકુમાર શૈલાધિશ.
આઠમી શતાબ્દીમાં રાજકુમાર શૈલાધિશ સુદૂર પૂર્વમાં ગોરખા, નેપાળમાં જઈ વસ્યા અને પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું ... કાળક્રમે તેમણે નેપાળનું રાજ્ય સ્થાપ્યું હોવાનું પણ ઈતિહાસ નોંધે છે ....
મેવાડ, રાજસ્થાનના "બપ્પા રાવલ"ના પુત્ર રાજકુમાર શૈલાધિશ જે ગોરખામાં જઈ વસ્યા એમના વંશજો એ જ ગોરખા
ખડતલ ગોરખા પ્રજા પોતાના લડાયકપણા, સાહસ અને હિમ્મત માટે જગવિખ્યાત છે.
ગોરખા પ્રજાના આ ગુણોના કારણે જ તેઓ "નેપાળ આર્મી", ભારતીય સેનામાં "ગોરખા રેજિમેન્ટ" અને બ્રિટિશ રેજિમેન્ટમાં "ગોરખા બ્રિગ્રેડ"માં આગવુ સ્થાન ધરાવે છે.
ગોરખા પ્રજા પ્રકૃતિકરૂપે યોદ્ધા હોય છે અને યુદ્ધમાં તેઓ ખુબ જ આક્રમક હોય છે, તેઓ વફાદાર અને ખુબ જ સાહસી હોય છે. તેઓ આત્મનિર્ભર , મજબૂત અને સ્ફૂર્તિવાન હોય છે.
તેઓ લાંબા સમય સુધી ખુબ મહેનત કરનાર, હઠીલા લડાયક અને યુદ્ધની રણનીતિના જાણકાર અને ઘડવૈયા હોય છે.
ગોરખા સૈનિકો ૧૮૧૫ની સાલથી બ્રિટિશસેનામાં જોડાયેલા.
ત્યારબાદ ૧૯૪૭માં ભારતની આઝાદી પછી ભારતીય સેનાનો હિસ્સો બની ગયા.
ગોરખા સૈનિકોને ખુબ જ નજીકથી જાણનાર અને પારખનાર ભારતીય સૈન્યના ચીફ ઓફ આર્મી સ્ટાફ શ્રી. સેમ માણેકશાએ ગોરખા સૈનિકો માટે કહ્યું હતુ કે
"If a man says he is not afraid of dying, he is either lying or is a Gurkha."
૧૮૫૭ના સૌ પ્રથમ સ્વતંત્રતા સંગ્રામમાં "ગોરખા રેજિમેન્ટ" અંગ્રેજો સાથે અને ભારતીય ચળવળકાર સૈન્યની વિરુદ્ધમાં હતી
કારણ કે ત્યારે ગોરખા રેજિમેન્ટ "ઈસ્ટ ઈન્ડિયા કંપની"ની સાથે અનુબંધિત હતી
મહારાજા રણજિતસિંહે ગોરખાઓને પોતાના સૈન્યમાં ખાસ રાખ્યા હતા.
અંગ્રેજો માટે અને અંગ્રેજો વતી ગોરખા સૈનિકો બંનેય વિશ્વયુદ્ધ લડ્યા હતા અને પોતાના અપ્રતિમ કૌશલ, સાહસ અને શૌર્યનો પરિચય આપ્યો હતો
પ્રથમ વિશ્વયુદ્ધમાં લગભગ ૨,૦૦,૦૦૦ ગોરખા સૈનિકોએ ભાગ લીધો હતો જેમાંથી લગભગ ૨૦,૦૦૦ ગોરખા સૈનિકો શહાદતને વર્યા હતા
બીજા વિશ્વયુદ્ધમાં લગભગ ૨,૫૦,૦૦૦ ગોરખા સૈનિકોએ ભાગ લીધો હતો જેમાંથી લગભગ ૩૨,૦૦૦ ગોરખા સૈનિકો શહાદતને વાર્યા હતા.
ચીન અને પાપીસ્તાન સામેના યુદ્ધોમાં ભારત તરફથી લડતા ગોરખા સૈનિકોએ પોતાના અપ્રતિમ સાહસનો અને શૌર્યનો પરિચય કરાવ્યો હતો.
અત્યારે દર વર્ષે લગભગ ૧૨૦૦ થી ૧૫૦૦ નેપાળી ગોરખા ભારતીય સેનામાં ભરતી કરાય છે
અત્યારે ગોરખા રાયફલ્સમાં લગભગ ૮૦,૦૦૦ ગોરખા સૈનિકો છે જે કુલ સંખ્યામાંથી લગભગ ૭૦% છે.
જયારે બાકીના ૩૦% ગોરખા દેહરાદૂન, દાર્જિલિંગ, ધરમશાલા અને આસામના સ્થાનિક ગોરખાઓ છે.
આ સિવાય નિવૃત્ત ગોરખા જવાનો અને આસામ રાયફલ્સમાં સેવારત ગોરખાઓની સંખ્યા લગભગ ૧,૦૦,૦૦૦ જેટલી છે.
ભારતની આઝાદી સમયે ભારતીય લશ્કરમાં કુલ ૧૦ ગોરખા રેજિમેન્ટ કાર્યરત હતી જેમાંથી ૬ રેજિમેન્ટ ભારતમાં રાખવાના કરાર થયા
ભારત, નેપાળ અને બ્રિટન સાથેના એ સમયે કરાર મુજબ ગોરખા રાયફલ્સ નંબર - ૧,૩,૪,૫,૮,૯ વર્ષ ૧૯૫૦માં ભારતીય સૈન્ય સાથે જોડાઈ.
જેમાં ગોરખા રાયફલ્સ રેજિમેન્ટ નંબર ૫ સાથે રોયલ શબ્દ લગાવેલો હતો તે શબ્દ હટાવાયો હતો.
બાકીની ચાર રેજીમેન્ટના ગોરખા સૈનિકોને મરજીયાતપણે બ્રિટિશ રોયલ આર્મી સાથે જોડાવાનો પર્યાય અપાયો ... જેમાંથી ગોરખા રાયફલ રેજિમેન્ટ નંબર ૭ અને ગોરખા રાયફલ રેજિમેન્ટ નંબર ૧૧ના ઘણાબધા ગોરખા સૈનિકોએ ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું.
જે સૈનિકોને ભારતીય સેનામાં સમાવવા માટે ગોરખા રાયફલ રેજિમેન્ટ નંબર ૧૧ ઉભી કરાઈ ... જે હાલમાં પણ કાર્યરત છે.
"ગોરખા મેમોરિયલ મ્યુઝિયમ - પોખરા", સૌ પ્રથમ વખત પ્રાથમિકરીતે કાઠમંડુમાં બનાવાયેલું.
૨૦૦૪માં તેને કાયમી ધોરણે બ્રિટિશ ગોરખા કેમ્પની બહાર ખાલી જગ્યામાં લઈ જવાયું
૨૦૦૫માં આ મ્યુઝિયમને પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું
ત્રણ માળના મ્યુઝિયમમાં પહેલા બે માળમાં ૧૮૧૫થી આજ સુધીનો ગોરખા સૈનિકોના ઈતિહાસને દર્શાવતા ફોટોગ્રાફ્સ, યુનિફોર્મર્સ, બેઝીસ, બેચીસ, ઉપયોગમાં લેવાતા હથિયારો વગેરે દર્શાવાયા છે
વિકટોરિયા ક્રોસ, પરમવીર ચક્ર સહિતના શૌર્ય સન્માન મેળવનાર સૈનિકોની ગાથા અને તેમના ફોટોગ્રાફ્સ પણ ત્યાં સજાવાયેલા છે.
જ્યારે સૌથી ઉપરના માળ પર "સાઉન્ડ એન્ડ લાઈટ શો" દ્વારા ગોરખા સૈનિકોની શૌર્યકથાઓ અને યુદ્ધાભ્યાસના દ્રશ્યો આભાસીરીતે જીવંત કરાયા છે.
પણ કમનસીબી એ છે કે હું અને તમે TV અથવા ફિલ્મોમાં બતાવાતી નકલી યુદ્ધકથાઓ જેટલો રસ અસલી સૈન્ય મ્યુઝિયમ જોવામાં દાખવતા નથી
આટલા પ્રયત્નો પછીયે કમનસીબી એ છે કે અત્યારે દર વર્ષે માત્ર ૧૫,૦૦૦ જેટલા પર્યટકો જ આ જગ્યાની મુલાકાત લે છે.
બ્રિટનમાં પણ ગોરખા મ્યુઝિયમ છે જે હેમ્પશાયર, ઈંગ્લેન્ડમાં સ્થિત છે અને જે "Winchester's Military Museums"નો ભાગ છે.
જયાં ૨૬ ગોરખા સૈનિકો કે જેમણે "વિકટોરિયા ક્રોસ"થી નવાજવામાં આવ્યા હતા તેમની શૌર્યગાથા દર્શાવાઈ છે.
દેશ અને દુનિયામાં સેવારત ખમીરવંતા ગોરખા સૈનિકોને સલામ.
અન્નપૂર્ણા નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ
~~~~~
અન્નપૂર્ણા નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, પૃથ્વી નારાયણ કેમ્પસ - પોખરા
પોખરાનું સૌથી જૂનું મ્યુઝિયમ
બટરફ્લાય મ્યુઝિયમ જે અન્નપૂર્ણા નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમનો એક ભાગ
વર્ષ ૧૯૬૫માં "અમેરિકન પીસ કોર્પ્સ વોલીન્ટીયર" એવા "ડોરોથી મીએરો"એ પોખરાના 'પૃથ્વી નારાયણ કેમ્પસ"ના પ્રાંગણમાં "નેચરલ મ્યુઝિયમ" બનાવ્યું.
આમ તો એ "નેચરલ મ્યુઝિયમ" તરીકે ઓળખાય છે પણ મુખ્ય હિસ્સો "બટરફ્લાય મ્યુઝિયમ"નો જ છે.
એ સમય કે જયારે પોખરામાં રસ્તા અને વીજળીના પણ ઠેકાણા ના હતા.
એ સમય કે જ્યારે ધાર્મિક ઉત્સવો અને મેળા સ્થાનિક પ્રજાના મનોરંજનના સાધનો હતા.
એ સમય કે જ્યારે અર્ધ શિક્ષિત નેપાળી પ્રજા માટે સંગ્રહાલયો અને પ્રદર્શનો પોતાના નજીકના પાડોશી સિવાયના વિશ્વ અને વિશ્વમાનવની ઓળખ આપવા પ્રયાસ કરતા
બસ ત્યારે જ "ડોરોથી મીએરો"એ આ બીડું ઝડપ્યું અને વિશ્વ અને વિશ્વમાનવની ઓળખ આપવા પ્રયાસરૂપે સંગ્રહાલય બનાવીને પોતાનું સપનું સાકાર કર્યું.
મ્યુઝિયમના પ્રવેશદ્વારે નેપાળ અને નેપાળની પ્રજાની વંશીય ઓળખ ઉભી કરવા સુંદર કોતરકામ સાથેના સ્થંભ ઉભા કરાયા છે
જેમાં તેરાઈના જંગલોનો વિસ્તાર, તેરાઈના મૂળ લોકો , મેવારના ખેડૂતો , બ્રાહ્મણો, પર્વતીય પ્રદેશોના સ્થાનિકો અને તિબેટના પર્વતાળ પ્રદેશના લોકોની ઝાંખી ઉભી કરાઈ છે.
આ કામ કાઠમંડુની "કોટેઝ ઈન્ડસ્ટ્રીઝ"ના સહયોગે પાર પડાયુ છે.
૧૯૯૫માં "કોલીન સ્મિથ" નામના બ્રિટિશ કિટવિજ્ઞાનીએ નેપાળમાં ઉદ્ભવતા અને મળતા પતંગીયાઓને ભેગા કરીને સંગ્રહ કરવો શરુ કર્યો.
તેઓએ ભેગા કરી સંગ્રહેલા પતંગીયાઓની સંખ્યા એટલી વિશાળ હતી કે ખાસ "બટરફ્લાય મ્યુઝિયમ" ઉભું કરવું પડ્યું.
પોખરા, નેપાળમાં આ "બટરફ્લાય મ્યુઝિયમ"માં નેપાળમાંથી પસાર થતી હિમાયલ પર્વતમાળામાંથી મળી આવતા લગભગ +૬૫૦ જાતિ અને પ્રજાતિના પતંગીયાઓ એકઠા કરી પ્રદર્શિત કરાયા છે.
આ સાથે હિમાલય પર્વતમાળામાંથી મળી આવતા એ +૬૫૦ જાતિ અને પ્રજાતિના પતંગીયાઓની ઓળખ અને પરખની ટૂંકી માહિતી અહીં પ્રદર્શિત કરાઈ છે.
સાથે સાથે હિમાલય પર્વતમાળામાં મળી આવતા પતંગીયાઓ કે જે અન્ય પર્વતમાળામાં પણ ઉપલબ્ધ હોય એવા પતંગીયાઓતો વિશેની માહિતી પણ અહીં દર્શાવાઈ છે.
અહીં હિમાલય પર્વતમાળામાં ઉપલબ્ધ ૭૦ સ્થાનિક ફૂલછોડ અને હિમાલય પર્વતમાળામાં ઉપલબ્ધ ૧૫૦ સ્થાનિક પક્ષીઓના ચિત્રો "પ્લાયવુડ" અને "કેનવાસ" પર ચીતરી અને દર્શાવાયા છે.
હિમાલય પર્વતમાળામાં ઉપલબ્ધ ૫૬ જેટલા સ્થાનિક પક્ષીઓના મૃતદેહો મસાલા ભરીને સચવાયેલા છે.
હિમાલય પર્વતમાળામાં ઉપલબ્ધ એવા સરીસૃપો અને માછલીઓ વગેરેના ચિત્રો અને તેમની લાક્ષણિકતાઓ અહીં દર્શાવાયા છે.
સિમેન્ટ અને કોંક્રિટથી બનાવેલા લગભગ ૯૦ જેટલા પ્રાણીઓના ફુલસાઈઝ પૂતળા મ્યુઝિયમના આજુબાજુના મેદાનમાં ગોઠવાયેલા છે.
ફરી એ વાત અહીં નોંધીશ કે મ્યુઝિયમ એ સામાન્ય જનમાનસમાં તદ્દન અવગણાયેલો વિષય છે
અને રસ ધરાવતી વ્યક્તિઓ સિવાયના અન્ય લોકો માત્ર ૧૦ - ૧૫ મિનિટમાં મ્યુઝિયમમાં લટાર મારીને બહાર આવી જાય છે.
વિકાસની વાતો કરતી સરકારે પોખરા, નેપાળના સ્થાનિક પ્રજાના રોજગારલક્ષી વિકાસ તેના આયોજનને ધ્યાને રાખી પોતાના પ્રદેશમાં રોજગારલક્ષી વિકાસની રૂપરેખા તૈયાર કરાવી જોઈએ.
ઘરથી દૂર અને એય પૈસા ખર્ચીને જો જોવા જવાનું હોય તો એ જોવા જવામાં કોને રસ હોય !
કેટલાક શાસકો કે જેમને જીવતા માણસોમાં રસ ના હોય એમને મરેલા પશુ - પક્ષી કે પતંગિયામાં રસ ના જ હોય એ સ્વાભાવિક છે
ઈન્ટરનેશનલ માઉન્ટેન મ્યુઝિયમ ~~~
~~~~~
નેપાળના ભવ્ય વારસા વગરની પણ ભવ્ય નગરી પોખરાના એક ભવ્ય સ્થળની મુલાકાતે
ભવ્ય સ્થળ "ઈન્ટરનેશનલ માઉન્ટેન મ્યુઝિયમ"
મ્યુઝિયમ એક એવી સંસ્થા જ્યાં વિષયવસ્તુને અનુરૂપ ભેગી કરાયેલી વસ્તુઓ ,વિષયવસ્તુને લગતા લખાણો , વિષયવસ્તુને લગતા દસ્તાવેજો અને દસ્તાવેજી પુરાવાઓ , વિષયવસ્તુને લગતા ચિત્રો, ફોટાઓ, ફિલ્મો અને વીડિયોને અને વિષયવસ્તુને લગતા સંલગ્ન અન્ય પુરાવાઓને એક જ સ્થળે પ્રદર્શિત કરતુ સ્થળ
આ સ્થળે એક મ્યુઝિયમમાં હોવી જોઈએ તેવી દરેક વિષયવસ્તુની હાજરી તો ખરી જ પણ મ્યુઝિયમની બહાર જ +૮૦૦૦ મીટરની ઊંચાઈ ધરાવતા ત્રણ પર્વતાધિરાજોની હાજરી પણ ખરી
ધવલગીરી, અન્નપૂર્ણા અને મનાસલુ ત્રણેય ત્યાં હાજરાહજૂર.
પ્રવેશદ્વારે જ જર્મન સરકારના સહયોગથી બનેલી ૨૧ મીટરની ઊંચાઈની "Climbing Wall " છે અને બીજી તરફ ૯.૫ મીટરની ઊંચાઈ ધરાવતી માઉન્ટ મનાસલુની પ્રતિકૃતિ.
પોખરા , પર્વતાધિરાજોના શિખરોને સર કરવા મથતા સાહસિકો અને બહાદુરો માટેનું પ્રવેશદ્વાર છે
એ વાતને ધ્યાને રાખી યુવા પર્વતખેડુઓને આકર્ષવા માટે અને ચઢાણ સમયે આવતી તકલીફોના અભ્યાસ અર્થે ખાસ આ "Climbing Wall " અને માઉન્ટ મનાસલુની પ્રતિકૃતિ અહીં ઉભા કરાયા છે.
કેટલો સુંદર વિચાર !
૨૪૦૦ કિલોમીટરનો વ્યાપ ધરાવતા હિમાલયની આઠ આઠ પર્વતમાળા તો નેપાળમાં જ છે
અને +૮૦૦૦ મીટરની ઊંચાઈ ધરાવતા દુનિયાના સૌથી વધુ પર્વતો (8) અહીં બિરાજયા છે
પર્વતારોહણથી થતી આવક અને પર્વતારોહકો જ આવકનું મુખ્ય સાધન છે
તો યુવાધનને આકર્ષવા આટલું તો કરવું જ પડે ને !
એનાથી પણ આગળ વાત કરીયે તો નાનકડા નેપાળની સરકારની દૂરદ્રષ્ટિ અને દૂરંદેશીપણાને પણ દાદ દેવી રહી કે કાઠમંડુ જેવા મુખ્ય મથકનો જ વિકાસ કરવાના બદલે વિદેશી પ્રવાસીઓના આકર્ષણ માટે અલગ અલગ સ્થાનોના વિકાસની યોજનાઓ બનાવી અને તેને અમલમાં મૂકી.
કારણ પ્રવાસન અને વિદેશી પ્રવાસીઓ જ તો તેમના આવકનું મુખ્ય સાધન અને દેશના અર્થકારણની મુખ્ય ધરી છે.
ઈતિહાસમાં નોંધાયા પ્રમાણે એવરેસ્ટ, K 2 , નંગા પર્વત, કાંચનજંઘાના શિખરોને સર કરીને વિજયનો વાવટો ફરકાવવાનાં પડકારજનક પ્રયત્નો જગતના અસંખ્ય પર્વતારોહી સાહસવીરોએ ૧૯૨૦ની આસપાસ આદર્યા હતા.
જોકે ૧૯૨૦ થી ૧૯૫૦ સુધીના પર્વતારોહી સાહસવીરોએ શિખરો સર કર્યા કે તેઓ પડકારજનક પ્રવાસના અધવચાળે શહીદીને વર્યા એ બાબતે ઈતિહાસ ચૂપ છે.
છેક ૧૯૫૦માં માઉન્ટ અન્નપૂર્ણા મોરિસ અને લુઇસે સર કર્યાની વાત અને ૧૯૫૩માં તેનઝિંગ અને હિલેરીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યાની વાતની ઈતિહાસ ગવાહી આપે છે.
બસ એ સાહસવીરોના સાહસની નોંધ દુનિયાભરના સાહસવીરોએ લીધી અને દુનિયાભરના અસંખ્ય સાહસવીરોએ એ પર્વતારોહણના પડકારજનક પ્રયાસો આદર્યા અને સફળતા પણ મેળવી.
બસ, એ સાહસવીરોના પર્વતારોહણના પડકારજનક પ્રયાસો તેની સફળતાઓ અને નીષ્ફળતાઓની ગાથા આ મ્યુઝિયમમાં સંગ્રહાયેલી છે.
બહારથી જોતા પ્રમાણમાં ખુબ જ નાનું લાગતુ આ મ્યુઝિયમ ઘણાબધા હોલ ધરાવે છે જેમાં મુખ્ય ત્રણ હોલ છે
મ્યુઝિયમમાં ત્રણ મુખ્ય પ્રદર્શની હોલમાં.
પહેલા હોલમાં મહાન હિમાલયની મહાન કથાઓ અને ગાથાઓ,
બીજા હોલમાં વિશ્વના પરાક્રમી પર્વતારોહી સાહસવીરોની ગાથાઓ અને કથાઓ,
ત્રીજા હોલમાં વિશ્વના અન્ય મહાન પર્વતોની કથાઓ અને ગાથાઓ વર્ણવાઈ છે
અન્ય હોલમાં એક વિડીયો હોલ, પર્વતાળપ્રદેશમાં રહેતી ખડતલપ્રજાની જીવનશૈલી અને તેમની સંસ્કૃતિ, તેમની આદતો, તેમના વસ્ત્રો, તેમના રહેઠાણો, તેમની જીવનજરૂરી ઘરવખરી વગેરે વગેરેની ઝાંખી દર્શાવતો હોલ, એક હોલમાં પર્વતારોહી માટે જરૂરી પોશાકો અને પર્વતારોહી માટે જરૂરી સાધનસામગ્રી દર્શાવાઈ છે અને એક મૌન પ્રાર્થના હોલ પણ સામેલ છે.
અને વિષયવસ્તુને અનુરૂપ એક નાનકડુ પુસ્તકાલય પણ સમાવાયું છે.
વિડીયો હોલમાં નેપાળના પર્વતાળપ્રદેશ ખુમ્બુમાં રહેતી સાહસિક અને ખડતલપ્રજાની જીવન, જીવનશૈલી, સંસ્કૃતિ અને રિવાજોની વાત ૨૦ મિનિટમાં કહેવાય છે.
આગળ વધતા બીજા હોલમાં જાપાન, તાઇવાન, સ્લોવેનિયા અને નેપાળના પર્વતાળપ્રદેશના આદમકદ પૂતળા પરિવારો તમને મળવા આતુર ઉભા હોય.
તેમના પોશાકો, તેમની ઘરવખરી, તેમના મકાનો વગેરે વગેરેની ઝલક બતાવતા ઉભા હતા
તેમની જીવનશૈલી અને જીવનને લગતી સાધનસામગ્રી તાળાબંધ કાચના કબાટોમાં સંગ્રહીને ઉભા હતા
તેમની જીવનશૈલી, તેમની સંસ્કૃતિ, તેમની આદતો અને તેમના રીતિરિવાજોની વાતો ત્યાં કહેવાઈ હતી
સ્થાનિક નેપાળી પ્રજામાં શેરપા, તમાંગ, મગર, કિરાન્ત, ગુરુંગ અને થાકલી જેવી અલગ અલગ પ્રજાની વાતો ત્યાં કહેવાય હતી અને સચવાઈ હતી
ત્યાં યુરોપિયન પર્વતીય પ્રજા અને સ્થાનિક નેપાળી પ્રજાની રહેણીકરણી અને સંસ્કૃતિની સરખામણી હતી
ત્યાં +૭૦ વર્ષ પહેલા પાડેલા ફોટોગ્રાફ્સનો સંગ્રહ પણ ખરો
પછીના હોલમાં પર્વતોનો ઈતિહાસ જેમાં +૮૦૦૦ મીટરથી ઊંચા શિખરો ધરાવતા પર્વતોની ગાથા અને કથા
એનિમેશન ફિલ્મથી દર્શાવાયેલી હિમાલયની ઉત્પત્તિની કથા અને ગાથા
જ્યાં હિમાલયની અલગ અલગ પર્વતમાળાના ખડકોના - પથ્થરોના નમૂનાઓ પણ પ્રદર્શિત કરાયા છે
જ્યાં હિમાલયના ચિત્રો અને ફોટાઓની સજાવેલી હારમાળા
પછીના હોલમાં પર્વત પર થતી ક્રિયાઓ અને પ્રક્રિયાઓની વાતો
પર્વતારોહીઓના કપડા, અલગ અલગ પ્રકારના દોરડા, ખીલ્લી - ખીલ્લાઓ, નાનકડી હથોડી સહિતના અન્ય સાધનો
પર્વતારોહીઓની પોતાના પર્વતારોહણ સમયના સારા અને ખરાબ અનુભવો દર્શાવતી નોંધ અને નોટબુકો
પર્વતારોહીઓની "પર્સનલ" વસ્તુઓ પણ પ્રદર્શિત કરાઈ છે
ત્યાં હિમાલય પર્વતમાળામાં "યેતી"ની હાજરીના ચિત્રો, ફોટાઓ સહિતના યેતીને નજરે નિહાળનાર પર્વતારોહીઓના બયાનો અને અનુભવોના અન્ય દસ્તાવેજી પુરાવાઓ
અને "યેતી"ના પગલાની છાપ / છાપો
પછીની પ્રદર્શનીમાં પર્વતો પર ફેંકાતા અથવા ત્યજી દેવાતા કચરાની અને પર્વતો પર પર્યાવરણની જાળવણીની વાતો કરાઈ છે
જ્યાં વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૩ સુધીમાં હિમાલય પર્વતમાળામાં પર્વતારોહીઓ દ્વારા ફેંકાયેલો અથવા ત્યજાયેલો કચરો એકઠો કરીને સંગ્રહવામાં આવ્યો છે
આનો હેતુ પર્વતોના પર્યાવરણ વિષે લોકજાગૃતિ ઉભી કરવાનો છે
કારણ કે મારા અને તમારા ઘરની માફક કે મારા અને તમારા શહેરની સડ઼કોની માફક ત્યાં રોજરોજ સફાઈ કરાવવી શક્ય નથી
એ પછીના પ્રદર્શનના ભાગમાં ૧૯૨૧ થી ૧૯૫૩ સુધી માઉન્ટ એવરેસ્ટની અલગ અલગ પર્વતારોહીઓ દ્વારા જે તે સમયના કેમેરાની મદદથી પડાયેલી તસવીરો દર્શાવાઈ છે
હવે તમે પહેલામાળ પર આવી ગયા છો.
આહ .... વાહ.... અહીંથી તમે અન્નપૂર્ણા, ધવલગીરી અને મનાસલુના +૮૦૦૦ મીટર ઊંચા શિખરો નરી આંખે નિહાળી શકો છો
આ નજારો તમે નીચે જમીન પર બેસીને અથવા ત્યાં મુકાયેલી ખુરશીઓ કે આરામ ખુરશીઓમાં બેસી નિરાંતે માણી શકો છો
ત્યાંથી તમે એ ત્રણેય પર્વતમાળાના ફોટા પાડી શકો છો કે વિડીયોગ્રાફી પણ કરી શકો છો.
એકસમયે કાંકરિયા બાળવાટિકામાં હતું એવું ૩૯ સવાલો અને તેના જવાબો દર્શાવતું "કવીઝ બોક્સ" ત્યાં છે
જયાં તમે જે પ્રદર્શની જોઈ તેને લગતા અને અન્ય સામાન્યજ્ઞાનના સવાલો આપેલા છે
યોગ્ય અને સાચા જવાબ આપીને તમે ત્યાં તમારો IQ ચકાસી શકો છો
સામેના ભાગમાં આવેલા પુસ્તકાલયની મુલાકાત લઈ શકો છો કે તિબેટિયન બુદ્ધિઝમમાં સૂચવાયેલ રીતે યોગ અને યોગ ક્રિયાઓ કરી શકો છો અથવા એ બાબત જ્ઞાન મેળવી શકો છો
આ મ્યુઝિયમની પ્રવેશ ફી થોડી મોંઘી
વિદેશીઓ માટે રૂ.૪૦૦ (NR)
સાર્ક દેશના પ્રવાસીઓ માટે રૂ.૨૦૦ (NR)
નેપાળી મુલાકાતીઓ માટે રૂ.૧૦૦ (NR)
અને "IMM"ની આજુબાજુમાં બનાવેલા અને સજાવેલા બગીચામાં ફરવાના રૂ.૨૦ , તમામ પ્રવાસીઓ/મુલાકાતીઓ માટે
ખબર નથી પણ કદાચ "પોખરા"ની વાતો કરતા મારી નજરમાં "ખોખરા"ની છબી ઉભરી આવતી હશે
અને મને "પોખરા" સ્વર્ગ સમાન ભાસતુ હશે !
વિકાસવીરોએ વિકાસની વાતો શરુ કરતા પહેલા આ નાનકડા નગરની મુલાકાત લઈ તેના વિકાસની રૂપરેખાઓ અને ખરેખર કરાયેલા વિકાસનો અભ્યાસ કરવો જોઈએ
જેથી એ વિકાસવીરોને ભાન થાય કે દુનિયાના વિવિધ દેશોના પ્રવાસીઓને આકર્ષી શકે તેવો વિકાસ કોને કહેવાય !
આજે તો સવારના ૩:૩૦ વાગે શરુ થયેલી રથયાત્રા સાંજના ૭:૩૦ સુધી અવિરત ચાલી
છેક રાત્રે ૮:૦૦ વાગ્યા લગભગ હોટલ પર પહોંચ્યા
ખાવાના હોશ રહ્યા નહોતા એટલે પથારી વ્હાલી કરી
વાત પોખરાની ~~~
પોખરા, નેપાળનું આર્થિક પાટનગર
પોખરા, નેપાળનું બીજા નંબરનું શહેર
પોખરા, પૃથ્વી પરનું સ્વર્ગ
પોખરા, સરોવરની નગરી
પોખરા, સંગ્રહાલયોની નગરી
પોખરા, કુદરતી સૌંદર્ય અને સાહસનો સમન્વય
પોખરા, શુદ્ધ હવાનું સ્થળ
પોખરા, સુંદર કુદરતી દ્રશ્યોનું સ્થળ
પોખરા, ભવ્ય ભૂમિ દ્રશ્યોનું પ્રાકૃતિક સ્થળ
પોખરા, "Jewel in the Himalaya "
પોખરા, નેપાળની ઉત્તર પશ્ચિમે આવેલુ ધરતી પરનું સ્વર્ગ
જે અન્નપૂર્ણા પર્વતમાળા અને ધવલગીરી પર્વતમાળાના સાનિધ્યે જન્મ્યું અને મોટુ થયું છે
જે સેટી - ગંડકી નદીના સાનિધ્યે વસ્યું
પોખરા, ૪૬૪ ચોરસ કિલોમીટરનો અધધ વિસ્તાર ધરાવતુ નગર
પોખરા, વિસ્તારમાં કાઠમંડુથી ૮ ઘણુ મોટુ છે
પોખરા, કાઠમંડુ પછી નેપાળનું બીજા નંબરનું સૌથી મોટુ શહેર , વસ્તી અને આર્થિક વિકાસને ધ્યાને લેતા
સમુદ્રની સપાટીથી સરેરાશ ૧૮૦૦ મીટરની ઊંચાઈ પર વસેલુ નગર
પોખરા, ભારતીય લશ્કરમાં જોવા મળતા બહાદુર અને નીડર એવા ગોરખા સૈનિકોનું મૂળ વતન
પોખરા એ નગર કે જેના ઉત્તરભાગમાં નગરના દક્ષિણભાગ કરતા ઘણો વધારે વરસાદ પડે છે.
પોખરા, મીઠા પાણીના વિશાળ કુદરતી સરોવરનું નગર - ફેવા લેક, બેગનાસ લેક, દીપાંગ તાલ, ખાસતે તાલ, નિયુરેની તાલ, કમલ પોખરી તાલ,કશ્યપ તાલ -
એટલે જ તો પોખરા નેપાળમાં સરોવરના નગર તરીકેની તેની ઓળખ છે
સેટી - ગંડકી નદી જે ભગવાન વિષ્ણુનો અવતાર ગણાય છે
એક માન્યતા પ્રમાણે વેદ વ્યાસનો જન્મ સેટી - ગંડકી નદી કિનારે વસેલા દમૌલી ગામમાં થયો હતો.
વર્ષ ૨૦૧૨માં સેટી - ગંડકી નદીએ સતત અને સખત વરસાદના કારણે પોતાનુ વહેણ બદલાતા કિનારાઓ પર વસેલા નગરના જુના ભાગોને સદંતરપણે ધોઈ નાખ્યા હતા.
જેમાં સેંકડો મકાનો નષ્ટ પામ્યા હતા અને સેંકડો માણસોએ જીવ ગુમાવ્યા હતા.
અન્નપૂર્ણા પર્વતમાળા પરથી ઉતર્યા પછી નામરૂપ ઝૂઝવા -
ક્યાંક સેટી, ક્યાંક ગંડકી, ક્યાંક નારાયણી અને ક્યાંક ગંડક - અંતે તો ગંડકની ગંડક હોયે.
આખરે સેટી - ગંડક લગભગ +૧૩૦૦ કિલોમીટર ઉછળી કૂદી કે ચાલીને ગંગામાં સમાઈ ને ગંગાનું નામ પામે
રાજ પરિવારના સભ્યોની સલાહ મુજબ ૧૯૫૮માં પોખરા એરપોર્ટ શરુ કરાયું હતું
કારણ એ સમયે કાઠમંડુથી પોખરા જવા માટે પાકા રસ્તા હતા જ નહિ.
સૌથી અગત્યની વાત એ છે કે ૧૯૬૦ના દાયકાના અંતભાગ સુધી કાઠમંડુથી પોખરા માત્ર પગે ચાલીને જ જઈ શકાતું હતું
૧૯૭૧માં સિદ્ધાર્થ હાઇવે બન્યા પછી ત્યાં રોડ માર્ગે પોખરા જવાની શરૂઆત થઇ.
સિદ્ધાર્થ હાઇવે UP ભારતના સિદ્ધાર્થનગર અને પોખરાને જોડે છે
સિદ્ધાર્થ હાઇવે ૨૮૦ KMનો છે જેમાંથી ૧૮૦ KMનો હાઇવે નેપાળમાં છે
આ હાઇવે આડાઅવળા અને ખતરનાક વળાંકો હોવાથી સામાન્યરીતે કારચાલકો આ રસ્તે પોખરા જવાનું ટાળે છે
પણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને અન્ય સાધનસામગ્રીનું વહન કરતા ટ્રક આ રસ્તે જ અવરજવર કરે છે
સિદ્ધાર્થ ગૌતમ એટલે કે ગૌતમ બુદ્ધના સંસારી નામ પરથી આ હાઈવેનું નામકરણ કરાયું છે.
આ હાઇવે બનાવવાનો તમામ ખર્ચ ભારત સરકારે ભોગવ્યો છે.
.
૨૦૦૯માં ભારત સરકાર અને નેપાળ સરકાર વચ્ચે પોખરાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે વિકસાવવાનો અગત્યનો કરાર કરવામાં આવ્યો હતો.
પરંતુ ભારત સરકારની ઢીલી નીતિના કારણે એ કામ આગળ વધ્યું જ નહિ અને અંતે ૨૦૧૪માં ચીન સરકારે પોખરાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે વિકસાવવાનો અગત્યનો કરાર કર્યો.
ચીનની EXIM BANK ના અટપટા નિયમો પોખરા એરપોર્ટ ઓથોરિટીને માન્ય ના હોવાના કારણે એ પ્રોજેક્ટ એપ્રિલ ૨૦૧૭ સુધી શરુ ના થઇ શક્યો.
ચીનની સરકારની દખલ બાદ સંબંધિત બેંકે પોતાના નિયમોમાં જરૂરી ફેરફાર કર્યા બાદ જૂન ૨૦૧૭થી એ કામ ફરી શરુ કરાયુ છે.
પોખરા, નેપાળની ટુરિસ્ટ કેપિટલ ગણાય છે.
એ સ્થળે ઇન્ટરનેશનલ એરપોર્ટ વિકસાવવાના બહાને ચીને નેપાળમાં છેક અંદર સુધી પગપેસારો કરી દીધો છે.
હાલમાં નેપાળમાં કાઠમંડુ એ એક માત્ર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે.
ક્યારેક કાઠમંડુ એરપોર્ટ પર ધુમ્મસ છવાયેલું હોય ત્યારે અથવા અન્ય આકસ્મિક પરિસ્થિતિમાં વિમાનોનું ડાયવર્ઝન ભારતના બિહારના કોઈક એરપોર્ટ પર વિમાનોને ડાયવર્ટ કરવા પડતા.
પોખરા એરપોર્ટના વિકાસ પછી નેપાળમાં જ અન્ય વૈકલ્પિક એરપોર્ટની સુવિધા મળી રહેશે.
હાલ પોખરાથી બુદ્ધા એરવેયઝની એક ફ્લાઇટ લખનૌ સુધી નિયમિતરીતે આવ જા કરે જ છે.
૧૯૫૦માં તિબેટમાં ચીનના અતિક્રમણ સમયે તથા ભારત અને ચીનના ૧૯૬૨ના યુદ્ધ સમયે હજારોની સંખ્યામાં તિબેટી નિર્વાસિતો પોખરા અને છેક કાઠમંડુ સુધી આવી ગયા છે
તેમના માટે સ્થાનિક લોકોથી અલગ કેમ્પમાં રહેવાની વ્યવસ્થા ઉભી કરાઈ છે. જેમાના ત્રણ કેમ્પ પોખરામાં છે જયારે પાંચ કેમ્પ કાઠમંડુમાં છે.
ફેવા લેક, તાલ વારાહી ટેમ્પલ, વિન્ઘ્યવાસિની ટેમ્પલ, સારંગકોટ, ગુપ્તેશ્વર મહાદેવ, વર્લ્ડ પીસ. પેગોડા, ઇન્ટરનેશનલ માઉન્ટેન મ્યુઝિયમ, પોખરા રિજિયોનલ મ્યુઝિયમ, અન્નપૂર્ણા નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ , ગોરખા મ્યુઝિયમ મુખ્ય જોવાલાયક સ્થળો અને આકર્ષણો છે.
હમણા બંગી જમ્પ અને પેરા ગ્લાયડીન્ગ જેવા નવા આકર્ષણો ઉમેરાયા છે.
અન્નપૂર્ણા પર્વતમાળા અને ધવલગીરી પર્વતમાળાના પર્વતારોહકો, પર્વત આરોહણની શરૂઆત પોખરાથી કરે છે.
દર વર્ષે પોખરામાં લગભગ +૬,૦૦,૦૦૦ વિદેશી સહેલાણીઓની અવરજવર થાય છે.
અહીં બે ફાઈવ સ્ટાર હોટલ, પાંચ થ્રી સ્ટાર હોટલ અને લગભગ +૬૦૦ અન્ય હોટલ આ નાનકડા પોખરામાં કાર્યરત છે.
એક સ્વચ્છ સુઘડ શહેર જ્યાં કોઈપણ રસ્તે કાગળ કે પ્લાસ્ટિક સહીતના કોઈપણ કચરાની હાજરી નથી. વર્ષે દિવસે +૬,૦૦,૦૦૦ પ્રવાસીઓ આવતા હોવા છતાંયે જાહેરમાં ક્યાંય કોઈ વિદેશી પ્રવાસી ધુમ્રપાન કરતો જોવા મળતો નથી.
રસ્તા પર કોઈપણ જગ્યાએ રખડતી ગાય, ઘેટા - બકરાની હાજરી નથી
નાનીમોટી દરેક હોટલમાં પ્રવાસીઓને શહેરમાં ફરવા માટે સાયકલો રખાઈ છે જે "વિદેશી પ્રવાસીઓ"ને પરવડે તેવા દરે ભાડે અપાય છે.
પોખરા એટલે નેપાળનું સ્વર્ગ
કદાચ મને પોખરામાં નાનીમોટી કોઈ નોકરી મળે તો હું કાયમ માટે ત્યાં રહેવાનું પસંદ કરું
નેપાળના સ્વર્ગ એવા પોખરાને અલવિદા ~~~
ગઈકાલે સાંજથી અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો
અને ભારે પવન સાથે બરફના કરા અને વરસાદ પડવાનો શરુ થયો હતો
અને ઠંડી અચાનક જ વધી હતી
રાત્રે ઠંડી ૨ - ૩ ડિગ્રીની આજુબાજુ હશે
આજે બપોરે બે વાગે તો પેલા નાના વિમાની છકડામાં બેસીને નેપાળના સ્વર્ગ એવા પોખરાને "રામ રામ" કરવાના હતા
આટલા બધા દિવસોમાં આજનો દિવસ આરામનો હતો
પણ જીવમાં જળવાયેલી પેલી કુદરતી છુપી ઘડિયાળને જરાયે જમ્પ નહિ
એણે તો આજેય મને રોજિંદા સમયે સવારે સાડા પાંચ વાગે જગાડી દીધો
આટલા દિવસમાં આ પહેલો મોકો હતો કે જેમાં અમે હોટલમાં અપાતા "ફ્રી બ્રેકફાસ્ટ"ને માણવાના હતા
હોટલના યુવા માલિક "કિશોર અધિકારી"ને અમે શાકાહારી છીએ એ બાબત ધ્યાને હતી
અમે ઉતર્યા હતા એ હોટલમાં માત્ર અને માત્ર "નોનવેજ" નાસ્તા અને જમણની જ સગવડ હતી
અમે ટેબલ પર ગોઠવાયા કિશોરે અમારા માટે નજીકમાં આવેલી કોઈક ઓળખીતાની હોટલ પરથી અમારા માટે "શાકાહારી" નાસ્તાની વ્યવસ્થા કરી
આ શું ?
નાસ્તામાં આવેલી તમામ વાનગીઓ ઈંડાવાળી જ હતી
નેપાળ સહીત ઘણા દેશોમાં "ઈંડા"ને શાકાહારી ગણાવાયા છે !
હવે ?
કિશોરે માફી માંગી અને અમારા માટે બ્રેડ, બટર, જામ અને દૂધની વ્યવસ્થા કરી
મિત્રો, તમે પણ મારી માફક શાકાહારી જ હોતો ફરવા જાવ ત્યારે જે તે હોટલમાં ખાસ કાળજી રાખવી અને જાણી લેવું કે તમને પીરસાતી વાનગી શુદ્ધ શાકાહારી જ છે
હમણાં "ફેસબુક"ના માધ્યમે એ વાત ધ્યાનમાં આવી છે કે જે તે હોટલમાં પીરસતા "કુલચા" ઈંડા વગર બનાવવા શક્ય જ નથી !
હવે બપોરના ૧૨ વાગ્યા સુધીના ૩ - ૪ કલાક અર્થવગર આથડવાનું હતું
હોટલના પ્રાંગણમાં પડેલી અને ભાડે અપાતી સાયકલો વિષે પૃચ્છા કરી
એક સાયકલના એક કલાકનું ભાડું $ 15 હતું
કદાચ ભારત સિવાયના અન્ય વિદેશી પ્રવાસીઓને ધ્યાને રાખીને આ ભાડુ નક્કી કર્યું હશે !
એટલે બે સાયકલના એક કલાકના રૂ.૧૮૦૦ થાય
આ અમદાવાદી જીવ એક કલાક માટે સાયકલના રૂ.૧૮૦૦ આપવા તૈયાર ના થયો
ભાડુ ઘટાડવા પ્રયત્ન કર્યો
પણ વ્યર્થ
કારણ કે એ સાયકલનો માલિક હોટલનો મલિક નહિ પણ કોઈક અન્ય વ્યક્તિ હતો
અને એની દલીલ હતી કે હું તમને ઓછા ભાડે સાયકલો આપુ અને મારા અન્ય વિદેશી ગ્રાહક આવે તો મારે મારુ ભાડુ ગુમાવવું પડે
એ સાચો હતો
અને પછી અમારી રથયાત્રા પગપાળા શરુ થઈ
યાદ રહે કાઠમંડુ સહીત સમગ્ર નેપાળમાં રીક્ષા અને છકડા નામના ધુમાડીયા અને ઘોંઘાટીયા રાક્ષસો પર સંપૂર્ણ પ્રતિબંધ છે !
ચાલતા ચાલતા જવાય એટલા અંતરે જઈને હોટલ પર પરત ફર્યા
જમવાની પળોજણ હતી નહિ
સાથે લાવેલા નાસ્તાના પડીકા પેટ પૂજા કરવા માટે પૂરતા હતા
અને બપોરે ૧૨ વાગે હોટલથી નીકળીને પહોંચી ગયા પોખરા એરપોર્ટ પર
અહીંથી મોટાભાગની વિમાની સેવાઓ નાનકડા વિમાની છકડાઓ મારફતે કાઠમંડુ માટે ઉપલબ્ધ છે
જે સેવાઓ બુદ્ધા એરવેઝ, સીમરીક એરવેઝ, તારા એર, નેપાળ એરવેઝ, યેતી એરવેઝ, સીતા એરવેઝ અને સુમિત એરવેઝ દ્વારા પૂરી પડાય છે
જેમાં બુદ્ધા એરવેઝના વિમાનો ૫૦ સીટર અને બે એન્જીન ધરાવે છે
આથી તેનું ભાડુ અન્ય વિમાની સેવાઓ કરતા ઘણું વધારે છે ( સીમરીક 3000 NR જયારે બુદ્ધા 5000 NR)
અમારી સવારી સીમરીકના ૧૮ સીટરના વિમાની છકડામાં હતી
ગઈકાલે સાંજથી પલટાયેલા વાતાવરણના કારણે એ છકડો આજે મોડો હતો
એ કાઠમંડુથી પોખરા જ લગભગ પોણા ત્રણ વાગે પહોંચ્યો
અને ત્રણ વાગે ઉપાડ્યો
લગભગ ચાર વાગે અમે કાઠમંડુ પહોંચ્યા
કાઠમંડુનો અમારો સારથી કાઠમંડુ એરપોર્ટ પર અનાયાસે મળી ગયો
અને પહોંચી ગયા "હોટલ નમસ્તે નેપાળ" પર
અને સારથીના કહેવા પ્રમાણે સાંજે ૫ વાગે બૌદ્ધનાથ સ્તૂપના દર્શને જવાનો કાર્યક્રમ પણ ગોઠવી દીધો
સાવ સાચું કહું તો મને ભગવાન બુદ્ધ વિષે કોઈ લાંબી ગતાગમ આજેય નથી.
શાળાકીય શિક્ષણ દરમ્યાન એકાદ બે વર્ષ દરમ્યાન તેમના જીવન પર ઈતિહાસમાં કે ગુજરાતીમાં જે પાઠ આવ્યા હતા બસ એટલી જ સમજ.
હા અંબુજા સિમેન્ટની નોકરી દરમ્યાન નાગપુરમાં લાંબો સમય રહ્યો ત્યારે નાગપુરના જોવાલાયક સ્થળો એવા એક "Dragon Palace Buddhist Temple"ની મુલાકાતે ગયો હતો.
જોકે ત્યારે મારી સાથે આવેલો મિત્ર પણ ભગવાન બુદ્ધ વિષે મારાથી પણ ઓછું જ્ઞાન ધરાવતો હતો એટલે એ મુલાકાત પણ એમ જ પુરી થઈ ગયેલી.
ક્યારેક ક્યારેક છાપામાં અથવા મેગેઝીનોમાં આવતા લેખોમાં ભગવાન બુદ્ધના અને ભગવાન મહાવીરના ત્યાગના પ્રસંગો અને એ પ્રસંગોને લગતી ઉપદેશાત્મક વાતો જરૂર વાંચી હતી.
આમ તો ૪ જુલાઈ ૧૯૯૪થી મેં પણ ઘરનો ત્યાગ કર્યો છે પણ સંસારનો નહિ.
કદાચ એક જ રાશિના હોવાના કારણે સંસાર અને શાંતિને ક્યારેય સારા સંબંધો હતા નહિ સારા સંબંધો છે નહિ અને ભવિષ્યમાં પણ એ બંનેયને સારા સંબંધો થાય એ અપેક્ષા થોડી વધારે પડતી કહેવાય.
જોકે ઘરનો ત્યાગ મેં તો ઘરની શાંતિ માટે જ કરેલો એટલે કે વધતી જતી કૌટુંબિક જવાબદારીઓ નિભાવવા આવક અને જાવક ના છેડા મેળવવાના પ્રયાસરૂપે અધિક અર્થોપાર્જનના ભાગરૂપે જ ઘર છોડેલું.
આમ તો જિંદગીમાં કોઈ વ્યસન નહીં, જોકે તમામ સવલતો હાથવગી કરી આપતા શહેર સુરતમાં લાંબા સમય સુધી એકલા રહેવાના કારણે એક જૂની આદત વ્યસન બની ગઈ
સુરતમાં સાલતી એકલતાને ખાળવા રોજ ચાર છાપા લેતો (પહેલા ત્રણ , દિવ્યભાસ્કરના જન્મ પછી ચાર) ગુજરાત સમાચાર, સંદેશ, ગુજરાત મિત્ર અને દિવ્યભાસ્કર અને એકે એક સમાચાર ધ્યાનથી વાંચતો.
ત્યારે ગુરુવારની ગુજરાત સમાચારની, સંદેશની અને દિવ્યભાસ્કરની પૂર્તિઓમાં ધર્મને લગતા આવતા લેખો વાંચવાનો મહાવરો એટલે હિન્દુધર્મ સિવાયના અન્ય ધર્મોની વિગતો વાંચવા મળતી
(આજથી ૧૦-૧૨ વર્ષ પહેલાની ગુરુવારની ગુજરાત સમાચારની પૂર્તિ ખુબ જ સરસ આવતી. હવે એ પૂર્તિ એટલી તો ભંગાર આવે છે કે હું એ પૂર્તિને હાથ પણ નથી લગાડતો)
એક આડવાત પણ અહીં નોંધવી જ રહી
સુરત....દુનિયાભરની બધી જ બદીનું ઘર
૨૫ વર્ષ હું એકલો જ રહ્યો
પણ સુરતની એકપણ બદી મને સ્પર્શી શકીયે નથી
એના માટે ક્યારેક હું મારી જાતે જ મારી પીઠ થાબડી લઉં છું.
આપણી મૂળ વાત તો ભગવાન બુદ્ધની હતી અને આ અબુધ ક્યાંનો ક્યાં પહોંચી ગયો !
ઈસ્વીસન પૂર્વેની છઠ્ઠી શતાબ્દીમાં ભગવાન બુદ્ધનો જન્મ શાક્ય રાજ્યમાં હિમાલયની ગિરિકંદરાઓમાં વસેલ લુમ્બિની નામના નાનકડા નગરમાં થયેલો.
લુમ્બિની આજે નેપાળનો ભાગ છે.
ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર બન્નેયનો જન્મનો સમયગાળો લગભગ સરખો છે (400 - 600 BC)
એટલે એ બંનેય મહામાનવોની સમકાલીન ગણવા રહયા
ઉલ્લેખનીય વાત એ ગણવી રહી કે તેઓના જન્મ સમયે હિન્દુધર્મ ના માત્ર અખંડ ભારત વર્ષમાં જ હતો પરંતુ હિન્દુધર્મના વાવટા આખાયે એશિયાખંડમાં ફરકતા.
એટલે એ બંનેય મહામાનવોએ હિન્દુધર્મના જે તે સમયના પ્રચલિત વિચારો અને વિચારધારાથી અલગ વાત લોકો સામે મૂકી જે તે સમયના ધર્મિષ્ઠ લોકોના દિલ અને મન પોતાના ઉપદેશાત્મક વચનોથી જીત્યા અને એક એક નવા ધર્મની સ્થાપના એ બંનેય મહામાનવોએ ત્યારે કરી.
રાજકુમાર સિદ્ધાર્થનો જન્મ ઈ.સ. પુર્વે ૫૬૩માં અખંડ ભારતની કપિલવસ્તુ નગરીમાં (?) શાલ્ક્ય પરિવારમાં થયો હતો.
હાલ જે પ્રદેશ લુમ્બિની નામે ઓળખાય છે અને હાલમાં તેં નેપાળ દેશનો હિસ્સો છે.
રાજા સુદ્ધોધન તેમના પિતા અને રાણી મહામાયા તેમના માતા હતા. તેમનાં જન્મ વખતે અથવા તેના થોડાજ સમય બાદ માતા મહામાયાનું અવસાન થયું હતું.
એમના નામકરણ વખતે ઘણા વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે એ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે.
જન્મના કેટલાક દિવસો બાદ માતાનું અવસાન થતા તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું. ગૌતમબુદ્ધ ૮૦ વર્ષ જીવ્યા હતા. ગૌતમબુદ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે.
રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. ૧૬ વર્ષની વયે તેમનાં લગ્ન યશોધરા સાથે કરવામાં અવ્યા હતા.
સમય વહેતા તેમને રાહુલ નામના પુત્રનો જન્મ થયો.
જે જોઈએ એ બધુ જ હોવા છતાં તેમને એવું લાગતું કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નથી.
પોતાની ૨૯ વર્ષની ઉંમરે એક દીવસ નગરચર્યા દરમ્યાન તેમણે એક વૃદ્ધ વ્યક્તિ, એક રોગી વ્યક્તિ, એક સડી રહેલ મડદું અને એક સાધુને જોયા.
મનુષ્યજીવનની અને સામાન્યજનની આ અસહ્ય વેદનાઓની તેમના માનસ પર ઊંડી અસર થઈ. જીવનના આ દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું .
બસ સિદ્ધાર્થનું એ મનોપરિવર્તને જ જગતને ભગવાન બુદ્ધ આપ્યા.
એ મનોપરિવર્તન એટલે મહાભિનિષ્ક્રમણ.
આમ તો બૌદ્ધધર્મ પુનર્જન્મ અને અવતારવાદમાં માનતો નથી પણ હિન્દુધર્મ પ્રમાણે ભગવાન બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માનવામાં આવે છે.
(ક્રમશઃ)