Premnu vartul-2 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | પ્રેમનું વર્તુળ - ૨

Featured Books
Categories
Share

પ્રેમનું વર્તુળ - ૨

પ્રકરણ-૨ વૈદેહિનો પરિવાર

વૈદેહીનો પરિવાર પણ રેવાંશની જેમ જ ચાર જણાનો જ પરિવાર હતો. વૈદેહીના પરિવારમાં પણ એના માતાપિતા અને એનાથી નાનકડી એક બહેન હતી. વૈદેહીનો પરિવાર સમૃદ્ધિથી સંપન્ન, સંતોષી અને સુખી કહી શકાય એવો એનો પરિવાર હતો. હા, અતિ શ્રીમંત તો ન કહી શકાય પરંતુ પૈસાની કમી પણ નહોતી. ઉચ્ચત્તર મધ્યમ વર્ગમાં ગણી શકાય એવો એનો પરિવાર હતો.
વૈદેહીના પરિવારમાં એક પ્રેમાળ પિતા રજતકુમાર હતા, જેમને પોતાની દવાની દુકાન હતી. ભણવામાં તેઓ ખુબ હોશિયાર હતા. તેમનું સપનું તો ડોક્ટર બનવાનું જ હતુ, પરંતુ થોડા માર્ક્સ ઓછા આવવાને લીધે એ એમનું સપનું પૂરું ન કરી શકયા. પરંતુ એ હિંમત ન હાર્યા. એમણે ફાર્મસીનો અભ્યાસ કર્યો અને એમાં એ ખુબ સારા માર્કસથી ઉત્તીર્ણ થયા. લગભગ પાંચ વર્ષ સુધી એમણે મેડીકલ રીપ્રેઝન્ટેટીવ તરીકે નોકરી કરી જેથી એમની પાસે થોડા પૈસા ભેગા થઇ ગયા અને એમાંથી એમણે પોતાની દુકાન નાખવાની હિંમત કરી. અને થોડા જ સમયમાં એમની દુકાન પણ ખુબ ચાલવા લાગી. અને એમના આ સાહસમાં એમના પત્ની માનસીબેનનો ખુબ જ સાથ અને સહકાર મળ્યો.
એમના પત્ની માનસી બેન આમ તો ગૃહિણી હતા. પણ એમણે પણ બી. એસ. સી. નો અભ્યાસ કર્યો હતો. એ પણ ભણવામાં ખુબ હોશિયાર હતા. પરંતુ નાની ઉમરમાં જ એમના લગ્ન થઇ જતા એમને નોકરી કરવાનો વિચાર સુદ્ધાં નહોતો આવ્યો. માનસીબેનને એમના માતાપિતાએ બહુ ઊંચા સપના દેખાડ્યા નહોતા. એમના સંસ્કાર એ પ્રમાણેના હતા કે, જે કાંઈ પણ મળે એમાં સંતોષ રાખવો. પણ હા, જયારે કોઈ વસ્તુની ખરીદી કરવાની હોય ત્યારે એ હંમેશા ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુ જ લેવાનો આગ્રહ રાખતા. ત્યારે એ પૈસા સામું જોતા પણ નહિ. અને એમના આ ગુણને કારણે જ રજતકુમાર પણ જયારે દવાનો માલ લેવાનો હોય ત્યારે એમની મંજુરી અવશ્ય લેતા. એ હા પાડે પછી જ એ માલ એમની દુકાનમાં આવતો. ગુણવત્તાની બાબતમાં એમનું જ્ઞાન ખુબ જ ઉત્તમ કોટિનું હતું. એમની બંને દીકરીઓ વૈદેહી અને સુરુચિ બંનેના ઉછેરમાં પણ મનીષાબેનનો ખુબ મોટો ફાળો હતો. એમણે બંને દીકરીઓનો ઉછેર એવી રીતે કર્યો હતો કે, એ દીકરીઓની ખોટી જીદ પણ પૂરી ન કરતાં અને દીકરીઓને કોઈ વસ્તુઓનો અસંતોષ પણ ન રહે એનું પણ તેઓ ખુબ ધ્યાન રાખતા. અને માટે જ એમની બંને દીકરીઓ ખુબ ડાહી અને સંતોષી હતી. અને બંને એમનાથી થોડી વધુ જોડાયેલી હતી. એવું નહોતું કે, પિતા જોડે એમને જોડાણ નહોતું પણ માતા સાથે સવિશેષ જોડાણ હતું.
એમની મોટી દીકરી વૈદેહી પણ ભણવામાં ખુબ જ હોશિયાર હતી પણ સ્વભાવે થોડી આળસુ હતી. અને માત્ર એની આ આળસને કારણે જ એને બારમાં સાયન્સની પરિક્ષા બે વખત આપવી પડી હતી. સ્વભાવે એ થોડી શાંત હતી પણ એનો ગુસ્સો ખુબ ખતરનાક હતો. આમ તો એને બહુ ઓછો જ ગુસ્સો આવતો પણ જયારે આવતો ત્યારે એને સારા નરસાનું કશું જ ભાન ન રહેતું અને એ સામે કોણ વ્યક્તિ છે એનું પણ એ ભાન ભૂલી જતી એટલો ખરાબ એનો ગુસ્સો હતો. હાલ જ એણે એમ.એસ.સી. નો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને એ આગળ પી.એચ.ડી. નો અભ્યાસ કરવા ઇચ્છતી હતી. એ સિવાય એ કવિતાઓ પણ લખતી જે એને એના પિતા તરફથી વારસામાં મળ્યું હતું.
વૈદેહીની નાની બહેન સુરુચિ પણ ભણવામાં ખુબ જ હોશિયાર હતી. અને સ્વભાવે ખુબ જ શાંત પણ વાત જયારે સચ્ચાઈની હોય ત્યારે એ ચુપ ન રહેતી એવો એનો સ્વભાવ. વૈદેહી જેટલી આળસુ હતી એટલી જ સુરુચિ મહેનતુ હતી. તે ખુબ મહેનતુ હતી. એણે પણ પિતાના પગલે ચાલીને ફાર્મસીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અને એનું સપનું એક દવાની કંપની સ્થાપવાનું હતું. જે માટે એ ખુબ મહેનત કરી રહી હતી. એ સિવાય એને જયારે સમય મળતો ત્યારે એ ચિત્રો દોરવાનું પસંદ કરતી. એને એમાં ખુબ જ આનંદ આવતો. એક સારા ચિત્રકાર બનવાના બધાં જ લક્ષણો એ ધરાવતી હતી. એને પણ આ કળા પિતા તરફથી જ વારસામાં મળી હતી. રજતકુમાર એક ઉત્તમ ચિત્રકાર તેમ જ ઉત્તમ કવિ તેમ જ શ્રેષ્ઠ વાર્તાકાર પણ હતા. એટલે એમની આ કળા એમની બંને દીકરીઓમાં સમાનરૂપે વહેંચાઇ ગઈ હતી. વૈદેહીને કવિતા અને વાર્તા વારસામાં મળી અને સુરુચિને ચિત્રકામ.
આવો હતો વૈદેહીનો પરિવાર.

અલગ અલગ વાતાવરણમાં ઉછરેલા વૈદેહી અને રેવાંશ. કેવી રીતે જોડાયો આ બંનેનો સંબંધ? એની વાત આવતા અંકે.