Pentagon - 20 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | પેન્ટાગોન - ૨૦

Featured Books
Categories
Share

પેન્ટાગોન - ૨૦


કબીર ઉર્ફે કુમાર દિવાન સાથે ગાડીમાં બેસી ગયો હતો. એણે વિચારેલું કે રાત્રે એ પાછો ફરે પછી હંમેશા માટે ચંદ્રાને સાથે લઈને ભાગી જશે. હવે તો એની પાસે ગાડી હતી. મહારાજાએ જ આગ્રહ કરીને એમના દરેક માણસને ગાડી ચલાવતો કરેલો જેથી એમના કામ ક્યારેય અટકે નહીં, આજે એ હુનર કુમારને આશીર્વાદ સમાન લાગી રહ્યો હતો.

કુમાર એના પરિવાર સાથે નાનો હતો ત્યારથી આ મહેલમાં રહેતો હતો. પહેલા એના પિતા અને એમના ગયા પછી કુમાર મહેલના ઘોડાઓની સંભાળ રાખતો હતો. મહારાજને જાતવાન ઘોડાઓ પ્રત્યે ખાસ્સો લગાવ હતો. પોતાના શોખ ખાતર જ એમણે જૂના જમાનામાં અંગ્રેજો વાપરતા એવી ઘોડાગાડી તૈયાર કરાવી હતી અને શહેરના જાહેર પ્રસંગોમાં એ હંમેશા એ ઘોડાગાડીમાં બેસીને જ પૂરા ઠાઠ સાથે જતા. રજવાડા ચાલી ગયેલા પણ આ નાના ગામમાં હજી મહારાજની ઈજ્જત હતી, માન હતું, ગામવાળા માટે તો એ જ માઈબાપ હતા. એમની જમીનો ઉપર કામ કરીને ગામની એંસી ટકા વસ્તી નભતી હતી. કેટલાક નાના કારખાના એમણે ગામમાં ચાલું કરાવેલ જેના માટે આખું ગામ એમનું ઋણી હતું. કુમારના પિતા એક અકસ્માતે ગુજરી ગયા બાદ મહારાજે એ લોકોને સાચવ્યા હતા. કુમારની માતાને મહેલમાં કામ આપ્યું હતું અને કુમારને બધું કામ શીખી જવાનો વખત આપ્યો હતો!

અચાનક આ બધું પોતાને કેમ યાદ આવી ગયું? કુમાર પોતાની જાતને નબળી પડતી રોકી રહ્યો હતો. છેલ્લે છેલ્લે મહારાજનું જે વરવું રૂપ એની નજર સામે આવેલું એ ના આવ્યું હોત તો એ ચંદ્રાને ભગાડી જવાની હિંમત ક્યારેય ના કરત. એ એક રાજકુમારી હતી અને પોતે એક નોકર એ ભેદ કુમાર ક્યારેય ભૂલ્યો ન હતો. બાળપણમાં બંનેની હાલત લગભગ સરખી હતી. ચંદ્રપ્રભા અનાથ બનીને મહેલમાં આવેલી અને ત્યારે પોતેય પિતાને ખોઈ ચૂક્યો હતો. બંનેના દુઃખ સમાન હતા, બંનેને બીજા લોકો આગળ જે ઓશિયાળા પણું સાલતું એ એકબીજા સાથે ઓગળી જતું. નાનપણની દોસ્તી પ્રેમમાં પલટાઈ હતી કે બીજો કોઈ સારો વિકલ્પ ના મળતા બંનેએ દોસ્તીને પ્રેમનું નામ આપી દીધું હતું, કોને ખબર?

ચંદ્રાની યાદ આવતા જ કુમાર એક જુદી જ દુનિયામાં ખોવાઈ ગયો હતો. એના જીવનમાં જે કંઈ સુખ હતું એ ચંદ્રા થકી હતું. એ કુમારની નાની નાની વાતોનું ધ્યાન રાખતી, એના માટે મહેલમાંથી સુંદર ભોજન લઈ આવતી, એની વાતો જે ક્યારેય ખૂટવાનું નામ જ ન હતી લેતી એ ફક્ત કુમાર સાથે જ બહાર આવતી. જ્યારે પણ એ બંને મહેલની અંદર આવેલી ઝાડીઓમાં, બાગમાં, કૂવા કાંઠે મળતા ચંદ્રા ખીલી ઉઠતી. સવારથી લઇને અત્યાર સુધી પોતે શું શું કર્યું એ દરેક વાત ચંદ્રા કુમારને કહેતી. એણે કઈ રાત્રે કયું સપનું જોયેલું, એના ક્લાસમાં શું થયેલું, એની પસંદ, ના પસંદ બધું જ એ કુમાર સાથે વહેંચતી અને કુમાર પણ રસથી બધું સાંભળતો રહેતો... આ પ્રેમ હતો બંને વચ્ચેનો એની ના નહીં પણ એ ખરેખર યુવક યુવતી વચ્ચે હોવો જોઈએ એવો પ્રેમ હતો કે બે સરખી ઉંમરના માણસો વચ્ચે થતી દોસ્તી હતી એ નક્કી કરવું કાઠું કામ હતું!

ચંદ્રાએ મહેલમાં હાજર દરેક નોકરને એમનું કામ પતાવી એમની ઓરડીમાં જવા કહી દીધું હતું. એની તબિયત ઠીક નથી અને એ આરામ કરવા ઈચ્છે છે, સાંજે જમવું પણ નથી એમ એણે કહેવડાવી દીધેલું. એને ચિંતા હતી મહારાજની ખાસ દાસી સોનલની, જેને કુમાર મહેલમાં લાવેલી સ્ત્રીઓ સોંપી દેતો હતો. સોનલ વરસોથી મહારાજની સેવામાં હતી અને દરેક વખતે એણે પોતાની ફરજ નિભાવી હતી. મહારાણી દેવલોક પામ્યા, મહારાજનો એકનો એક દીકરો શહેરમાં વસવાટ કરવા ચાલ્યો ગયો.. એ દરેક વખતે સોનલ મહારાજની પાસે એક સ્નેહીની જેમ રહેલી. હાલ પણ એની હાજરી હોય ત્યાં સુધી એ પાછળ આવેલા ઓરડામાં જવું કે એમાંની સ્ત્રીઓ વિશે ભાળ મેળવવી સહેલું કામ ન હતું.

ચંદ્રાએ એનો ઉકેલ મેળવી લીધો હતો. કુમારે જ રસ્તો બતાવેલો. ઘેનની દવા ભેળવેલો લાડુ પ્રસાદ તરીકે ચંદ્રાએ સોનલને અને મહેલમાં હાજર દરેક નોકરને ખવડાવી દીધો હતો. થોડીક જ વારમાં સોનલની આંખો ઘેરાવા લાગેલી. જેમ જેમ રાત વધતી જવાની ઘેનની અસર વધતી જવાની હતી. ધીરે ધીરે કરીને મહેલમાં ચંદ્રા સિવાયનું દરેક જણ ઘેરી નિંદ્રામાં પોઢી ગયું હતું...

ચંદ્રા રાતના ઊઠી હતી અને એ પાછળના ભાગમાં આવેલા ઓરડા આગળ ગઈ હતી. અરે..આ શું? ઓરડા આગળ મોટું તાળું લટકતું હતું. આની ચાવી જરૂર સોનલ પાસે હશે એમ વિચારી ચંદ્રા ભાગતી મહેલમાં પાછી આવેલી. સોનલ જે દિવાન ખંડમાં જ સોફાને ટેકે, જમીન ઉપર બેઠા બેઠા સૂઈ ગયેલી ત્યાં આવી એણે સોનલની આસપાસ તપાસ કરેલી. એની ઓઢણીની કિનારે એક ચાવી બાંધેલી દેખાઈ હતી. આજ એ ચાવી છે એમ માની ચંદ્રાએ એ ચાવી મેળવી લીધેલી. ફરીથી એ મહેલના પાછળના ભાગે આવેલા ઓરડા તરફ ગઈ હતી.

આ ચાવી બરાબર હતી. તરત જ એ મોટું તાળું ખુલી ગયેલું. દરવાજાની બાજુમાં હાથ ફેલાવી ચંદ્રાએ લાઈટ ચાલું કરવાની સ્વીચ શોધી લીધી હતી. અજવાળું થતા જ અંદરનું દ્રશ્ય જોઇ ચંદ્રાને કમકમા આવી ગયેલા. લગભગ સાતેક સ્ત્રીઓ એ મોટા ઓરડામાં હતી. બધી સ્ત્રીઓની હાલત જોઈને જ દયા આવી જાય એવી હતી. એમના ગાલ ઊંડા ઉતરી ગયેલા, આંખો નીચે કાળા કુંડાળા આવી ગયેલા. શરીર હાડપિંજર જેવું થઈ ગયેલું. આ લોકોને સમયસર જમવા નહિ મળતું હોય કે એ લોકો દુઃખમાં આવી લેવાઈ ગઈ હશે એ ચંદ્રા નક્કી ના કરી શકી.

ઓરડામાં કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય અને સેટ રેડી કર્યો હોય એમ ભીંત ઉપર ચોંટાડેલા ચિત્ર જેવું જ આબેહૂબ દૃશ્ય ચિત્રની આગળ જમીન પર ઊભું કરાયું હતું. ક્યાંક નદી કિનારે આવેલા પથ્થર ગોઠવાયેલા હતા, તો ક્યાંક કૂવાની રચના, ક્યાંક વલોણું હતું તો ક્યાંક ચૂલો ગોઠવેલો હતો એની બાજુમાં લોટનો ડબ્બો, તાસક પાણીનું માટલું વગેરે બધું જ અદ્દલ ચિત્ર જેવું જ હતું. હા...ચિત્રમાં જે સ્ત્રીઓ કામ કરતી દેખાતી હતી એ હવે ચિત્ર જેવી ન હતી, એ બધી મરવા પડી હતી.
“કોણ છે તું? નવી આવી? તારું તો અહીંયા કોઈ ચિત્ર નથી!" એક સ્ત્રીએ ચંદ્રા સામે જોઈ પૂછ્યું હતું.

“હું તમને અહીંયાથી બહાર લઈ જવા આવી છું. મારી સાથે ચાલો." ચંદ્રાએ એ લોકો રાજી થશે એમ માનીને કહેલું.

મોટા ભાગની સ્ત્રીઓ હસી પડેલી.
“અહીંયાથી બહાર નીકળી ક્યાં જઇશું અમે? અમારા ઘરવાળા અમારો સ્વિકાર કરશે?" એક સ્ત્રીએ કહ્યું.

“મહારાજ નપુંસક છે, એણે અમને હાથ પણ નથી લગાડ્યો એવું અમે કહીએ તો કોણ માનશે?" બીજી સ્ત્રીએ ખૂબ ધૃણા સાથે કહ્યું.

“શું વાત કરો છો? મહારાજને એક દીકરો છે..." ચંદ્રા હજી બોલી રહી હતી કે એક સ્ત્રી જોરથી થુંકેલી, “એ માટીપગો છે અને પોતાની એ કમજોરી છુપાવવા અમારા ઉપર અત્યાચાર કરે છે. રોજ રાત્રે અહીં આવે છે, અમારી પાસે આ અમારા ચિત્ર જેવું જ કામ કરાવે છે, અમારા અંગો પરથી એક એક વસ્ત્ર ખેંચી લે છે અને પછી સોટીઓ વરસાવે છે..."

“તમે એ બધું ભૂલી જાઓ હાલ અને મારી સાથે ચાલો. હું તમને લોકોને ગામની બહાર સુધી મૂકી જઇશ. તમારું કોઈ તો સગું હશે, કોઈ પિયર પક્ષનું સગું ત્યાં ચાલી જજો." ચંદ્રાને આ લોકોની હાલત જોઈ દયા આવતી હતી અને એની પાસે સમય ન હતો. કુમાર પાછો આવે કે તરત નીકળી જવું હતું.

“એકવાર જે સ્ત્રી ઘરનો ઉંબરો ઓળંગી બહાર નીકળી જાય એને આ સમાજ ક્યારેય સ્વીકારતો નથી. એ બધા માટે મરી ગયા સમાન છે. અમારા માવતર માટે પણ અમે હવે મુસીબત સિવાય કશું નથી."

“આવું ના કહો. આપણે બધા સાથે રહીશું. હું તમારું ધ્યાન રાખીશ તમે બસ હાલ અહીંથી નિકળો અને મારી સાથે ચાલો."

“તારે ખરેખર અમારી મદદ કરવી હોય તો અમને ઝેર લાવી આપ. હવે નથી સહેવાતું આ જીવન. રાતભરની માર, ગાળો અને એ વિકૃત રાક્ષસની કહેવાય પણ નહિ એવી હરકતો...અમારે મરી જવું છે!" એક સ્ત્રી બોલી અને એની પાછળ દરેક સ્ત્રીએ એના સૂરમાં સૂર પુરાવ્યો.

“મરવું જ પડે એવું હોય તો એ પાછળથી ક્યાં નથી થવાનું? એકવાર મારું કહ્યું માની જુઓ. અહીંયાથી બહાર નીકળ્યા બાદ તમે બધી તમારી મરજી મુજબ જે કરવું હોય એ કરવા સ્વતંત્ર છો."

ચંદ્રાની આ છેલ્લી વાતની અસર થઈ હતી. એ બધી સ્ત્રીઓએ એકબીજા સામે જોયું અને ચંદ્રા સાથે જવા તૈયાર થઈ. કેટલીકને પગ પર સોટીના ઘા લાગેલા હતા, કેટલીકને બરડામાં સોળ ઉઠેલા હતા... એ બધા ઘાવ, બધી પીડા પોતપોતાની ઓઢણીમાં સમેટી એ સ્ત્રીઓ કેટલાય દિવસ બાદ એ ઓરડામાંથી બહાર આવી હતી. બધાની હાલત નાજુક હતી. એ બધી ખૂબ ધીરે ધીરે ચાલી રહી હતી. ચંદ્રા ધીમા અવાજે એમની હિંમત વધારતી આગળ ચાલી રહી હતી. ઘડીમાં એ પાછળ આવતી સ્ત્રીઓ તરફ નજર કરતી તો ઘડીમાં કુમારને યાદ કરતી એ ચાલી રહી હતી. મહેલના મકાનમાંથી બહાર આવ્યા બાદ એના વિશાળ દરવાજા આગળ ના ઊભા રહેતા ચંદ્રા એમને લઈને સહેજ બાજુમાં ઉભી રહી જેથી કોઈ અચાનક બહારથી આવે તો એની નજરે ના ચઢી જવાય.

કુમાર હજી આવ્યો ન હતો. બધા ઊભા ઊભા થાક્યા હતા. રસ્તો લાંબો હતો અને કુમારને આવતા સમય લાગશે પણ એ આવશે જરૂર એમ માની ચંદ્રા રાહ જોતી ઉભી હતી. એની સાથેની સ્ત્રીઓ ચૂપ હતી. એ લોકો માટે હવે જીવનમાં મોહ જેવું કંઈ બચ્યું ન હતું. એ લોકો પકડાઈ પણ જાય તોય કંઈ ફરક પડતો ન હતો. મહારાજે એમને છેલ્લી હદે પીડા આપી હતી, પીડાની હદ આવી ગઈ હતી. એમની ઉપર જે જે વીત્યું હતું એ પછી હવે બીજી કોઈ ભયંકર સજા ન હતી, જો મહારાજ એમને મારી નાખે તો એ સજા નહિ પણ એમને માટે ઈનામ બરાબર હતું.

રાત ઝડપથી પસાર થઈ રહી હતી. કુમારની રાહ જોઈ રહેલી ચંદ્રા હવે થાકી હતી. અચાનક એને પેલી નાની બાળકી યાદ આવી ગઈ. જેને કુમાર લઈ આવેલો અને જે બાળકીને લીધે જ કુમારની હિંમત વધેલી...

“તમે લોકો અહીંયા જ મારી રાહ જુઓ હું હાલ પાછી આવી. ક્યાંય જતા નહિ, અહીંયા જ ઊભા રહેજો, હું હાલ આવી " આટલું કહીને ચંદ્રા કુમારના ઘર તરફ ઝડપથી ચાલતી ગઈ હતી. એના ઘરને બહારથી હડો મારેલો હતો પણ તાળું ન હતું. ચંદ્રાએ બારણું ઉઘાડ્યું ત્યારે નાની બત્તીના અજવાળે અંદર ખાટલામાં સૂઈ રહેલી એક બાળકી દેખાઈ હતી. એના હાથમાં એની ઢીંગલી હતી. ઊંઘમાય એણે ઢીંગલીને મજબૂત રીતે પકડી રાખી હતી. એના માસૂમ ચહેરા પર નજર પડતા જ ચંદ્રાને બહાર ઊભી એની રાહ જોઈ રહેલી સ્ત્રીઓ યાદ આવી ગયેલી. કુમારે આને સોનલને હવાલે કરી હોત તો કદાચ આની હાલત પણ આજે...

ચંદ્રા આગળ વિચારી ના શકી. એણે બાળકીના માથે હાથ ફેરવ્યો અને એને ઉઠાડી. આંખો ચોળતી એ છોકરી પથારીમાં બેઠી થયેલી અને એની સામે ચંદ્રાને જોઈ કહ્યું,

“કુમારભાઈ ક્યાં ગયા છે? આજે એમણે મને સાંજે ખાવા નથી આપ્યું. મને કેટલી બધી ભૂખ લાગેલી પછી હું ભૂખી ને ભૂખી જ સૂઈ ગઈ."

“તારા કુમાર ભાઈ તારા માટે જ સરસ સરસ ખાવાનું લેવા ગયા છે. એ હવે આવતા જ હશે, ચાલ આપણે બહાર જઈને એમની રાહ જોઈએ..."

ચંદ્રાની વાત સાંભળી એ બાળકી તાળી પાડી ઉઠેલી અને તરત ઊભી થઈ ગયેલી.

“ખાઈ લીધા પછી હું તરત ઊંઘી જઇશ હોં મને બહુ નીની આવે છે." એ બાળકી ચાલતા ચાલતા બગાસું ખાતા કહી રહી હતી.

ચંદ્રા અત્યારે કૂવા પાસે આવી ગઈ હતી. મહેલની બહાર આવતા જ એક બાજુએ બગીચામાં જવાનો રસ્તો પડતો હતો અને એની બાજુમાંથી જ એક પાતળી કેડી સીધી કૂવા પાસે લઈ આવતી. કુવાથી આગળ જતાં ગીચ ઝાડી આવતી અને એ ઝાડી પાછળ ઘોડાના તબેલા અને કુમારની ઓરડી હતી. ચંદ્રાએ જોયું કે એની સાથેની બધી સ્ત્રીઓ કુવાની પાળી પાસે ઊભી અંદર રહેલા પાણીને જોઈ રહી હતી. એમને આ હાલતમાં જોઈ ચંદ્રાને આંચકો લાગેલો.

“તમે બધા અહીં શું કરો છો? કૂવા પાસે કેમ આવી ગયા?" ચંદ્રાએ બધા તરફ નજર નાખેલી. એ દરેક સ્ત્રીનો ચહેરો ભયગ્રસ્ત હતો. ચાંદની રાતના અજવાળામાં એમની આંખોમાં ભરાઈ આવેલા આંસુ ન હતા દેખાતા પણ એમના ચહેરા પરની રેખાઓ કહી રહી હતી કે એ લોકો હિંમત હારી ગઈ હતી.

“કુમાર હમણાં આવી જશે, હવે આવતો જ હશે. બસ થોડી વાર પછી આપણે બધા આ મહેલથી બહુ દૂર ચાલ્યા જઈશું,"

“મહેલથી દૂર તો ચોક્કસ જશો પણ ફક્ત તમે કુંવરીબા. એ પણ પરણીને સીધા સાસરે..."
ચંદ્રાને વિશ્વાસ ન હતો આવતો પણ એની નજર આગળ સોનલ ઊભી કહી રહી હતી. ઘેનની દવા ભેળવેલ લાડુ ખાઈને પણ આ જાગી કેમની ગઈ?

“વરસોથી મહારાજની ચાકરી કરું છું બેનબા. તમને તે રાત્રે તમારા ઓરડાની બહાર નીકળી મહેલના પાછળના ઓરડે જતા મેં જોયા હતા. તમને કુમાર સાથે વાતો કરતા પણ મેં સાંભળેલા. છેક બાળપણથી હું તમને જોતી આવી છું, મને એમ કે છોકરી જુવાન થઈ રહી છે ત્યારે કુમાર જેવો ફૂટડો જુવાન જોઈ એને મળવા જાય એ વાત કંઈ નવાઈની નથી. જુવાની કોને કીધી, જ્યાં સુધી તમે ચોરીથી મળતા હતા ત્યાં સુધી વાંધો ન હતો પણ હવે તમે મહારાજની અંગત દુનિયામાં કાંકરીચાળો કર્યો છે અને એની સજા તમને મળશે." સોનલ કહી રહી હતી.

“મહારાજ પોતે પુરુષમાં નથી અને છતાં એમની રાણીએ એક છોકરાને જનમ આપેલો. કેવી રીતે? મહારાજ એ અપમાન ભૂલ્યા ન હતા. સમાજને દેખાડવા એમણે પુત્રને તો અપનાવી લીધેલો પણ રાણીસાને સજા મળેલી. ભયંકર મોતની સજા. એમની બેવફાઇએ મહારાજને તોડી નાખેલા. એમનું એ નફ્ફટ થઈને ગર્ભવતી થવું અને મહારાજને લોકો આગળ બદનામ કરવાની ધમકી આપવું એમને ભારે પડી ગયેલું. એમની ચીસો આજે પણ ક્યારેક આ મહેલમાં સંભળાઈ જાય છે! આ બધી રૂપાળી સ્ત્રીઓને જોઇને મહારાજને રાણી યાદ આવી જાય છે અને એ આમને સજા આપે છે! આખી દુનિયાની સ્ત્રીઓ તરફ મહારાજ ને નફરત થઈ ગયેલી એક તમારા ઉપર એમને હેત હતું પણ તમેય આખરે એમને છેતર્યા જ ને!"

“મેં કોઈને છેતર્યા નથી. હું આ બધી સ્ત્રીઓની મદદ કરી રહી છું અને તારે પણ એ જ કરવું જોઈએ. આખરે તું પણ એક સ્ત્રી છે એ ના ભૂલ. તારા દિલમાં પણ થોડીક તો દયા હશે ને!"

“મારા દિલમાં દયા નહિ ભક્તિ ભરી છે. મારા સ્વામી તરફની ભક્તિ અને મારી સ્વામિભક્તિ મને કહી રહી છે કે તમે બધા ભયંકર સજાને હકદાર છો!"

“મોટી બેન આ ડોસી શું કહે છે? કોણ આપણને સજા આપશે?" નાનકડી છોકરી પણ સોનલની વાત પરથી કંઇક ખોટું થવાનું છે એટલું સમજી હતી.

“આપણને કોઈ સજા નથી કરવાનું. સજા એને મળે જેણે કોઈ ભૂલ કરી હોય, આપણે કોઈ ભૂલ નથી કરી." ચંદ્રા બધાને હિંમત આપવા કહી રહી હતી પણ એનો જીવ અંદરથી મુંઝાવા લાગેલો. જો સોનલ પહેલાથી બધી વાત જાણતી હતી તો એણે આ વાત મહારાજને પણ કરી હશે! કદાચ એટલે જ આજે મહારાજે પોતાને એમની સાથે જવા કહેલું. હે ભગવાન કુમાર ઠીક તો હશે ને, એ હજી આવ્યો કેમ નહિ?

“એ નહિ આવે!" સોનલે કહેલું. જાણે એ ચંદ્રા ના વિચારો જાણી ગયેલી. “કુમાર તો ગયો હંમેશા માટે હવે એ શહેરમાં જ રહેશે. એને ત્યાં કારખાનામાં નોકરી પણ આપાઈ ગઈ કુંવરીસા અને ત્યાં જ શહેરની કોઈ છોકરીને પરણીને એ સંસાર માંડશે!"

“એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીની ભાવનાને ઠેસ પહોંચે એવી જુઠ્ઠી વાતો કરતા તને શરમ નથી આવતી?"

“જે હકીકત છે એ જ મેં જણાવી! બાકી તમારી મરજી જેટલી રાહ જોવી હોય એટલી જોઈ લો છેલ્લે તો બધાએ મહેલમાં જ પાછા જવાનું છે." સોનલે ખૂબ વિકૃત રીતે હસતાં હસતાં આ વાક્ય કહેલું.

“અમારે પાછા અંદર નથી જવું... નથી જવું...હું અંદર નહિ જાઉં..." એક સ્ત્રીની લવારી સંભળાઈ અને તરત એક ધુબાકા થયેલો, એ સ્ત્રી કૂવામાં કૂદી પડેલી
એની પાછળ જ કેટલીક સ્ત્રીઓના રડવાના અવાજ આવ્યા, કેટલાક ધુબાકા સંભળાયા, કેટલાય નિસાસા અને ચંદ્રા કંઇ સમજે, કશું કરવાનો પ્રયત્ન કરે એ પહેલાં બધી જ સ્ત્રીઓ કૂવામાં જળ સમાધિ લઈ ચૂકી હતી! પેલી નાની બાળકી ચંદ્રાને પગે વળગી પડી હતી.
ક્રમશ...