Cleancheet - 19 in Gujarati Fiction Stories by Vijay Raval books and stories PDF | ક્લિનચીટ - 19

Featured Books
Categories
Share

ક્લિનચીટ - 19

પ્રકરણ- ઓગણીસમું/ ૧૯

ડોકટર અવિનાશ, મિસિસ જોશી અને સંજના એ ખુબ જ પ્રેમથી સાંત્વના આપીને સ્વાતિને શાંત પડ્યા પછી આલોક બોલ્યો..

‘સ્વાતિ પ્લીઝ, તું આવા શબ્દો બોલે છે તો મને મારી જાત પર ફિટકાર વરસાવવાનું મન થાય છે. હું તો આપ સૌ નો એટલો ઋણી છું કે ઋણમુક્ત થવા માટે મને આ ભવ ઓછો પડશે. અદિતીના શ્વાસ માટે હું મારા અંતિમ શ્વાસ સુધી અદિતીને તન મન અને ધનથી સંપૂર્ણ રીતે સમર્પિત છું. પણ સ્વાતિ તારું ઋણ તો હું કેમ કરીને અદા કરીશ ?

અદિતી અને હું તો બન્ને એક ઈશ્વરીય સંકેતની સંજ્ઞાથી સ્નેહની પૂર્વભૂમિકા સાથે સંકળાઈ ને એકબીજાના સુખ દુઃખના સાક્ષી બન્યા પણ,
સ્વાતિ તું..’

હજુ આલોક કશું આગળ બોલવા જાય એ પહેલાં સ્વાતિએ આલોકના હોઠો પર તેની આંગળીઓ મુકતા કહ્યું કે..

‘મેં હમણાં જ કહ્યું કે હું ઈશ્વર પહેલાં અદિતીને સ્મરું છું, તો અદિતી અને તું તમે બન્ને મારા..’ આગળ બોલતા સ્વાતિ અટકી ગઈ.

છેલ્લાં કેટલાં’ય સમયથી ભુલભુલામણી ભર્યા ચડાવ-ઉતારની કથા-વ્યથા જોઈ સાંભળીને ચકરાવે ચડેલી માનસિક મનોદશા પર શેખરનો અંકુશ ન રહેતાં ક્ષણિક આવેશમાં આવીને ઉચ્ચારેલાં શબ્દો પર તે ગ્લાનિ અનુભવતા થતાં બે હાથ જોડીને શેખર બોલ્યો,

‘ડોકટર માફ કરજો મારો ઈરાદો તમારી પણ લાગણી દુભાવવાનો નહતો પણ આલોકને કઈ તકલીફ થાય છે તો મારો જીવ ઉકળી જાય છે. મારી મર્યાદા ચૂકીને મારાં થી જે કડવા અને આકરા વેણ બોલાઈ ગયા છે તેનો બેહદ ખેદ છે. અને સ્વાતિ હું તારી પણ માફી માંગું છું,’

શેખરને ઉદ્દેશીને ડો. અવિનાશ બોલ્યા,
‘પ્લીઝ શેખર ડોન્ટ સે સોરી, હું તારી વ્યથા સમજી શકું છું. તારા સ્થાને હું હોઉં તો કદાચ મારું રીએક્શન પણ કૈંક આવું જ હોઈ શકે. ઇટ્સ ઓ.કે. અને સ્વાતિને તમે જે સહકાર સોરી.. સહકાર શબ્દ તો ખુબ નાનો, તે અને તારા સમગ્ર પરિવારના દરેક સભ્યોએ સહભાગી થઈને આ ઈમ્પોસીબલ મિશનને જે આત્મીયતાથી પાર પાડ્યું તેના મારે હું આપ સૌ નો અંતઃકરણથી આભારી છું.’
પછી થોડીવાર અટકીને બોલ્યા,

‘હવે એક ખાસ વાત કહી દઉં, સ્વાતિ આજે સાંજે મુંબઈ જવા રવાના થઇ રહી છે,હું આશા રાખું છું કે સ્વાતિના આ નિર્ણયને તમે સમજી શકશો. સ્વાતિએ જે કપરી પરિસ્થિતિમાં અદિતી અને મોમ, ડેડ થી દુર એક તદ્દન અજાણ્યા વ્યક્તિ અને પરિવાર વચ્ચે પોતાના નામની સાથે સાથે જાત સુદ્ધા ભુલાવીને, અણગમાના એક પણ શબ્દના અણસાર વિના માત્ર ને માત્ર અદિતી અને આલોકને બન્ને ને એક કરવાના લક્ષ્ય ને સિદ્ધ કરવા આટલાં દિવસ સુધી સુદ્ધ બુદ્ધની સાથે ખુદ તેની અસલી ઓળખ પણ ખોઈ બેઠી છે. હું કહું કે આ રીઈલ લાઈફ છે જો કદાચને રીલ લાઈફમાં સ્વાતિએ અદિતીનું કિરદાર નિભાવ્યું હોત તો ઓસ્કારને સ્વાતિ એવોર્ડથી બિરદાવવાની જરૂર પડત.’
આટલું બોલતા સૌની આંખો ભીની થઇ ગઈ.

શેખર એ ડોકટર અવિનાશ ને કહ્યું, ‘ સર, તમે ડોકટર તો ખુબ સારા જ છો તેમાં કોઈ બેમત નથી પણ ડોકટરની સાથે સાથે આપ એક સારા એકટર પણ છો તે આજે ખબર પડી.’
શેખરની આ નિર્દોષ કોમેન્ટ પર સૌ હસવાં લાગ્યા.

અંતે શેખર એ પૂછ્યું, ‘અચ્છા સ્વાતિ એક વાત સમજાવ કે અમે બધા મળીને જે ન કરી શક્યા એ તે કઈ રીતે કરી બતાવ્યું ?’
એટલે સ્વાતિ એ આત્મવિશ્વાસથી ભરપુર જવાબ આપતાં કહ્યું,

‘બિલકુલ સિમ્પલ ગણિત છે શેખર, તમે સૌ એ આલોકની અસામાન્ય પરિસ્થિતિને એક આપતિના સ્વરૂપ માં જોઈ અને મેં તેને એક પડકારના સ્વરૂપમાં બસ આટલો જ ફર્ક હતો. ધેટ્સ ઈટ. અને તે થોડીવાર પહેલાં જે ધારદાર ભાષણ આપ્યું તેનો પણ આ જ જવાબ છે સમજ્યો ?’

જવાબ સાંભળીને સ્વાતિની પીઠ થાબડતા મિસિસ જોશી બોલ્યા.
‘દીકરા આઇ એમ સો પ્રાઉડ ઓફ યુ.’
‘થેંક યુ આંટી.’
‘સ્વાતિ, તું આજે જ જાય છે ?’ આલોક એ પૂછ્યું.
‘હા, આલોક.’
‘પણ આ નિર્ણય તે ક્યારે લીધો ?’ આલોક એ પૂછ્યું
‘આજે સવારે જયારે તારી સ્મરણશક્તિ સતેજ થતાં તું તારા ભૂતકાળના અનુસંધાન સાથે જોડાઈ ગયો ત્યારે.’ સ્વાતિ એ જવાબ આપ્યો
‘પણ, આટલો ત્વરિત આ નિર્ણય કેમ લીધો. ?
‘અલોક વર્તમાન ને તેનું યોગ્ય સ્થાન આપવા માટે અતીત એ સમયસર તે સ્થાન રિક્ત કરી આપવું જ પડે.”
સ્વાતિ એ ગર્ભિત ટોન માં રીપ્લાઈ આપ્યો.
‘એટલે હું કઈ સમજ્યો નહી, સ્વાતિ. ‘
‘સમય આવ્યે સમજાઈ જશે. નાઉ ફોરગેટ ઈટ.’
‘સ્વાતિ, હું પણ આવું છું તારી જોડે મુંબઈ.’
‘રાત્રે ૮/૩૦ ની ફ્લાઈટ છે, ચાલશે ? આઈ મીન તને અનુકુળ આવશે ?’
‘હવે માત્ર ચલાવવાથી કશું નહી થાય સ્વાતિ, ઊડવું પડશે. અને અદિતી ને મળવા તો કોઈપણ કાળનો પ્રતિકાર કરી લઈશ. ’
‘ઠીક છે તો હું બે ટીકીટ કન્ફર્મ કરાવી લઉં છું.’ સ્વાતિ એ કહ્યું
‘પ્લીઝ, તું રહેવાદે હું કરાવી લઈશ.’ આલોક બોલ્યો
‘ઠીક છે, તો તું બીફોર ટાઈમ એરપોર્ટ આવી જાજે.’ સ્વાતિ એ કહ્યું
ડોકટર અવિનાશ અને મિસિસ જોશીના ચરણ સ્પર્શ કરતાં સ્વાતિનું હૈયું ભરાઈ આવ્યું.
‘અંકલ, આંટી તમારો આ ઉપકાર હું જિંદગીભર નહી ભૂલું.’
એટલે અવિનાશ બોલ્યા,
‘અરે સ્વાતિ તું અમારી દીકરી છો અને મા, બાપ ક્યારેય પોતાના સંતાન પર ઉપકાર કરે. ? આ તો કોઈ ઋણાનુબંધના લેખાં જોખા છે.’
મિસિસ જોશી પણ સ્વાતિને ગળે લગાવીને ગળગળા થતાં બોલ્યા,
‘બેટા આ તારું જ ઘર છે એમ સમજીને ફરી આવીશ તો અત્યંત આનદ થશે.’
‘આવીશ આંટી જરૂરથી યાદ કરીને આવીશ.’
એ પછી સ્વાતિ એ સંજનાને કહ્યું.
‘સંજના આપણે શેખરના ફેમિલી મેમ્બર્સને મળી ને પછી તારા ઘર તરફ જઈએ.’
શેખર, આલોક, સ્વાતિ અને અદિતી સૌ શેખરના ઘરે આવ્યા.

સૌની જોડે બધી જ વાતોનો ટૂંકમાં ખુલાશો કર્યો. સ્વાતિએ સૌ વડીલોના ચરણ સ્પર્શ કર્યા. કોઈ ભૂલ થઇ ગઈ તો માફી માંગી. અને બહાર આવતાં...

શેખરને એક તરફ બોલાવી સામે જોઇને બોલી,

‘શેખર આઈ એમ શ્યોર કે, આટલાં દિવસો પછી તારા પર મારો કંઇક તો હક બને છે, તો એ હકના આધારે હું તારી પાસે કઈ માંગી શકું ?’

‘સ્વાતિ, એક વાત કહું મને એમ હતું કે મેં ઘણી દુનિયા જોઈ લીધી કૈક લોકોને મારી જિંદગીમાં મળ્યો છું, પણ ૨૭ વર્ષમાં જિંદગીનો જે મર્મ ન સમજી શક્યો એ તે ફક્ત થોડા જ દિવસોમાં સમજાવી દીધો. મારી પાસે શબ્દો નથી સ્વાતિ તારા માટે. આજે તે શેખરને ખરીદી લીધો. જો હું તારા માટે કઈ પણ કામ આવી શકું તો એ મારા માટે ગર્વની વાત હશે. બોલ શું કરી શકું તારા માટે ?’

‘જયારે પણ હું બોલવું ત્યારે મુંબઈ આવવું પડશે, બોલ આવીશ ?’
‘તું હુકમ કરે તો હમણાં આવું ?’
‘જયારે આવવું હોય ત્યારે પણ, જયારે હું બોલવું ત્યારે તો કોઈપણ સંજોગોમાં આવવું જ પડશે.’ પ્રોમિસ ?’
‘પ્રોમિસ, પણ સ્વાતિ હવે એક વાત પૂછું,

'સ્વાતિ ક્યાં છે ?’ શેખર એ પૂછ્યું

આશ્ચર્ય સાથે સ્વાતિ એ પૂછ્યું, ‘મતલબ ?’
‘મતલબ કે જેટલાં દિવસ તે આલોકની સાથે વિતાવ્યા એ કોણ હતી અદિતી કે સ્વાતિ ?’

સ્વાતિ એ સવાલની સામે સવાલ પૂછ્યો, ‘તે કોને જોઈ ?’
‘અદિતી ને.’ શેખર એ કહ્યું
‘કેમ ?’ સ્વાતિએ ફરી સવાલ કર્યો.
‘પણ તું તો સ્વાતિ છે, આલોકને તો અદિતી પ્રેમ કરતી હતી ને ?’
સામે શેખર એ પ્રશ્ન કર્યો
‘તો ?’ સ્વાતિનો સવાલ સામે સવાલ
‘એ જ તો હું પૂછી રહ્યો છું, સ્વાતિ.’
‘શેખર હું લાખ કોશિષ કરું હું અદિતી કયારેય બની જ ન શકું.’
‘પણ તો આલોક એ કેમ માની લીધું કે તું અદિતી છો ?’ શેખર એ પૂછ્યું
‘આલોક ક્યાં હોશમાં હતો ?’ ફરી સ્વાતિનો સવાલ
‘પણ તું તો હતી ને ? અને હું પણ .’ શેખર એ કહ્યું
‘શેખર જો હું હોશમાં હોત તો કદાચ આલોક, આજે અદિતીની માફક હોસ્પિટલના બિછાને પડ્યો હોત શાયદ.’ સ્વાતિ એ જવાબ આપ્યો
‘મતલબ કે તું....’ શેખર આગળ ન બોલી શક્યો
‘શેખર, જિંદગીમાં ક્યારેક ક્યારેક અમુક વાતોને શબ્દોમાં સાંભળવા કરતાં તેના મૌનને મમળાવવા થી વધુ લિજ્જત આવે. કુછ બાતો કો લફ્ઝો સે જ્યાદા ખામોશી મેં સુનના અચ્છા લગતા હૈ. અને ખામોશીનો પણ તેનો એક આગવો મોભો હોય છે એક દરજ્જો હોય છે. તુમને કભી કિસી ચુપ્પી કો ગુનગુનાયા હૈ ? કુછ લિફાફે અગર ખુલ ગયે તો લતીફે બન જાતે હૈ શેખર. કૈક એવી વાતો પણ હોય જેની મજા અલ્પવિરામમાં હોય એ પૂર્ણવિરામમાં ના હોય. હવે મને......’
આટલું બોલીને અટકી ગયા પછી શેખર તરફ હાથ લંબાવીને સ્વાતિ બોલી..
‘અચ્છા શેખર હવે હું રજા લઉં.અને ખાસ યાદ રાખે જે હું બોલવું ત્યારે તારે આવવાનું જ છે.’
‘ઠીક છે. સ્વાતિ આ વાત માટે મારા તરફથી પ્રોમિસ છે બસ.’
‘શેખર, એવું લાગે છે કે આ વખતે આખું બેન્ગ્લુરુ મારી સાથે લઇ જઈ રહી છું, જાણે કે મન ભરીને માણેલી મણ એક ની મેમરી.’
શેખર એ હાથ મિલાવતા કહ્યુ,, ‘અને તું અદિતીના કિરદારની અઢળક વેરવિખેર સ્મૃતિઓને છોડીને જઈ રહી છે તેનું શું ?.’

‘કદાચિત, કાળ પરિવર્તનની સાથે સાથે એ સ્મૃતિચિન્હો પણ અતીતની ઊંડી ખાઈ માં ગરકાવ થઈને અવશેષ બની બની જશે.' સ્વાતિ એ જવાબ આપ્યો
‘બાય શેખર ટેક કેર.’
‘બાય સ્વાતિ.’
‘અને હા એક ખાસ વાત કહેવાનું તો સાવ ભૂલી જ ગઈ.’
‘શું ?’
‘એ તારા કેમેરાના મેમરી કાર્ડ્સમાં તે જે મારાં અને આલોકના ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા એ મેં કોપી કરી લીધા છે અને...’
‘અને શું..?’
‘તારા કાર્ડ્સ માંથી એ ડીલીટ પણ કરી નાખ્યા છે.’
‘ઓ.. તેરી.. પણ કેમ ?’
‘મુંબઈ આવજે ત્યારે કહીશ, ચલ બાય.’
શેખર મોઢું ફાડીને જોતો જ રહી ગયો.

સંજના, સ્વાતિને લઈને તેના ઘર તરફ રવાના થઇ ત્યાર બાદ આલોકને મુંબઈ જવાની તૈયારીની હેલ્પ કરતાં શેખરબોલ્યો..
‘આલોક હું પણ આવું છું તારી જોડે મુંબઈ.’

એટલે આલોક બોલ્યો..
‘પણ મારી વાત શાંતિથી સાંભળ શેખર હાલ અત્યારે તું આવવાની ઉતાવળ ન કર. અને ત્યાં સૌ હાજર જ છે. જરૂર હશે તો તને તાત્કાલિક જાણ કરી દઈશ. અને આમ પણ છેલ્લાં એક મહિના કરતાં વધુ સમયથી તું, તારું ફેમીલી, બિઝનેશ ઘણું ખાસ્સું ડીસટર્બ થઇ ગયું છે મારા કારણે ’

‘અબે બસ બસ.. હવે તું આ તારી ફાલતુંનું લેકચર ખતમ કર. અને સાંભળ કંઈપણ મતલબ કંઈપણ જરૂર પડે તો કોઈ પણ જાતના સંકોચ વગર મને કહી દેજે સમજાયો ? અને મમ્મી, પપ્પાને એ રીતે જાણ કરજે કે ઓફીસના કોઈ કામ થી તું મુંબઈ આવ્યો છે. ઠીક છે.’

'શેખર એક વાત મને કહે કે, તું ,તારી ફેમીલી,અદિતી, સ્વાતિ અને આ ડોકટર કપલ આ સૌની સાથે મારો શું અને કેવો સંબંધ ?’

‘આલોક મને લાગે છે કે તારાં આ સવાલનો સૌથી બેસ્ટ જવાબ સ્વાતિ જ આપી શકે છે. તેને પૂછ જે એ સચોટ જવાબ આપશે, પણ...’
‘મને તું સારી રીતે ઓળખે કે સ્વાતિ ? અને આ પણ શું ?’ આલોક એ પૂછ્યું
‘પણ... કદાચ એ જવાબ તારી સમજણ બહારનો હશે .’ શેખર બોલ્યો
‘કેમ આવું બોલ્યો ?’ આલોક એ સવાલ પૂછ્યો.

પ્રત્યુતર આપતાં શેખર બોલ્યો

‘કારણ કે તે જે હમણાં સવાલ પૂછ્યો ને કે શું અને કેવો સંબંધ ? આલોક જયારે કોઈ ઇન્સાન કોઈ સંબંધને લઈને તેનું અસ્તિત્વ સુદ્ધાં મિટાવી દે ત્યારે લાખોમાં કોઈ એક આવા રૂનાણુંબંધનું સર્જન શક્ય બને. અને એ સંબંધની પરિભાષા ખુદ એ ઇન્સાન પાસે પણ નથી હોતી જેણે ખુદને ભૂંસીને કોઈની જિંદગીને ઉપસાવી હોય. આજ દિવસ સુધી મને મારી જાત માટે એક ઘમંડ હતો કે મારાથી વિશેષ તને કોઈ જ ન ઓળખી શકે પણ એક અજાણી છોકરી એ થોડા જ દિવસોમાં ફક્ત તારો જ નહી મારો પરિચય પણ મારી જાત સાથે કરાવતી ગઈ. આલોક કોઈ અજાણી વ્યક્તિ આપણી જાતનો પરિચય આપણને ખુબ સારી રીતે કરાવી આપે એ વ્યક્તિને સમજવી ખુબ જ મુશ્કિલ છે. ચલ હવે બહુ થઇ મારી બક બક તું ફટાફટ પેકિંગ કર પછી આપણે તારાં ફ્લેટ પર જઈએ અને ત્યાંથી તને હું એરપોર્ટ ડ્રોપ કરી દઉં.’

૮:૩૦ ની રાઈટ ટાઈમ ફ્લાઈટમાં આલોક અને સ્વાતિ તેમની સીટ પર ગોઠવાઈ ગયા પછી બન્ને એક સાથે જ બોલ્યા..

‘આર યુ ઓ.કે.’

અને પછી બન્ને હસવા લાગ્યા..
આલોક બોલ્યો..

‘સ્વાતિ, જયારે હું અને અદિતી ૨૯ એપ્રિલની રાત્રે બ્લ્યુ મૂન રેસ્ટોરેન્ટમાં ડીનર માટે મળ્યા ત્યારે આ રીતે જ બન્ને એક સાથે જ એક લાઈન બોલ્યા હતા.

‘મારી એક શરત છે. હા... હા.. હા..
આઈ થીંક કે ઈશ્વરના ઇન્ડીકેશનના સેન્સેક્સનો ગ્રાફ હજુ વધતો જ જાય છે. જો ને આજે ફરી આપણી વચ્ચે એ કિસ્સાનું પુનરાવર્તન થયું.’

‘આલોક, માત્ર કિસ્સાનું પુનરાવર્તન થયું છે. પણ સાથે સાથે અહીં કિરદારનું પરિવર્તન પણ થયું છે. એટલે “ફરી આપણી વચ્ચે” એમ ન કહી શકાય.'
થોડી વાર માટે આલોક ચુપ થઇ ગયો અને સ્વાતિ પણ. ફ્લાઈટ ટેક ઓફ થયાના થોડી વાર પછી..
સ્વાતિ બોલી,
‘આલોક મને તારી અને અદિની પ્રેમકહાની સાંભળવી છે.’

‘અરે અમારી પ્રેમકહાની શરુ થતાં પહેલા જ કલાઈમેક્સના સીન્સ શરુ થઇ ગયા.
અમારી કહાની ની શરુઆત જ ધ એન્ડ થી થઇ છે. તો શું કહું ? સાચું કહું તો પહેલી મુલાકાતમાં જ હું અદિતી પર એકદમ જ ફ્લેટ થઇ ગયો એવી સિચ્યુએશન હતી. અને બીજી બાજુ અદિતી એક એક વાતમાં મારી ફીરકી ઉતારતી હતી. મને હજુ યાદ છે તે દિવસ જેટલો નર્વસ હું ક્યારેય નહતો. અરે એટલો નર્વસ કે, ન તો હું કશું બોલી શક્યો, કે ન તેના કોઈ કોન્ટેક્ટ નંબર એડ્રેસ કશું જ જાણવાનું ભાન ન રહ્યું. અને એ છેલ્લી ૧૦ મિનીટ્સમાં ગંભીર થઈને ભારેખમ નરોવા કુંજરોવા જેવા શબ્દોને શરતની આડમાં જે રીતે કહીને અચાનક જતી રહી કે તે પછીના શૂન્યાવકાશમાં હું અને મારા શબ્દો બન્ને થીજી ગયા.

‘આલોક, અદિતીમાં તને એવું તે શું ગમ્યું કે તું તેના પર ઓળઘોળ થઇ ગયો. ? અને એ પણ આટલા ટૂંકા સમય ગાળામાં ? એ કહીશ મને ?’

‘સ્વાતિ, અદિતી તારી જ બહેન છે, માત્ર બહેન નહી તારી જ પ્રતિકૃતિ છે. તે જે રીતે બેન્ગ્લુરુ માં અમારા કોઈના પણ પરિચયના પૂર્વાઅભ્યાસ કે અણસારની પૂર્વભૂમિકા બાંધ્યા વગર કોઈપણ સ્વાર્થ વિના માત્ર થોડા દીવસોમાં સૌ ના દિલ જીતી લીધા હોય તો મારી અને અદિતિ વચ્ચે તો કુદરતની સંજ્ઞા અને આજ્ઞાથી શરુ થયેલા એક અતુટ અને સળંગ સંબંધસેતુના રચનાની સાથે સાથે પ્રેમની એક નવી પરિભાષા પણ રચવાના કીર્તિમાન ના અમે સહભાગી બનવા જઈ રહ્યા હતા. અને જો ઈશ્વરના કોઈ હિડન ઇન્ડીકેશનની હિન્ટ મળી જાય ને તો પછી કોઈ વ્યક્તિમાં કશું ગમવું, ન ગમવું એ વિષયનો છેદ જ ઉડી જાય. ટૂંકમાં કહું તો, કદાચ અમૃત ઘાયલની જ રચના છે જે મને યાદ આવી છે કે..
“કાજળ ભર્યા નયના કામણ મને ગમે છે.. કારણ નહી જ આપું, કારણ મને ગમે છે”.. કૈક આવું જ છે એકઝેટલી મને યાદ નથી.’

અદિતીમય અવિરત બોલતા આલોકને એકીટશે સ્વાતિ આંખોની ભીની કોરે તન્મય થઇ ને સાંભળતી રહી.

‘સ્વાતિ જયારે હું અને અદિતી છુટ્ટા પડ્યા અને તેના ૩ દિવસ પછી બેન્ગ્લુરુમાં એક પ્રતિષ્ઠિત કંપનીમાં એક ઉચ્ચ હોદા પર પ્રથમ દિવસે જયારે મારી પર્સનલ કેબીનમાં મારી ચેર પર બેઠો ત્યારે મેં મારા અને અદિતીના સ્વપ્નની પૃષ્ઠભૂમિકા તરફ એક નજર નાખતા મેં મારી જાતને પૂછ્યું કે ઈશ્વરે મને શું નથી આપ્યું ? અને ત્યાર પછી જયારે હું એક પાગલની માફક દિવસ રાત ચારે તરફ માત્ર અદિતીની એક ઝલક માત્ર જોવા તરસતો હતો ત્યારે થયું કે ઈશ્વરે મને કશું જ નથી આપ્યું. બસ આથી વધારે...’ આગળ બોલતા આલોકના ગળે ડૂમો બાજી ગયો.

‘બોલ હજુ શું સાંભળવું છે ?’

‘હવે હું શું બોલું આલોક ? મને તારી જલન પણ થાય છે ને સાથે સાથે અનહદ ખુશી પણ થાય છે કે તું મારી અદિને આટલો પ્રેમ કરે છે.’

‘સ્વાતિ એક પશ્ન પૂછું ?’
‘હા,પૂછ ને’
‘મેં અદિતીને પ્રેમ કર્યો છતાં મને સ્હેજ પણ અણસાર ન આવ્યો તું અદિતી નથી અને ચાલો માની લીધું કે હું સંપૂર્ણપણે સભાન નહતો, પણ તો શેખર એ એવી કઈ વાત પરથી એટલા વિશ્વાસ સાથે કહી રહ્યો હતો કે આ જ અદિતી છે.’
સ્વાતિ ક્યાંય સુધી આલોકની આંખોમાં જોઈ રહી પછી બોલી..
‘આ સવાલના જવાબ માટે તારે થોડો સમય સુધી રાહ જોવી પડશે.’
‘થોડો સમય એટલે કેટલો ?’ આલોક એ પૂછ્યું
‘બસ, અદિ નોર્મલ થઇ જાય ત્યાં સુધી જ.’

‘સ્વાતિ મને લાગે છે કે તમને બન્નેને ઓળખવામાં ખરેખર હું ક્યારેક કોઈ ભૂલ કરી બેસીશ.’

‘ના આલોક, જે થઇ ગઈ ફરી એવડી મોટી ભૂલ તો નહી જ થાય.’
‘કઈ ભૂલ ?’ આલોક એ પૂછ્યું
‘કઈ નહી છોડ હવે.’ સ્વાતિ એ વાતનો છેદ ઉડાડી દીધો
એરપોર્ટથી બન્ને ટેક્ષી કરીને હોસ્પિટલ તરફ આવવા રવાના થયા. સ્વાતિએ મોમ,ડેડ ને જાણ કરી અને આલોક એ તેના પેરેન્ટસ અને શેખરને કોલ કરીને મેસેજ આપી દીધા..
હોસ્પિટલ પહોંચ્યા પછી..
ધીમે ધીમે આઈ.સી.યુ. તરફ જેમ જેમ આગળ વધતાં ગયા તેમ તેમ પળે પળે આલોકના ધબકારાની ગતિ અનિયંત્રિત થવા લાગી. સ્વાતિ એ આલોકને બહારના ભાગે આઈ.સી.યુ.ના ડોરની પાછળ ઊભા રહેવાનો સંકેત આપી ને અંદર જતા જ હળવેકથી અદિતીને વળગીને બસ આંસુ સારતી રહી.

વધુ આવતીકાલે....

© વિજય રાવલ

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.