Antim Vadaank - 25 - last part in Gujarati Moral Stories by Prafull Kanabar books and stories PDF | અંતિમ વળાંક - 25 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

અંતિમ વળાંક - 25 - છેલ્લો ભાગ

અંતિમ વળાંક

પ્રકરણ ૨૫

“તમે તો ભોળા જ રહ્યા.. બે દિવસ પહેલાં આપણે જ તો ફોનમાં ઈશાનને ત્રણ છોકરીઓના બાયોડેટાની વાત નહોતી કરી ? બની શકે કે ઈશાનની ઈચ્છા નિરાંતે એ છોકરીઓ જોવાની હોય”. લક્ષ્મીએ ચિંતાગ્રસ્ત પતિને સધિયારો આપતા કહ્યું.

અમદાવાદ એરપોર્ટ પરથી ટેક્ષી કરીને ઇશાન સીધો ઘરે પહોંચ્યો હતો. રાત્રે જમીને બાળકો તેમના રૂમમાં હોમવર્ક કરવા બેસી ગયા હતા. મોટાભાઈએ ત્રણેય છોકરીઓના બાયોડેટા ઇશાનના હાથમાં આપતા કહ્યું “ઇશાન, આ જોઈ લેજે. તું કહીશ તે રીતે આપણે આગળ વધીશું”

“મોટાભાઈ,પ્લીઝ આની મારે કોઈ જરૂર નથી... મને એમ કે ગંગાકિનારે હું ફ્રેશ થઇને પરત આવીશ પણ તેનાથી ઉલટું થયું છે. ત્યાં પહોંચ્યો ત્યારે મારા જીવનનો નવો જ વળાંક મારી રાહ જોઇને ઉભો હતો”.

મોટાભાઈ અને ભાભી આશ્ચર્યથી ઇશાનના નિસ્તેજ ચહેરાને તાકી રહ્યા.

ઈશાને નિખાલસતાપૂર્વક સ્મૃતિ વિષે વિગતવાર જણાવી દીધું. ઇશાનને આટલો બધો અપસેટ મોટાભાઈ અને ભાભીએ ક્યારેય જોયો નહોતો. બંનેએ મૌન રહેવાનું જ પસંદ કર્યું. ત્રણેક દિવસ વીતી ગયા. ઇશાન બપોરે અને સાંજે જમવા માટે જ તેના રૂમમાંથી બહાર નીકળતો હતો. બાકીના સમયમાં તે લેપટોપ પર લખવા બેસી જતો હતો. ઈશાને જીવાઈ ગયેલી જિંદગીના વિવિધ પ્રસંગોના ટૂકડા અને વળાંકોને શબ્દદેહ આપવાનું શરુ કરી દીધું હતું. કેટલાંક સુખદ વળાંકો ઇશાનના ચહેરા પર સ્મિત ફરકાવી જતા હતા તો કેટલાંક દુઃખદ વળાંકો તેની આંખ ભીંજવી જતા હતા. લંડન જવા આડે હજૂ દસેક દિવસની વાર હતી. ત્યાં સુધીમાં તો ઇશાન તેની આત્મકથા લખવાનું કામ પૂરું કરી દેવા માંગતો હતો. નામ પણ વિચારી રાખ્યું હતું “અંતિમ વળાંક” જીવનમાં મળેલી અણધારી પીડામાં રાહત મેળવવા માટે સાહિત્ય જેવો શ્રેષ્ઠ મલમ એક પણ નથી... એકલતાના આકાશમાં ભટકતા માણસ માટે સાહિત્ય જેવો એક પણ સહારો નથી!

જોગાનુજોગ બીજે જ દિવસે ઇશાનના જીવનમાં અણધાર્યો વળાંક આવીને ઉભો રહ્યો. સવારે બધા ઘરે જ હતા ત્યારે અચાનક પરમાનંદ તેના શિષ્ય સાથે આવી ચડયા. ઇશાન સ્તબ્ધ થઇ ગયો. સાથે સ્મૃતિ પણ હતી. ઈશાને આંખો પટપટાવીને ખાતરી કરી લીધી કે તે સ્વપ્ન તો નથી જોઈ રહ્યો ને ? ઉર્વશીની જ હમશકલ યુવતીને જોઇને મોટાભાઈ, ભાભી અને બાળકો પણ મોઢામાં આંગળા નાખી ગયા. ઈશાને સ્મૃતિ વિષે વાત કરી દીધી હતી તેથી સૌ કોઈ સમજી ગયા કે આ જ સ્મૃતિ છે.

બધા ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેઠા એટલે પરમાનંદ બોલ્યા.. ”ઇશાન, તારા ગયા બાદ હું ખાસ સ્મૃતિને મળવા જ બાલઆશ્રમ પર ગયો હતો. તેની એક માત્ર ચિંતા બાલઆશ્રમના બાળકોની હતી જે મેં દૂર કરી દીધી છે. આમ પણ છેલ્લા એક વર્ષથી એ આશ્રમનો આર્થિક કારભાર તો અમારા આશ્રમ થકી જ ચાલતો હતો.. હવે અમે સંપૂર્ણ જવાબદારી સંભાળી લીધી છે.. મારો જ આ શિષ્ય સદાનંદ ત્યાં રહેશે અને ત્યાંની દેખરેખ રાખશે. આમ પણ માનવસેવા જેવો એક પણ ધર્મ નથી. ઇશાન,તું તો બીજે દિવસે સવારે જ હરિધ્વારથી નીકળી ગયો હતો તેની જાણ અમને સાંજે થઇ હતી”.

“પરમાનંદ, તમે અહીં સુધી પહોંચ્યા કઈ રીતે ? મેં તો ત્યાં તમને કોઈને મારો ફોન નંબર પણ આપ્યો નહોતો ઇવન સ્મૃતિને પણ નહોતો આપ્યો”. ઇશાનનું આશ્ચર્ય શમવાનું નામ લેતું નહોતું.

“ઇશાન,તમે ભૂલી ગયા છો. આશ્રમને ડોનેશન આપ્યું ત્યારે તમે લંડનનું એડ્રેસ લખાવ્યું નહોતું પણ અહીંનું જ એડ્રેસ લખાવ્યું હતું”. સ્મૃતિએ સ્પષ્ટતા કરી.

ઈશાને મોટાભાઈ, ભાભી અને બાળકો સાથે સૌ કોઈનો પરિચય કરાવ્યો.

ચા નાસ્તો લેતી વખતે પરમાનંદે જ વાતનો દોર પોતાના હાથમ લેતાં કહ્યું. ”ઇશાન,આજે સાંજે જ મારે અને સદાનંદને હરિધ્વાર માટે રવાના થવાનું છે. મારી ઈચ્છા છે કે તે પહેલાં ઈશ્વરની સાક્ષીએ તું અને સ્મૃતિ પાણીગ્રહણ કરી લો.. આમ પણ આજે સાંજ સુધીના તમામ મુહૂર્તો શ્રેષ્ઠ છે. ”

મોટાભાઈ અને ભાભી ઉત્સાહમાં આવી ગયા બાળકો નાચવા લાગ્યા. સોસાયટીના નાકે જ આવેલા મંદિરમાં ઇશાન અને સ્મૃતિએ એક બીજાને હાર પહેરાવી દીધા. સાંજે પરમાનંદ જવા માટે નીકળ્યા ત્યારે ઇશાન આંખમાં આંસુ સાથે તેમને ભેટી પડયો. ”મારી પાસે તમારો આભાર માનવા માટે શબ્દો જ નથી”. “ઇશાન, બાળપણના મારા પર તારા ઘણા ઋણ છે. આભાર માનવો જ હોય તો ઉપરવાળાનો માનજે જેણે અનાયાસે જ આપણને ફરીથી ભેગા કર્યા”.

પરમાનંદ અને સદાનંદના ગયા પછી ઈશાને મૌલિકને ફોન પર તમામ વિગતથી માહિતગાર કર્યો. મૌલિક ખુશીથી ઉછળી પડયો. ”વાહ ઇશાન વાહ”

”મૌલિક તારે બ્રિટીશ એમ્બેસીમાં તારી વગનો ઉપયોગ કરીને સ્મૃતિને અરજન્ટ વિઝા અપાવી દેવાના છે.. અને બીજું કે અત્યારે મિતને આ વાતની જાણ ન કરતો.. તેને આવતા રવિવારે ત્યાં પહોંચીને જ મારે સરપ્રાઈઝ આપવી છે”.

“ઓકે શ્યોર.. દોસ્ત”. મૌલિકે ફોન કાપ્યો કે તરત ઇશાને પાછળ જોયું તો સ્મૃતિ ઉભી હતી.

“સ્મૃતિ,મારો ખાસ દોસ્ત મૌલિક હતો”. સ્મૃતિએ હસતાં હસતાં કહ્યું “મેં તમારી વાત સાંભળી લીધી છે”.

રાત્રે ઇશાનનો રૂમ ભાભી અને બાળકોએ ફૂલોથી શણગારી દીધો હતો. ”

ગુલાબ અને મોગરાની સુવાસથી મધમધતા રૂમમાં પ્રવેશીને ઇશાન સ્મૃતિની નજીક આવ્યો. “સ્મૃતિ,પરમાનંદના સમજાવવાથી તું મારી સાથે લગ્ન કરવા માટે તરત માની ગઈ અને મારા સમજાવવાથી ન માની તેનું શું કારણ?”

“ઇશાન,મારા બે કારણો તો તમે ત્યારે જ દૂર કરી દીધા હતા પણ છેલ્લા કારણ સામે તમે નારાજ થઇને રૂમમાં જતા રહ્યા હતા. બીજે દિવસે પણ તમે મારી આંખમાં જોવાનું ટાળ્યું હતું જો જોયું હોત તો મારી “ના” માં પણ આંશિક “હા” તો હતી જ તે તમે પકડી શક્યા હોત!’

“ઓહ સ્મૃતિ. આજે મને સમજાયું છે કે જીવનમાં કોઈ વળાંક અંતિમ હોતો જ નથી. આઈ લવ યુ” .. ઇશાન સ્મૃતિને બાહુપાશમાં લેવા ગયો. સ્મૃતિએ ઇશાનનો સોહામણો ચહેરો પોતાના નાજૂક હાથ વડે દૂર કરતાં કહ્યું “ પહેલાં મને મિતનો ફોટો બતાવો”

ઈશાને તેના સેલફોનમાં મિતના કેટલાંક ફોટા અને વિડીયોકલીપ બતાવી. “ઇશાન, હવે તો આશ્રમના મારા પચાસ બાળકોના ભાગનો પ્રેમ મારે માત્ર મિતને જ આપવાનો છે”. સ્મૃતિની આંખો છલકાઈ ઉઠી હતી. ઈશાને સ્મૃતિના અશ્રુને ઝીલતાં કહ્યું “સ્મૃતિ.. આપણે મિતને સાથે લઈને જ દર વર્ષે ઇન્ડિયા આવીશું. બાલઆશ્રમની મુલાકાત લઈશું અને શક્ય તેટલી મહત્તમ આર્થિક મદદ પણ કરીશું”. ઇશાનની વાત સાંભળીને સ્મૃતિ ઈશાનના બાહુપાશમાં સમાઈ ગઈ હતી.

રવિવારે હિથ્રો એરપોર્ટ પર ઈશાન અને સ્મૃતિ ઉતર્યા. પેસેન્જર્સ લાઉન્જમાં મૌલિક અને મિત તેમને રીસીવ કરવા માટે સામે જ ઉભા હતા. ઇશાનની સૂચના મુજબ સ્મૃતિ જાણી જોઇને તેમને દેખાય નહિ તે રીતે પાછળ ધીમા પગલે આવી રહી હતી. ઇશાનને જોઇને મિત “પપ્પા.. પપ્પા” કરતો તેને વળગી પડયો. મિતને વહાલ કરી લીધા બાદ ઇશાન મૌલિકને પ્રેમથી ભેટી પડયો. એટલામાં અચાનક મિત સામે સ્મૃતિ પ્રગટ થઇ. મિત બંને આંખો ચોળીને એકીટશે સ્મૃતિને તાકી રહ્યો. “મિત, આ તારી મમ્મી છે”. ઇશાન જાણી જોઇને સ્મૃતિનું નામ બોલ્યો નહોતો. મૌલિક પણ આબેહૂબ ઉર્વશીની જ પ્રતિકૃતિ જેવી સ્મૃતિને જોઇને સ્તબ્ધ થઇ ગયો હતો.

“પપ્પા, તમે તો મને કહ્યું હતું ને કે મમ્મી આકાશમાં સ્ટાર બની ગઈ છે. હવે ક્યારેય પાછી નહી આવે”.

“બેટા, કેટલીક વાર આકાશમાંથી સ્ટાર તૂટતાં આપણે જોઈએ જ છીએને? બસ એમ સમજી લે કે આ સ્ટાર પણ ભગવાને જ આપણા માટે ખાસ તોડીને આપણી પાસે મોકલેલ છે.. તેનું નામ સ્મૃતિ છે”.

નાનકડા નિર્દોષ મિતની આંખો હસી પડી. તે “મમ્મી” મોટેથી બોલીને સ્મૃતિને વળગી પડયો. સ્મૃતિની આંખો વરસી પડી. સ્મૃતિની આંખમાંથી વહેતી અશ્રુધારાનો મિતના માથા પર અભિષેક થતો રહ્યો. ઇશાન અને મૌલિક પણ ભીની આંખે આ હ્રદયંગમ દ્રશ્યના સાક્ષી બની રહ્યા.

ઘરે આવ્યા બાદ ઈશાને પહેલું કામ દીવાલ પર લગાવેલા ઉર્વશીના ફોટાને વંદન કરીને ધીમેથી ફોટો નીચે ઉતારી લીધો. સ્મૃતિએ સ્મિતસભર તે ફોટો હાથમાં લઈને જાતે સ્ટૂલ પર ચડીને જ્યાં હતો ત્યાં જ ગોઠવી દીધો.

સમાપ્ત

પંચલાઈન

પ્રકરણ ૧

૧) માણસના જીવનમાં જયારે ગોલ નક્કી હોય ત્યારે તે કોઈ પણ પ્રલોભનથી લલચાતો નથી.

૨) પ્લેનમાં ફોટોગ્રાફીની પરવાનગી હોત તો ઈશાને અત્યાર સુધીમાં ઉર્વશીના કેટલાંય ફોટા પાડી લીધા હોત! જોકે ઈશાને તેની આંખોના લેન્સમાં તો ઉર્વશીને કાયમ માટે કેદ કરી જ લીધી હતી.

પ્રકરણ ૨

દોસ્ત.. ઇશાન , તારા લગ્ન નથી થયાને એટલે તને ખ્યાલ નહિ આવે કે ગુલાબના ફૂલ નીચે છૂપાયેલ કાંટાની વેદના કેવી હોય છે?

પ્રકરણ ૩

દોસ્ત, પ્યાર, મહોબ્બત,ઈશ્ક એ બધા કાલ્પનિક દુનિયાના શબ્દો છે.

પ્રકરણ ૪

બેટા ઇશાન, જીવનમાં દરેક સપના પૂરા થાય તે જરૂરી નથી હોતું.

પપ્પા,કદાચ એકાદ સ્વપ્ન તૂટશે તો એ ખંડિત થયેલા સ્વપ્નના ટૂકડાને છાતી સાથે વળગાડી ને બેસી રહેવા વાળો આ તમારો દીકરો ઇશાન નથી.

પ્રકરણ ૫

૧)જીવનમાં કેટલાંક સંસ્મરણો હમેશાં લીલાં છમ્મ જ રહે છે.

૨) લગ્નની પહેલી રાત્રે ઉર્વશી જેવો રૂપનો ખજાનો હાથમાં હોય ત્યારે ઇશાન જેવો સાચો કલાકાર જ આવી સ્પષ્ટતા કરી શકે.

૩) ભાઈ, નસીબમાં જે વસ્તુ ન હોય તે આપવા માટે ભગવાનને મજબુર ન કરાય.

પ્રકરણ ૬

જીવનમાં કેટલાક વાવાઝોડા માણસને કિનારાની નજીક લઇ જવા માટે પણ આવતા હોય છે!

પ્રકરણ ૭

૧) માણસ કેવું જીવન જીવ્યો છે તે જાણવું હોય તો તેની સ્મશાનયાત્રામાં કેટલા માણસો ઉમટયાં છે તેના પરથી ચોક્કસ જાણી શકાય.

૨) સંતાન માટે પિતાના અવસાનનો ઘા ઝીલવો અત્યંત કપરો હોય છે... માથા પરથી છાપરું નહી પણ આકાશ ઉડી ગયાનો એહસાસ થતો હોય છે. પિતાના જવાથી દીકરાઓ ની ઉમર રાતોરાત વધી જતી હોય છે!

પ્રકરણ ૯

૧) “મિસ્ટર આદિત્ય ચોકસી, માણસ લંડનમાં રહેતો હોય એટલે તેને અહીં ઇન્ડીયામાં કોઈની સાથે દુશ્મનાવટ ન હોઈ શકે ? તમને એ તો ખબર છે ને કે હવે ડીજીટલ યુગમાં દુનિયા બહુ નાની થઇ ગઈ છે”. પોલીસ ઈન્સ્પેક્ટરે આંખ ઝીણી કરીને કહ્યું.

૨ ) સવારે દરેક અખબારના લોકલ ન્યુઝના પાનાની હેડલાઈન હતી.. NRI ઇશાન ચોક્સીના છ વર્ષના પુત્રના અપહરણ

3) નિર્દોષ મિતના અપહરણનો કેસ ટોક ઓફ ધ ટાઉન બની ચૂક્યો હતો.

પ્રકરણ ૧૧

જીવનમાં આવતાં સૂક્ષ્મ વળાંકો ભલે જોઈ શકાતા નથી પણ તેનો અહેસાસ જરૂર થતો હોય છે.

પ્રકરણ ૧૨

જીવનમાં ક્યારેક એવો સમય પણ આવે છે કે માણસને ખુદનો પડછાયો પણ ટૂકડાઓમાં દેખાવા લાગે છે.

પ્રકરણ ૧૩

૧)“ઇશાન, ગીતાના અઢારમાં અધ્યાયના ત્રેસઠમાં શ્લોકમાં શ્રી કૃષ્ણએ અર્જૂનને કહ્યું હતું.. હે પાર્થ, મેં તો તને સમજાવ્યું પણ એ મુજબ વર્તન કરવું કે નહી તે તારી ઈચ્છા પર આધારિત છે”. ઇશાનના જીવનમાં પણ અત્યારે વિષાદયોગ ચાલી રહ્યો હતો.

૨) ઇશાન, મરણ પછી પણ જે વ્યક્તિ સ્મરણ મૂકી જાય તે જ સાચું જીવન જીવી ગઈ કહેવાય.

૩) “ઇશાન, મારો પ્રેમ વરસાદના ઝાપટાં જેવો નથી કે આવે ને જાય.. મારો પ્રેમ તો આકાશ જેવો છે. તું જ્યાં જઈશ ત્યાં તારી સાથે આવશે” ઉર્વશીએ કહ્યું હતું.

પ્રકરણ ૧૪

૧)માણસની જિંદગીની ગાડી બે પાટા પર ચાલતી હોય છે. એક ઇશ્વરશ્રદ્ધા અને બીજી આત્મશ્રદ્ધા... બારી બહાર દ્રશ્યો બદલાતા રહે છે.

૨) ઇશાન વિચારી રહ્યો.. શું ખરેખર પરમાનંદ સ્વામી આજ સુધી વર્જિન હશે? અખંડ બ્રહ્મચારી હશે ? ઇશાનના મનમાં સવાલ અનેક હતા. જવાબ એક પણ નહોતો.

પ્રકરણ ૨૦

ઈશાને બંને હાથ વડે કાન દાબી દીધા. તેણે ઉંડો શ્વાસ લીધો... ભગવાન જાણે જીવનમાં હજૂ કેટલા વળાંક આવશે ? અંતિમ વળાંક ક્યારે આવશે ?

પ્રકરણ ૨૩

“ઇશાન કેટલાક સબંધો માત્ર તૂટવા માટે જ સર્જાતા હોય છે”. સ્મૃતિએ કહ્યું.

પ્રકરણ ૨૫

જીવનમાં મળેલી અણધારી પીડામાં રાહત મેળવવા માટે સાહિત્ય જેવો શ્રેષ્ઠ મલમ એક પણ નથી.... એકલતાના આકાશમાં ભટકતા માણસ માટે સાહિત્ય જેવો એક પણ સહારો નથી!

******