Angat Diary - Janmdivas in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - જન્મદિવસ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અંગત ડાયરી - જન્મદિવસ

અંગત ડાયરી
============
શીર્ષક : જન્મદિવસ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ: ૨૧, જૂન ૨૦૨૦, રવિવાર

જન્મદિવસ એટલે એ તારીખ, એ દિવસ જે દિવસે આપણે પ્રથમ વખત માતાના ઉદરમાંથી બહાર નીકળી સદેહે પ્રગટ થયાં હોઈએ. આસપાસના વાતાવરણ અને માનવ સમૂહના ડાયરેક્ટ ટચમાં આવ્યાં હોઈએ. આપણે ગમે તેવા હોઈએ, આપણાં એ બાળ સ્વરૂપને સૌથી પહેલું લાઈક મમ્મી-પપ્પાનું મળે. નજીકનો માનવ સમુદાય, જે આપણને પહેલી વહેલી વખત જ મળી રહ્યો હોય, પછી એ દાદા-દાદી હોય કે નાના નાની, મામા હોય કે કાકા, ફૈબા હોય કે ફુઆ, મોટીબેન હોય કે મોટો ભાઈ.. એ સૌ કોઈ આપણા પર અનરાધાર સ્નેહ વરસાવે, આપણને ઝબલું, રમકડું ને એવું એવું કેટલુંય આપે. કેટલી મસ્ત પરંપરા માનવ સમુદાયે બનાવી છે નહીં!

આ તારીખ, આ દિવસ આપણા આખા જીવન દરમ્યાન એકદમ ખાસ બની જાય. દર વર્ષે આ દિવસ આવે અને આપણી અંદર અનેક સંવેદનાઓ, પોઝિટીવીટી, ઉમંગ, ઉત્સાહ અને આનંદ વ્યાપી જાય. નાનપણમાં લંગોટિયા મિત્રો સાથે ઘરે જોકર ટોપીઓ પહેરી કેક કાપવાની, ફુગ્ગાઓ ફોડવાની મોજ માણતાં આપણે જન્મ દિવસને યાદગાર બનાવીએ છીએ. એ પછીના જન્મદિવસોમાં પરિવારજનો અને મિત્રો, પરિચિતો દ્વારા આપણને આપવામાં આવતી ગીફ્ટ્સ એ દિવસને યાદગાર બનાવી મૂકે છે. પહેલી વહેલી સાયકલની ગીફ્ટ, કાંડા ઘડિયાળની ગીફ્ટ, પર્સ, ટીશર્ટ..એ જન્મદિવસોની યાદને ચિરંજીવી બનાવી દે.

યુવાનીમાં મિત્રોને જન્મદિવસની પાર્ટી આપવામાં, હોટેલમાં ડિનર કે રેકડી પર વડાપાઉં તો ક્યારેક માત્ર ચા-પાણી પીવામાં જલસો પડી જાય. ભણતર, નોકરીની ચિંતા વચ્ચે આવતા આ દિવસના ચોવીસ કલાક આપણને નિશ્ચિંત બનાવી દે. ધીરે-ધીરે જિંદગીમાં ગંભીરતા આવે, સમજદારી આવે, જવાબદારી આવે. જન્મદિવસની ઉજવણી એ દિવસોમાં સત્યનારાયણની કથા કે એવા અન્ય કોઈ પવિત્ર પૂજા કર્મ દ્વારા તો ક્યારેક કોઈ આશ્રમમાં ભોજન જમાડીને કરવામાં આવે. નેગેટીવ લોકો સમજાવે કે ‘જન્મ દિવસ કાંઈ ઉજવવાની વસ્તુ છે? જિંદગીનું એક વર્ષ ઓછું થયું એનું દુખ થવું જોઈએ કે આનંદ?’ પોઝિટીવ લોકો સમજાવે ‘વીતેલું વર્ષ પણ ખૂબ સુંદર ગયું એના માનમાં જન્મદિવસ ઉજવવો જોઈએ.’

ધીરે ધીરે નાનેરાઓના જન્મદિવસનું મહત્વ વધતું જાય અને મોટેરાઓના જન્મદિવસો ભૂલાતા જાય. જીવનસાથી કે બાળકોના જન્મદિવસોની પળોજણમાં પોતાનો કે મમ્મી-પપ્પાનો જન્મદિવસ મગજમાંથી નીકળી જાય. આખો જન્મદિવસ વીસરાઈ ગયો હોય અને એ મોડી સાંજે અચાનક કોઈ અંગત આવીને કેક તથા ગીફ્ટનું સરપ્રાઈઝ આપે ત્યારે આખા દિવસનો થાક ઉતરી જાય. ઉંમરના છેલ્લા પડાવોમાં જન્મદિવસ દર પાંચ વર્ષે ઉજવાય. સીત્તેર, પંચોતેર, એંશીમાં વર્ષે બાળકો અને એનાય બાળકો દાદા-દાદી કે નાના-નાનીનો બર્થ ડે ઉજવવાની જીદ કરે ત્યારે મૃત્યુ દિવસની પ્રતીક્ષા કરતા એ વૃદ્ધને પણ જિંદગી આખી સાર્થક ગઈ હોય એવો અહેસાસ થયા વિના રહે નહીં.

આજકાલ જન્મદિવસની ઉજવણીઓ ફેસબુક અને વોટ્સએપ પર શુભેચ્છાઓ પાઠવીને થઇ જાય છે. બાકીનાઓને ભલે એ મેસેજ યાંત્રિક કે બોરિંગ લાગતા હોય પણ જેનો જન્મ દિવસ હોય એ વ્યક્તિ માટે એકેએક મેસેજ બહુ મૂલ્યવાન હોય છે.

ખેર.. હવે આપણી અંગત વાત
તારીખ ૨૩મી જૂન ૨૦૨૦ એ આપણી અંગત ડાયરીનો પ્રથમ જન્મદિવસ છે એટલે કે અંગત ડાયરી પૂરેપુરા એક વર્ષની થશે. બરોબર એક વર્ષ પહેલા તારીખ ૨૩ જૂન ૨૦૧૯ના દિવસે લખાયેલા પહેલા આર્ટીકલનું શીર્ષક હતું : રવિવાર. પહેલો આર્ટીકલ લખ્યો ત્યારે વિચાર્યું ન હતું કે બીજો, ત્રીજો પણ લખીશું. આ તો નિજાનંદ માટે લલકારાયેલું એક અંગત ગીત હતું. પણ જીવનમાં કેટલીક બાબતો આપમેળે જ વણાઈ જતી હોય છે. મેં તો એમ પણ નહોતું વિચાર્યું કે હું આ લખાણ ફેસબુક-વ્હોટ્સઅપ જેવા સોશ્યલ મિડીયામાં મૂકીશ. આ તો મારા જીવનસંગીનીએ મારી અંગત ડાયરીને જાહેરમાં મૂકવાનું અભિયાન શરુ કર્યું. બીજી તરફ સુજ્ઞ વાચક મિત્રોને પણ સાદી, સીધી, સરળ વાતો ગમી ગઈ અને અપની તો બસ નીકલ પડી...

વન ઓર ટુ લાઈનર્સના આજના ફાસ્ટ યુગમાં એવરેજ પાંચસોથી સાતસો શબ્દોમાં લખાતી અંગત ડાયરીમાં કોઈ જાતનો તીખો તમતમતો મસાલો કે કડવા કટાક્ષોની તીક્ષ્ણતા ન હોવા છતાં અભ્યાસુ વાચકોને એનું વ્યસન થઇ ગયું છે એ ઘટના વર્તમાન સમાજની પોઝિટીવ અને સાત્વિક વાંચન પ્રત્યેની ભીતરી રૂચીને પ્રદર્શિત કરે છે.

અંગત વાત કહું તો ડાયરીમાં લખાતી વાતો મને સમાજમાંથી જ મળી છે. બસમાં અપડાઉન દરમિયાન કેટલીક પંચિંગ લાઈન અજાણ્યા મુસાફર પાસેથી મળી જાય છે તો ક્યારેક વિદ્યાર્થીઓ પાસેથી સ્પાર્કીંગ પોઈન્ટ હાથ લાગે છે, ક્યારેક કોઈ અભ્યાસુ વાચકનો પ્રતિભાવ વાંચીને વિચારવાની એક નવી દિશા મળી જાય છે તો ક્યારેક કોઈ પુસ્તકનું કોઈ વાક્ય ભીતર સુધી ચોટ કરી જાય છે.

બસ... જ્યાં સુધી આવા પંચ અને પ્રતિભાવ મળ્યા કરશે ત્યાં સુધી અંગત ડાયરીના જન્મદિવસો ઉજવતા રહીશું. પ્રથમ બાળક જન્મે એ જ દિવસે એના મમ્મી પપ્પા પણ જન્મતા હોય છે. એમ જે દિવસે અંગત ડાયરી જન્મી એ જ દિવસે એને લખનાર લેખક પણ જન્મ્યા અને વાંચનાર વાચકો પણ જન્મ્યા એટલે હેપ્પી બર્થ ડે ટુ અંગત ડાયરી અને એના રીડર બિરાદરો...

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)