Viprani Videshyatra - Nepal Pravas - 7 in Gujarati Travel stories by દીપક ભટ્ટ books and stories PDF | વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૭

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વિપ્રની વિદેશયાત્રા - નેપાળ પ્રવાસ - ૭

પોખરા તરફ પ્રયાણ

~~~~~~

આજે સુસ્તીસભર આરામનો દિવસ હતો.

આજે વહેલી સવારે ઉઠીને ક્યાંય ભાગવાનું નહોતું કારણ આજે બપોરે નેપાળની ધરતી પરના સ્વર્ગ પોખરા જવાનુ હતુ.

"નમસ્તે નેપાળ"ના યુવાન માલીક "ધ્રુવા લામસેલ", જે હવે મારા મિત્ર બની ગયા હતા, સાથે પોખરાની હોટલમાં રોકાણ બાબતની ચર્ચા કરી.

મિત્ર ધ્રુવાએ જણાવ્યું કે પોખરામાં એના સગા કાકાના દીકરાની હોટલ છે અને અમારે ત્યાં જઈને રહેવાનું છે.

વળી "નમસ્તે નેપાળ"માં અમારા દસ દિવસના રોકાણના પૈસા અમે એડવાન્સમાં આપ્યા હોવાથી, પોખરામાં અમારે એ હોટલમાં કોઈ ચુકવણી કરવાની નહોતી.

જે સગવડમાં એરપોર્ટથી લઈ જવાની તથા પરત ફરતી વખતે એરપોર્ટ પર મૂકી જવાની સેવા સામેલ હતી.

આવી સગવડ ભારતમાં અમલી હશે કે ?

અગાઉથી અમારા ત્યાં પહોંચવાનો કાર્યક્રમની જાણ "હોટલ ગોલ્ડન હોલીડે"ના યુવા માલીક "હરિહર અધિકારી"ને ફોનથી કરી દેવાઈ હતી.

પોખરા એકાદ બે જોડી કપડા લઈ જવા નાની બેગ તૈયાર કરી.

હડીમદસ્તા બેગને કાઠમંડુની હોટલ "નમસ્તે નેપાળ"માં મૂકી રાખવાનું વિચાર્યું.

ફ્લાઇટ બપોરે બે વાગ્યાની હતી અને બાર વાગતા સુધીમાં એરપોર્ટ પર પહોંચવું જરૂરી હતું પણ સમયનો સદુપયોગ કરવાના ભાગરૂપે સવારે ૧૦ વાગે હોટલ છોડી દીધી કારણ એરપોર્ટના રસ્તે આવતા ભગવાન પશુપતિનાથના મંદિરે ફરી વખત દર્શને જવાનુ નક્કી કર્યું.

કાઠમંડુની બજારો નીરખતા નીરખતા પહોંચ્યા ભગવાન પશુપતિનાથના દ્વારે.

આજે મંદિરમાં તે દિવસ કરતા વધુ ભીડ હતી.

અતિ ઉત્સાહમાં કેમેરામાં ભગવાન પશુપતિનાથને કંડારવાની તાલાવેલી લાગી અને હજુ તો શરૂઆત જ કરી ત્યાં ક્યાંકથી કોઈક મહિલા સાર્જન્ટ દોડી આવી અને મારો હાથ પકડી મને ભીડમાંથી બહાર ખેંચી લઈ ગઈ.

એ ભુલાઈ ગયુ કે અહીં મુખ્ય મંદિરમાં અને મંદિર પરિસરમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફીની મનાઈ છે અને

પછી આજીજીઓનો દૌર ચાલ્યો......

અંતે મારા એ નાનકડા ફોનમાં પડેલા ફોટાઓ એ માનુનીએ જાતે જોયા અને મને જતો કર્યો.

જય હો ભગવાન પશુપતિનાથ નો....

મને ક્યારેક વિચાર આવે છે કે વીસમી અને એકવીસમી સદીમાં મંદિરમાં બેઠેલો ભગવાન VIP અને VVIP સાથે જ ફોટા પડાવવાની આદતવાળો થઈ ગયો હશે ?

શું એને લઘરવઘર રહેતા સામાન્ય માણસો સાથે ફોટા પડાવવામાં શરમ આવતી હશે કે ?!

મંદિરમાં બેઠેલો પથ્થરરૂપી ભગવાન પણ આવનાર યાત્રાળુ પાસેથી મળેલા કે મળવાપાત્ર દાનની રકમ જોતો હશે પછી ફોટા પડાવવાની હા પડતો હશે કે ?!

આ બધી બાબતો એના ઠેકેદારો / એના એજન્ટો નક્કી કરતા હશે ?!

એ નહિ સુધરે ત્યાં સુધી મારે અને તમારે તો મંદિરોમાં ચોરી અને આજીજીઓ જ કરવી રહી -

૧. ચોરીછૂપીથી ફોટા પાડવા,

૨. ચોરીછૂપીથી ફોટા પડતા પકડાવ તો આજીજીઓ કરવી

૩. પૂજારી સારો હોય અને મંદિરમાં ભીડ ના હોય તો ફોટા પાડવા દેવા આજીજીઓ કરવી

બે એક કલાક મંદિર પરિસર અને આજુબાજુના વિસ્તારમાં આથડ્યા પછી એરપોર્ટની વાટ પકડી.

એરપોર્ટ જતા અને આવતા, લોકમાતા નદી"બાગમતી"ના પટમાં ખડકાયેલા કચરાની અસહ્ય દુર્ગંધ તમારે વેઠવી જ રહી.

બપોરનો સમય હોવા છતાંયે એરપોર્ટ પર ભીડ વધારે હતી

અમદાવાદી સ્વભાવે આજે સસ્તામાં જવાની લ્હાયમાં એક એન્જીનવાળા અવકાશી વિમાની છકડા ધરાવતી "સીમરીક એરલાઈન્સ"ના છકડામાં જવાનું હતું

સીમરીક એરલાઈન્સ પાસે આવા ૫ છકડા છે , જે આ એરલાઇન્સે અન્ય બે એરલાઈન્સ પાસેથી ભાડાપટ્ટે મેળવ્યા છે - ત્રણ ૧૮ સીટર અને બે ૧૯ સીટર.

જાહેરાત કરાઈ કે આજે પોખરાનો અવકાશી છકડો નિયત સમય કરતા ૧ કલાક મોડો ઉપડશે.

એરપોર્ટ પર તમે ચેક ઈન કર્યા પછી ઘાણીના બળદની જેમ બંધાઈ જાવ છો !

નિયત વિસ્તારમાં તમારે અર્થવિહીન આડાઅવળા આંટા મારવા સિવાય બીજુ કાંઈ કરવાનું જ નહિ, હા એટલો ફાયદો કે ઘાણીના બળદને આંખે ડાબલા ચઢાવેલા હોય એટલે એ બિચારો જગતની ગતિવિધિઓ જોઈ જ ના શકે એટલે ભાગવાનું વિચારે જ નહિ જયારે અહીં તમારી આંખો ખુલ્લી હોય એટલે આડાઅવળા ડાફોળીયા મારીને કે આડાઅવળા ફાંફા મારીને તમને ગમતા ચહેરા પર કે તમને પસંદ આવે એ વ્યક્તિ પર નજર ઠેરવીને નીરખી શકો !

છકડો વધુ અડધો કલાક મોડો હોવાની જાહેરાત થઈ.

અરે હા અગત્યની વાત તો કહેવાની રહી જ ગઈ , આ અવકાશી છકડામાં સીટ નંબર કોઈનેય ફાળવવામાં આવતો નથી

વહેલો તે પહેલોના ધોરણે પ્રવેશ અને તમારા નસીબમાં જે હોય અને જે મળે એ સીટ તમારી.

આખરે એ છકડો આવી પહોંચ્યો હોવાની જાહેરાત થઈ.

પસંદગીની સીટ મેળવવા એરપોર્ટના દરવાજેથી દોડયા પણ નસીબના બળીયા એટલે એરલાઈન્સની ઢબુડીએ અમને બેસવા ના દીધા અને કહ્યું કે કોઈક બે દર્દીઓ અને તેમના સગાઓને પ્રથમ પ્રવેશ પછી બીજા બધા મુસાફરોને પ્રવેશ.......

અને અમદાવાદના છકડાની જેમ ડ્રાઈવરની બાજુમાં બેસીને મળતો રોમાન્ચ માણવાની મારી ઈચ્છા અધૂરી રહી ગઈ !

બંને તરફ વિન્ડો પર એક એક એવી સાત સીટ અને છેલ્લે ચાર સીટ.

અમારો નંબર લાગ્યો ડાબી બાજુની પાંચમી અને છઠ્ઠી સીટ મળી.

મારી પાછળની સીટ પર પટના, બિહારની ૨૦ - ૨૨ વર્ષની યુવતી.

ચાર ફૂટની ઊંચાઈ ધરાવતા અવકાશી છકડામાં સેમી સૌંદર્યવાન થોડીક ભદ્દી અને લગભગ સવાપાંચેક ફૂટની ઊંચાઈ ધરાવતી છકડાની પરિચારિકાએ છકડાનો દરવાજો બંધ કરીને ચાર ફૂટની ઊંચાઈ ધરાવતા વિમાનમાં વાંકા વળીને એ પરિચારિકાએ સામાન્યપણે દરેક વિમાની સેવામાં અપાય છે એમ સલાહ સૂચનો આપવા મંડયા

"આમને આમ આ બિચારી વહેલી ઘરડી થઈ જશે" એમ હું હિન્દીમાં ધીરેથી બોલ્યો .

આજુબાજુમાં બેઠેલા હિન્દીભાષીઓ મારી વાત સમજી ગયા અને હસી પડયા.

વહેલી ડોશી થવાની શક્યતા હતી એ પરિચારિકા બિચારી એક વખત ચોકલેટ આપવા અને બીજી વખત પાણી આપવા એમ બે ધક્કા ખાઈ ગઈ.

વિમાન આકાશમાં છવાયેલા આછા વાદળામાં પ્રવાસ કરવા લાગ્યું

ખાડાવાળા રસ્તા પર છકડામાં, રિક્ષામાં , કારમાં કે સરકારી બસમાં મુસાફરી કરતા થયેલા અનુભવ યાદ આવવા લાગ્યા .....

બસ એમ જ અને એવા જ થડકારા અને ઝટકા.

આગળ વધતા ગાઢા વાદળોમાં અમારા અવકાશી છકડામાં જોરદાર થડકારા અને ઝટકા આવવા લાગ્યા ...

મારી પાછળ બેઠેલી યુવતી અવકાશી છકડો નીચે પછાડવાની બીકે ડરની મારી રીતસર રડવા લાગી અને ડર વધતા એ યુવતીએ સજ્જડરીતે મારો જમણો હાથ પકડી વધુ ને વધુ રડવા લાગી.

એ ચાલતા છકડામાં મેં મારી સીટ પરથી ઉભા થઈ,એ ચાર ફૂટ ઊંચાઈના અવકાશી છકડામાં, મારે સાંત્વના આપવી પડી અને એ યુવતીને હૈયાધારણ આપી કે આ અવકાશી છકડો તૂટી પડશે તો તારા અને મારા સહિતના ૧૮ મુસાફરો, એક પરિચારિકા અને એક પાઇલોટ એ સૌનું હિમાલયમાંથી સ્વર્ગારોહણ થશે !

માંડ માંડએ શાંત રહી.

વાતચીતે જાણ્યું કે

એ મૂળ પટણા, બિહારની બ્રાહ્મણ યુવતી છે ....

હજુ ૧૫ - ૨૦ દિવસ પહેલા જ એનું સગપણ "પોખરા - નેપાળ"માં રહેતા મૂળ ભારતીય બ્રાહ્મણ પરિવારના યુવાન સાથે થયું છે......

દિલ્હી એરપોર્ટ પર ગઈકાલે સાંજની કાઠમંડુ ફ્લાઈટમાં ચેક ઈનમાં બે ત્રણ મિનિટ માટે મોડી પડતા તેને એ ફ્લાઈટમાં પ્રવેશ અપાયો નહોતો ...

એટલે આજે સવારની દિલ્હી - કાઠમંડુ ફ્લાઈટમાં એ કાઠમંડુ પહોંચી હતી ....

અને કાઠમંડુથી અવકાશી છકડામાં એ અમારી સાથે હતી.

જતા જતા એ સહીસલામતરીતે પોખરા પહોંચવા બદલ મારો આભાર માની ગઈ, જાણે એ અવકાશી છકડાનો ચાલક હું ના હોઉં !

સાથેસાથે એ પણ કહેતી ગઈ , "આજ કે બાદ કભી ભી ઐસે છોટે પ્લેન મેં સફર નહિ કરુંગી."

બસ .....

ત્યાં જ પોખરા એરપોર્ટ પહોંચવાની જાહેરાત થઈ અને અવકાશી છકડાના પૈડા રનવેને સ્પર્શ્યા .....

અને અમે નેપાળના સ્વર્ગ એવા "પોખરા" શહેરની ધરતી પર પગ મૂક્યા....

જ જોવાની મારી અદમ્ય ઈચ્છા હતી

છકડાના લગેઝ બોક્સમાંથી ઉતારાયેલી બેગ હાથમાં લઈ એરપોર્ટની બહાર નીકળ્યા.

એરપોર્ટ પર "હોટલ ગોલ્ડન હોલીડે"ના માલિકની ખુદની ગાડી અમને સત્કારવા આવીને ઉભી હતી.

એમાં સવાર થઈ પોખરાના રસ્તા અને ગલીયો ખૂંદતા આવી પહોંચ્યા પોખરાના અમારા નવા પડાવ પર.


ફેવા સરોવરમાં બિરાજમાન વારાહી માતાના દર્શને

~~~~~~

હજુ તો એરપોર્ટથી "હોટલ ગોલ્ડન હોલીડે" પર પહોંચ્યા અને સ્વર્ગ સમાન "પોખરા"માં અમારા આતિથ્યસત્કાર માટે બરફના કરા સાથે જોરદાર વરસાદ શરુ થઈ ગયો. સામાન્યરીતે ત્યાં એપ્રિલ મહિનો વરસાદનો મહિનો ના હોવાથી વરસાદ આવતો નથી.

કલાકેક પછી વરસાદ રોકાયો અને અમે હોટલની બહાર લટાર મારવા નીકળ્યા. આશ્ચર્ય જ કહેવાય ને કે આટલો ધોધમાર વરસાદ પડ્યા પછીએ, એ નાનકડા શહેરના કોઈ રસ્તા પર પાણી ભરાયા નહોતા. અને મુખ્ય રસ્તા પર આવતા સામે જ એક સરોવર નજર ચઢ્યું.

એ નેપાળનું મીઠા પાણીનું કુદરતી સરોવર હતુ, “ફેવા સરોવર” (PHEWA LAKE)

આઠ - દસ પગથીયા ઉતરીને નીચે આવતા ત્યાં ૧૫ - ૨૦ નાનીમોટી બોટ અને એક બોટિંગ માટેનું બુકીંગ સેન્ટર નજરે ચઢ્યા.

હાજર બોટચાલકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે સરોવરની વચ્ચોવચ્ચ "વારાહી માતા"નું મંદિર આવેલું છે અને અમે એ તક ઝડપી પોખરા મુલાકાતની શરૂઆત "વારાહી માતા"ના દર્શન કરીને કરવાનો નિર્ધાર કર્યો.

.

"વારાહી", મારા મોસાળ તળાજાના પંડયાના કુળદેવી.

આમ તો તળાજાના મારા મોસાળના કુળદેવી મંદિરે ઓછામાં ઓછો વર્ષમાં એકાદ વખત દર્શન કરવા જવાનો મોકો મળે.

સાંજના સમયે અમારા સિવાય અન્ય કોઈ પ્રવાસી કે દર્શનાર્થી હતા નહિ એટલે NR ૪૦૦ માં એક કલાકના ભાડાથી બોટ ઠરાવવી પડી.

અમદાવાદી હોવાથી ભાવતાલ કરવાની આદત મુજબ ભાવતાલ કરવા પ્રયત્ન કર્યો પણ એ પ્રયત્ન વ્યર્થ રહ્યો કારણ પોખરાના તંત્રએ જે તે બોટના ભાવ નક્કી કર્યા હતા.

અને અમે એ હલેસાવાળી બોટમાં બેઠા.

સ્વચ્છ , નિર્મળ લીલા કાચ જેવા પાણીમાં "સારથી ગણેશ"ના બાવડાના બળે સરકતી એ નાનકડી નાવમાં પહોંચ્યા સરોવરની મધ્યમા આવેલા એ "તાલ બારાહી ટેમ્પલ".

વાહ !

ફેવા લેક કે ફેવા તાલ એ નેપાળનું બીજા નંબરનું મીઠાપાણીનું સરોવર.

સ્વચ્છ, નિર્મળ લીલુ કાચ જેવું પાણી.

પોખરા શહેર, સારંગકોટ અને કાસકીકોટ વચ્ચેના પ્રદેશમાં, લગભગ ૬ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું સરોવર.

સરોવરની સરેરાશ ઊંડાઈ ૨૮ ફૂટ અને સૌથી વધુ ઊંડાઈ ૮૦ ફૂટ.

સરોવરના પાણીમાં ના કાગળ, ના પ્લાસ્ટીકની બોટલ, ના પ્લાસ્ટીકની કોથળીયો, ના અન્ય કોઈ કચરો

અહીં રહેતી પ્રજા અને અહીં આવતા યાત્રીઓ વગર અભિયાને સ્વયંશિસ્તે "સ્વચ્છતા"ને વરેલા હશે કે ?!

.

હિમાલયની અન્નપૂર્ણા પર્વતમાળાના દક્ષિણ ભાગમાં સ્થિત +૨૨૦૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા "મચ્છાપુછરે" પર્વતના સાનિધ્યે સર્જાયેલું કુદરતી સરોવર.

"મચ્છાપુછરે" એટલે માછલીની પૂંછડી

કદાચ અન્નપૂર્ણા પર્વતમાળાનો છેલ્લો પર્વત હોવાના કારણે પર્વતને આ નામ અપાયું હશે !

આથમતા સૂર્યની સાક્ષીએ હિમાલયની અન્નપૂર્ણા અને ધવલગીરી પર્વતમાળાના પર્વતોના શિખરોના પ્રતિબિંબ ઝીલતુ ફેવા સરોવર

વાહ !

શું સુંદર નજારો !

.

વારાહી, દેવોની સંરક્ષક દેવી દુર્ગાનું બીજુ રૂપ

વારાહી, માતા પાર્વતીનું બીજુ રૂપ

વારાહી, વિષ્ણુઅવતાર વારાહની માતા

માતા વારાહી ને શિવપંથી અને વિષ્ણુપંથી બન્નેયની માનીતી દેવી

વારાહી રહસ્યની દેવી ગણાતી હોવાથી વામપંથી તાંત્રિકો તેની સાધના મોટાભાગે રાત્રીના ભાગમાં કરવાનું પસંદ કરે છે.

૧૮મી સદીના શાહ રાજાના સ્વપ્નમાં આવી પોતાનું મંદિર આ સરોવરના નાનકડા ટાપુ પર બનાવવાની વાત ખુદ માતા વારાહી કહી ગયા એવી લોકકથા આજેય પ્રચલિત છે.

ફરી એ જ વાત કહેવી રહી કે નેપાળના મોટાભાગના મંદિરો ભારતીય મંદિરોની શૈલીના શિખરબંધ મંદિર નથી

એ તમામ મંદિરો પેગોડા ટાઈપના બાંધણીવાળા મંદિરો છે

આ વારાહી મંદિર પણ બે માળનું પેગોડા ટાઈપનું મંદિર છે

ટાપુ, નાનકડા મંદિર પરિસર અને સ્વયં મંદિરની સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી છે.

એ નાનકડા મંદિરમાં તમે તમારા નવાનક્કોર "સફેદ રંગ"ના મોજા પહેરીને છેક માતાજીની મૂર્તિને સ્પર્શ કરીને પાછા આવો તો તમારા સફેદ મોજાને કોઈ જ ડાઘ ના પડે !

મંદિર પરિસરની આજુબાજુ સ્ટીલની પાઈપોની સુરક્ષા અને સલામતી માટે વાડ બનાવેલી છે એ વાડ જાણે આજે જ લગાવી હોય એવી અને એટલી તદ્દન નવા જેવી જ.

ગરીબડી અને પોતાને અસુરક્ષિત માનતી પ્રજા સ્વયંશિસ્તને આપોઆપ વરતી હશે કે ?!

અને અથવા નેપાળના સત્તાધીશો અને નેપાળની પ્રજાને પોતાની આજીવિકા સમાન પ્રવાસન ઉદ્યોગની અગત્યતાની જાણ હશે ?

આવી સ્વર્ગસમી જગ્યાએ તમે વધારેમાં વધારે ૩૦ મિનિટ રોકાઈ શકો છો અન્યથા બીજા ૪૦૦ રૂપિયાનો ચાંદલો કરવાનો વારો આવે એટલે મળેલી ૩૦ મિનિટમાં એ સુંદરતમ જગ્યાને મહત્તમપણે માણી.

બોટમાં કિનારે પાછા ફરતા સામે મળતી બોટના અજાણ્યા પ્રવાસીઓને અભિવાદન કરતા અને સામે મળતી બોટના અજાણ્યા પ્રવાસીઓના અભિવાદન ઝીલતા કિનારે પાછા ફર્યા.

હવે બીજી કોઈ જગ્યાએ જવાના કે બીજી જગ્યાએ જઈને જમવાના હોશ નહોતા પણ છતાંયે પોખરાના બજાર તરફ આંટો મારવાની ઈચ્છા અમે રોકી ના શક્યા.

સ્વર્ગના બજારમાં ફરતા અમે બે ત્રણ કિલોમીટર આગળ નીકળી ગયા

ત્યાં પોખરાના પ્રખ્યાત એવા ભવ્ય એવા પંજાબી રેસ્ટોરન્ટના દર્શન થયા

અને રસ્તા પર આવતી સુગંધ માત્રથી અમારી ભૂખ ખુલી ગઈ અને અમે ઘણા દિવસે ભારતીય પંજાબી ભોજનને ન્યાય આપ્યો.

ભોજન કરી બહાર નીકળ્યા અને વગર આસો માસે પગ રીતસર ગરબા ગાવા લાગ્યા.

એ બજારમાં સાયકલ સહિતના કોઈપણ વાહન ચલાવવાની સખ્ત મનાઈ હતી એટલે કોઈ વાહન મળવાની શક્યતા હતી જ નહિ

પાંચ - છ જગ્યાઓએ બેસતા બેસતા ધીમેધીમે હોટલ સુધી પહોંચ્યા

અને લંબી તાણી

કાઠમંડુથી ફોન પર સારથી રાજને નક્કી કર્યા મુજબ આવતીકાલે સવારે સાડા ચાર વાગે પોખરાના "સારથી શંકર" અમારા માટે પોતાનો રથ લઈને હાજર થવાના હતા

અને અમારી રથયાત્રા પોખરાદર્શને નીકળવાની હતી !


ઉગતા સૂર્યને સત્કારવા સારંગકોટ

~~~~~~

હજુ રાત્રે ૧૧ વાગે માંડ સુતા અને સવારે ૦૨:૩૦ વાગે જાગીને નેપાળની ધરતી પરના સ્વર્ગ પોખરાને નજીકથી નિરખવાની તૈયારી શરુ કરી.

લગભગ ૦૩:૧૫ વાગે પોખરાના અમારા સારથી "શંકર" પોતાના રથ સાથે હાજર થઇ ગયા.

પહેલી ખેપ સારંગકોટની હતી

સારંગકોટ, ઉગતા સૂર્યને આવકારવાની ભૂમિ

સારંગકોટ, આથમતા સૂર્યને અલવિદા કરવાની ભૂમિ

સતત અને સખત વીજખાધ અને વીજકાપ અનુભવતા નેપાળના અંધારઘેરા પોખરાના રસ્તે અમારી કારની લાઈટોના પ્રકાશના શેરડે સારંગકોટની વાટ પકડી.

સુરજ હજુ તો સૂતો હતો અને એને આળસ મરડીને ઉભો થતો જોવા માટે તો અમારે સારંગકોટ જવાનું હતું

આમ પણ બાળસહજ ઉગતો સૂર્ય અને વૃદ્ધાવસ્થાએ પહોંચેલો સૂર્ય એ બહુ ઓછા પહોંચેલા હોય છે એટલે સ્વાભાવિકરીતે કોઈનેય પરેશાન કરતા નથી

પણ મધ્યાહ્ને પહોંચેલો "પહોંચેલો" સુરજ તો કોઈનેય ગણતો નથી અને કોઈનેય ગણકારતો જ નથી !

રસ્તા પર અમારી માફક જ ઉગતા સૂર્યને સત્કારવા માટે જતા અમારા જેવા વિદેશી પ્રવાસીઓની કારની લાઈટોના શેરડા સિવાય કંઈ જ નજરે ચઢતું નહોતું

રાત્રીની અંધારગોદમાં સુતેલા પોખરા નગરને વીંધતા અમે આગળ વધતા હતા.

ભારતીય શહેરો અને ભારતીય ગામોના રસ્તા પર બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા ચા - નાસ્તા કે પાન - મસાલાના લારીગલ્લાના અભાવે આખુ નેપાળ સૂર્યવંશી ભાસતુ.

લગભગ ૦૪:૧૫ મિનિટે સારંગકોટમાં પ્રવેશ કર્યો.

ગણતરી એવી હતી કે સારંગકોટમાં એ દિવસે સૌથી પહેલા પ્રવેશનાર અમે હોઈશું .......

પણ અહીં તો સેંકડો લોકો અમારા પહેલા હાજર હતા.

સારંગકોટ પર સવારે ઉગતા સૂર્યનો નજારો અને સાંજે ડૂબતા સૂર્યનો નજારો પણ માણી શકાય છે એટલે મોટાભાગના વિદેશી પ્રવાસીઓ અહીંની નાનીમોટી હોટલો, ગેસ્ટહાઉસ અને હોમ ગેસ્ટહાઉસમાં રહેવાનું પસંદ કરે છે.

જેથી સર્વ જીવોના પાલનહાર એવા ઉગતા સૂર્યની વહેલી સવારે આરતી ઉતારી શકાય અને સાંજે યથાયોગ્યરીતે આથમતા સૂર્યને વિદાય આપી શકાય.

સારંગકોટ સમુદ્રની સપાટીથી લગભગ + ૧૬૦૦ મીટરની ઊંચાઈ ધરાવે છે

એટલે સારંગકોટમાં પોખરા કરતા લગભગ +૫ ડિગ્રી તાપમાન ઓછુ રહે છે.

સારંગકોટ, હિમાલયની અન્નપૂર્ણા પર્વતમાળા, ધવલગીરી પર્વતમાળા અને મનાસલુ પર્વતમાળાના સાનિધ્યે અને સેટી નદીના કિનારે પાંગરેલી સંસ્કૃતિનું +૬૦૦૦ની વસ્તી ધરાવતુ નાનકડુ નગર

વહેલી સવારે આવેલા પ્રવાસીઓ પોતાની સાથે ઘેરથી લાવ્યા હશે એ બધાયે ગરમ કપડા ઠઠારીને આવ્યા હતા

સારંગકોટમાં સનરાઈઝ પોઇન્ટ પર સામાન્યતઃ બહુ ભીડ રહેતી હોવાથી અમારા સારથીએ અમને સારંગકોટમાં એમના કોઈક ઓળખીતાના ત્રણ માળના મકાનના ધાબા પર ગોઠવ્યા.

ત્યાં બીજા માળની અગાસીએ ૧૫ - ૨૦ ખુરશીઓ મુકેલી હતી જેના પર લોકો બેઠા હતા અથવા પોતાની બેગ અથવા કેમેરા મૂકી ગયા હતા.

ત્રીજા માળે ધાબા પર પણ ૨૦ - ૨૫ ખુરશીઓ ગોઠવેલી પણ ત્યાં હજુ ગણતરીના ૧૦ - ૧૨ લોકો જ હાજર હતા.

અમે પૂર્વાકાશની ધાબાની પાળી નજીક ગોઠવેલી ખુરશીમાં ગોઠવાયા.

ઠંડી અને સુસવાટા મારતો પવન હતો પણ મને એ વાતાવરણ બહુ ગમ્યુ મારા ધર્મપત્નીની વિનંતી અને આજીજીઓ છતાંયે મેં સ્વેટર પહેરવાનુ ટાળ્યુ.

ધીરે ધીરે એ ઘરના ધાબે અને અગાશીએ ઉગતા સૂર્યને આવકારવા લોકો આવવા લાગ્યા

અહીં એકઠા થયેલા +૫૦ લોકોમાં હું એક જ સામાન્ય કપડામાં હતો અને એ ઠંડીને ગણકારતો નહોતો.

લગભગ રોજ દર્શન દેતા જીવંત દેવતા એવા સૂર્યદેવતાની રાહ જોતા સૌ પ્રવાસીઓ આજુબાજુના ઊંચા ઘરોના ધાબે અને દૂર દેખાતી ટેકરીઓ પર ગોઠવાઈ ગયા હતા અને પૂર્વાકાશમાં સૂર્યદેવતા આળસ મરડી પોતાની પથારીમાંથી ઉભા થઈ પોતાના ઘરની પશ્ચિમાકાશની બારીએ આવે એની રાહ પોતાની ડોકી જેટલી પણ લાંબી થાય એટલી લાંબી કરી ને જોતા હતા.

સૂરજદાદા આવે ત્યાં સુધી મેં આટલી ઊંચાઇએથી વહેલી સવારે ઝાંખીઝાંખી દેખાતી હિમાલયની અલગઅલગ પર્વતમાળાઓને નરી આંખે જોવાનું શરુ કર્યું.

+ ૧૬૦૦ મીટરથી દેખાતી સેટી નદી નાના વહેળા જેવી ભાસતી 'તી

સારંગકોટથી માઈલો દૂર વસેલા નિંદ્રાધીન ગામો આલ્હાદક વાતાવરણમાં ખુબ જ સુંદર ભાસતા હતા.

અમે જે ઘરના ધાબે ઉભા હતા ત્યાંના માલિક વહેલી સવારે જેને પીવી હોય તેને "મસ્ત ચા" પીરસતા હતા અને જેને જોઈએ એને સાથે બ્રેડ ટોસ્ટ અને બિસ્કીટ્સ આપતા હતા

અને સૂર્યદેવતાએ અચાનક જ પોતાના ઘરના પશ્ચિમાકાશ તરફ ખુલતી બારી ખોલી આતુરતાપૂર્વક રાહ જોતા પ્રવાસીઓને પૂર્વાકાશમાં દર્શન દીધા.

મહત્વ એ પાંચ દસ સેકન્ડનું જ કે જયારે ઘણી ઊંચાઈ ઉપર સૂર્યદેવતા અચાનક જ દર્શન દે પછી તો સુરજદાદાની કિંમત કાંઈ જ નહિ !

બધાયે પોતપોતાની મસ્તીમાં મસ્ત.

અમારા સારથી "શંકરે" જણાવ્યું હતું કે ઘણી વખત સુરજદાદા રિસાયેલા હોય ત્યારે વાદળામાં સંતાકૂકડી રમતા પ્રવાસીઓને નારાજ કરી દે છે.

પણ આજે તો સુરજદાદાનેય ખબર હતી કે આજે એમના દર્શને +૪૫૦૦ કિલોમીટર દૂર છેક અમદાવાદથી નાનકડો દીપક આવ્યો છે

આગોતરી જાણ કરી હોવાના કારણે કોઈ નખરા વગર દાદા આજે સમયસર હાજર થઈ ગયા હતા !

હજુ કુમળો તડકો પણ અમે બેઠા હતા એ ધાબે પહોંચ્યો નહોતો

પ્રવાસીઓ જ્યાં હતા ત્યાં ફોટોસેશનમાં કે પોતાની સાથે લાવેલા લબાચાઓને સંકેલાવામાં કે અન્ય પ્રવાસીઓ સાથે થયેલી નવી ઓળખાણને પાકી કરવાની વેતરણમાં લગભગ ૩૦ - ૪૦ લોકો એમ જ બેઠા રહ્યા અથવા ટહેલતા રહ્યા.

મકાન માલિકે હવે પોતે પીવડાવેલી ચા ને બિસ્કિટના પૈસા લોકો પાસેથી વસૂલવા શરુ કર્યા

એ ચા વાળાએ "અચ્છેદિન"ના કોઈ જ વાદા કે દાવા વગર લોકોની સવાર અને લોકોના દિવસની શરૂઆત સુધારી દીધી હતી.

તેના ઘરના અન્ય સભ્યો સ્વેટર, શાલ, જેકેટ સહિત અન્ય વસ્ત્રો પરદેશી પ્રવાસીઓને બતાવી તેમની સાથે ભાવતાલ કરી વેચવા લાગ્યા હતા.

સારંગકોટમાં પેરા ગ્લાઈડિંગ ની વ્યવસ્થા છે જેનો દર રૂ. ૩૫૦૦ થી રૂ.૫૦૦૦ NR છે અને એનો સમય સવારે ૮ વાગ્યા પછી હતો.

હજુ તો સવારના ૫:૩૦ જ વાગ્યા હતા

અમને પેરા ગ્લાઇડિંગની ઈચ્છા થઈ પણ અમારી પાસે એટલો સમય ના હતો.

અમારે તો પોખરા નામના સ્વર્ગને મન ભરીને માણવું હતું

અને અમે અમારા સારથીએ અમારો રથ વિન્ઘ્યવાસિની મંદિર તરફ વાળ્યો

.

અહીં એક અસહ્ય પણ સનાતન સત્યની નોંધ લેવી રહી કે

"ઉગતા સૂર્યને પૂજનારા લોકોને આથમતા સૂર્યમાં ઓછી રુચિ હોય છે !"

વળી ઉગતા સૂર્યની ભૂમિ કે આથમતા સૂર્યની ભૂમિ નજીક રહેનાર મહેનતકશ સામાન્ય લોકોને સૂર્યના ઉગવા કે સૂર્યના આથમવા કરતા પોતાના પેટના ખાડાના ઊંડાણની ચિતા વધુ સતાવતી હોય છે એટલે એ લોકો ઉગતા સૂર્યને કે આથમતા સૂર્યને ક્યારેય ઘેલા થઈનેય મહત્વ આપતા નથી.


વિન્ઘ્યવાસિની દેવીના દર્શને

~~~~~

પોખરા, વિન્ઘ્યવાસિની દેવી મંદિર, 52 શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ.

વિન્ઘ્યવાસિની દેવી, દેવી જે લોકોનું હિતકરનારી દેવી છે

વિન્ઘ્યવાસિની દેવી જે દેવી અંબા અને દેવી દુર્ગાનો અવતાર જ છે.

વિન્ઘ્યવાસિની દેવી ક્યારેક કાલીમાતાના સ્વરૂપે પણ પૂજાય છે.

પોખરા , નેપાળસ્થિત મંદિર એ દેવી વિન્ઘ્યવાસિનીનું મુખ્ય મંદિર છે જેનો સમાવેશ શક્તિપીઠોમાંની એક શક્તિપીઠ તરીકે થાય છે.

ભારતના UPના મીરઝાપુરથી લગભગ ૧૦ કિલોમીટર દૂર વિંધ્યાચલમાં પણ વિન્ઘ્યવાસિની દેવીનું મંદિર જે ગંગા નદીના કિનારે આવેલુ છે.

સવાલ એ છે કે છેક UPમાં વિંધ્યાચલ પર્વતમાળાનું અસ્તિત્વ હોય કે ?

વિંધ્યાચલ એ નામની કોઈ પર્વતમાળા અસ્તિત્વ ધરાવતી નથી પણ મધ્યભારતના મોટાભાગના પર્વતોને વિંધ્યાચલ પર્વતમાળાનો ભાગ હોવાનું મનાય છે.

કદાચ એમાંનો કોઈક પર્વત UP માં પણ હોય

આજેય મીરઝાપુરનું બીજુ નામ વિંધ્યાચલ પણ છે.

દેવીએ પોતાના જન્મ પછી વિંધ્યાચલમાં વસવાટ કરવાનું પસંદ કર્યું એટલે એ દેવીનું નામ વિન્ઘ્યવાસિની દેવી છે.

પુરાણકથા પ્રમાણે માતા પાર્વતીના શરીરના અંગોના ભાગ અખંડભારતના જે પ્રદેશોમાં પડયા એ જગ્યાઓએ આજેય શક્તિપીઠ તરીકે ઓળખાય છે

પણ ...પણ વિંધ્યાચલમાં માતાજીએ વાસ કર્યો હોવાથી વિંધ્યાચલની ગણના પણ એક શક્તિપીઠમાં કરાય છે

માતાએ વિંધ્યાચલમાં પોતાનું સ્થાનક બનાવ્યું હોય તો મીરઝાપુરમાં આવેલ માતાનું મંદિર જ શક્તિપીઠ ગણાવું જોઈએ પણ આશ્ચર્યજનકરીતે પોખરા, નેપાળમાં સ્થિત મંદિર માતા વિન્ઘ્યવાસિનીનુ મંદિર પણ એક શક્તિપીઠ ગણાય છે .

કુલ 52 શક્તિપીઠમાંથી ઘણી શક્તિપીઠો એ સમયના અખંડભારતના પ્રદેશોમાં સ્થપાયેલી છે જે પૈકીની નીચે દર્શાવેલી શક્તિપીઠો ભારતના પાડોશી દેશોમાં છે.

૧. વિન્ઘ્યવાસિની દેવી - પોખરા, નેપાળ

૨. ગુહ્યેશ્વરી દેવી - કાઠમંડુ, નેપાળ

૩. ઉમા માતા - જનકપુર, નેપાળ

૪. શ્રી શૈલ, મહાલક્ષ્મી માતા - સિલ્હટ, બાંગલાદેશ

૫. સુગંધા - બારીસાલ, શિકારપુર, બાંગલાદેશ

૬. અપમા - ભબાનીપૂર, બાંગલાદેશ

૭. ઇન્દ્રાક્ષી, ભુવનેશ્વરી - જાફના, શ્રીલંકા

૮. દાક્ષાયની - તિબેટ (ચીનનો ભાગ)

૯. હિંગળાજ માતા - બલુચિસ્તાન, પાપીસ્તાન

(સંદર્ભ ગુગલ ....પણ હિન્દીભાષા અને અંગ્રેજીભાષામાં શક્તિપીઠની આપેલી હકીકતો એક બીજાથી તદ્દન જુદી છે )

પુરાણકથાઓ અનુસાર દેવી વિન્ઘ્યવાસિનીનો સીધો સંબંધ ભગવાન શ્રીકૃષ્ણ સાથે અને ભગવાન શ્રીકૃષ્ણના જન્મ સાથે છે.

આમ તો મહાયોગીની મહામાયાએ યશોદા માતાની કૂખેથી નંદબાબાના ઘરમાં જન્મ ધરેલો જે સમયે ભગવાન શ્રીકૃષ્ણએ દેવકી અને વાસુદેવના આઠમા સંતાન તરીકે પૃથ્વી પર જન્મ ધર્યો ત્યારે જ.

નંદબાબા બાલ કનૈયાને યશોદામાતા પાસે મૂકી આવેલા અને મહામાયાને દેવકી પાસે સુવાડી દીધેલી

મહારાક્ષસ કંસ, દેવકીના આઠમા સંતાનના જન્મના સમાચાર મળતા જ એ જેલમાં દોડી આવેલ અને દેવકીના પડખે સુતેલી બાલ મહામાયા મહાયોગીની ને હાથમાં ઉપાડી જમીન પર પછાડી મારી નાખવા પ્રયત્ન કર્યો

બસ ત્યારે જ આશ્ચર્યજનક ઘટના બનેલી. બાલ મહામાયા મહાયોગીની પૃથ્વી પર પડવાને બદલે અવકાશ તરફ ઉડવા લાગી હતી અને સાથે મહારાક્ષસ કંસને આકાશવાણી કરીને ચેતવણી પણ આપી કે તારો સંહાર કરનાર આ પૃથ્વી પર અવતરી ચુક્યો છે અને હવે ટૂંક સમયમાં જ તારો અંત થશે

જન્મ ધર્યા પછી મહામાયાએ વિંધ્યાચલમાં નિવાસ કર્યો.

પોખરા વિન્ઘ્યવાસિની દેવીનું મંદિર દરિયાની સપાટીથી લગભગ ૩૦૦૦ ફૂટની ઊંચાઇ પર છે.

સામાન્ય દિવસોમાં અહીં હજારો યાત્રાળુઓ માતાના દર્શને આવે છે.

ચૈત્રી નવરાત્રી અને આસો નવરાત્રીમાં અહીં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે.

જેઠ માસમાં પોખરાની આસપાસમાં રહેતા આદિવાસીઓ "કાજલી ઉત્સવ" મનાવે છે જેમાં જુદીજુદી વ્યક્તિગત અને સામુહિક હરીફાઈઓનું આયોજન કરાય છે.

અન્નપૂર્ણાની પર્વતમાળા અને મચ્છીપૂછરેની પર્વતમાળાની નાનકડી ટેકરી પર વિન્ઘ્યવાસિની દેવી બિરાજ્યા છે.

નેપાળના તમામ મંદિરોની સ્વચ્છતાની વાત અહીં પણ નોંધવી રહી કે તમે મંદિરના ગર્ભગૃહમાં દેવીદેવતાની મૂર્તિ સુધી તમારા પગમાં સફેદ મોજા પહેરીને જાવ તોયે એ મોજા પર કોઈ ડાઘ ના પડે !

સેંકડો શ્રદ્ધાળુની અવરજવર અને છતાંયે આટલી સ્વચ્છતા !

ભારતમાં તો અભિયાનોના અભિયાનો ચલાવવા પડે છે

નેપાળના મોટાભાગના મંદિરમાં પુજારીએ પ્રગટાવેલો એકમાત્ર દીવો અને પુજારીએ પેટાવેલી અગરબત્તી સિવાય કોઈપણ શ્રદ્ધાળુ કોઈપણ એટલે VIP અને VVIP સહિતનો કોઈપણ શ્રદ્ધાળુ દર્શનાર્થી મંદિરમાં દીવો કે અગરબત્તી કરી શકતો નથી

જે તે મંદિરની બહાર બનાવેલા ખાસ સ્ટેન્ડ પર પિત્તળના અસંખ્ય દીવાઓ ગોઠવેલા હોય છે

બસ એ જગ્યા એ શ્રદ્ધાળુ દર્શનાર્થી દીવો અને અગરબત્તી કરી શકે છે

મંદિરના ગર્ભગૃહમાં ચોખ્ખાઈનું મુખ્ય કારણ કદાચ એ પણ હોઈ શકે !

તેલ - ઘી સહિતના કોઈપણ ચીકાશવાળા પદાર્થો મંદિરમાં લઈ જ નહિ જવાના

અને મંદિરના ગર્ભગૃહમાં અગરબત્તી પેટાવવાની બંધી એટલે અગરબત્તીની રાખ પણ આમતેમ ઉડે નહિ!

ભારતીય મંદિરોમાં આ પ્રયોગ કરવા જેવો ખરો

.

વહેલી સવારનો સમય હતો અને આજે શનિવાર હતો.

નેપાળમાં શનિવાર એ અઠવાડિક રજાનો દિવસ છે અને એ દિવસે દરેક મંદિરોમાં અને અન્ય જોવાલાયક સ્થળો પર સહેલાણીઓ અને દર્શનાર્થીઓની ભારે ભીડ રહે છે.

જોકે વહેલી સવારનો સમય હતો એટલે હજુ એટલા દર્શનાર્થીઓ ઉમટ્યા નહોતા

દર્શન માટે ઉભેલા શ્રદ્ધાળુઓમાં કોઈક સફેદ કબૂતર હાથમાં પકડી ને ઉભા હતા, કોઈક હાથમાં મરઘા પકડીને ઉભા હતા બે ચાર યાત્રાળુઓ નાનામોટા બકરા સાથે લઈને આવ્યા હતા.

એ બધા શ્રદ્ધાળુઓ મંદિરમાં પોતાની બાધાઆખડીરૂપી ઈચ્છાપૂર્તિનું યથાયોગ્ય કરજ ઉતારવા આવ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાતું હતું.

તેઓ પોતાની સાથે લાવેલ પશુપક્ષીને લઈ મંદિરમાં દર્શન કરવા જતા અને એ પશુપક્ષીને જીવતા લઈ બહાર આવતા.

ત્યારે એમ જ લાગ્યું કે એ પશુપક્ષીઓનો વધ કરી માતાજીને ભોગ નહિ જ ધરાવતો હોય.

અને એ માન્યતા ત્યારે દ્રઢ બની ગઈ જયારે બે ચાર દંપત્તિઓને પોતાની સાથે લાવેલા સફેદ કબૂતર અને મરઘાને પોતાના માથા પર મૂકીને જીવતા છોડી દેતા જોયા.

પણ દર્શન કર્યા બાદ મંદિર પરિસરમાં નીચે તરફ નજર પડી ........ અને ............

મંદિર પરિસરની પાછળ લગભગ ૧૦૦ ફૂટ નીચે એક ખાસ જગ્યાએ પશુપક્ષીનો વધ કરવા ખાસ જગ્યા બનાવાઈ છે તે ધ્યાને આવી.

હાથમાં પકડી શકાય તેવા હેન્ડલવાળા જાતજાતના બે ચાર છરા ધ્યાને પડયા અને પાંચ સાત ફૂટની ઊંચાઈ પર ફિક્સ કરેલા અન્ય બે મોટા છરા ધ્યાને પડયા.

અબોલ મરઘા અને બકરાની ચીસો .... લોહીની નાનકડી નદી ........ પોતાને હિન્દુ અને ભક્તિભાવવાળા કહેવડાવતા શ્રદ્ધાળુઓ અહીં જીવતા પશુપક્ષીઓનો ભોગ ધરાવતા

"શ્રદ્ધાળુ"ઓ પોતે ચઢાવેલા ભોગના પ્રસાદને કાં તો સાથે લઈ જતા અથવા સંપૂર્ણપણે છોડીને જતા.

.

નાનપણમાં એકવખત ચોરી છુપીથી જમાલપુર મ્યુનિસિપલ કતલખાનામાં નજર નાખી હતી એટલે અહીં આ દ્રશ્યો જોઈને કમકમાટી ઓછી થઈ.

વળી જમાલપુર, તાડની શેરીથી રાયપુર દરવાજા પાસે આવેલી શાળાએ જવાના રસ્તે આસ્ટોડિયા દરવાજા પાસેની ગલીમાં માસનું વેચાણ કરતી દુકાનોમાં ખીંટી પર લટકાવેલા પશુના માંસના ટુકડા તો સતત સાતવર્ષ સુધી જોયા હતા એટલે પણ કમકમાટી ઓછી થઈ.

.

પણ મનમાં આજેય એ સવાલ આવે છે કે જીવતો માણસ બીજા જીવને ઘાતકીરીતે કેવીરીતે મારી શકતો હશે.

(જો કે કીડી, મંકોડા, માખી, માંકડ અને મચ્છર તો ક્યારેક મેં પણ માર્યા જ છે)

કાઠમંડુથી ૧૬૦ કિમી દૂર બારા જિલ્લાના બરીયાપુરમાં આવેલ ગઢીમાઇ માતાના મંદિરના દર પાંચવર્ષે ઉજવાતા મહોત્સવમાં લાખોની સંખ્યામાં ગૌવંશની બલી ચઢાવાય છે

જેના દ્રશ્યો આપણે TVમાં કે મોબાઈલમાં જોયા છે

જે ઘૃણા ઉપજાવે તેવા અને માનવજાત માટે શરમજનક છે

૨૦૨૪ના નવેમ્બર મહિનામાં આ પૂજા મહોત્સવ ઉજવાશે

આ ઉત્સવ પ્રસંગે જે તે સ્થળ પર ૪૦ લાખ જેટલા (અંધ)શ્રદ્ધાળુઓ ઉમટે છે !

પોતાના જ સ્વજનનું કુદરતી મૃત્યુ જોઈ ના શકતો માનવી અબોલ પશુઓની હત્યા નિર્દયતાથી કરી શકે છે

અને એ અબોલ પશુઓના સામુહિક હત્યાના ધૃણાસ્પદ બનાવને ઉત્સવ તરીકે ઉજવી પણ શકે છે !

નેપાળના કેટલાક જાગૃત નાગરિકોએ નેપાળની સુપ્રીમકોર્ટમાં આ ઉત્સામાં થતા પશુઓના સામુહિક હત્યાકાંડ પર પ્રતિબંધ મુકવા અરજ કરેલી છે

જે તે કોર્ટે આ બાબતે જરૂરી માર્ગદર્શક સૂચનો અને આદેશો જારી કર્યા છે

હવે જોવું રહ્યું કે જે તે ઉત્સવ સમયે શું થાય છે ?

વિન્ઘ્યવાસિની માતાના મંદિરનું પરિસર ખુબ જ વિશાળ અને એ વિશાળ પરિસરમાં અન્ય દેવીદેવતાઓ પણ સહજીવનના સિદ્ધાંતના આધારે સાથે જ વસેલા પણ માતા વિન્ઘ્યવાસિની જેવો એમનો માનમરતબો નહિ.

વિન્ઘ્યવાસિની માતાના દર્શને આવેલા શ્રદ્ધાળુઓ પરિસરમાં આવેલા અન્ય દેવીદેવતા તરફ પોતાની ઈચ્છા થાય તો અછડતી નજર જ નાખી લેતા !

કદાચ એમાં પણ શ્રદ્ધાનો અભાવ હોય એવુ સ્પષ્ટ નજરે પડે

વિન્ઘ્યવાસિની દેવીના દર્શન કરીને તળેટીમાં નીચે આવ્યા

ત્યાં જાતજાતની રંગબેરંગી મોતીની માળાઓ અને સેર અને મોતીના સેટ મળતા હતા

અમદાવાદી સ્ટાઈલમાં ભાવતાલ કરાવીને મોતીની માળાઓ, મોતીની સેર અને મોતીના સેટ ખરીદ્યાં

અને અમારા રથમાં સવાર થઈને અમારો રથ ગુપ્તેશ્વર મહાદેવ તરફ આગળ વધાર્યો


ગુપ્તેશ્વર મહાદેવના દર્શને

~~~~~

પોતાના નાગરિકોની આજીવિકાનું મુખ્ય સાધન જ જયારે પ્રવાસન હોય ત્યારે જે તે શાસકોની અને સરકારની પ્રવાસના સ્થળો અને પ્રવાસીઓને જોવાલાયક સ્થળોને વિકસાવવાની અને સાચવવાની જવાબદારી વધી જાય છે.

૧૯૫૦માં નેપાળના રાજવીઓને અને શાસકોને આ વાત ધ્યાને આવી અને એ વર્ષથી નેપાળ સરકારે દુનિયાના પ્રવાસીઓને આવકારવા શરુ કર્યા.

વિશ્વના બે મુખ્ય ધર્મો, હિન્દુધર્મ અને બૌદ્ધધર્મ, અને એ બંનેય ધર્મોની વિચારધારાની ધરોહર જ્યાં સચવાયેલી હતી એ પૌરાણિક, ઐતિહાસિક સ્થળોનો શક્ય એટલો વિકાસ કર્યો

સાથેસાથે નેપાળના રાજઘરાનાએ પોતે ઉભી કરેલી એક અલગ ધરોહરને પણ નેપાળની પ્રજા માટે અને વિદેશીઓ માટે ખુલ્લી મૂકી દીધી.

અને ધાર્મિક સ્થળો, વંશપરંપરાગત રાજઘરાનાના વિકાસ સાથે હિમાલયની વિવિધ પર્વતમાળાઓના ટ્રેકિંગ, પેરા ગ્લાઈડિંગ, વગેરે વગેરેની ભરમાર ઉભી કરી દીધી.

યાદ રહે પોતાના ટાંચા સાધનોને ધ્યાને રાખીને અને પોતાની આર્થિક મર્યાદાઓને અવગણીને પણ શાસકોએ અને સરકારે આ બધો વિકાસ હાથ ધર્યો અને સફળતા મેળવી

આજે પ્રવાસન ઉદ્યોગ એ નેપાળના લગભગ ૮૫% નાગરિકોનો મુખ્ય વ્યવસાય બની ગયો છે જે એમની આજીવિકાનું એકમાત્ર સાધન છે.

આ અને આવા વિકાસ માટે શાસકોની દાનત અને આદત પણ અગત્યનો ભાગ ભજવે છે ......

બાકી તો .....

.

મારે તો મારા ટૂંકા પ્રવાસમાં આવરી શકાય એટલા નેપાળના જોવાલાયક સ્થળો આવરવાના હતા

એટલે વિન્ઘ્યવાસિની મંદિરથી સવારી ઉપાડી ગુફામાં સ્થિત ગુપ્તેશ્વર મહાદેવ તરફ

વહેલી સવારે દુનિયાના પાલનહાર અને નરી આંખે દેખાતા એવા એકમાત્ર ભગવાન સૂર્યનારાયણને સારંગકોટમાં આવકાર્યા પછી જગતજનની વિન્ધ્યવાસિનીના ચરણે

અને હવે દેવોના દેવ મહાદેવને મળવા ઉપડયા

પોખરાથી 55 km દૂર સ્થિત ગુપ્તેશ્વર મહાદેવની ગુફા

આ ગુફા ૧૬મી સદીની હોવાનું અનુમાન છે.

કદાચ ગુફા શોધાયા બાદ વર્ષો પછી અહીં શિવલિંગનું સ્થાપન કરી પ્રવાસન સ્થળ તરીકે તેનો વિકાસ કરાયો હશે.

કારણકે ગુપ્તેશ્વર મહાદેવના મંદિરનો કોઈ ઐતિહાસિક કે પૌરાણિક સંબંધ અને સંદર્ભ મળતા નથી.

બાકી લોકવાયકા પ્રમાણે ૧૯૪૦માં કેટલાક સ્થાનિકો દ્વારા કાલીગંડકી નદીના કિનારે આ ગુફા શોધી કઢાઈ હતી

જે તે સમયે ગુફાનું પ્રવેશદ્વાર કચરા, ભંગાર અને ઝાડીઝાંખરાંથી છવાયેલું અને બંધ હતું

એ સમયે આ ગુફાને "ભાલૂડુલો"ના નામે ઓળખવામાં આવતી.

કહે છે કે જે તે સમયે ગુફાના અંદરના ભાગ સુધીની દીવાલો પર પાંડવોના, શિવ પાર્વતીના , સરસ્વતી દેવીના અને અન્ય દેવી દેવતાની મૂર્તિઓ મોજુદ હતી

કદાચ આ જગ્યાને આજે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી હોવાથી ગુફાના સાંકડા રસ્તાના કારણે અને ગુફાના અંધકારને કારણે જે તે મૂર્તિઓને ગુફામાંથી ખસેડી લેવાઈ હોય

અત્યારે એ ગુફામાં પ્રવેશદ્વારથી ગુફાના છેડા સુધીમાં એકપણ મૂર્તિ જોવા ના મળી

સ્થાનિકોને રોજગાર મળે એ માટે પ્રશાસન દ્વારા અહીં ગુફાના બહારના ભાગમાં હારબંધ દુકાનો ઉભી કરાઈ છે.

જે દુકાનોમાં પૂજાની સામગ્રી, પ્રસાદ, રુદ્રાક્ષની માળાઓ અને મણકા, કાચા રુદ્રાક્ષના હાર , સ્ત્રીઓના શોખનો અને શણગારનો સામાન વગેરે વગેરે અહીં ઉપલબ્ધ હતા પણ અગત્યની વાત એ હતી કે દરેક વસ્તુના ભાવ બહુ જ ઊંચા હતા.

નાનીમોટી વસ્તુની ખરીદીમાં છેતરાય એ અમદાવાદી નહીં !

અને મારો આશય તો ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી ગુફામાં ફરવાનો હતો હતો એટલે એ દુકાનો મૂકીને અમે આગળ વધ્યા.

લગભગ ૭૦ પગથીયા ઉતર્યા બાદ અંધારઘેરી ગુફાનું દ્વાર આવ્યું.

આગળ વધતા લગભગ ૪૦ ફૂટ ઉપર વચ્ચોવચ્ચ ગુપ્તેશ્વર મહાદેવ બિરાજેલા.

હમણાં એમને તડકે મૂકીને ગુફામાં આગળ વધ્યા.

અંધારઘેરી ગુફામાં કોઈક કોઈક જગ્યાએ સામાન્ય બલ્બ લગાવેલા

ગુફાની લંબાઈ લગભગ ૩ કિલોમીટર જેટલી હશે.

ચૂનાના પથ્થરની ગુફા

એકદમ સાંકડી

જવા આવવાનો એક જ રસ્તો

ક્યાંક ક્યાંક એની ઊંચાઈ પણ ચાર ફૂટ જેટલી જ

આવતા જતા પ્રવાસીઓને રસ્તો આપતા ક્યારેક માથુ છત સાથે અથડાતુ કે આજુબાજુમાં ઢેકા કાઢીને ઉભેલા ગુફાના પથ્થરો ખભામાં કે હાથમાં વાગતા અને એ બંનેને સંભાળવા જતા પગમાં ઠોકર વાગવી નક્કી જ હતી !

ઠેરઠેર ઉપરથી ટપકતુ પાણી પણ પજવતુ

વળી ગુફામાં સાપ અને વીંછી જેવા જીવજંતુ ભય પણ ખરો.

અંધારઘેરી ગુફા અને સાંકડી ગુફાના રસ્તે ફોટા લેવા એ બહુ કપરું કામ લાગ્યુ.

પણ જે તે સ્થળ પર ગયા જ હતા એની સાબિતી અને યાદગીરી માટે ફોટા લેવાતો જરૂરી હતા ને !

ક્યારેક જાતે ફોટા પાડયા ક્યારેક અન્ય પ્રવાસીઓની મદદે એ કામ પાર પાડયું.

ગુફાના છેડા તરફના અંધારઘેરા ખૂણે કાળમીંઢ અંધારામાં આગળ વધતા જ રહ્યા

કદાચ અમારી જેમ ગુફાના છેડા સુધી આગળ વધતા પ્રવાસીઓમાંથી કોઈનેય એ વાતની ખબર જ ના હતી કે ગુફાના છેડા પર શું છે ?

પણ બધાયે એક આતુરતાથી એ ગુફાના ઉબડખાબડ રસ્તે સાંકડી ગુફાના માર્ગે પડતા આખડતા પણ આગળ વધતા હતા.

એ ગુફામાં ચામડાના જુના બુટ પહેરીને ચાલતા બહુ તકલીફ પડી પણ છૂટકો નહોતો કારણ કે ઉઘાડા પગે એ ગુફામાં ચાલવાની કલ્પના પણ ડરાવતી.

ત્યારે એ બાબતનું ભાન થયું અને જ્ઞાન લાધ્યું કે આવી જગ્યાઓએ ફરવા માટે "સ્પોર્ટ્સ શૂઝ" હોવા જરૂરી છે

નવાઈની વાત એ હતી કે નેપાળપ્રવાસ પૂરો કર્યાના એકાદ વર્ષ પછી બંદાએ પહેલી વખત "સ્પોર્ટ્સ શૂઝ" ખરીદ્યાં !

ગુફામાં આગળ વધતા એકદમ અંધારું છવાઈ ગયું

ખબર ના પડી કે અચાનક શું થયું ?

એકબીજાના મોઢા દેખાવા પણ બંધ થયા અને કોઈક જગ્યાએથી ધોધરૂપે પાણી પડવાનો સતત અને સખત અવાજ આવવા લાગ્યો.

ક્યાંક મોબાઈલ કેમેરાના ફ્લેશ થવા લાગ્યા અને અને એ ફ્લેશમાં એ સાંકડી અને અંધારઘેરી ગુફાના છેડે આવી ઉભેલા અસંખ્ય પ્રવાસીઓની હાજરીનો અહેસાસ થયો.

આવતી અને જતી ભીડમાં રસ્તો કરતા છેક છેડે પહોંચ્યા અને ગુફાના ડાબી તરફના ભાગે લગભગ પોણો કિલોમીટરના અંતરે ગુફાની ફાંટમાંથી પાણી પડતું જણાયું

હાજર પ્રવાસીઓનો ગણગણાટ ક્યારેક એ કુદરતી ધોધના સ્વરબધ્ધ અવાજને ગળી જતો હતો.

મહાપરાણે અમારી જાતને કોઈક ખડકાળ પથ્થર પર ગોઠવીને કોઈક સેવાભાવી સજ્જનને અમારો કેમેરો આપી ફોટા લેવા વિનંતી કરી પણ એ સજ્જન એ કામ કરવામાં નિષ્ફળ રહ્યા.

વાંક એ સજ્જનનો નહિ પણ એ સાંકડી જગ્યાનો હતો.

એ સાંકડી ગુફાના છેડા પર આવનાર પ્રવાસીઓનો ધસારો ખુબ હતો એટલે એ જગ્યાને ચાર પાંચ મિનિટમાં જ છોડવી પડી

વળી સાંકડી અંધારી જગ્યામાં ભીડના કારણે શ્વાસ લેવામાં પણ ખુબ જ તકલીફ જણાઈ.

પગની તકલીફવાળા પ્રવાસીઓએ, શ્વાસની તકલીફવાળા પ્રવાસીઓએ અને હૃદયરોગના દર્દીઓએ આ જગ્યાએ તથા આવી અન્ય જગ્યાઓએ જવાનું ટાળવુ જોઈએ,

આ અને આવા સ્થળે પ્રશાસને આ બાબતની ખાસ સૂચના પ્રવેશદ્વાર પર લખવી જોઈએ.

એકાદ બે કલાક ગુફામાં રહેતા જ હાલત અસહ્ય થઈ ગઈ

ત્યારે એ વિચાર આવ્યો કે, સદીઓ પહેલા આપણા પૂર્વજો અને ઋષિમુનિઓ આવી ગુફામાં ધ્યાન મુદ્રામાં તપશ્ચર્યા કરવા બેસતા અને દિવસો કે મહિનાઓ સુધી જલપાન વગર એ મુદ્રામાં જ બેસી રહેતા

વળી શરીર પર કીડી - મંકોડાના રાફડા થઈ જતા

તેમની સહનશક્તિ કેટલી બધી હશે !

ઠેબા અને ઠોકરો ખાતા પાછા આવ્યા ત્યારે કોઈક શ્રદ્ધાળુની બાધા પુરી થવાની ખુશીમાં અંધારે બેઠેલા એ ગુપ્તેશ્વર મહાદેવમાં ખાસ આરતી થતી હતી એનો લાભ લીધો.

ગુફામાંથી બહાર આવતા રીતસર આંખો અંજાઈ ગઈ

કારણ અંધારઘેરી ગુફામાથી બહાર આવ્યા એ હશે !

અહીં ફરી વખત એ વાતનો ઉલ્લેખ કરીશ કે આ જગ્યાએ સામાન્ય દિવસોમાં સેંકડો પ્રવાસીઓની અવરજવર રહે છે અને નેપાળની શનિવારની અઠવાડિક રજાના હજ્જારો પ્રવાસીઓ આ આ સ્થળની મુલાકાત લેછે

પણ આ સ્થળે સમખાવા એકપણ ભિખારી જોવા ના મળ્યો !

.

ગુફાના ઉપરના ભાગે ઉભી કરેલી પેલી દુકાનોની બીજી તરફ નાનકડા ભાગમાં જ્યાં પ્રાચીન શૈલીની પણ અર્વાચીન મૂર્તિઓ અને પથ્થરના શિલ્પો ઉભા કરાયા છે એની વચ્ચે સારી જગ્યા શોધી થાક ઉતારવા અને નિરાંતનો શ્વાસ લેવા થોડીવાર બેઠા.

કાચા રુદ્રાક્ષના મણકાની માળા લેવાની ઈચ્છા અને લોભ હજુ ઘટ્યા નહોતા એટલે ફરી એ દુકાનોના બીજા ભાગ તરફથી નીકળતા કાચા રુદ્રાક્ષના મણકાની માળા માટે પૂછપરછ કરી.

કોઈ કાચો મણકો તમે નખથી ખોતરીને જોઈ ના શકો અને અંદર કેટલા મુખી મણકા નીકળશે અને એની કોઈ ગેરંટી પણ નહિ, કદાચ બધાયે પાંચ મુખી મણકા પણ નીકળે !

વળી છુટા મણકા તમે ખરીદી ના શકો

તમારે એ આખી માળા જ લેવી રહી

૫૦ મણકાની એ માળાના ૫૦૦ રુપીયા કહ્યા અમને એ માળા ૩૦૦ રુપીયા સુધી લેવી પોસાય તેમ હતી વળી મારે વધારેમાં વધારે ૬ મુખી અને ૭ મુખી રુદ્રાક્ષ કે જે ઐશ્વર્ય અને રિધ્ધિસિધ્ધીના કારક ગણાય છે એ લેવા હતા એટલે એ માળા લીધા વગર આગળ વધ્યા.

કદાચ છ અને સાત મુખી રુદ્રાક્ષ થકી પ્રાપ્ત થતા ઐશ્વર્ય અને રિધ્ધિસિધ્ધી મારા જેવા મહેનતકશના નસીબમાં નહિ જ હોય !

અને પાછા આવી ઉભા ગુપ્તેશ્વર મહાદેવની ગુફાના પ્રવેશદ્વારે


"પાતાલે છાંગો" ઉર્ફે દેવી'સ ફોલની મુલાકાતે

~~~~~

ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી અને અંધારઘેરી ગુફામાં અથડાતા કુટાતા છેક છેડા સુધી જઈને બહાર આવ્યા.

ત્યાં જ સામેની એક રેસ્ટોરન્ટમાં આપણી અમદાવાદી સ્ટાઈલમાં બનતા બટાકાના અને ડુંગળીના ભજીયા અને કોઈક ભાજીના બનાવેલા ગોટા નજરે પડયા.

અને પછી તો જીવ ઝાલ્યો રહે !

આમ પણ સવારે ૩:૩૦ વાગ્યાના હોટલથી નીકળીને અત્યાર સુધી આથડતા તા.

અને સમજોને લગભગ સવારનો નાસ્તો અને બપોરનું જમણ , પેલું તમે યવનોનું ભાષામાં શું કહો ? હા....એ બ્રન્ચ (Brunch) પતાવ્યું

હજુયે મારા માટે એ એક કોયડો જ હતો કે મેં ગુપ્તેશ્વર મહાદેવની ગુફામાંથી જે ધોધ જોયો એ ધોધ ખરેખર ક્યાં છે ?

એ ચિત્રીકરણ તો હતું નહિ

એ ખરેખર પાણીનો ધોધ જ હતો.... તો ક્યાંક તો એનું અસ્તિત્વ હશે જ ને ?!

અડધો કલાક અમે એ રેસ્ટોરન્ટની બહાર ખુરશી નાખીને બેઠા.

ત્યારે અમારા સારથી "શંકર" ઉપસ્થિત થયા.

અમને ગુપ્તેશ્વર મહાદેવના દરવાજાથી અને અમે જે રેસ્ટોરન્ટ પાસે બેઠા હતા ત્યાંથી લગભગ ૩૦૦ મીટર દૂર એક દરવાજો બતાવીને કહ્યું, હવે તમે ત્યાં જાવ.....ત્યાં દેવી'સ ફોલ અથવા ડેવિડ ફોલ છે.

અમે ત્યાં ઉપડયા.

અહીં અલગથી પ્રવેશ ફી ચૂકવીને પ્રવેશદ્રારથી આગળ વધ્યા

એકાદ કિલોમીટરની સમથળ અને કાંઈક અલગરીતે વિકસાવેલી જગ્યાને વીંધતા આગળ વધ્યા.

૨૦૦ - ૫૦૦ ફૂટ ઊંડી કોતરો, ખીણો અને પાણીના ઝરણા નજરે ચઢયા.

સેંકડો પ્રવાસીઓની હાજરી.

પડતા ધોધ અને વહેતા પાણીએ પથ્થર કોરીને બનાવેલી કોતરો અને ખીણો અને ક્યાંક ક્યાંક કોતરો અને ખીણો વચ્ચે બનાવેલા લાકડાના નાનકડા પુલોને પસાર કરતા આગળ વધતા ગયા ત્યારે ધોધ પડવાનો અવાજ કાને પડ્યો.

અને આખરે એક ધોધ દેખાયો.

અપ્રતિમ સૌંદર્ય !

પણ આ સૌંદર્યને તો કુદરતી કમ કૃત્રિમ સૌંદર્ય કહેવુ રહ્યું.

પ્રથમ નજરે કુદરતી લાગતો ધોધ, સ્થાનિક સત્તાવાળાઓએ લગભગ ૩ કિલોમીટર દૂરથી પાણીની પાઈપલાઈન નાખી ફેવા સરોવરનું પાણી અહીં સુધી ખેંચી લાવી એક પ્રવાસન અને પર્યટનસ્થળ તરીકે બનાવેલો અકુદરતી ધોધ છે.

અરે તમને કહેવાનું તો રહી જ ગયું કે

આ એજ ધોધ હતો જે અમે ગુપ્તેશ્વર મહાદેવની ગુફામાંથી જોયો હતો !

અસંખ્ય લોકોની હાજરીમાં કુદરતી અને કૃત્રિમ સૌંદર્યની વ્યાખ્યા કરવાની લઢાઈમાં આંખ, મન અને હૃદય વચ્ચે મહાયુદ્ધ ફાટી નીકળ્યું તું

તસવીરો કંડારવી તો એ ધોધ અને આજુબાજુના સૌંદર્યની જ કંડારવી કે ત્યાં ઉપસ્થિત સેંકડો લોકોમાં હાજર કુદરતી કે કૃત્રિમ સૌંદર્યે મઢી માનુનીઓની !

આખરે સમાધાનકારી નિર્ણય સાથે બંનેયને સરખુ પ્રાધાન્ય આપવાનું મનોમન નક્કી થયું

એમ કરવા પાછળના બે ત્રણ કારણો પણ હતા

એક, ત્યાં પ્રવાસીઓની હાજરી એટલી બધી હતી કે એ ધોધના ફોટા આસાનીથી લેવા શક્ય જ નહોતા

બે, ત્યાં હાજર પ્રવાસીઓ પોતાના ફોટા પાડવામાં જ એટલા બધા મશગુલ હતા કે એ અન્ય પ્રવાસીઓને ફોટામાં મદદ કરવા રાજી જ ના હતા

ત્રણ, એટલે મેં એ સેવા ના લેવાનો નિર્ણય કરી જેમ પડે તેમ ફોટા પાડવા શરુ કર્યા તા પણ એમના કુટુંબીજનો કમનેય મારા કેમેરામાં ડોકાઈ જ જતા હતા.

.

સ્થાનિકપ્રજાને મદદરૂપ થાય તેવો વિકાસ કરવાનું કોઈ આ નાનકડા દેશ નેપાળ અને નેપાળી સત્તાવાળા પાસેથી શીખે.

છેક ફેવા સરોવરથી તાણી લવાતું પાણી એક નહિ બે જગ્યાઓએ ના માત્ર પ્રવાસના સ્થળની શોભા વધારે છે પણ સ્થાનિકતંત્ર અને સ્થાનિક લોકો માટે આવકનું સાધન પણ છે, ગુપ્તેશ્વર મહાદેવ અને દેવી'સ ફોલ.

"પાતાલે છાંગો" , દેવી'સ ફોલ, ડેવિડ ફોલ, ડેવી'સ ફોલ, ડેવી ફોલ, રહસ્યમય ધોધના ઘણાબધા રહસ્યમય નામ છે.

જગ્યાના નામકરણ પાછળ જુદીજુદી લોકવાયકાઓ સંકળાયેલી

કોઈ કહે છે કે ડેવી નામની એક વિદેશી સ્ત્રી ૩૧ જુલાઈ ૧૯૬૧ના દિવસે ફેવા સરોવરમાં ન્હાવા પડી હતી અને અચાનક જ ફેવા સરોવરની પાણીની સપાટી વધવા લાગી અને એ સ્ત્રી પોતાના પતિની નજર સામે જ પાણીમાં તણાવા લાગી.

ખુબ જહેમત બાદ તેનો મૃતદેહ છેક ત્રીજા દિવસે આ જગ્યાએથી હાથ લાગ્યો

એટલે આ જગ્યાને "ડેવી ફોલ" કહેવાય છે.

અન્ય લોકવાયકા પ્રમાણે ડેવિડ નામનો વિદેશી પર્વતારોહી આ ટેકરીઓ અને ખીણમાં અચાનક આવેલા પાણીના પ્રવાહમાં ખેંચાઈ અને એ ટેકરી પરથી પછડાઈને મૃત્યુ પામેલો

એની યાદમાં આ જગ્યાને "ડેવિડ ફોલ" તરીકે ઓળખાવાય છે .

આ અને આવી અનેક અલગ અલગ વાર્તાઓમાં આ જગ્યાની મૂળ વાર્તા ભુલાઈને ભૂંસાઈ ગઈ છે.

એક જમાનામાં આ જગ્યા દુઃખી, તરછોડાયેલા અને બીમાર આત્મહત્યા કરનારાઓ માટે નું સ્વર્ગ ગણાતું

પરંતુ સ્થાનિક સત્તાવાળાઓએ એ ટેકરીઓ પર જવાના તમામ રસ્તાઓ બંધ કરી એ સ્થળની પવિત્રતા જાળવવા પ્રયાસ કર્યો છે.

કોતરો, ખીણ અને ધોધ અને ઝરણાને માણીને તેનો યથાયોગ્ય અભ્યાસ કરીને બહાર આવ્યા અને એક નવા જ પ્રકારના મનોરંજન સ્થળનો આનંદ લેતા પ્રવાસીઓ નજરે ચઢયા.

નેપાળની મુખ્ય વિવિધ જાતિઓના પોશાક પહેરાવેલા માથા વગરના પૂતળાંઓ ઉભા કરેલા અને જોડકામાં હારબંધ ગોઠવેલા જણાયા.

જે પૂતળાની પાછળ પ્રવાસીઓ સજોડે ઉભા રહી નેપાળની જે તે જાતિનો પોશાક પહેર્યો હોવાનો અહેસાસ કરતા અને હાસ્યની છોળો વચ્ચે એ આનંદ માણતા નજરે ચઢયા.

માણસ પોતાના બાળપણને ક્યારેય ભુલતો નથી અને મોકો મળે એ બાળક પણ બની જવા તત્પર જ રહે છે તેથી બાળસહજરીતે અમે પણ ત્યાં ઉભા રહીને ફોટા પાડવાનો આનંદ માણ્યો.

પ્રવાસને માણવા તમારે ઉત્સાહિત રહી આનંદિત રહેવા સદાયે તત્પર રહેવું રહ્યું અન્યથા પ્રવાસને તમે માણવાથી વંચિત રહી જાવ છો

અને એવા સંજોગોમાં તમારો પ્રવાસ કોઈક સ્થળની યંત્રવત મુલાકાત માત્ર બની રહે છે.

ગુપ્તેશ્વર મહાદેવની ગુફા અને દેવી'સ ફોલ બંનેય જોયા પછી એક વિચાર આવ્યો કે

ગુપ્તેશ્વર ગુફાનો છેડો બે ચાર KM દૂર આવેલા એ દેવી'સ ફોલમાં જ નીકળતો હશે

પણ પ્રવાસન ઉદ્યોગ જ જેની મુખ્ય આજીવિકાનું સાધન છે એવા પોખરા તંત્રએ ગુપ્તેશ્વરની ગુફાઓ પથ્થરોથી કે સિમેન્ટ કોંક્રિટથી બંધ કરી હશે

અને એટલું જ બાકોરું રાખ્યું હશે કે જેથી એકાદ બે કિલોમીટર દૂર આવેલો નાનકડો ધોધ એ બાકોરામાંથી દ્રષ્ટિગોચર થાય

પ્રવાસીઓ અવઢવમાં છે કે આખરે એ ધોધ છે ક્યાં ?!

અને અંતે બહાર નીકળ્યા પછી તમે દેવી'સ ફોલ જાઓ ત્યારે ખબર પડે તો જ પડે કે ગુફાના અંધારા ખૂણામાંથી જોયો એ ધોધ તો આ જ હતો !

એક જ જગ્યા ને બે ભાગમાં વહેંચી નાખી અને બંનેય જગ્યાની અલગ અલગ પ્રવેશ ફી !

તમારો ગાઈડ કે તમારા રથનો સારથી તમને પહેલા ગુપ્તેશ્વરની ગુફામાં જ મૂકી આવશે અને પછી જ દેવી'સ ફોલ બતાવશે !

જે હોય તે

પણ બંનેય જગ્યાઓને માણવા જેવી તો ખરી જ

એ કારણ સાચુ હતું કે ત્યાંથી ખસવાનું મન થતું ના હતું પણ આગળનો પ્રવાસ અને ઓછો સમય નજર સામે ડોકાતા હતા.

વળી માથે ચઢેલી ગરમી પણ એ ખુલ્લી જગ્યાએ રહી વધારે કાળા થવાની ના પાડતી હતી.

આખરે એ સ્થળ છોડી આગળના જોવાલાયક સ્થળ અને આગળના પ્રવાસને માણવા એ જગ્યાની આનંદની પળોને સ્મૃતિને સાચવતા અને વાગોળતા અમે અમારા રથમાં ગોઠવાયા.

(ક્રમશઃ)