wedding in corona in Gujarati Short Stories by Saharsh Kakadiya books and stories PDF | કોરોનામાં કંકુપગલા

Featured Books
Categories
Share

કોરોનામાં કંકુપગલા









અર્પણ

મારા માતા શ્રીમતી મમતાબેન કાકડિયા તથા
પિતા શ્રી હરેશભાઈ કાકડિયા અને
પરમ મિત્ર શ્રી ગૌરવ વઘાસિયાને













રૂપ

રૂપા , રૂપે થી થોડી નમણી પણ એનું વાન જુવો તો સ્વર્ગની અપ્સરાય ભૂલી જાવ નય ,દસ જ ભણેલી પણ બુદ્ધિ અને ચાતુર્ય જુવો તો પરગામના પંડિતોને પણ ધૂળ ચટાડી દે . ગઢા બાપની સેવા કરતી જાય ,સાથે એના ચાર ભાઇઓને ત્યાર કરીને નિહાળે મેલવાનાને કામમાં તો , કોઈ જણ નેયનો આંબવા દે , ચાર ચાર ભેહુંના વાહિદા એક ફાટ માજ ઉપાડીને વય જાય , દસ દસ રોટલા તો મૂઈ કલાકમાં ટીપીને દી ઊગે ત્યાં તો ખેતરના હોલા ઉડાડવા નીકળી જાય .

આવી કામઢી છોડીનો બાપ , ડોહો મેરુભા . મેરૂભા અત્યારે તો દમ અને વા બનેની જકડમાં આવીને ખાટલો સાચવે છે . યમરાજ પણ હવે જે મેરુભાની ખબર પૂછવા નથી ડોકાતા એ મેરુભાની પણ જુવાની જુવો તો , ભાઇ ભાઇ ....

ખુલી બજારે જાણે સફેદ મૃગજળ દેખાય એવી તો મેરુભાની ઘોડી. બગલાની પાંખ જેવું ધોળું કેડિયુંને માથે ફેટો, હાથમાં અંજારથી ઘડાયને આવેલી વાળને પણ બે ભાગમાં વાઢી નાખે એવી કટાર . આવા રૂપે રંગાયને જ્યારે મેરુભા કેડીએ ચડે તો એમ લાગે કે કોઈ મર્દ મૂછાળો એના રૂપનું પાણી બતાવવા જાય છે . ઘરમાંય મર્દાનગી બતાવવામાં મેરુભાયે થોડીકય કસર મૂકી ન હતી મેરુભાને પાંચ દીકરા ને યે પાંચેય ભાઈઓની એક બેન , રૂપા .

રૂપા થી એક ભાઈ મોટો અને બીજા ચાર રૂપાથી નાના . જેમ મોરના ઈંડા ચીતરવા ન પડે ,એમ રૂપાનો મોટો ભાઈ પણ નાનપણ થીજ એના બાપુની જેમ આખા ગામમાં કોલર ઊંચી કરીને ફરતો ,બધાય ટાબરિયા ઓ વચ્ચે વટ બતાવતો. રોંઢાનું ટાણું થાય એટલે ભાઈ સાહેબના કોઈ દિવસ ઠેકાણાના હોય રોજ રાત થાય એટલે કોઈ બાઈ બોલતી બોલતી ઘરે આવે કે " યે તમારા નખોદીયાએ મારા છોકરાને ટીપી નાખો " આવા સમચારને , જેને માર્યો હોય તેની મા પાસે માફી માગવાની તો જાણે રૂપાની માને હવે ટેવ પડી ગઈ હતી .

આમ મેરુભાને અને આ છયેય બાળકોને સાચવતી રૂપાની મા વસંત , શહેરના જુવાનિયાઓ ને જેમ આંખે કલર કલરના ચશ્મા પહેરીને જોવાની ટેવ પડી જાય, એમ વસંતને પણ એના પંચરંગી અને આછી ભાતના સાડલામાંથી જોવાની ટેવ પડી ગઈ હતી ,ક્યારેક તો રૂપા એને વાંકા પણ બોલતી કે બા "દિવસમાં એક વાર તું તારું મોઢું, આ તારી બે વેત ની લાજ માંથી બહાર કાઢતી જા નહીતર આ નાનકાઓ , તારું મોઢું ભૂલી જશે ! " તો પણ વસંત એનો ચેહરો સવારે વિસળવા અને જમવા સિવાય ઉઘાડતી નય .

ચાર મોટી હાથીના પગજ જાણે કાપીને મુકિદિધા હોય એવા સાકના ટેકાની , પર લાંબા માપ લીધા અને રાંધો મારા વગર નાજ ચડાવી લીધેલા વાસાને એની ઉપર કોલસાને પણ સફેદ કેવડાવે એવા કાળા નળીયા, બે ઓસરીને એક રસોડું સામેની ભીંતે પાંચ ભેહુને બે ઢાંઢા, ને આ બાજુની ભીંતે આભલાં અને મોતીથી ભરેલા મોર , હાથી અને પચરંગી ભાતો વાળા ચાકળાને બરોબર ફળિયામાં એક હુકોને મેરુભાનો ખાટલો આવું રૂપાળું હતું રૂપાનું ઘર .

" રૂપે તો બધા હતા ઉજળા એ રૂપા,વસંત હોયકે મેરુભા,
ગુણની જરૂર છે નહિ,બધાને જોવાજ છે રૂપના ગાભા"








જળ

બાજુનાજ ગામના મુખી મેઘરાજ , પોતે આખા ગામમાં વધારે ભણેલા એટલે , સાત ચોપડી . ને પાછા એમાંય, પંચપ્રમુખ ! એટલે મેઘરાજ જાણે માથે મેઘ લઈને ફરતા હોય એમજ લાગતું . ઘણા ખરા કામ જ્યારે મેઘરાજથી પાર ન પડતાં હોય તો તે મેરૂભાને કહેવડાવતા .

પણ એક દિવસ અચાનક જ ત્રણ ઘોડીઓ મેરુભાના ડેલે આવીને ઉભી ને ટકોર કર્યો ! " એ મેરુભા છે " ત્યાં પોતે મેરુભાએ જ જવાબ આપ્યો હા બોલોને વડીલ શું કામ છે ?

એટલું પૂછતામાંતો ત્રણેય ઘોડે સવાર ખાટલે પોહંચી ગયા , મેરૂભા હુકો પીતા હતા એટલે એમની નજર નીચે હતી ,પણ ધીમે ધીમે ઉપર મોઢું કરીને જોયુંને બોલ્યા " અરે સરપંચ તમે ! આવો આવો આજે કેમ ઠેઠ અહીંયા આવવાનો ધક્કો ખાધો, લાલિયાને મોકલી આપો હોત હોંકારો દેવા તોય હું આવી જાત "

"આજે મારે તારું એવું કામ છે ,કે એમાં લાલિયાને હોંકારો દેવા ન મોકલાય " મોઢા પર જાણે હરખના માતો હોય ને જીભ દાંત માંથી પરાણે પરાણે બહાર નીકળતી હોય તેવા અવાજે સરપંચ બોલ્યા .

" એ તમ તમારે તમારું જે કામ હશે તે થઈ જશે , પણ તમે પેલી વાર મારી ડેલીએ આવા છો તો આજે તો તમારે હવે રોંઢા કરીનેજ જવાનું છે " આવા ઊંચા ને રૂડા મેમાનની સેવા કરવાનું ટાણું જ્યારે બીજી વાર આવવાનું જ ના હોય તેવી ભાવનાથી મેરુભાએ આગ્રહ કર્યો .

મોઢા પરથીજ દેખાતું હતું કે આવા હરખ સાથે તો મેઘરાજ હિમાલય પણ ચડી જાય તો જમવાની તો થોડી ના પાડે . ઓસરીમાં ચાર નવા, જેને સુંઘો તો એની અંદરથી ડામરની ગોળી અને જૂના કબાટના લોખંડની વાસ બેસી ગઈ હોય એવા આસનીયા પથરાયા , ને એની સામે ચાર પિત્તળના નાવા નકોર ઠામ મુકાયા , ગાડાના પૈડાં જેવા રોટલા , તાંદળજાની ભાજી અને મરચાના રાયતા ,ને દૂધ .

વાળુ પત્યું ત્યાતો, ફળિયામાં બે ખાટલા જેને જોવો તો જાણે ખાટલા પર દૂધ ઢોળી દીધું હોય એવા સફેદ ગોદડા થી ઢકાય ગયા . થુકદાની આજે કેટલા દિવસ પછી બહાર કઢાઈને વાતું ના ગપાટા શરૂ થયા ,એટલામાં મેરુભા બોલ્યા પંચ તમે શું કામથી આવ્યા હતા એતો કહો ?

મેઘરાજના મોઢા પરના હરખ જોઈને તો હવે બાજુમાં પડેલા હુકાં નેય એમ થતું તું કે આ મેઘો હવે જટ બોલે તો સારું !

એક ઊંડો શ્વાસ લઈને ખુબજ હિંમત સાથે પંચ બોલ્યા "તારું કામ અને તું મારાથી ક્યાં અજાણ્યા છો "

"હા એતો છેજ બાપુ " એટલું મેરુભા બોલ્યો ત્યાતો પંચ પાછો બોલ્યો " તો આપણે વેવાઈ બની જઈએ તો ? "

આતો જેદી તેદી થવાનું જ હતું, કારણકે મેરુભાને ગામનાને પર ગામના બધાજ લોકો ઓળખે કોઈ વાતનો ન્યાય કરવાનો હોય કે પછી બે ભાયું જુદા પડતા હોય ત્યાં મેરુભાની હાજરી તો ચોક્કસ હોય, આવો ઊંચો માન ને મોભો હોય એવા વેવાઈના ઘરે કોનેનો સગપણ કરવું હોય ?

થોડી વાર તો મેરુભાને કઈ સમજાયું નહિ ! કારણકે મેરૂભાને ઘેરે અડધી ક્રિકેટ ટીમ જો હતી.મેઘરાજના ઘરે બે દીકરા ત્રણ દીકરીઓ હતી એટલે પછી મેરૂભાયે એમને સચોટપણે પૂછીજ લીધું " કે મારા મોટા દીકરા માટે માંગુ લઈને આવ્યા છો ને ? "

" ના ના મારા દીકરા અરજણ માટે તમારી છોડી રૂપાનું માંગુ લઈને આવ્યા છીએ " પંચે કહ્યું .

પેહલા તો મેરુભા અને ઘરના એક ખૂણા માંથી સાંભળતી વસંત બંને ખુબજ ખુશ થયા, પણ મેરુભાને તરતજ સૂઝ્યું કે જો હું મારી રૂપાનું સગપણ અત્યારે જ નક્કી કરી નાખુંને તો મારા મોટાને તો એમાંય કોઈ છોડી દે એમ નથ ! ને એને હવે યુવાની ફૂટવામમાં હવે વધારે વારય નથી . તો જો રૂપાના સગપણ સાથેજ એનુંય ગોઠવાય જાય તો સારું રે ....

" પણ છોડી હજી નાની છે હજી તો એના દહ વરહ આવતી પૂનમે પૂરા થાય છે ,ને મારે એના કરતાં મોટો એક છોકરો છે તો માટે પેલા એના વિવાહનું નક્કી કરવું પડશેને પછી ,રૂપાનું " ખબર હતી કે રૂપાને આવું ઠેકાણું બીજી વાર નથી મળવાનું તો પણ એક દીકરાના પણ બાપ હોવાથી આવું બોલતા, મેરુભાએ પાસુ ફેક્યું .

મેરૂભા શું કેવા માંગે છે ,તે પંચ સમજી ગયો હતો પણ ,રૂપાના સાંભળેલા વખાણને એના સંસ્કાર , તો પણ પંચે એક વાર વિચાર કર્યો કારણકે મેરુભાનાં મોટાના તો પંચે ખૂબ વખાણ સાંભળ્યાં હતાં .પણ આવી છોડી જો પંચના ઘરની વહુ બને તો એની તો પેઢી સુધરી જાય એટલે ...

" તે એવું કરીએ તો મારી મોટી દીકરીને તમારો મોટો દીકરો અને મારો અરજણને તમારી રૂપા " ન જાણે અંતર માં કૈક ખોટું થવાની બીક લાગતી હોય એવા અવાજ થી પંચ બોલ્યા .

મેરુભાને તો જાણે આજે અંતરમાં હરખ નોતો માતો , બંને બાજુથી " તમારાં મોઢામાં ગોળ ધાણા" આવા અવાજ આવવાં લાગ્યાં ,બધા એક બીજાને ગળે ભેટવા લાગ્યાં .

" તો પછી રૂપા ક્યાં છે દીકરીને જરા બોલાવોતો ખરા એટલે હું શુકન આપતો જ જાવ " રૂપાના વખાણ સાંભળ્યાં છે તે સાચા છે કે નય તે જોવા પંચે આ માંગ કરી .

" રૂપા , રૂપા " અવાજ આવ્યોને રૂપા આભલાં ભરેલી ચુંદડી ,હાથ માને પગમાં કડા ને નાના નાના ડગલે ચાલતી ચાલતી પાણી લઈને આવી .

પંચ એના નિર્ણય પર ખુબજ રાજી થયો અને વધારે કઈ બોલ્યા વગરજ એને રૂપાના હાથમાં પાંસો ને એક રૂપિયાનું શુકન આપ્યું .

હવે રાત પૂરી થવા આવી હતી એટલે પંચ ત્યાંથી નીકળ્યા અને જતા જતા કહેતા ગયા કે કાલે આવજો પાછા " જળ " ની તિથિ નક્કી કરી નાખીએ ,

" એ ભલે તો કાલે ટાઢા પોરે આવું "આવું કહીને મેરુભા પથારીમાં પડ્યા એટલી મોડી રાત થઈ ગઈ હોવા છતાં પણ ઊંઘને ને મેરુભાને બાપે માર્યા વેર થઈ ગયા હતા.

બીજા દિવસે મેરુભા પંચના ઘરે ગયા અને જેમ પંચે રૂપાને શુકન આપ્યું હતું ,એમ મેરુભાએ પણ પંચની મોટી દીકરી ના હાથ માં શકુન આપ્યું . ને જળ આપવાની તિથિ અષાઢ સુદ બીજ નક્કી થઈ અને ઘણીય ભલામણ પછી મેરુભાના ઘરે પ્રસંગ રાખવાનું પંચ માન્યા .

અષાઢ સુદ બીજ આવીને ઘરના બારણે મોટા ચાકળાને તોરણો લાગેલા હતા , આખાય ફળિયામાં માનવ મેરામણ માતો નોતો ને જણ બેઠક જ્યાં પૂરી થાય અને બાઈઓની જ્યાં શરૂ થતી હતી એ બંનેની સરહદ માં વચ્ચે ચાર બાજોટ મુકાયા. બંને નવયુગલોને મન તો આ એક ઢીંગલા પોતિય ની રમત જ હતી એટલે તેમનો પણ આનંદ માતો નોતો .ને એ બધા વચ્ચે ગીત ગવાવા લાગ્યાં .....

" મે તો બાજોટે માંડ્યો છે ,આભાલો;
મારી રૂપેણી ઢીંગલીઓ જળહળે રે લોલ;
જાણે વિધાતા લખાવે છે, ચાંદલો ;
એવા મેરુભાનુ ફળિયું તો રણઝણે રે લોલ.
















શહેર

દીકરા, દીકરીઓનું સગપણ સારી અને યોગ્ય જગ્યા પર થઈ ગયું હોવાથી બંને ડોસાઓને હવે ઇ એક વાતની નિરાંત હતી . જોત જોતામાં તો ચાર વરસ વીતી ગયા , ને એક દિવસ વેહલી સવારે ગામની નિશાળેથી ફોન આવ્યો.

"હું ભગોભાઈ માસ્ટર બોલું છું અરજણના બાપુ છે " મોટી બુને ફોન ઉપાડ્યો .

"ના એતો હમણાં નથી બહાર ગયા છે " આટલા વરસમાં પેહલા વાર નિશાળેથી ફોન ! આવા આશ્રય સાથે જવાબ આપ્યો .

"તો સારું પંચ આવે તો કહેજો કે નિશાળે એમને બોલાવે છે " માસ્તરે કીધું .

પંચ ઘરે આવ્યાને મોટી બહેને એને વાત કરી કે બાપુ " અરજણ ભાઈની નિશાળેથી માસ્ટરનો ફોન આવ્યો તો તમને નિશાળે બોલાવ્યા છે "

પંચે જવાબ આપ્યો , એ ભલે હો કાલે જઈ આવશું . અરજણને પણ જાણે આ ફોન આવવાનો છે એ વાતની ખબર હોવાથી આજે અરજણ વાળું કરીને સુઇજ ગયો .નહિતર ય પંચ એને પૂછે કે કયા કામ થી ફોન આવ્યો છે .

હજી તો અંધારું ય નોતું ઉડ્યું એ પેહલા આજે અરજણ નિશાળે જવા નીકળી પડ્યો , પંચ પણ જાગ્યા , ને જાગતા વેતજ એને યાદ આવ્યું કે અરજણને પૂછું ? પણ અરજણ તો આજે સમય પેહલાજ નિશાળે ગયો ! એટલે પંચને લાગ્યું કે આ વાતમાં કઈ માલ નય !

તૈયાર થઈને આજે પંચ પેહલી વાર એટલે કે , અરજણ પંદર વરહનો થયો એમાં પેલી વાર એની નિશાળે જતા તા .માસ્ટરની ઓફીસ પૂછતા પૂછતા પંચ ત્યાં પોહંચ્યા . ને બોલ્યા " બોલને માસ્ટર આજે કેમ મને અહીંયા ધક્કો ખવડાવવાની જરૂર પડી છે "

"તમારા અરજણને અઠાણું ટકા આવ્યા છે ,સો માં બે ઓછા " , આતો ખાલી વાતને શરૂ કરવા ના હેતુ થી માસ્તરે દાવ રમ્યો .

"તે ખાલી બસ તે મને અહી આ ટકા કેવા બોલાવ્યો,ભલા માણહ એતો ઘરે મોકલાવી દીધું હોત તોય હું જોઈ લેત ,ઘરે આવેત ત્યાં કાય અઠાણુંના અડતાલીસનો થઈ જાત હો " પંચ બોલ્યા ખરા પણ દીકરા ને આટલા સારા ટકા આવ્યા એનો હરખ ન હતો .

" એ હાલો તો જય દ્વારકાધીશ , મળીયે પછી " બે હાથ જોડી ને બેઠક પરથી ઉભા થતા પંચ બોલ્યા .

"અરે ઉભા તો રહો ક્યાં જાવ છો ,મારે તમારી સાથે છોકરા બાબતની એક વાત કરવાની છે , અરજણ નું હવે માધ્યમિક શિક્ષણ હવે પત્યું છે તો ! " માસ્ટર બોલ્યા .

" એ ભાઈ માસ્તર આ માધ્યમિકમાં મારી દશ નથી બેસતી , તું સરખી વાત માંડ તો " ઉતરમાં માસ્ટર બોલ્યા " પંચ, અરજણનું ગામનું ભણતર પૂરું થયું છે , તો હવે દસમું ધોરણ ભણવા આપડે એને શહેરમાં મોકલવો પડશે "

" ના હો મારો દીકરો મારી આંખથી દુર નહિ જાય, તારે એને જેટલું ભણાવું હોય તે અહીંયા ભણાવ પર આ શેર માં જવાની વાત રેવા દે , ને પાછા આ છોકરા શેરમાં જઈને ભણવાની જગ્યા પર કઈ ઊંધા રવાડે ચડી જાય તો ! ખમ્મા ખમ્મા " પંચે આ નિર્ણય આપ્યો .

માસ્ટરને પણ ખબર પડી ગઈ હતી કે આ સીધી આંગળી થી હવે કામ થવાનું નથી . એટલે એણે ફૂલ ચડાવવાના શરૂ કર્યા " અરે પંચ તમે થોડું તો વિચારો તમારા જમનાના તમે સૌથી ભણેલા આદમી કેવાતા , ગામમાં કોઈના ઘરે ટપાલ આવે તો પણ તમારી પાસે વચાવા આવતા "

" હા , હો " માસ્તરે જાણે એને ગુજરાતી ફિલ્મનો નરેશ કનુડિયા કઈ દીધા હોય, એટલા હરખ સાથે પંચ મલકાયા .

"તો પછી તમે વિચાર કરો તમારો અરજણ પણ શહેરમાં જઈને ભણશે તો તમારો ને તમારા દીકરા બંનેનો વટ પડશે ગામમાં " માસ્તરે બીજું તીર માર્યું .

"હા તો વાંધો નહિ તને જે ઠીક લાગે એ કર , પણ મને આમાં કઈ વધારે ખબર નથ , તો તું સાંભળી લેજે " આખરે પંચ માન્યા.

અરજણને શહેરમાં ભણવા મોકલવાનો છે, આ સમચાર મેરુભાને આપવા પડે એવું પંચને લાગ્યું . એટલે એ પોતેજ વેવાઈના ઘરે આ સમચાર આપવા ગયા .

મેરૂભાને પેહલા તો હરખ થયો પણ પછી બીક પણ લાગી કે છોકરો શહેર માં જઈને સુધરી જશેને મારી રૂપા ..... એટલે મનમાંને મનમાં મેરુભા એ પણ નક્કી કરી લીધું હતું કે હવે રૂપાને પણ ઘરે બેઠા બેઠા દસ ચોપડી તો પૂરી કરાવવી જ પડશે .

"તો પછી એક કામ કરોને મારા મોટાને પણ અરજણ સાથે શહેર ભણવા મોકલી દઈએ તો ! એનું પણ ગામમાં ભણવાનું ગયા વરસે જ પૂરું થઈ ગયું છે . બાજુના ગામમાં અત્યારે ભણવા જાય છે પણ એનું કામ નાડી નેફા વગરનું છે ,ક્યારેક જાય છે, ને ક્યારેક નય" મેરુભા બોલ્યા. ભગવાન જાણે મેરુભાને અચાનકજ એવો વિચાર ક્યાંથી આવ્યો .

બંને સાળો ને બનેવી શહેર પોહાંચ્યા , પેહલા તો બંને એ ભણવામાં મન પોરવ્યું .પણ થોડા વરસ પછી રૂપાના ભાઈનું ભણતર માંથી મન ઊંડી ગયું અને એણે શહેર માજ કઈ ધંધો કરવાનું વિચારુંને ખુબજ નાના પાયે રમકડાં બનવાનુંને સપ્લાય કરવાનો ધંધો શરૂ કર્યો .

અરજણ નાતો બારમા ધોરણમાં આખા ગુજરાત માં ત્રીજો નંબર આવ્યો અને એને એન્જિનયર બનવાનું નક્કી કર્યું ,ખુબજ મેહનત કરી અને એણે પોતાનું આખું ભણતર પૂરું કર્યું ,અને એક કેમિકલ કંપનીમાં સારા એવા પગાર પણ એ નોકરી કરવા લાગ્યો .


















વિષાણુ

હજી અરજણને નોકરી શરૂ થઈ એના ત્રણ મહિના થયા હતા અને રૂપાના મોટા ભાઈ તો બે ધંધા બદલી અને અત્યારે દોરાની દુકાન નાખી હતી .

ને દૂર વિદેશમાં કોરોના નામના વિષાણુને કારણે હાહાકાર મચી ગયો હતો ,વિશ્વની મહાસત્તાઓ ઓની , આ રોગના કારણે આર્થિક સ્થિતિ ગબડતી જતી હતી ,દિવસે ને દિવસે આ વિષાણુને કારણે હજારો લોકો મારતા જતા હતા , મોટા મોટા દાક્તરોને પણ કોઈ અનો ઈલાજ જડતો ના હતો .

આતો થવાનું જ હતું ! કારણકે , જે જાનવરને બીજા જાનવર પણ ન ખાય , એને માણસો હોંશે હોંશે વાનગીઓ બનાવીને ખાતા હતા , અહીંયા ગામડા માતો માણસ અથવા કોઈ ગાય કે ઢોર મરી જાય તો , કાનકડિયા રાત પડેને આવીને પોતાનો ખોરાક વાગોળતા ,ને ત્યાં વિદેશમાં કાનકડિયાને માખણ લગાવીને શેકીને ખાય ! , વાંદાઓનું ચવાણું , સાપની ભેલ અને કરચલાની તો કઢી કરીને પીવે .

અમુક ચકાસણી અને તાર્કિકના આધારે એ પણ સાબિત થયું, હતું કે આ વિષાણુ એક માનવ નિર્મિત વિષાણુ પણ હોઈ શકે છે , સતયુગમાં ભગવાન તીર અને માયાવી શાસ્ત્રો થી લડાઈ કરતા હતા , કળયુગમાં સૈનિકો બંદૂક અને ટોપો અને પરમાણુ બોમ્બ થી યુદ્ધ કરે છે , અને કળયુગ પછીનો જે યુગ આવશે ત્યારે આ વિષાણુ નેજ યુદ્ધના શસ્ત્ર , બનાવવાની તૈયારી શરૂ થઈ ગય છે .

હજી સુધી આપણા દેશમાં એની અસર દેખાતી ન હતી , શહેરોના લોકો ને તો પેહલા જ ખબર પડી ગય હતી કે વિદેશમાં આવો રોગ આવ્યો છે . પણ ગામડાના લોકો ને પણ ધીમે ધીમે ખબર પડવા લાગી . ને પંચ તો ગામના લોકો ની બેઠક કરીને આ વિષાણુ પર ચર્ચા કરવા લાગ્યા , પંચની વાત ખોટી ખરી પણ સાચી જરૂર લાગતી કે " આ આટલા બધા જાનવર ને માર્યા છે ને તો એની આત્મા તો પાછી આવવાની જ હતી , બદલો લેવા ".

વિદેશમાં લોકો ને દશજ નોતી સુજતી કે શું કરવું ! ને પાછા વિષાણુ એય પોતાના નિયમ કેવા બનાવ્યા કે " એક બીજાને હાથ વડે નહિ અડકવાનું , મોઢા પર હમેશાં એક માસ્ક નામનું કપડું બાંધીને રાખવાનું ,એક બીજાની સાથે નજદીકમાં નહિ ઉભુ રેવાનું, કોઈના મોઢા પર નહિ ખાસવાનું , ને હા ખાસતી વખતે મોઢા પર રૂમાલ રાખવાનો,સીધો ખુલ્લો હાથ , મોઢા ને આંખ સુધી નહિ પોગડવાનો, હાથ ને વારંવાર સાબુથી ધોવાના " . આવા બધા કડક નિયમો વિદેશના લોકો એ મામૂલી લઈ લીધા તો એમની એ હાલત થઈ .

સારું હતું હજી સુધી આપડા ગામડાઓમાં આ રોગના લખણો ન હતા બાકી અહિયાતો ! કોઈ ને રામ રામ મળવા જાવ ને તમે એને રામ રામ ન મળો તો ,તો બપોર પડે એ પેલા તો અડધા ગામમાં તમારી વાતું થવા લાગે કે ફલાણા ને તો પાવર આવી ગયો છે હવે તો ઇ રામ રામ ય નથી મળતો , ડોશીઓ ચીકણી દઈને બાજુમાં બેઠેલા બીજાને ખાંસીને ચીકણીની વાસ નો હુંઘાડે તો એ ચીકણીમાં ય માલ નય , ટાબરિયાઓ અને એની માઓ નાતી હોય અથવા લૂગડાં ધોતી હોય ત્યાતો અમુક ડોશી ઓ વાહે થી હોંકારો પાડે , કે ઓછો સાબુ લપેડજો ઇ કાય મફત નથ આવતો , વાડીએ દાડિયાઓ , જેટલા હોય એટલા એકજ રકાબી માં ચા પીવે , કોઈ છિક ખાય તો , વાહેથી ભાભલાઓ ટકોર કરે કે મોઢે હાથ રાખીને હાત , છી, રામ બોલાય. આવા વિચિત્ર લખણોનું તો આખું પરબીડું ત્યાર થાય એમ છે .

પેહલાતો બધા દેશોને એમ હતું કે બીજા બધા રોગની જેમ આ પણ કાબુમાં આવી જશે , પણ આ વિષાણુનો ફેલાવો દિવસે ને દિવસે વધતોજ જતો હતો , ચૌદ દાડે એના લખણ
દેખાતા હોવાથી પરિસ્થિતિ ખુબજ ખરાબ થઈ જતી હતી આતો એવી વાત થઈ ગઈ કે " ચૌદ દિવસ થી મેમાન આપડા ઘરમાં આવી ને બેઠો છે ને આપણને ખબરજ નથી પડવા દીધી , નહિતર ય આપડે એની સેવા તો કરત "

આપણા દેશમાં હજી સુધી આ વિષાણુની રોગી અસરો નોતી ,પણ દેશના ધંધા ઓમાં તેની અસર વર્તાવા લાગી હતી , અરજણને પણ કેમિકલ કંપનીના અડધા મશીન વિદેશમાંથી આવવાના હતા એટલે તે મશીન આવ્યા ન હોવાથી તેની કંપની પણ બંધ હતી ,નોકરી હતી એટલે અડધો પગાર , તો પણ ! અરજણને આપતા હતા .

બીજી બાજુ રૂપાના મોટા ભાઈને તો પેહેલથીજ ધંધામાં નુકસાન થતું હતું , ને આ દોરાની દુકાનમાં , એ પણ ઘણા ખરા વિદેશી દોરા વેચતો હતો , કારણકે એ સસ્તા મળતા હતા ,ને એ દોરા , હવે આવવાના બંધ થઈ ગયા હતા , અહીંયાના આપણા દેશમાં બનાવેલા દોરા લાવે તો એનો ભાવ ખુબજ ઊંચો હતો એટલે કોઈ વેપારી એ લેતું ન હતું .

આમ વિદેશ થી આવતો તમામ માલ સમાન અને અહીંયા થી વિદેશમાં જતો તમામ માલ સામાનની અવરજવર બંધ થઈ ગઈ હતી , વિદેશની વસ્તુ પર નિર્ભર ધંધા ઓ બંધ થવા લાગ્યા હતા .





















વતન

જેમ ગામડામાં રેહતા અરજણ અને રૂપાનો ભાઈ શહેરમાં પોતાની જિંદગી સારી બનાવવા માટે આવ્યા હતા ,તે રીતે શહેરમાં રેહતાં અમીર લોકોના સગાઓ અને તેના દીકરાઓ વિદેશ ગયા હતા .

વિદેશમાં રોગનું સંક્રમણ ધીમે ધીમે વધવા લાગ્યું હતું ,એટલે વિદેશમાં રહેલા આપણા દેશના લોકો ધીમે ધીમે પાછા વતન તરફ આવવા લાગ્યા હતા .

વિદેશમાંથી આવતા લોકો તેની સાથે કોરોનાના વિષાણુ ને પણ લઈ આવ્યા હતા . ધીમે ધીમે દેશ માં વિષાણુ પ્રસારણ થવા લાગ્યું હતું . ગીચ શહેરમાં તો વિષાણુના આંકડાઓ વધવા લાગ્યા હતા .

અચાનક જ ધીમે ધીમે શહેરોમાં વિષાણુ થી મોત પણ થવા લાગ્યા હતા .તેથી અચાનક જ બધું બંધ થવા લાગ્યું હતું , ને ટ્રેન ,બસ ,જેવી વાહન વ્યવહારની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી .

તેથી મેરુભાના મોટા એ તો નક્કી કર્યું હતું કે આપણે હવે આપડા વતન જતું રેહાવું છે , તેથી તેણે પૂરી તૈયારી કરી. કારણકે અહીંયા શહેરમાં હવે એક મહિનો પણ કાઢવાના એની પાસે પૈસા ન હતા ,ને એની માથે તો પાછી હજારોની ઉઘરાણી હતી .

વતન તો તેને જવુજ તું પણ જાય તો જાય શેમાં , અવરજવર અને વાહન વ્યવહાર બંધ થવા આવ્યા હતા , એના ગામના બીજા લોકો એક ટેમ્પામાં જતા હતા , પણ ત્યારે આ મોટાને ટેમ્પામાં તકલીફ પડતી હતી , ગામ વાળાનો ફોન આવ્યો કે ભય તારે આવવું છે ? તો મોટાઈ થી મોટા એ જવાબ આપ્યો કે " ગાંડા થઈ ગયા છો કે શું ! ટેમ્પા તે કોઈ ગામ જાય હં ".

પણ એને એ પણ ખબર પડી ગઈ હતી કે હજી જો એક દિવસ અહીંયા રહિય તો પછી વતન જવાનું બંધ પણ થઈ શકે છે ,એટલે એણે તરતજ તેના બનેવી અરજણને ફોન કર્યો .

" તમે ગામ જવાના છો , ક્યારે ?" મોટા એ પૂછ્યું . " હું જવાનો તો છું પણ મારી કંપનીના સીઈઓ આજે રાત્રે આવવના છે તો અમારી મીટીંગ પતી જાય પછી હું મારી ગાડી લઈને નીકળીશ , તમે ક્યારે જવાના છો ? " અરજણ બોલ્યો .

" મારે જવું તો છે પણ કોઈ વહાન નથી મળતું , હું તમારી સાથે આવી જાવ તો " વતન પોહાંચવા માટે મોટો ખુબજ આતુર બન્યો હતો .

" પણ તમે એક કામ કરો મારું હજી નક્કી નથી, ને મારો એક ભાઈબંધ હમણાં કલાકમાં જ આપડા બાજુના ગામમાં જવા નીકળે છે ,તમારે જવું હોય તો હું એને વાત કરું ".

" હા પણ એ શેમાં જવાનો છે ગામે? ". મોત સામે આવીને ઉભુ હતું પણ હજી સુધી એશ્વર્યની લાલસા જતી ન હતી.

"એ ટુ વ્હીલર ગાડીમાં જવાનો છે !" બનેવીની દાનત અરજણને ખબર પડવા લાગી હતી .

પેહલા તો ,મોટા ને પસ્તાવો થયો કે આની કરતા તો સવારે ટેમ્પામાં વયો ગયો હોત તો , અત્યારે મારી બાના હાથના બનેલા રોટલા ખાતો હોત ! પણ ટુ વીલ માંતો ગામ જવાતું હશે , ઘણું ય વિચારું ને અંતે એને બીક લાગી કે જો આજેય નય જાવ તો પછી કદાચ અહીંયા ભુખું મારવાનો પણ વારો આવી શકે છે .

" તો તમારે એમને કેજો કે મને લેતા જાય , અને પૂછીને મને કહી દેજો કે ક્યાંથી ઉપડવાનું છે " થોડી વાર પછી મન ને માનવીને પછી મોટા એ ફોન કર્યો .

અરજણ એ બનેવીનું તો વતન જવાનું ઠેકાણું કરવી આપ્યું . પણ પોતાના હજી કઈ ઠેકાણા ન હતા , એની કંપનીના સીઈઓ વિદેશમાંથી આવે અને એને મળીને અરજણ બસ વતન જવા રવાના થવાનો હતો .સીઈઓ આવ્યા અને તેની મીટીંગ પતી એટલે અરજણ પણ વતન જવા રવાના થયો .

ને બીજી બાજુ મેરુભાનો મોટો વતન જવા રવાના થઈ ગયો હતો , એક દસ વરસ જૂની ગાડી પર બંને વતન જવા નીકળ્યા હતા વતન પોહંચશે કે નય તે તો હવે ભગવાનના ભરોસે મૂકીને બસ હવે તે લોકો વતન પહોંચવામાં કેટલું વેળું હતું એજ ગણતા હતા .

રસ્તામાં જતા જતા મોટા ની આંખ માંથી આસુ વેહવા લાગ્યા હતા , કારણકે કાલે એની પાસે વતન આવવાના ઘણા સાધન હતા પણ તે તેને નાના અથવા તો સુવિધા વગર ના લાગતા હતા .

પણ અત્યારે જ્યારે તે વતન જવા રવાના થયો હતો ત્યારે ,તેને દેખાતું હતું કે લોકો ગમે તે રીતે વતન જવા નીકળી પડ્યા હતા , જે લોકો પાસે કોઈજ સાધનની સુવિધા ન હતી તે લોકો તો પગપાળા જ નીકળી પડ્યા હતા, નાના બાળકો સમાન અને આખું ઘર જાણે વિધાતા ના ભરોસે નીકળી પડ્યું હતું .

શું ખાશે ,ક્યારે પહોંચશે , ક્યાં રોકાશે , પોહનચશે કે નય , રસ્તામાં કઈ થઈ જશે તો ? આવી કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર લોકોની પાછળ જાણે યમરાજ પડ્યો હોય એવી રીતે લોકો એ દોટ મૂકી હતી. લોકો પાનસો , છસો કિલોમીટર ચાલીને પણ ! વતન જવા માટે નીકળી પડ્યા હતા .

આટલું બધું ચાલવાનું ને પાછી એમાં એક પાણીની બોટલ પણ રસ્તામાં મળતી ન હતી , લોકો આટલી કપરી પરિસ્થિતિમાં એટલે પોતાની જાતને મૂકવા માટે ત્યાર થયા હતા , કારણકે લોકો પાસે વતન જવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ ન હતો , શહેરમાં રહે તો ખાય શું ?

જેમ જેમ વતન નજીક આવતું હતું એમ મોટો , ભગવાનના ઉપકાર માનતો જતો હતો . કારણકે જો આજે હજી એ વતન પોહંચવાના સાધનમાં નખરા કરતો હોત તો તેને ત્યાંજ રેવું પડેત.

ઘણી મુશ્કેલી ઓ આવી વતન પોહંચવામાં પૂરા પંદર કલાકનો કપરો સમય કાપવો પડ્યો હતો . રસ્તામાં એક વાર તો ગાડી ખોટવાણી માતાજીની કૃપાથી તે સારી થઈ ગય , પંદર કલાકની ભૂખ ત્રણ જગ્યા પર ચેક પોસ્ટ હોવાથી ત્યાં ચેકીંગ કરાવતી વખતે લાગતી બીક તો જુદી !

પણ ગમે તેમ કરીને મોટો વતન પોહંચી ગયોને તેથી મેરુભાને પણ હાશકારો થયો . મોટો ઘરે આવીને એના ભાઈઓ અને રૂપા સાથે રસ્તામાં પડતી તકલીફો અને આ વિષાણુ ને કારણે જોવા મળતી મુશ્કેલી ઓ કેવા લાગ્યો .

રૂપાને મોટો ભાઈ સહી સલામત ઘરે પોહાંચી ગયો તે ખુબજ આનંદ હતો પણ , એના ઇવડા ઇ આવવાના છે કે નય એના એની પાસે કોઈ સમાચાર ન હતા , પણ રૂપાને જાણવાની ખુબજ તાલાવેલી હતી , ને ચિંતા પણ કે ત્યાં રેહશે તો એને કશું થઈ તો નહિ જાય ને !

ઘણી વાર એણે કોશિશ કરી કે ભાઈને પૂછું , કે એ આવવાના છે , પણ કેમ પુછવું ! વારંવાર એની જીભ અચકાતી હતી , પણ પછી રૂપાએ પૂછ્યું " કે ભાઈ તું એકલોજ આવ્યો, કે પછી કોઈના સથવારે "

ભાઈએ બધી માંડીને વાત કરી . પણ હજી અરજણ નીકળ્યો હશે કે નય કે પછી ક્યાં પોહંચ્યો હશે એની રૂપાને જાણવાની ખુબજ તાલાવેલી ઉપડી હતી, એટલે એણે એના સસરાના ઘરે ફોન કર્યો " એ હાલો , હું રૂપા બોલું મોટી બુન તમારા ભાઈ શહેરથી ઘરે પોહચી જાય તો મને કેવડાવજો ને જરા "

" એ સારું ભાભી " એમ કહીને બહેને ફોન તો કાપી નાખ્યો પણ આખા ઘરમાં કહી દીધું કે કે ભાઈ આવવાના છે , બાપુને નવીન લાગ્યું કે આને અચાનક જ શું થયું ! , પણ દીકરો ઘણા વરસ પછી ઘરે આવવાનો છે એની ખુશી બાપને પણ હતી .

અરજણને તો સતર કલાકનો સફર ખેડવો પડ્યો કારણકે રસ્તામાં ઘણીય જગ્યાએ પોલીસ બેસાડી દીધી હતી , તો અરજણને ફરી ફરી ને વતન પહોંચવું પડ્યું .

જે જે લોકો ગામડે પહોંચ્યા હતા એ લોકો ગામમાં આવીને આ રોગની સાચી ને ખોટી અફવા ફેલાવા લાગ્યા , એટલે ગામમાં જે ડોહલાના છોકરા હજી શહેરમાં હતા એ લોકો છોકરા ઓ પર વતન આવવાની ભિહ કરવા લાગ્યા .

લોકો પોતાનો ધંધો , ઘર , સામાન ,મિલકત બધું ભગાવનના ભરોસે મૂકીને વતન પોહંચ્યાં ને ત્યારે મારે પણ કહેવું પડ્યું કે.....

" સાંભરે છે હવે , આ દાડે તો માવડી તારી મેર ;
પગપાળા તો ચાલવા માંડ્યા ! હવે વતનને ઘેર ;
હેત છે આગળ, બીક છે પાછળ પણ જવું છે વતનની ભેર;
ડગલાં માંડી, તું મને હાલવા દેજે નહિતર મારી છે ખેર ;











લોકડાઉન

લોકો શહેરમાંથી પોત પોતાને ગામડે આવ્યા હતા વારસો પછી ગામડાઓ ફરી વાર આટલા ભરાયા હતા , ડોહાઓને હવે નિરાંત થઈ હતી કે હવે થોડા દિવસ દીકરાઓ બધું કામ સંભાળશે , ને શહેર થી આવેલા લોકો ને શરૂઆતમાં એમ થયું હતું કે ગામડામાં આવી ગયા તે હવે અહીંયા જલસા કરીશું .

અરજણ પણ ઘરે આવ્યો, ને એક દિવસ તો એને થાક ઉતારવામાં જ ગયો , ને પછી અરજણ પોતાના મિત્રોને મળ્યો ને આ વખતે અરજણને રૂપા ને મળવાના ઉબળખા થાય હતા . કારણકે પોતે આટલો ભણેલો માણસને હવે આટલા સમય થી પોતાની જ મંગેતરને જોઈ ન હતી, તો એને મન જાણે, કઈ ખોટું થઈ રહ્યું છે એવું લાગતું હતું .

અરજણે શરમાતા શરમાતા ઘરે આવીને એની નાની બેહનો ને વાત કરી , નાની બહેનોને પણ ઘણા સમય પછી ઠેકડી ઉડાડવાની મજા આવીને અંતે જૂના ડેમ પાસે મળવાનું નક્કી થયું.

છેલ્લે જ્યારે એ બારમાના વેકેશનમાં ગામ આવ્યો હતો ત્યારે, એની નાની બહેનની સગાઈ હતી ત્યારે એણે રૂપાને દૂર થી જોઈ હતી ,પણ એની તો ઘણીય વેળા થઈ ગય . બીજા દિવસે બપોરે જ્યારે ઘરમાં ને ગામમાં બધા સૂતા હોય ત્યારે મળવાનું નક્કી થયું .

બીજા દિવસની સવાર પડી અને અરજણ ને ક્યારે બપોર પડે એની વાટ હતી , અરજણ નવરા નવરા ટીવી શરૂ કરીને બેઠો હતો , મન એનું ગબડતું હતું એટલે વારંવાર ટીવીને ફોનમાં માથું મારતો હતો .

અગિયાર વાગ્યા અને દેશના પ્રધામંત્રીશ્રીનું ભાષણ આવ્યું " કે ભાઈઓ અને બેહાનો આપડે આ કોરોનાની મહામારી સામે લડવાનું છે, તેથી આજથી એકવીસ દિવસ સુધી આપણે સમગ્ર દેશ માં લોકડાઉનનું પાલન કરીશું "

અરજણને તો ધોળા દિવસે તારા દેખાવા લાગ્યા કારણકે, અરજણ શહેર ગયો પછી તે કોઈ દિવસ ગામમાં દસ દિવસ થીવધારે રોકાયો ન હતો , ને અત્યારે સીધા એકવીસ દિવસ !

અરજણ એના મનને મનાવવા લાગ્યો કે નીકળી જશે આટલા દિવસો . આ બધી વાતમાં એને રૂપાને મળવા જવાનું હતું તે યાદ આવ્યું . પણ લોકડાઉન થઈ ગયું હોવાથી હવે બહાર નીકળાશે ? મનમાં ને મનમાં એવો સવાલ થયો .

ડેલાની બહાર પગ મૂક્યો તો બહાર, ગામમાં પોલીસ ગોઠવાઈ ગઈ હતી , હરતા ફરતા ગામમાં હવે તો મૂંગા પવનના સૂસવાટા ફરવા લાગ્યા હતા .

સવારે આંઠ વાગા આજુબાજુ પોલીસ ગામમાં આવે અને રોંઢે ચાર વાગે, એટલે પાછી જાય , એટલે બે દિવસમાં ગામવાળા ને પોલીસનું ટાઈમટેબલ ખબર પડી ગઈ હતી ,એટલે ગામના લોકો પોલીસ, જવાની રાહ જોતા અને પછી બહાર નીકળતા .

અરજણને તો હવે ઘરમાં ને ઘરમાં એક એક કલાક કાઢવો પણ ભારી પડવા લાગ્યો હતો . ગામમાં બહાર રખડપટ્ટી થતી ન હતી, ગામડું હોવાથી વાડીના અને અન્ય કામ માટે જવા દેતા હતા પણ એ કામકાજમાં અરજણને રસ ન હતો. ભાઈબંધ સાથે પણ હવે એની દેશી મળતી ન હતી.

લોકડાઉનના ત્રીજા દિવસે ચાર વાગી ગયા હતા ,એટલે રૂપાના મોટો ભાઈ એના ભાઈબંધો સાથે ગામના પાદરે બેઠા હતા , ને છ વાગી ગયા હતા તો પણ અચાનક પોલીસ ની ગાડી આવી , બધી દુકાનો બંધ થવા લાગી અને બધા લોકો પોત પોતના ઘરે જવા ભાગ્ય , જેના ઘર દૂર હોય એ લોકો આજુબાજુમાં છુપાવાનું સ્થાન ગોતવા લાગ્યા , પણ રૂપાના મોટા ભાઈ થી આ એકેય ન થયું ,એટલે પોલીસ એને બેચાર વાહામાં આપ્યા .

મોટો ભાઈ માંડ માંડ લંગડાતો, લંગડાતો ઘરે પોહાંચ્યો .એને આ સમચાર અરજણ ને પણ પોહંચડ્યા એટલે એ દિવસથી અરજણ એ પણ ઘરમાંથી બહાર નહિ નીકળવાની બાધા લઈ લીધી .












કંકુપગલા

અરજણ ઘરે રેહતો હતો અને આખો દિવસ તેના કોલેજના જૂના મિત્રો અને કંપનીના સ્ત્રી સહકર્મચારી ઓ સાથે મલકાતો, ફોનમાં વાતો કરતો હતો અને તેનો સમય પસાર કરતો હતો .

અરજણની વાત પૂરી થઈ જાય પછી, નાની બહેનો એની મશ્કરી કરતી હતી, આ બધી ઘટનાઓમાં તેના પિતા મેઘરાજને કઈ કાળું લાગ્યું. એટલે એણે નાની દીકરીને બોલાવીને તપાસ કરી કે " એ નાની આ તારા ભાઈના ફોનમાં રોજ કોના ફોન આવે સે" નાની એ પણ છોકરા જેવી બુદ્ધિ થી જવાબ આપ્યો " કોઈ ના નહિ બાપુ, ઈ તો ભાઈની બહેનપણીઓ ના" જણ ને પણ બહેનપણી ઓ હોય! આ વાત સાંભળી ને ડોસો ધુંઆપૂંઆ થઈ ગયો.

આ બધું સાંભળતા જ પંચ ને હવે અંતરમાં બીક લાગવા લાગી હતી કે આ છોકરો આટલો ભણી ગણીને ખુબજ મોટો આદમી બની ગયો છે. હવે જો એ આ બાર વર્ષ પેહલા કરેલા સગપણને સ્વીકારવાની ના પડશે તો ? ,હું તો ગામમાં ને સમાજમાં મોઢું શું દેખાડીશ?

એટલે ડોસાને એક ઉપાય સુજ્યો અને એણે તરતજ એના વેવાઈ મેરૂભાને ફોન લગાડ્યો , મેરુભાનો નાનો દીકરો મોબાઈલ લઈને ભા પાસે આવ્યો " એ બોલો બોલો પંચ આજે અમને કેમ સંભાર્યા " બે વાર પોરો લઈને ખાસ્તા ખાસ્તાં જવાબ આપ્યો .

પેહલા તો પંચે આ લોકડાઉન અને કોરોના વિશે બધી વાત કરી પણ પછી પંચ એના મુખ્ય વિષય પર આવ્યો " કે હું હુ કેતો તો કે આ છોકરાઓ આ વખતે આયા આવ્યા છે ને, તો આ વખતે એ જાજુ રેવાના પણ છે તો , તમારા ને અમારા બેય ના ઘરમાં દીકરીઓના વિવાહ કરી ને કંકૂપગલા કરાવી નાખીએ તો "

મેરૂભા ફોન માતો રાજી થઈ ગયા પણ , ઘરમાં અનાજના દાણા ય હવે વધારે રહ્યા નોતા , અને આ મોટો શહેરથી આવ્યો તો એક પણ મૂડી લીધા વગરનો હવે એને વાપરવાના અને ખાવાના જુદા , ને એમાં જો અત્યારે વિવાહ કરે તો કરિયાવરને દાગીના એ બધું કેમ પોહંચાય !

પણ આ બધી ચિંતાઓ તે ખોટી કરતા હતા , એમની પાસે પૈસા ન હતા આ બધું ખરીદવાના પણ આ બધું મળતું તું પણ ક્યાં ? , લોકડાઉન થઈ ગયું હોવાથી બધી દુકાનો તો બંધ જ હતી ,અને નાત ને જમડવાનો તો કોઈ સવાલ જ ન હતો .

તો પછી આ વિવાહનું શું કામ નક્કી કર્યું હશે પંચે એ કાય મેરૂભા ને દશ પડતી ન હતી ,એટલે એણે તરતરજ વેવાઈને ફોન લગાવ્યો " કે તો તમે જયારે કરિયાવર અને દાગીનાની ખરીદી કરવા જાવ ને તો અમને લેતા જાજો ,સથવારો હોય તો સારું પડે ! " આ બધુંય ઘરના એક ખૂણામાંથી વસંત સાંભળતી હતી મેરુભાની આવી બુદ્ધિ જોઈ , વસંત અંદર ને અંદર હરખાતિતી.

" એ લોકડાઉનમાં ઇ બધું ક્યાં મળશે , આપડે ઇ બધું આ ખુલ્લે પછી કરાવી લેશું અત્યારે તો ખાલી વિધિ પતાવી નાખીએ " પંચ બોલ્યા .

બંને વૈવાઈએ નક્કી કર્યું કે અત્યારે લગ્નની વિધિ ખાલી કરી નાખીશું ને બાકી બધા રિવાજને નાતને જમાડવાનું આ બધું લોકડાઉન ખુલ્લે પછી રાખીશું , બનેયે ઘરે તૈયારી ઓ કરવાની વાત કરી .

અરજણને આ બધું અચાનક જ કેમ થાય છે, એ વાતનોજ આશ્રય થયો પણ ખરેખર તો અરજણ પણ અંદર ને અંદર ખુશ હતો .કારણકે આટલું બધું ભણીને હવે અરજણને પણ લગ્ન કરવાની ભારે ઉતાવળ હતી.

પછીનાં જ દિવસે એટલે કે લોકડાઉનના પાંચમા દિવસે સવારે વેહલા બને ઘરને પંચના ઘરે ભેગા થવાનું અને પછી બપોર પછી ના ચાર વાગે જ્યારે પોલીસ ગામમાંથી જાય , પછી વિદાય થશે એવું નક્કી કરવામાં આવ્યું .

ગામના બ્રાહ્મણને પણ સવારે વેહલાં લગ્નનો બધો સામાન લઈ ને પંચના ઘરે આવી જવાનું કીધું ,અને સોની ને બે મંગળ સૂત્ર ઘડવાના કીધા અને તે અરજણ નો નાનો ભાઈ લઈ આવ્યો .

ચારેય નવયુવાનો ને ખબર નોતી પડતી કે આ બધું શું થાય છે ને કેમ ? કારણકે અચાનક આવી સ્થિતિમાં લગ્ન . દીકરીઓને તો પોતાના વિવાહમાં સોળ શ્રૃંગાર સજી અને બેસવું તું પણ અહીંયા તો એવી સ્થિતિ આવી હતી કે દીકરી ઓ માટે એના પિતા પાનેતર પણ ખરીદી લાવ્યા ન હતા .આખી રાત દીકરીઓએ આખા ગામમાંથી ચોરી છુપે ત્યાર થવાનો સામાન ભેગો કર્યો , બને વરરાજા ઓ પાસે તો નવા લૂગડાં ની જોડ હતીજ એટલે એમણે વધારે ચિંતા ન હતી .

સવારે પાંચ વાગે પંચના ફળિયામાં એક સાથે ચાર માંડવા રોપાણા , પછી ચારેય વરઘોડિયા ઓની પીથી ચોળી , ને પેહલા વર બાજુની બે બાયું એ ધીમે ધીમે ખાલી ફળિયામાં સંભળાય એ રીતે ભેગા મળીને ગીત ગાયા ....

" લીલી એદ્રાક્ષ છાયાનો વીરાનો માંડવો રે ,
વીરા આ દાદા ને પૂછે ,દાદા આ આનંદ શું છે ?
આપણે આંગણે રે , દીકરા આ તુજને પરણાવું!
રૂડા માણેક સ્તંભ રોપાવું ,આજે આનંદ ઇ છે આપણે આંગણે રે .

ને પછી વારા ફરતી વર અને કન્યાના ગીત ગવાયા , બપોરે લપસી અને મગ ખાઈને વરઘોડીયા ઓ ચાર ફેરા ફરવા માટે સજ્જ થયા .બંને કન્યાઓ મોડિયા બાંધીને તૈયાર થઈ ગય અને વરે તો માથે પાઘડીઓ શણગારી .

હવે લગ્નની વિધિ ઘરમાં ઓરડામાં કરવાનું નક્કી કર્યું કારણકે ફળિયામાં રાખે તો હવનના શ્લોકનો સાદ બહાર સંભળાય. અગ્નિની સાક્ષીમાં ફેરા શરૂ થયા , હજી પેહલો ફેરો પૂરો થયો ત્યાં તો , ડેલો ખખડ્યો ! બધાની નજરો ડેલા તરફ દોરી ગય જાણે કોણ આવ્યું હશે ? ,શું કામ ? બધાને ભીતરમાં બીક લાગી .

અરજણનો નાનો ભાઈ ડેલે ગયો અને હળવેથી ડેલો ઉઘાડયો , એક પોલીસ હતો એને પૂછ્યું કે અરજણ ભાઈનું ઘર આજ છે ." હા પણ " હજી નાનો એટલું બોલ્યો ત્યાં પોલીસ પાછું બોલ્યા તો એમને બોલાવો એને દવાખાને લઈ જવાના છે .

નાનો ભાઈ અરજણને બોલવા ગયો , પેહલા તો પંચ નકારવા લાગ્યા કે લગ્નમાંથી આમ ઉભા થઈને થોડું જવાનું હોય ,ઊભો રે હું વાત કરું છું.

પણ અરજણને બીક લાગી , કારણકે જો એ જાતેથી બહાર નહિ જાય , તો પોલીસ અંદર આવશે અને અંદર પેહલેથી જ લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું હતું .

એટલે અરજણ બધાને મનાવીને બહાર આવ્યો ,બહાર આવીને અરજણ સાથે પોલીસે થોડી વાત કરી અને અરજણ પોલીસ સાથે જવા ત્યાર થયો .એક એમ્બ્યુલન્સમાં બેસાડીને અરજણને લઈ ગયા.

પંચે બહાર આવીને પોલીસને મળીને બધી તપાસ કરી, તપાસ કરતા ખબર પડી કે બે દિવસ પેલા અરજણને હલકો શરદી અને તાવ આવ્યો હતો, તો તે બાજુના ગામમાં આવેલા આરોગ્ય વિભાગમાં તપાસ કરાવવા ગયો હતો. અને ત્યાં અરજણ પોતાનું નામ અને સરનામું આપીને આવ્યો હતો.
તેથી અત્યારે અરજણના શરીરમાં આ વિષાણુની હાજરી છે કે નહિ તે તપાસ કરવા અત્યારે એને લઈ ગયા છે અને તેની તપાસ થઈ જશે એટલે સાંજે તેને મૂકી જશે.

પંચ ઘરે આવ્યા, ઘરમાં સ્ત્રીઓ એ તો મોકાણ માંડી હતી પંચ હજી તેને શાંત કરાવતા હતા ત્યાં પાછો, અરજણનો ફોન આવ્યો કે મને કઈ નહીં થાય હું સાંજે ઘરે આવી જઈશ અને મારા વિવાહમાં ભલે અડચણ આવી હોય પણ તમે મોટી બેનની વિદાય આજે જ કરજો.

અરજણના કહેવા પ્રમાણે મોટી દીકરીની પંચે વિદાય કરી. પાંચ વાગ્યા એટલે પોલીસના ગયા પછી, રૂપાનો પરિવાર પાછો ઘરે આવ્યો, બધી વિધિ પ્રમાણે મોટાની વહુના કંકુપગલાં કર્યા. બધા અરજણની તપાસ શું આવશે એની રાહમાં હતા, અને દીકરીના ફેરા અધૂરા રહ્યા તેનું પણ મા બાપુજી ના હ્રદયમાં રુદન થતું હતું.

બધા આજુ બાજુ બેઠા હતા અને વચ્ચે મોટો જાણે વકાલત કરતો હોય એવા મોભામાં બેઠો હતો, રૂપા અલગ ખૂણામાં બેઠી હતી, "એ અરજણને આ રોગ આવવાનો છે, કારણકે જ્યારે અમે ગામ આવ્યા એ પેલા એની કંપનીના માલિક વિદેશ થઈ આવ્યા હતા અને અરજણ તેને મળ્યો હતો, એટલે અરજણને તો આ વિષાણુ આવશે જ " મોટા એ આવું બોલીને, લગ્ન પેલા જ મીંઢોળ છૂટયા એ દુઃખની આગ હજી રૂપાના મનમાં જગતી હતી, અને એણે એની પર મીઠું નાખ્યું.

લગ્ન અધૂરા રહ્યા એની કરતા વધારે ચિંતા હવે અરજણની રૂપાને થતી હતી, રૂપા એ મનમાં ને મનમાં માતાજીની માનતા કરી, અરજણની ચિંતામાં રૂપા જમી પણ નહીં.

સાંજ પડી અને અરજણ ને ઘરે મુકવા આવ્યા અને હવે ચૌદ દિવસ ઘરમાંજ રહેવાનું કહેવામાં આવ્યું. એટલે અરજણ કડક શબ્દોમાં પંચ ને કહ્યું કે હવે જ્યારે હું શહેર પાછો જઈશ ત્યારે લગ્ન કરતો જઈશ. અને આ બધી વાત વેવાઈ ના ઘરે પણ કહેવામાં આવી અને રૂપા એ માતાજીનો ફરી વાર ઉપકાર માન્યો. અને આમ ને આમ આ લોક ડાઉન એના બધાજ નિયમો સાથે બે મહિના સુધી ચાલ્યું.

લોકડાઉન ના ચાર ભાગ પત્યા અને પછી આ લોકડાઉન રૂપી તાળું થોડી છૂટછાટ સાથે ખોલવામાં આવ્યું, જેમાં લગ્ન પ્રસંગને પણ મંજૂરી મળી, જેમાં પચાસ જણાને બોલાવી શકાય. એટલે આ સમયમાં મોઢા પર કાપડું બાંધીને, રૂપા અને અરજણના ફરી વાર લગ્ન થયા, અને અરજણના ઘરમાં રૂપાના કંકુ પગલાં થયા.