Rudra ni premkahaani - 2 - 38 - last part in Gujarati Love Stories by Jatin.R.patel books and stories PDF | રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 38 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 38 - છેલ્લો ભાગ

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૩૮

"બાહુક!" દરવાજે ઊભેલાં અકીલાના પુત્ર બાહુકને જોઈ આશ્ચર્ય સાથે અગ્નિરાજે કહ્યું.

"મહારાજ, હું તમને અહીંથી છોડાવવા આવ્યો છું." બાહુકે ધીમા અવાજે કહ્યું.

"પણ કેમ? તને ખબર છે અમને અહીં કેદ કોને કરાવ્યાં છે?" અગ્નિરાજે શુષ્ક સ્વરે પૂછ્યું.

"હા મહારાજ, હું જાણું છું કે આ દુષ્ટતા મારાં પિતાશ્રીની છે. એમને રાજગાદી મેળવવાની મંછા સાથે જે અધમ કૃત્ય આચર્યું છે એનાં લીધે હું ખૂબ જ લજ્જિત છું. તમારે એમને જે સજા આપવી હોય એ આપી શકો છો મને એનો કોઈ વિરોધ નથી."

"મને હમણાં જ ખબર પડી કે સાત્યકી અને મારાં પિતાજીએ જે ષડયંત્ર રચ્યું છે એનાં લીધે આજે યુદ્ધનાં પ્રથમ દિવસે જ બંને પક્ષનાં લગભગ બસો સહસ્ત્ર યોદ્ધાઓ વીરગતિ પામ્યાં. એમાં મારાં કાકાશ્રીનો પણ સમાવેશ થાય છે. આજે થયેલાં આ ભીષણ રક્તપાતને જોઈ મારું હૃદય હચમચી ગયું છે. હું પણ અત્યારે જીવિત ના હોત જો નિમ રાજકુમારે યુદ્ધમેદાનમાં ઉદારતા દાખવી ન હોત."

"રુદ્ર સાત્યકી અને મારાં પિતાજીની ચાલાકીમાં ફસાઈને તમારી જોડે પોતાનાં પિતાની મોતનો પ્રતિશોધ લેવા અહીં આવ્યો છે. એ નથી જાણતો કે આ કરનાર તમે નહીં સાત્યકી છે. રત્નનગરીનાં સૈનિકોને પણ મારાં પિતાજીનાં અધમ કૃત્યની જાણ નથી એટલે એ લોકો પણ યુદ્ધમાં તમારાં ધ્વજ નીચે લડી રહ્યાં છે. જો આવતીકાલે યુદ્ધ આગળ વધશે તો બંને પક્ષે બીજાં લાખો યોદ્ધાઓ માર્યા જશે એટલે કોઈપણ ભોગે આ યુદ્ધ અટકાવવું અત્યંત આવશ્યક છે."

"ચલો હું તમને, મહારાણીને અને રાજકુમારીને નિમલોકોની છાવણી સુધી મૂકી જાઉં. તમે ત્યાં જઈ રુદ્રને જે કંઈપણ એની વિરુદ્ધ ષડયંત્ર થયું છે એનાંથી માહિતગાર કરો." રાજપરિવારનાં શરીર પરથી સાંકળોને છોડતા બાહુકે કહ્યું.

કેદમથી છૂટતાં જ અગ્નિરાજે બાહુકને ગળે લગાવી પ્રશંષાનાં સુરમાં કહ્યું.

"વાહ પુત્ર, આજે તે સાબિત કરી દીધું છે કે ધર્મ અને સત્યની રાહ પર ચાલનાર વ્યક્તિ પોતાનાં ખુદનાં પરિવાર સામે ઊભાં રહેતા પણ અચકાતો નથી."

બાહુક ખૂબ જ સાવચેતી સાથે છૂપતો-છૂપાવતો અગ્નિરાજ અને એમનાં પરિવારને રાજમહેલની પાછળનાં ભાગે લઈ આવ્યો જ્યાં દુર્વા પહેલેથી જ પાંચ અશ્વ લઈને હાજર હતો. અગ્નિરાજ સમજી ગયાં કે દુર્વાને પણ એમની માફક કેદ કરવામાં આવ્યો હતો જ્યાંથી બાહુક એને છોડાવી આવ્યો છે. બધાં વધુ સમય ગુમાવ્યાં વગર અશ્વ પર સવાર થઈ ગયાં અને પોતપોતાનાં અશ્વને નિમલોકોની છાવણી તરફ ભગાવી મૂક્યાં.

********

મધરાતનો સમય વીતી ચૂક્યો હતો છતાં રુદ્રની આંખોમાં ઊંઘનું નામોનિશાન નહોતું. આવતીકાલે શું થશે એ વિષયમાં રુદ્ર વિચારી રહ્યો હતો ત્યાં ઈશાન એનાં જોડે આવીને બોલ્યો.

"રુદ્ર, રત્નનગરી તરફથી પાંચ ઘોડેસવારો આ તરફ આવી રહ્યાં છે. મને આમાં દુશ્મનોની છુપી ચાલ લાગે છે."

ઈશાનની વાત સાંભળી રુદ્રએ પોતાનાં પ્રમુખ યોદ્ધાઓને એકત્રિત કર્યાં અને સૈન્ય છાવણીની આગળ જઈને ખુલ્લી તલવારે ઊભાં રહી ગયાં.

છાવણીથી પચાસેક ડગલાં દૂર આવીને એ પાંચેય ઘોડેસવારોએ પોતપોતાનાં અશ્વ થોભાવી મૂક્યાં. મશાલનાં પ્રકાશ અને ચંદ્રની આછેરી રોશનીમાં એ પાંચેય ઘોડેસવારોનાં ચહેરા જોઈને રુદ્ર સમેત એનાં પ્રમુખ યોદ્ધાઓ સ્તબ્ધ થઈ ગયાં. દુર્વાને હેમખેમ જોઈ જરાએ રાહતનો શ્વાસ લીધો, જ્યારે મેઘનાને જોઈ રુદ્રએ!

"કેમ છો મારાં મિત્ર?" દુર્વાને ગળે લગાવી એનું સ્વાગત કરતાં રુદ્રએ કહ્યું.

"બસ મહાદેવની કૃપાથી હજુ સુધી સાજોસારો જ છું." ચહેરા પર મોટાં સ્મિત સાથે દુર્વા બોલ્યો.

"મેઘના!" અચાનક મેઘના જોડે નજર મળતાં જ રુદ્રના મુખેથી અનાયાસે નીકળી ગયું. મેઘના પણ દોડીને રુદ્રને ગળે વળગી પડી. પોતાની પુત્રીનાં આમ કરવાં છતાં રાજા અગ્નિરાજનાં ચહેરા પર પ્રસન્નતાનાં ભાવ કાયમ હતાં એ જોઈ રુદ્રને આશ્ચર્ય થયું. રુદ્રનો આશ્ચર્યમાં ડૂબેલો ચહેરો જોઈ મેઘના રુદ્રને ઉદ્દેશીને બોલી.

"રુદ્ર, તારાં પિતાજીની હત્યા પાછળ મારાં પિતાજીનો નહીં પણ ઈન્દ્રપુરનાં દુષ્ટ રાજકુમાર સાત્યકીનો હાથ છે. તારાં અને મારાં પિતાજી વચ્ચે વેર ઊભું કરવાં એને આ અધમ કૃત્ય કર્યું હતું. પણ પિતાજી જ્યારે મારી ખુશી વિશે વિચારી આપણાં બંનેનાં વિવાહ કરાવવા તૈયાર થયાં ત્યારે સાત્યકી અને અકીલાએ અમને કેદ કરાવી પોતાની મહત્વકાંક્ષા સંતોષવા લાખો લોકોનું રક્ત રેડયું છે."

મેઘનાની આ વાત સાંભળી રુદ્રના ચહેરા પર પસ્તાવો દેખાવા લાગ્યો. વધુ વિચાર્યા વગર યુદ્ધ કરવાં બદલ રુદ્ર આત્મગ્લાનિ અનુભવી રહ્યો હતો. એ મહારાજ અગ્નિરાજ સમક્ષ હાથ જોડીને ઊભો રહ્યો અને માફી માંગતા બોલ્યો.

"મહારાજ, મને માફ કરી દેજો. પિતાજીની મોતનાં લીધે મારાં હૃદયમાં જે પ્રતિશોધની આગ હતી એનાં લીધે હું બંને પક્ષોનાં લાખો લોકોનાં મોતનું કારણ બન્યો.!"

"રુદ્ર, એમાં તારો કોઈ વાંક નથી. અમુક વાર તમારે સામે સંજોગોવશાત એવો સમય આવીને ઊભો રહે છે જે તમારી બુદ્ધિશક્તિને ક્ષીણ કરી મૂકે છે. એમાં પણ ક્રોધમાં લેવામાં આવેલો દરેક નિર્ણય સદાય વિનાશ નોંતરે છે. હવે જે થઈ ગયું એ વિશે વિચારવાનો સમય નથી પણ હવે આગળ શું કરીશું એ વિચારવાનો સમય છે." આટલું કહી અગ્નિરાજે રુદ્રને ગળે લગાવી લીધો.

પૃથ્વીલોકનાં સૌથી વિશાળ રાજ્યનાં રાજા અને પાતાળલોકનાં યુવાન રાજા વચ્ચેનાં મેળાપનું આ અભૂતપૂર્વ દ્રશ્ય જોઈ ત્યાં હાજર સર્વની આંખોમાંથી ખુશીઓનાં આંસુ સરી પડ્યાં.

"બાહુક, તારો ખૂબ ખૂબ આભાર. તે આજે એ કરી બતાવ્યું છે જે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે." દુર્વા અને રાજપરિવારની મુક્તિનું કારણ બાહુક હતો એ જાણ્યાં બાદ રુદ્રએ બાહુકને ગળે લગાવીને કહ્યું.

"આવતીકાલનો સૂર્યોદય એક નવો જ ઈતિહાસ લખશે." અગ્નિરાજના આ શબ્દો એ વાતની સાબિતી હતાં કે યુદ્ધનો બીજો દિવસ કઈ દિશામાં ફંટાવાનો હતો.

*******

સૂર્યોદય થતાં જ બીજાં દિવસનાં યુદ્ધ માટે બંને પક્ષોની સેના એકબીજાની વિરુદ્ધ આવીને ગોઠવાઈ ગઈ હતી. રત્નનગરીનાં સૈનિકો પોતાનાં રાજાની ગેરહાજરીથી હતાશ જણાતાં હતાં, છતાં તેઓ પોતાની ફરજ નિભાવી યુદ્ધમેદાનમાં મોજુદ હતાં

યુદ્ધનો શંખ ફૂંકાતા જ નિમલોકોનાં સૈન્યમાંથી બે ઘોડેસવારો પોતાનો અશ્વ લઈને યુદ્ધમેદાનની મધ્યમાં આવીને ઊભાં રહી ગયાં. જેમાં એક રુદ્ર હતો અને બીજાં હતાં રત્નનગરીનાં રાજા અગ્નિરાજ.

"અગ્નિરાજ!"

"મહારાજ અગ્નિરાજ!!' રત્નનગરીનાં સૈનિકો પોતાનાં રાજાને સામેનાં પક્ષે ઊભેલાં જોઈ અચરજમાં મુકાઈ ગયાં.

"સૈનિકો, શાંત થઈ જાઓ." પોતાનાં સૈનિકો વચ્ચે થઈ રહેલાં કોલાહલને શાંત કરાવી અગ્નિરાજે કહ્યું.

"હું ક્યારેય આ યુદ્ધનાં પક્ષમાં હતો જ નહીં. આ યુદ્ધ થવા પાછળનું કારણ ઈન્દ્રપુરનો આ મહત્વકાંક્ષી રાજકુમાર અને આ કૃતઘ્ન સેનાપતિ છે. એ લોકોએ પોતાની મહત્વકાંક્ષા પૂર્ણ કરવા મને કેદ કરાવ્યો અને તમને અંધારામાં રાખી મરવા માટે અહીં લઈ આવ્યાં. આ બંને મારી સાથે તમારાં પણ ગુનેગાર છે." અગ્નિરાજના આમ બોલતાં જ રત્નનગરીનાં દરેક સૈનિકનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો. પોતાનાં રાજાને કેદ કરાવનાર અને લાખો સૈનિકોનો જીવ લેનારાં ભીષણ યુદ્ધ માટે જવાબદાર સાત્યકી અને અકીલા માટે એમનાં મનમાં હવે ક્રોધ ભભૂકી ઉઠ્યો.

અચાનક આ બધું કઈ રીતે બની ગયું? એ સમજવામાં અસમર્થ સાત્યકી અને અકીલા સૈનિકોનાં ક્રોધને પારખી ગયાં હતાં. હવે પાછા એ લોકો તરફ જવાનો અર્થ મોત હતો એ સમજી ચૂકેલાં સાત્યકી અને અકીલાને ત્યાંથી જીવિત બચવા માટે એક જ ઉપાય દેખાયો, જે હતું યુદ્ધમેદાનની ઉત્તર પૂર્વ દિશા તરફથી નાસી છૂટવું. અકીલા અને સાત્યકીએ હવે જીવ બચાવવાનાં આખરી પ્રયત્ન રુપે પોતપોતાનાં અશ્વની લગામ ખેંચી અને ઉત્તર પૂર્વ દિશા તરફ અશ્વને હંકાવી મૂક્યાં.

હજુ એ લોકો એ તરફ થોડાંક જ આગળ વધ્યાં હતાં ત્યાં એમની સામે હિમાલ, ઈશાન, શતાયુ, દુર્વા અને જરા પોતપોતાનાં અશ્વ લઈને ઊભાં રહી ગયાં. હવે બચવાનો કોઈ ઉપાય ના સૂઝતાં અકીલા અને સાત્યકીએ છેલ્લાં શ્વાસ સુધી લડવાનું મન બનાવી લીધું.

સાત્યકી રુદ્રનો શિકાર હોવાથી અન્ય કોઈ યોદ્ધો એની સામે દ્વંદ્વમાં ના ઉતર્યો. જ્યારે ગામાનો જ્યેષ્ઠ પુત્ર જરા પોતાનાં પિતાની હત્યાનો બદલો લેવા અકીલા સામે મેદાને પડ્યો. દુર્વાએ એની જણાવી દીધું હતું કે એમનાં કબીલા પર આક્રમણ અગ્નિરાજની જાણ બહાર અકીલાએ પોતાની મરજીથી કર્યું હતું. આથી પોતાનાં પિતાની અને પોતાનાં કબીલાનાં નિર્દોષ લોકોની હત્યાનો પ્રતિશોધ લેવા જરા અકીલાને સ્વધામ પહોંચાડવાની પ્રબળ ઈચ્છા ધરાવતો હતો.

પોતાને મોટો યોદ્ધા કહેતો સાત્યકી જ્યાં મેઘના સામે દ્વંદ્વમાં નહોતો ટકી શક્યો ત્યાં તો એની સામે મેઘનાને તાલીમ આપનારો રુદ્ર હતો. જાણે કોઈ નાના બાળક જોડે રમતો હોય એમ રુદ્ર સાત્યકીનાં દરેક પેંતરાને સરળતાથી વિફળ બનાવી રહ્યો હતો. રુદ્ર ઈચ્છત તો એક જ પ્રહારમાં સાત્યકીની ગરદન ઘડથી અલગ કરી શકે એમ હતો પણ એને સાત્યકીને આટલું સરળ મોત નહોતું આપવું.

પોતાનાં માથેથી માં-બાપનો આશરો છીનવી લેનાર સાત્યકીને રુદ્ર તડપાવી-તડપાવીને મારવા માંગતો હતો. લગભગ એક ઘડી ચાલેલા દ્વંદ્વ બાદ સાત્યકીનો એક હાથ કપાઈ ચૂક્યો હતો. બંને પગને રુદ્રની તલવારે ચીરી નાંખ્યા હતાં. આ ઉપરાંત ચહેરા પર પડેલાં રુદ્રના પાંચ-છ મુક્કાનાં લીધે સાત્યકીની ડાબી આંખનો ડોળો બહાર આવી ગયો હતો.

"રુદ્ર, મને માફ કરી દે.!" પોતાને જીવિત છોડી મૂકવાં માટેની સાત્યકીની આવી અરજની રુદ્ર પર કોઈ અસર ના થઈ. આખરે પીડાની અપાર અનુભૂતિ પહોંચાડ્યા બાદ રુદ્રએ સાત્યકીની ગરદનને ઘડથી અલગ કરી દઈ એને આ પીડામાંથી મુક્તિ આપી દીધી.

પોતાનાં પિતા ગામા અને કબીલાનાં નિર્દોષ લોકોની હત્યાનો બદલો લેવાનો અવસર આજે જરાને મળી ચૂક્યો હતો. અકીલા એક કુશળ યોદ્ધા હતો છતાં જરાનાં હૃદયમાં ભભૂકતી પ્રતિશોધની જ્વાળા સામે ટક્કર લેવાની શક્તિ એનામાં નહોતી. જરા થોડો ઘવાયો જરૂર પણ એને અકીલાના બંને હાથ કાંડાથી કાપી નાંખ્યા. આમ તો જરા અકીલાને મારી જ નાંખવાનો હતો પણ અંત સમયે બાહુકે વચ્ચે પડી પોતાનાં પિતાનાં અપરાધોની ક્ષમા યાચના કરી એટલે જરાએ અકીલાને બક્ષી દીધો.

આખરે કોઈ નિર્દોષ વ્યક્તિનું લોહી વહ્યાં વગર આ યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું.

*********

યુદ્ધની પુર્ણાહુતીનાં દસ દિવસ બાદ રુદ્ર અને મેઘનાનાં વિવાહનો રત્નનગરીમાં ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ વિવાહમાં પોતાની ઉપસ્થિતિથી વિવાહનાં પ્રસંગની રોનક વધારવા અગ્નિરાજે પૃથ્વીલોકનાં બધાં જ રાજાઓને સપરિવાર આમંત્રણ આપ્યું હતું.

જો પૃથ્વીલોકનો સૌથી મહાન રાજા પોતાની પુત્રીને નિમ જોડે પરણાવી શકતો હોય તો પછી નિમ લોકો માટે મનમાં દ્વેષ કે વેર કેમ રાખી શકાય? આ વિચારી પૃથ્વીલોકનાં તમામ રાજાઓએ નિમલોકો સાથે સંબંધ સુધારવાનું નક્કી કર્યું. રાજા મહેન્દ્રસિંહ પણ પોતાનાં પુત્રને એનાં કર્યાંની સજા મળી છે એમ વિચારી બધું ભૂલીને આ શુભપ્રસંગમાં હાજરી આપવાં આવ્યાં હતાં.

રુદ્ર અને મેઘનાનાં વિવાહ નિમલોકો અને મનુષ્યો વચ્ચે સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત કરવા કારણભૂત બન્યા. ગુરુ ગેબીનાથ આ નવદંપતિને આશીર્વાદ આપવા પાતાળલોકમાંથી પૃથ્વીલોક પધાર્યા. ગેબીનાથ સાથે હજારો નિમલોકો પણ હતાં જે પોતાનાં રાજાનાં જીવનનાં સૌથી અગત્યનાં પ્રસંગનાં સાક્ષી બનવા આવ્યાં હતાં. રુદ્રના બધાં મિત્રો પણ આ શુભ પ્રસંગે ખૂબ જ ખુશ જણાતાં હતાં.

"હર મહાદેવ!" જેવી જ લગ્નવિધિ પૂર્ણ થઈ એ સાથે જ એક અવાજ લગ્નમંડપમાં પડઘાયો. રુદ્રએ જોયું તો લગ્નમંડપમાં અત્યારે એ જ અઘોરી ઉપસ્થિત હતાં જે એને ત્રિવેણી સંગમ ઘાટે મળ્યાં હતાં. એ દિવ્યાત્માને જોતાં જ રુદ્રએ એમનાં ચરણસ્પર્શ કર્યાં, મેઘના પણ રુદ્રને અનુસરી.

"ચિરંજીવ ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ." રુદ્ર અને મેઘનાને આશીર્વાદ આપતાં અઘોરીએ કહ્યું.

"તમે સાચું જ કહ્યું હતું કે મારો ધ્યેય સિદ્ધ કરવા મારે ઘણું ગુમાવવાનો વારો આવશે. હું તો એ સમયે એવું વિચારતો હતો કે સંધિ શોધીને એનો નાશ કરવો એ જ મારો ધ્યેય છે. પણ આજની આ સુખદ પરિસ્થિતિને જોવું છું ત્યારે સમજાય છે કે મારો ધ્યેય તો કંઇક અલગ જ હતો. નિમલોકો અને મનુષ્યો વચ્ચે ચાલી આવી રહેલ શત્રુતાનો અંત કરવાનો આ અવસર મને આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મારાં દેવ." રુદ્રની આંખોમાં આંસુ હતાં. આ આંસુ એક એવી ખુશીનાં હતાં જેને સમજવા ઈશ્વરનો સાક્ષાત્કાર થવો જરૂરી હતો.

"એનો અર્થ કે આખરે તું મને ઓળખી જ ગયો રુદ્ર." અઘોરીના ચહેરા પર પ્રગટ થયેલાં અપાર તેજને જોઈ ત્યાં હાજર દરેક અવાચક થઈ ગયાં. એ અઘોરી કોઈ સામાન્ય મનુષ્ય નથી એ વાત ત્યાં હાજર દરેક વ્યક્તિ સમજી ચૂક્યો હતો.

"જો તમને ના ઓળખ્યાં હોત તો સ્વયંને ક્યાંથી ઓળખી શકત દેવોનાં દેવ મહાદેવ.! રુદ્રના મુખેથી મહાદેવ શબ્દ સાંભળતા જ ત્યાં હાજર દરેકનાં મસ્તક આપમેળે ઝૂકી ગયાં. લોકો વધુ કંઈ સમજે એ પહેલાં જ અઘોરી રૂપે આવેલાં મહાદેવ એક દિવ્યપુંજમાં પરિવર્તિત થઈ ગયાં અને એ દિવ્યપુંજ પ્રકાશની એક તીવ્ર રોશની બની મેઘનાનાં શરીરમાં સમાઈ ગયો.

"રુદ્ર, તારું પ્રથમ સંતાન આજથી હજારો વર્ષ બાદ સમસ્ત સૃષ્ટિ પર આવેલાં મહાસંકટનું નિવારણ કરશે." એક પ્રચંડ આકાશવાણી થઈ જે સાંભળી રુદ્ર અને મેઘનાનું મુખ હરખાઈ ગયું.

"હર મહાદેવ!"

"હર હર મહાદેવ!!" સાક્ષાત મહાદેવનાં દર્શન પ્રાપ્ત કરીને ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિએ ભાવવિભોર થઈને કરેલાં જયનાદે સમસ્ત જગતને પાવન કરી મુકવાનું કાર્ય કર્યું.

હર હર મહાદેવ

ૐ નમઃ શિવાય

★★★★■■■★★★★

ઘણીવાર અંત જ આરંભની પૂર્વભૂમિકા બાંધે છે...

આ સાથે જ મહાદેવનું નામ લઈને આ નવલકથાને અહીં જ પૂર્ણ જાહેર કરું છું. બે ખંડ અને કુલ મળીને ૬૭ ભાગમાં લખાયેલી આ નવલકથાનાં દરેક ભાગને વાંચવા અને પ્રામાણિક પ્રતિભાવ આપવા બદલ આપ સૌનો આભારી છું. પ્રથમ ખંડનાં છેલ્લા અને બીજાં ખંડનાં પ્રથમ ભાગ વચ્ચે આવેલાં અઢી મહિનાનાં લાંબા વિરામ પછી પણ જે ઉમળકા સાથે આપ સૌએ જે હરખથી અને ઉત્સાહથી નવલકથાને માણી અને વખાણી એ માટે હું સદાય આપનો ઋણી રહીશ.

આવતાં સપ્તાહથી એક નવી હોરર સસ્પેન્સ શરૂ થવા જઈ રહી છે જેનું નામ હશે પ્રતિશોધ. એને પણ આપ સૌ અવશ્ય વાંચજો એવો અનુરોધ. મારી નવી નવલકથાઓની અપડેટ માટે મને ફેસબુક પર ફોલો કરી શકો છો. ફેસબુક આઈડી author jatin patel નામે બનાવેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)