pankharma mhori vasant - 1 in Gujarati Fiction Stories by R.Oza. મહેચ્છા books and stories PDF | પાનખરમાં મ્હોરી વસંત.. ભાગ -1

Featured Books
Categories
Share

પાનખરમાં મ્હોરી વસંત.. ભાગ -1

ટાંકણી પડે તો ય અવાજ થાય એવી શાંત અને સૌજન્યશીલ કર્મચારીઓ ધરાવતી એ ઓફીસમાંઆજે જાણે શેરબજાર ખુલ્યું હોય એવો કોલાહલ હતો. બધાં જ જાણે મોહિની શાસ્ત્રી આવું કેવી રીતે કરી શકે એ ખબરથી હલબલી ગયેલાં. સહુનાં મોંઢા એટલાં સવાલ હતાં, પણ બધાં જ સવાલોનાં મૂળમાં હતાં મોહિની શાસ્ત્રી.. !!

હેં.. આવું કેવી રીતે બને..??

નાં.. નાં.. આજે કોઈએ એપ્રિલ વગર જ એપ્રિલફૂલ બનાવ્યાં લાગે છે. બાકી મોહિની અને આ સમાચાર હોય નહી..!!

અલ્યાં, આવી કલ્પના તો સપનામાં પણ નાં સુજે.. !!

પણ સાચું શું એ કોને પૂછવું હવે..??

હાં, કોથળાંમાંથી શું નીકળે એ તો કાલે જ ખબર પડશે હવે.. !!

કર્મચારીઓ આવાં અનેક વાક્યો બોલી રહ્યાં હતાં.

પુરુષો જ નહીં મહિલા કર્મચારીઓ માટે પણ આ સમાચાર મહા- આશ્ચર્ય પેદા કરનાર બની રહ્યાં. હાં એમનાં સવાલ જરાક જુદાં હતાં.. !!

અલી, એ મોહિની જે મોંઢા પર માખ ય નાં બેસવાં દે ઇ એનામાં એવું હું ભાળી ગયી..??

બીજી બોલી, " મોહિની મેમે સીસી ટીવી કેમેરામાં માઈક પણ ફિટ કરાવ્યા છે કદાચ તો.. "

ત્યાં તો પેલી સ્ત્રી કર્મચારીનો સૂર બદલાઈ ગયો "આપણે પણ મેમને અભિનંદન પાઠવવા જોઈએ.. "

બીજી એક અલ્લડ છોકરી જેવી લાગતી અનયાં નામની છોકરી ખીલખીલાટ કરતાં બોલી, "અરે,અહીંનાં કેમેરામાં માઈક જ ક્યાં છે..?? બિલ પાસ કરાવવા હું જ મોહિની મેમ પાસે ગયેલી. "

અનેક સવાલોનું મૂળ હતી બધાનાં ટેબલ પર પડેલી એ લાલ ચટક રંગની કંકોત્રી અને એનાં પર મરોડદાર મોતીઓ ટાંક્યા હોય એવાં રૂપેરી અક્ષરોમાં લખેલુ નામ..એ સુંદર અક્ષરોમાં મોહિનીમેમનું નામ હજી ય પચાવી લેત બધાં પણ લગ્ન માટેની આમત્રંણપત્રિકામાં સાથે લખેલુ મહેશ દાવડા નામ જ હતું આ આશ્ચર્યનું મુખ્ય કારણ.. !!


નામ હોય એવાં ગુણ વ્યક્તિમાં આવી જતાં હશે એ વિચાર મોહિનીને જોઈને કોઈના પણ મનમાં ઉદભવે. પાંચ ફૂટ અને સાત ઇંચની આકર્ષક ઉંચાઈ, ગુલાબી ઝાંય પડે એવી દુગ્ધવર્ણી બેદાગ ચમકતી ત્વચા,આંખોમાં સામેની વ્યક્તિને વશ કરી લે એવું સ્વામિત્વ, ઓફીસમાં સવારે મોહિની 9:45 એ દાખલ થાય ત્યારે ઘડિયાળનો સેકન્ડ કાંટો પણ એ મિનિટની અંદર જ હોય એટલાં તો સમયપાલનનાં આગ્રહી, કોઇક કહેતું કે હસે ત્યારે એમનાં ગાલમાં સુંદર ખન્જન પડે છે પણ મોહિનીમેમને કોઈએ હસતાં જોયાં હોય એ વાતને જ માણસો માની નાં શકતા... !!

આ કંપનીમાં દસ વર્ષથી નોકરી કરતાં નારાયણભાઇની વાત માનીએ તો, સાત વર્ષ પહેલાં અહીંના જનરલ મેનેજરના હોદ્દા પર આવેલાં ત્યારથી મોહિનીમાં તલમાત્રનો ફેરફાર નહોતો થયો કદી. એમનાં ચહેરાં પરનું ગામ્ભીર્ય એમણે ચોવીસ વર્ષની ઉંમરે ઓફીસમાં પગ મુક્યો ત્યારથી આવું જ અકબંધ હતું.

પાંત્રીસ વ્યક્તિઓનાં સ્ટાફ સાથેની આ ઓફિસનો સહુથી નવો કર્મચારી એ જ આપણો મહેશ દાવડા.છ જ મહિના પહેલાં સવજીભાઈ રિટાયર્ડ થયાં પછી કંપનીની મુંબઈની હેડઓફિસેથી મહેશને નવાં પ્યુન તરીકે અહીં મોકલવામાં આવ્યો હતો. પણ અહીં બધાંએ મળીને મહેશને ગોવિંદાનું હુલામણું નામ આપી દીધું હતું. મહેશનાં શામળા નમણાશભર્યા ચહેરાં પર હંમેશા હાસ્ય જાણે જન્મજાત હોય એમ રહેતું. ઓફિસના બધાં જ કામ સ્ફૂર્તિ સાથે કરતો એ અઠ્યાવીસથી ત્રીસ આસપાસનો છોકરો મહેશ જ હતો જેનાં આવ્યાં પછી ઓફિસના કર્મચારીઓને ઓફિસે પહોંચવાનો ઉત્સાહ રહેતો. કેટલાંય ડાયલોગ આપણા આ ગોવિંદાને મોંઢેથી કામ કરતાં-કરતાં સરતા રહેતાં, અને સહુનાં એકસરખા બીબાઢાળ જીવનમાં હાસ્યની રંગત પુરાતી રહેતી, મહેશના રમુજી સ્વભાવથી. પણ એ જ હસમુખો મહેશ જયારે જયારે મોહિનીમેમની કેબિનમાં ચા કે કોઇ ફાઈલ દઈને બહાર નીકળતો ત્યારે સ્ટાફે નોંધેલું કે મહેશનાં હસતાં ચહેરાં પર એક અજીબસી ઉદાસીની ઝલક છવાયેલી રહેતી . પરંતુ બધાને લગતું કે હિટલરની બહેન જેવાં મેમએ મહેશને પણ એકાદ કડવી દવા પીવડાવી હશે..

એવાં એ મહેશની સાથે મોહિની શાસ્ત્રી જેવાં અદ્ભૂત સૌંદર્ય અને બુદ્ધિનાં સ્વામીની એવાં એમનાં બોસનાં લગ્ન બધાંની સમજની બહાર હતાં. પરંતુ આખરે આ કુતૂહલનો અંત કાલે લગ્નમાં જઈને જ મળી શકશે એવો સર્વાનુમતે પ્રસ્તાવ મુકાણો જેને બધાંએ વધાવી લીધો.


બીજાં દિવસે રવિવાર હતો એટલે સ્ટાફનાં બધાં મળીને મોંઘી ભેટો સાથે લગ્ન સ્થળે પહોંચ્યા. પરંતુ ત્યારે એ સહુનાં ચહેરાં પર આ અજાયબીભરી ઘટનાં કેવી રીતે
ઘટી એનાં જ સવાલો હતાં..!!


લગ્નનો હોલ તાજાં ફૂલોનાં અનેક તોરણોથી સુંદર રીતે સજાવાયો હતો. એકસરખા ડ્રેસકોડમાં અનેક વેઈટર આમંત્રિત મહેમાનોનું સ્વાગત સત્કાર કરવાં તત્પર હતાં.

સ્ટેજ પર પંડિતજી લગ્નની વિધિનાં શ્લોકોનું ઉચ્ચ સ્વરે પઠન કરી રહ્યાં હતાં. પણ સ્ટાફનાં બધાં જ લોકોની નજર ફક્ત વર વધું પર જ કેન્દ્રિત હતી.. મોહિનીએ સોનેરી તારથી મઢેલું પરંપરાગત ઘરચોળું પહેરેલું હતું. જેમાં તેમનું રુપ ઔર નિખરી રહ્યું હતું. અને આછા બદામી અને મેરુન કલરની વૈભવશાળી શેરવાની પહેરેલો મહેશ તો ચમકતાં ક્લીનશેવ્ડ ચહેરાં

પર એ જ એની ગોવિંદા સ્માઈલને મઢીને બેઠેલો હતો,

તો પણ ઓળખાય જ નહીં એટલો વૈભવશાળી અને રુપકડો લાગતો હતો..!!સ્ટાફનાં બધાંનું મન તો આ અજાયબીભરી જોડી ક્યારે ઘડાઈ ગયી એ જ કુતુહલમાં હતું તો ય પરાણે હસતાં મોંઢા રાખીને બેઠાં હતાં.


ઓફિસના સ્ટાફની એક બટકબોલી બીજીનાં કાન પાસે આવીને બોલી, " મોહિનીમેમને એક પ્યુન સાથે લગ્ન કરવાનું કેમ સુજ્યું કાંઈ સમજાતું નથી..!! "

બીજી બોલી, " માલતી, તો પુછી લે ને તું જ જા.. !!"

ત્રીજી બોલી, " સિંહણનાં દાંત ગણવા જવાની હિંમત કોની થશે..?? "

અનાયાએ ગંભીર ચહેરે કહયું, " મેમનું ધ્યાન આપણા સામે જ છે.. "

ત્યાં તો બધાં જ ગણગણાટ શાંત થઇ ગયાં.

જ્યારે ઓફિસનાં બધાં પુરુષ કર્મચારીઓ એમ કહીને એક બીજાને તાળી આપી દેતાં હતાં કે હવે, મહેશને

એનાં ઘરે અને ઓફિસે બેય જગ્યાએ મોહિનીમેમને
ચા પીવડાવવી પડશે.. !!

આખરે નમતી બપોરે લગ્નવિધિ પૂર્ણ થઇ, નવાં જ પરણેલાં વરઘોડિયા લગ્ન મંડપમાંથી ઉતરીને ત્યાં ઓફિસ કર્મચારીઓ સિવાય જે બિઝનેસ સર્કલનાં થોડાં જ મહેમાનો હાજર હતાં એ બધાને મળીને વિદાય આપી રહ્યાં હતાં. સ્ટાફનાં બધાને હજી રોકવાની સૂચના પહેલેથી અપાયેલી હતી. બધાં કર્મચારીઓ હવે સત્ય ખ્યાલ આવશે એ ખ્યાલથી ઉત્સુક પરંતુ મોહિનીમેમમાં પ્રભાવનાં કારણે શાંત બેઠા હતાં.


મોહિની અને મહેશ બંને સુંદર મંડપ જે જરાક ઉંચા સ્ટેજ પર હતો ત્યાં ગયાં, અને મોહિનીનાં હાથમાં માઈક હતો એ જોઈને ઓફિસ કર્મચારીઓનાં મગજમાં ચમકારો થયો કે કદાચ કાલથી મગજમાં ગુંજતા સવાલનો હવે જવાબ મળશે..


મોહિનીએ એની મોહક, માયાળું નજર ત્યાં હાજર બધાં પર ફેરવી, પણ આજે એ નજરમાંથી બોસની કરડાકીની જગ્યાએ આત્મીયતાની ઝલક મહેસુસ થતી હતી બધાને, આખરે સ્ટાફ સામે જોઈને બોલી, " હવે અહીં હાજર તમે બધાં જ મારે મન કુટુંબીજનો જેવાં જ છો . અને હું તમારી આંખોમાં એક પ્રશ્ન વાંચી શકું છું, અમારાં આ લગ્નની અજાયબી ભરી ઘટનાં કેવી રીતે ઘટી એ કહીશું હવે અમે બંને.. સાંભળવું છે ને..?? "


"તાળીઓ ગુંજી ઉઠી.. અને અવાજો સંભળાયા કે હાં મેમ, કહો પ્લીઝ.. !!"

(મોહિની અને મહેશનો પ્રેમ કેવી રીતે પાંગર્યો એ કહાની જલ્દી જ આગળનાં અંકમાં રજૂ કરીશ.. આભાર.. )


R. OZA "મહેચ્છા "