વાર્તા - જીવણબા
જીવણબાનાં જાજ્વલ્યમાન વદનનું નુર અસ્ત પામ્યું હતું.એસીડની શીશીમાનું દ્રવ્ય મોંમાં ઢાળી,જીવનનો માર્ગ છોડી,પ્રભુને સન્મુખ થવાની તાલાવેલીમાં તે પરલોકનાં નિષ્કટંક માર્ગ પર ચાલી નીકળ્યાં હતાં.
કાને પડે તો આખા ભવ લગી ગુંજ્યાં કરે એવી રોકકળ અને હૈંયાફાટ રુદન,જીવણબાનું મરણ થવાથી ગામનાં બૈરાં કરી રહ્યાં હતાં.પંથકમાં રહી ગયેલી એકની એક મરશિયા ગાનારી ને જેનાં વિલાપમાં વસતાં શબ્દો સાંભળી કોઇની પણ વાચા-જીવ હ્રદયનાં તળીયે બેસી જાય એવી શવી પંજેણની(મરશિયા ગાનાર) આંખો જીવતરનાં વર્ષો લગી ન ભાળ્યું હોય તેવું કૌતુકભર્યું દ્રશ્ય જોયું: બન્ને હાથોની મુઠ્ઠીને છાતી પર કુટી,ઠૂંઠવો ભરતી સ્ત્રીઓમાંની એકેયની આંખોની કોર સૂકી નહોંતી રહી.
જીવણબા અને શવી પંજેણ લગભગ સમોવળીયાં હતાં.વર્ષો પહેલાનાં એ દિવસો શવીની સ્મૃતિમાં ગઈકાલે જ વીતી ગયાં હોય તેવા તાજા હતાં :ઢોંરને ચારતા નવતર શિખેલી શવીનાં પ્રદેશમાં દુકાળ પડ્યો.મહિનો-વર્ષ કેમેય કરીને કાઢ્યો;પણ ક્યાં સુધી?છેવટે ઘરમાં કોઠારના તળિયાંય ખાલી થયાં.સૂકા પડેલાં ડોલરિયા દેશમાંથી શવીનાં ત્રણ જણાંનો પરિવાર,કાળમાં મહામુસીબતે ટકેલી ને સુકાઇને શ્વાન સરીખી બની ગયેલી બે ભેંસો પર ઘર વખરીને લાદી,વતન છોડી કામની શોધમાં નીકળી પડ્યાં.કયાં ઠામ-ઠેકાણે જવાનું એવું તો શવીનાં બાપા શંભુએ નક્કિ નહોતું કર્યું,છતાં ઘરનાંને જીવાળવાનાં–એવી અભરખા એનાં મનમાં વતનથી દૂર જતાં-જતાં એકએક ડંગલ સાથે ઘોળાતી જતી.પંથે પડતાં ગામે-ગામે રઝળતાં,ધિક્કારાતાં શંભુએ જો તેનાં પરિચય સાથે કાળમાં વિતેલી બિના સુણાવી હોત તો મલક તેણે વણમાગ્યે ધાનનાં ઢગલા કરી આપત.શંભુ રહ્યો સ્વાભિમાની જીવડો.ગામનાં દરબાર-મુખી સમક્ષ હાથ લંબાવવાનાં સ્થાને તે વાવવા સાટું જમીનનો કટકો માગતો.કેટલાક ધરાર ના પાડી દેતાં તો જે આપવા તૈયાર થાય તે પાણીની જોગવાઇની બાબતમાં હાથ ઊંચા કરી દેતાં- જ્યાં પોતાનાં બાળ-બચ્ચાં જ ભૂખમાં ટળવળતાં દિસવાની તૈયારી હોય તેવામાં લોકો આગંતૂકને,સપાટીએ પહોંચેલા જળને કેવી રીતે વાપરવા દઈ શકે?
ભગવાન સુદ્વાએ ડોકું ફેરવી લીધું એ જોઈને નિરાશ શંભુ સંતાપમાં ઘરકાવ થઈ ગયો.બીજી સવારે તેની આંખ જ ના ઉગળી!પતિ મરતા તેની પાછળ રડવાને બદલે, કાળ અને દશા સામે હામ ભીડી બેસેલી શવીની બા જેતલ અવિરત ચાલતી રહી, એવી આશાએ કે ક્યાંક તો માણસાઈ તરી આવશે.સોટી સરીખી કાયા અને મેલાં લુગડાની આભા જોઈ,કોઇ ઘર આગળથી મા-બેટીને તગેડી મુકતું કે કાનમાં કુંભડા નાખી દેતું.અન્નની શોધમાં ઢસડાતાં પગ કિશનપરાનાં મુખી કાનજીનાં આગણામાં પડ્યાં.દીવાલે તકિયો અઢેલી બેસેલાં મુખી ચલમ પડતી મૂકી બોલે એ પહેલાં તો પરસાળમાં ઘઉં ઉપણતી જીવણ વહુ બોલી.“બાપા,ખેતરની ને ઢાળિયાની વેઠમાં એક માણસની આમેય ખપ પડે.પહેલાનાં જેમ ભાઈડો હોય તો બીડી પીને પડ્યો રહે એનાં કરતાં આ બાઈને રાખીએ તો કામમાંય ચાલે,આશરોય દેવાઈ જાય ને અમને બાઈ માણસનો સથિયારો મળી જાય.”
જીવણબાની એ સમયે યૌવનની કૂંપણો ફૂટતી હતી,રમેશ જોડે તેમને પ્રભુતામાં પગલાં માંળ્યે માંડ વીસેક દાડાં વિત્યાં હશે.એટલા ગાળાના નિરીક્ષણમાં કાનજી મુખીને જીવણ વહુ ‘ઠરેલ માણસ’ની ભાતે કળાઇ ગઈ.મુખીને વહુની વાતમાં વજુદ લાગેલું.તેમણે ઘર પછીતની ઓરડી જેતલ-શવી કાજે ફાળવી આપી.દીકરીની ઉંમર જેટલી,સાચી ગજિયાણીનાં કાપડમાં અલંકૃત જીવણબાની સૂજ-બૂજ,શીલ તથા નીડર એવા મક્કમ અવાજ પર જેતલ ઓવારી ગઈ.આશ્રય આપવા બદલ જેતલ મનમાં ને મનમાં એ વખતે જીવણબાને લાંબુ જીવવાનાં આશીષ આપવાં લાગેલી.
જીવણબાનાં મોટા દિકરા જતીનની પરણેતર સુરેખા આજે તેમનાં પાછળ અનરાધાર આંસુ વહાવતી હતી.શવી સુરેખાની પીઠ પ્રસરાવવા લાગી.
શવીની આંખોના પટલ પર વિતેલા વર્ષોમાંનો પ્રસંગ ઉપસવા લાગ્યો: કિશનપરામાં શવીને આવ્યે ત્રણેક વર્ષ વીતી ગયાં.તેની મા જેતલે પૈસા રળી,મુખીની ઓરડી છોડી એક નવીન નળિયાવાળું ઝૂંપડું બાંધી દીધેલું.એવે ટાણે માંદગીથી શવીની બા જેતલ પરલોક સીધાવી ગઈ.નોધારી ને નિરાધાર શવી કલ્પાંત કરવા લાગી.ખેતરનું કામ ઝાઝું ફાવે નહીં ને ભેસો નવાને આઉ પર હાથ અડકવા ન દે.અન્ય કામ આવડે નહીં.રોટલાં કેમનાં રળવા? એની શવીને મન મોટી દુવિધા.હતાશ શવીની આ સ્થિતિ વિશે જીવણબાને જાણ લાગી.તે પોતે શવીની ચોપાડે આવી એની હાલત અંગે પૃચ્છા કરી.ઘરે જતાં સાથે જ ભાગીયાને કહી શવિના ઉદરના પોલાણ ભરવા એક દૂઝણું જેઠાણીની ઉપર વટ જઈ શવીનાં ઘરને ખુંટે બાંધી આપેલ!
જીવણબા પ્રારંભથી શવીનો અણનમ સાદ તથા બુલંદ કંઠ પારખી ગયેલાં.ફટાણાં,નોરતાનાં રાસડા શવીનાં ગળે ગવડાઇ જોયેલા. પણ રાગ ઠીક બેસ્યો નહીં.શવીનાં અવાજમાં સદાથી કરુણતાની છાંટ રહેતી તેથી લગ્ન કે માંગલ્યનાં પ્રસગોમાં તેણે ગવડાવું જીવણબાને ઠીક ન ભાસ્યું.એક વાર ગામનાં કોઈ મોવાડીનું મૃત્યુ નીપજેલું.જીવણબા તે ઘડીએ શવીને મરશિયા ગાતાં સાંભળેલી.પછી તો જીવણબાની સલાહથી કોઈનાં મૃત્યુ પર શવી મરશિયા ગાવા પહોંચી જાતી.એ બદલ એણે બેસતા વર્ષે ધાન મળતું.તેના અંતરનાં ઊંડાણમાંથી નીકળતા શબ્દો ને રાગ સાંભળી ઘડી બે ઘડી માનો ધરા પરની સૃષ્ટિ થંભી જતી.મરશિયા ગાવા માટે શવી પછી તો પંથકમાં અંકાતી ગઈ.ખરેખર શવી રોવળાવવું જાણતી! મરીને કોઈને પણ શવીનાં કંઠમાં પોતાનું નામ ઉતારવાનું મન થઈ આવે!
જીવણબા સાથેનાં કેટલાયે સંભારણા શવીનાં સ્મૃતિ પટમાં ઝૂલી રહ્યા હતાં.
જીવણબાની જીવન દિપ્તી બુઝાઇ જવાથી જાણે આથમતો સુરજ દુ:ખ વ્યક્ત કરવું જાણતો હોય તેમ તેણે લોહિયાળ અશ્રુ રૂપી કિરણોને વિખેરી આભને રતાશ વર્ણું કર્યું હતું.બાઈઓનાં રોદણાને ગુંજતાં રાખવા વાતો વાયરો શમી ગયો હતો.હીબકાનો અવાજ વાતાવરણમાં હાલકલોલ થઈ રહ્યો હતો.માળામાનું પક્ષી માનો કે આનંદ વ્યક્ત કરતાં વિસરી ગયું,ગમાણમાં દાણને વાગોળતાં જીવનાં જડબાં અટકી ગયાં,પારઘીની ઘોડારમાંના પશુને હાવળ-હણહણાટ કરવાનું સુઝી ન શક્યું; સૂનકારની ચાદર એ સાંજે જીવ-જગતે ઓઢી લીધેલ.સર્વત્ર સોંપો વ્યાપી ગયો.
ગામનાં ઘરેડ મુજબ નનામી ઉપાડી ડાઘુઓ મૃતકને દાહ દેવા ઉપડે,તે પહોરે સ્ત્રીઓ સ્મશાનની વાટે પડતાં ગામનાં છેવાડાના ઘરે,મરનાર પાછળ વિલાપ કરતી.સાંજે ઝાલર રણકે તેટલામાં સ્ત્રીઓ પહેરેલ કપડે નહાવાનું પતાવી લે.આજે એ વર્ષો જૂની કાર્યક્ર્મ રેખા ભાંગી તૂટતી હોય તેમ જણાયું.રડવાનું બંધ કરી શાંત થવાનું નામ ન લે કોઈ.સહજ તો ઘરડી બાઈઓ ખરખરો કરવા આવેલી સ્ત્રીઓને થાળે પડવાનું કહેતા.કિંતુ જ્યારે તેમની કરચલી પડેલી મુખરેખા પર અશ્રુ જળાઈ ગયાં હતાં ત્યાં તે બીજાને છાનાં રહેવા કયાં મોંઢે કહે?ગામ છેવાડેનાં ઘરે જ્યાં સ્ત્રીઓ એકઠી થઈ હતી ત્યાં ઘરની ઓટલેથી રચાયેલી હદમાં સ્ત્રી માણસ સમાતું ન હતું.પગ ઊપડતાં ન હતાં છતાં એ ઘરની પટલાણીએ કોચવાતા મને બહારના ચૂલે બોગરણામાં પાણી રેડી,જુવાન છોકરીને લાકડા સળગાવાનું કહી ગઈ.પટલાણી પોતે ઘર આંગણેનાં મોટેરાઓ માટે ચા મૂકવા ઘરમાં પ્રાઇમસ પેટાવ્યો.ગળણીમાં ગળાઈને ઉની ચા જીવણબાને સાથે જેમણે ઘરવટ હતી તેમના પિંડ ને ગાત્રોની જેમ થીજી ગઈ તોય કોઇના એ રકાબી-કપ ભણી મીટ ન મંડાણા.
પ્રાંગણની તદ્દન મધ્યે સ્થિત તુલસી ક્યારાની ઓથ લઈ બેસેલી જીવણબાના નાના છોકરા વિજયની ભાર્યા ભામતી ચોંધાર અમી વહાવી રહી હતી.મોં પર ભામતીનો સંકોરાતી સાડલાનો પાલવ ત્યાં દરિયો ખડકાયો ન હોય તેટલો ભીનો થયેલો!
ભામતી શહેરમાં જન્મેલી.જન્મયાને બીજું વર્ષ બેસ્યું હશે તેવામાં તેની બા રેલ અકસ્માતમાં મરણ પામી.તેનાં પિતાએ જ તેણે ઉછેરેલી.એથી માની મમતા તે જોવા પામી નહીં.બાપુએ ખૂબ લાડ-કોડથી તેણીને રાખેલી.વિજય સાથે લગ્ન કરી,પહેલી વાર જ્યારે તેની સાસુ જીવણબાને મળી ત્યારે તેમનો હેત જોઈ ભામતીને થયેલું.“- કે જો મારી સગી મા હોત તોય સાસુ કરતાં અદકું મમત્વ શી રીતે દાખવી શક્યી હોત?
જીવણબાની નાની વહુ તરીકે ભામતીનું નામ સાંભળવામાં આવેલું તેવી ગામની સ્ત્રીઓએ પહેલી વાર તેણે નિરખવા પામેલી.શહેરની નાર પર પડેલા જીવનબાના મૃત્યુના આકરા પ્રત્યાઘાત જોઈ તેની આખર-પાખર બેસેલા સૌ કોઈ જડવત્ બની ગયેલા.ગામમાં રચાયેલા દ્રશ્યને નિહાળી,જીવન અને મરણને ઉંબરે બેસેંલી સ્ત્રીઓ બબડી પણ ખરી :“વાહ! જીવણ વાહ.હેં!તારો ભવ સુધર્યો.લોક કહે છે કે શે’ર વાળા સ્વાર્થી,પૈસા પાછળ ઘેલા.કેવા તારા કામ,ગણ ને તે કેવી માયા લગાડી તે આ તારી બહાર રે’તી વહુને તે કોંઈ પોંકે પોંકે રૂવે તે.સાસુ-વહુ જ નહીં તે તો દરેક સબંધ જીવણ નિભાવી જાણેલા.અવનિ પરનો તારો મનખો અવતાર સાર્થક થ્યોં,હોં!પણ છેલ્લે આ શી રમત આદરી ગઈ!ઇનો એક વસવસો રે’શે.”
ઘુંઘટાવાળીઓનાં શરીરમાં અંજળ પાણી ખૂટયા તો રક્તથી તેમનાં ગાલને અભિષેક કરાવવાનો જાણે શવીએ નિર્ધાર કરી લીધો.શવીનાં ભારે આક્ર્દમાં ઓત-પ્રોત મરશિયાનાં સૂર સાંભળનારાનાં કાને અષાઢની અમાનુષી વીજળીની જેમ ત્રાટક્યાં:
“એ જીવણ તું હેડી અમન છોડી,
તું રોતા મેલી ગઈ.
ઓરે ઓ જીવણ તું હેડી અમન છોડી.
દખ તારું ય હશે કોક.
તું પડી ન કોઈ લપછપમાં,
પરભારી તું પોંકી નભમાં.
ઓ જીવણ તું હેડી અમન છોડી.”
બળતી ચીતાનાં નયનોમાં ચિતાર લઈને પુરુષોના ભારઝલ્લા હૈયા મસાણેથી ચાલી આવતા હતાં.નાનકો વિજય ચાલતા-ચાલતા ગોઠણભેર ન પડી જાય માટે મોટોભાઈ જતીન તેના કાંધને બાથમાં ભીડી ચાલી રહ્યો હતો.સ્મશાન વાટેથી સીધા જીવણબાનાં ઘરે પહોંચી સૌ પુરુષોને રીતિ મુજબ પાણીનાં કોગળા કરવાનાં હતાં.પણ ત્યાં તો ગામ છેવાળેનાં ઘરે જ્યાં સ્ત્રીઓ શોક કરતી હતી ત્યાંથી મરશીયાનાં શબ્દો પુરુશોનાં કાનેથી સોસરવા તેમની અકથ્ય નિરાશામાં ભળી ગયાં.ભારે હ્રદય પર શબ્દોનો ભાર લદાતાં ડાઘુઓનાં પગ જાણે રસ્તામાં જ ખોડાઈ ગયાં.વ્રજની છાતી ને કઠણ કાળજા ધરાવતાને આજે તો તાગ આવ્યે શૂળ ભોંકાઈ ગયું હોય તેમ વિલાઈ પડેલા.
વાચામાં પ્રાણ રહ્યા ન હોવા છતાં થોથવાતી જીભે અનુજ વિજયે જતીનને ઉદ્દેશયો.“ભાઈ,છેવટે મેં મમ્મીને વેણ દીધેલું કે મીનાનું કરજ ફિટાવવા જમીન વેંચી દેજે.જરૂર પડ્યે તો મારી બચત દેવાનું યે કહેલું.તે ન માની તે ન માની.ભામતિએ એ જ કહી સમજાવેલું.”ખભે પરની ખેસથી મોં પરનાં આસું લૂછી ઉમેર્યું: “નજીવી બાબતને લઈને અંતે જીવન ટુકાવા એસિડ પીધું.કેવું ગાંડપણ કરી ગઈ મારી સમજણી માઆઆઆ...”વિજયે ફરી વાર શ્વાસ લીધો ત્યાં સુધી ‘મા’ પાછળના ‘આ’ પ્રત્યયનો ઉદ્દગાર સ્વરપેટી માંહેથી નીકળતો રહ્યો.
જતીનની જીભ પર તો આવી ગયું હતું,“અરે મારા,નાના.આટલા વર્ષ બા પાસે રહ્યો ને તેણે સમજી ન શક્યો.આખી દુનિયા મને જે નાની વાત હતી તે બાનાં મને જીવન-મરણનો પ્રશ્ન બની ગયો.બાનાં નિષ્કલંક વિચારધારામાં કયો કલંકીત વિચાર ટંપી ગયો કે આમ એસિડ પીવાની નોબત આવી?”-જતીન કહી શક્યો નહીં.તેણે ભોં હતો કે બોલતાં-બોલતાં તે કવચિત્ રડી પડશે તો વિજયને કોણ સહારો આપશે?
જીવણબાનાં ભરથાર રમેશ ડોક્ટરના કહેવાથી સવારે ચાલવા જતાં.ચાલીને આવ્યા તો પાડોશી મારફતે ઘટેલી દુ:ખદ હોનારતની જાણ થતાં રમેશ બેભાન થઈ ગયેલા.તેમણે દવાખાને દાખલ કરવામાં આવ્યા.ડોક્ટરે કહેલું,કાઉન્ટ ઘટી ગયાં છે માટે બોટલ ચઢાવવો પડશે.”દવાખાનેથી બે દીવસ બાદ રજા મળવાની હતી.ત્યાં સુધી જીવણબાના દેહને રાખી ન શકાય તેથી કરીને રમેશ વિના જીવણબાની ચિતાને અગ્નિ અર્પેલિ.જીવણબાની પરપ્રાતમાં રહેતી ત્રીજી સંતાન મીનાને સમાચાર આપવા સગા- વાહલાઓ ને તેના બંને ભાઈઓએ ટેલિફોન જોડી જોયો.રિસીવરમાં સામેથી વાગતી રીંગનાં ધ્વનિ સીવાય બીજુ કઈ ન સંભળાયું.મીના જે પરપ્રાતનાં શહેરમાં વસતી ત્યાં રહેતાં બીજાં ઓળખીતાઓ જોડે ‘જીવણબાના અંતિમસંસ્કાર’ની ખબર મીનાનાં ઘરે મોકલાવેલ.
દરવાજેથી જ સમાચાર સાંભળી મીનાની સાસુ શાંતિ આવનારને એમ કહી ઉંબરેથી જ પાછા ધકેલી દીધાં કે,“જીવણ મરી હોય તો અમને એ વાતની કોઈએ જાણ કરી નથી.”પૈસાની બાબતમાં મીનાનાં ઘરસભ્યો પિયરિયા સાથે એકપક્ષી અણબન કરી બેસ્યાં હતાં.રસોડામાં કામ કરતી મીનાએ સાસુના અહમમાં રગદોળાયેલા શબ્દો સાંભળી એક ઘડી તો સાંભળેલાં પર જાણે વિશ્વાસ ન પડતો હોય તેમ તે અવાક્ બની ગઈ.જેનાં ખોરડામાં જન્મ પામી તેનાં છેલ્લા દર્શન થવાનાં નથી એમ મીનાને જણાઈ આવેલુ.ઘરની ભીંતે માથું અથડાવી તે વિલપતિ રહી.
શાંતિ જીવણબાનાં મરણ પર કિશનપરા જાત તો ખરી જો મૃત્યુનાં સમાચાર ત્રીજી વ્યક્તિ પાસેથી મળવાની જગ્યાએ સીધાં ફોન પર મળ્યાં હોત તો;એ કાંટો શાંતિને ખટકી ગયો.દરવાજો ધડામથી બંધ કરતાં શાંતી બબડી પડેલી,‘આવું અપમાન કોઈ સાંખી લે ખરું.’
શાંતી એમનાં ઘરે નવો ટેલિફોન લાવેલા.જતીન-વિજય પાસે જૂનો નંબર હતો.તેથી સંપર્ક ન સધાઈ શક્યો.એમાં તો અણસમજુ શાંતિના મનમાં આંટી પડી ગયેલી.ત્રીજા દિવસે મીનાનાં સસરા પ્રભુને જીવણબાનાં મૃત્યુની જાણ થઈ.રોષે ભરાઈને તેમણે શાંતીને ખરી-ખોટી કહી.બીજી ક્ષણે તો વહેવાર સાચવવા મીના સાથે તેનું સાસરિયું કિશનપરા આવ્યું.પ્રભુને હતું કે,“સૌ જાણે છે કે પૈસા અટકાયેલા તેથી જીવણબે’ન જોડે અમારી સબંધોમાં તિરાડ પડેલી.પૈસા માટેના દબાણની જાણ જો પોલીસને થશે તો જીવણ બે’ને માનસિક તાણમાં આવી એસિડ પી આપઘાત કર્યો છે એવું જણાશે ને સળિયા પાછળ જવાનો વારો આવશે.”
જીવણબાનાં મરણને બીજાં દિવસે ગામમાં લોકાઈ ભરાઈ.તેમણે જાણનારાઓની ઘરની પરસાળમાં હકડેઠઠ ભીડ જામી. દવાખાનેથી રજા મળતા રમેશભાઈ,વિજય અસ્થિઓને ગંગાંમાં પધરાવી આવ્યાં.
મરણ બાદનાં અગ્યારમાંના દીવસે ગામના રાવળિયાં,ભંગીને ભાણું આપવામાં આવ્યું.તેરમાનાં દિવસે જમણવાર રાખી શાસ્ત્રવર્ણીત ક્રિયાકર્મ માટે પંડિતને ખાટલો-ફળફળાદી આપવામાં આવ્યાં.જીવણબાનાં ઘરે તેમના મરણ પછી પંદર દિવસ સુધી પ્રભાતનાં પહોરમાં રામ નામના એકસો આઠ વખતના જાપ ચાલ્યાં.જીવણબા સાથે જેમણે નિકટતા હતી તેવાને તો,મુખ પર વિહરતા સ્મિત સાથેની તેમની છબી સવારે પડછાયા અને રાત્રીનાં ઓળામાં દ્રશ્યમાન થતી રહી.
વર્ષો સુધી ગામમાં દાયણનું કામ કરનાર કંકુને બીજા બધાની જેમ જીવણબા સાથે ઘરોબો કેળવાઈ ગયેલો.પૌત્રીને પાસે બેસાડી,ઘરડી કંકુ બિછાને ઢળ્યે રહીને બોલ્યી :“છો’રી આ જે જીવણ મરી એની હારે આપણું ઘરવટ પણું,હોં કે!દવાખાના તો અત્યારે આવ્યાં.બાકી પેં’લાં આખા ગામની બાઇઓના પેટ મારે હાથે જ છૂટા થતાં.કોઈને મહિનાનાં છેવટનાં દા’ડાઓમાં દર્દ ઉપડતું તો જીવણ મારી પડખે ઘરનાં સંધાય કામ પડતાં રાખી ઊભી રહેતી.અને હા,છોકરી થાય તો મારાથી બોલાઈ જવાતું-મોટી થઈ જીવણ જેવાં થાજો.’આ સાંભળી બાજુમાં ઉભેલ જીવણ કે’તી-શું કંકુ ભાભી જીવણ જેવી બનજો એમ કહી મને લજવો છો.એમ કહો મારા કરતાય અધમણ ગુણિયલ,અસલ મા જગત જનનીનાં લક્ષણો વાળી પાકો.’છોકરી થાય તો અચૂક પાંચ-પચ્ચીસ રૂપિયાનાં શુકન કરાવી અને ફળીયાને લાપસીથી મોં ગળ્યું કરાવતી.જીવણ ઉજળિયાત તોય હું ઉમરમાં તેનાંથી મોટી માટે મારૂ માન જાળવી રાખતી.તારા જન્મ વખતે ન આવી શકેલી ત્યારે તો તે ભારે દુ:ખી થયેલી.એવી ’તી જીવણ.કોકનું નખ્ખોદ જાય એવા એનાં મનમાં વિચાર જ ન હોય.મૂળ તો ઇનો સ્વભાવ જ એવો.શાની પીડા પડી તે આખરે મોંત બગાડી ગઈ.”એકીટશે બા સામે જોઈ રહેલી પૌત્રી,એકધારે કંકુના આંખોનાં ખૂણેથી વહ્યાં જતાં પાણીની ધારને જોઈ રહી!
જીવણબાનો દાખલો બેસાડતા સાસુ તેમની વહુઓને કહેતી,“ભઈશાબ જીવણબુને તો કદી કંકાસ તો ભાળ્યો જ ન’તો.કોઈની વાત પર તેમનું મોં કટાણું ન થાય.ગામમાંથી એક બતાવો કે જે કે’વા તૈયાર થાય કે જીવણે કોઈ જોડે કઝીયો કરેલો.જટાધારીની પેઠે હળાહળ વિષ જેવાં મહેણાં,ટોણાં તે ગળી જતી.એનું આખું જીવન જ પરોપકારોમાં હોમાઈ ગયેલું.કોઇની વાતને મન પર ન લે.શું જાણે,જીવનથી કંટાળી કે કઈ કટારી વાગી તે....બસ એસિડની બોટલ ગટગટાવી ગઈ.આજુ-બાજુ વાળા તો કહે છે કે શરીર બળતું રહ્યું,તેમ છતાં જીવણનાં મોંઢેથી એક અક્ષર ના નીકળ્યો.આ ભલામાણસ ને તેની ભલમાણસાઈની આવી તે સજા આપી,ભગવાન.”
વળી કોઈ કહેતું,“જીવણબાને ઉપરવાળાએ જે માટીનાં ઘડેલા તે પહેલી ને છેલ્લી હતી.એ બાદ તો ભગવાને પણ હાથ ધોઈ નાખેલા.કળજુગના કલ્યાણહાર હતાં,જીવણબા.”
જીવણબાનો જન્મ કિશનપરામાં થયેલો અને ભવ સંસાર પણ ત્યાં જ માંડ્યો.વણબોલાવ્યે સેવાનાં અથવા પરહિતપરાયણતાનાં કામમાં તે આગળની હરોળમાં આવી ઊભા રહેતા.
ગામમાં વર્ષો પહેલાં શાળા હતી નહી.શિક્ષણ પામવા બાર ગાઉ દૂર આવેલી રામપુર કસ્બાની શાળામાં જવું પડતું.એક જ દિવસમાં આટલી લાંબી મઝલ કાપવી શક્ય ન હતી.વાલી કસ્બામાં રહેતા પોતાનાં સ્નેહીને ત્યાં કે હોસ્ટેલમાં તેમનાં છોકરાને મૂકતાં.પછી તો સાઇકલ આવી,તોય છોકરીઓ તો ભણતરથી અછૂતી રહી ગઈ.આ અગવડ દૂર કરવાં ગામમાં જ પ્રાથમિક શાળા ઊભી કરવાનો વિચાર રાખવામાં આવ્યો.એક સાંજે શાળા માટે ફંડ-ફાળો ઉઘરાવવા ગ્રામસભા બોલાવાઈ.
ભોંય પર પલાઠી વાળી બેસેલા પુરુષો હાથ ઊંચો કરી ફાળાની રકમ લખાવી રહયાં હતાં, :“એ દિનેશ,પટેલ કરશન ધૂળજીનાં નામની તક્તિ ધોરણ બે આગળ લાગવી જોઈએ,શું!માના આશીર્વાદથી ઓંણ સાલ કપાસનાં છોડ પર કાચલાંમાંનું રૂ સમાણુ ન હતું રહ્યું.સારા એવા પૈસા ઉપજેલા.લખો અઢી હજાર.”
“ભાઈ દિનાં,આપણે તો રહ્યા અંગુઠા છાપ.અમન થોડું એટલું ખબર પડે કે હવ તો ભણતર-ગણતર વગર વિના જીવતર ધૂળ-ઢેફાં.ગામનાં છોકરાં-છોકરિયું સાટું પૂરા સત્તરસો,ઝાલા વિક્રમસિંહનાં નામનાં”ગલોફામાં દબાવેલી તંબાકુનો આસ્વાદ લેતાં દરબારે કહ્યું.
ગણતરી કરતાં રકમ હજુ ખુટી.યુવક મંડળના પ્રમુખ દિનેશના કપાળ પર,‘આટલેથી નિશાળ બની રહી’એવા કોઈનાં બોલાયેલા મર્માળ વાક્યને કારણે ચિંતાની રેખાઓ તણાઇ આવી.
ત્યાં તો સાદ પડ્યો: “લખો દસ હજાર.”જીવણબા બોલ્યાં.
સ્ત્રીઓની પંગત સામું જોઈ,હર્ષ સાથે દિનેશ બોલ્યો,“કોણ?જીવણભાભી કે.”
“હા ભાઈ,ટાંપી દ્યો ચોપડામાં,દસ હજાર.પાંચ કાલે ને બાકીના અડધા નવરાત્રીનાં પહેલે નોરતે.”
એકત્ર મેળાવડાની નજરો જુવાન જીવણબા પર હતી.દિનેશે ચોપડામાં ખાતરી કરી કહ્યું,:“ભાભી,રમેશભાઈએ છ હજાર લખાવ્યાં છે અને-”
“હા,જીવણ લખાવી દીધા છે.એમાં ચાર ઓછા પડતાં હોય તો ઉમેરી દઈએ,કેમ?બીજા ચાર હજાર ઉમેરી દે ભાઈ.”પાછળ બેસેલા જીવણબા સામુ જોઈને રમેશ બોલેલા.
“તમે લખાવ્યાં એ ઠીક છે પણ આ દસ હું અલગથી લખાવવા માંગુ છું.”સભામાં ઉપસ્થિત સ્ત્રી-પૂરોષોનાં મનમાં સળવળી રહેલા પ્રશ્નોનું સમાધાન આણતા હોય તેમ ઉમેર્યું, :“મારા પિતાની એકની એક સંતાન હતી.તેમના ભાગની જમીન આ વર્ષે વાવેલી.તેમાંથી થોડા પૈસા ઉપજેલા બાકીના આ ચોમાસુ પાકમાંથી થઈ રહેશે.છોકરીઓને ઉપાધિ પડતી એ કાજે થઈને શાળા બંધાય છે.પૈસા આવા સારા કામમાં ના વાપરીએ તો શું કામના?ગળે એક-બે દાગીનો કે લૂગડાની જોડ એકાદ ઓછી હોય તો કાંઈ ફરક પડે નહીં.આજકાલ શિક્ષણ ન હોય તો પડે છે.ગામમાં અભ્યાસ કરીને આવનાર પેઢી ગામ-માબાપનું નામ ઉજાળશે.કાળી મજૂરી કરી,ખેતરમાં ઉંધા પડી રહેવા છતાં ખાવામાં બરકત આવતી નથી.જમાનો બદલાઈ રહ્યો છે.અભ્યાસ સિવાય કોઈ આરો જ નથી,હવે તો.”
જીવણબાની વાત સાંભળી કેટલાક તાળી પાડી ઊઠ્યાં તો સ્ત્રીની સમજદારી જોઈ પુરુષો અંદરો-અંદર “વાહ...વાહ...” કરી રહ્યાં. આમ છતાં દ્રષ્ટિ નબળી હતી તેમણે પોતાનાં કાને પડી શકે તેવો ઉચાટ કર્યો: “બઉં મોટી દોઢ ડહાપણી.ગામમાં મોટું દેખાવવા લખાવી દીધા તે.દસ હજારનાં મીંડા ખબર..!-”
“હા,તો રમેશ કાનજી મુખી તરફથી દસ હજાર-”એમ કહેતાં દિનેશે પેન ઉગામી.
ત્યાં તો તેણે વચ્ચેથી અટકાવતાં રમેશે કહ્યુ:“દિનેશ,મહેનત એની.પૈસા એનાં.માટે લખ જીવણ રમેશ મુખી.”
નિશાળનું બાંધકામ શરૂ થયું.એક દિવસ મંદિરમાં કોઈ પ્રસંગ નિમિત્તે ગામની સ્ત્રીઓ ભેગી મળેલી.જીવણબાને મનમાં આવેલો સુજાવ બધાં સામે રજૂ કર્યો:“બહેનો,શાળાનાં પાયાની પુયણી પુરાવાનું કામ ચાલુ છે.મજૂરોની તાતી જરૂર છે.બહારથી લાવીશું તો પૈસા આપવા પળશે ને ખોટા દા’ડા લંબાવશે.જો અપણે જ આ કામમાં લાગી જઈએ તો મજૂરોને આપવા પડતાં પૈસા બચશે.એ પૈસાનો સદ્ઉપયોગ વર્ગમાં કાળા પાટિયા ને છોકરાઓને બેસવાની વ્યવસ્થામાં ખરચી શકીશું.”જીવણબાની વાત સાથે સંમત સ્ત્રીઓનું વૃંદ શાળાનાં બાંધકામમાં આવડે તે કામે લાગી ગયું.
એ વાતને વર્ષો વિત્યા.કિશનપરામાં બસની સુવિધા થતાં ને વળી બાળકને ગુણવત્તા સભર શિક્ષણ પામે એવી અભિલાષાથી વાલી બાળકને શહેરમાં મોકલવવા લાગ્યાં.શાળાને દરવાજે ખંભાતી લાગી ગયું.વર્ષો પહેલા જેણે ઉત્સાહભેર શાળાની દીવાલો સજાવેલી તેવું કોઈ જીવણબા સમક્ષ નિશાળની અવદશા કહેતું.
જીવણબાનો એક જ જવાબ રહેતો, :“મને ક્યાં નથી,ખબર.ખરું કહું છું,જે થયું તે સારું થયું.વર્ષો પહેલા આપણે જે ઠીક લાગ્યું તે કરેલું ને આજે પરિસ્થિતી પ્રમાણે જે ઠીક લાગે તે કરવું ઘટે.કાલે કાઇક નવું થશે એવા ભયે શું પરિવર્તને ટળાય.વર્ષો પછી નિશાળની આવી ઉતરતી થશે એ જો આપણે તેણે નિર્મેલી તે સમયે આપણા મગજમાં વિચારની બિહામણી બની હોત તો શું શાળા બની શકત?”
ચાર દસકા અગાઉ,રોગોનાં ઉપચાર તથા તેનું ઓસળ મળી રહે એટલે ગામના લાભાર્થે નાનું દવાખાનું બનાવામાં આવેલું.છેલ્લે એ દવાખાનાનાં દરવાજા ક્યારે ખૂલ્યા હશે એ કોઇની યાદમાં પણ નહીં હોય.અયોગ્ય સંચાલનને કારણે દવાખાનાની પડતી થયેલી.શાળાની જેમ દવાખાનાનાં ઘડતર માટેની આર્થિક મદદ કરવા જીવણબાએ આગળ આવી દિલની દાતારી બતાવેલી. દવાખાનાની જર્જરિત ઇમારતમાં પ્રવેશતાની સાથે ડાબા હાથ પર પહેલાં સ્તંભે બાઝેલા કરોળિયાનાં ઝાળા હટાવીએ તો,‘જીવણ રમેશ મુખી’ એવા અક્ષરો કંડારાયેલા દેખાશે.
અનઉપસ્થિતિ છતાં જીવણબા જ્યાં લગી લોકોનાં સંભારણામાં રહેશે ત્યાં સુધી આ કિસ્સો હયાત રહેશે: કિશનપરાની ઉત્તરે સીમમાંથી નદી વહેંતી.આંતરિક રાજનીતિક સમીકરણોનાં કારણે બંધ બનાવવાનું કામ અટકેલું.આ જીવણબાને સાંભળવામાં આવ્યું.તેઓ તાત્કાલિક સત્તાપક્ષનાં કાર્યાલયે પહોંચ્યાં.બીજા દિવસે તો રેતી,કપચી, ઈત્યાદી સામાનનાં ટ્રકો ખળકાયા.ખિસ્સામાં સિક્કા ખનખને નહીં ત્યાં સુધી સરકારી કામો શક્ય છે ખરાં?પખવાડિયા બાદ ગામલોકોને જીવણબાની એક વીઘા જમીન વહેંચાયાની જાણ થઈ!
કોઈ બાળકની દેહ લત્તાનું નઝરાણુ પામે કે જીવણબાનો ઉમળકો ઠાંસ્યો ન રહે.અંતરના ઉભરાને અને ઓળ-ઘોળ થતી મધુરતાને ઓષ્ટોથી બાળકનાં ગાલે બચી કરી તે વ્યક્ત કરતા.નવજન્મેલ બાળકનાં ઢુંઢમાં જતાં તો સમીપે હંમેશથી એક નાની ડબ્બી રહેતી.બાળકને સિફતપૂર્વક ડબ્બી માની મેશ આંઝી આલતા. ગલગલિયા કરી બાળકને કાલીઘેલી ભાષામાં કહેતા, :“મારા લાલાને કોઇની નઝર ન લાગે.”
બાળક મટીને જુવાન બનેલા;નાનપણમાં જેમણે જીવણબાની હૂંફ સાંપડેલી તેવા આજે તેમનાં પ્રાણહીન અંગોને હૂંફાળા બનાવી આવેલા!
આજના યુવાન જ્યારે બાળક હતાં ત્યારની યાદો છે;શેરી-મહોલ્લાનાં છોકરા-છોકરિયું ભેળા થઈ વગડામાં રમતા.ગળાં સૂકા ને પેટનાં ખાડાં ઉણા ઉતરી ગયાં હોય તો જીવણબાનાં ઘરે જતાં.‘કોણે અંચાઇ કરી?કઈ રમત રમી?રમતાં-રમતાં શું નવા જુની થયું?’-આ સઘળી વાતોનો વૃતાંત ઓસરીમાં ઢાળેલ ચારપાઈ પર બેસેલાં બાળકોનાં એકસાથે બે-ત્રણ શ્વરો દ્વારા કહેવાતો.જીવણબા ઉમંગીયા જીવોનાં હાંફતા હૈયાની વાતો રસપૂર્વક સાંભળતાં.ને પછી કોઠલામાં રાખેલો નાસ્તો બધાં બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચી આપતા.જો કોઈ વાર નવરાશ હોય તો અભરાઇ પરનો ચોખ્ખા ઘીનો ડબ્બો ઉતારી,ઘીમાં હલેસા લેતી ને મોમાં મૂકાતાની સાથે ઉતરી જાય તેવી પોચી સુખડી બાળકો બનાવી આપતાં.
એકવાર તેમનાં ઘરે બાળસખી રમીલા આવેલી.જીવણબાની મદદ યાચતી દિનમુખ રમિલાએ તેના દિકરા હરેશનાં ભણતર વિષેની વ્યથા વ્યક્ત કરી, :“જીવણ,હરિયાએ મેટ્રિક પૂરી કરી.કહે છે કે આગળ ભણવું છે.પાછો ભણવામાં એક્કો,હો! અમદાવાદની કોલેજમાં રાખવો છે એનું ય એમ કે’વું છે કે મારે ત્યાં ભણવું છે.તને તો ખબર જ હશે કે કોલેજનો ખરચ કેટલો થાય.અમે રહ્યા બે ડેગળા વાળા...ઘેર ખાતર પડે તો ચોરેય નિહાકા નાખી જાય...”બોલતાં-બોલતાં શ્રાવણ ભાદરવો વછૂટયો.
જીવણબાએ નાનપણની સહિયર રમિલાને આલીગનમાં લઈ કહ્યું, :“તું પારકી હોય તેમ બોલે છે.હરેશ તો મારો ભાણિયો થાય,બેનડી.આમ તું ઓશિયાળી બની હાથ લંબાવે તે બરોબર કે’વાય,સારું લાગે તને.તારા મારા માથે લાખ ગણ છે.કાલે જઈને હરેશ પરણશે ને તું જાનૈયાઓનાં આગળ આવી ઢીલી-પોચી ઊભી રહીશ.”શમણાંમાં સુઝી ન શકે તેવો પ્રતિભાવ મળતા રમીલાની આંખેથી વહ્યાં જતાં દારુણ આસું લાગણી વશ આંનદમાં ફેરવાઇ ગયાં.
જીવણબા એ ધીરેથી ઉમેર્યું, :“ભાણાને ભણાવામાં એકાદ એકર જમીન ઓછી થઈ જાય તો જાણશું કે ઉપરવાળાએ એકાદ ડેગડી ઓછી આપી હતી.”
એકજ સંતાન હોવાથી પિતૃપક્ષ તરફથી મળેલી છ વીઘા જમીનને જીવણબાએ પિયરિયાનાં કાકા-ભાઈઓને હસ્તગત કરી આપેલ. દાણ-પુણ્યમાં,કોઈને ભણાવા-ગણાવામાં,દીકરીઓના દહેજ ને ચીર પુરવામાં,કોઈનાં દળદળ ફીટવામાં,કોઈનાં બોલને તથા વહેવાર સાચવામાં જીવણબાની પુરખાઓ થકી મળેલી અઢારમાંથી સાત વીઘા જમીન રહી ગઈ.સગા,ઓળખીતાં નવા કામ-ધંધાનાં શ્રીગણેશ કરવાનાં હોય તો તેમાં જીવણબાની અચૂકથી સહાય રહેતી.રોકેલા પૈસાનું નજીવું વળતર મળતું.કેટલાકે ધંધામા ઊંધે માથે પછાડાઇ દેવા કર્યાને જેમણે નફો રળ્યો તે જીવણબાની ઉદારતાની આંખ મિચાણીને તેમની લાચારી સમજી ગેરલાભ ઉઠાવી ગયાં.
એક ઢળતી સાંજે,રમેશનાં ભાઈબંધનો દિકરો પિયુષ આવેલો.‘કંઇ કરવાની તલબ અને ચણચણાટી હતી.ધંધો ક્યાં એમ ઠાલા વિચારોની તાલાવેલીથી જ થઈ જાય છે?તેની મુઠ્ઠીમાં સમાય તેટલો પૈસો તેની પાસે હતો નહીં.તેનામાં ઝલકતી આછીશી મહેનતને લગન કરી બે-ચાર પૈસા કમાવવાની વૃતિ જીવણબા પામી ગયાં.સાહસ ખેડવા તૈયાર થયેલા જુવાન પિયુષની ભુજાઓમાં જોર પૂરવા જીવણબાએ પૈસા તો આપ્યા ને બીજાઓને પણ પિયુષની વહારે ચઢાવ્યાં.તેની સિરામિક ફેક્ટરી ધમધોકાળ ચાલી;મહેનત રંગ લાવી.બેન્ક શરાફી મંડળી કરતાં બમણું વ્યાજ રોકાણકારોને વર્ષે-મહિને મળવા લાગ્યું.પિયુષને થયું કે પોતાની મહેનતને આ પલંગે બેઠાં-બેઠાં પચાવે!તેણે એક પછી એક ભાગીદાર-સાથીદારને પૈસા આપી ભાગ છોડાવવા લાગ્યો.કંપની સ્થાપ્યાનાં દસમે વર્ષે જીવણબાનો ભાગ પૈસા વતી લઇ ને જીવતરમાં જાણે મળવા પણું જ ના થયુ હોય તેમ અભિમુખ થઈ પિયુષે જીવણબા સાથે રચાયેલા સ્વાર્થનાં સબંધોનાં છેડાં ફાડી નાખ્યા.
પિયુષનાં નામે પોતાનો ભાગ કરી,દસ્તાવેજનું કાયદાકિય કામ આટોપી રમેશ-જીવણ દંપતી ઘરે આવ્યાં.
આરામખુરશી પર લંબાવી રમેશ બોલ્યો,:“આ પિયુષને ભાગ વહેંચ્યો તે એકલા માણસથી ઊંચી થાય નહીં એટલી ભારે પૈસાની બેગ હતી.”લગીર થંભી ઉમેર્યું, :“આ પૈસાનું શું કરીશું હવે?”
“કેમ શું કરીશું?દસકા પેં’લા ખોબા પૈસાથી પિયુષ ઊભો થયેલો.તો આનાથી કેટલા પિયુષ ઊભા થશે?કેટલાનાં જીવણ સુધરશે.”
“પિયુષ જેવા ન નીકળે તો સારું.”સહેજ નિસાસો નાખી રમેશે કહ્યું.
“આવું કેમ કહો છો?”સૌમ્યતાથી જીવણબા એ પૂછ્યું.
“તો બીજું શું!એક સાંજે ડાહયીડાહયી વાતો કરતો અને બીજી સાંજે આંખે ચશ્મા ચઢાવી આપણી સામે નજર કરી ન નકરી તેનાં તારણહારને ધુતકારી દેતો.અને એ બે સંજો વચ્ચે દસ વર્ષનો જ સમયગાળો!”
“તમે વળી આવું બધુ ક્યારથી વિચારતા થઇ ગયાં?આજે નહીં તો કાલે એને ભાગ જુદો કરી આપવો જ પડતને.બિચારો પિયુષ તનતોડ મહેનત કરે ને આપણે વર્ષો અગાઉ એને પૈસા ધીરેલા તેથી કરીને શું જીવણપર્યંત આપણી શેહમાં તે તૈયાર થાળી પર આપણે બેસાડી દે.પિયુષનેય વધુ પૈસા કમાવી કંપની આગળ ધપાવવાની મહત્વકાક્ષાં હોય કે નહીં?એને પણ પોતાના સ્વપ્ન સાકર કરવાના હોય.કયાર સુધી આપણો ઘસારો સહી લે!”ગીતાનું પઠન કરી રહેલા જીવણબા બોલ્યાં.
થોડી વારે રમેશને બે દિવસ ઉપરની વાત યાદ આવી.“તારી ફોઈનો છોકરો ધંધો શરૂ કરવાનો કહેતો હતો.શું કહી ગયેલો?...હા,રૂમાંથી કપાસિયા નોખા કરવાની ફેક્ટરી ઊભી કરવાનું કહે છે.”
“પિયુષ પાસેથી આવેલા પૈસા આમેય પડી રહેવાના.એનાં કરતાં અજયને સોપોં.કોઈ એમ કહે ના કે પારકાને પોટલાં ભરી ભરીને પૈસા આપ્યા.સગી ફોઈના છોકરાને આપવાના આવ્યાં તે દુનિયાદારીનું પૂંછડું પકડી બેસી ગયાં.”જીવણબા એ નિખાલસતાથી અંતરની વ્યગ્રતા ઠાલવી.
“નદી તટે રોજ વિંછીને બચાવતા સાધુને જ વીછી કરડે.તોય પોતાનો પરોપકાર કેવી રીતે સાધુ માણસ છોડે!આમાં કોણે કમઅક્કલ કહેવા?-બંન્ને પોતાનાં સિદ્ધાંતને વળગી રહ્યાં?”આવું વ્યંગ વાક્ય જીવણબાનાં પલ્લે પડ્યું નહીં.અર્થને સમજવા તેમણે વ્યર્થ મથામણ પણ ન કરી જોઈ.તે તો ગીતામાં પિતામહ ભીષ્મનું પડખું સેવવામાં લીન હતાં.જાણે જીવણબાને સંસારી જ્ઞાન આપતા કૃષ્ણ સંગે નિસ્બત જ ન હતી.કૃષ્ણની આકરી પાસા ઉજાગર કરતી વાણીને જીવન-કાર્યમાં ઉતારવાની એષણા જ હોય નહીં!
રમેશે અજયને ટેકો કરવા પિયુષ પાસેથી આવ્યાં હતા તે પૂરેપૂરા પૈસા આપી દિધા.રમેશને આશા હતી કે કામ સારું એવું ચાલવા લાગશે તેથી તેણે દીકરી મીનાનાં સસરા પ્રભુ જોડે પૈસા રોકવાની વાત કરી.દોઢ ઘણુંને તે પણ મહિને ચક્રવૃત્તિ પ્રમાણે વ્યાજ ગણાઈને મળશે એવી લાલચે પ્રભુએ જીવનની બચતનો હવાલો રમેશને સોંપ્યો.દિકરીનાં ઘરે જાય તેટલી વાર રમેશ શાંતિનાં અણગમાથી કે પછી બીજા કોઈ કારણે,ભવા ચડેલા દેખાતો.રમેશે અંદરખાને મનમાં એવા પાસા ગોઠવ્યાં કે જો તેમનાં કારણે દિકરીનાં ઘરને લાભ થશે તો વહુ-સાસુનાં સંબંધ સુધરશે.
ધંધામાં જોખમનું તત્વ રહેલું છે.પતિનાં કારસ્તાનની જાણ જીવણબાને થઈ.‘જો દિકરીનાં ઘરનાં પૈસા ડૂબી જશે તો-’ એવા ભયે તેમણે ઘાટ આવ્યે રમેશને કહ્યું, :“તમે જબરી કરી.ન કરે નારાયણને કઇ આડુ અવડું થશે તો સાસુ મીનાને ભરખી જશે.સારું કરવા જાઓ છો,જોજો ક્યાંક હસવામાંથી ખસવું ન થઈ જાય.આપણા પૈસા જાય તો ચાલી જાય-”
રમેશે વાત વચ્ચેથી અટકાવી.દિકરીનાં ઘરે લક્ષ્મીની રેલમ-છેલ હશે,તેની સાસુ સાથે સુમેળ સધાશે એવા સ્વપ્નોમાં મહાલ્યા કરતાં રમેશે કહ્યું,“કઇ નહીં કરે નારાયણ.નાહક ચિંતા કરે છે.આપણે કોઈનું ક્યાં ખરાબ કર્યું તે ઉપરવાળો આપણું ખરાબ કરશે.”
એક વર્ષતો ધંધામાં ઠીકઠાક કામકાજ ચાલ્યું.ધીરે-ધીરે પૈસો હાથમાં આવતાં અજય ફૂલો સમાણો નહીં.પૈસા ખર્ચવા ને ઉડાડવા વચ્ચેનો તે ભેદ ન પારખી શક્યો!કંપનીમાં કારભારી ઉપરા ઉપરી છબરડાં કરી ગોટાળા કરતો ગયો.ધંધા સિવાયની કામગીરીમાં ચકચૂર અજયની નજરે આવી ગફલતો ચડી જ નહીં.પૈસાના મદમાં ગળાબુડ અજયની આંખો ઉઘળી ત્યારે પાણી માથા ઉપર ચડી ગયેલું.માથે લેણાનાં પહાડ ખડકાયા હોવા છતાં અજયને મોંઘી વસ્તુઓ પહેરવા,વસાવવાની ચાનક ચઢેલી તે ન છૂટી શકી.જીવણબાને નજરે સઘડું ચડ્યું.તેમણે વ્યાપારમાં સતર્કતા જાળવી,બાઝી બગળે એ અગાઉ ચેતી જઈને પાણી પહેલા પાળ બાંધવા કહ્યું.એ સમયે તો અજય ‘હા...એ...હા’કરી દેતો ને પછી કરતો એ જે તેણે કરવું હોય.”
ઘાટામાં જતાં કામને કારણે મીનાનાં સાસરિયાને હાથ લાગતું વ્યાજ અટકી ગયું.ધંધો ખાદમાં ગયો છે એની ભાળ શાંતિ-પ્રભુને લાગી.આપેલા પૈસા બાબતે નાહીં લેવાનું ન થાય માટે પૈસા હાથવગા કરી લેવામાં તેમણે ચતુરાઇ સમજી.મૂળીની માગણી કરી જોઈ;અજયને જ ખાવાના વાંધા પડેલા.જમીન ફાડે કે આભ ખોદે, પૈસા ક્યાંથી લાવી આપે?પૈસા ન મળતાં થોડો સમય તો મીનાનાં ઘરનાંએ ચલવી લીધું.સમય વિત્યો.પરસેવાનાં પૈસાનો વિરહ ન ઝીરવાતાં પ્રભુએ રમેશ જોડે વાત કરી.રમેશે ગાડી પાટે ચડી જશે એવી ખાતરી આપી.એવી બાહેધરીથી શું વળે?શાંતિ તેના અસલનાં સ્વરૂપમાં આવી.તેણે મીના પર ત્રાસ વરતાવ્યો.આડકતરી રીતે શાંતિ પૈસાની વાત કહી લોહી ઉકાળા કરતી.પતિ સુદ્વા તેનાથી વિમુખતા આચરી રહ્યો છે એ જોઈ મીનાનો માયલો રુદી ઉઠ્યો.
વસમું પડી જતા એક દિવસ હારિ કંટાળીને મીનાએ જીવણબાને ફોન કર્યો.ઘરમાં થતા રોજરોજના ઘમસાણ,સાસુના ઉત્પાત બાબતે રડતાં મોંએ,વિગતે મીનાએ કથા માંડી.
જીવણબાનાં હાથ બંધાયેલા હતાં.તેમને પણ થતું કે દિકરીનાં ઘરનાને પૈસા વહેલી તકે સુપરત થઈ જાય.દિકરીને સાન્તવના આપી. "બેટા, પહેલા જોઉં ચૂપ થઈ જા...હા,રહી વાત દુઃખની તો બેટા કહું દુઃખ કોને નથી.કપરા દિવસોમાંથી પસાર કરી પ્રભુ તારા પારખા કરી રહ્યો છે.તારા સાસુ સસરાના જીવનનું મહેનતાણું એટલે ચિંતા તો થાય ને.બે શબ્દો કહે એમાં ઝંખવાઈ ન જવાનું."
પરપ્રાતમાં વસતી મીના છાની રીતે ઘરની બહાર નીકળી,પી.સિ.યુ. સેન્ટર પહોંચતી.રડતી જતી ને જીવણબાને સાસુનાં રાબેતા મુજબનાં ઉધામાંથી થતી વેદના,પડતી વીટંબણા કહેતી.ભલે દિકરી બાપની કહેવાતી હોય પણ સંતાન તેની કરૂણ કથા મા પાસે જ જીભ છૂટી રીતે કહી શકે!
જીવણબા દિકરીની પીડાને લઈને ઉદાસ રહેવા લાગેલા.ચો તરફના દરવાજા બંધ થઈ ગયા હતા:પહેલેથી જ તેમની ગળથુથીમાં કે પોતાને પડતી આપત્તી તેઓ બીજાને કહી શકતા નહીં.સંઘોય ભારનો ભારો એકલા જ માથે લઈને ફરતા.મીનાનાં શિરે દુઃખના વાદળો ઘેરાયા છે એનો અંદેશો સુદ્ધાં તેમણે રમેશને આવવા દીધો નહીં. વાસ્તવિકતાથી અજાણ રમેશને થતું કે પૈસાની બાબતમાં વેવાઈ-વેવાણ સાંપ્રત સમયની કઠિણાઈ સમજી ધરપત રાખી બેસ્યાં હશે!
જીવણબા અજયને પૈસા અંગે સુચન દઈ શકે તેમ ન હતાં. કેમ કે એકવાર માત્ર સલાહ આપેલી તો અજયની બાએ ગણગણાટ કરેલો,"તમારા પૈસાનો મારો દિકરો ભરડો લઇ બેસ્યો હોય તેમ કરો છો.એક ફેર એણે કહ્યું તો ખરું કે પૈસા દુધમાં ધોઈ દઈ દેશે.એમાં વળી ઘરે આવી આવા ત્રાગા કરવાના ક્યાં આવે છે.વ્યાજ મળતું ત્યારે કોઈ-"ફોઈનો બબડાટ સાંભળી,તેમની નિંદા કરવાને સ્થાને જીવણબાએ વિચાર્યું-"વાહ!માની મમતા.દુનિયા સામે ઢાલ બની સંતાનને રક્ષે."
આ સંપૂર્ણ વાતની જાણ નોકરી-ધંધાર્થે બહાર વસતા જતીન,વિજયને લાગી."અજય પાસેથી પોતાના પૈસા આવે ન આવે તો કઈ નહીં.બાકી કાંઈ પણ ભોગે મીનાનાં સાસરિયાને ઘરમાંથી પૈસા કાઢી આપી દેવા"; એમ જતીનને યોગ્ય લાગેલું.ઘરમાં બહુ રોકાળ હતી નહીં ને ઉપરાંત ખેતીના કામમાં મંદી ચાલતી હતી.જતીનની વહુ સુરેખાએ તો નાંણાની મદદ કરવાનું ને જરૂર પડ્યે જમીન વહેંચવાનું કહેલું."જમીન તો ભવિષ્યમાં ખરીદી લેવાશે.અત્યારે તો ગમે તે રીતે મીના બહેન કઠણ દિવસમાંથી ઉગરે એટલું બસ છે."ભાભીની નણંદ પરની આવી ઉમદા લાગણી જોઈ જીવણબા ગદગદ થયેલા.તેમણે જમીન ઝવેરાત વહેંચવા યોગ્ય લાગ્યાં.
સુરેખાએ જીવણબાને જમીન વહેંચવાની સલાહ આપી છે એના એંધાણ સુરેખાની મા શારદાને થયા.દિકરીની બાળક બુદ્ધિ પર ખીજાઇ,દાંત કચકચાવી શારદા સ્વગત બબડેલી -"સુરેખાય એક નંબરની અક્કલમઠી.આવી વેવલાઇ કરવાની ક્યાં જરૂર આવે છે.વાંદરાને ડાળી ચીંધાળી.એક તો પે'લેથી જ અગિયાર વીઘાની સાસુ નિલામી કરી બેઠી છે ને…-"
શારદા સુરેખાનાં ભાગે આવતી જમીન ત્રાજવે તોલાતી જોઈ શકે તેમ ન હતી.શારદા આડે દિવસે જીવણબાનાં ઘરે પધારી.કર્તા સ્થાને જીવણબાનું નામ કહ્યા વિના,શરમને માળવે ચડાવી તે ઉદ્ધતાઈની સીમા ઓળંગી ગયા:"કેમ જીવણબુન તબિયત પાણી સારૂ ને?હં…બરોબર ચાલેને બધું?..જોકે બધા તમારા જેવા મોટા ગજાનાં જીવ થોડી હોય.પડ્યા છે એવા જે બાપ દાદાનું મળેલું ઉડાવ્યે રાખે. ઝરા જેટલું ભાન પડે નહીં કે દિકરા-વહુ ભલે બહાર રહેતા હોય તોય વતન,સમાજમાં આબરૂ રહે,કોઈ પૂછે તો છાતી કાઢી કહેવાય તેટલી જમીન હોવી તો જોઈ ને.આતો ભિખારાઓ કરતાંય ભૂડું થયું.ભીખારીને તેમના બાપા ફોતરું આલે નહીં ને તે તેનાં દીકરાને કંઈ ન આલી શકે,એ તો સમજાય.જોકે ગામમાં બળઈ હાંકવા ખાતર લોકો ઘરનાં તળિયા ઝાટકી દે.તેમણે લોકલાજ ન આવતી હોય!
શારદાની વાત સાંભળી તે દીકમૂઢ બની ગયા.તેનાં પ્રત્યેક શબ્દ તેમની પ્રત્યે કટાક્ષમાં ઉચ્ચરાયા છે એમ જીવણબાને સમજાઈ ગયું.એક ઘડી તો જીવનમાં કોઈનાં લાભાલાભ ઇચ્છે વાપરેલ પૈસા જાણે પોતાની મોટી ભૂલ લાગી આવી.
જીવણબા મૂક બની ભોંય સામે એકીનજરે નીચું જોઈ રહયા.એ જોઈ,મોળો પ્રતિસાદ મળ્યો એમ લાગતાં,હજુ સંતોષ ન પામ્યા હોય તેમ તિર ખલાસ થઈ જતા કામઠાને અસ્ત્ર બનાવી શારદાએ ઝીંકયું, :“તમે જીવણ બે’ન સંત માણસ,નહીંતર એવા લોકોની ક્યાં ખોટ છે જેમણે આવનાર પેઢીની પડી જ ન હોય.”શારદાએ ઘણું મોંફાટ બકે રાખ્યું.એ સાંભળી જીવણબાનાં કાન સુન્ન થઈ ગયાં.
શારદાને પોતાના વિષે આટલી હદે ઉતરતો અભિગમ છે એમ દેખી તે અગાધ દુ:ખનાં દરિયામાં ડૂબી ગયાં.શારદાની વાતમાં ભરમાયેલી ગામની બીજી એક-બે સ્ત્રીઓ જીવણબાનાં ઘરે આવેલી.છેવટે કહું કહુને કહી ગઈ કે,:“જીવનમાં કમાવવાનું મહત્વ છે તેની સમકક્ષ બચાવવાનું પણ એટલું જ જરૂરી છે.દરિયાશી સંપત્તિને બીજા માટે ન્યોછાવર કરી નદી જેટલું વળતર ખમાય.હું તો જીવણબા બીજા જેવી નહીં.એક વાર પોતાને ગિરવી મૂકવું વારસાને વહેચવા કરતાં સારું માનું !”
જીવણબાની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગયેલી.એક પા દિકરીનો રોજ ફોન આવ્યે જાય.પોતે કઈ કરી શકે નહીં.પોતાને સાધીને શારદાએ વદેલાં ટોણાં મગજમાં રણક્યાં કરતાં.દિનાનાથે દરવાજે સાંકળ લગાવી જીવણબાનું જીવન અંધકારમય બનાવી દીધું હતું.પૈસો ઘરમાં હતો નહીં.દિકરા-વહુનાં કહેવા છતાં સંપત્તિ જતી કરી દિકરીના દહાડાં સુધારી શકે તેમ ન હતાં.આ સ્થિતિમાં જીવણબાને મોટી ફાડ તો દુનિયાએ અખ્તીયાર કરેલી દ્રષ્ટિ જોઈ પડી.પોતાની અપરિગ્રહી વૃત્તિને લોકોએ ઉડાઉ કહી વગોવી એ દેખી તેમને તસુ ભર પાણીમાં ડૂબી મરવાનું મન થયું.તેમનાં મગજમાં વિઝળીની વેગે પ્રશ્ન ઝબુક્યો, :“શું હુંએ બીજા આગળ સારું બનવા થઈને કોઈનાં સુખ દુ:ખમાં સહભાગી બનેલી.કોઈ મોટો મા’રાજ કેવડો કેમ હોય નહીં,એનાં સંતાન માટે સ્વાર્થ એનેય દેખાય.મારો નિસ્વાર્થ દૂર ડુંગરે જઈ ચઢેલો કે મેં મારાં સંતાન રેઢા મૂક્યાં.કોઈ ઓરમાયા પણ મારા જેવી બદતર નહીં હોય?બાળકોને જે વરસા ગત જમીન પર હક્ક હતાં તે મેં કયા અધિકારે વહેંચી.”પોતાનાં ઉપર કોપેલા,જીવણબા સ્વ સાથેનાં સંવાદમાં વૈખરી વાણીનાં ઉગ્ર શબ્દો બોલી ગયાં.ક્ષણ બાદ સ્વભાવ વિરુદ્ધનાં વર્જ્ય વર્તનથી છોભીલાં પડી ગયાં!
પહેલ વહેલી વાર જીવણબા સાંસારિક જીવનમાં દુવિધાઓથી દિશાશૂન્ય બન્યાં.શારદા બહેનનો તિરસ્કાર તેમણે શત પ્રતિશત સાચો ઠેરવ્યો.“સ્વજનોનાં ભોગે પારકાનાં પરોપકાર થઈ શકે!”
દિન પ્રતિદિન જીવણબાની દ્વિધા વૃત્તિમાં વધારો થયો.અગ્નિની લાયથી હવાચુસ્ત કુકર વિસ્ફોટ થયું,ખરું!
સંજોગોથી નાસીપાસ જીવણબાને માર્ગ જળ્યો.પોતાના વેણ સવાર પડતાં અફર થશે ખરાં એમ ચોક્કસ માની જીવણબા નિંચિતી બની ગાઢ નિદ્રામાં ઉતરી ગયાં.લાંબા અરસે મીઠી નીદર આવી.જીવનની જંજાળ-ભળભાંખડની ભાંગજડમાંથી છૂટવાનો ઉપાય જે મળી ગયો હતો ને!કૂકડાંનાં બાંગ પુકારતાની સાથે તે પથારીમાંથી ઉઠ્યાં.
મોઘાં મુલી રેશમી સાડી શરીરે વિંટાળી.કમર સુધીની ડગલી પહેરી.વાળને બહુધા દિવસ પછી અંબોડો વાળી હોળાવ્યાં.અરીસા પ્રત્યક્ષ રહી પોતાનાં રૂપને નિરખવા લાગ્યાં.શણગારમાં ક્યાંક ઉણપ રહી હોય તેમ લાગતાં નાકમાં નથણી લગાવી.પોતાનાં વાન,નિર્દોષતાથી સભર ચક્ષુ પર વારી ગયાં.દિકરાનાયે દિકરા થવા આવ્યા તોય કેશ કાળાભમ્મર હતાં તેવા જીવણબા ભરજોબનમાંથી જાગ્યાં હોય તેવા લાગતાં હતાં.રમેશને સવારે ચાલવાનો નિયમ.ઊઠીને ચાલવા જાય છે ત્યાં જીવણબાને કહ્યું, :“ક્યાંય જવાનું છે કે શું?વર્ષો પછી મારી રૂપ સુંદરીએ આવા સોંહમણાં રૂપ ધર્યા.”
જીવણબાની તો જીભે આવી ઉભું રહી ગયું:“હા,જવાનું છે.મૃત્યુ પાસે પ્રીતિ બાધંવા!”-કહ્યાં વગર ફક્ત મલકાયાં.
રમેશ ચાલતા-ચાલતા ઝાંપે સુધી પહોચ્યા.પડદો ઢાંકેલા ગોખલામાંથી તે શીશી લઈ આવ્યાં-‘એસિડથી છલોછલ શીશી.’ પ્રથમ શીશીને અને તુરંત પછી અરીસા સામું દેખ્યું,:“લોક સાચું બોલે કે દુનિયા તારે દસ મોઢા છે.પ્રભુ કોઇની બદદોઈ નથી કરતી પણ કહેવું મારૂ સાચું જાણજે કે કોઈનું ખોટું કરવું જેટલું ખરાબ નથી તેના કરત બમણું ખરાબ સારું કરવું છે.નહિંતર લોકોના પડતા વેણ ઝીલનારીની આવી દશા શાની થાય?દુનિયાને મદદ કરીને જ્યારે દિકરીને મદદ કરવાની આવી ત્યારે હું પાછી પડી.બઉ કરી બીજાની મદદ.આજે જોઈ લઇશ કે હું મારી મદદ કેવી રીતે કરી શકું છું.”પોતાને સંબોધીને કહ્યું,તેમણે શીશીનું ઢાંકણ ઉઘાડયું.
“ચાલ,ઘણું બોલી લીધું,બોલકી.”હસીને બોલ્યાં.
એસિડ અમૃતતુલ્ય હોય તેમ ગટગટાવી ગયાં.કોઈ કાળે નહીં ને આજે જીવણબા સ્વાર્થી બની ગયાં,પ્રભુ પાસે પહોંચાડતી પ્રસાદીનું એક ટીપું બીજાને પીવા રહેવા દીધું નહીં!તે તેજાબનાં તમતમતા પ્રવાહીનાં ઘૂટડે-ઘૂટડા ભરવા લાગ્યાં.છાતીની ચામડી ચિરાવા લાગી.પહેરેલ વસ્ત્ર અને અંગોને એસિડની તીવ્રતા ભસ્મીભૂત કરવાની કગારે હતી.અસહ્ય વેદનાથી શરીર કણસણતું રહ્યું જોકે આત્માનાં સમજણની શીતળતા હરિને મળવા ઉત્સુક બની.
હાથમાંથી કાચની શીશી જમીને પછડાઇ.જીવણબા આપમેળે સંતુલન ગુમાવી જમીને ઢળી પડ્યા.ઉનાળાનાં દિવસો હતાં જેથી રજામાં ઘરે આવેલા જતીન-સુરેખા અગાસીએ પોંઢેલા.નીચે થતાં અવાજને તથા ધ્રાણમાં આવતી વાસને કારણે જતીન ફલાંગો ભરતો નીચે આવ્યો.
દરવાજો અંદરથી બંધ હતો.જતીને બારીમાંથી જીવણબાનાં ક્લેવરને બેશુદ્ધ હાલતમાં જમીને પડેલો દેખ્યો.તે દોડીને પાછળનાં દરવાજેથી ઘરમાં દાખલ થયો.ઓરડીમાં પ્રવેશતાની સાથે જતીનને,શું બન્યું હશે?, એ પૂર્ણપણે સમજાઈ ગયું.તેણે ચાદર જીવણબાનાં શરીરે લપેટી હોસ્પીટલમાં લઈ જવા ગાડિમાં બેસાડયાં.ત્યાં સુધીમાં આડોશ-પાડોશ ભેગું થઈ ગયું.સૌને જીવણબાએ એસિડ પીધું એ જાણી ધાસ્તી પડી.તેમનું પ્રાણ પંખેરૂ હજુ ઉડ્યું ન હતું.તે જતીનને જોઈ ફોરું હસ્યાં,કહેતા ન હોય :“આખી જીદગી કોઈને તકલીફ ન પડે તેવું કર્યું,દિકરા.આજે હું મરીને પહેલી વાર મારી મુશ્કેલી દુર કરું છું.જોજે હસ્તે મોઢે જાઉં છું.મારી વાહે રડીને મને દુભાવશો નહીં.”જીવણબાનું શરીર મડદામાં પરિણમ્યું.
-તેમની મરણોત્તર ક્રિયાકર્મ વિધિ સંપૂર્ણ થાય છે.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
આ ઘટનાને વર્ષ વીત્યું.જીવણબાનો શ્રાદ્ધ આવ્યો.હું હાથમાં પાવડો લઈ ખેતરમાં ટોયામણ કરી રહ્યો હતો.નિકમાંથી કાચ સમા વહ્યાં જતાં પાણીમાં મારા પગ જોઈ રહ્યો.એકાએક મનમાં તરંગ ઉઠતાં નિકમાંથી પગ નીકાળી બાજુ પર ઊભો રહ્યો.ખડખડાટ હસી પડી જીવનનો દ્રષ્ટાંત ગોઠવી ઉઠ્યો, :“પૃથ્વીએ તદ્દન આ રેતીની બે પાળી વચ્ચેથી નીકળી જતાં પાણી જેવી.જેવો તમારો પગ પ્રવાહમાંથી નીકળ્યો તેવી પાણીની ધાર અડચણ વગરની પહેલાં જેવી.પાણીનાં પ્રવાહમાંથી બહાર નિકળી જતાં પગની જગ્યાની જેમ જ માણસની હસ્તી,તેની કિર્તિ તેના મર્યા પછી અલોપ થાય છે.જીવણબાની હસ્તી એમ જ વિસરાઈ જશે-આ ચક્રમાંથી હુંય ક્યાં બાકાત રહેવાનો છું.દર્પણ સામેથી ખસો તો દર્પણ થોડી તમારું પ્રતિબિંબ સંગ્રહી રાખે.દુનિયા પણ દર્પણ જેવી,હોં!”
“મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકાળીને જગ્યા પુરાઈ ગઈ.”
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@