Hostel Boyz - 6 in Gujarati Comedy stories by Kamal Patadiya books and stories PDF | Hostel Boyz - 6

Featured Books
Categories
Share

Hostel Boyz - 6

પ્રસંગ 4 : હોસ્ટેલનું ભૂત

પુરાની હવેલીના રૂમો જેવા અમારા રૂમોનો દેખાવ હતો. આમ પણ, અમારા બધાના રૂમોની લાઈટો રાત્રે બંધ થઈ જાય એટલે અમારી હોસ્ટેલ ભુતીયા મહેલ જેવી લાગતી. રૂમમાં બંન્ને સાઇડમાં પલંગ ગોઠવાયેલા હતા અને રૂમના વચ્ચેના એરિયામાં ખાલી જગ્યા આવેલી હતી જેમાં વચ્ચે black color નું એક ચક્કર દોરેલું હતું. અમારા રૂમમાં રાત્રે જ્યારે મહેફિલો જામતી ત્યારે અમે દરરોજ જુદા જુદા વિષયો પર ચર્ચાઓ કરતા. ક્યારેક ફિલ્મની, તો ક્યારેક ક્રિકેટની, ક્યારેક રાજકારણની, તો ક્યારેક Education ની, ક્યારેક ધર્મની, તો ક્યારેક સંસ્કૃતિઓની ચર્ચાઓ કરતા. આ ચર્ચાઓ માટે જુદા જુદા રૂમમાંથી બધા લોકો આવીને અમારા રૂમમાં બેસતા ત્યારે અવાર નવાર ભૂતોની વાતો નીકળતી. આમેય, તે સમયે ભૂતોનો વિષય interesting અને અમારો પસંદીદા હતો. બધા એક પછી એક એમ પોતાના અનુભવો જણાવવા માંડ્યા. ભૂત હોય છે કે નહીં?, હોય તો ક્યાં હોય છે?, શું કરે છે? તે વાતની ચર્ચાઓ થઈ. અમારું ગ્રુપ "દુનિયામાં ભૂત હોય છે" એવું બધાને મનમાં ઠસાવવામાં લાગી ગયું. કારણ કે તેને લીધે અમારા ઘણા બધા problem solve થાય તેમ હતા. કોઈ સ્ટોરી બનાવતા તો કોઈ હોરર મુવીની સ્ટોરી કહેતા. બધા પોતપોતાની રીતે ભૂતોની કહાની સંભળાવીને બીજાને બીવડાવવાની કોશિશ કરતા. બીવડાવવામાં અમારા ગ્રુપનો કોઈ જવાબ નહોતો.

મેં ભૂતના ચાર-પાંચ કિસ્સાઓ એવા સંભળાવ્યા કે બધાને અહેસાસ કરાવ્યો કે ભૂત હોય છે પછી વાતોમાંથી વાત નીકળી કે આ હોસ્ટેલમાં પણ ભૂત થાય છે. લોઢું ગરમ હતું અને અમે એક પછી એક હથોડા મારી રહ્યા હતા.

પ્રિયવદન અને પ્રિતલાએ ઉપરના 10 નંબરના રૂમમાં ભૂત થાય છે અને રાત્રે પથ્થર અને લાકડીઓના ઘા થાય છે, રૂમની બારીઓ ખોલ બંધ થાય છે, રૂમમાંથી પાયલની અવાજ આવે છે વગેરે વાતો કરી. પ્રિયવદન અને પ્રિતલાની વાતો ઉપરથી મે પણ વાત કરી કે અમારા રૂમમાં પણ ભૂત થાય છે અને રૂમમાં વચ્ચે આવેલી જગ્યાએ જ્યાં ગોળ ચક્કર આવેલું છે ત્યાં એક જમાનામાં કૂવો હતો અને આ કૂવામાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી તેથી તે કૂવો પૂરી દીધો અને માથે black color નું ચક્કર બનાવી દીધું છે. રાત્રે રૂમમાંથી વિચિત્ર અવાજો આવે છે. વિનયાએ બીજી વાત કરી કે 5 નંબરના બાથરૂમમાં પણ ભૂત થાય છે. નળ ઓટોમેટિક ચાલુ થઈ જાય છે, કપડા ઉપરથી પડી જાય છે, ડોલમાંથી પાણી ઢોળાઈ જાય છે. એક પછી એક એમ અમે ભૂતોની એવી સ્ટોરી બનાવતા કે હોસ્ટેલના લોકોને પોતાના રૂમમાં જવા માટે પણ બીક લાગે. જે લોકો શૂરવીર હોવાનો દાવો કરતાં તેને અમે બાલવીર બનાવી દેતા. પછી તો શું? બધાને અમારી વાતો પર વિશ્વાસ આવી ગયો અને આવી રીતે અમે હોસ્ટેલમાં ભૂતને ઘુસાડી દીધું.

ઘણી વખત તમે બીજા ગ્રુપ સાથે શરતો પણ મારતા જેમ કે, ત્રીજા માળની અગાસીએથી હોસ્ટેલના બોર્ડને ટચ કરીને આવવાનું, મોડી રાત્રે 5 નંબરના બાથરૂમમાં 30 મિનિટ સુધી રહેવાનું, અમારી હોસ્ટેલમાં રૂમ નંબર 10 બહુ જ અવાવરૂ રૂમ હતો તેમાં આખી રાત પસાર કરવાની. આંખ પર પટ્ટી બાંધીને ત્રીજા માળની અગાસી સુધી પહોંચવાનું, બીજા માળેથી સીડીનો ઉપયોગ કર્યા વગર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પહોંચી જવાનું. આવી શરતોને લીધે જેતપુરના એક છોકરાનો પગ ભાંગી ગયો હતો. પછીથી કન્વીનરની કડકાઈને લીધે અમારી શરતો બંધ થઈ ગઈ હતી.

હોસ્ટેલમાં ભૂતોની સ્ટોરી બહુ લાંબા પિરીયડ સુધી ચાલી હતી અને અમને પણ ભૂતોની સ્ટોરી લંબાવવામાં રસ હતો કારણ કે તેને લીધે અમને ફાયદો થતો હતો. જ્યારે અમારા ગ્રુપમાંથી કોઈ ભૂતોની વાર્તા કહે ત્યારે અમે એકબીજામાં સૂર પુરાવતા અને તે વાત બધી રીતે પુરવાર કરવાની કોશિષ કરતા પરંતુ જ્યારે હોસ્ટેલના બીજા કોઈ લોકો અમને ભૂતની વાર્તા કહેતા હતા ત્યારે તેની વાત અમે હસવામાં કાઢી નાખતા અને તેની વાર્તાઓ ઉપજાવેલી છે તેવું સાબિત કરી દેતા. આ અમારી એક strategy હતી.

જોકે, હોસ્ટેલમાં ભૂતને લાવવામાં અમારા ગ્રુપનો સ્વાર્થ એ હતો કે અમે જ્યારે સવારમાં ઊઠીએ ત્યારે બધા વિદ્યાર્થીઓ અને કામ કરતા લોકો બાથરૂમમાં સ્નાન હોય છે તો અમારે બાથરૂમ માટે રાહ જોવી પડતી હતી, હવે અમારૂ કામ સરળ બની ગયુ હતુ કારણ કે, કોઈ પણ 5 નંબરના બાથરૂમમાં નહાવા જવાની હિમ્મત કરી શકતું નહોતું એટલે કે એ બાથરૂમ અમારા માટે reserve થઈ ગયું હતું અને અમે ગમે ત્યારે તેમાં આરામથી સ્નાન કરી શકતા હતા. બીજું કે હોસ્ટેલમાં અમારા ગ્રુપનું મહત્વ વધી ગયું હતું કારણ કે બધાને એમ લાગ્યું કે આ લોકો જ ભૂતનો સામનો કરી શકે તેમ છે.

અમારી ભૂતોની વાતો સાંભળીને હારીજનો એક છોકરો એટલો ડરી ગયો હતો કે બીજે દિવસે તેને ટ્યુશનમાં ઝાડા થઈ ગયા હતા.

અમારી ભૂતોની વાર્તા ને સાચી સાબિત કરવા માટે અમે ક્યારેક ક્યારેક ભૂતોના પ્રયોગો કરતા રહેતા. અમારી હોસ્ટેલમાં સંડાસ બાથરૂમ અમારા રૂમની પાછળની સાઈડમાં ગલીમાં આવેલા હતા. અમારી ભૂતોની સ્ટોરીને લીધે હોસ્ટેલના લોકો રાત્રે સંડાસ બાથરૂમ કરવા માટે ગલીમાં જતા ડરતા હતા. અમારા રૂમની બારી એ રસ્તાની વચ્ચે જ આવેલી હતી. જ્યારે રાત્રે કોઈ બાથરૂમ કરવા માટે આવે ત્યારે અમે અમારા રૂમની લાઈટો બંધ કરીને બારીમાંથી ભૂત જેવું મોઢું કરીને લોકોને બીવડાવતા. ક્યારેક માથા પર ચાદર ઓઢીને, તો ક્યારેક મોઢા પર પાવડર લગાવીને લોકોને ડરાવતા હતા. એક વખત ગઢડા ગામના વિદ્યાર્થી ઉપરથી નીચે બાથરૂમ કરવા આવ્યો તો તેણે મારુ મોઢું જોઈને ત્યાં જ બાથરૂમ કરી નાખ્યુ હતું. આવું હતું અમારૂ હોસ્ટેલનું ભૂત.

ક્રમશ: