Pentagon - 19 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | પેન્ટાગોન - ૧૯

Featured Books
Categories
Share

પેન્ટાગોન - ૧૯

(કબીર પોતાના પાછલા જનમની વાત કહી રહ્યો હતો, જ્યારે એ કબીર નહિ પણ કુમાર હતો અને આ મહેલમાં ઘોડાના રખેવાળ તરીકે નોકરી કરતો હતો...મહેલના મહારાજની ઐયાશી વૃત્તિથી કંટાળી ગયેલો કુમાર એની પ્રેમીકા સાથે મળી અહિંથી ભાગી જવાનો કીમિયો રચે છે...)

ચંદ્રાએ કહ્યું એ પ્રમાણે કરવાનું કુમારનું ગજું ન હતું. ચંદ્રામાં રાજપૂતાણી લોહી વધારે જોશ દેખાડી રહેલું પણ કુમારમાં એટલી હિંમત ન હતી. છતાં રોજ રોજ ડરવું અને ધીરે ધીરે મરતા જવું એના કરતા એક જ વખતમાં મરી જવું સારું એમ વિચારી કુમાર તૈયાર થયેલો.

ચંદ્રા અને કુમારના પ્લાન મુજબ જે દિવસે મહારાજ અને એમનો કાફલો શહેર જવા નીકળે એ પછી તરત જ અંદર પુરાયેલી સ્ત્રીઓને બહાર કાઢી એમની સાથે ઘોડાગાડીમાં જ અહીંથી જેટલું જઈ શકાય એટલું દૂર ચાલ્યા જવાનું હતું. આ સ્ત્રીઓને કોઈ સુરક્ષિત જગ્યાએ છોડીને ત્યાંથી પણ દૂર ભાગી જવાનું હતું. મહારાજના હાથમાં એ લોકો ક્યારેય ના આવવા જોઈએ નહિતર મોત નિશ્ચિત હતું.

એ દિવસે મહારાજ તૈયાર હતા. એમના બીજા માણસનો કાફલો પાછળ અલગથી આવવાનો હતો. મહારાજ એમની ગાડીમાં બેસવા જ જઈ રહ્યા હતા કે અચાનક એમણે ચંદ્રાને યાદ કરેલી. એક માણસ જઈને તરત ચંદ્રાને ખબર આપી આવેલો અને ચંદ્રા હાજર થઈ ગયેલી.

“બેટા તું એકલી મહેલમાં શું કરીશ? ચાલ તું પણ મારી ગાડીમાં આવી જા. તારા ભાઈને પણ સારું લાગશે." મહારાજે ખૂબ લાગણીથી કહેલું. એ ભાગ્યે જ ચંદ્રા સાથે વાત કરતા. જ્યારે પણ જાહેરમાં એ ચંદ્રા સાથે વાત કરતા હોય એ એના પિતા હોય એવું જ જોનારને લાગે. જો કે ચંદ્રાને મહારાજે ક્યારેય કોઈ તકલીફ ન હતી આપી.

“પણ હાલ હું તૈયાર નથી." ઓચિંતી સાથે જવાની વાત સાંભળી ચંદ્રા થોડી ગભરાઈ હતી.

“શું ફરક પડે છે ત્યાં પહોંચી ગયા બાદ તૈયાર થઈ જજે."
“હા..પણ મારે મારા કપડા અને કેટલોક સામાન સાથે લેવો પડશે. તમે નીકળો હું પાછળની ગાડીમાં આવી જઇશ." ચંદ્રાએ માંડ પોતાની ગભરાહટ ઉપર કાબૂ રાખીને જવાબ આપેલો.

“અરે બેટા હવે તું નાની નથી અને તું એક રાજકુમારી છે એ વાત તારે ભૂલવી ના જોઈએ. તારા માટે એક જગ્યાએ વાત ચાલે છે. એક મિનિસ્ટરના દીકરા સાથે. ત્યાં સંબંધ નક્કી થઈ જાય તો આખી જિંદગી રાજ કરીશ."

મહારાજ ફરી ભાવથી કહી રહ્યા હતા જેને અવગણવું ચંદ્રા માટે મુશ્કેલ થતું જતું હતું. ગમે તેમ તોય એમણે એક અનાથ છોકરીને પોતાના ઘરમાં દીકરીની જેમ ઉછેરી હતી. શું ખબર લગ્ન બાદ એ કરિયાવરમાં એના માબાપે છોડેલી મિલકત આપવાના હોય..
ભારે મને ચંદ્રા મહેલમાંના એના ઓરડામાં ગયેલી. મહારાજની વાત એ ટાળી શકે એમ ન હતી. એણે એના કેટલાક કપડાં બહાર કાઢ્યા અને બેગમાં ભર્યા. કેટલાક ઘરેણાં પણ સાથે લીધા. શહેરમાં બધાની આગળ એને એક રાજકુમારી તરીકે હાજર થવાનું હતું. બધાના મનમાં રાજકુમારી વિશે કેટલીક માન્યતા બંધાયેલી હોય છે. જેમ કે એ ખૂબ સુંદર હોય, સુંદર કપડાં અને ઘરેણાં પહેરતી હોય... એ માન્યતા તુટવી ના જોઈએ. ચંદ્રાને વારે તહેવારે ઘણા કિંમતી આભૂષણ મહારાજ આપતા રહેતા. એમના કુટુંબની આબરૂ લોકો સામે જળવાઈ રહે એની એ ફિકર કરતા.
ચંદ્રા તૈયાર થતી હતી ત્યારે નીચે મહેલના જે માણસો સાથે આવવાના હતા એ એની રાહ જોઈ રહ્યા હતા. કોઈને ખબર ના પડે એમ ચંદ્રાને એકવાર કુમારને મળી એને બધી વાત કરવાની હતી. એ કોઈ તકની રાહ જોઈ રહી હતી. જેવી એ તૈયાર થઈને નીચે પહોંચી કે તરત એક નોકરે આવી ખબર આપી કે, “ગાડી તૈયાર છે." છેલ્લી ઘડીએ શું કરવું જોઈએ એ ના સમજાતા ચંદ્રાએ ચક્કર ખાઈને નીચે પડી જવાનું નાટક કરેલું...

ગાડી પાસે જઈને એ ઉભી રહી ગઈ હતી. એક નોકરે આવીને દરવાજો ખોલ્યો હતો અને એના હાથમાંની હેન્ડ બેગ પાછળ ડેકીમાં મૂકવા માંગી હતી. બરાબર આ જ સમયે ચંદ્રાએ એક હાથ ઉપર ઉઠાવી એના કપાળે મૂકેલો અને આંખો બંધ કરી એ ધીમેથી નીચે ફસડાઈ પડેલી. તરત ત્યાં હાજર નોકરે એને બૂમ મારેલી. ચંદ્રા બેભાન થઈ ગયેલી. ડ્રાઈવર અને આગળ બેઠેલા દિવાન સાહેબ આ બધો અવાજ સાંભળી તરત નીચે ઉતરી આવેલા. એમણે પછી ડ્રાઈવર સાથે મળીને ચંદ્રાને ઉઠાવવાનો પ્રયાસ કરેલો. એ લોકો પોતાને ઉઠાવીને ગાડીની પાછલી સીટ પર બેસાડી દે એ પહેલા ચંદ્રા ભાનમાં આવી ગઈ હતી અને ખૂબ નબળાઈ લાગતી હોય એવું નાટક કરતી ઊભી થયેલી.

“આપની તબિયત ઠીક નથી લાગતી. ગાડીમાં બેસી જાઓ આપણે પહેલા ડોકટરને ત્યાં થઈને પછી શહેરમાં જઈશું." દીવાને કહ્યું.

“ના ના એવું કરવાની જરૂર નથી. મારા લીધે આમેય તમારે ઘણું મોડું થયું છે, મારે વધારે મોડું નથી કરાવવું. મહારાજ સાહેબ ખૂબ આગળ નીકળી ગયા તમારે એમની સાથે રહેવું જોઈએ." ચંદ્રા એ હવે આગળ શું કરવું એ વિચારી લીધું હતું.

“મારી તબિયત ઠીક છે. થોડોક આરામ કરી લઈશ અને જ્યુસ પી લઈશ. તમે લોકો નીકળો હું આવતી કાલે સવારે આવી જઇશ."

આ બધું ચાલતું હતું ત્યારે કુમાર દૂરથી અહીંયા નજર કરી રહેલો. અહીંયા ચાલી શું રહ્યું છે એ વાતથી સાવ અજાણ એણે ચંદ્રાને નીચે ફસડાઈ પડતાં જોઈ હતી અને એ દોડીને અહીંયા આવી ગયેલો. ચંદ્રા ઊભી થઈને વાત કરી રહી હતી ત્યારે એની આગળ દિવાન સાહેબ, ડ્રાઈવર, એક નોકર અને કુમાર ઊભા હતા.

“જેમ તમને યોગ્ય લાગે એમ કરીએ કુંવરીસા." દિવાન સાહેબ હવે હરકતમાં આવી ગયેલા. એક તો એમને મોડું થતું હતું. મહારાજ એમની રાહ જોતા હશે. રસ્તામાં ક્યાંય રોકવાનું થાય તો એની વ્યવસ્થા કરવાની જવાબદારી દિવાનની હતી. આમેય છ કલાકનો લાંબો રસ્તો હતો અને મહારાજને લાંબો સમય ગાડીમાં બેસી રહેતા બેચેની થવા લાગતી હતી. એમણે તરત હુકમો છોડ્યા,
“રામજી તું મહેલમાં રોકાઈને કુંવરિસા નું ધ્યાન રાખજે, એમને માટે જ્યુસ બનાવવા કહી દે અને પછી ડોકટરને તેડી લાવજે. સારું થયું કુમાર તું અહીંયા જ છે. તું અમારી સાથે ગાડીમાં બેસી જા. મહેલમાંથી બધી ગાડીઓ નીકળી ગઈ છે આપણે ત્યાં પહોંચી જઈએ પછી તું ગાડી લઈને પાછો આવી જજે."

“પણ મારી શું જરૂર છે? તમે ડ્રાઇવરને પાછો મોકલી આપજો." કુમારની સમજમાં કંઈ નહતું આવ્યું. અહીંયા શું ચાલી રહ્યું હતું એની એને જરાય જાણકારી ન હતી.

“ડ્રાઈવરની જરૂર શહેરમાં વધારે પડશે. ત્યાં કેટલાક મહેમાનોને તેડવા માટે જવાનું થાય ત્યારે ડ્રાઈવર હાજર હોવો જરૂરી છે, ગાડીઓ તો કુંવર સાહેબ પાસે ઘણીય છે. તું અત્યારે સાથે ચાલ રાત્રે આજ ગાડીમાં પાછો આવી વહેલી સવારે કુંવરીસાને લઈને આવી જજે."

દિવાન સાહેબ આગળ “ના" કહેવાની સત્તા કુમાર પાસે ન હતી. એ પરાણે ગાડીમાં બેઠયો હતો. ચંદ્રા એની બેગ સાથે અંદર જતી અટકી ગઈ હતી અને એણે બધી વાત સાંભળી હતી. એને માટે તો આ એક સારી વાત હતી. સામેથી કુમારને ગાડી અને ચંદ્રા બંનેને લઈને નીકળવાની છૂટ મળી રહી હતી. કોઈને છેક સુધી શંકા જાય એવું નહતું!

ગાડી નીકળી મહેલ બહાર ગઈ ત્યારથી જ ચંદ્રા આતુરતાથી કુમારની પાછા ફરવાની રાહ જોવા લાગી હતી. એણે વિચાર્યું પણ ન હતું કે કુમારને પાછો ફરતા વરસોનાં વરસ લાગી જશે. એ પાછો ફરશે ત્યારે ચંદ્રાને ભૂલી ચૂક્યો હશે. એનું નામ કુમાર ને બદલે કબીર હશે!
ક્રમશ...