#KNOWN - 27 in Gujarati Horror Stories by Leena Patgir books and stories PDF | #KNOWN - 27

Featured Books
Categories
Share

#KNOWN - 27

"માધવી આદિત્યને અહીંયા બોલાવીને તે ઠીક નથી કર્યું." આટલું બોલીને તરત અનન્યાએ પોતાનો હાથ માધવીના ગળા પાસે રાખીને જોરથી ભીંસવા લાગી. આદિત્યએ તરત માધવીને અનન્યાથી છોડાવી. આદિત્યએ જોયું કે અનન્યાની આંખોમાં એક અજીબ ચમક હતી. તેની આંખોનો સફેદ ભાગ લાલ થઇ ચૂક્યો હતો. તે પોતાના દાંતને ભીંસી રહી હતી. આદિત્યએ જોરથી અનન્યાને ધક્કો લગાવી દીધો.

"અનુ શું કરે છે તું આ બધું??" અનન્યાના ગાલ પર તમાચો મારતાં આદિત્યએ કહ્યું.

"આદિ તું મારી સાથે ચાલ અહીંથી..." અનન્યાએ રાડ પાડતા કહ્યું. આદિત્ય જવા માટે ના કહે છે.

"આદિત્ય પ્લીઝ સમજ તું આને અહીંથી લઇ જા, નહીં તો એ મને મારી નાખશે." માધવીએ આદિત્યને ધીરા સ્વરે કહ્યું.

અનન્યા ઉભી થઇ અને કાંઈ પણ બોલ્યા વગર આદિત્યનો હાથ પકડીને તેને બહાર દોરી ગઈ. કારનો દરવાજો ખોલીને તે કાર ચલાવવા લાગી.

"અનન્યા આ બધું શું છે?? તું આમ કાંઈ પણ મને કહ્યા વગર અહીંથી નહીં લઇ જઈ શકું." આદિત્ય ગુસ્સામાં કારની બારી પાસે રહેલ કાચ પર હાથ પછાડતા બોલ્યો.

"અજીબ દાસ્તાન હે યે, કહા શુરુ કહા ખતમ,
યે મંઝિલે હે કોનસી, ના તુમ સમજ શકે ના હમ..... હાહાહા" અનન્યા ગીત ગણગણતી કારને આમતેમ દોડાવીને અટ્ટહાસ્ય વેરી રહી હતી.

આદિત્યએ કારનાં ગિયરને પકડીને ગુસ્સાથી અનન્યાની સામું જોયું.
"અનન્યા સ્ટોપ ધ કાર.... અહીંયા હું તને કાંઈક પૂછું છું ને તને ગીતો ગાવાનું સુઝે છે??"

અનન્યા કાંઈ પણ બોલ્યા વગર ગીતોની આગળની પંક્તિઓ ગાવા લાગી હતી. આદિત્યનો ગુસ્સો વધતો જતો હતો.
આદિત્યએ છેલ્લી વાર જોરથી ગળું ફાડીને અનન્યાને કાર રોકવા માટે કહ્યું. ત્યાંજ એક જોરદાર બ્રેક મારીને અનન્યાએ કારને રોકી દીધી.

"શું છે તારે?? મને કીધા વગર અમદાવાદ આવવાની હિંમત કેવી રીતે થઇ તારી??" અનન્યા ગુસ્સામાં આંખો કાઢતા બોલી.

"પહેલા તું મારા દરેક સવાલનાં જવાબ આપ. અમદાવાદ પણ એટલેજ આવ્યો હતો અને હું મારા જવાબ લીધા વગર ક્યાંય નહીં જઉં."

"શું જાણવું છે તારે?? સારુ તો આજે કહીજ દઉં તને. એક નહીં, બે નહીં પૂરા છ છ મર્ડર કરેલા છે મેં... એ બધા અમદાવાદમાં જ કર્યા એટલે હું મુંબઈ આવી ગઈ. બોલ બીજું શું જાણવું છે તારે મારા વિશે???"

"અનન્યા આ તું બોલી રહી છું?? ખરેખર!! મને હજુ વિશ્વાસ નથી થતો."

"હા હું જ બોલું છું....આહ આહ...." અનન્યાને અચાનક કાંઈક ઝાટકો વાગ્યો હોય એમ એ દર્દથી કણસવા લાગી.

"શું થયું અનુ?? અનન્યા...."

"આદિત્ય મને જલ્દી આગળ કાલીઘાટ આવે છે ત્યાં લઇ જા.મને ખૂબજ પીડા થઇ રહી છે."
આદિત્યએ તરત કારને રોકાવીને બહાર નીકળીને અનન્યાને બાજુની સીટ પર ગોઠવી અને પોતે કાર ચલાવવા લાગ્યો. તેણે અનન્યાનો ફોન લઇ લીધો અને એમાંથી ફટાફટ ગુગલ મેપ ખોલ્યું અને એમાં કાલીઘાટ નાખીને કારને એ રસ્તે દોડાવી મૂકી.
તે વારે વારે અનન્યાની સામું જોયે રાખતો હતો. અનન્યાની તબિયત બગડતી જતી હતી. અનન્યાને અચાનક વોમીટો થવાનું ચાલું થઇ ગયું. આદિત્યએ કારને સાઈડ પર રાખી. આદિત્ય અનન્યાની પીઠ પસવારવા લાગ્યો. આદિત્યએ જયારે અનન્યાની વોમિટ તરફ નજર નાખી તો તે હક્કા બક્કા થઇ ગયો. તેને પોતાની નજરો પર વિશ્વાસ નહોતો થઇ રહ્યો...
અનન્યાની વોમિટમાં આખા ને આખા હાડકા અને માંસના લોહીથી લથબથ લોચા નીકળી રહ્યા હતા. આદિત્ય થોડો સ્વસ્થ થયો અને પાણીની બોટલ લેવા બાજુમાં નજર કરી ત્યાં તો અનન્યાએ જોરથી ચીસ પાડી અને તે ત્યાં સીટ પરજ ઢળી પડી.

આદિત્યએ અનન્યાની સામું જોયું અને તેને ભાનમાં લાવવા માટેના પ્રયાસો કર્યા. તેની સમજમાં નહોતું આવતું કે આ બધું શું થઇ રહ્યું હતું?? તે કારનો દરવાજો બંધ કરીને ફરી કારને કાલીઘાટ જવા માટે દોડાવી મૂકી.
કાર ચલાવતા ચલાવતા આદિત્યનું ધ્યાન કારનાં બેક મિરર પર ગયું તો એને એવું લાગ્યું જાણે કોઈ તેમનો પીછો કરી રહ્યું હોય. તેમની કારનો કોઈક બીજી કાર પીછો કરી રહી હોય એવું લાગતું હતું. તે કારનો કાચ કાળો હોવાથી આદિત્ય કાર ચલાવનાર વ્યક્તિનો ચહેરો જોવામાં અસમર્થ હતો. તે કાર જોતજોતામાં આદિત્યની કારની નજીક આવી ગઈ અને જોરથી આદિત્યની કાર આગળ આવીને તેમનો રસ્તો રોકીને ઉભી રહી ગઈ. આદિત્યએ પણ કારને પૂરી બ્રેક લગાવી પણ કાર અથડાવવાથી આગળનો કાચ સહેજ બ્રેક થઇ ગયો.

આદિત્યનું ધ્યાન તે કારનાં દરવાજા પર ટીંગાયુ હતું. આદિત્યએ જોયું તો એ બીજું કોઈ નહીં પણ માધવી જ હતી. માધવી આવીને સીધી આદિત્યની કારમાં પાછળ ગોઠવાઈ ગઈ.

"મેં જોયું રસ્તામાં અનન્યાની હાલત... ફટાફટ કાલીઘાટ જવા દે." માધવીએ આદિત્યને કાર ચલાવવા માટે ઈશારો કરતા કહ્યું.

"તું અમારો પીછો કરતી હતી???"

"હા, મને જાણવું હતું કે અનન્યા તને ક્યાં લઇ જઈ રહી છે??"

"કેમ??"

"કેમકે મેં જે રૂપ અનન્યાનું જોયું એ હું અગાઉ જોઈ ચૂકી છું એટલે મને તારો જીવ જોખમમાં હોય એવું લાગ્યું માટે હું તમારી કારનો પીછો કરી રહી હતી."

"અગાઉ?? અગાઉ એવું તો શું હતું?? મારે બધું જાણવું છે?? હું ખૂબજ કન્ફ્યુઝ થઇ ગયો છું. કંઈજ ખબર નથી પડતી કે આ બધું શું થઇ રહ્યું છે?? આંખો બંધ કરું છું તો જાણે કોઈ ખરાબ સ્વપ્ન જોતો હોઉં એવું લાગે છે અને ખોલું તો હકીકત માનવામાં નથી આવતી... ઓમે મને મરતાં પહેલા કહ્યું હતું કે તું જ મારા દરેક સવાલનાં જવાબ આપી શકું એમ છું... પ્લીઝ મને કહે..સતત વિચારોના લીધે મારું માથું દુખવા લાગ્યું છે."

"બસ બસ આદિત્ય હું સમજી શકું છું તારી મનોવ્યથા...એકવાર કાલીઘાટ પહોંચી જઈએ પછી શાંતિથી તારા દરેક સવાલનાં જવાબ હું આપી દઈશ."

'"ઓક્કે આ મેપ પ્રમાણે તો બસ આપણે પહોંચવા જ આવ્યા...કાલીઘાટ છે શું??"

"સ્મશાનઘાટ"

"શું??"

"હા.. સ્મશાનઘાટ છે એ.. એની પાસે મહાદેવજીનું મંદિર છે."

"સ્મશાન જોડે મંદિર?? સ્ટ્રેન્જ !!"

"બસ બસ આવી ગયા.. તું અનન્યાને લઈને ઉપર મંદિરના ચોગાનમાં આવ. હું પુજારીને બોલાવું છું."

આદિત્ય ફટાફટ અનન્યાને લઈને મંદિરની સીડીઓ ચઢતો મંદિર પાસે પ્રવેશ્યો.. સામે માધવી પૂજારી સાથે વાતચીત કરી રહી હતી. આદિત્યએ અનન્યાને અંદર પાળી પર અનન્યાને સુવડાવી.

"શું થયું અનન્યાને??" પુજારીએ આદિત્ય સામું જોઈને સવાલ કર્યો.

આદિત્યએ અનન્યા સાથે ઘટેલ દરેક ઘટના કહેવાનું ચાલું કર્યું. પુજારીએ માધવીને ગંગાજળ લાવવાનો હુકમ કર્યો..
માધવી દોડતી જઈને લઇ આવી. પૂજારીએ હાથમાં થોડું જળ લઈને કાંઈક મંત્રોચ્ચાર કર્યું અને તે જળને અનન્યાના શરીર ઉપર છાંટ્યું. આ સાથે જ અચાનક અનન્યાનું શરીર ઉપરનીચે છટપટાવા લાગ્યું.

અનન્યાના શરીર પર કરેલ છંટકાવના લીધે અનન્યા આમતેમ ડોલવા લાગી. તેની આંખોના ડોળા બહાર આવી ગયા. અને તે સટાક કરતી ઉભી થઇ અને જોરજોરથી હસવા લાગી. અનન્યાનો અવાજ ઘોઘરો થઇ ગયો.

"નહીં છોડું... કોઈને પણ નહીં છોડું .હાહાહા..." આટલું બોલીને અનન્યાએ પૂજારીને જોરથી હાથ વડે ધક્કો લગાવ્યો અને આદિત્ય સામું જોઈને પોતાના દાંત ભીંસાઈને હસવા લાગી.... ત્યાંજ પાછળથી માધવી....

ક્રમશ: