પ્રતિશોધ પ્રથમ અંક
ભાગ:13
ઓક્ટોબર 2019, દુબઈ
નિયત સમયે આધ્યા પોતાનાં ઘરેથી એરપોર્ટ જવા માટે નીકળી ગઈ. એ જ્યારે એરપોર્ટ પહોંચી ત્યારે યુસુફ અને રેહાના ત્યાં આવી પહોંચ્યાં હતાં. યુસુફ એક મજબૂત બાંધાનો છ ફૂટ ઊંચાઈ ધરાવતો હટ્ટોકટ્ટો વ્યક્તિ હતો; જેને ચહેરા પર આછી દાઢી હતી.
યુસુફ અને રેહાના જોડે એક પચ્ચીસેક વર્ષનો દેખાવડો નવયુવક પણ હતો. આધ્યા એને ઓળખતી હતી; એ નવયુવક યુસુફનો કાકાનો દીકરો જુનેદ હતો. જુનેદ પણ પોતાની સાથે હિન્દુસ્તાન આવી રહ્યો હતો એ જાણી આધ્યાને આનંદ થયો કે સમીરને શોધવાની એની આ મુહિમમાં એક-એક કરીને એની સાથે વધુને વધુ લોકો જોડાઈ રહ્યાં હતાં.
રાઘવ પણ નક્કી કરેલાં સમયે એરપોર્ટ આવી પહોંચ્યો હતો. આધ્યાએ રાઘવ, યુસુફ, રેહાના અને જુનેદનો એકબીજા સાથે પરિચય કરાવ્યો.
થોડી જ વારમાં એ લોકોની ફ્લાઈટ મુંબઈ જવા ઉપડી ચૂકી હતી. આ સાથે જ એક એવી સફરનો પ્રારંભ થઈ ચૂક્યો હતો જે પોતાની સાથે સેંકડો રહસ્યોને ઉજાગર કરવા જઈ રહી હતી.
દોઢેક કલાકમાં એમની ફ્લાઈટ જ્યારે મુંબઈ પહોંચી ત્યારે જાનકી પહેલાંથી જ મુંબઈ છત્રપતિ શિવાજી એરપોર્ટ પર હાજર હતી. પીળાં રંગની સ્કિન ટાઈટ ટીશર્ટ અને બ્લુ ડેનિમ જીન્સમાં જાનકીનું શરીર સૌષ્ઠવ આબેહૂબ નજરે ચડતું હતું.
જયપુર ગયાં પહેલાં એ લોકોની ફ્લાઈટનો મુંબઈમાં બે કલાકનો લાંબો હોલ્ડ હતો. આ બે કલાક દરમિયાન સમીરને શોધવા જઈ રહેલાં આ નાનકડાં દળનાં સભ્યો પરસ્પર ખૂબ સારી રીતે ભળી ગયાં હતાં. જુનેદના ચહેરા પરનાં ભાવ સ્પષ્ટ એ દર્શાવી રહ્યાં હતાં કે એને જાનકી પહેલી નજરમાં જ પસંદ આવી ગઈ છે. રેહાનાએ પણ આ વાત નોંધી હતી કે એનો દેવર આધ્યાની બહેનને પસંદ કરવા લાગ્યો છે; પણ ઉંમરના આ પડાવ પર વિજાતીય પાત્ર તરફ આકર્ષણ થવું સામાન્ય વાત હતી એટલે રેહાનાએ આ વિષયને વધુ ગંભીરતાથી લેવાનું જાણીજોઈને ટાળ્યું.
મુંબઈ એરપોર્ટ પર બે કલાક હોલ્ડ બાદ એ લોકોની ફ્લાઈટ જયપુર જવા રવાના થઈ ચૂકી હતી.
******
બે કલાકની અંદર એ લોકોની ફ્લાઈટ જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરી ચૂકી હતી. મુંબઈ એરપોર્ટ પર જ્યારે એ લોકો હાજર હતાં ત્યારે જ એમને રાની મહલ નામક ત્રણ સિતારા હોટલમાં પોતાનાં માટે ત્રણ રૂમ બુક કરાવી રાખ્યાં હતાં, જેથી રાતે જયપુર પહોંચ્યાં બાદ રૂમ શોધવામાં સમય વ્યર્થ ના થાય.
એ લોકોનું દળ જ્યારે હોટલ રાની મહલ પહોંચ્યું ત્યારે રાતનાં બાર વાગવામાં પાંચેક મિનિટની વાર હતી. મુંબઈ એરપોર્ટ પર નાસ્તો કર્યો હોવાથી કોઈને ભૂખ નહોતી આથી બધાં પોતપોતાનાં માટે નક્કી કરવામાં આવેલાં રૂમમાં જઈને સુઈ ગયાં. આધ્યા અને જાનકી એક રૂમમાં, બીજાં રૂમમાં રઝા દંપતી અને ત્રીજા રૂમમાં રાઘવ અને જુનેદ રોકાયાં.
રાઘવે પોતાની કંપનીની ઓળખાણ વાપરી એક સ્કોર્પિયો ગાડી બુક કરાવી દીધી. સવારે સ્નાન ઈત્યાદિ પ્રવૃત્તિ પૂર્ણ કર્યાં બાદ, થોડો હળવો નાસ્તો કરીને એ લોકો માધવપુર જવા માટે નીકળી પડ્યાં. રસ્તામાં ફાલોદી ખાતે બપોરનું ભોજન ગ્રહણ કર્યાં બાદ એ લોકોને માધવપુર પહોંચતાં બાર કલાકનો સમય લાગી ગયો. સાંજ પડી ચૂકી હોવાથી આ વેરાન વિસ્તારમાં પોતાનાં કાર્યને યોગ્ય રીતે અંજામ આપી શકાશે નહીં એ જાણતાં રાઘવે, માધવપુરથી પંદર કિલોમીટર દૂર આવેલાં મોહનગઢ ખાતે આવેલી એક લોજમાં રાત્રિરોકાણ માટે ત્રણ રૂમ બુક કરાવી દીધાં.
આટલી નજીક આવી ગયાં પછી પણ પોતે સમીરને શોધવામાં અસમર્થ છે એ વાતનું આધ્યાએ પારાવાર દુઃખ હતું. આખરે છેલ્લાં આઠ દિવસથી સમીર અને એની જોડે મોજુદ અન્ય લોકો અત્યારે ક્યાં અને કઈ હાલતમાં હશે એ જાણવાની ઉત્કંઠા એક પત્ની તરીકે આધ્યાને હોય એમાં કોઈ નવાઈની વાત નહોતી.
રાતનું જમવાનું આરોગી બધાં ભેગાં થઈને લોજની સામે આવેલાં ખુલ્લાં ભાગમાં પાથરેલાં ખાટલા ઉપર જઈને બેઠાં. સમીર જ્યાંથી ગુમ થયો હતો એ માધવપુર મોહનગઢ પોલીસ સ્ટેશનની હદમાં આવતું હતું. આ વાતની જાણ થતાં જ સવારે માધવપુર ગયાં પહેલાં આ ઘટના અંગે મોહનગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ એવાં જાનકીના અભિપ્રાયને બધાંએ માન્ય રાખ્યો.
રાતનાં લગભગ સાડા અગિયાર થતાં-થતાં બધાં એક પછી એક પોતપોતાનાં રૂમમાં પ્રવેશી ચૂક્યાં હતાં, ખાલી રાઘવ જ હતો જે હજુપણ ત્યાં બહાર જ બેઠો હતો. સમીર અને એમની કંપનીનાં બાકીનાં સદસ્યોનાં અચાનક ગાયબ થઈ જવાનાં લીધે રાઘવ ઘણો ચિંતિત લાગી રહ્યો હતો. એને લોજનાં મેનેજર જોડેથી હેવર્ડ 500 બિયરનું એક ટીન લીધું અને પુનઃ બહાર ખાટલામાં આવીને બેસી ગયો.
બિયરનાં ઘૂંટની સાથે રાઘવને પોતાનાં દોસ્ત સમીર સાથે થયેલી છેલ્લી મુલાકાત યાદ આવી રહી હતી. આ સાથે જ એને રહીરહીને પોતાની કંપનીમાં મેનેજર તરીકે કાર્યરત અબુ સુલેમાની દ્વારા કંપનીના માલિક યાસીર હસન શેખને કહેવામાં આવેલાં શબ્દો યાદ આવી રહ્યાં હતાં જે અનાયાસે એનાં કાને ત્યારે પડી ગયાં જ્યારે એ સુલેમાનીની કેબિન નજીકથી પસાર થઈ રહ્યો હતો. રાઘવ પોતાની કેબિન નજીકથી પસાર થઈ રહ્યો હતો એ વાતથી બેખબર સુલેમાની ઊંચા અવાજે પોતાનાં માલિક જોડે ટેલિફોન પર વાત કરી રહ્યો હતો.
"શેખ સાહબ, મેંને આપકો સમજાયા થા કી ઉસ જગહ પે પ્રોજેકટ કા મત સોચો, પર તુમ તો મેરી બાત માને હી નહીં!"
"વોહ જગહ પે શૈતાન કા છાયા હૈ, મુઝે લગતા હૈ હમારે સાઈટ એન્જીનયર ઓર બાકી લોગોકો ભી શૈતાનને માર દિયા હોગા."
"મેં રાઘવ કો ભેજ રહા હું ઉન લોગો ઢૂંઢને કેલિયે, પર જનાબ મુઝે નહીં લગતા કે વહા કોઈ મિલેગા.. અગર વોહ લોગ નહીં મિલતે હૈ તો ભી દિકકત હૈ, ઔર ઉનકી લાશ મિલતી હૈ તો ભી દિકકત હૈ. અગર વોહ લોગ નહીં મિલે તો હમારા ફાઈવ સ્ટાર હોટલકા પ્રોજેકટ બંધ હો જાયેગા ઓર ઉસસે હમે પૂરે પાંચસો કરોડ કા ઘાટા હોગા, ઉનકી લાશ મિલતી હૈ તો કોઈ એસા એસી પાર્ટી નહીં મિલગી જો ઉસ જગહમેં ઈન્વેસ્ટ કરે."
આ દરમિયાન વચ્ચે વચ્ચે શેખ કંઈક બોલતો હતો. શેખ સાથે સંપર્ક વિચ્છેદ કર્યાં પહેલાં સુલેમાની એ કહ્યું.
"મેં તો કહેતા હું કે પાંચસો કરોડ કા ઘાટા ઉઠા લીજીયે, પર ઉસ પ્રોજેકટ કે બારે મેં નાહી સોચીયે તો બહેતર હૈ! શૈતાન સે મુકાબલા કરના હમ ઇન્સાનો કે બસ કી બાત નહીં હૈ."
બિયરની પુરી બોટલ ખાલી કર્યાં બાદ જ્યારે રાઘવ પોતાનાં રૂમ તરફ આગળ વધ્યો ત્યારે સુલેમાનીની વાતને યાદ કરી એ સ્વગત બબડ્યો.
"તો શું સાચેમાં સમીર અને અન્ય લોકોનાં આમ ગાયબ થઈ જવા પાછળ શૈતાનનો હાથ છે.!
*********
સવારે નવ વાગે બધાં તૈયાર થઈને મોહનગઢ પોલીસ સ્ટેશન જવા નીકળી પડ્યાં. માધવપુર ખાતે પોતાની કંપનીનાં પાંચ વ્યક્તિઓ અને અન્ય દસ મજૂરોનાં ગાયબ થઈ જવાની રિપોર્ટ નોંધાવવા એ લોકો મોહનગઢ પોલીસ સ્ટેશન જઈ પહોંચ્યાં.
રેહાના, જુનેદ અને જાનકીને ગાડીમાં બેસવાનું કહી આધ્યા, સમીર અને યુસુફ મોહનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યાં. એક કોન્સ્ટેબલે જ્યારે એ લોકોનાં આગમનનું કારણ પૂછ્યું તો એમને ત્યાં આવવાની ઉપરછલ્લી માહિતી આપી, પોલીસ સ્ટેશનનાં મુખ્ય અધિકારીને મળવાની ઈચ્છા જાહેર કરી.
વીસેક મિનિટ બાદ એ ત્રણેય મોહનગઢ પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ એવાં પી.એસ.આઈ દાનીશ ગુજરાલની કેબિનમાં હતાં. દાનીશ ગુજરાલ ચાલીસ વર્ષનો, રુવાબદાર ઓફિસર માલુમ પડતો હતો. મજબૂત કદકાઠી ધરાવતાં ગુજરાલના ચહેરા પર મોજુદ પાણીદાર મૂછો એનાં વ્યક્તિત્વને વધુ નિખાર આપી રહી હતી.
સમીર દ્વારા આપવામાં આવેલી માહિતીને ગુજરાલ ધ્યાન દઈને સાંભળતો રહ્યો. જેવી સમીરની વાત પૂરી થઈ એ સાથે જ ગુજરાલે પોતાનાં મોંમાં ભરાવેલું પાનને પોતાનાં ટેબલ જોડે પડેલ ડસ્ટબીનમાં થૂંકી, મોંને હાથરૂમાલ વડે સાફ કર્યા બાદ કહ્યું.
"તમે મને જે ઘટના વિશે જણાવ્યું એ અંગે મને છ-સાત દિવસ પહેલાં જાણવા મળ્યું હતું. આ ખબર મળતાં જ મેં બે અનુભવી કોન્સ્ટેબલોને ગાયબ થયેલાં લોકોની તપાસ કરવા માધવપુર દોડાવ્યાં હતાં. પણ એ લોકોને ઘણી તપાસ પછી પણ ત્યાં કંઈ મળ્યું નહીં એટલે એ લોકો હતાશ ચહેરે પાછાં આવી ગયાં."
"તો બીજીવાર તમે ત્યાં ગયાં નહીં?" સમીરે પૂછ્યું.
"અરે સાહબજી, વારંવાર જવાથી એ લોકો થોડાં મળી જવાનાં હતાં. આમ પણ માધવપુરમાં માનવ વસ્તી તો છે નહીં, એટલે ત્યાં શું થયું હશે એ જણાવવાવાળું કોઈ મળવાનું નહોતું." ગુજરાલે કહ્યું. "મને લાગે છે ત્યાં રેતીની આંધી આવી હશે અને એ લોકો એમાં જ ધરબાઈ ગયાં હશે.."
ગુજરાલ પોતાની વાત પૂરી કરે એ પહેલાં તો આધ્યા રડતી-રડતી એની કેબિનમાંથી બહાર નીકળી ગઈ.
"ગાયબ થયેલાં લોકોમાં એ મેડમનાં હસબંડ પણ હતાં, તો અમુક શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ." યુસુફે ગુસ્સે થઈને કહ્યું.
"સોરી, મને ખબર નહોતી કે આવું કંઈ હશે." દિલગીર સ્વરે ગુજરાલે કહ્યું. "પણ, મેં જે કહ્યું એ સમજી વિચારીને જ કહ્યું છે. બાકી તમે જ કહો છે પંદર લોકો આમ અચાનક ગાયબ ક્યાંથી થઈ જાય.?"
"ઇન્સ્પેક્ટર, તમે અમારી મદદ કરવા આવશો કે નહીં?" સમીરે સપાટ સ્વરે ગુજરાલને ઉદ્દેશીને કહ્યું.
"અમારાં તરફથી જેટલી તપાસ થવી જોઈતી હતી એ અમે કરી લીધી છે." ગુજરાલ ભાવહીન સ્વરે બોલ્યો. "આમ છતાં તમે ઈચ્છતાં હોવ કે અમે ત્યાં ગાયબ થયેલાં લોકોની શોધખોળ કરીએ તો મહેરબાની કરીને એક એફ.આર.આઈ નોંધાવી દેજો. હું ફ્રી થઈને ત્યાં જતો આવીશ; બાકી એ પંદર લોકોમાંથી કોઈનાં જીવિત મળવાની આશા છોડી દો એ જ સારું છે."
"તમારી કિંમતી સલાહ અને મદદ માટે ખૂબ ખૂબ આભાર..!" ક્રુદ્ધ સ્વરે યુસુફ આટલું કહી, રાઘવ સાથે પોલીસ સ્ટેશનની બહાર નીકળી ગયો.
પોલીસ પોતાની મદદ નથી કરવાની એ જાણી ચૂકેલાં એ છ જણાં પોતાની રીતે જ સમીરને શોધવા માધવપુર નીકળી પડ્યાં.!!
*********
ક્રમશઃ
આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.
આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)