પ્રકરણ 15
કોઇ લેખક માટે પોતાની પહેલી બુક સફળતા અને પ્રસિદ્ધિના નવા આયામો સર કરે પછી બીજી બુકનું મહત્વ શું હોય ?
એ સફળતાને ટકાવી રાખવાનું ટેન્શન બહુ વધારે હોય છે. એવું જ ટેન્શન આજ રેવા સાથેની બીજી મુલાકાત અંગે અનુભવી રહ્યો હતો. એક તો તેને મુકેલી શરતો બહુ આકરી હતી. તેનું વ્યક્તીત્વ જોતાં એક જ મુલાકાતમાં તેનાં અંગે કશીક ધારણા બાંધવી બહુ મુશ્કેલ હતી. ' રેઇની રોમાન્સ ' ની સફળતા માટે થોડું પ્રેમનું નાટક કરવું પડે તો પણ મને મજુંર હતુ. જો વરસાદ આવશે તો..... મારી પાસે ગર્વમેન્ટની જેમ કોઇ પ્રીમોન્સુન પ્લાન તૈયાર નહોતો.
રેવાએ આપેલા મીટીંગ પોઇન્ટના લોકેશન પર બેઠો હતો. કામના ટેન્શનમાં આજે નાહવાનો સમય પણ મળ્યો નહોતો. મારું રેગ્યુલર અને ગમતું બ્લુ જીન્સ અને વ્હાઈટ ટી- શર્ટ પહેર્યું હતું. છોકરીને મળવાના સમયે મસ્ત તૈયાર થઇને જવાની વાત મને ગળે ના ઉતરતી. રેસકોર્ષ ગાર્ડનની પાળી પર બેઠો બેઠો હું ગરમ ચા ની ચુસ્કી લઇ રહ્યો હતો. શનીવારની સાંજ હોવાથી ગાર્ડન અને રોડ પર બંન્ને જગ્યાએ ટ્રાફીક ધીમે ધીમે વધી રહ્યો હતો. વાદળોનો ગડગડાટ ચાલુ થઇ ચુક્યો હતો. હાથમાં હાથ લઇને ચાલી રહેલા કપલોને જોઇને મેઘો પણ વરસવા માટે બેચેન બની રહ્યો હતો. વાતાવરણમાં છવાતાં ઘનઘોર અંધારાનો કંઇ નશો હતો કે પછી રેવાને મળવાનો ઉત્સાહ હતો !! બસ આમ જ બેઠા રહી આ બધું જોયા કરું એવું મન થતું હતું.
એટલામાં જ પાછળથી કોયલ જેવો નશીલો અવાજ ટહુક્યો." આવા વરસાદી માહોલની રોમેન્ટીક સાંજે એકલા એકલા ચા ગળે પણ કેમ ઉતરે ? "
રેવાનું આગમન થઇ ચુક્યું હતું." શું થાય....! તારી રાહમાં દરેક ઘૂંટ દવાના કડવા ડોઝની જેવો લાગે છે.. તારા પ્રેમના નશાથી બચવા ચા બીજો કોઈ ઓપશન નથી...."
" બસ બસ... બહુ મસ્કા મારવાની કંઇ જરુર નથી. સાડા પાંચ થયા છે. ચાલીશ મિનીટ છે તારી પાસે. સાડા છએ મુવીનો શો છે." તે ગ્રીલ ઠેકીને આગળ આવતાં બોલી.
આજે તે સાવ સાદા ડ્રેસમાં હતી. પણ રેડ અને બ્લુ કલરનું કીલર કોમ્બીનેશન ગમે તેની જાનલેવા માટે પુરતું હતું. તેના ખુલ્લા રાખેલા વાળ, તેમાં ક્યાંય ગુંથાયેલી મોતીઓની સેર, જમણી બાજુએ બગલથેલા જેવું નાનકડું લટકતું પર્સ અને રેડ & બ્લુ ચુન્નીના છેડે લટકતી ઘુઘરીઓનો મધમીઠો રણકાર. આછા મેકઅપમાં પણ તે કમાલની ખુબસુરત લાગતી હતી. ચાના છેલ્લા ઘુંટ સાથે પરફ્યુમની મીઠી સુંગધ મે શ્વાસમા ભરી લીધી. તેની સ્ફટીક જેવી નિર્મળ આંખોમાંથી બાળસહજ નિર્દોષતા ચમકી રહી હતી. કદાચ મારી એકધારી મંડાયેલી નજરથી તે અકળામણ અનુભવતી હોય તેવું લાગ્યુ.
" શબ્દો દ્રારા સુંદરતા સાથે જે રીતે કામ લો છો એવું વાસ્તવીકતામાં છોકરી જોડે વાતો કરતાં આવડતું હોય તેવું લાગતું નથી." તે આજે કંઇ અલગ જ મુડમાં હતી.
મે ચાના પૈસા ચુકવતાં કહ્યું." સુંદરતા તો તારાથી પણ અનેકગણી જોઇ છે. પણ તારા જેવી સહજતા અને અદમ્ય આકર્ષણ હજુ કોઇ જોડે અનુભવ્યું નથી."
તેને ચાલવાનું શરુ કર્યું. હું પણ અનિચ્છાએ તેની સાથે જોડાયો. " સો વોટ ઇઝ રેઇની રોમાન્સ ? નામ તો એકદમ સ્ટાઇલીશ છે પણ સ્ટોરી ? "
હું બોલ્યો. " આમ તો નોવેલમાં સ્ટોરી કરતાં લાગણીઓનું મનોમંથન વધુ છે. આ રીતનું કદાચ હું ફર્સ્ટ ટાઇમ લખી રહ્યો છું. પહેલાં સ્ટોરી એક પાગલ છોકરીની આ વરસાદી સીઝનમાં પ્રેમમાં પડવું કે નહી તેની હતી. પણ તારો સ્વંયવર વાળો આઇડીયા જોયા પછી બધું કેન્સલ કરી નાખ્યું. નાઉ યોર સ્ટોરી ઇઝ પરફેક્ટ."
" ઓહો.... ઇતના સારા પ્યાર... આઈ લાઈક ઈટ. પણ મારા લગ્નના દિવસે તો તારી બુક્સનું લોન્ચીંગ છે. તો પછી તું એન્ડ કઇ રીતે લખીશ ? " તે મોં પર આવતી વાળની લટોને સરખી કરતા બોલી.
સ્ટોરી મારા એન્ગલથી તો કમ્પલીટ થઇ ચુકી છે. કદાચ મારી બુક્સ જેવો જ તારા સ્વંયવરનો ધ એન્ડ થશે. બસ હવે ફક્ત એક જ કામ બાકી છે તારી લાગણીના રંગો વડે મારા આ રેઇનવાળા રોમાન્સને જીવંત બનાવવાનું. બીજું કદાચ તારી સાથેની મુલાકાતોમાં તારી ફીલીગ્સ કે લાઇફનો કોઇ એગંલ મને ટચ થયો તો..... આ રોમાન્સના રંગો ચોક્કસ બદલાશે. " કિસાનપરા સર્કલ પાસે થયેલા ટ્રાફીક જામ અને ફુટપાથ પરની ભીડને લીધે અનાયસે મારાથી તેનો હાથ પકડાઇ ગયો.
તેને મારી સામે જોયું. ખબર નહી પણ એ નજર કશુંક કહેવા માગતી હતી. પણ તેની આંખોની ભાષા મારી સમજણ બહારની હતી. થોડીવાર સુધી અમે ભીડમાં રસ્તો કરતાં કરતાં મુગાં મોઢે ચાલ્યા કર્યું.
મેં ફરીથી વાત શરુ કરતાં કહ્યું. " રેવા તારા વિશે થોડી ઘણી ખબર છે. વધુ કંઇક કહીશ...."
તે થોડીવાર વિચારીને બોલી." મારા મમ્મી કોણ છે ? એ વિશે મને ખબર નથી. મારા પિતાનું વધુ પડતું વહાલ મને હવે બનાવટી લાગે છે. દાદીના સંમોહક હાસ્યમાં છુપાયેલા આ બધા રહસ્યો હું ક્યારેય નહી જાણી શકું એવું મને લાગે છે. આ કરતાં તો હું અમેરીકામાં વધુ ખુશ હતી. ત્યાં ઘણાં બધા સપનાઓ વાસ્તવિકતામાં જીવી રહી હતી. પણ હવે .... યુ નો કશું જ નથી કરવું ,કોઇ સપનાં નથી રહ્યા. બસ એકવાર લગ્ન થઇ જાય પછી એક આદર્શ ભારતીય નારી તરીકે પતિને સંપુર્ણ સમર્પિત... કદાચ એવું જ કંઇક. તેનામાં કેદ થઇ તેની નજરોથી કદાચ નવા સપનાં....મારા નહીં પણ એના સપનાં ..." આટલું બોલતાં તેના શરીરમાંથી જીવ ચાલ્યો ગયો હોય એવું મે અનુભવ્યું.
તેનામાં ચેતનાનો સંચાર કરવાનો જાણે નિર્ધાર કર્યો હોય તેમ વરસાદે વરસવાનું શરુ કર્યું. આ અષાઢી મેઘો હતો. તેને શરુ કરેલી ધમાકેદાર ઇનીંગ્સથી ચારેબાજુ પાણીની રમઝટ બોલવા લાગી. લોકો આશરો લેવા આમ- તેમ દોડી રહ્યા હતા. ત્યાં વાદળોના ગડગડાટમાં ચમકેલી વિજળીના કડાકાના લીધે તેનો હાથ મારી પકડમાં વધુ મજબુતીથી સર્યો. અમે બંન્ને બિન્દાસ બની 'રેઇની વોક' કરી રહ્યા હતા. તેની આંખોનાં ભીના થયેલાં ખૂણાને વરસાદી ટીંપા કવચ બની રક્ષણ આપી રહ્યા હતા.
મેં તેનો હાથ છોડાવ્યો. તેની સામે જોતાં જોતાં પાછા પગે ચાલવાનું શરુ કર્યુ." આ કંઇ મારી સ્ટોરીની રેવા નથી. એ તો બિન્દાસ બની હસે છે. હા, ક્યારેક મુંઝાય છે. ઘણીવાર લજ્જાથી ટમેટા જેવી રતુમડી બની જાય છે. તે બહારથી સસલા જેવી ચંચળ અને ડરપોક લાગે છે પણ અંદરથી તે સીંહ જેવી નિડર છે. એ થોડી લાગણીશીલ છે માટે બીજાનો વિચાર કરી તેના દુ:ખે દુ:ખી પણ થાય છે. એટલે જ એ બાળકની જેમ સાવ સહજ રીતે જાહેરમાં પણ રડી શકે છે. હવે તેની આંખો કહી રહી છે. તેના મનમાં કોઇ પ્રત્યે કુણી કુણી લાગણી જન્મ લઇ રહી છે."
" જાને લુચ્ચા,અહીયાં મારો જીવ જાય છે ને તને મજાક સુઝે છે." બોલતાં જ તે મને મારવા દોડી.
" મને કોઇ છોકરી બે જ વખત સૌથી વધું સુંદર લાગે છે. એક તો એ પ્રેમમાં હોય ત્યારે અને બીજી રડતી હોય ત્યારે. આજે કદાચ બંન્ને ભેગાં થઇ ગયા છે....યાહુ... ભગવાન તે છોકરીઓને આવી કેમ બનાવી છે .... આ બધી એક દિવસ મારો જીવ લઇ લેશે." હું રાડો પાડીને વરસાદમાં નાચતો નાચતો બોલી રહ્યો હતો.
તે પાછળથી હથેળી વડે મારું મોં બંધ કરતાં કાનમાં બોલી." ઉત્સવ, બસ કર હવે ખોટો તમાશો ના કર. આપણે જાહેરમાં રસ્તાં વચ્ચે છીએ."
મેં તેની હથેળીમાં વહાલથી બચકું ભર્યું. " આઉચ... " તેનાં મોઢામાંથી દર્દનો એક મીઠો સીસકારો નિકળ્યો. તે થોડી છંછેડાઇ.
તેની સામે જોઇને કહ્યું." જાહેરમાં રસ્તા વચ્ચે ભીનું ભીનું રડી શકાય પણ ખુશીઓથી પાગલ બની નાચી ના શકાય એમ જ ને !! "
" હા એવું જ કંઇક...અને આ રીતો તો જરાય નહી જ." તેને આ ગમ્યું. પણ તેને બનાવટી ગુસ્સો કરી મને મારવાનું નાટક કરતાં પોતાનો હાથ ઉગામ્યો.
મે તેનો હાથ પકડતાં કહ્યું. " ઓકે ડીઅર.. ચાલ છોડ હવે. તને એક મસ્ત મજાની કવિતા સંભળાવું. મારા એક દોસ્ત મંથન જોષીએ લખેલી છે. સાલો ,મારા જેવો અડીયલ અને પુરેપુરો નૌટંકીબાજ છે પણ શું મસ્ત લખે છે યાર..." વરસાદ દે દનાદન વરસી રહ્યો હતો. સાથે અમારો રોમાન્સ પણ પુરબહારમાં ખીલી રહ્યો હતો. આ વખતે મારા હાથમાં તે પોતાને સલામત મહેસુસ કરતી હોય તેવું લાગ્યુ. તે ધીમે ધીમે મુડમાં આવી રહી હતી. પોતાની ચુંદડી સરખી કરી તેના એક છેડાને હાથથી હવામા ગોળગોળ ફેરવી રહી હતી. નાની ઘુઘરીઓની એ રમતને લીધે વરસાદ જાણે ચકડોળમાં બેઠો હોય તેવું લાગતું હતું.
" તો ચાલ સાભંળ હવે." મે તેનો હાથ વધુ મજબુતીથી પકડ્યો.
કેસરી આકાશ જેવી છોકરી,
ચોમાસી સાંજ જેવી છોકરી.
વરસતી વાદળીમાં પલળતી
કુંવારી સાંજ જેવી છોકરી,
રાતના સપનામાં મળતી
યાદગાર સાંજ જેવી છોકરી,
કેસરી આકાશ જેવી છોકરી
ચોમાસી સાંજ જેવી છોકરી.
ખુલતી આંખે, આંખોમાં ભળતી
ઉગતી સાંજ જેવી છોકરી,
દરેક વિચારમાં સચવાતી
ગમતી સાંજ જેવી છોકરી,
કેસરી આકાશ જેવી છોકરી
ચોમાસી સાંજ જેવી છોકરી.
કેસરી આકાશ જેવી છોકરી
ચોમાસી સાંજ જેવી છોકરી.
અમે બંન્ને જાણે પ્રેમીપંખીડા હોય તેમ ચાલી રહ્યા હતા. તે કવિતા સાંભળીને ખામોશીથી ચાલતી રહી. તે ક્યારેક મારી સામે જોઇ લેતી હતી. મે કશુંક બોલવાનુ ચાલું કર્યું. " કંઇ ના બોલ બસ એમ જ ચાલતો રહે." તેને મને અટકાવતાં કહ્યું.
હવે હું સતત તેની સામે જોઇ રહ્યો હતો. તે ક્યારેક આંખો બંધ કરી આકાશ સામે જોઇને વરસાદના ટીપાંને પોતાના સ્પર્શ દ્રારા નસીબદાર બનાવી રહી હતી. હવે તેના હાથમાં કોઇ અજબની હુંફ અનુભવાતી હતી. કેટલીયવાર સુધી અમે ધોધમાર વરસાદમાં આમ જ ચાલતાં રહ્યા. બહુમાળી ભવન પાસે રેસકોર્ષનો ગેટ આવતાં તે વાસ્તવીકતામાં આવી હોય તેમ બોલી. " તારી સ્ટોરી ક્યારે પુરી થશે ? "
" તું આવી રીતે હાથ પકડીને ચાલતી રહીશ તો મારો સ્ટોરી પુરી કરવાનો કોઇ ઇરાદો નથી." મને પણ હવે મસ્તી સુઝતી હતી.
તે ભાનમાં આવી હોય તેમ મારો હાથ છોડતાં બોલી." જાને હવે લુચ્ચા. તને એમ લાગે છે કે હું તારા પ્રેમમાં છું ? "
આ સવાલની મને આટલી જલ્દી અપેક્ષા નહોતી." ના અત્યારે તો એવું કશું ફીલ ના થયું.પણ આપણા રીલેશન ક્યારેય નોર્મલ નહી રહી શકે એ વાત પાક્કી છે."
" એકવાત કહું... મને તારી સાથે પ્રેમ નહી થાય. હજું તો આપણી બીજી જ મુલાકાત છે. તો પણ હું તારી સાથે કેટલી બિન્દાસ થઇને રહું છું. બીકોઝ મને લાગે છે કે...... યુ આર સ્પેશ્યલ ફોર મી. ભાઇ પણ નહી, ફ્રેન્ડ પણ નહી એન્ડ બોયફ્રેન્ડ પણ નહી. તને ખબર છે જ્યાર હું તારો હાથ પકડીને ચાલતી હતી ત્યારે કેટલી ખુશ હતી. તારા હાથમાં હું મારી જાતને સહુથી વધુ સલામત મહેસુસ કરતી હતી. મને એવું લાગે છે હું ગમે ત્યારે મુસીબતમાં હોઇશ તું મને બચાવી લઇશ. આપણા રીલેશન માટે મારી પાસે કોઇ નામ નથી...." અમે થોડીવાર ચાલતાં રહયા.
ગેલેક્સી ટોકીઝ આવી ચુકી હતી. તે મારી સામે જોઇને ઉભી રહી. પછી અચાનક શું થયું. તે મને નાના બાળકની જેમ વળગી પડી. જાણે ક્યારેય છુટવાં જ ન માગતી હોય તેમ. મારી પીઠમાં ખુપી જતાં તેના હાથ કોઇ અકથ્ય વેદનાની કહાની કહી રહ્યા હતા. હું તેને મારામાં સમાવી વહાલથી પંપાળી રહ્યો હતો. અત્યારે તે પોતાના માટે જીવી રહી હતી. તેને કોઇની પરવા નહોતી.
તે મારાથી અલગ થઇ ત્યારે તેની બધી વેદના ઠલવાઇ ચુકી હોય તેવું લાગ્યું. તેની આખોં હરખનાં આસુંથી ઉભરાઇ રહી હતી. મારી આંખોનાં ખુણા પણ ભીના થઇ ગયા હતા. પણ વરસતા વરસાદે બાજી સંભાળી લીધી.
" રેવા, સાડા છ થવા આવ્યા છે ... મુવી ચાલુ થવાની તૈયારીમાં છે." મેં વહાલથી તેની આંખનાં આસું પર મારી બરછટ આંગળીઓ ફેરવી.
" હમમમ્... તે કેટલીયવાર સુધી મારી સામે એકટીશે જોઇ રહી. "ચાલ હું જાવ હવે."
તેને જવા માટે પગ ઉપાડ્યા. " પાછા ક્યારે મળીશું રેવા ? "
" તને જરુર પડે ત્યારે કહેજે...." તે પાછું વળી જોતાં બોલી.
મે તેનો હાથ પકડતાં કહ્યું." રેવા.... કંઇ ભુલાતું હોય તેવું તને નથી લાગતું."
તે હાથ છોડાવતાં બોલી." તું સાવ પાગલ છે. તને પહેલાં જ કહ્યું હતું બધું કંઇ માંગવાથી ના મળે. અમુક વસ્તુઓ ચોરવી જ પડે...કાનો જેમ માખણ ચોરે એમ."
"ડોન્ટ વરી, સમય આવશે ત્યારે એ પણ થશે. એ ચોરીઓ આજીવન યાદ રહેશે તને. " મારા શબ્દો તેના કાને પડતાં પહેલાં હવામાં ઓગળી ગયા હોય એવું લાગ્યું. હું તેને લચકતી ચાલે જતાં જોઇ રહ્યો હતો. રોડની વચ્ચે ડીવાઇડર પર પહોંચી. પાછા વળી અદાઓ વિખેરતાં મને મસ્ત મજાની ફલાઇંગ કીસ આપી. મે આંખો બંધ કરી તેને મારા હૃદયમાં કેદ કરી લીધી.
અમારા રોમાન્સના મેઘધનુષી રંગોને તસવીરમાં કેદ કરવામાં આજુબાજુ વાહનો સહિત લોકો પણ સ્ટેચ્યુ બની ગયા હતા. હું પણ રેવાની જેમ આ સંબંધને કંઇ નામ ના આપી શક્યો......
પણ ક્યાં સુધી ?
* * * * * * * * * * * *