P.I.C.U. night in Gujarati Short Stories by Dr. Siddhi Dave MBBS books and stories PDF | P.I.C.U.ની નાઈટ

Featured Books
Categories
Share

P.I.C.U.ની નાઈટ

Happy Doctor's Day
આજે બે મહિના પછી ફરીથી PICU પીકુ ની નાઈટ હતી.પીકુ એટલે Pediatric Intensive Care Unit એટલે બાળકોનો તાત્કાલિક સારવાર નો વિભાગ જ્યાં મોટે ભાગે તો બહુજ ગંભીર હાલત માં આવતા બાળકો આવતા હોય.કોઈ થોડા મહીનાઓનું તો કોઈ થોડા વર્ષોનું.નાના નાના કિલ્લોલ કરતા બાળકો એવા સોય થી ગભરાતા હોય અને રાડેરાડ કરી મૂકે.ઘણીવાર તો એની રાડારાડી બંધ કરવા ઊંઘના ઇન્જેક્શન પણ આપવા પડતા હોય જેથી તેઓ શાંત થાય. ડૉ. આઈ.કે.વીજળીવાળાનો પાઠ અમારે અભ્યાસક્રમમાં આવતો એમાં જે લખ્યું એ રીતસર નું દેખાય કે નાના બાળની દોરા જેવી ધમનીમાં સોય માંડ માંડ આવે. નાના બાળકો મોત સાથે જજુમી રહ્યા હોય આ PICU માં, એવા ઘણા વેન્ટિલેટર પર પણ રાખ્યા હોય.આવા બધાની સારવાર કરવા મેડિકલ સ્ટાફ આયાબેન થી માંડીને ઉચ્ચ કક્ષાના તબીબો હાજર હોય.ક્ષણેક્ષણ કોઈને કોઈ તો સેવામાં હાજર જ હોય પછી એ દિવસ ની ડ્યુટી હોય કે રાતની.બાળક પોતે પણ જજુમી રહ્યું હોય સાથે ખડેપગે ડોક્ટર પણ બીજી બાજુ એની જિજીવિષાને પોષવા છેક સુધી પ્રયત્નો કરે.ઘણીવાર પ્રયત્નો નિષ્ફળ પણ જાય અને એ 12 -13 કલાકની ડ્યુટીમાં બાળકના જીવ ગયા પછી એવું રોકકળ માહોલ સર્જાય જાય, આપણને રડવું આવી જાય.આની સામે અમુક એવા પણ ઉદાહરણો છે, જેમાં દર્દી જન્મયા પછી ૧૦૦ દિવસ સુધી દાખલ હોય અને પછી તંદુરસ્ત રીતે ડિસ્ચાર્જ થાય.અહીં જામનગરમાં જ એવા વીર બાળદર્દીઓ છે.ઘણા વાલીઓ પણ એવા કૃતજ્ઞ હોય કે બાળક સાજુ થયી જાય પછી પણ તબીબી સ્ટાફની મુલાકાત લે,પોતાની શક્તિ પ્રમાણે યથાયોગ્ય દાન આપે.અહીં માત્ર આર્થિક રીતે પછાત દર્દીઓ જ નહીં પણ સારા સુશિક્ષિત દર્દીઓ પણ સરકારી દવાખાનામાં બતાવવા આવે છે.અહીંનું કામકાજ જ એટલું સરાહનીય છે.
એ પેશન્ટનું નામ રેહાન.ઉમર ૧૦-૧૧ વર્ષ માંડ. મેં જોયું ત્યારે સિસ્ટર એને આંખમાં એન્ટિબાયોટિક ટ્યુબ લગાવતા હતા.મને એમકે એને કૈક આંખમાં તકલીફ હશે! નાઈટ ડ્યૂટી હતી એટલે આખી રાત જાગવાનું જ હતું.થોડી થોડીવારે એક સામુહિક નજર ફેરવી લેવાની અને જોઈ લેવાનું કે બધું બરાબર ચાલે છેને!કાંઈ ખાસ લાગે તો તરત દીદી (રેસિડેન્ટ ડોકટર) ને બોલાવના!
સવારના કહો કે રાત્રીના પણ ૩:૩૦ જેવા થયા હશે.અચાનક એ વખતની સામુહિક નજરમાં એ રેહાનના ડાબા હાથ પગ ને સહેજ ચહેરો ફરકતો હતો.આ કાંઈ અભિજ્ઞાન શાકુન્તલના દુષ્યંતરાજા તો હતા નહી કે ડાબું અંગ ફરકે અને સારા સમાચાર નો અણસાર આવે.આમાં તો રેહાનને તાણ(આંચકી) આવતી હતી.પછી તો સિસ્ટરને કહી એને મિડાઝોલામ દીદીએ અપાવડાવ્યું.મને થોડી ઉત્કંઠા થયી કે રેહાનને તો આંખમાં તકલીફ હતી તો અચાનક આ શું થયું! પછી મેં એની હિસ્ટ્રી પુછી. વાત એમ હતી કે રેહાનની મમ્મીએ રેહાનના પપ્પાથી અલગ થયીને બીજા લગ્ન કર્યા અને રેહાન ને પણ ત્યાં નવા સાસરે લઇ ગયા.ત્યાં તો સાવ રેહાન પર ધ્યાન જ અપાતું નહોતું ,એનું જમવાનું બધું એમનામ રામભરોસે હાલતું'તું.એવામાં પુરતા ખોરાકને અભાવે એ માંદો પડી ગયો.અને એ સાવ શક્તિહીણ થયી ગયો.એને ૪-૫ દિવસથી ખાધું નહોતું.હવે એની મમ્મીને ભાન થયું અને નજીકના સેન્ટરમાં લઈ ગયા.પણ કેસ ધાર્યા કરતાં બગડી ગયેલો,એક તો આટલા દિવસથી ખાધુંપીધું નહોતું અને પેશાબ પણ બંધ થયી ગયેલો.નજીકના સેન્ટરમાં કોઈએ હાથ નો પકડ્યો.એટલે એની મમ્મી એ એના જુના સાસરે એટલે કે રેહાનના પપ્પાના ઘરે મુકી ગયી.અહીં હજુ બે ત્રણ દિવસતો રેહાનના દાદી સમજી જ ન શકયા કે રેહાનને શુ થયું છે!ઘરે એને પેશાબ બંધ તો હતો જ અને આચકીઓ ચાલુ થયી ગયેલી.અધુરામાં પુરુ એની આંખ ની કીકીમાં કાણું પડી ગયેલું.નજીકના ડોકટરને બતાવ્યું એમને થોડી દવાઓ આપી અને તરત હાયર સેન્ટર એટલે કે અહીં જામનગર રીફર કર્યું.અહીં તો તરત એની સારવાર ચાલુ થયી ગયી.આટલા દિવસ પેશાબ બંધ હતી એટલે પહેલા તો નળી(ફોલિસ કેથેટર) નાખી કાઢ્યો.ઘણો પેશાબ ભેગો થયેલો.પછી તાબડતોબ બધા રિપોર્ટ્સ કરાવવા મંડ્યા.ક્રિએટીનીનનું પ્રમાણ વધારે આવ્યું એટલે કે રિનલ ફેલ્યોર બાજુ કેસ આગળ વધતો હતો.એટલે કે કિડનીનું પેશાબ બનાવવાનું કામ બરાબર થયી રહ્યું નથી. પછી ધીરેધીરે સારવાર શરૂ થયી ગયી.દવાના બાટલા ચાલુ કરવામાં આવ્યા.આંખમાં દવા લગાડવાની ચાલુ કરી દીધી.રિપોર્ટ્સ કરાવતા કરાવતા ક્રિએટીનીનનું પ્રમાણ ઘટવા લાગ્યું છે.આજે તો એકદમ નોર્મલ થયું જવા આવ્યું છે.તબિયત પહેલા કરતા ચોક્કસથી સુધરી છે. પરિવારની લપમાં એ નાનાબાળની અવગણના થયી ગયી,સાવ સામાન્ય ખોરાક-પાણીના ના લેવાના કારણે બાળકની હાલત આ પરિણામે આવી ગયી.સમાજમાં કેવા કેવા વર્ગો રહે છે.ક્યાંક પોતાના બાળકને ઊંની આંચ પણ આવે તો માબાપ સતત એની પાછળ ને પાછળ રહ્યાં કરે અને એને કોઈ મુશ્કેલી ના આવે એનું ધ્યાન રાખે અને ક્યાંક મોટાલોકોના ઝઘડાને લીધે બાળક હોમાય જાય!સામાજિક વિષમતાની વચ્ચે આપણે જીવીએ છીએ.
-ડૉ. સિદ્ધિ દવે"પણછ"