pratham mulakat in Gujarati Horror Stories by Dr.Sharadkumar K Trivedi books and stories PDF | પ્રથમ મુલાકાત

Featured Books
Categories
Share

પ્રથમ મુલાકાત

તમે એ જ ગામમાં અને એ જ પોસ્ટ ઓફિસમાં નોકરી લાગેલા જ્યાં તમારા પિતાજીને નોકરી કરેલી. એ જ ગામની પોસ્ટઓફિસમાં કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ ને તમારા પિતાજી આપઘાત કરેલો. તમારી મમ્મીના મુખે તમે અવારનવાર આ ગામનું નામ સાંભળેલું. એ જ ગામમાં તમારું પ્રથમ પોસ્ટિંગ યોગાનુયોગ જ ગણાયને અભિષેક
કયા કારણસર તમારા પિતાજીએ આપઘાત કરેલો એનું રહસ્ય હજુ અકબંધ છે. તમારા પિતાજી એટલે સાવ સીધું સાદું અને સરળ વ્યક્તિત્વ એમને કોઈનાથી દુશ્મની હોય જ નહીં.કોઈ વ્યક્તિ વેંત નમે તો એ હાથ નમનારા માણસ હતાં.કોઈ એમની હત્યા તો કરે જ નહીં. પણ કયા કારણસર એમણે આત્મહત્યા કરેલી એ કોઈને ખબર નથી.ઘરે પણ એવી કોઈ સમસ્યા ન હતી.
તમે ક્યારે છ સાત વર્ષના હતા એટલે તમને એ વખતની કોઈ ઘટનાનું સ્મરણ નથી, પરંતુ તમારા પપ્પા ની લાશ ગામડેથી આવેલી અને એ વખતે તમારી મમ્મીનું હૈયાફાટ રૂદન તમને યાદ છે. એવી દુઃખ ભરી યાદો લઇને તમે આજે પોસ્ટ ઓફિસમાં હાજર થયા છો. અહીં એક ટપાલી અને એક પટાવાળા સિવાય બીજો કોઈ સ્ટાફ નથી.જૂની ખખડધજ હવેલી જેવા મકાનમાં પોસ્ટ ઓફિસ ચાલે છે. જ્યારથી શરૂ થઈ છે ત્યારથી આ પોસ્ટ ઓફિસ આ જગ્યાએ અને આ જ હાલતમાં છે. પોસ્ટ ઓફિસમાં એક બાજુ એક નાની ઓરડી વર્ષોથી બંધ હાલતમાં પડી છે. એના તાળા પર ભમરીઓ એ ઘર બનાવી દીધું છે લાંબા સમયથી બંધ એ ઓરડી વિશે પટાવાળાને તમે પૂછેલું. પટાવાળાએ જણાવ્યું કે પહેલાં તમારા જેમ કોઈ નોકરી કરવા આવે એ કર્મચારી આ ઓરડીમાં રહેતો. અંતરિયાળ વિસ્તારના ગામમાં કોઈ પોતાના કુટુંબ સાથે રહેવા આવે એ શક્ય જ ન હતું, એટલે કર્મચારી સોમથી શુક્ર આ ઓરડીમાં પડયા રહેતા અને શનિ રવિ ઘરે જતાં. પણ તમારા બાપુજીએ આ ઓરડીમાં ફાંસો ખાધો એ વાતને પંદરેક વર્ષથી ઉપર થયા હશે પણ એ પછી કોઇ કર્મચારીએ ઓરડીમાં આવીને રહેવાની હિંમત નથી કરી.પોસ્ટ ઓફિસના વિસ્તારમાં પણ રાતે કોઈ ફરકતું નથી. પોસ્ટ ઓફીસનું નામ જ ભૂત બંગલો પડી ગયું જે છે. કોઈ કહે છે કે અહીં તમારા પિતાજી જાગે છે તો કોઈ કહે છે કે અહીં કોઈ સ્ત્રી ફરતી દેખાય છે તો કોઈ કહે છે કે નાના છોકરા નો રડવા નો અવાજ સંભળાય છે.રાતે સાત વાગ્યા પછી તો અહીં આવવાની કોઈની હિંમત નથી.તમે શહેરના મુક્ત અને અંધશ્રદ્ધા રહિત વાતાવરણમાં ઉછરેલાં એટલે આવા કિસ્સામાં માનતા નહીં. તમે પટાવાળાને કહ્યું ગામ માં આવવા-જવાની સગવડ ઓછી છે.મારે પણ આ ગામમાં રહેવું પડશે. મારું શહે દોઠસો કિમી જેટલું દૂર છે અને નજીકના મોટા ગામમાં જઈને રહેવું એના કરતાં અહીં જ પડ્યો રહીશ. બદલી માટે આવતા અઠવાડિયે જ અરજી આપી દેવી છે પણ જ્યાં સુધી બદલી ન થાય ત્યાં સુધી આ ઓરડીમાં પડયા રહેવું છે. શુક્રવારે સાંજે તમે પટાવાળાને સાફસૂફી કરી ઓરડી રહેવા લાયક બનાવવાની સૂચના આપી શહેરમાં તમારા ઘરે સાંજના સાડા સાતની બસમાં નીકળ્યા.
સોમવારે આવ્યાં ત્યારે પટાવાળાએ ઓરડી રહેવા લાયક બનાવી રાખેલી, પણ તમને એણે ત્યાં ન રહેવા જણાવેલ.એણે કહેલું'સાહેબ, ગામમાં બીજા ઘણા મકાનો છે. લોકો ખેતરમાં રહેવા ચાલી ગયા છે એટલે જેવું જોઈતું હશે એવું મકાન મળી જશે. મનજીનો પરિવાર પણ ખેતરમાં રહેવા જતો રહ્યો છે. તમે પણ સાહેબ ખોટી જીદે પડ્યા છો.તમે પટાવાળા શિવાની આ વાત હસી કાઢેલી,અભિષેક
કામને કામ સાંજના છ વાગી ગયેલા તમે ટપાલી કાનજી અને પટાવાળો શિવો સાડા છ વાગે છૂટા પડેલા.આખો દિવસ કોઈ પણ વ્યકતિ તમારી મુલાકાતે આવેલો નહી. તમે જમી ફ્રેશ થઈ સ્પર્ધાત્મક પરીક્ષાની કોઈ બૂક નું વાંચન કરવા બેઠા. અંધારું ચોતરફથી ઘેરી વળ્યું. ચામાચિડિયા અને તમરાંઓ
નો અવાજ વાતાવરણને વધુ ભયાવહ પણ બનાવતો હતો. બાજુમાં રહેલા પીપળાના પાન નો અવાજ પણ એ ડરામણાં વાતાવરણની ભયાનકતામાંવધારો કરી રહ્યો હતો. તમે ડરતાં ન હોતા. તમે વાંચવામાં મશગૂલ હતા. રાત્રીના દસ વાગી ગયા અચાનક દરવાજે ટકોરા પડ્યાં. અત્યાર સુધી ડર ન અનુભવતા તમારા શરીરમાંથી એ વખતે ભયનું લખલખું પસાર થઈ ગયેલું.સ્વસ્થ થઈ તમે પૂછ્યું'કોણ?' એક સ્ત્રી નો અવાજ સંભળાયો, 'એ તો હું બેટા રેવા,ખેતર થી પાછી વળી બીજા ખેતરે જતી હતી એટલે ઓરડીની લાઈટ ચાલુ જોઇ આ બાજુ વળી. કોઈ કહેતું હતું કે દયાશંકરનો છોકરો જ અહીં નોકરી આવ્યો છે.બંધ દરવાજે એણે તમને આપેલી માહિતીથી તમને થોડી ધરપત થઈ.તમે દરવાજો ખોલ્યો.મધ્યમ ગૌર વર્ણ ધરાવતી ગામડી કપડામાં સજ્જ એક પચાસેક વર્ષની મહિલા ઓરડામાં દાખલ થઈ અને ઓરડીમાં રહેલી જુના જમાનાની ખુરશી પર આવીને બેઠી. તું દયાશંકર નો દીકરો છે એટલે તને વાત કરું છું આજ સુધી કોઈને કહ્યું નથી. તને ખબર પડે કે તારા બાપે આત્મહત્યા નથી કરી એને મારા આદમી મનજી એ જ મોતને ઘાટ ઉતારી દીધો.
વાત એમ હતી કે વખતે હું યુવાન હતી.હાલ પણ સુંદર લાગુ છું. તે વખતે મારો જોબન ફાટફાટ થતું હતું. વહેલી સવારે હું ભેંસ દોહીને દયાશંકરને દૂધ આપવા આવતી. વહેલી સવારે વાતાવરણમાં અમે બે થોડો સમય માટે એકલા મળતા, એ સમય દરમિયાન અમારી આંખો મળી ગઇ. એક દિવસ અમે એકબીજામાં ઓગળી ગયા પછી સવારે દૂધ આપવા આવું ત્યારે અમે રોજ એક થઈ જતા. એક દિવસ મારા બદલે મનજી મારા પતિ ને દૂધ આપવા આવવાનું થયું. એ વખતે દયાશંકર બંધ ઓરડીમાંથી બોલ્યોઆવી જા રેવા,દરવાજો ખુલ્લો છે.દરવાજો ખોલી મનજીએ દૂધ તો આપી દીધું પણ ઘરે આવે ત્યારે રેવા ભાભી કહેતા દયાશંકરે રેવા કહ્યું એ એના દિમાગમાં ઘુમરાવા લાગ્યું. બીજા દિવસે હું દૂધ આપવા આવી ત્યારે ખબર ન પડે એમ એ પાછળ પાછળ આવ્યો. દયાશંકરે દરવાજો ખોલ્યો હું અંદર ગઈ.અંદરથી દરવાજો બંધ થયો. દરવાજાની તિરાડમાંથી એણે અંદર જોયું.દયાશંકર અને હું... એ કશું બોલ્યા વગર પાછો જતો રહ્યો અને એ જ રાતે દસ વાગ્યે એણે આવીને તારા બાપનું ગળુ દબાવીને મારી નાખ્યો અને પંખે દોરડું બાંધી લટકાવી દીધો. બીજા દિવસે હું દૂધ આપવા આવી ત્યારે દયાશંકરને હ જોઇને દોડી ઘરે.મનજીને વાત કરી.મનજી ગામના બે ચાર લોકોને લઈને ઓરડી પર આવ્યો. દયાશંકરે આપઘાત કર્યો, આપઘાત કર્યો. આખા ગામમાં ખબર ફેલાઈ ગઈ. હું પણ શરૂઆતમાં તો એમ જ માનતી હતી કે દયાશંકર આપઘાત કર્યો પણ એ દિવસથી મનજીએ મારી સાથે સુવાનું બંધ કરાયું.એક રાતે મેં એના સાથે સુવાની જીદ કરી.ઉશ્કેરાટને ઉશ્કેરાટમાં એણે મને બધી વાત કરીને કહ્યું કે તારા સગલાને એ જ રાતે ગળેટૂંપો આપીને પતાવી દીધેલો તને પણ મારી નાંખત પણ આ પાંચ છોડીઓની દયા આવેલી.પછી મનજીએ ક્યારે મારી સાથે પતિ તરીકે સંબંધ ના બાંધ્યો તે ન જ બાંધ્યો.આ તો મનનો ભાર હળવો કરવા તને કહેવા આવી. પોતાની વાત બીજાને કેવી રીતે કહેવી. દયાશંકરના મોતનું નિમિત્ત હું જ છું.કોઈને કહેતો નહી બેટા મારી અને તારા બાપની બદનામી થાશે' એમ કહી રેવાએ વિદાય લીધી. તમે કશું બોલવાની સ્થિતિમાં હતા નહીં.એ રાતે તમને ઊંઘ ન આવી.તમારી માતા જેને દેવગણની પૂજતી રહી એ દેવે અહીં અપ્સરા સાથે મજા કરી છે અને એના પાપે મરી ગયો છે.તમારા પિતા પ્રત્યે તમને નફરત થઇ ગઈ. બીજા દિવસે સવારે ટપાલી કાનજી અને પટાવાળો શિવો ઓફીસ સમયે હાજર થઇ ગયાં.રાતવાળી ઘટના તમારા મગજમાં જ હતી.ઓફીસ નું કામકાજ પૂર્ણ કરી બપોરના સમયે તમે ફ્રી થયા ત્યારે તમે મનજીના પરિવાર વિશે પૂછ્યુંતો શિવાએજણાવ્યું કે સાહેબ મનજી ને મર્યાને પાંચ-છ વર્ષ થયા અને બે વર્ષ પહેલાં જ એની પત્ની રેવાએ પણ રામ કીધો. દિવસના ભર બપોરે સૂર્યના અજવાળે તમારું શરીર પરસેવો પરસેવો થઈ ગયું.તમે ઓફિસની ગણો કે ઓરડીની રેવા સાથેની પ્રથમ મુલાકાતને કેમ કરી ભૂલશો?