Ajnabi Humsafar - 17 in Gujarati Love Stories by Dipika Kakadiya books and stories PDF | અજનબી હમસફર - ૧૭

Featured Books
Categories
Share

અજનબી હમસફર - ૧૭

રૂમની અંદરનું દ્રશ્ય જોઈને દિયાના ચહેરા પર ગભરાહટની રેખાઓ ઉપસી ગઈ. બેડ પર બ્લેન્કેટ ઓઢી રાકેશ ધ્રૂજતો હતો. તેનો ફક્ત અડધો ચેહરો દેખાતો હતો. દિયા દોડીને તેની પાસે ગઈ અને તેના માથા પર હાથ મૂક્યો તો તે તાવથી તપતો હતો .

દિયાએ પોતાનો મોબાઇલ કાઢી સમીરને ફોન કર્યો અને જલ્દીથી ગાડી લઈને રાકેશના ઘરે આવવા કહ્યું. થોડીવારમાં સમીર ત્યાં ગાડી લઈને પહોંચ્યો . બંનેએ મળીને રાકેશને ગાડીમાં બેસાડ્યો અને દવાખાને લઈ ગયા. રાકેશનું શરીર હજુ પણ ધ્રુજતું હતું અને કંઈ ભાનમાં ન હોય તેમ કંઇક બોલતો હતો.

ડોક્ટરે તેનો ચેક અપ કરીને ઇન્જેક્શન આપ્યું અને બ્લડ ટેસ્ટ કરવા માટે મોકલ્યું . ઈન્જેક્શનની અસરને કારણે રાકેશ હજુ પણ સૂતો હતો પણ તેનુ શરીર ઠંડુ પડી ગયું હતું. દિયા તેના બેડ પાસે બેઠી રહી. તેના ચહેરા પર રાકેશ માટેની ચિંતા સાફ દેખાઈ રહી હતી. એટલામાં ડોક્ટર રાકેશ પાસે આવ્યા એટલે દિયા એ પૂછ્યું,

" શું થયું છે ડોક્ટર?

" એમને ટાઈફોઈડ છે .આજનો દિવસ તેમને એડમિટ રાખવા પડશે કાલે સવારે રજા મળી જશે .પણ હા તેમના ખાવા-પીવામાં ખુબ જ ધ્યાન રાખવુ પડશે. કોઈપણ હેવી ખોરાક તેની બીમારીને અસર કરી શકે છે. એટલે બને ત્યાં સુધી ખીચડી મગ અને ફ્રુટ જ્યુસ જેવો હળવો ખોરાક આપવો. આટલું કહી ડોક્ટરે સિસ્ટર ઈશારો કર્યો એટલે સિસ્ટરે રાકેશના હાથમાં સોઈ લગાવી, બોટલ ચડાવી. દિયાએ સમીરને ઘરે મોકલ્યો.

અડધી કલાક પછી રાકેશને હોશ આવ્યો . તેણે જોયું તો દિયા તેની બાજુમાં બેઠી હતી. રાકેશને હોશ આવતા જોઈ દિયાના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. પોતાની સામે દિયાને જોઈ રાકેશના ચહેરા પર પણ ખુશી છવાઈ ગઈ.

"કેમ છે હવે ? આટલો બધો તાવ આવ્યો તો ફોન કરીને જણાવાતુ નથી?" દિયાએ નારાજગી વ્યક્ત કરી.

"કાલે સાંજે જ ઠંડી અને તાવ જેવું લાગતું હતું પછી થયું કે સવારે સારૂ થઈ જશે . ઉઠીને નાહયો પછી ઠંડી ચડી ગઈ . ફોન કરી શકાય એટલી પણ શક્તિ ના હતી . ખબર નહી તૂં ક્યારે આવી અને ક્યારે હું અહીં પહોંચ્યો . " રાકેશે જવાબ આપ્યો.

"હું સવારે તારા ઘરે આવેલી . જોયું તો તું તાવમાં ધ્રુજતો હતો.પછી હું અને સમીર તને અહીં લઈ આવ્યા."

"થેન્ક્યુ દિયા"

"આ શબ્દ દોસ્તીમાં સારો નથી લાગતો એવું કોઈએ મને કીધેલું."

સાંભળી રાકેશ હસવા લાગ્યો . એટલામાં સમીર ટિફિન લઈને આવ્યો. સમીર ઘરેથી જમીને આવ્યો હતો એટલે દિયા અને રાકેશ જમ્યા .

"દિયા હવે તું ઘરે જા હું રાકેશ પાસે રહું છું." સમીરે કહ્યું.

દિયા રાકેશ ને આવી હાલતમાં છોડીને દૂર જવા માંગતી ન હતી એટલે તેણે સમીરને કહ્યું,

"ના સમીર હું જ અહીંયા રોકાઈ જાવ છું . તું બા દાદા પાસે જા સવારે કશે જવાનું કહેતા હતા તું એમને ત્યાં લઈ જા"

"અરે હા હું ભૂલી ગયો.. સારું, તો હું જાઉં છું .રાકેશ ! ધ્યાન રાખજે ..ગેટ વેલ સુન.. અને હા આ રાકેશનો ફોન મારી પાસે રહી ગયો હતો, કોઈનો ફોન આવેલો ઓફિસથી ,તો મે કહ્યું કે તેને ટાઈફોડ થયો હોવાથી આરોગ્યમ હોસ્પિટલમાં એડમીટ કર્યો છે. વધારે કંઈ બોલુ એ પહેલા ફોન સ્વીચ ઓફ થઇ ગયો , ચાર્જ કરવા મુકી દેજે "કહી સમીર જતો રહ્યો.

દિયાની પોતાની સાથે રહેવાની વાત થી રાકેશને ‌સારૂ લાગ્યું. હુ‌ આમ જ બીમાર પડ્યો રહુ અને તું આમ જ મારી સાથે બેસી રહે રાકેશ મનમાં વિચાર્યું .

"અગર તું રહેતી હે પાસ હમારી નાસાઝગી (બીમારી)સે,
તો હર મર્ઝ (રોગ) મુજે કબુલ હૈ..

"રાકેશ દવા પી લે અને પછી સુઈ જા" દિયાએ પાણીનો ગ્લાસ અને દવા રાકેશના હાથમાં આપી અને કહ્યું. રાકેશે દવા પીધી અને સુતો . દિયા તેના બેડ પાસે જ બેઠી રહી .

સાંજના પાંચ વાગ્યા હશે ત્યારે રાકેશ ઉઠ્યો .તેણે જોયું તો દિયા બાજુમાં ન હતી કદાચ કશે ગઈ હશે એવું વિચારી તે બેઠો થયો. ત્યાં જ દરવાજેથી દિયા આવતી દેખાય તેના હાથમાં લીલા નાળિયેર હતા. રાકેશ ને ઉઠેલો જોઈએ તેની પાસે આવીને બેઠી અને કહ્યું

"કેવી છે તબિયત?હું લીલું નાળિયેર લાવી છું તે પી લે."

રાકેશે હકારમાં માથુ હલાવ્યું અને નાળિયેર લેવા માટે હાથ લંબાવ્યો. તેના એક હાથમાં સીરીંજ લગાવેલી હતી એટલે એક હાથથી તે નાળિયેર પકડવા ગયો તો નાળિયેરના વજનને લીધે તે છટક્યું ,દિયા એ તરત પોતાના હાથથી નાળિયેર પકડી લીધુ .

"લાવ હું પકડી રાખું છું કપિલ તું પી લે" એમ કહી દિયાએ નાળિયેર પકડી રાકેશના ચહેરા પાસે લાવ્યુ. દિયાનો હાથ અને ચહેરો રાકેશની એકદમ નજીક હતો. તેની ધડકન જોરથી ધડકી હતી . જેને કાબૂમાં રાખી તે નાળિયેર પીવા લાગ્યો . ત્યાંજ રૂમમાં કોઈ નો અવાજ સંભળાયો.

" તારી આટલી બધી તબિયત ખરાબ થઈ ગઈ અને તે અમને જણાવ્યું પણ નહીં ." કહી એ વ્યક્તિએ રાકેશ તરફ જોયું અને તેની પાસે એકદમ નજીક બેઠેલી દિયા તરફ આશ્ચર્યથી જોયું .

રાકેશ અને દિયા બંનેએ એ અવાજ તરફ નજર કરી. દિયાએ વ્યક્તિને પ્રશ્ન સુચક નજરે જોઈ રહી પણ રાકેશના ચહેરા પર મુસ્કાન આવી ગઈ અને બોલ્યો,

"પપ્પા તમે ?અહીં અચાનક?"


ક્રમશઃ...