ભાગ :- ૧૨
આપણે અગિયારમાં ભાગમાં જોયું કે સૃષ્ટિ હવે બસ પોતાની જિંદગી પોતાની રીતે જીવી લેવાના મૂડમાં છે. સાર્થક સાથે ખરેખર લગ્ન કરી સમાજ માટે એક અનૈતિક સંબંધ કહેવાય એવા સંબંધે એની પત્ની બનવા તૈયાર થાય છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે...
*****
સૃષ્ટિ ખુબજ ખુશ હતી. હવે સમય આવી ગયો હતો કે એ પોતાના મનની વાત અનુરાધા અને પાયલ સાથે શેર કરે. હજુ પણ એના મનમાં આ વાત અનુજને શેર કરવા માટે અવઢવ હતી કારણકે એ ભલે એના મનથી અનુજને પોતાનો મિત્ર માનતી પણ અનુજનો એની તરફનો ભાવ આ વાત અનુજને કરતા રોકી રહ્યો હતો. આથી સૃષ્ટિએ આ વાત પહેલા પાયલને કહી અને થોડા દિવસ પછી અનુરાધાને.
પાયલનું રિએક્શન એક્દમ અલગ હતું. એ હંમેશાથી સૃષ્ટિને ખુશ જોવા ઇચ્છતી હતી અને કોઈપણ એને દુખી કરે એ માન્ય નહોતું. વાત જાણીને એ સીધી જ સાર્થક પાસે પહોંચી ગઈ અને મુંબઈની એની આગવી અદામાં જ સાર્થકને કહી દીધું કે, "જે પણ કરે સમજી વિચારીને કરજે, સૃષ્ટિને કોઈપણ પ્રકારની તકલીફ પડી કે તેં સૃષ્ટિને છેતરી તો હું તને નહીં છોડું." પાયલનું આ રૂપ જોઈ એકવાર તો સાર્થક પણ ગભરાઈ ગયો પણ એ જાણતો હતો કે આ જ તો હતી પાયલ અને સૃષ્ટિની મિત્રતા જે એમને ખાસ બનાવી રહી હતી.!
અનુજને કહેવા માટે સૃષ્ટિના મનમાં બે ભાવ થતાં હતાં. એક તરફ એનું દિલ કહી રહ્યું હતું કે એક સમયના સારા મિત્ર અને સુખ દુઃખના સાથી બનેલા અનુજને જાણ કરવી જોઈએ. જ્યારે બીજી તરફ એનું દિલ અનુજે એની ઉપર લાગણી થોપવાના કરવામાં આવેલા પ્રયત્નથી થોડું કચવાતું હતું અને એને અનુજને કહેતા રોકી રહ્યું હતું. જોકે આમ પણ અનુજના એવા વર્તનથી આહત અને સાવધ થયેલી સૃષ્ટિએ ધીમે ધીમે એના તરફ ધ્યાન આપવાનું ઓછું જ કર્યું હતું પણ જ્યારથી સાર્થકે એ બંનેની મિત્રતા ઉપર સવાલ કર્યો ત્યારથી તો એ ખાસ એક અંતર જાળવી રાખતી હતી. આ તરફ અનુજ દિવસેને દિવસે એકલો થઈ રહ્યો હતો અને એક સંબંધથી છેતરાયો હોય એવી ભાવના સાથે એ એકાકી થઈ ગયો હતો. પોતાની જાતને વ્યસ્ત રાખી પોતાનું ધ્યાન સૃષ્ટિ તરફથી દૂર રાખવા એક નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો હતો.
અનુરાધાને એક ખાસ સમય ફાળવીને સૃષ્ટિએ ફોન પર પોતાના એના સાર્થક સાથેના સંબંધ વિશે વાત કરી. શરુથી લઈ અંત સુધી શું શું બન્યું અને કયા સંજોગોમાં આ સંબંધ આગળ વધ્યો એ બધી જાણકારી આપી. એ પણ કહ્યું કે એ બંને હવે એકબીજાને વધુને વધુ સમય આપી રહ્યા છે. સાર્થક એને ખૂબજ સારી રીતે સાચવે છે અને એની જિંદગીમાં આવેલો સૌથી બેસ્ટ વ્યક્તિ છે. સાથે જ ઉમેર્યું કે હવે એને કોઈજ સંબંધ નથી જોઈતો, આથી વિશેષ તો કાંઈ હોઈજ ના શકે જીવનમાં. અનુરાધા સૃષ્ટિની આ એકી શ્વાસે બોલી રહેલી વાતો સાંભળી રહી હતી અને મનોમન એક્દમ ખુશ થઈ રહી હતી કે સૃષ્ટિને આટલા વર્ષે એવું વ્યક્તિત્વ જીવનમાં મળ્યું જે એને સમજી શકે છે. સાર્થકનો ફોન આવતો હોવાથી સૃષ્ટિએ હમણાં આ વાત ખાનગી રાખવાની કહીને વાત ટૂંકાવી ફોન મૂક્યો.
સૃષ્ટિના ફોન મૂકવાની સાથે અનુરાધાના અંતર મનમાં શ્યામ ઉપસી આવ્યો. હા, એ જ અનુરાધાનો શ્યામ... પળ પળ સાથે રહેતો અને પળવારમાં સ્પર્શી જતો એવો શ્યામ.! બહુ સમય થઈ ગયો હતો શ્યામ સાથે ફોન ઉપર વાત કરે. સૃષ્ટિની વાતો સાંભળી અનુરાધાને પણ થઈ આવ્યું લાવ આજે વાત કરી લઉં શ્યામ સાથે અને ફોન જોડી શ્યામ સાથે ના સુખદ પળો ફરી અનુરાધાએ પોતાની આત્મા સાથે જોડી દીધા.
સૃષ્ટિ અને સાર્થકનું એકબીજાને મળવું અને એમાં પણ એકબીજાને સમય આપી એકબીજાને તૃપ્ત કરવું હવે સામાન્ય થઈ ગયું હતું. જ્યારે પણ સમય મળતો મુવી અને મોલ ફરી આવતા અને દર રવિવારે બહુચર માતાના મંદિરે જવું એ સામાન્ય થઈ ગયું હતું. અને આમને આમ એકબીજાના સાથ થકી એકબીજાને સાથ આપી રહ્યાં હતાં. છતાં પણ બંનેએ એક શારીરિક અંતર જાળવી રાખ્યું હતું. મૂવી જોતા તેઓ ક્યારેક હાથમાં હાથ રાખતા પણ એથી આગળ કાંઈજ નહીં કારણ કે સાર્થકે સૃષ્ટિને વચન આપ્યું હતું કે પહેલાં લગ્ન કરશે અને સૃષ્ટિ સંમતિ આપે નહીં ત્યાં સુધી બંને એકબીજાને આવીજ રીતે મળશે અને પ્રેમ કરશે. આટલા અરસામાં એક પુરુષ પોતાની જાત ઉપર પ્રેમ માટે આટલો કંટ્રોલ રાખે એ જ વાત સૃષ્ટિ માટે સાર્થકને ખાસ બનાવી રાખવા માટે પૂરતું હતું. સૃષ્ટિને સાર્થકની આવીજ વાતો ગમી હતી અને એ આવી વાતોમાં જ મોહી હતી કે સાર્થક હમેશાં એની લાગણીઓ સાથે સાથીદાર બન્યો હતો.
હવે અનુરાધા સાથે પણ સૃષ્ટિ સાર્થકની વાત કરતી હતી. એક્દમ પેટ છૂટી વાત અને પોતાની ખુશીનો એકરાર કરતી હતી. સાથે અનુરાધાને અનુજના ખબર પણ પૂછી લેતી હતી કારણ કે ક્યારેક અનુરાધા અનુજ સાથે વાત કરી લેતી હતી અને એને એક મિત્ર ભાવે સાથ આપી રહી હતી. અનુજ સૃષ્ટિના જીવનમાં આવેલા પરિવર્તનની નોંધ લઇ રહ્યો હતો પણ અનુરાધાએ સૃષ્ટિના કહ્યા મુજબ અનુજને સાર્થકની વાતથી અજાણ રાખ્યો હતો. આમને આમ સમય વીતી રહ્યો હતો અને સમયની એરણ સાથે સૃષ્ટિ અને સાર્થકનો પ્રેમ.
બહુ સમય થયો હતો સૃષ્ટિ અને અનુરાધાને મળ્યે અને ત્રણ દિવસની રજા આવતી હોવાથી સૃષ્ટિએ અનુરાધાને પોતાના ઘરે રહેવા માટે બોલાવી. બહુ દિવસે મળીને અનુરાધા અને સૃષ્ટિ ખુશખુશાલ થઈ ગયા. દાળ, ભાત, શ્રીખંડ, પુરી બનાવવામાં આવ્યા અને બપોરે જમીને બહુ બધી સાર્થક વિશે અને એ લોકોના સંબંધ વિશે વાતો કરી. અનુરાધા સાથે એની દીકરી પણ આવી હતી. એની દીકરી અને સૃષ્ટિની દીકરી અનન્યાએ પણ સાથે બેસી બહુ બધી વાતો કરી. જાણે માતાઓની મિત્રતાનો સંબંધ નવી પેઢીમાં ઉતરી રહ્યો હતો અને વારસો જળવાઈ રહ્યો હતો.!
અનુરાધા અને સૃષ્ટિની વાતો ચાલતી હતી ને સાર્થકનો ફોન આવ્યો. સૃષ્ટિએ સાર્થક સાથે થોડીવાર વાતો કરી અને અનુરાધાના આવવાની જાણ કરી. એ જાણીને સાર્થકે અનુરાધા સાથે પણ વાત કરી અને સાંજે પોતાના ઘરે આવવાનું કહ્યું જેના જવાબમાં અનુરાધાએ સ્વીકૃતિ આપી.
સાંજ પડતાં સૃષ્ટિ અને અનુરાધા તૈયાર થઈ સાર્થકના ઘરે પહોંચી ગયા. એમના ઘરમાં એના મમ્મી હાજર હતા એમણે આ બધા માટે ચા નાસ્તો આપ્યો અને એમને એકબીજા સાથે વાતો કરતા મૂકી બીજા રૂમમાં ચાલ્યા ગયા. સાર્થકે અનુરાધાને બહેન કહી અને કહ્યું કે, "સૃષ્ટિ હમેશાં તમારી અને તમારી આટલી લાંબી મિત્રતાની વાત કરતી હોય છે પણ મારા માન્યામાં જ નહોતું આવતું. પણ હવે માની શકાય કે તમે કેમ આટલા સારા મિત્રો છો." જે સાંભળી અનુરાધા અને સૃષ્ટિ બંને લગભગ પોરસાઈ ગયા.
વાતવાતમાં સૃષ્ટિએ પહેરેલી એ સાડીની વાત નીકળી જે સાડીમાં જોઈ સાર્થક સૃષ્ટિ ઉપર મોહી ગયો હતો અને સૃષ્ટિએ સાર્થકને કહ્યું કે એ સાડી અનુરાધાની હતી. આ જાણીને સાર્થકે તરત જ અનુરાધાને કહ્યું કે, "બહેન તમને હું બીજી સાડી લાવી આપીશ પણ હવે આ સાડી તમે પરત ના માગતા." અને આ વાત કરતાં એના મનના ભાવો જે ચહેરા ઉપર ઉભરાયા એ જોઈ સૃષ્ટિ અને અનુરાધા એકબીજા સામે જોઈ હસી પડ્યા. અનુરાધાએ કહ્યું બીજી સાડી નથી જોઈતી, હવે એ સાડી સૃષ્ટિની થઈ બસ. બહુ બધી વાતો કર્યા પછી સૃષ્ટિ અને અનુરાધાએ સાર્થકને Bye કહ્યું અને નીકળતા નીકળતા સૃષ્ટિ સાર્થકને એના રૂમમાં જઈને મળી આવી ને પછી એ બંને ઘરે જવા નીકળ્યા.
રસ્તામાં સતત સૃષ્ટિ સાર્થકની વાતો કરી રહી હતી પણ અનુરાધાના મનમાં કાંઈક અલગજ ચાલી રહ્યું હતું. ઘણા વર્ષે પહેલીવાર એવું બન્યું હતું કે એણે નવી સાડી લીધી હોય અને એ પહેરીને એના શ્યામ સાથે એ ફોટો શેર ના કર્યો હોય. એને યાદ આવી ગયો એ દિવસ જ્યારે સૃષ્ટિએ એની જોડે આ સાડી માંગી હતી. એણે ખાસ શ્યામના ગમતા કલરની સાડી લીધી હતી અને એને રાહ હતી કોઈ ખાસ દિવસની જેમાં એ સાડી પહેરીને એ તૈયાર થાય ને શ્યામને સરપ્રાઇઝ આપે. પણ અનુએ જ્યારે એ માંગી ત્યારે એ એને ના પાડી જ ના શકી અને હસતા હસતા સાડી આપી દીધી. જોકે આજે સાર્થકની વાત સાંભળીને એ ખુશ થઈ કે કેવી રીતે આ સાડીથી એના અને શ્યામના પ્રેમના રંગે અનુરાધા અને સાર્થકને પણ રંગી દીધા. અનુરાધા અને શ્યામ એક એવાજ અલગ બંધનથી જોડાયેલા હતા. કહોને કે રાધા કૃષ્ણ જેવું જ એક બંધન હતું. ઘરે પહોંચતા જ સૃષ્ટિને અનુરાધાને હાથની રસોઈ ખાવી હોવાથી અનુરાધા રસોઈ બનાવવામાં પડી અને સૃષ્ટિ સાર્થક સાથે ફોન પર વાત કરવામાં પડી.
રાત્રે જમીને અનુરાધા અને સૃષ્ટિ વાતો કરવા બેઠા ત્યારે સૃષ્ટિએ અનુરાધાને વાતવાતમાં અંબાજી જવું છે એવી ઈચ્છા વ્યક્ત કરી અને પછી જાતે જ બીજા દિવસે જ અંબાજી જવાનો પ્રોગ્રામ બનાવી દીધો. અચાનક આવેલા આ પ્રસ્તાવનો અનુરાધા વિરોધ કે સમર્થન ના કરી શકી. કારણ કે, આમા ના પાડવા માટે કોઈ કારણ નહતું. અને આખરે બીજા દિવસે બપોર પછી અંબાજી જવાનું ફાઇનલ થયું.
*****
અચાનક અંબાજી જવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો?
બપોર પછીજ અંબાજી જવું એવો નિર્ણય કેમ કરવામાં આવે છે ?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?
આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk
મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...
©રોહિત પ્રજાપતિ