અંતિમ વળાંક
પ્રકરણ ૨૩
“કેટલાંક સબંધો માત્ર તૂટવા માટે જ સર્જાતા હોય છે” બોલીને સ્મૃતિ આંખમાં ઉમટેલા આંસુને છૂપાવવા માટે નીચું જોઈ ગઈ.
ઇશાન સમજી ગયો કે સ્મૃતિ તેના મનનો કોઈ અગમ્ય ભાર હળવો કરવા માંગે છે. ઈશાને આજે નક્કી જ કર્યું હતું કે ચાહે દુનિયા ઇધર કી ઉધર હો જાય .. પણ આજે તો સ્મૃતિને ઉર્વશી તરીકે નહી પણ સ્મૃતિ તરીકે જ જોવી છે.
“સ્મૃતિ , મને કોઈ હક્ક નથી તમારા અંગત જીવન વિષે જાણવાનો અથવા તો તેમાં ડોકિયું કરવાનો. ”
ઇશાનને બોલતો અટકાવીને સ્મૃતિ બોલી ઉઠી “ઇશાન, એમ તો મને પણ ક્યાં હક્ક હતો તમારા અંગત જીવનમાં ડોકિયું કરવાનો?”
ઇશાન મૌન થઇ ગયો. સ્મૃતિની દલીલમાં વજૂદ હતું.
ઇશાન, વડોદરામાં મારો પતિ રાજુ કાર વોશ કરવાનું કામ કરતો હતો” . ”
“વ્હોટ ? તમે પણ વડોદરાના જ છો?’
“હું સમજી નહિ... ઇશાન”.
ઇશાનને ફરીથી ઉર્વશીનો ઉલ્લેખ નહિ કરવાનો પોતાનો સંકલ્પ યાદ આવી ગયો. ઉર્વશીનું પિયર પણ વડોદરા જ હતું તે વાતની ચોખવટ કરવાનો અત્યારે ખાસ કોઈ મતલબ પણ નહોતો. “જી... સ્મૃતિ, કાંઈ નહી.. તમે તમારા પતિ વિષે કાંઇક કહી રહ્યા હતા”.
“હા ઇશાન, હું કોલેજના છેલ્લા વર્ષમાં હતી ત્યારે અનાથ રાજુ દરરોજ પપ્પાની કાર વોશ કરવા અમારા અલકાપૂરી વિસ્તારના બંગલે આવતો હતો. રાજુ પાણીગેટ પાસેની એક ચાલીમાં એકલો રહેતો હતો. એકવીસ વર્ષનો રાજુ હેન્ડસમ હતો. તે એકદમ ફિલ્મી હીરો જેવો જ દેખાતો હતો. બ્લ્યુ જીન્સ અને લાલ ટી શર્ટ પહેરીને તે જયારે આવતો ત્યારે તો હું તેની સામેથી નજર હટાવી જ નહોતી શકતી. મારા મનના ભાવ રાજુ પામી ગયો હતો.
તે મને કોલેજે મળવા માટે પણ આવવા લાગ્યો હતો. અમારી મુલાકાતોનો દોર વધતો ગયો. માત્ર પંદર દિવસમાં તો હું રાજુને મારું સર્વસ્વ સોંપી બેઠી હતી”.
“ ઓહ.. પછી ?”
“અમે બંને કોર્ટ મેરેજ કરીને આબુ ભાગી ગયા હતા”.
“ સ્મૃતીજી,તમારા પેરેન્ટ્સને જાણ... ”
“મારા પેરેન્ટ્સ તો રાજુને જમાઈ તરીકે સ્વીકારે જ નહિ તેની મને ખાતરી હતી.. અમે ભાગી ગયા કે તરત જ મારા પેરેન્ટ્સે તો મારા નામનું નાહી નાખ્યું હતું. આજે તો તેઓ આ દુનિયામાં નથી પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમણે મને બોલાવી નહોતી. ”
થોડીવાર માટે બંને વચ્ચે ભારેખમ મૌન પથરાઈ ગયું.
ઇશાનને સ્મૃતિની સત્યઘટનામાં રસ પડયો હતો.
” અમે ચાર દિવસ આબુમાં રોકાયા તે મારા લગ્નજીવનની ચાર દિનની ચાંદની જ હતી. પૈસા ખૂટી પડયા એટલે અમે તરત વડોદરા પરત આવ્યા.. અમારો સંસાર રાજુની ખોલીમાં જ શરુ થયો. મારા પહેરેલાં દાગીના વેચીને અમે જરૂરી ઘરવખરી લઇ આવ્યા હતા. બે દિવસમાં જ મારી આંખ ખુલી ગઈ. તે દિવસોમાં રાજુ રોજની વીસેક ગાડી વોશ કરતો હતો. ગાડી દીઠ બસ્સો લેખે રાજુની આવક માત્ર ચાર હજાર જ હતી.
રાજુને મદદરૂપ થવા માટે મેં પણ ટયુશનો કરવાનું શરુ કર્યું હતું. રાજુની જુગાર રમવાની આદતનો ખ્યાલ તો મને લગ્ન બાદ જ આવ્યો હતો. ઘરમાં મારી આવક વધતાં રાજુએ દારૂ પીવાનું પણ શરુ કર્યું હતું. દરરોજ રાત્રે રાજુને દારૂ છોડવા માટે હું ખૂબ જ સમજાવતી હતી. રાજુ મારા માથા પર હાથ રાખીને કહેતો.. ” ડાર્લિંગ, તારા સમ ,આજથી દારૂ અને જુગાર બંધ.. બસ ?” હું તેની વાતમાં આવી જતી અને તેને આધીન થઇ જતી. મને ભોગવી લીધા બાદ સવારે પાછા મિયાં ઠેર ના ઠેર થઇ જતા. રાજુ પ્રત્યેનો મારો પ્રેમ નફરતમાં તબદીલ થતો જતો હતો. આખરે એક વકીલની સલાહ લઈને મેં કાયમ માટે રાજુથી છૂટકારો મેળવી લીધો”.
“ઓહ. ”. ઇશાન પાસે સ્મૃતિને આશ્વસ્ત કરવા માટે શબ્દો જ નહોતા.
થોડીવાર બાદ સ્મૃતિએ વાત આગળ ધપાવી. મારા એક વિધૂર મામા હતા... છગનમામા. તેઓ નિ:સંતાન હતા. પહેલેથી જ તેઓ અતિશય સેવાભાવી હતા. દિલ્હીની સરકારી નોકરીના ઉચ્ચ હોદ્દા દરમ્યાન તેમણે એક પણ રૂપિયો લાંચ લીધા વગર અનેક મોટા ઉદ્યોગપતિઓના કામ કર્યા હતા. નિવૃત્ત થયા બાદ તેમણે નિવૃત્તિનું તમામ ફંડ અને પેન્શન પણ સેવા માટે વાપરવાનું નક્કી કર્યું હતું. અમુક ઉદ્યોગપતિઓને આ વાતની જાણ થઇ એટલે તેઓ સામેથી છગનમામાને મદદ કરવા આગળ આવ્યા. બસ આ રીતે આ રીતે બાલઆશ્રમની શરૂઆત થઇ.
છગનમામાને મારા પ્રત્યે પહેલેથી જ ખૂબ લાગણી હતી. તેમને મારા વિષે જાણવા મળ્યું એટલે તેઓ જ મને અહીં તેમની સાથે લઇ આવ્યા. મને અહીંની સેવાકીય પ્રવૃત્તિમાં રસ પડયો. મને મારા વેરાન થઇ ગયેલા જીવનમાં જીવવાનું એક કારણ મળી ગયું... અહીં આવતાં બાળકો જ મારું જીવન જીવવાનું બળ બનતા ગયા. મેં પણ એવો નિર્ધાર કર્યો હતો કે ... ” અચાનક સ્મૃતિ બોલતા બોલતા અટકી ગઈ. આગળનું વાક્ય બોલવું કે નહી તેની અવઢવમાં પડી ગઈ.
ઇશાન સ્મૃતિની સામે જોઈ રહ્યો. તે સમજી ગયો કે સ્મૃતિ મનમાં શબ્દો ગોઠવી રહી છે. થોડી વાર સુધી સ્મૃતિ એક પણ શબ્દ ન બોલી એટલે ઈશાને પૂછયું .. ”સ્મૃતિ શેનો નિર્ધાર કર્યો હતો?”
મેં નિર્ધાર કર્યો હતો કે અહીં ઉછરતાં અનાથ બાળકોમાં એવા સંસ્કાર સિંચવા છે કે આમાંનો એક પણ બાળક મારા પતિ રાજુ જેવો તો ન જ થાય”. સ્મૃતિના ચહેરા પર મક્કમતાના ભાવ ઉતરી આવ્યા હતા.
આજે પણ ઘણી વાર મને વિચાર આવે છે કે મારા પતિ રાજુને જો બાળપણથી માતા કે પિતા બેમાંથી એકનો પ્રેમ મળ્યો હોત... અથવા તો આવા કોઈ આશ્રમની લાગણી પણ અનુભવવા મળી હોત તો તેણે મારી સાથે આટલી હદે ક્રૂર વર્તન ન કર્યું હોત. હું મારી ફૂલોની સેજની દુનિયા છોડીને રાજુ સાથે ચાલી નીકળી હતી... જાણતી હતી કે આગળનો રસ્તો કંટકશૈયા જ છે છતાં મને તે દિવસોમાં મારી જાત કરતાં પણ વધારે રાજુ પર વિશ્વાસ હતો કે અમે અમારી સંસારનૈયા સુખેથી પાર કરી જઈશું. પણ કહેવાય છે ને કે જેનું બાળપણ અતિશય પીડાદાયક વીત્યું હોય તેની યુવાની તેણે જાતે જ સંભાળવી પડે.. અને રાજુ એ સંભાળી ન શક્યો. દારૂ અને જુગારના રવાડે ચડેલ માણસ ક્યારેય કોઈનો થઇ ન શકે”.
“ઓહ, તો તમે આજે પણ રાજુને મિસ કરો છો ?”
“ના.. બિલકુલ નહી.. આ તો આ આશ્રમ પાછળ મારું જીવન સમર્પિત કરવાનો માત્ર હેતુ જણાવી રહી છું... ત્રણેક વર્ષ પહેલાં છગન મામાનું અવસાન થયું. મને ખુદને જાણેકે રાતોરાત અનાથ થઇ ગઈ હોઉં તેવો અહેસાસ થવા લાગ્યો. મારા માટે તે દિવસો ભારે એકલતાના હતા. આ બાળકોએ જ મને હુંફ આપીને બેઠી કરી... મારા માટે તો આ તમામ બાળકો ભગવાનનું જ રૂપ છે. અધૂરામાં પૂરું છગનમામાના જવાથી દાનના પ્રવાહમાં પણ ઓટ આવી ગઈ હતી. માંડ માંડ મેં એકાદ વર્ષ ખેંચ્યું. આશ્રમ બંધ કરવાની નોબત આવી પડી હતી. અચાનક એક ચમત્કાર થયો. જે પરમાનંદસ્વામીએ થોડા સમય પહેલાં અહીંની મુલાકાત લઈ ગયા બાદ પણ મામુલી રકમ દાનમાં આપી હતી તેમના દિલમાં અચાનક રામ વસ્યા. તેમણે આશ્રમનો મોટાભાગનો ખર્ચ ઉપાડવાની મને જાણ કરી... અને આશ્રમ ટકી ગયો”. સ્મૃતિએ પોતાની વાત પૂરી કરીને ઉંડો શ્વાસ લીધો. સ્મૃતિએ આકાશ સામે જોયું. પૂનમનો ચન્દ્ર સોળે કળાએ ખીલી ઉઠયો હતો. ઈશાને પણ આકાશ તરફ જોઇને કહ્યું “સ્મૃતિ, મને તો લાગે છે કે નિયતી જ મને અહીં સુધી ખેંચી લાવી છે. ક્યાં સાત દરિયા પાર લંડન અને ક્યાં ઋષિકેશ પાસેનો આ બાલઆશ્રમ?”
સ્મૃતિએ નોંધ્યું કે ઈશાને તેને “સ્મૃતીજી” ને બદલે પહેલી જ વાર “સ્મૃતિ” તરીકે સંબોધી હતી. ચાંદનીના શીતળ પ્રકાશમાં સ્મૃતિનું રૂપ ઇશાનને આકર્ષિત કરી રહ્યું હતું. અનાયાસે જ તેનાથી બોલાઈ જવાયું .. ”સ્મૃતિ,આપણે બંને એક થઈને એકબીજાના જીવનની પાનખરને વસંતમાં ન ફેરવી શકીએ?”
“ના.. ક્યારેય નહી”. સ્મૃતિના અવાજમાં મક્કમતા ભળી હતી.
ક્રમશઃ