hasta rahevani taklif in Gujarati Comedy stories by Jwalant books and stories PDF | હસતા રહેવાની તકલીફ

The Author
Featured Books
Categories
Share

હસતા રહેવાની તકલીફ

હસે એનું ઘર વસે!
હાસ્ય શ્રેષ્ઠ ઔષધી છે!
હસ્તો ચહેરો સૌને ગમે!!!
આવા બધા સુભાષિતનો નિરંતર હુમલો થતો જ રહે છે.
એમાં કોઈ વાર મારા જેવા ભોળા માણસો મુસીબતમાં મુકાઈ જાય છે.પણ તમને માંડીને સમજાવું.
મારું નામ શૈલેષભાઈ છે. પણ લોકો મને સિરિયસભાઈ કહી ને બોલાવે છે.કારણ કે મારું માનવું છે કે માણસમાં ગંભીરતા હોવી જોઈએ.માણસ જો ગંભીર હોય તોજ તેને લોકો મહત્વ આપે.
પણ મારા ડોક્ટર આ વાત સાથે સહમત નથી.
"જુઓ શૈલેષ ભાઈ, તમારું બ્લડ પ્રેશર હાઈ છે. ભવિષ્યમાં હાર્ટનો પ્રોબ્લેમ પણ થઈ શકે. તમને દવા તો લખી છે, પણ તમે તમારો સ્વભાવ બદલો!"
"એટલે?"
"એટલે થોડા હસતા રહો. જીવન માં હાસ્યરસ લાવો. તમે અહી આવો છે ત્યારે તમારું સોગિયું ડાચું જોઈને મારું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે.તમને ખબર છે, જાનવર અને માણસ વચ્ચે શું ફરક છે?"
"જાનવર નાગા ફરે છે?"
"અરે..."
"જાનવર ફેસબૂક અને વોટ્સએપ નથી ચલાવતા?"
"નહિ તમે.."
"જાનવર સેલ્ફી નથી લેતા?"
"ના!" ડોક્ટર નો પિત્તો ગયો. "જાનવર અને માણસ વચ્ચે ફરક એ છે કે જાનવર હસી નથી શકતા!" જોકે આ વાત ડોક્ટરે એટલા ગુસ્સામાં કહી કે નર્સ પણ દોડતી આવી ગઈ.
"શું થયું. કઈ ઝગડો થયો?" નર્સે પૂછ્યું.
"ના.ડોક્ટરસાહેબ મને હાસ્યરસનું મહત્વ સમજાવી રહ્યા છે." મેં ગંભીરતાથી જવાબ આપ્યો.
નર્સ અમને બંને ને વિચિત્ર નજરે જોતી ત્યાંથી જતી રહી.
જોકે પછી મેં નક્કી કર્યું કે ડોક્ટરની સલાહ અમલમાં મૂકવી.
અને શુભ કામની શરૂઆત તો ઘર પર થી થાય ને?
તો આજે મેં નિશ્ચય કર્યો.. હસો ને હસાવો!
ઘરે પત્ની રાહ જોતી હતી."કહું છું, એક બેડ ન્યૂઝ છે" પત્ની એ કહ્યુ.
"બોલ?"
"મમ્મી ની તબિયત ખરાબ છે. મારે થોડા દિવસ પિયર જવું પડશે"
"જરૂર જા. આવા સમયે તો જવું જ જોઈએ" મેં હસીને કહ્યું.
પત્ની શંકાશીલ નજરે મને જોઈ રહી. " કેમ હસો છો?મમ્મી ની તબિયત ખરાબ છે એટલે કે પછી હું જઈ રહી છું એટલે?
સાચું બોલો મારી ગેરહાજરી માં શું કાંડ કરવાનો વિચાર છે તમારો?"
હવે આ પત્નીઓના મગજમાં એક વાર શંકા ઘૂસી જાય તો તે કાઢવી કેટલી અઘરી છે તે તો દરેક પરિણીત પુરુષ જાણે જ છે!
"શેનું કાંડ? મારી પાસે સમય ક્યાં છે? આવતા અઠવાડિયે કંપની પ્રેસિડેન્ટ આવવાના છે એટલે આખો બે ત્રણ દિવસ તો હું મારી સેક્રેટરી શિલ્પા સાથે કામમાં હોઈશ. કદાચ રાત્રે પણ ઓફિસમાં રોકવું પડે!" મેં હસીને સ્પષ્ટતા કરી.
હવે તમે કહો એમાં મેં શું ખોટું કહ્યું? પત્નીને શું જરૂર હતી મને વેલણથી ફટકારવાની?મને તો એ નથી સમજાતું કે પત્ની ને ગુસ્સો શેનો આવ્યો?
પણ સલામતી ખાતર મેં વિચાર્યું થોડો સમય ઘરની બહાર જતો રહું.પણ બહાર એક બીજું નાટક ચાલુ હતું .
અમારી સોસાયટીમાં એક ઇન્સ્પેકટર ઘોરપડે રહે છે. હું ઘરની બહાર નીકળ્યો તો જોયું કે ઇન્સ્પેકટર ઘોરપડેની બાઇક સ્લીપ મારી ગઈ હતી અને એ કીચડમાં લપસી પડ્યા હતા.
"કયા હુઆ?" અમારા પાડોશી એ પૂછ્યું.
"ઇન્સ્પેકટર ઘોરપડે ગીર પડે!" મેં હસીને જાણકારી આપી.
ઇન્સ્પેકટર ઘોરપડે મારી તરફ જોઈ રહ્યા. તેની આંખો લાલ હતી.
અત્યારે તો હું પોલીસ લોકઅપ માં છું. ઇન્સ્પેકટર ઘોરપડે એ મારા પર શું ચાર્જ લગાડ્યો છે એતો ખબર નથી, પણ મને લાગે છે કે ડોક્ટરનો નુસખો કામ નથી કરી રહ્યો.
વાચકોમાંથી કોઈ જો મારા ડોક્ટર ને મળે તો જરૂર પૂછી જોજો કે માટે હસવાનું ચાલુ રાખવાનું છે?
ત્યાં સુધી તમે પણ હસતા રહો, નાચતા રહો, કૂદતાં રહો....પણ પછી લોકો તમને પાગલ કહે તો મને દોષ ના દેવો.