Damodar, dasl, paani -gaikale ane aaje in Gujarati Thriller by SUNIL ANJARIA books and stories PDF | દામોદર, દાળ, પાણી - ગઈકાલે અને આજે

Featured Books
Categories
Share

દામોદર, દાળ, પાણી - ગઈકાલે અને આજે

લગ્ન વખતના જમણવાર
મેં નાનપણથી પંગતમાં બેસી જમતા લોકો જોયા છે. કોઈ શુભ પ્રસંગે કે ધાર્મિક ઉત્સવ પર.
હવે તો બુફે સીસ્ટીમ ઘણા વખતથી છે. એમાં માત્ર બત્રીસ શાક ને તેત્રીસ પકવાન નહીં, અલગ અલગ વસ્તુઓનાં કાઉંટર્સ પણ હોય છે.
વચ્ચે એક સમય એવો આવેલો જેમાં બુફેની ડીશ લઈ લાઈનમાં ઉભવાનું તો ખરું, કાઉંટર્સ પર કુટુંબની વ્યક્તિઓ, મોટે ભાગે યુવતીઓ અને અમુક પર નવયુવકો હોય.
તે પછી અમુક વખત એવો આવ્યો જ્યારે ભાડૂતી શણગારેલી કન્યાઓ ઉભતી. સંપૂર્ણ બેકલેસ ચોળી અને પેટ, કમરનો V દેખાય તેમ સાડી પહેરેલી. પણ ગમે તેટલું કરે, કેટરર કામવાળીઓને નવાં ધ્યાનાકર્ષક વસ્ત્રો પહેરાવી ઉભાડી દેતો. પછી મોટે ભાગે લાલ કોટ પહેરેલાં છોકરાઓ વેઈટર બની ઉભવા લાગ્યા. એક રિસોર્ટમાં તો બપોરે રિસોર્ટમાં નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા કડીયાઓને જ સાંજ પડે ક્લીન શેવ કરાવી એ લાલ કોટમાં કાઉન્ટર પર ઉભા રાખેલા!
પંગતમાં નાત જમતી ત્યારે મેનુ લગભગ સ્ટાન્ડર્ડ રહેતું. લાડુ કે મોહનથાળ, ભાવનગરી ગાંઠિયા, વડી જે ફરફર કહેવાતી ક્લાર્ડ ચોખાના મીની પાપડ અને કેરીનું અથાણું. ખાસ જાતનો મસાલો નાખી દાળ બનતી જે અમુક લોકો મીઠાઈનું ગળપણ ભાંગવા પડીયો ભરી પીતા. એટલે લગ્ન વખતે રસોઈયા દ્વારા બનતી દાળનું ખૂબ મહત્વ રહેતું.
એ વખતે પણ સાગમટે એટલે કે મોટી સંખ્યામાં લોકો જમવા બેસતા. આ વખતે મીઠાઈનું તો પ્રોવિઝન હોય, મહેમાન લોકો વધુ ન ખાય એટલે વધુ ગળી મીઠાઈ લગ્ન સમારંભ માટે અલગ બનતી. રાજકોટમાં 'લગનીઓ શિખંડ' બનતો જે વધુ જાડો રહેતો અને ઠાંસીને ખાઈએ તો ગળું બગડતું.
આવે વખતે જો દાળ , એક માત્ર પ્રવાહી ખૂટે તે પહેલાં રસોઈયો યજમાનના ઇશારાથી વધુ પાણી નાખી ઉકાળતો.પણ અમૂકથી વધારે પાતળી કેવી રીતે થાય?
જ્યારે ઘણી વ્યક્તિઓ જમવા આવે અને ઓચિંતી વધારે સંખ્યા થઈ જાય ત્યારે યજમાન સાથે રસોઈયો પણ ગભરાઈ જતો. એ વખતે જ તેની સાચી કસોટી થતી.
એના પરથી જ કહેવત આવી -
'દે દામોદર દાળમાં પાણી, રાખણહારો રામ છે. ' મૂળ ઉક્તિ. એના પરથી આવી પરિસ્થિતિમાં યજમાન કેવી રીતે તાત્કાલિક ઉભી થયેલી સમસ્યાનો ઉકેલ કરતા હશે તેનો ખ્યાલ આવે.
ન્યાત કે લગ્નનો જમણવાર હોય ત્યારે અનુભવી વડીલ રસોડાના ચાર્જમાં હોય. પંગતને પીરસવાનું ચાલુ હોય અને દાળ ખુટવા આવે ત્યારે ઉકળતા દેગડામાં પાણી રેડી હલાવી દે. ઉપરથી મસાલો રેડી એટલે કે ભભરાવી દે.
કોઈને ખબર ન પડે તેમ પીરસાણીયાઓ લાઈનબંધ વાનગીઓ લઈ ફર્યે રાખતા હોય.
આગ્રહનો મહિમા એ વખતે ખાસ્સો હતો. વેવાઈને તો આગ્રહ કરવા આખી ટીમ ઉતરી આવે. ક્યારેક સામેવાળા આગ્રહ કરે ત્યારે પાછા ન પડે એટલે અમુક જાનૈયાઓ ખૂબ નાના ડોઝમાં ભાંગનું સેવન પણ કરીને આવતા.
મેં દાળ હલાવી પણ છે અને કમંડળ માં લઇ લાઈનસર બેઠેલા લોકોને પડીયામાં રેડી પીરસી પણ છે. બુફે મેં પહેલું 1989 માં જોયું. એ પહેલાં ન્યાત જમતી કે લગ્નની પંગત, સામસામે 30 થી 40 લોકો એક લાઈનમાં બેસતા.
મીઠાઈ પીરસવા ઈમ્પોર્ટન્ટ માણસ નીકળતા. મોટે ભાગે કન્યાના કુટુંબના વડા જમાઈ, એટલે એના માસા કે ફુઆ. કિશોરો ને દાળ કે ફુલવડી ગાંઠિયા જેવું સોંપાતું. ભવિષ્યના જમાઈ તરીકે સ્ત્રીઓ તેમને નિરખતી અને કિશોરીઓ જમવા બેઠી હોય તે તરફ તેઓ તિરછી નજર (જેને અમારી પેઢી ઝાંખવું કહેતી) કરી લેતા. તેઓ પણ અમારી તરફ. વડી, અથાણું વગેરે નાના છોકરાઓ. પુરી અને શાક પીરસવા મિષ્ટાન્ન પછી અગત્યના ભાઈ નીકળતા. રસોડામાંથી નીકળતી ટુકડીને કોઈ વડીલ સુપરવાઇઝ કરતા. પાણી ફેરવવું અગત્યનું કામ હોવા છતાં સહુથી ઓછો અગત્યનો માણસ , કોઈ પ્રમાણમાં ગરીબ બહેનનો છોકરો કે એવો નીકળતો.
વચ્ચે તો બુફે ના કાઉન્ટર પર ભાડૂતી કામવાળીઓ જેવી છોકરીઓ પરી ના ડ્રેસ પહેરી ઉભતી. હવે તો.કેટરર્સ ના માણસો હોય છે. નાત ભુલાઈ ગઈ છે.
મહેમંગતિમાં પણ કૃત્રિમતા આવી ગઈ છે.
બુફે ને કારણે કોઈને આગ્રહ કરવો પડતો નથી એ સારું પાસું છે. પણ અનેકવિધ વાનગીઓ અને જાતભાતનાં કાઉન્ટરોને કારણે લગ્ન વખતની થાળીનો ભાવ બેહદ વધી ગયો છે.
ઉત્સવપ્રિય ભારતીય અને ભોજનપ્રિય ગુજરાતી, જેને મઝાકમાં પેટુ પણ કહેવાય છે તેનો ઉત્સાહ એ નો એ રહ્યો છે. સમય સાથે સ્વરૂપ બદલાયું છે.
-સુનીલ અંજારીયા