premnu vartud - 1 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | પ્રેમનું વર્તુળ - ૧

Featured Books
Categories
Share

પ્રેમનું વર્તુળ - ૧


પ્રકરણ-૧ રેવાંશનો પરિવાર

વૈદેહી આજે ખૂબ જ ખુશ હતી. હજુ તો થોડીવાર પહેલાં જ એની વિદાય થઈ હતી. વૈદેહીની વિદાય એ કોઈ સામાન્ય કન્યાની વિદાય જેવી વિદાય નહોતી. આ પહેલી વિદાય એવી હતી જેમાં કોઈની આંખોમાં આંસુ નહોતા. વૈદેહીના આખા પરિવારએ એને હસતાં ચેહરે વિદાય આપી હતી. સમાજની પણ કદાચ આ પહેલી વિદાય એવી હશે જે આંસુવિહીન વિદાય હતી. વૈદેહી ને વિદાય અપાઈ ગયા પછી વૈદેહી અને એનો પતિ રેવાંશ બંને બસમાં બેઠા. બસ ત્યાંથી થોડી જ વારમાં રવાના થઈ. વૈદેહી હસતાં મુખે બધાં ને આવજો કહી રહી. અને થોડી જ ક્ષણોમાં બસ દેખાતી બંધ થઈ.
વૈદેહી અને રેવાંશના લગ્ન એરેન્જ મેરેજ હતા. બંને ની સગાઈ લગભગ નવ મહિના જેટલી રહી હશે. અને નવ મહિના પછી બંને ના લગ્ન લેવાયા હતા. બંને ખુશ હતા. બંને જાણે એકમેકના માટે જ બન્યા હોય એવી એમની જોડી હતી. બંને એકબીજા જોડે ખૂબ શોભી રહ્યા હતા.
*****
રેવાંશ ના પરિવાર માં એના માતાપિતા અને એક નાનકડી અપરિણીત બહેન હતી. ચાર જણાનો સુખી પરિવાર હતો. રેવાંશ પોતે એક ડૉક્ટર હતો. અને એની નાની બહેન પણ આયુર્વેદમાં અભ્યાસ કરી રહી હતી. એના મમ્મી સરકારી શાળામાં શિક્ષિકા હતા અને પિતા સરકારી દફતરમાં કારકુન હતા. રેવાંશ જ્યારે નાનકડો હતો ત્યારે એના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી એટલે એના મા-બાપએ એને પેટે પાટા બાંધીને ભણાવ્યો હતો અને એ વાત એમના વર્તનમાં પણ છલકતી. એની માતા વારંવાર એને કહ્યા કરતી કે, "આપણી પાસે પૈસા નહોતા એટલે જ મેં નોકરી કરી અને મેં નોકરી ન કરી હોત તો કદાચ તમે ભણી પણ ન શક્યા હોત એકલા તારા પપ્પા ની આવકમાં." એવું રેવાંશને સતત સાંભળવું પડતું. જેનું પરિણામ એ આવ્યું કે, રેવાંશ રાત દિવસ ખૂબ મહેનત કરતો અને એનું જિંદગી નું એક જ ધ્યેય એ બની રહ્યું કે, ગમે તેમ પૈસા મેળવવા અને એવી નોકરી કરવી કે જેમાં ખૂબ પૈસા મળે. જેથી મારે "આપણી પાસે પૈસા નથી" એવું વારંવાર સાંભળવું ન પડે. એ માત્ર પૈસાના અભાવને કારણે એની નાની નાની ઈચ્છાઓને પણ હવે મારતાં શીખી ગયો હતો. કારણ કે, નાનપણથી જ એ કોઈ પણ ચીજવસ્તુ ની માંગણી કરતો ત્યારે એને વારંવાર પૈસા નથી એવું જ સાંભળવા મળતું. એટલે એ પોતાની ઈચ્છાઓને મનમાં જ દબાવી રાખવા લાગ્યો. અને એનામાં એવી સમજ વિકસિત થઈ કે, પૈસામાં જ બધુ સુખ છે. જો આજે મારી પાસે પૈસા હોત તો મારે મારી ઈચ્છા ઓને મારવી ન પડત. પોતાની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ એના મનમાં અસંતોષનું વિકરાળ રૂપ લેવા લાગી. અને એ જાણતો હતો કે, ડૉક્ટર ની નોકરી એવી છે જેમાં ખૂબ પૈસા મળશે. અને એણે ખૂબ મહેનત કરી અને એ એમાં સફળ પણ થઈ ગયો. એ ખૂબ મહેનતથી ધન પણ ખૂબ કમાયો. આજે એનો એક બંગલો છે, ગાડી છે અને બે સ્કૂટર છે એના ઘરમાં.
રેવાંશના મમ્મીની નોકરી ગામડાં ની સરકારી શાળામાં હતી એટલે તેમને રોજ બસમાં અપડાઉન કરવું પડતું. જેના પરિણામે એમને થાક પણ લાગતો. પણ એમને પણ જ્યારે મહિનો પૂરો થાય અને પગાર હાથમાં આવતો એ જોઈને એમનો બધો થાક એકદમ ગાયબ જ થઈ જતો. કારણ કે, એમને પણ માત્ર પૈસામાં જ સુખ દેખાતું. જ્યારે રેવાંશ ના પિતા એથી ઊલટું માનસ ધરાવતા કે, પરિવાર ના દરેક સદસ્યોએ મહેનત તો કરવી જ જોઈએ. મફતનું કોઈનું લેવું નહીં. પત્ની નોકરી કરતી એટલે તેઓ ઘરકામમાં પણ પત્નીને મદદ કરતા. એ ખૂબ લાગણીશીલ હતા. અને આખા ઘરનો વહીવટ પણ એ પોતે જ ચલાવતાં હતા. ઈશ્વર માં એમને ખૂબ શ્રદ્ધા હતી. એમનો અડધો દિવસ તો લગભગ ભગવાનની સેવાઅર્ચનામાં જ જતો. એ ભગવાનમાં અતિ આસ્થા ધરાવતા. અને માનતા કે, જે પણ થાય છે તે ઈશ્વર ની ઈચ્છા મુજબ જ થાય છે. ઈશ્વર એ જે કર્યું તે જ ખરું.
રેવાંશની નાની બહેન મહેક સ્વભાવે થોડી અખાબોલી હતી પણ મનની એકદમ સાફ હતી. એ પણ એના પિતા ની જેમ જ સ્વભાવે એકદમ લાગણીશીલ હતી. અને એના માતાપિતા ની ખૂબ લાડકી હતી. એક તો ઉંમરમાં પણ એ નાની હતી એટલે રેવાંશ કરતાં પણ વધુ લાડ લડાવ્યા હતા એના માતાપિતા એ. એની દરેક માંગણી સંતોષવામાં આવતી. એ જે કંઈ પણ માગે એ એને મળી જ જતું. આથી સ્વભાવે એ જિદ્દી થઈ હતી. એ જાણતી હતી કે, હું જીદ કરીશ એટલે મને મારી મનપસંદ વસ્તુ મળી જ જશે. એટલે પોતાનું ધાર્યું કરાવવા માટે એ હંમેશા જીદ કરતી અને એમાં એને એની મમ્મીનો સાથ મળતો. મમ્મી હંમેશા મહેકનો જ પક્ષ લેતી. આનું પરિણામ એ આવ્યું કે, મહેક ની અંદર ખૂબ સંતોષ ભર્યો હતો. એ સંતોષી હતી. કારણ કે, એને ક્યારેય પૈસા નથી એવું સાંભળવું નહોતું પડ્યું.
મહેક આયુર્વેદ ડૉક્ટર બનવાનું એના પિતાનું સપનું પૂરું કરી રહી હતી એનો એને ગર્વ પણ હતો. રેવાંશ અને મહેક બંને ભાઈબહેન વચ્ચે પ્રેમનો સેતુ ખૂબ જ મજબૂત હતો. બંને ભાઈબહેન વચ્ચે ઉંમરમાં લગભગ સાતેક વર્ષનો તફાવત હતો. પણ બંને ને એકબીજાનું એટેચમેન્ટ ખૂબ જ હતું. ભાઈબહેન ને એકબીજા વિના ચાલતું જ નહીં. આવો હતો રેવાંશ નો પરિવાર.
કેવો હતો વૈદેહી નો પરિવાર? એની વાત આવતા અંકે...