Santosh in Gujarati Short Stories by HINA DASA books and stories PDF | સંતોષ

Featured Books
Categories
Share

સંતોષ

અનિરુદ્ધ પોતાના નેજા હેઠળથી પસાર થતી જિંદગીના લેખાજોખા કરતો બેસી રહ્યો. નક્કી નથી કરી શકતો એ કે પોતે સફળ થયો કે નિષ્ફળ. આ નિર્ણય તો એણે નિયતિ પર છોડી દીધો હવે તો.

પણ તેના કપાળ પરની કરચલીઓ સમય ની તો ન હતી, સઁતોષ ની જ હતી, બેબાકળા બની જવાના સમયે તેણે સમયની રાહ જોઈ હતી, ને એટલે જ કદાચ જે સુખની શોધ તેને હતી તે તેને મળ્યું હતું.


આમ તો એ લૌકિક દુનિયાના પરિચય ને પાત્ર જ નથી, પણ અનિરુદ્ધ એટલે, કળિયુગની સંતાકુકડી ને માત આપનારો વીર યૌધો.

બાળપણથી જ આમ તો અનિરુદ્ધ નોખી માટીનો ઘડાયો એવો બધાને લાગ્યો. હમેશા તેનું વલણ સમાધાનકારી જ હોય.


બાળપણ બહુ સાદાઈથી વીત્યું હતું તેનું, ગામડાના કાચા ઘરમાં જાહોજલાલીની અકળામણ વગર બહુ સુખેથી જીવન વિતાવ્યું. સમજણની સાથે હોશિયારી પણ ઇશ્વરે છુટા હાથે વેરેલી અનિરુદ્ધમાં.


મહેનત નો એકમાત્ર વિકલ્પ તેણે પસંદ કર્યો. બસ દિવસ રાત મહેનત કરતો રહ્યો. પિતાને પનોતા પુત્ર મા તેજોરેખા દેખાઈ, એટલે પોતાના બાપદાદાની જન્મભૂમિ ને કર્મભૂમિ એવું વતન ભારે હૈયે છોડવાનું નક્કી કર્યું.

ભૌતિક સમૃદ્ધિ તો કાંઈ હતી નહિ, બસ એક વિશાળ ને ઉદાર દિલ લઈને, ને વતન છોડવાનો વસવસો લઈને શહેર ની વાટ પકડી.

હવે વારો અનિરુદ્ધનો હતો, પિતાએ એની ફરજ પુરી કરી હતી. હવે મહેનત અનિરુદ્ધને કરવાની હતી. ને તેણે મહેનત પણ એવી કરી. ભણવામાં પણ એટલો જ હોશિયાર હતો, ભણતર ની સાથે કામ પણ ચાલુ રાખ્યું. ને એ મહેનતે જ તેને વધુ ચપળ બનાવ્યો. ભણવાનું પૂર્ણ થતાં તેની પાસે અનેક ઑફરો આવી, તેને યોગ્ય લાગી એવી કંપની મા છ આંકડાના ઉચ્ચક વેતનથી જોડાઈ ગયો. પછી તો પૂછવું જ શુ?

અનિરુદ્ધ નામનો સિતારો ચમકવા લાગ્યો. બેસ્ટ એમ્પ્લોય ઓફ ધ ઈયર હર વર્ષે અનિરુદ્ધ જ હોય. ને એવો તો સાલસ કે તેની પ્રગતિથી બધા હરખાય કોઈ પણ ઇર્ષા ન કરે.

હવે વાત આવી લગ્ન ની તો, બધાને લાગ્યું કે આવો સારો ને સુંદર છોકરો તો પોતાની પસંદની છોકરી જ લાવશે ને એ પણ પોતાના જેવી જ ભણેલી ને હોશિયાર જ. પણ અનિરુધે બધાને ખોટા સાબિત કર્યા જ્યારે તે પિતાની પસંદ કરેલી છોકરી લોપા સાથે પરણ્યો.

લોપાને જોયા બાદ ને મળ્યા બાદ બધાને લાગ્યું કે અનિરુદ્ધ ને આનાથી સારી છોકરી મળી જ ન શકે. લોપા પણ સાધારણ પરિવારની છોકરી હતી. પણ અનિરુદ્ધ ના પરિવારમાં બિલકુલ બન્ધબેસતી હતી.

આલીશાન બંગલો ને સમૃદ્ધિની છોળો ઉડવા લાગી. અનિરુદ્ધ આધુનિકતાના રંગે રંગાવા લાગ્યો. લોપા મૂંઝાવા લાગી. લોપાને સાદી ને સરળ લાઈફ જોઈતી હતી, જેમાં અનિરુદ્ધ તેની સાથે હોય. તેના સાડીના રંગ થી માંડીને ઘરની મોટામાં મોટી વસ્તુ મા અનિરુદ્ધ સારું નરસું બોલે એવું તે ઈચ્છતી. પણ અનિરુદ્ધ પાસે હવે સમય ન હતો.

લોપા હવે અકળામણ અનુભવવા લાગી. ને આ અકળામણ અનિરુદ્ધ ના માતા પિતા પામી ગયા. માતાએ કહ્યું જે એકાદ બાળક થશે એટલે ઘર પરિવાર તરફ એની રીતે ઝુકશે, તું ચિંતા ન કર.

હવે તો નાની કિલકારીઓ ગુંજવાની ઘડીઓ પણ વાગવા લાગી, લોપા ની આંખો અનિરુદ્ધ ને શોધતી હતી, પણ હોસ્પિટલમાં હજી આવ્યો ન હતો. મોડો મોડો આવ્યો.

લોપાએ પુત્ર ને જન્મ આપ્યો, અનિરુદ્ધ બહુ ખુશ હતો. તેની ખુશી તેની આંખો મા છલકતી હતી. લોપા પર તો વ્હાલનો વરસાદ કરી દીધો. લોપા પણ બહુ ખુશ હતી.

પણ કાળની થપાટ એટલી ભયંકર હોય છે ને કે બધું જ વિખેરી નાખે છે, અચાનક લોપની તબિયત બગડવા લાગી. અનિરુદ્ધ ડૉક્ટરને બોલાવવા દોડ્યો, ડૉક્ટરે તપાસ આદરી, લોપા અનિરુદ્ધ ન હતો આવ્યો ત્યારે બહુ સ્ટ્રેસમા આવી ગઈ હતી એટલે લોહી વધુ વહી ગયું હતું, હવે ડૉક્ટરોએ પણ હથિયાર હેઠા મૂકી દીધા હતા,

અનિરુધે કહ્યું કે જોઈએ એટલા પૈસા લઈ લો પણ લોપા ને બચાવો, લોપા બોલી,

'અનિરુદ્ધ પૈસાથી બધું જ નથી મળતું, મારે તારી જરૂર હતી ત્યારે તું મારી પાસે નહતો. હવે તું નિયતીને બદલવાની કોશિશ કર માં. આ નાનકડો જીવ તારા હવાલે મૂકીને જાવ છું. તેને સમૃદ્ધિ ન આપતો, બસ સમય ને તારો પ્રેમ આપજે. આ જ મારી અંતિમ ઈચ્છા છે.'

ને લોપા બધાને છોડી ચાલી ગઈ.

અનિરુદ્ધ હવે બિલકુલ એકાંકી બની ગયો. હવે તેને લોપાની પીડા સમજાણી કે એકલા રહેવું કેટલું અઘરું છે, હવે તો તેના ઉપર એક જીવ ની જવાબદારી આવી પડી.


બીજા દિવસે સવારે તેણે માતા પિતાને બોલાવી પોતાનો નિર્ણય જાહેર કર્યો,

'હું આ બધું છોડી દેવા માંગુ છું, મારે આપણા માદરે વતન જતા રહેવું છે. સમર્થ ને હું ત્યાં જ મોટો કરીશ. તેને હું મારો પૂરતો સમય આપીશ.'

માતા પિતા તો સંમત જ હતા, ને બધા એ ગામડા ની વાટ પકડી.


આજે એ વાત ને બાવીસ વર્ષ વીતી ગયા, લોપા ને ખોવાનો વસવસો અનિરુદ્ધ ને કાયમી રહ્યો, પણ સમર્થ નો ઉછેર તો તે યોગ્ય રીતે જ કરી શક્યો, તેનો સઁતોષ તેના ચહેરા પર સાફ છલકતો હતો.

© હિના દાસા