✍️ઓટલો✍️
સંતોકબેન રોજ ટપાલી ને કુરીયર વાળા નો જીવ ખાઈ જાય છે આજે પણ ......
હવે તો એ લોકો એમની નજરથી બચવા ની કોશિશ કરે છે, કેમકે આ તો રોજ નું થયું.
ટપાલી ને કુરીયર વાળા નાં આવવાનાં સમયે સંતોકબેન ઓટલે બેસીને પુછતા જ રહે છે કે , "હે અલ્યા , મારા છોકરાઓએ મારી ટપાલ કે ટિકિટ મોકલી છે મને અંબેરિકા તેડાવા માટે "??...
એમનાં બંને દિકરા જતીન અને જયેશ અમેરિકા છેલ્લા આઠ વર્ષથી વસી ગયાં છે... ભણવા માટે ગયાં એ ગયાં.. પછી ત્યાં જ N.R.I.છોકરીઓ સાથે લગ્ન કરીને રહી ગયાં.
ભગીરથભાઈ હતાં ત્યાં સુધી એમને આશ્વાસન હતું કે મારા બેય છોકરાઓ મારી લાકડી બનશે ઘડપણમાં....!!
આજે ભગીરથ ભાઈ ને અવસાન પામે ૬વર્ષ થયાં...
એમને અંતિમ સંસ્કાર કરવા માટે પણ નાં આવ્યું કોઈ , રજા નથી મળતી એવું બહાનું કાઢીને.
"હશે કંઈ નહીં"..... પછી મને લેવાં માટે તો બે ય ચોક્કસ આવશે"... એવું વિચારી સંતોકબેને મન મનાવ્યું...
તે પછી આજે ૨-૨ વરહ ' દિ નાં વ્હાણા વહીં ગ્યાં છે પણ બંને દિકરા વચ્ચે ઘરડી માને ત્યાં લઈ જવા માટે અમેરિકા માં ઝઘડાં થાય છે...
ને અહીં તો ઘરડી માં ને કમરમાં દુઃખાવો થાય છે, મોતિયો પણ પાકવાની તૈયારીમાં છે, ને પગે પણ ચાલવાનું મુશ્કેલ છે....
છતાંય એ વૃદ્ધ માતા રોજ પોતાના છોકરાઓને આશીર્વાદ આપીને અનિમેષ નજરે એમની રાહ જોતા જોતા એ ઓટલે જ સૂઈ જાય છે.....
🔥તિખારો :🔥
જીવન માં પોતાના મા-બાપ થી આગળ વધી ને કશું જ નથી... ઈશ્વર પણ નહીં....
એમાંય એમનું ઘડપણ અને મૃત્યુ ને ઉજાગર કરવાની હંમેશાં આપ સૌ કોશિશ કરજો એ મારી આપ સૌ વાચકોને નમ્ર અરજ છે...🙏
-ફાલ્ગુની શાહ ©
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
✍️ સિગ્નલ ✍️
સવાર સવારમાં નિશાંતે એના પપ્પા પાસે કોલેજ માટે 'પોકેટમની' માટે ૨૦૦૦/- રૂ.માગ્યા.પણ પપ્પા એ એટલા બધાં રૂપિયા આપવાની ચોખ્ખી ના પાડી દીધી.એણે મમ્મી સામે જોયું પણ એ પપ્પાથી ડરેલી,કંઈ જ ના બોલી શકી. ગુસ્સામાં ચા-નાસ્તો કર્યા વગર જ એ ઘરની બહાર નીકળી ગયો.
આખા રસ્તે મનમાં મા- બાપ ને કોસતો રહયો કે,આવા મા- બાપ હોય એના કરતાં અનાથ રહેવું સારું...
ત્યાં જ ચાર રસ્તે સિગ્નલ પર બાઈક ઉભું રાખ્યું ને એની પાસે એક નાનો ગરીબ ચિંથરેહાલ છોકરો હાથ ફેલાવીને ભીખ માંગવા ઉભો રહ્યો,ને બોલ્યો ,"આ, અનાથને કંઈ આપો,સવારથી કંઈ ખાધું નથી"...!!.નિશાંતે ખિસ્સામાં થી ૧૦ રૂ.કાઢીને પેલા છોકરાને આપ્યા..ને તરત જ પેલો ગરીબ છોકરાએ સામે બદલામાં કહ્યું કે, મોટાભાઈ, ભગવાન કાયમ તમારા મા-બાપ ને સહીસલામત રાખે ને તમારા જેવો દિકરો સૌને આપે.....
ને... નિશાંતે તરત જ ઘર તરફ U-Turn લઈ લીધો..!!
-ફાલ્ગુની શાહ ©
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
✍️અભણ✍️
"મમ્મી, એ મમ્મી , જલ્દી મારા માટે કોફી બનાવી દે ને . હું જમીશ નહીં. મારે સવાર સુધી માં આખો પ્રોજેક્ટ પૂરો કરવાનો છે."
સુમેર ઓફિસ થી આવ્યો ત્યારથી ઘણોજ રઘવાયો રઘવાયો હતો....
લતાબેન ગરમ ગરમ કોફી બનાવી ને એને રૂમમાં આપવા આવ્યાં. સુમેરુ તો એનાં પ્રોજેક્ટ ને લઈને ખૂબજ ટેન્શનમાં હોય એવું એમને લાગ્યું.
લખવાનું, દોરવાનું ને પછી બધું જ કોમ્પ્યુટર માં ટાઈપ કરવાનું..!! દિકરાને મહેનત કરતો જોઈને મનોમન રાજી થતા હતા લતાબેન.
આખી રાતના મહેનત નાં ઉજાગરા પછી સવારે સુમેર
બુમાબુમ કરવા લાગ્યો.
"આ ઘરમાં એકપણ વસ્તુ સારી રહેજ નહીં . આવવા દે મમતાડી ને...બહુ બગાડી છે મમ્મી તે એને હોં...આ કોમ્પ્યુટર પણ હવે બગાડ્યું એણે.."
"શાંતિથી જો, ચાલુ થઈ જશે." લતાબેન બોલ્યાં
"હવે મમ્મી તું રહેવા જ દે... તું રહી અભણ ,તને આ કોમ્પ્યુટર માં કંઈ સમજ -બમજ પડે નહીં ને સલાહ આપવા આવી જાય છે બધે.
જોતી નથી, કેટલું મથું છું તો યે આ ડબલું ચાલુ થતું જ નથી. મારે આજે આ પ્રોજેક્ટ નેટ પર અપલોડ કરવો જ પડશે. હે, ભગવાન , શું થશે હવે.?? ટેન્શનમાં સુમેર તપી ગયો.. ત્યાં જ
લતાબેન વાસી કચરો વાળવા માટે સુમેરનાં ટેબલ નીચે
વાંકા વળ્યાં ત્યારે એમનું ધ્યાન નીચે દિવાલની અંદર કોમ્પ્યુટર ની બંધ મેઈન સ્વીચ તરફ ગયું . એમણે તરત જ ઓન કરી ને કોમ્પ્યુટર ફટાક દઈને સ્ટાર્ટ થઈ ગયું....
સુમેરે ઉંચું માથું કરીને જોયું તો ખૂબ જ ખુશ થઈ ગયો...
"મમ્મી, તે શું કમાલ કર્યો આ?"
"બેટા, અમને અભણને કોઈ કમાલ કરતા ના આવડે , પણ આ ની મેઈન સ્વીચ ઓન કરતાં આવડે ખરી હોં.." લતાબેન ઉવાચ
સુમેરે અફસોસ સાથે મમ્મી ને "સોરી" કહ્યું ને ભેટી પડ્યો....
-ફાલ્ગુની શાહ ©