manasjaat in Gujarati Short Stories by Mrigtrishna books and stories PDF | માણસજાત

Featured Books
Categories
Share

માણસજાત

હું ભૂકંપ... હ...હ..હ...હ....હ.... ગભરાશો નહીં!

જોકે મને પણ મારું કામ કંઈ ખાસ પસંદ નથી પણ શું કરું... વર્ક ઈઝ વર્શિપ...
માન્યું જ્યારે જ્યારે હું આવું ત્યારે ઝટકાઓ, ડર અને વિધ્વંસ લઈને આવું છું પણ આજે જે વાત હું લઈને આવ્યો છું એણે તો મને ઝટકા આપી દીધાં... બોલો !...

હમણાં ત્રણ દિવસ પહેલાં મારી ડ્યુટી પથ્થરો પર વસેલા લદ્દાખના એક ગામમાં લાગી હતી. આ વખતે મને વધુ વિધ્વંસ કરવાનું જણાવાયું નહોતું, માત્ર ૪.૩ ઓછી તીવ્રતાના ઝટકા આપવાનાં હતાં અને પછી છ - છ કલાકે ત્રણ ચાર આફટર શોકસ્.

શું આંખો અને મોઢું ફાડી ફાડીને જૂઓ છો? મોઢું બંધ કરો. અમારે પણ ટાર્ગેટ હોય અને ગાઈડલાઈન્સ પણ ફોલો કરવાની હોય છે...
આમ પ્રશ્નાર્થ નજરે ના જૂઓ આનાથી વધું જાણકારી આપવાની નથી હોતી અમારે...!

હા... તો ક્યાં હતાં આપણે?
હા.. યાદ આવ્યું, મારે ઓછી તીવ્રતાનો આંચકો આપવાનો હતો અને મેં આપ્યો પણ. ધરણી ધ્રુજી ઉઠી, ઘરો હલવા લાગ્યાં, કોલાહલ વધ્યો, લોકો ઘરમાંથી બહાર નીકળી આવ્યાં, કેટલાક પથ્થર, લાકડા અને માટીથી બનેલાં ઘરો ધરાશાયી થયા.
મિશન કંમ્પ્લીટેડ.... એટલે હું પાછો ફર્યો. હવે, ફરી ડ્યુટી છ કલાક પછી હતી એટલે મેં આરામ કરવાનું વિચાર્યું.

જો પાછાં.... પાછાં શું આશ્ચર્યથી જૂઓ છો?
લે આરામ તો જોઈએ જ ને... ધરતીનું પડ હલાવવું કંઈ ખાવાના ખેલ નથી. બહું તાકાત જોઈએ.

થોડો આરામ કરી હું ફરી ડ્યુટી પર ગયો.
પણ આ શું? ત્યાંનું દ્રશ્ય જોઈને મને વિશ્વાસ નહોતો આવતો.
એકવાર તો મને મારા પર શંકા ગઈ કે હું બરાબર જગ્યાએ તો પહોંચ્યો છું ને! પણ પછી તૂટેલા મકાનો જોઈને ખ્યાલ આવ્યો કે એ જ જગ્યાએ છું જ્યાં મારે હોવું જોઈએ. ત્યાં લગભગ બધું જ જમીનદોસ્ત હતું... લોકોની આંખોમાં ડર હતો... એક ઝટકામાં એમનું બધું જ લૂંટાઈ ચૂક્યું હતું.

પણ... ત્યાં મેં જોયું તો બે ટાબરીયા એક તૂટેલા ઘરની દિવાલ પાસે પગ પર પગ ચડાવીને બિન્દાસ બેસીને હસી હસીને કોઈ રાજાની જેમ વાતો કરી રહ્યા હતા. ના એમની આંખોમાં કોઈ ડર હતો ના ચિંતા. એમને એ દિવાલ તૂટી જશે અને એ બંને દબાઈ જશે એનું કોઈ ભાન જ નહોતું.

હું અવાક્ હતો પણ મારે તો મારું કામ કરવાનું હતું. મેં એક ઓછી તીવ્રતાનો આંચકો આપ્યો અને લોકોમાં ફરી દહેશત ફેલાઈ ગઈ. પહેલાં તો એ ટાબરીયાને થોડું આશ્ચર્ય થયું પણ પછી એમને તો જાણે રમત હોય તેમ એકબીજાને જોઈ હસવા લાગ્યા.

કોઈ આવીને એમને દિવાલથી દૂર લઈ ગયું પણ થોડીવાર પછી જાણે કંઈ બન્યું જ હોય એમ એ બંને ટાબરિયાને મેં ખિલખિલાટ કરતાં ધૂળમાં રમતાં જોયાં.

બે ત્રણ વાર હું ફરી ત્યાં ગયો અને દરવખતે મને લોકોની આંખોમાં ડર ઓછો થતો લાગ્યો અને ફરી ધીમે ધીમે મેં એ બધાને જીવન જીવવાની કોશિશ કરતા જોયાં, જીવન જીવતા જોયા.

હું ચહેરા પર એક સ્મિત સાથે પાછો ફર્યો. કદાચ એમની આ જ નિખાલસતા, નિર્દોષતા, સાહસ અને વિશ્વાસ આ માણસ નામના પ્રાણીને કાળની વરવી થપાટો ઝીલીને પણ જીવન જીવતો રાખે છે. પડીને ઉઠવાની હિંમત આપે છે.


કાળની થપાટોએ તને કેટલીય વાર પછાડ્યો
પણ તું માણસજાત ક્યારેય ના હાર્યો.


ચાલો... હું નીકળું. મારે હમણાં લાંબા વેકેશન પર જવાનું છે.
હા...હો.... અમારે પણ વેકેશન હોય.... હું તમને આવજો તો ના કહી શકું એટલે ટાટા......બાય


*********************************
(સમાપ્ત)

અંતે

કાળની થપાટોએ ભલે કર્યો કમજોર

ફરી ઉભો થઈ જઈશ માણસ છું ને

અસ્તુ