Pratishodh - 1 - 12 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ પ્રથમ અંક - 12

Featured Books
Categories
Share

પ્રતિશોધ પ્રથમ અંક - 12

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:12

મે 2002, અબુના, કેરળ

સતત પંદર મિનિટ સુધી આકાશમાંથી મોટાં-મોટાં દેડકાઓનો વરસાદ ચાલુ રહ્યો. સૂર્યા અને પંડિત શંકરનાથ દેડકાંઓનાં મારથી બચવા થોડો સમય એક વૃક્ષનો ઓથ લઈને ઊભાં રહ્યાં. જેવો દેડકાંનો વરસાદ અટક્યો એ સાથે જ શંકરનાથ પંડિત સૂર્યાને લઈને હેનરીનાં ઘર તરફ આગળ વધ્યાં.

હેનરીનાં ઘરે પહોંચીને તેઓ તુરંત પોતાનો ઉતારો હતો એ રૂમમાં ગયાં અને રૂમને શંકરનાથે અંદરથી બંધ કરી દીધો. રૂમને બંધ કર્યાં બાદ એમને બાથરૂમનો નળ ચાલુ કરી બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખ્યો; જેથી પાણી પડવાનાં અવાજમાં એમની અને સૂર્યાની વાત બહાર દરવાજે ઉભેલો કોઈ વ્યક્તિ સાંભળી ના શકે.

"દાદાજી, હવે તો એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે આ ગામમાં બની રહેલી ઘટનાઓ ઈશ્વરનાં દૂત એવાં મોસીસ દ્વારા ઈજીપ્તવાસીઓને આપવામાં આવેલી વિપદાઓ જ છે." સૂર્યાએ કહ્યું. "આ કોઈ ડિમનનો પડછાયો નહીં પણ પરમકૃપાળુ પરમાત્માનો શાપ છે."

સૂર્યા અને પંડિત શંકરનાથ જે ઘટના અંગે વાત કરી રહ્યાં હતાં એનો ઉલ્લેખ નિર્ગમન બાઈબલ એટલે કે એકસોડ્સમાં "ten plagues of egypt (ઈજીપ્તની દસ વિપદાઓ)" તરીકે થયેલો છે.

બાઈબલમાં જણાવ્યાં મુજબ ઈજીપ્તમાં રામાસીસ દ્વિતીય કરીને એક ક્રૂર ફેરો (રાજા) હતો, જેને ઘણાં હિબ્રુ લોકોને પોતાનાં ગુલામ બનાવ્યાં હતાં અને એમની જોડે જાનવરોથી પણ ખરાબ વ્યવહાર કરવામાં આવતો.

લોર્ડ જીસસે નિર્દોષ હિબ્રુ લોકોને રામાસીસની કેદમાંથી છોડાવવા મોસિસ નામક એક ફરિશ્તાને ઈજીપ્ત મોકલ્યો. મોસિસે જ્યારે રામાસીસને હિબ્રુ લોકોને છોડી મૂકવા કહ્યું તો અભિમાની રામસીસે લોર્ડ જીસસનો આદેશ માનવાની મનાઈ ફરમાવી દીધી. રામાસીસના આવાં ઉદ્ધત વર્તનથી ક્રોધે ભરાઈને મોસિસે ઈજીપ્ત વાસીઓ પર દસ વિપદાઓ વરસાવી, આ વિપદાઓને જ ten plagues of egypt તરીકે ઓળખવામાં આવે છે.

આ વિપદાઓથી જ્યારે ઈજીપ્તનાં લોકો ત્રાહિમામ પોકારી ગયાં ત્યારે નાછૂટકે રામાસીસ દ્વિતીયએ હિબ્રુ લોકોને કેદમાંથી આઝાદ કરી દીધાં.

મોસિસ દ્વારા ઈશ્વરની મદદથી ઈજીપ્ત પર વરસાવવામાં આવેલી આ દસ વિપદાઓ નીચે મુજબ હતી.

નાઈલ નદીનું પાણી લોહીની જેવું લાલ થઈ જવું, દેડકાઓનો વરસાદ થવો, ઈજીપ્તવાસીઓનાં વાળમાં જૂઓ પડવી, કીડા અને માખીઓનો ઉપદ્રવ વધવો, પાલતુ પશુઓનું મૃત્યુ થવું, ઈજીપ્તનાં લોકોનાં શરીર પર ફોલ્લા પડવા, આગનાં ગોળા વરસવા, તીડનો મોટો હુમલો થવો, સમગ્ર વિસ્તાર પર અંધકાર ફેલાઈ જવો અને છેલ્લે ઈજીપ્તવાસીઓનાં પ્રથમ જન્મેલાં સંતાનોનું મૃત્યુ થવું.

કયારેક અમુક મૂર્ખ લોકોનાં કારણે ઈશ્વરનો કહેર અન્ય નિર્દોષ લોકો પર પણ વરસે છે, એનું ઈજીપ્ત પર આવેલી દસ વિપદાઓ સચોટ ઉદાહરણ હતી.

આ દસ વિપદાઓમાંથી પાંચ વિપદાઓ અબુના ગામનાં લોકો પર ત્રાટકી ચૂકી હતી જેનો અર્થ શંકરનાથ પંડિત અને સૂર્યાએ એ કાઢ્યો કે નક્કી ગામમાં એવું કંઈક થઈ રહ્યું છે જેનાં લીધે ઈશ્વર સમસ્ત ગામલોકો પર આટલાં ક્રોધિત થયાં છે.

"દાદાજી, તો પછી હેનરી અંકલે આપણી સમસ્ત જૂઠું કેમ કહ્યું.? સૂર્યાએ પોતાનાં દાદાને પૂછ્યું. "એમને એવું કેમ કહેવું પડ્યું કે આ બધાં પાછળ ડિમનનો હાથ છે?"

"કેમકે, શાયદ હેનરી કે અન્ય ગામલોકો કે ખબર જ નથી કે આ બધી ત્રાસદી પાછળ કોઈ ડિમન નહીં પણ જીસસનો ક્રોધ જવાબદાર છે." સૂર્યાના પ્રશ્નનો જવાબ આપતાં શંકરનાથ પંડિતે કહ્યું.

"તો હવે આપણે આગળ શું કરીશું?" સૂર્યાએ ચિંતિત વદને પૂછ્યું. "અહીં તો આપણે કોઈ આસુરી શક્તિઓ સામે નહીં પણ ઈશ્વરનાં ક્રોધ સામે લડવાનું છે."

સૂર્યાની વાત સાંભળી પંડિત શંકરનાથ શાંતચિત્તે આગળ શું કરવું એ વિશે વિચારવા લાગ્યાં. ગહન મનોમંથન બાદ એમને સૂર્યા ભણી જોયું અને બોલ્યાં.

"હેનરી આવી જાય પછી આપણે ફાધર પોલ જોનાથનને મળવા ચર્ચ જઈશું! આ ગામમાં આખરે એવું તે શું ઘટિત થઈ રહ્યું છે જેનાં લીધે જીસસ પોતાનાં નિર્દોષ ભક્તો પર આટલાં ક્રોધિત થયાં છે? એ પ્રશ્નનો જવાબ શોધવા ફાધર પોલને મળવું જરૂરી છે.

બપોરનું જમવાનું પૂર્ણ કરી, દોઢેક કલાકની વામકુક્ષી લીધાં બાદ શંકરનાથ પંડિત અને સૂર્યા હેનરીની સાથે એની કારમાં બેસી ફાધર પોલ જોનાથનને મળવા ગામની નજીક આવેલી સેન્ટ લુઈસ ચર્ચ પહોંચ્યાં. દેડકાંનાં વરસાદની વાતે હેનરીને વધુ હેરાન-પરેશાન કરી મૂક્યો હતો એ એનાં ચહેરા પરથી સમજવું સરળ હતું. ચર્ચ પહોંચતાં જ શંકરનાથ પંડિતે હેનરીને જણાવ્યું પોતે કામ પતાવી રાત સુધીમાં ઘરે આવી જશે; એને ઘરે જવું હોય તો જઈ શકે.

હેનરી કાર લઈને ત્યાંથી નીકળ્યો એ સાથે જ સૂર્યા અને શંકરનાથ પંડિત ફાધર પોલ જોનાથનને મળવા ચર્ચમાં પ્રવેશ્યાં. ચર્ચની અંદર લોર્ડ જીસસની પ્રતિમા સામે મીણબત્તીઓ ગોઠવી રહેલાં સાઠેક વર્ષની આયુ ધરાવતાં, સફેદ કપડામાં સજ્જ વ્યક્તિને જોતાં જ શંકરનાથ પંડિત એને ઓળખી ગયાં. પોલ જોનાથન નામ એમને સાંભળેલું-સાંભળેલું લાગતું હતું, પણ જ્યારે ફાધર પોલનો ચહેરો જોયો એ સાથે જ પંડિતને યાદ આવી ગયું કે પોલ જોનાથનને પોતે દિલ્હી ખાતે આયોજીત સર્વ ધર્મ સમભાવ નામક કાર્યક્રમમાં મળેલાં છે.

"વેલકમ પંડિત, લોર્ડ જીસસનાં આ પાવન ધામમાં તમારું સ્વાગત છે.!" પંડિત શંકરનાથ પર નજર પડતાં જ પોતાનું કામ પડતું મૂકીને પંડિતને ઉષ્માભર્યો આવકાર આપતાં ફાધર પોલે કહ્યું.

"આજે પંદર વર્ષ પછી પણ તમારો ચહેરો એવો ને એવો જ છે." ફાધર પોલને ગળે લગાવી શંકરનાથે કહ્યું.

"તમે પણ હજુ પહેલાંની માફક જ ફાઇન એન્ડ ફીટ છો.!" ફાધર પોલે હસીને કહ્યું.

જૂની મુલાકાતની યાદોને વાગોળતાં શંકરનાથે સૂર્યાનો પરિચય ફાધર પોલને આપ્યો. આટલી નાની ઉંમરે સૂર્યા શક્તિશાળી શૈતાની શક્તિઓનો મુકાબલો કરવા સજ્જ છે એ જાણી ફાધર પોલ જોનાથનને આનંદ થયો.

"તો તમે જ હેનરીને મારો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો.?" મુદ્દાની વાત પર આવતાં શંકરનાથે પોલને ઉદ્દેશીને પૂછ્યું.

"હા, આ ગામમાં જે ઘટનાઓ બની રહી હતી એનાં લીધે મને લાગ્યું કે આ બધાં પાછળ કોઈ ઈવિલ એન્ટીટી છે. સમગ્ર ભારતમાં તમારાંથી વધુ સારો અન્ય કોઈ તાંત્રિક નથી કે જે આટલી શક્તિશાળી શક્તિઓનો સામનો કરી શકે; એથી મેં તમારો કોન્ટેક્ટ નંબર હેનરીને આપ્યો હતો." ફાધર પોલ જોનાથને પંડિત શંકરનાથના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું.

"આવી શૈતાની શક્તિઓથી પીડિત લોકોનાં ભલા માટે આ કાર્ય કરું છું જેનો મને ખૂબ જ આનંદ છે." પંડિતે સસ્મિત કહ્યું.

"આજે સવારે તમે તળાવ કિનારે ગયાં હતાં.?" પોલે પૂછ્યું.

"હા, હું તળાવ કિનારે ગયો હતો. આખું તળાવ લોહીથી ભરેલું છે. આવું દ્રશ્ય મેં આજસુધી ક્યારેય જોયું નથી.!" પંડિતે જવાબ આપતાં કહ્યું. "ત્યારબાદ દેડકાંનો જે વરસાદ થયો એનો પણ હું સાક્ષી છું."

"મને અત્યાર સુધી એમ હતું કે આ બધી વિપદાઓ પાછળ કોઈ ડિમન કે ઈવિલ એન્ટીટી જવાબદાર છે..પણ, તળાવનાં પાણીનું લોહી બનવું અને દેડકાંઓનાં થયેલાં વરસાદે મને એ માનવા મજબૂર કર્યો છે કે.."

"આ વિપદાઓ પાછળ ડિમન નહીં પણ લોર્ડ જીસસનો ગુસ્સો જવાબદાર છે." સૂર્યા અને પંડિત શંકરનાથ એક સુરમાં બોલી ઊઠ્યાં.

"મતલબ તમે એકસોડ્સમાં વર્ણવેલી ટેન પ્લેગ ઓફ ઈજીપ્તની ઘટના વિશે જાણો છો.!" અચરજભરી નજરે પંડિત અને સૂર્યા તરફ જોતાં પોલ જોનાથને કહ્યું.

"હા મને અને મારાં પૌત્ર બંનેને એ પ્રસંગ વિશે જાણ છે જ્યારે એક ક્રૂર રાજાનાં લીધે એની પ્રજાને ભયંકર ત્રાસદીનો સામનો કરવો પડ્યો હતો."

"તમે આ વિશે કોઈને જણાવ્યું?" ચર્ચનાં પ્રવેશદ્વાર તરફ જોતાં ફાધર પોલે પંડિત શંકરનાથને સવાલ કર્યો.

"ના મેં હજુ સુધી આ વિષયમાં કોઈને વાત નથી કરી. આ બધી વિપદાઓ બાદ હવે જે પાંચ વિપદાઓ બાકી છે એ શાયદ આ ગામનો સર્વનાશ કરી દેશે; આમ થાય એ પહેલાં ઈશ્વરનો ગુસ્સો શાંત કરવો પડશે. આ કામમાં મારે તમારી મદદની જરૂર છે." લોર્ડ જીસસની પ્રતિમા સામે શીશ ઝુકાવતાં પંડિત શંકરનાથ બોલ્યાં.

"બોલો, હું આ નેક કાર્યમાં આપની શું સહાયતા કરી શકું.!" મક્કમ સ્વરે પોલે કહ્યું.

"આ બધાં પાછળ ઈશ્વરનો ક્રોધ જવાબદાર છે એ તમને પણ ખબર છે અને મને પણ! મારે એ જાણવું છે કે આખરે આ ગામનાં લોકોએ એવો તે શું ગુનો કર્યો છે જેનાં લીધે ઈશ્વર ગામલોકો પર આટલાં ક્રોધિત થયાં છે?"

શંકરનાથ પંડિતના આ પ્રશ્નનો જવાબ ફાધર પોલ જોનાથનને પહેલાં તો ના સૂઝયો, પણ થોડું ઘણું હાલમાં બનેલી ઘટનાઓ વિશે એમને વિચાર્યું તો તુરંત એમને કંઈક યાદ આવ્યું.

"પંડિતજી, લોર્ડ જીસસ માટે દરેક મનુષ્ય સરખા છે. એ ક્યારેય જાતિ, ધર્મ કે આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધાં વિનાં દરેક મનુષ્યને સરખો પ્રેમ કરે છે. પણ, જ્યારે એમનાં નામે અમુક લોકો ધર્મની આડ લઈને હિંસા આચરે ત્યારે નક્કી જીસસ ક્રાઈસ્ટ ગુસ્સે ભરાય એમાં કોઈ મીનમેખ નથી."

ફાધર પોલ જોનાથન આખરે કોની સાથે થયેલી હિંસાની વાત કરી રહ્યાં હતાં એ જાણવા શંકરનાથ પંડિત અને સૂર્યાએ પોતાનાં કાન સરવા કર્યાં.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)