અશ્વિન સાંઘી લિખિત અને ચિરાગ ઠક્કર 'જય' દ્રારા ગુજરાતી ભાવાનુવાદ કરવામાં આવેલી આ વર્લ્ડ ક્લાસ થ્રીલર નવલકથા છે. 'દ વિન્ચીઝ કોડ' વાંચી કે જોઈ હશે તેમને તો એટલું જ કહેવાનું કે આ એ કક્ષાની ભારતિય નવલકથા છે. 'ધ હિન્દુ' અખબારના દિવ્ય કુમાર કહે છે કે "ધ રોઝેબલ લાઈન વાંચીને આપણને બધાને એક જ પ્રશ્ન થાય કે જો ખરેખર આ સાચું હોય તો?"
ઇતિહાસની ધરા પર કલ્પનાના ઘોડા દોડાવી લેખક આપણી સમક્ષ એક નવી જ સૃષ્ટિનું નિર્માણ કરે છે. ભગવાન ઈશુને ક્રોસ પર લટકાવી દેહાંત દંડ આપેલો. પણ આ નવલકથા એનાથી આગળ ચાલે છે, અને ઈસા-મસિહા ક્રોસ પરથી જીવતા રહી ધર્મ પ્રચાર માટે કશ્મીર આવી વસે છે. તેમના સંતાનોથી તેમનો વંશ હજી પણ ચાલે છે, અને ઈશુની કબર કશ્મીરમાં હોવાની રજુઆત કરવામાં આવી છે. અને આ માટે બૌદ્ધ, ઈસ્લામ, જરધૃષ્ટ, ખ્રિસ્તી અને વૈદિક ધર્મને સાંકળતી એક શૃંખલા રચવામાં આવી છે. કથા અલગ અલગ દેશમાં ઘટતી ઘટનાઓને સાંકળે છે, આથી ધરતીના વિશાળ ક્ષેત્રફળને આવરી લેવામાં આવ્યું છે. ઘટનાઓ અલગ અલગ કાળ ખંડમાં ઘટે છે, માટે સમયના વિશાળ ઘટમાળને આવરી લેવામાં આવી છે. આતંકવાદ, રાજકારણ, ધર્મ જેવા સાંપ્રત પ્રશ્નોને વણી લેતી અને અલગ અલગ સંસ્કૃતિને રજુ કરતી એક સરસ નવલકથા છે.
કરોળિયાના જાળના એક તંતુનું કોઈ મૂલ્ય નથી, પરંતુ જ્યારે અનેક તંતુના તાણાવાણાની ગુંથણી થાય ત્યારે એક સુંદર રચના બને છે. આ નવલકથા પણ આવાજ તાણાવાણાથી ગુંથાયેલી સુંદર રચના છે. એમ. વી. કામત કહે છે કે, "તમારે એ તો અવશ્ય યાદ રાખવું પડશે કે આ એક કાલ્પનિક કથા છે. વિચારોત્તેજક અને જકડી રાખે તેવી!"
કથા વાંચ્યાં પછી એક જ ભાવ પ્રકટ થાય છે કે દરેક ધર્મનો અંતિમ ધ્યેય લોક કલ્યાણ છે. કોઈ ધર્મ ખરાબ કઈ રીતે માની શકાય? ધર્મના નામે પોતાના સ્થાપિત ધોરણો અને માન્યતાઓ તથા નીજિ સ્વાર્થ ખાતર કહેવાતા ધર્મ ધુરંધરો લોકોને ધર્મના નામે લડાવી ધરતી રક્ત રંજીત કરે છે. સનાતન સત્ય જો લોકો સમક્ષ પ્રકટ થઈ જાય તો એ ધર્મના રખેવાળોને જ ખતરો છે, માટે એ જ લોકો છે જે લોકોને અંધારામાં રાખે છે.
આનંદની વાત એ છે કે આવા વિષયને લઈને નવલકથા લઈને આવેલ લેખક ભારતના છે. અમિષ ત્રિપાઠીની જેમ એક નવા એંગલથી ધર્મ પ્રકટ કર્યો છે. અને મહત્ત્વની વાત એ છે કે અંધારામાં તીર ન મારતા લેખકે સંદર્ભનો નિર્દેશ કર્યો છે. અને એના માટે ઈન્ટરનેટ નામના મહાસાગરમાંથી શોધેલા મોતી આપણી સમક્ષ રજુ કર્યા છે. નવલકથાના ગમેલા થોડા ક્વોટ્સ લેખક - પ્રકાશકના આભાર સહ પ્રસ્તુત છે.
* જેમ ચાલતું હોય તેમ ચાલવા દેવાનો કોઈ જ અર્થ નથી.
* વર્તમાનમાં આપણે જે પસંદગી કરીએ છીએ, તેના આધારે જ આપણું ભવિષ્ય ઘડાય છે.
* દિલથી કરવામાં આવતી પ્રાર્થનાથી તો પથ્થરમાં પણ પ્રાણ પુરાઈ જાય છે.
* પ્રકાશ એટલે શક્તિ નહીં પણ શાંતિ. શક્તિનું ગાંડપણ જ મોટામાં મોટા સામ્રાજ્યોને જમીનદોસ્ત કરી નાખે છે.
* આ દોષની લાગણી તો જતી કરવી જ ઉત્તમ . જીવન આપણને એવી પરિસ્થિતિઓમાં મૂક્ત રહે છે કે આપણને કંઈક શીખવા મળે છે. એક વાર આપણે એ પાઠ શીખી લઈએ પછી દોષની લાગણી પાછળ મૂકીને આગળ વધવાનો સમય પાકી જાય છે.
* જ્યારે અંધારામાં એક અંધ અને એક જોતો માણસ એક સાથે જ હોય, ત્યારે તેઓ એકબીજાથી જરા પણ અલગ નથી. જ્યારે પ્રકાશ પથરાય છે, ત્યારે જે જોઈ શકે છે, તેને પ્રકાશમાં બધું દેખાવા માંડે છે અને જે અંધ છે, એ તો અંધકારમાં જ રહે છે.