" બીજો ઇમેઇલ "
લખનાર : શિવમ પટેલ
તારીખ : ૧૨ જુલાઈ' ૨૦૧૩
પ્રિય શ્રુતિ,
વિષય : સંજોગ
મને ખબર છે કે તું ખુશ છે કેમકે તારી ગમતી કોલેજમાં તને એડમિશન મળ્યું છે પણ એ નથી ખબર કે હું કેટલો ખુશ છું?, કેમકે મને પણ એ જ કોલેજમાં એડમિશન મળ્યું છે! સાચું કહુને તો આ વાત, "સપના જોવા જ, એ હકીકતે પુરવાર થાય છે” એટલે જ તારા સાથે સંબંધ બાંધવાના મારા સપનાને હું હકીકત બનાવવા પ્રયત્નો કરતો રહુ છું!
જો કે, મારા સંજોગને પહેરાવેલ મારી મહેનતનો નકાબ રંગ લાવ્યો છે એ વાતના અહેસાસે મને સોનામાં સુગંધ ઉમેરાય એવી બમણી ખુશી આપી હતી પણ આપણે એક જ કોલેજમાં છીએ એ વાતની મને જયારે જાણ થઇ એ પ્રસંગને તને કહીશ તો કદાચ તને મારું પાગલપન દેખાઈ આવશે. હવે વાતની શરૂઆત જો તું મને પાગલ સમજીને કરે તોય મને વાંધો નથી કેમકે બસ હવે આપણા અંતરી મુલાકાતમાં શબ્દો ઉમેરવા મને અનિવાર્ય લાગે છે. વાત જરા એમ થઇ કે, આજથી લગભગ એક મહિના પહેલા મેં પહેલીવાર આપણી કોલેજમાં પગ મુક્યો હતો એ વખતે મને મારા પપ્પા કોલેજમાં મુકવા માટે આવેલા ને જાણે હું ભણી તો લઈશ પણ રહેવાની મને કોઈ અગવડ ના પડે એ હેતુથી એ કોલેજની હોસ્ટેલ જોવા મને સાથે લઇ ગયા હતા પણ મારા નસીબના અભાવે ત્યાં પહેલેથી જ ૨૦ લોકોના નામ વેઇટિંગમાં હતા! એટલે એક વર્ષ માટે બહાર રૂમ રાખીને રહેવા સિવાય મારા પાસે બીજો કોઈ વિકલ્પ નહતો. એટલે જ પહેલા તો ૧૦ દિવસ મેં ઘરેથી જ મારા એક મિત્ર સાથે અપડાઉન કરતો હતો, જો કે એની મજા કંઈ અલગ હોય છે પણ મને એ ના ફાવે! આમ તો, "કેમ?” નો જવાબ મારા નજીકના કોઈ વ્યક્તિને ના આપવો પડે પણ આપણી વાતચીત વચ્ચેના પુલનું કામ હજી બાકી છે એટલે તને જણાવી દઉં કે, મને રોજનો એકસરખો રૂટિન ના ફાવે! ખેર, પછી એક દિવસે આપણા ટ્યુશન ક્લાસીસમાં આવતો એક મિત્ર કે જે આપણી કોલેજમાં છે તેની સાથે વાત કરતા ખબર પડી કે કોલેજથી થોડી નજીક જ એના કોઈ સંબંધીનું ઘર છે જ્યાં અમે ૩ મિત્રો સાથે રહેવા જવાનું નક્કી કર્યું હતું.
હવે જો વાત આપણે મળ્યા એની કરું ( હું મારા મનથી એમ જ માનું છું ભલેને તે મને એ વખતે જોયો પણ નહતો) તો એ દિવસે હું કોલેજ જરા વહેલો પહોંચી ગયેલો. મેં પહેલા તો કોલેજની સામે આવેલી કીટલી એ ચા પીધી, ને પછી કોલેજની અંદર આવેલી સ્ટેશનરીમાં જવાનું વિચારેલું. જેવો હું ત્યાં પહોંચ્યો હતો તેની બારી બાજુ વાળી જગ્યાએ તો ભીડ હતી તો મેં અંદર જવાનું વિચાર્યું. જોકે અંદર પણ ભીડ તો હતી જ પણ સાથે કુલર પણ ચાલુ હતું તો રાહ જોવામાં મને વાંધો નહતો! અને છેવટે મેં આમ તેમ નજર ફેરવવાનું ચાલુ કર્યું ને કુલરમાં ઠંડા થતા થતા મેં કોલેજમાં આવવાની ખુશીમાં મારા પપ્પા એ લઇ આપેલા એન્ડ્રોઇડ ફોનમાં મેસેજો જોવાના ચાલુ કર્યા પણ એમાંય મારુ મન ચોટ્યું નહીં! ફરી પાછું મેં આમ તેમ આંખો ફેરવવાનું ચાલુ કર્યું. પણ આ વખતે મારી નજર સ્ટેશનરીની વિરુદ્ધ બાજુ આવેલી બારીની બહારની બાજુ સહેજ ઠરી... જો કે મારા પરિપક્વ બનેલા હ્રદયમાં હજી તારા વિચારોનો ધોધ તો ચાલુ હતો પણ કદાચ મારુ મન તો સ્કૂલના સમયમાં કોલેજ વાતાવરણની જે વાતો થયેલી એના પર સવાર હતું એટલે મેં જોવાનું ચાલુ રાખ્યું. એ છોકરીની પાછળ બીજી એક છોકરી હતી જેના વાળ સવારના પવનની સાથે ઉડતા ઉડતા મારામાં તાજગી ઉમેરતા હતા એવું મેં અનુભવેલું. ને પછી એ લાગણીને અનુભવવાની લાલચમાં મેં ત્યાંથી ક્લાસરૂમમાં જવાનું થોડા અનિશ્ચિત સમયગાળા માટે ટાળેલું. પછી અચાનક મારો એક મિત્ર ત્યાં આવી પહોંચ્યો, એટલે મારા અણગમા વચ્ચે ય મારે એની સાથે અધકચરી વાતો કરવી પડેલી. એટલામાં સામે બારીએ ઉભેલી એ છોકરી ત્યાંથી પૈસા ચૂકવીને ઝેરોક્ષ કઢાવીને નીકળી ગઈ. ને તેની પાછળ ઉભેલ છોકરી સહેજ આગળ આવી કે જ્યાંથી તેનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય.
એટલે હવે મને પેલા મિત્રની વાતો હેરાન કરતી હોય એમ લાગી, પણ જાણે એને તો કોઈ ફરક ના પડતો હોય તેમ એને વધુ ગંભીરતાથી વાતો ચાલુ રાખી! પણ હુંય જાણે તેની સાથે વાત કરવા કરતા એ બારીમાં જોવાની ક્રિયાને વધુ નમતું જોખતો હોય એમ એની સાથે વાતોનો ઢોળ ચાલુ રાખ્યો. અચાનક એક ક્ષણમાં કે જે હજીય મારા જીવનની કિંમતી પળોમાંની એક છે એમાં મેં જોયું તો…એ જ ચેહેરો જે મારા ટ્યુશન ક્લાસીસમાં મારી સામે ચોકલેટ લેવા હાથ લંબાવ્યો હતો એ જ હાથે તેને અમુક કાગળો ઝેરોક્ષ કરવા પેલા ભાઈને આપ્યા. પહેલા તો મને એમ થયું કે મારી સામે રહેલા કાચના એ ટેબલને કૂદીને સીધો એ ઝેરોક્ષ મશીન પાસે પહોંચીને હું મારા હાથે ઝેરોક્ષ કરી આપું પણ મારો એ મિત્ર જાણે મને હકીકતનો ધક્કો વારંવાર એની વાતોથી આપી રહ્યો હતો એટલે મારાથી વધુ એ સપનામાં ના રહેવાયું! પણ થયું એમ કે કુલરની નજીક ઉભા રહેવા છતાં મારા શરીરમાં પગના નખથી માથાની ચોટી સુધી એક ગરમ પવન વહી ગયો. હજીય આટલું ઓછું હોય એમ મેં જયારે એ બારી બાજુ આવવા અંદરથી બહાર નીકળવા પગ ઉપાડયો તે પગ પણ અમુક સેકેન્ડો સુધી ઉપડ્યો નહીં! હદ તો ત્યારે થઇ ગઈ જયારે અચાનક ચાર પાંચ છોકરા છોકરીનું ગ્રુપ સ્ટેશનરીની અંદર ઘૂસી આવ્યું કે જેનાથી મારે બહાર નીકળતા જ દોઢ મિનિટ જેટલું થયું. ને છેવટે આ આખુંય યુદ્ધ જીતીને જેવો હું એ બારી પાસે પહોંચ્યો કે ત્યાં તું નહતી! પછી તો મેં પહેલા મારા બેગ માંથી પાણીની બોટલ કાઢીને સ્ટેશનરીની સામેની બેઠક પર બેસીને.. તું ક્યાં હોઈશ? કે તું છે પણ ખરી? એવી મૂંઝવણો સાથે પાણી પીધું. પછી તરત જ મેં પેલા ભાઈને પૂછ્યું કે એ છોકરી ક્યાં ડિપાર્ટમેન્ટની ક્ષેરોક્ષ કરવા આવેલી? ને આમ મેં જાણ્યું હતું કે કદાચ તું કમ્પ્યુટર એન્જિનિરીંગમાં છે!
આજે એ વાતને પણ પાંચ દિવસ થઇ ગયા, મેં હમણાં જ પાણી પણ પીધું એ જ બેઠક પર બેસીને અને આ ઇમેઇલ પણ લખું છું. એ આશમાં કે જયારે તારી સાથે વાત કરીશ એ દિવસે તને ચોક્કસથી વંચાવીશ અને કહીશ હું તને પામવા કેવી મહેનત કરી રહ્યો છું! જોકે તને શોધવા અને ફરી ખાતરી કરવા કે તું ખરેખર મારી કોલેજમાં જ છે ને?, મારા પ્રયત્નો હજી ચાલુ જ છે. હું રોજ સવારે કોલેજ ચાલુ થાય એટલે ચાની કીટલી એ બેસીને ગેટ પર જતા આવતા લોકો સામે નજર રાખું છું કે કદાચ તું મને ફરી જોવા મળે! જોકે હજી તો કોલેજ બદલવાના ઘણાયના પ્રયત્નો ચાલુ હશે પણ મને અંદર ખાને વિશ્વાસ છે કે તું આજ કોલેજમાં છે એટલે હું તો આ કોલેજ છોડીને જવાનું વિચારતો નથી. કેમકે બેશક મારે મારા સ્વપ્નને હકીકત થતું જોવું છે જાણે સંજોગ પણ આમ શાખ પૂરતો હોય એમ હું ગઈ કાલે જ પીજી હોસ્ટેલમાં રહેવા આવી ગયો છું. તું કદાચ મોડી આવતી હોઈશ એમ વિચારીને તો પહેલા લેકચરમાં હું થોડો મોડો જ જાઉં છું પણ આ તો કોલેજ છે એટલે વાંધો આવતો નથી! પણ તું છે જ ને? કે પછી આ ઇમેઇલ હંમેશના માટે ડ્રાફ્ટમાં સેવ રહેશે? એવી મૂંઝવણમાં હું આજકાલ ખોવાયેલો છું. મારા અંતર-મન ના અવાજે તારી શોધખોળ કરતો હું, તને આ ઇમેઇલ લખું છું.
ગઈ કાલે તો મેં જાણે તને જોઈ લીધી હોય એમ ક્ષણિક લાગેલું પણ પછી તરત જ હકીકતે મને હચમચાવીને ખબર પાડી હતી કે એ તું નથી! પણ તને પામવાની ઝંખના એ છેવટે મને તારા ડીપાર્ટમેન્ટ બાજુના નોટિસ બોર્ડ સુધી પહોંચવા મજબુર કરી દીધેલો. મારા આ ઉતાવળા પગલે મને ખબર તો પડી ગઈ છે કે આપણી બેચમાં કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં સાત શ્રુતિ છે અને આ જોયું છે ત્યારથી મારા મોઢા પરથી સ્માઈલ ઓછી થતી નથી અને આમ તું છે જ એ ખુશી મને તું ક્યારે મળીશ એ ચિંતા કરતા વધુ અનુભવાય છે! પણ તો ય તું મને જલ્દી મળે એવી આશમાં લખતો હું.
તારો ચાહક
શિવમ પટેલ