પ્રેમ, ઈશ્ક, લવ. નામ ભલેને ગમે તે આપી દઈયે પણ એનો અહેસાસ શરીરનાં અંગ અંગને રોમાંચક બનાવી દે તેવો જ હોય છે. પ્રેમ કોઈ જગ્યા, સમય કે વ્યક્તિ જોઈને નથી કરાતો. એ તો બસ થઈ જાય છે. અને જ્યારે એ થાય છે ને દોસ્ત, તો બસ આખો દિવસ અને રાત ચહેરા ઉપર એક સુંદર સ્મિત આવી ને વસી જાય છે. આપણી આસપાસનું બધું જ આપણને સારૂં લાગે. ત્યાં સુધી કે જો જીવનમાં કંઈક ખરાબ થઈ રહ્યું હોય ને, તો પણ દિલની અંદર વસી ગયેલો પેલો પ્રેમ એની પણ હસતાં મોઢે અવગણના કરાવી દે. અને સૌથી મહત્વની વાત, કે પ્રેમ એક જ વાર નથી થતો. હા, બિલકુલ સાચું કહું છું હું. જેમ જન્મ લીધા પછી માં જ આપણું સર્વસ્વ હોય છે, માં ને કરતા હોય એવો પ્રેમ ક્યારેય કોઈને ના કરીયે. પણ પછી જેમ જેમ મોટા થતા જઈએ તેમ તેમ જીવનમાં અલગ અલગ પ્રકારના અનેક પ્રેમ આપણા જીવનમાં ખુશીઓ ભરતા જ જાય છે. મિત્રો પ્રત્યેનો પ્રેમ, પહેલી સાઈકલ પ્રત્યેનો પ્રેમ, સ્કૂલમાં રોજની પોતાની જગ્યા પ્રત્યેનો પ્રેમ, દૂર બેઠેલી પેલી હોશિયાર છોકરી પ્રત્યેનો પ્રેમ, ટ્યુશન ક્લાસના પાર્કિંગ માં પેલી એકટીવા વાળી કે પછી પેલા એનફિલ્ડ વાળા પ્રત્યેનો પ્રેમ, ઓફિસ ના હેન્ડસમ કે બ્યુટીફુલ બોસ પ્રત્યેનો પ્રેમ, પતિ પત્ની પ્રત્યેનો પ્રેમ, બાળકો પ્રત્યેનો પ્રેમ, બસ આવા જ અનેક પ્રકારના પ્રેમ લોકોનાં જીવનમાં આવતા જ રહે છે અને એના કારણે જ આ જીવન હસી ખુશી થી આગળ ચાલતું જ રહે છે.
પ્રિયા, મારી મિત્રના જીવનમાં પણ આજે એવો જ એક પ્રેમ આવ્યો છે. પણ આ પ્રેમને માનવામાં પ્રિયા પોતાનાં મનમાં પોતાની જ સાથે અનેક યુદ્ધો લડે છે. કારણ બસ એટલું જ હતું કે પ્રિયા એક પરણિત યુવતી હતી. પ્રિયાએ ઘણી નાની ઉંમરમાં પોતાની જ પસંદના છોકરા સાથે લગ્ન કર્યા હતા. પણ લગ્નની પહેલી રાતથી લઈને આજે લગ્નનાં ૪ વર્ષો પછી પણ પ્રિયા રોજ રાત્રે એકલી ગુમસુમ બેસી રહેતી હતી. આ ૬ વર્ષો દરમિયાન પ્રિયાએ આટલા ઓછા વર્ષોના લગ્નજીવનમાં અને સાવ નાની ઉંમરમાં અનેક અપમાન, ગુસ્સો, નારાજગી બધું જ સહન કર્યું હતું. પણ તેણે ક્યારેય પોતાના પત્ની ધર્મનો ત્યાગ નહોતો કર્યો. એ હંમેશા જીવનની દરેક પરિસ્થિતિમાં તેના પતિને સાથ આપતી હતી. પણ લગભગ છેલ્લા ૨ વર્ષોથી તે માત્ર એક જીવતું જાગતું ચાવી વાળુ રમકડું બની ગઈ હતી. તેનામાં સહેજ પણ જીવ રહ્યો નહોતો. નાં કોઈ ઈચ્છા કે ના તો કોઈ સપનાં. જે પ્રેમના સપના એણે સજાવ્યા હતાં, તે તો બસ એક સુંદર સ્વપ્ન બનીને જ રહી ગયા. હવે તો બસ એ ખાલી પતિની મરજી મુજબ જીવન આગળ ધકેલી રહી હતી. સ્વાભાવિક છે કે તેનું લગ્નજીવન સુખી નહોતું. અલબત્ત એમ કહેવું વધારે યોગ્ય છે કે તે તો માત્ર તેના પતિની સામાજિક પ્રતિષ્ઠા જાળવી રાખવા માટેની અને ઘરની તેમજ પારિવારિક જવાબદારીઓ નિભાવવા માટેની આજીવન બંધનમાં બંધાઈ ગયેલી એક છોકરી હતી.
આજકાલના જમાનાની હોવાના કારણે એક બે સોશિઅલ નેટવર્કીગ સાઈટ્સમાં પ્રિયાએ પોતાનું એકાઉન્ટ બનાવેલું હતું. નવરાશની પળોમાં આ સાઇટ્સ પર વિડિયો અને મિત્રોની પોસ્ટ જોઈને તે થોડીઘણી ખુશી મેળવી લેતી હતી. એક દિવસ અચાનક જ એની વાતચીત એક અજાણ્યા શખ્સ સાથે થાય છે. એક ખૂબ જ સામાન્ય બાબત વિશે થયેલી થોડીઘણી વાતચીતમાં જ પ્રિયાને અહેસાસ થઇ જાય છે કે એ વ્યક્તિ બિલકુલ એવો જ છે જેવો તે પોતાના જીવનસાથીને જોવા માગતી હતી. દેખાવમાં નહીં પણ સ્વભાવમાં. એક જ વખત માત્ર થોડીઘણી વાતચીત કરી લીધા પછી પ્રિયાના મગજમાં એ વ્યક્તિના વિચારો વારંવાર આવતા જ રહે છે. પ્રિયાને જીવનમાં રહેલી ઉદાસીનતાના કારણે ઘણા લાંબા સમયથી ઉંઘ આવવાનું જ બંધ થઈ ગયું હતું. તેથી અનેકવાર રોકવા છતાં તેનું મન પેલા એક અજાણ્યા શખ્સ તરફ જ જતું રહેતું હતું. તેથી તે રાત્રે પ્રિયાએ એ વ્યક્તિની પ્રોફાઈલ ખોલી અને સૌથી પહેલા તો તેનું નામ જોયું. જય. હા, એ વ્યક્તિ કે જેણે પ્રિયાના મગજમાં એક ઊંડી છાપ છોડી હતી, તેનું નામ જય હતું. પ્રિયાએ પછી તેનો પ્રોફાઈલ ફોટો ખોલીને જોયો. અને પછી તરતજ જયની પ્રોફાઈલ બંધ કરી દીધી. પરણિત હોવાના કારણે તેનું મન તેના દિલને રોકી રહ્યું હતું. પણ પ્રિયાને તો અહેસાસ પણ નહોતો કે તેના જીવનમાં બીજી શરૂઆત થઈ ગઈ હતી. જી હાં બીજી અને એ પણ પ્રેમની.
મેં કહ્યું હતું ને કે જીવનમાં પ્રેમ ગમે તે વ્યક્તિને ગમે તે વ્યક્તિ સાથે ગમે ત્યારે થઈ જાય છે. અને એક વખત પ્રેમ થયા પછી બીજી વખત નાં થાય, પહેલા પ્રેમથી ખાસ કંઈ ના હોય, પહેલા પ્રેમને ક્યારેય ભૂલી નાં શકીયે એ બધું વાર્તાઓ માં જ શોભે. હકીકતમાં તો જીવનમાં જો ખુશી મેળવવી હોય, તો સમય આવ્યે જતું કરતા, અને સમય આવ્યે સ્વિકાર કરતા શીખી લેવું જોઈએ. દુનિયાની સામે સારા બનીને રહેશો તો જીવનમાં ક્યારેય કંઈ જ સારૂં નહીં થાય. પણ જો જીવન જ સારૂં હશે, તો દુનિયા આપમેળે જ સુંદર બની જશે.
- પૂર્વી 🧚🏻♀️