(પ્રકરણ – ૧૦)
હસવું તો ત્યારે આવ્યું જયારે કેટલાંક લોકો કેટલાંક દેશોમાં શહેરમાં ઉભાં પુતળાઓને માસ્ક પહેરાવી રહ્યાં હતાં જેથી લોકો માસ્ક પહેરવાની આદત નાંખે. હદ થઇ ગઈ, શહેરમાં પ્રદુષણ હોય ત્યારે એ જરૂરી નહોતું ? શ્વાસ લેવામાં તકલીફ પડી ત્યારે ? કાયમ આ મહાનુભાવોને જ અજમાવવા ?
લોકડાઉનથી પ્રદુષણ મુક્ત વાતાવરણમાં કેટલાંક પુતળાઓ વ્યથા કહી રહ્યાં હતાં, રાત્રીના શાંત સમયમાં -
કેમ પ્રસંગે જ મને યાદ કરાય છે ?
આમ ચાર રસ્તાની વચ્યે મુકાય છે ?
જિંદગી આખી દિશા સૂચન કર્યું તમ તારવાં,
નહિ આ ચાર રસ્તે ડાબે - જમણે દોરવાં.
હાથ અને પગ પણ ક્યાં રાખ્યા છે તમે આ પુતમાં,
બચાવી લીધા દોકડા, રાખી ગજવાઓ ધ્યાનમાં.
ઋતુઓ, પ્રદુષણ સહન કરવી પડે છે એકજ પોઝમાં ,
તમે નિરાંતે ઉંઘો છો વાતાનુકૂલ અને ડનલોપમા.
કેમ નામ લઇ તરી જવા માંગો છો સાન અને શાનમાં,
ઉદાહરણ તો એક સારું બેસાડો આ ગામમાં ?
કહેવું છે ઘણું પણ કહી નથી શકતો,
પીડા છે ઘણી પણ હવે સહી નથી શકતો !
ઉઠાવી લો મને અહીંથી, એક ઉપવન ઉભારો,
મારા જેવા ઘણાં છે એમને પણ ત્યાં સ્થાપો.
ઉપવનને નામ સ્મરણાર્થે નહિ, ‘પુરુષાર્થ’ આપો,
આવો ઉપવનમાં તો બાળકને સાથ રાખો.
સમજાવો ઈતિહાસ ગાથા ઉપસ્થિત મહાનુભવોની,
દરેકના શૌર્ય, સમર્પણ, દેશભક્તિ, નિસ્વાર્થની.
અમારી જન્મ અને પુણ્ય તિથિએ,
પાર્ટી, પક્ષ દુર મૂકી સૌ સાથે આવજો,
એક છો આપ એવું દુનિયાને દેખાડજો,
માં ભોમની ગરિમા ટકાવી રાખજો.
ગલ્લી, નાકે, ચાર રસ્તે અમને મૂક્યાં'તા
તે કરતા આ ઉપવન ઉચ્ચ સ્થાન બનશે,
બાળકો, યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત ગણાશે.
આવતી કાલનું ભારત તેઓ ઉત્કૃષ્ટ બનાવશે.
લોક ડાઉનમાં ઘણી એક્ટીવીટી થઇ હશે બાળકો સાથે પણ કોઈ દિવસ આપણાં મહાનુભાવો વિશે એમનાં જીવનચરિત્ર વિશે વાતો કરી હતી ? ઇતિહાસ ફંફોળી બાળકોને ઇતિહાસ કહ્યો ? બિચારા બાળકો તો કન્ફયુઝ થાય છે જયારે ટી વી ઉપર એ મહાનુભાવો ઉપર આરોપ પ્રત્યારોપ કરી ડિબેટ કરી સત્યનો ખુરદો બોલાય છે. મા’રાં અને તા’રા સાબિત કરતાં કેવાં શબ્દો બોલાય છે. આજના બાળકો રામાયણના અરૂણ ગોહિલને રામ સમજે છે. કંઇક તો નવી પેઢીમાં ઘટે છે – ઇતિહાસમાં રુચિ નહી પણ વેબ સીરીઝમાં વધુ રસ. જ્યાં કાતર (સેન્સર બોર્ડ) નથી તે સંસ્કારોને અને જિંદગીને શું આકાર આપી શકે ? પણ જવાબદાર કોણ ? ફક્ત તક સાધુઓ. આ કઈ ભાષણ લખવાનો સમય નથી પણ કોઈકવાર ગંભીરતા તો સમજવી પડેને ?
શહેરમાં ગલીઓ, ચાર રસ્તાઓ અને ચોકમાં મુકેલ મહાનુભાવોના પુતળાઓની જગ્યાઓ ખાલી હતી. ભેંકાર
ભાસતી હતી. લોકડાઉન ચારના પ્રથમ દિવસે થોડીક રીક્ષાઓ અને ગાડીઓ શહેરમાં ફરી રહી હતી એમાં કોઈએ જોયું કે પુતળાઓ રીક્ષામાં જઈ રહ્યાં હતાં. ડ્રાયવર, એક વ્યકિત અને પુતળું. કોઈ એમ કહેતું હતું કે પૂતળું બોલતું હતું.
ચોથાં લોકડાઉનના પહેલાં દિવસની છૂટમાં લોકો પોતાનાં કામમાં હતાં. આજે એમની નજર, વિચારો જુદી દિશામાં વ્યસ્ત હતાં. એમને પુતળા ક્યાં ગયાં એની તકલીફ નહોતી. શું એ પણ બોર થયાં હશે ? ખાલી રસ્તાઓ, ચોક જોઈ ?
‘****’
છબીલોક વ્યસ્ત હતું એક નવા સર્જનમાં. દેવબાબુએ શહેરથી દુર એક પ્રતિકૃતિ ઉદ્યાન બનાવ્યું હતું. નામ ‘પુરુષાર્થ’. મેડમ તુસાદના સંગ્રહાલયથી અલગ. દરેક ભારતીય મહાનુભાવોનો ઇતિહાસ કંડાર્યો હતો, એકદમ સત્ય, ભેદભાવ વગર. પુસ્તકો અને અદ્યતન ટેક્નોલોજી દ્વારા. વર્ષોની મહેનતનું ફળ હતું. આજ સુધી શહેરની આ ઘટનાનો કોઈને અણસાર પણ નહોતો, વરસોની મહેનત અને અંતિમ ઈચ્છા. હેતુ - ફક્ત બાળકો આ મહાનુભવોને અને એમનાં કાર્યોને જાણે. ઇતિહાસ સમજે. પરિવર્તનનો સમય હતો.
‘અતિથી રેસીડન્સી’ ના રહેવાસી અને એનાં અધ્યક્ષ વ્યવહાર અને સંચાલન કરતાં તરીકે નીમાયા હતાં. ચાર પાંચ બાળકો દ્વારા ઉદઘાટન થયું. કોઈ નેતા નહી. ફક્ત એક મીડિયાની હાજરી. નામ માટે નહી, જાહેર જનતાને લાભ આપવાં માટે, પ્રચાર માટે. કોઈ પ્રવેશ ફી નહી. એક અજાયબી હતી. અનલોક એક ની નવી શરૂઆત હતી. ધાર્મિક સ્થાનો સાથે !
દેવબાબુ એ પોતાની જાયદાદ વેચી આ મહાન કાર્ય કર્યુ હતુ.
શાન્તુ જાસુસ ઘણાં દિવસોથી ચકકરમાં પડ્યો હતો કારણ આજકાલ દેવબાબુ દેખાતાં નહોતા. અચાનક એક દિવસે એક આધેડ ઉમરની જાજરમાન સ્ત્રી એમનાં એપાર્ટમેન્ટમાં દેખાયા. વાત કરતાં ખબર પડી કે એ દેવબાબુની માં છે. બધાં દેવબાબુના ખુબ વખાણ કરતાં હતાં અને એમની પૂછપરછ કરતાં હતાં. પરંતું માં જયંતિ લક્ષ્મી માટે કોયડા જેવું હતું. આખરે જયારે કોઈએ એમનાં ઘરનાં દિવાલ ઉપર લટકતી છબી (ફ્રેમ) બતાવી ત્યારે માં જયંતિ લક્ષ્મી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આ મારો દેવ ! મારાં દેવનું ખૂન થયું હતું વરસો પહેલાં ! દેવ છબીલોકમાં હતાં.
(સમાપ્ત)
મુખવાસ – છબીલોકની આ રમુજ અહીં પૂરી કરું છું. (નાસ્તા પછી કે જમ્યાં બાદ મુખવાસ આરોગીએ છીએ તેમ વાર્તાની સમાપ્તિ બાદ આ પ્રસ્તુતિ કરું છું.) ખરેખર રમુજનો કોઈ અંત ના હોઈ શકે. પ્રસ્તુતિ માટે એક કોમેડી શૈલીનો સહારો લઇ હકીકત આપ સમક્ષ મુકવાની કોશિશ હતી કારણ છબીલોકના લોકો કોરોનાથી કદાપી સંક્રમિત ન થઇ શકે એટલે એ પાત્રોનો સહારો લીધો.
લોકડાઉન પાંચ પછી અનલોક એક વધુ છૂટછાટો સાથે સરકારે જાહેર કર્યું. એની પાછળ ઘણાં કારણો હોઈ શકે.
અઢી મહિનાથી ઘરમાં રહેલાં બહાદુરો,
આખરે તો જીન્દગી પોતાની છે. આપણી પાછળ એક પરિવાર છે. જે આપ પર નિર્ભર છે. સ્વછંદી ન બનીએ. પૂર્ણ સલામતીના સાધનો સાથે અને સોસિયલ ડિસ્ટન્સ પાળે. બહેનો ખાસ ધ્યાન રાખે કારણ એક દુકાનની લાઈનમાં સોસિયલ ડિસ્ટન્સમાં ઉભો હતો ત્યારે એક બહેને શોર્ટકટ મારી દુકાનમાં એન્ટ્રી લીધી, બુમાબુમ થતાં ‘ઉતાવળ છે’ એમ જાણવા મળ્યું. ખરેખર જીવના જોખમે ઉતાવળ હોઈ શકે ? આપણે સંક્રમિત થઇ પારિવાર માટે ખુદ વાયરસ ન બનીએ એની તકેદારી રાખીએ !
જરૂર ન હોય તો બહાર જવાનું ટાળો. દો ગજ કી દુરી બનાએ રખ્હે ! મહામારી વધુ ન ફેલાય એજ પ્રાર્થના !
આશા છે કોરોના ત્રાસદી ઉપર ફરી આગળ ના લખું અને કોરોનાની દવા મળી જાય અને બધાં સ્વસ્થ થાય.
(ઇતિ કોરોના અધ્યાય સમા....પ્ત....લખાય કે કેમ ???)