રાઈટ એંગલ
પ્રકરણ–૪૦
કશિશ પહેલાં માળે પહોંચી ગઇ હતી. એ ઊભી તો ન રહી પણ એણે ઘીમી પડી, કૌશલ ઝડપથી દાદર ઊતરીને એની સાથે થઇ ગયો,
‘બોલ શું કામ છે?‘ કશિશે હવે સીધું જ પૂછી લીધું. ઉંદર–બિલાડીની રમત રમવી એના સ્વભાવમાં ન હતું. કશિશ સીધી રીતે આમ પૂછી લેશે તે એની કલ્પના બહારની વાત હતી. તેથી કૌશલ હેબતાય ગયો. એણે ધાર્યું ન હતું કે કશિશ ક્યારની એને વાત કરવા માટે ટટળાવી રહી છે તે સાવ અચાનક વાત કરવા માટે સહમત થઇ જશે.
‘બસ..કંઇ નહી...હું તને ફોન કરી શકુ?‘ જે કહેવું હતું તે વાત મનમાં દબાઇ ગઇ અને સાવ બાઘાં જેવો સવાલ પૂછી બેઠો.
‘કામ હોય તો કરી શકે.‘ કશિશ બોલીને સડસડાટ નીચે ઊતરી ગઇ. એ નીચે ડ્રોઇંગરુમમાં પહોંચી ત્યારે અતુલભાઈ અને ધ્યેય ખડખડાટ હસતાં હતા. બન્નેને જોઇને લાગતું હતું કે એમને એકબીજા સાથે વાત કરવાનું ગમ્યું છે.
‘ચલો આપણે જઇએ?‘ કશિશ બેસવાના બદલે ઊભી જ રહી,
‘યહ..ચલ..અમે ઘણો સંતસંગ કર્યો...કેમ સર?‘ ધ્યેયએ ઊભો થયો,
‘ઓહ...યાહ...ગ્લેડ ટુ ટોક ટુ યુ! કમ અગેઈન...‘ અતુલભાઇએ ફરી આવવા વિવેક કર્યો,
‘સ્યોર સર...બાય કૌશલ!‘ ધ્યેયએ જતાં જતાં એની સાથે હાથ મિલાવ્યા.
કશિશે માત્ર હાથથી વેવ જ કર્યું. બન્ને બહાર નીકળ્યાં અને જેવા કારમાં બેઠાં તેવી જ કશિશ બોલી,
‘મને ખબર હોત ને કે કૌશલ અહીં છે તું હું કદી આવવા રાજી ન થાત.‘
‘ડોન્ટ ઓવરરિએક્ટ કિશુ...જે થયું તે સારું થયું. ‘ ધ્યેયએ કાર મેઇન રોડ પર લીધી. કશિશ તાજુબીથી એને જોઇ રહી.
‘આમાં મેં ઓવર રિએક્ટ શું કર્યું? અને શું સારું થયું?‘ ધ્યેયના મનમાં શું છે તે જાણવા માટે કશિશે સ્પષ્ટ શબ્દમાં પૂછી લીધું,
‘એ જ કે એને એના કર્યા પર પસ્તાવો છે...અને એ ઈચ્છી રહ્યોં છે કે તું એના જીવનમાં પાછી ફરે.‘ ધ્યેયએ ગાડી ચલાવતા ચલાવતા કશિશ તરફ જોયું. કશિશ એને અચરજથી તાકી રહી હતી, કૌશલ હજુ ય મને ચાહે છે તે હકીકત ધ્યેય જાણી ગયો તો પણ કેટલી સાહજિકતાથી એ વાત કહે છે? એને ઇર્ષા નહીં થતી હોય? કે પછી એ મને ચાહે છે તો પણ ઈચ્છતો હશે કે હું કૌશલ પાસે પાછી જતી રહું?
‘તો તું એમ કહે છે કે મારે એની પાસે પાછા જતું રહેવું જોઇએ?‘
‘હા...અગર તું ઇચ્છતી હોય તો!‘
એ સાથે કશિશ બોલી પડી,
‘સ્ટોપ ધ કાર...મારે તારી સાથે નથી આવવું...યુ ઇડિયટ!‘ ધ્યેયએ કાર સાઇડમાં લીધી અને અને ઊભી રાખી,
‘ઇડિયટ તું છે...જે મારી વાત સમજયા વિના ગુસ્સો કરે છે!‘
‘ઓહ..અચ્છા...જરા મને સમજાવો તો વકિલ સાહેબ હું તમારી કંઇ વાત નથી સમજી?‘
‘એ જ કે તારાને કૌશલના ડિવોર્સ નથી થયા. હજુ તું ઓફિશયલી મિસિસ કૌશલ નાણાવટી જ છે. તું ને કૌશલ પાછા એક થઇ શકો છો!‘
કશિશને હવે ખેરખર સમજ પડતી ન હતી કે ધ્યેય કેમ આવું બોલે છે, એણે બધી શરમ અને સંકોચ બાજુએ મૂકીને પછી લીધું,
‘ડુ યુ લવ મી?‘
ધ્યેય સામે કશિશ તાકી રહી, ઘણાં દિવસોથી બન્ને ઈચ્છતા હતા કે એમની વચ્ચે જે લાગણી પાગંરી છે તેની કબૂલાત થાય. પણ કોઈને કોઈ વિઘ્ન આવી જતું હતું આજે આમ આવી અણધારી રીતે થશે તે બન્નેમાંથી કોઇ જાણતું ન હતું.
‘આઈ લવ યુ ટુ.‘ ધ્યેયનો જવાબ સાંભળીને કશિશના દિલને શંતિ થઈ. આ વિશાળ દુનિયામાં મારું કોઈક છે જે મને બિનશરતી પ્રેમ કરે છે તે હકીકત માણસને ખૂબ આનંદ આપતી હોય છે.
‘તો પછી તું કેમ ઈચ્છે છે કે હું કૌશલ પાસે પાછી જતી રહું?‘ કશિશે પોતાને મૂંઝવતો સવાલ પૂછી લીધો.
‘કિશુ..મેં એમ કહ્યું કે તું ઈચ્છતી હોય તો જઈ શકે....મારો પ્રેમ એવો નથી કે એ તારા પગમાં બેડી બની જાય. આફટરઓલ તે કૌશલ સાથે જિંદગીના સાત વર્ષ ગુજાર્યા છે. તમે એકબીજા સાથે ફાવતું હોય તો હું વચ્ચે આવનાર કોણ?‘ ધ્યેયનીઆ વાત સાંભળીને કશિશને તાજુબી થઈ. કોઈ પુરુષ પોતાના પ્રેમ માટે આટલો નિર્લેપ હોય એ એની સમજ બહાર હતું,
‘કદાચ હું કૌશલ પાસે પાછી જતી રહું તો તારું શું?‘
ધ્યેયએ એનો હાથ પકડ્યો, એની આંખોમાં જોયું,
‘કિશુ...હું તને આજે ચાહુ છું, આવતીકાલે પણ ચાહતો હોઈશ...આજ પછી મૃત્યુપર્યંત તને ચાહતો રહીશ...પણ હું એવી અપેક્ષા નથી રાખતો કે તું મને ચાહે, મારી સાથે રહે...હા, પણ એવું થાય તો હું મારી જાતને દુનિયાનો સૌથી લકી માણસ માનીશ.‘
જિંદગીના આટલાં વર્ષમાં આવો પ્રેમ કદી કશિશે જોયો ન હતો. બન્ને એકબીજાને અપાર ચાહતા હોવા છતાં એકબીજાનો હાથ પકડવાથી આગળ વધ્યાં ન હતા. કદાચ બન્નેના મનમાં ક્ષોભ હતો. પોતે જે કરી રહ્યાં છે તે યોગ્ય છે કે નહી? આખરે કશિશ મિસિસ કૌશલ નાણાવટી છે. પણ જે ક્ષણ આજે મળી છે તે કદાચ ભવિષ્યમાં ફરી કદી ન પણ આવે. કશિશ આ પળ ગુમાવવા ઈચ્છતી ન હતી. ધ્યેયનો હાથ પકડીને કશિશે એને ચૂમી લીધો. ધ્યેયએ એના ગાલ પર કિસ કરી.
‘અગર કદાચ તું મારી સાથે ન રહે તો ય આ ક્ષણને યાદ રાખીને હું જીવન ગુજારી લઈ...‘ ધ્યેય વાક્ય પૂરું કરે તે પહેલાં જ કશિશે એના હોઠ પર પોતાની આંગળી મૂકી દીધી,
‘ના...હું આજીવન તારી સાથે જ રહીશ...કદી તને છોડીને નહીં જાઉ!‘
‘કિશુ...બસ પ્રોમિસ ન કર...સંબંધો ક્યારે બીજું રુપ લઈ લે તે કહી ન શકાય...બસ આ ક્ષણે તું મારી સાથે છે તે વાત જ મહત્વની છે.‘
કશિશ તાજુબીથી એને જોઈ રહી.
*****
પંદર ઓકટોબર નજીક આવતી જતી હતી તેમ નિતિન લાકડવાલાનું પ્રેશર વધતું જતું હતું. એ નિર્દોષ છે તે સાબિત કરવા માટે પુરાવા જ ન હતા. માન્યું કે આવો કેસ આજ પહેલાં કદી આવ્યો નથી પણ તેથી જજ એમની વિરુધ્ધ ફેસંલો ન આપે તેમ બનવાનું નથી. મોટા ઉપાડે નવીન પ્રકારનો કેસ છે અને મોં માગ્યા પૈસા મળવાના છે તેથી કેસ તો લઈ લીધો પણ હવે આ કેસ હારશે તો એમની પ્રેકટિશમાં લાંછન રુપ બની જશે. આમ તો કોર્ટમાં હાર–જીત ચાલ્યાં જ કરતી હોય છે પણ આવા હાઈપ્રોફાઈલ કેસમાં નાલેશી મળવાથી એમની પ્રેકટિશ પર અસર તો થાય જ.
એમને એક જ ઉપાય સૂઝયો જે એમણે અમલમાં મૂકી દીધો. પોતાની બિમારીનું બહાનું કાઢીને કોર્ટે પંદર ઓકટોબર તારીખ આપી હતી તે લંબાવી દીધી. તે માટેનો દંડ ભરી દીધો. કોર્ટે એમની મંજુરી આપીને નવી તારીખ ૨૫ નવેમ્બર આપી. બસ કોઈને કોઈ રીતે કેસ પાછળ ઠેલાયા કરે તો કશિશની તરફેણમાં જે સહાનુભૂતિનું મોજું મિડિયામાં પેદા થયું છે તે સમય જતા શાંત પડી જાય અને પછી કોર્ટની કાર્યવાહી આગળ વધે તો કેસ હારવા છતાં મિડિયામાં એની બહુ નોંધ ન લેવાય. પબ્લિક ઈન્ટરેસ્ટ ઘટી જાય તો એમનો ફાયદો જ છે.
બે ત્રણ વાર આવી રીતે જુદાં જુદાં કારણસર કોર્ટમાં નિતિન લાકડાવાલાએ તારીખ લંબાવ્યા કરી એટલે પછી કશિશની ધીરજ ખૂટી ગઈ,
‘આ લોકો કેમ આવું કરે છે?‘
‘આપણી ઉપર મેન્ટલ પ્રેશર ક્રિએટ કરવા માટે આવા ખેલ ખેલાય.‘
‘એનો ઉપાય શું?‘
‘બસ થોભો અને રાહ જુઓ.‘ ધ્યેયેના જવાબથી કશિશે નિ:સાસો નાંખ્યો. આપણી ન્યાયપ્રણાલી એટલી ઘીમી છે કે કેસનો નિકાલ આવતાં વર્ષૉના વર્ષો વીતી જાય. બેનિફિટ ઓફ ડાઉટનો ફાયદો જેટલો આરોપીને મળે છે તેટલો ફરિયાદીને નથી મળતો.
કશિશનું કોફી હાઉસ એસ્ટાબલિશ થઈ ગયું છે, કોફી હાઉસની આવકમાંથી ભાડું નીકળી જાય છે અને એ આરામથી જીવી શકે તેટલી ઈન્કમ મળી હે છે. એટલે આમ તો જીવનની ગાડી પાટે ચડી ગઈ છે.. કશિશને નાનપણથી ધૂન હતી કે એ પોતાનું જીવન પોતાની રીતે જીવે. તે આટલાં વર્ષો પછી જીવવા મળી રહ્યું હતું. એનો એને આનંદ હતો.
સવારે આઠ થીરાતે આઠસુધી એ કોફી હાઉસમાં બિઝિ રહે છે. રાતે ધ્યેય ઘરે આવે પછી બન્ને સાથે જમવાનું બનાવે. ક્યારેક લોંગ ડ્રાઈવ કે ડિનર માટે બહાર જાય. એટલે એ રીતે લાઈફ સેટ છે. ત્યાં એક દિવસ કશિશ રાતે કોફી હાઉસ બંધ કરવાની તૈયારી કરતી હતી અને કૌશલ આવ્યો, એ આમ અચાનક આવ્યો એથી કશિશને નવાઈ લાગી,
‘હાય...‘ કૌશલ નજીક આવીને બોલ્યો,
‘હાય...એવરીથીંગ ઈઝ ફાઇન?‘ કશિશને ધ્રાસકો પડ્યો કે કદાચ કૌશલના મમ્મીની તબિયત વધુ ખરાબ તો નથી ને?
‘યહ...બસ એમ જ મને થયું કે તારું કોફી હાઉસ એકવાર જોઈ તો લઉં.‘
‘યહ....સ્યોર...વેલકમ.‘ કશિશે વિવેક કર્યો. ધ્યેય સાથે પ્રેમની કબૂલાત થઈ ગયા પછી હવે એને કૌશલ સાથે વાતચીત કરવાનો ક્ષોભ કે તિરસ્કાર રહ્યાં ન હતા. એણે પોતાની બાઉન્ડ્રી લાઈન નક્કી કરી લીધી હતી.
કશિશ આખું કોફી હાઉસ દેખાડ્યું અને એના માટે કેપેચીનો કોફી બનાવીને લાવી,
‘તારું કોફી હાઉસ નાનકડુ પણ કમ્ફર્ટેબલ છે.‘ કૌશલે કોફીનો સીપ લીધો.
‘થેન્કસ...‘ કશિશ એની સામે બેઠી.
કશિશ જોઈ રહી હતી કે કૌશલને કશું કહેવું છે પણ એ કશી મૂંઝવણમાં છે તે એના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતુ હતું,
‘બોલ બીજું શું નવીનમાં?‘ કૌશલ બોલવાની હિંમત કરે એટલા માટે કશિશે એને પૂછયું,
‘હમમ...ડેડએ તને એક ઓફર મોકલી છે. યુ સી...‘કૌશલ ક્ષણમાટે અટ્કયો કારણ કે વાત જ એટલી સેન્સેટિવ હતી કે કશિશને કદાચ ન ગમે.
‘ડેડ કહે છે કે આપણું કોફી હાઉસ તું ચલાવ...આઈમીન આટલાં મહિનાથી એ એમ જ પડ્યું છે ને..યુ નો તારું આ કોફી હાઉસ સરસ જ છે પણ તારો બિઝનેસ ઇક્સપેન્ડ થાય..‘ કૌશલ ઝડપથી એકીસાથે બોલી ગયો. પછી કશિશ સામે જવાબની અપેક્ષાએ તાકી રહ્યોં, કશિશે ઊંડો શ્વાસ લીધો,
‘તારી ઓફર ખૂબ સારી છે, પણ હાલ મારો કેસ ચાલે છે અને આ કોફી હાઉસ પણ ચલાવવાનું એટલે હું બધે પહોંચી ન વળુ. સોરી.‘
સીધેસીધી ના પાડવી એ કરતાં સંબંધ સાચવીને ઓફરનો અસ્વીકાર કરવો તે કળા હવે ધ્યેય પાસેથી કશિશે શીખી લીધી હતી,
‘પણ તે માટે તું માણસો હાયર કરી શકે ને?‘ કૌશલ એમ તંત છોડવા ઈચ્છતો ન હતો.
‘હું વિચારીશ..ઓ.કે.?‘ કશિશે ટૂંકમાં પતાવ્યું જેથી વાતનો એન્ડ આવે. કોફી હાઉસ બંધ કરવાનો સમય થઈ ગયો હતો એટલે કશિશ ઊભી થઈ,
‘મારે ઘરે જવાનો સમય થઈ ગયો છે.‘
‘ઓહ..યસ...હું તને ઘરે છોડી દઉ?‘
‘ના...હું મારા સ્કૂટર પર આવું છું.‘ કૌશલ કમને ઊભો થયો. કોફી હાઉસ બંધ કરીને કશિશ એની હેલ્પર માલા સાથે સ્કૂટર પર જતાં જોઈ રહ્યોં,
‘કશિશ કેટલી ખુશ છે. લેવિશ કારને બદલે સ્કૂટર ચલાવે છે, લગ્ઝયુરિયસ કોફી હાઉસના બદલે એકદમ એવેરેજ કોફી હાઉસ છે, રિચ લાઈફ સ્ટાઈલના બદલે સાદી સીધી જિંદગી જીવે છે છતાં એના ચહેરા પર ખુશીની ચમક છે. સાત વર્ષ એના સાથે ગુજાર્યા પણ આવો સંતોષ અને સુખની આભા એના ચહેરા પર જોવા મળી ન હતી. કદાચ પોતે સાચી કશિશને જાણી શક્યો ન હતો કે પછી જાણવાની કોશિશ કરી ન હતી?
કૌશલે નિ:સાસો નાંખ્યો એને ઘરે જવાનું મન ન થયું. કશિશ વિનાનું ઘર એને ખાવા દોડતું હતું.
(ક્રમશ:)
કામિની સંઘવી