યાત્રાધામ ઋષિકેશમાં સાંજની વિદાય અને રાત્રીનાં
પગરવનો એ નજારો અત્યંત મનમોહક લાગી રહ્યો હતો. અસ્ત થતાં સૂર્યનાં કેસરિયાં કિરણો ગંગાનાં નિર્મળ નીર
પર રેલાઈને એની સુંદરતાને ઔર રમણીય બનાવી રહ્યાં
હતાં. દૂર મંદિરમાં થતો ઘન્ટનાદ અને શ્લોકોચ્ચાર વાતાવરણમાં અલૌકિક પવિત્રતાનો છંટકાવ કરી રહ્યાં
હતાં, ત્યારે અનુરાગ ગંગાનાં કિનારે એક ગોળાકાર પથ્થર
પર બેસીને દુર દુર ક્ષિતિજમાં અસ્ત થતાં સૂર્યને અપલક નીરખી રહ્યો હતો.
ભલે અનુરાગની આંખો એ રમણીય દ્રશ્ય પર મંડાયેલી
હતી, પણ તેનું મન તો તરબોળ હતું એની સરયૂમાં જ,
એ પોતાને પણ માંડ સંભળાય એટલું ધીમેકથી બોલ્યો ,
"જો સરયૂ તને ગમતો ગંગાનો તટ..આ શાંત લયબદ્ધ
વહેતું પાણી.. શાસ્વત સ્થાયી આ નીરવ શાંતિ.. ને બસ
એમાં લીન આપણે બે.. !!
સરયૂએ અનુરાગ સામે જોઇ એનું બાળસમ મધુરું સ્મિત રેલાવ્યું. અનુરાગે જોયું તો સરયૂની આંખોમાં પણ ગંગાનાં
નીર જેવી શીતળતા છવાયેલી હતી, એનાં ચહેરાં પરથી
પ્રતિબીંબિત થતાં કેસરિયાં પ્રકાશનાં કારણે સરયૂનો ચહેરો
ઔર તેજસ્વી અને દૈવી લાગતો હતો..!!
સરયૂનાં કંઠમાંથી કોયલનાં ટહુકાર જેવું મીઠડું હાસ્ય રેલાણુ,
એ કહી રહ્યી, "હાં અનુરાગ આજે કેટલાં વર્ષે તમે મારી ઈચ્છા પુરી કરી..યાદ છે ને આપણી મધુરજનીએ તમે પૂછ્યું હતું કે સરયૂ તને ક્યાં ફરવાં લઇ જાઉં..??
અનુરાગ હવાંમાં ફરક્તાં એનાં વાંકડિયા જુલ્ફને સઁવારતો
એ રાતમાં ડૂબકી લગાવી આવ્યો.. એક તોફાની હાસ્ય
એનાં હોઠ પર આવ્યું, એ બોલ્યો, " હાં સરયૂ યાદ છે ને
તે કેટલું શરમાતાં કહયું હતું કે તને ગંગાનાં શાંત તટે મારી
સાથે એક સાંજ ગાળવી છે.. આજે આટલાં વર્ષો પછી
એ સાંજ આપી શક્યો તને હું.. બહું મોડું થઇ ગયું નહીં..?? "
"નાં રે.. બસ તમે મારી ઈચ્છા પુરી કરી એની ખુશી છે..કદાચ તમને પણ જવાબદારીઓ નીભાવવામાં સમય જ ક્યાં મળ્યો
એવો કે આપણે આપણી ખુશી માટે જીવી શકીએ..!! "
સરયૂ આંખો પટપટાવતાં બોલી.
"હાં સરયૂ તારાં પગલાં એટલાં તો શુકનવંતા હતાં કે નાનકડું
કપડાં રંગવાનું એ કારખાનું, આમ તો ભાડે દુકાન જ હતી
એ, એમાં કામ કરતો હું તારાં આવ્યાં પછી આજે અનેક ફેકટરીઓનો માલિક બની બેઠો છું. આપણી પાસે જેમ
પૈસા વધતાં ગયાં એમ સફળતાની મારી લાલસા પણ વધતી
ચાલી. અટક્યો જ નહીં હું કદી.. અને તે ય કદી મને રોક્યો
નહીં.. બસ મૂંગા મોંઢે અને હસતાં ચહેરે મારી, મારાં માં બાપની અને આપણા સંતાનોની બધી જ જવાબદારી તે
તારાં નાજુક ખભા પર ઉપાડી લીધી.. " અનુરાગ પોતે
બધી જ જવાબદારીઓ નેવે મૂકીને પોતાનાં બિઝનેસની
પ્રગતિમાં જ ખુંપી ગયો હતો એનો અફસોસ કરી રહ્યો.
"અરે.. તમે આજે ઢીલાં કેમ પડો છો..?? સિંહ ગર્જના
કરતાં જ સારાં લાગે હો.. " સરયૂ એ અનુરાગની આંસુ
ભીની આંખોમાં જોતાં કહયું.
"સરયૂ હવે તો કહી દે કે હું તારો અપરાધી છું.. તને મારી
સાથે ફોરેન ટુરમાં લઇ જઈને પોરસાતો રહ્યો. કદી તારી
માટે હું જીવ્યો જ નહીં અને તું હંમેશા મારાં માટે જીવતી
રહી.. પણ મને મૂરખને કદી સમય જ નાં મળ્યો તારાં માટે
જ જીવવાનો. " અનુરાગ નાનાં બાળકની જેમ રડી પડ્યો.
સરયૂ બોલી, " અનુરાગ જે મળ્યું એ પણ મારું નસીબ
હતું, અને જે નાં મળ્યું એ પણ મારાં નસીબની રેખાઓમાં
હશે..!! આજે હવે મને કાંઈ જ ફરીયાદ નથી.. હું એ બધું
જ પાછળ મૂકીને આગળ નીકળી ગયી છું હવે.. બસ તમે
પણ હસી દયો એકવાર મારાં માટે.. મારી ખુશી માટે.."
અનુરાગે સરયૂની આંખોમાં જોયું અને એને પહેલીવાર
જોઈને જેમ એ મુગ્ધ બન્યો હતો એમ જ જોતો જ રહ્યો.
અંધકાર ધીમે ધીમે ઘાટો થઇ રહ્યો હતો, અનુરાગને હવે સરયૂનો ચહેરો બરાબર દેખાતો નહોતો.. પણ એ હજી
સરયુનાં હોવાને મહેસુસ કરી શકતો હતો.
આખરે ઢળતી રાત્રે અનુરાગે પોતાની બધી હિંમતને સંકોરી,
એ ઉભો થયો અને ધીમા પણ મક્કમ પગલે એ ગંગાનાં હિમ
જેવાં ઠડાં પાણીમાં પગલાં ભરવા લાગ્યો. પહેલાં ગોઠણ
સુધી આવ્યું પાણી, પછી કેડ સુધીનું એનું શરીર જાણે
બરફમાં ડટાણુ..એને પોતાનાં સ્વર્ગે સીધાવેલાં માતા -પિતા
નજર સામે દેખાણા, પુત્ર શશાંકે જે રીતે એને ભરોસામાં લઈને બિઝનેસ પોતાને હસ્તગત કરી લીધેલો ત્યારનું એનું લુચ્ચું હાસ્ય દેખાણું, પોતાની લાડકી પુત્રી હેમાંગીનો આંસુભીનો
ચહેરો જોઈને જરાક નબળો પડ્યો અનુરાગ, પણ પછી
ફરી બધાં જ ચહેરાં એકાકાર થઈને સરયૂનાં અસ્તિત્વમાં
સમાઈ ગયાં.
અનુરાગ ધીમેથી બોલ્યો, " સરયૂ તું મારો શ્વાસ અને પ્રાણ
છે તારાં વિનાની જિંદગીની કલ્પના સાચે જ અશક્ય છે એ હવે સમજાયું છે મને."
અનુરાગનાં હૃદય સુધીનો ભાગ ગંગાનાં હિમ જેવાં પાણીમાં
રહીને ઝડ બની રહ્યો હતો.એણે મહામહેનતે હાથમાં નાનકડાં બાળની જેમ સાચવેલાં અસ્થિકુંભનું આવરણ હટાવ્યું અને
પોતાને અને સરયૂને ગંગાનાં પવિત્ર જળમાં પ્રવાહિત કરી દીધી.
R.Oza. " મહેચ્છા "