Patni in Gujarati Love Stories by Sachin Patel books and stories PDF | પત્ની

Featured Books
Categories
Share

પત્ની

રાઘવ એક IT કંપનીમાં પ્રોજેક્ટ હેડ તરીકે કામ કરતો હતો. આજે તેની ફોરેન ક્લાયન્ટ સાથે અગત્યની મિટિંગ હતી, જેમાં પોતાના નવા પ્રોજેક્ટનું પ્રપોઝલ આપવાનું હતું. પ્રેઝન્ટેશન આપતી વખતે સોફ્ટવેર ડેવલપમેન્ટમાં પ્રોબ્લેમ્સ આવતા ક્લાયન્ટ મિટિંગ અધવચ્ચેથી છોડીને ચાલ્યા જાય છે. સોફ્ટવેરમાં રહેલી કવેરી બાબતે રાઘવને બોસ પોતાની કેબિનમાં બોલાવીને ખખડાવી નાખે છે.

રાઘવનો મૂડ પહેલેથી જ અપસેટ હોય છે, ત્યારે તેની પત્ની દિવ્યાંકાનો કોલ આવે છે...
"આજે ડિનરમાં તારા માટે શું બનાવું?"

"તને અક્કલ છે, આટલી નાની વાત માટે કેમ કોલ કરે છે અત્યારે... તારે જે બનાવવું હોય, તે બનાવ પણ મહેરબાની કરીને અત્યારે ફોન મુક"
રાઘવ આટલું કહીને કોલ કટ કરે છે.

સાંજે આઠ વાગ્યે ઓફિસનું કામ પતાવીને રાઘવ ઘરે જાય છે. દિવ્યાંકાને તેના હાવભાવ જોઈને જ ખ્યાલ આવી જાય છે કે, આજે રાઘવનો મૂડ સારો નથી એટલે વધારે બોલવાનું ટાળે છે.

ફ્રેશ થઈને બંને ડિનર માટે બેસે છે.

"તારું ફિક્સ છે નહીં!!! અઠવાડિયામાં ત્રણ-ચાર વખત તો સેવ-ટામેટાનું જ શાક બનાવવાનું" રાઘવ કહે છે.

"મેં તને પૂછ્યું તું ને આજે કે ડિનરમાં શુ બનાવું એમ"

"એટલે હવે ઈમ્પોર્ટન્ટ મિટિંગ છોડીને મારે તને 'ડિનરમાં શુ બનાવું?' એના જવાબ આપવા બેસવાનું!!! તો તારી રિસ્પોનસીબલિટી શુ છે?"

"તારે શીખવવાની જરૂર નથી મારી રિસ્પોનસીબલિટી... ને તને તો સેવ-ટામેટાનું શાક ભાવે છે ને!"

"ભાવે છે એટલે શું રોજ ઉઠીને સેવ-ટામેટાંનું શાક જ ખાવાનું!!! અને આ શું છે, શાકમાં તેલ છે કે તેલમાં શાક?"

"યુ ન્હો વ્હોટ... તને મારી કદર જ નથી. મારાથી તો આવું જ શાક બનશે. તારે ખાવું હોય તો ખા, નહિતર હોટેલમાંથી ઓર્ડર કરી લે..."

દિવ્યાંકા ડિનર અડધું છોડીને ગુસ્સામાં રડતી રડતી બેડરૂમમાં
ચાલી જાય છે અને પોતાને બેડરૂમમાં લોક કરી દે છે. રાઘવ બહારથી દરવાજો ખખડાવીને તેને આવાજ લગાવે છે પરંતુ દિવ્યાંકાનો રિસ્પોન્સ આવતો નથી. રાઘવ કલાકો સુધી દરવાજાની બહાર બેસીને દિવ્યાંકાનો વેટ કરે છે. અંતે કંટાળીને તે હોલમાં સોફા ઉપર સુઈ જાય છે.

દિવ્યાંકાને ઊંઘ ના આવતી હોવાથી તે પાણી પીવા માટે કિચનમાં જાય છે, તો જોવે છે કે મચ્છરના ત્રાસથી રાઘવ સતત પડખા ફેરવી રહ્યો હોય છે. દિવ્યાંકા તેના બેડરૂમનું ઓલઆઉટ બહાર હોલમાં લગાવી દે છે અને રાઘવને બ્લેન્કેટ ઓઢાડીને પોતે બેડરૂમમાં સુઈ જાય છે.

સવારના સાત વાગ્યાનો એલાર્મ સાતમી વાર વાગી રહ્યો હતો. રાઘવ આંખ ચોળતાં ચોળતાં ઘડિયારમાં નજર કરે છે તો જોવે છે કે સાડા-સાત વાગી ગયા હોય છે. ત્યારે તેને અહેસાસ થાય છે કે આ એલાર્મ તો માત્ર બહાનું જ છે બાકી તેની આંખ તો દિવ્યાંકાના મીઠા આવજથી જ ખુલે છે.

ન્યૂઝપેપર તો ટેબલ ઉપર જ હતું, પરંતુ આજે દિવ્યાંકાની મોર્નિંગ કિસ મિસિંગ હતી.

કસરત કરીને ગ્રીન-ટી અને ટાવેલ તેના જિમ-ડેસ્ક ઉપર જ હતા. પરંતુ પરસેવો લૂછી આપવા વાળી દિવ્યાંકા આજે મિસિંગ હતી.

રાઘવ નાહવા જઈ રહ્યો હોય છે, તે દિવ્યાંકાને અવાજ લગાવે છે " બેબી આજે તારું ફેવરિટ બ્લ્યુ બ્લેઝર એન્ડ ટ્રાઉઝર કાઢી રાખજે..." એવી ઉમ્મીદ સાથે કે દિવ્યાંકા રોજની જેમ હમણાં તેને ફ્લર્ટ કરશે કે "ચાલ ને હું પણ આવુ તારી સાથે નાહવા..." પરંતુ રાઘવની આ આશા ઉપર પણ પાણી ફરી વળે છે."

ઓફીસ માટે તૈયાર થઈને રાઘવ બ્રેકફાસ્ટ માટે ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયો. દરરોજની જેમ ચા-નાસ્તો પીરસાય ગયો હતો, પણ આજે દિવ્યાંકાની મીઠી વાણીનો સ્વાદ મિસિંગ હતો.

શૂઝ પહેરતા પહેરતા રાઘવ દિવ્યાંકાને અવાજ લગાવે છે "બેબી મારો લંચ-બોક્સ..." એટલામાં રાઘવનું ધ્યાન શુ-ડેસ્ક પર રાખેલ લંચ-બોક્સ પર પડે છે. લંચ-બોક્સ લઈને રાઘવ બહાર નીકળે છે અને નીચેથી ઘરની બાલ્કની તરફ નજર કરે છે, પરંતુ ફ્લાઈંગ કિસ આપીને "Have a good day... જલ્દી પાછો આવજે" એમ કહેવા વાળી દિવ્યાંકા નજર નહોતી આવી રહી.

ગઈકાલના ઝઘડાથી અપસેટ રાઘવ ઓફિસે પહોંચે છે. જુનિયર એન્જિનિયરો કાલની કવેરી માટે એપોલોજી લેટર આપે છે અને અપડેટ સોફ્ટવેરનું ડેમોસ્ટ્રેશન આપે છે. ક્લાયન્ટ રાઘવ એન્ડ ટીમથી ખુશ થઈને અત્યાર સુધીનો સૌથી મોટો કોન્ટ્રાક્ટ સાઈન કરે છે.

આજનો દિવસ રાઘવના કરિયર માટે અગત્યનો સાબિત થાય છે. ઓફિસના બધા એમ્પ્લોયઝ રાઘવને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હોય છે, પણ રાઘવ તો દિવ્યાંકાના કારણ વગરના કોલને જ મિસ કરી રહ્યો હતો. બોસ અચાનક તેને પોતાની કેબીનમાં બોલાવે છે અને કહે છે

"ગઈકાલની ભૂલ સુધારીને કંપનીને નવી દિશા આપવા બદલ ધન્યવાદ...હવે હું પણ મારી ભૂલ સુધારું છું"
એટલું કહીને રાઘવના હાથમાં સિનિયર એક્ઝિક્યુટિવનો પ્રમોશન લેટર આપે છે.
રાઘવ બોસને થેન્ક્સ કહે છે...

"કેમ રાઘવ આટલું મોટું પ્રમોશન છતાં તું ખુશ નથી લાગી રહ્યો?"

"સિનિયર એક્ઝિક્યુટિવને હજી એક ભૂલ સુધારવાની રહી ગઈ છે...આજે હાફ ડે બ્રેક મળશે? પ્લીઝ સર..."

"યા, શ્યોર...એન્ડ ઓલ ધ બેસ્ટ"

"થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ..."

રાઘવ તરત જ ઉતાવળમાં ઘરે આવવા નીકળે છે. ત્રણ ચાર વખત ડોરબેલનો આવાજ સાંભળીને, અત્યારે કોણ આવ્યું હશે એવા મિશ્ર હાવભાવ સાથે દિવ્યાંકા દરવાજો ખોલે છે. આ સમયે રાઘવને જોઈને તેને આશ્ચર્ય થાય છે.

બંને વચ્ચે ક્ષણભર શાંતિ છવાય જાય છે.
બંનેની આંખો વચ્ચે જ સંવાદ થઈ રહ્યો હતો.
અફસોસના આસુંથી નમ થયેલી રાઘવની આંખો જાણે માફ કરી દેવા દિવ્યાંકાને આજીજી કરી રહી હતી. દિવ્યાંકાએ પણ સાવ હલકું સ્મિત આપ્યું. રાઘવે તેને ઈશારો સમજીને ટાઈટ હગ કરીને દિવ્યાંકાને પોતાની બાહોમાં સમાવી લીધી.

રાઘવે દિવ્યાંકાને ફોરહેડ કિસ કરી અને હળવેકથી કાનમાં સોરી કહ્યું. બંનેના હોઠ એકબીજામાં ભળી જવા ક્યારના આતુર હતા. દિવ્યાંકાએ હોઠને દાંત નીચે દબાવીને રાઘવને નજીક આવવા ઈશારો કર્યો.

હવે નજરોના બાણ નીચે મુકાય ગયા હતા. શ્વાચ્છોશ્વાસ તેજ થઈને એકબીજા વચ્ચેનું અંતર ઘટી રહ્યું હતું.
અચાનક બંનેના હોઠ એકબીજા સાથે ટકરાયા.
થોડીક પળો માટે અથડામણનો આનંદ લઈને, બંનેના હોઠ વચ્ચે યુદ્ધ રમવાનું શરૂ થયું.
થોડીવારમાં પલળેલ હોઠથી એકબીજાંના દિલ ભીના થઈ ગયા...દિવ્યાંકા અને રાઘવે પ્રેમરસનો ભરપૂર આનંદ માણ્યો.

"અબ બહાર હી ખડે રહોગે, યા અંદર ભી આઓગે..."

બંને સોફા પર બેસે છે, રાઘવ દિવ્યાંકાનો હાથ પોતાના હાથમાં લઈને કહે છે...
"પ્રેમમાં 'થેન્ક યુ' કે 'સોરી' ના હોય, પણ આજે મારે તને 'થેન્ક યુ' અને 'સોરી' બંને કહેવું છે"

"અરે, એની કોઈ જરૂર નથી...મારા માટે તો તારો પ્રેમ જ કાફી છે"

"મને ખબર છે, તારું દિલ બહુ મોટું છે...પણ આજે મને બોલી લેવા દે ને!"

"જી, બોલીયે... આપકો ઇજાઝત હૈ"

"સોરી, મારા રુડ બિહેવીયર માટે અને થેન્ક યુ, મારી નાની-નાની જરૂરીયાતોનું હમેશાં ધ્યાન રાખવા બદલ. કદાચ આજે તે અહેસાસ ના કરાવ્યો હોત, તો મને ક્યાં ભાન જ હતું ! જરૂરિયાત તો આજે પણ તે પુરી કરી, પણ થોડીવાર માટે તારો પ્રેમ સાથે નહોતો એટલે ક્યાંય ચેન નહોતો પડતો. મનની અંદરથી તારા વગર એક ખાલીપો સર્જાયો હતો.
આજે મને મારા જીવનમાં તારું મૂલ્ય અને અસ્તિત્વનો ખરો અહેસાસ થયો છે

મને ચાહનારા તો ઘણાબધાં છે,
પણ આજીવન મારી ચાહત તો, 'તું' એક જ છો...

મારા દેહમાં શ્વાસ અબજો હશે,
પણ દરેક શ્વાસમાં ઓક્સિજન તો, 'તું' એક જ છો...

આ અવતાર અને જિંદગી મારી છે,
પણ આ જિંદગીમાં જીવ પુરનાર તો, 'તું' એક જ છો...


તારા વગર ક્યાંય મોજ નથી..."

રાઘવના મોઢેથી આટલું બધું સાંભળીને દિવ્યાંકા ઈમોશનલ થઈ જાય છે, તેની આંખોમાંથી ખુશીના આંસુ સરી પડે છે. તે રાઘવને "લવ યુ સો મચ મારી જાન..." કહીને ભેટી પડે છે.

રાઘવ દિવ્યાંકાના આંસુ લૂછીને ગાલ પર કિસ કરે છે અને કહે છે...
"બેબી, આજે મને સિનિયર એક્ઝીક્યુટીવ તરીકે પ્રોમોશન મળ્યું છે"

"ધેટ્સ રીઅલી ગુડ ન્યુઝ...મતલબ ખુશીઓનો ડબલ ડોઝ છે એમને...આજે તો તું બોલીજા શુ બનાવું ડિનરમાં ?"

" સેવ-ટામેટાંનું શાક...!"


-સચિન