નૈત્રી,
ઝૂલતી ડાળનું એક મોતી....
નાજુક, નમણી ચંપાની વેલી જોઈ લો. આંખો તો જાણે સમયને બાંધી રાખવા સૂરજના અંગોમાંથી બનાવેલ હીરા. ચાલ તો એવી સ્ફૂર્તિલી કે સાથે ચાલનાર ગમે એવી નિકટની વ્યક્તિને પણ ઈર્ષા આવી જાય, કે વાહ શુ જોમ છે.
નૈત્રી, એક એવું નામ જેને થોડા સમય મા જ પોતાની આસપાસના વાતાવરણ ને આંદોલિત કરી દીધું હતું. કાઈ પણ કામ હોય તો કહેવાતું નૈત્રી ને પૂછો. ને અતિશયોક્તિ પણ ન હતી નૈત્રી વખાણ ને લાયક જ હતી.
પરિચય આપવો પડે એવી જરૂર જ ન રહેતી, કોઈ પૂછે કે કયા છે નૈત્રી, એટલે જવાબ મળે નિર્દોષ બાલિશતાથી ક્યાંક બાળકો વચ્ચે રમતી હશે.
એક સંસ્થામા નૈત્રી ટીચર હતી.
ના !જોબ ન હતી કરતી, એ તો જીવ રેડતી હતી પોતાનો.
એટલી તો દાનતથી એ વર્ગમાં જીવ રેડતી કે એની સહકર્મચારીઓ કહેતી કે નૈત્રી હવે બસ કર ક્યાંક ગાંડી ન થઈ જતી.
નૈત્રી કહેતી,
"યાર, મારે કયા કોઈ પોતાનું છે, આ બધાની વચ્ચે રહીને હું મારું દુઃખ ભૂલી જાવ છું, ને આ બાળકો જ મારો પરિવાર છે ને, તો પરિવાર માટે તો ન કરીએ એટલું ઓછું. પરિવારનું મહત્વ કોઈ મને પૂછો તો ખબર પડે. સૂકા પાંદડા ઉપર કોઈ પગ મૂકે ને વેદના વૃક્ષને થાય એવું જ પરિવારનું છે. સમ વેદના અનુભવાય તે જ પરિવાર કહેવાય, ને હું આ બાળકો પ્રત્યે સંવેદના અનુભવું છું એટલે જ તેમના માટે બધું કરી છૂટવા માંગુ છું."
નૈત્રીની આંખમાં ઝળહળીયા આવી જતા જ્યારે પણ આવી લાગણીશીલ વાતો નીકળતી. તેની રૂમમેટ બને ત્યાં સુધી આવી વાતો ન નીકળે તેની તકેદારી રાખતી, કારણ કે આવી વાતો નૈત્રીને રડાવી જતી.
નૈત્રીના માતાપિતા એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. એ સમયે નૈત્રી ચાર વર્ષની હતી. એ પણ માતાપિતા સાથે હતી, પણ દૈવયોગે તે બચી ગઈ. કોઈ તેને લેવા આગળ ન આવ્યું એક અનાથાશ્રમમાં નૈત્રી મોટી થઈ. સંસ્થાએ ભણાવી ને એક નામાંકિત સંસ્થામા શિક્ષક તરીકે જોડાઈ.
ગમે એટલી પોઝિટિવ રહેવાનો પ્રયત્ન કરે તો પણ નૈત્રી પોતાની એકલતા ભૂલી શકતી ન હતી. બાળકો સાથે હોય ત્યારે તે ખુશ હોય, પણ એકલી પડે ત્યારે તેને માતાપિતા ની ખોટ સાલતી.
હમેશા ખુશખુશાલ નૈત્રીને બસ ઇશ્વર પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. તે ન તો ક્યારેય મંદિરે જતી કે ન કોઈ પણ ફોટાને નમન કરતી, તેની ફ્રેડ કહેતી કે ચાલ તો જવાબ મળતો કે,
મારે એની સાથે બોલવું જ નથી, એણે મને એકલી કરી નાખી, મારો પરિવાર છીનવી લીધો છે. હું એકલી જ રહીશ મારે એના નામની સાંત્વનાની કોઈ જરૂર નથી. હું મારી હિંમત થી જીવીશ. હું પ્રાર્થનામા માનતી જ નથી. ને કરતી પણ નથી.
નૈત્રી ત્યાંથી નીકળી ગઈ. પોતાની એકટીવા લઈને જતી હતી, એક આવાવરુ રસ્તે તેની ગાડી સ્લીપ થઈને એ ભયંકર રીતે ઘવાઈ કોઈ એ રસ્તેથી નીકળતું જ ન હતું. નૈત્રી અર્ધબેભાન અવસ્થામાં કનસતી હતી. કોઈ આવે એવી આશા જ નહતી, તેણે ધારી જ લીધું કે રિબાઈ રિબાઈ ને જ જીવ નીકળવાનો છે. લોહીથી તરબોળ હાલતમાં પણ તેને ભગવાન પર ગુસ્સો આવી ગયો. કે આ રીતે જીવ લેવો હતો તો માતાપિતાની સાથે જ જીવ લઈ લીધો હોત તો.
તેની આંખો મિચાવા લાગી, ત્યાં તેને ધુધળું ધુધળું કોઈ દેખાયું, પછી તે બેભાન થઈ ગઈ. હોશમાં આવી ત્યારે હોસ્પિટલમાં હતી, ઘાયલ તો ઘણી થઈ હતી પણ જીવ બચી ગયો હતો.
તેની બહેનપણીઓ આવી ગઈ હતી, તેમણે કહ્યું કે ,
કોઈ અજાણ્યા ચાર મિત્રો તેને અહીં લાવ્યા હતા. નૈત્રી નસીબદાર હતી કે એ લોકો ત્યાંથી નીકળ્યા, બાકી ત્યાંથી તો કોઈ જવલ્લે જ નીકળે છે. ઇશ્વરે જ તેને બચાવી હતી.
ત્યાં તો નૈત્રી તાડુંકી ઉઠી, તમારા ઇશ્વરે જ તો મને આટલી વેદના આપી છે. એણે જ મારી હાલત કરી આવી કરી છે.
થોડા દિવસ ના આરામ બાદ તે સ્કૂલે ગઈ , તેના બાળકો તેની જ રાહ જોતા હતા, તે પોતાના કાર્ય મા પરોવાઈ ગઈ. ત્યાંતો એક છોકરો આવ્યો, ને કાલી કાલી ભાષામાં બોલવા લાગ્યો, તેનો સાર આમ હતો
"ટીચર, તમને ખબર છે, એક દિવસ તમે રડતા હતા ને એ દિવસે તમારા મમ્મી પપ્પા ને યાદ કરીને ત્યારે મને નતું ગમ્યું ,એટલે ઘરે જઈને અમે બધા મીત્રોએ નક્કી કર્યું કે તમારા માટે પ્રાર્થના કરીએ , એટલે અમે બધા ભેગા થઈને તમારા માટે પ્રાર્થના કરી હતી કે ભગવાન તમને હવે ક્યારેય ન રડાવે. પણ ત્યાં તો તમારું ઍક્સિડન્ટ થઈ ગયું. અમારી પ્રાર્થના ભગવાને ન સાંભળી.
નૈત્રી એ પૂછ્યું ,કોણે કોણે પ્રાર્થના કરી હતી તો ચાર છોકરા ઉભા થયા, નૈત્રીએ સમય ને દિવસ પૂછ્યો તો, પોતાનું અકસ્માત થયો એ જ દિવસ ને એજ સમય...
નૈત્રી તો અવાચક,
આ ચાર બાળકોની અરજ સાંભળી ને ઇશ્વરે જ પેલા ચાર યુવાનોને એવી અવાવરું જગ્યાએ મોકલ્યા હશે, કે જયાં નૈત્રીનો અકસ્માત થયો હતો.
આજ એને ભગવાન હોવાનો અહેસાસ થયો. તેને આજ સુધીના ઇશ્વરને કહેલા પોતાના શબ્દો પર અફસોસ થયો. એને લાગ્યું કે ઇશ્વરે પોતાનો પરિવાર ભલે છીનવી લીધો પણ પોતાની કૃપા તો કોઈને કોઈ રીતે વરસાવતો રહ્યો છે, આજ બાળકોની પ્રાર્થના સાંભળીને જ ઇશ્વરે તેને નવું જીવન આપ્યું હોય તેવું નૈત્રી ને લાગ્યું.
ખરેખર ઇશ્વર કોઈને કોઈ રીતે આપણને મદદ કરતો જ હોય છે, સાંભળતો જ હોય છે, બસ આપણે જ સમજી શકતા નથી...
© હિના દાસા