Angarpath - 59 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ. - ૫૯

Featured Books
Categories
Share

અંગારપથ. - ૫૯

અંગારપથ.

પ્રકરણ-૫૯.

પ્રવીણ પીઠડીયા.

દુર્જન રાયસંગા ધુંઆફૂંઆ થતો ક્યારનો યોટની સાંકડી જગ્યામાં આમથીતેમ આંટા મારી રહ્યો હતો. તે ભારત છોડીને જઈ રહ્યો હતો અને તની એ યોજનામાં એકાએક જ ફાચર લાગી હતી. તેનો કેટલોક સામાન આવવાનો હતો જે હજું સુધી આવ્યો નહોતો એટલે તેનો ગુસ્સો ક્ષણ-પ્રતીક્ષણ વધી રહ્યો હતો. પાછલાં બાર કલાકથી તે જેટ્ટી ઉપર ફસાયો હતો. બપોરનાં સમયે સુશીલ દેસાઈની ’યોટ’માં તે નિકળી જવા માંગતો હતો જેથી અડધી રાત થતા ભારતની જળસિમાની બહાર તે પહોંચી શકે. આમ તો ડગ્લાસ ગાયબ થયો ત્યારે જ તે થડકી ઉઠયો હતો અને તેણે બધું સંકેલવાની શરૂઆત કરી દીધી હતી પરંતુ એવું કરવામાં પણ ઘણો સમય લાગ્યો હતો. તેને સમજાયું હતું કે હવે અહીં તેના દિવસો હવે પૂરા થયા છે અને ગોવાની જેલનાં સળિયા ગણવાં ન હોય તો તેણે ભારત દેશ છોડીને પલાયન કરવું જ પડશે. તેણે તુરંત તૈયારીઓ આરંભી દીધી હતી. સૌથી પહેલું કામ સુશીલ દેસાઈની લક્ઝરી યોટ હાથવગી કરવાનું હતું જે બહું આસાનીથી પાર પડયું હતુ. પરંતુ એક બેગનાં કારણે તેણે રોકાવું પડયું હતું. એ બેગ અત્યંત જોખમી અને કિંમતી હતી. તેની જીંદગીભરની કમાણી એ બેગમાં ભરેલી હતી જે તેણે એક અત્યંત ખાનગી જગ્યાએ મૂકી રાખી હતી. એ બેગ લાવવાં પોતાના બે માણસોને તેણે રવાનાં કર્યાં હતા. તેની અકળામણનું કારણ પણ એજ હતું. સાંજનાં ચાર વાગ્યે નિકળેલાં તેના માણસો છેક રાતનાં નવ વાગ્યે બેગ લઈને પરત આવ્યાં હતા. પછી તેણે ફરજીયાતપણે રોકાઈ જવું પડયું હતું. તેને ખ્યાલ હતો કે રાતનાં અંધકારમાં ગોવાની જળસિમા ઓળંગવી જોખમી છે. ગોવા કોસ્ટગાર્ડની પોલીસ ફોર્સ આખી રાત ભારે મુસ્તેદીથી સમગ્ર બોર્ડર ઉપર ગસ્ત લગાવતી હોય છે એની જાણ હતી તેને. વળી યોટની હેડલાઈટોનો પ્રકાશ સમુદ્રમાં ઘણે દૂર સુધી ધ્યાન ખેંચતો હોય છે. જો કોસ્ટગાર્ડની ટીમને સહેજ પણ ભનક લાગે તો પછી તેનું બચવું મુશ્કેલ બની જાય. કમિશ્નર અર્જૂન પવારે તેની પાછળ જનાર્દન શેટ્ટીનો ખૂલ્લો મૂકયો છે એ સમાચાર પણ મળ્યાં હતા. એ પછી તે ઓર વધારે ગભરાઈ ગયો હતો. કોઈ ખોટું જોખમ ખેડીને સામે ચાલીને તે ફસાવા માંગતો નહોતો એટલે જ તે થોભ્યો હતો અને યોગ્ય સમયની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ… તે નહોતો જાણતો કે આ તેની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી.

રાયસંગાએ બપોરે જ સુશીલ દેસાઈ પાસેથી યેનકેન પ્રકારે તેની ’યોટ’ મેળવી હતી. એ યોટમાં જ તે ભારતની સિમા ઓળંગી જવા માંગતો હતો. તેને ખ્યાલ હતો કે ગોવાની બહાર જતાં તમામ રસ્તાઓ ઉપર પોલીસની નાકાબંધી લાગી ચૂકી હશે અને તેને શોધવા અર્જૂન પવારની પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી હશે. પરિસ્થિતિએ અજબ કરવટ બદલી હતી. જે ગોવાની ધરતી ઉપર તેણે રાજ કર્યુ હતું એજ ગોવામાંથી હવે તેણે કોઈ ચોરની જેમ ભાગવું પડી રહ્યું હતું. એક સમય હતો જ્યારે તેના નામની આણ ગોવાનાં બચ્ચા બચ્ચામાં પ્રવર્તતી અને તેની આજ્ઞા વગર વૃક્ષનું એક પાંદડું સુધ્ધા ફરકતું નહી, એટલો દબદબો તેણે ઉભો કર્યો હતો. એ બધું એકજ ઝટકે ખતમ થઇ ગયું હતું. એક વ્યક્તિ… ફક્ત એક વ્યક્તિનાં કારણે તેના સામ્રાજ્યની ’નિંવ’ ખળભળી ઉઠી હતી, ક્ષણભરમાં તેનો માન, મરતબો, રુતબો ખતમ થઇ ગયો હતો અને તેનું નામ ભાગેડુઓની યાદીમાં શામેલ થઇ ચૂકયું હતું. અને… એ વ્યક્તિ હતો અભિમન્યુ. અભિમન્યુએ તેની આખી સિન્ડીકેટ તોડી પાડી હતી. તેનો ધંધો બરબાદ કરી દીધો હતો.

રાયસંગાનું મોં કડવાહટથી ભરાઈ ગયું. એક સામાન્ય અદનાં સિપાહીએ તેના જેવા શક્તિશાળી માણસને સાવ ખતમ કરી નાંખ્યો હતો એ એહસાસ જ કેટલો નાલોશી જનક હતો! અરે ફક્ત તેને જ શું કામ? ડગ્લાસ જેવા ખૂંખાર વ્યક્તિ ઉપર પણ તે ભારે પડયો હતો અને તેનું સમુળગું નિકંદન કાઢી નાંખ્યું હતું. શરૂઆતમાં તેને નગણ્ય ગણવાની જે ભૂલ તેઓએ કરી હતી એ ભૂલ અત્યારે તેમને જ ભારે પડી રહી હતી. અભિમન્યુએ હોસ્પિટલમાં આમન્ડાને પરાસ્ત કરી હતી ત્યારે જ તેને સમાચાર મળી ગયા હતા કે એ રક્ષા સૂર્યવંશીનો સગો ભાઈ છે. એ સમયે જ જો યેનકેન પ્રકારે તેને મરાવી નાંખ્યો હોત તો આ દિવસ જોવાનો વારો ન આવત… પરંતુ હવે ઘણું મોડું થઈ ચૂકયું હતું. અત્યારે તે કંઈ કરી શકવાની સ્થિતિમાં નહોતો. અત્યારે સૌથી મોટી ઉપાધી અહીથી એક વખત સહી-સલામત બહાર નિકળી જવાની હતી. જનાર્દન શેટ્ટી, કમિશ્નર પવાર, લોબો અને ખાસ તો પેલો અભિમન્યુ… આ બધા સાથે હિસાબ ચૂકતે કરવા તે જરૂર પાછો ફરશે અને એટલી બેરહમીથી તેમને ખતમ કરશે કે ખુદ યમરાજની પણ રુહ સુધ્ધા કાંપી ઉઠશે એવી ગાંઠ તેણે મનમાં વાળી લીધી હતી.

તેની રગોમાં દોડતું લોહી ઉકળી રહ્યું હતું અને ભારે બેસબ્રીથી તે સવાર પડવાની રાહે કોઈ ઘાયલ શેરની માફક યોટમાં ચહલ કદમી કરી રહ્યો હતો. આખરે એ ક્ષણ પણ આવી પહોંચી. ગોવાની ધરતી ઉપર આછો આછો ઉજાસ ફેલાવો શરૂ થયો અને તેણે પોતાના માણસોને સાબદા કર્યાં. થોડા જ સમયમાં તે આ ધરતીને અલવિદા કહેવાનો હતો. પછી હંમેશ માટે તે આઝાદ હતો. રાયસંગાનાં ગંભીર ચહેરા ઉપર એ ખ્યાલે મુસ્કાન ઉભરી આવી. પણ શું ખરેખર એવું જ થવાનું હતું? કે પછી તેની કિસ્મત તેને દગો દેવાની હતી? સમયની ગર્તામાં ઢબુરાયેલું ભવિષ્ય થોડીજવારમાં સ્પષ્ટ થવાનું હતું.

@@@

આટલી ગંભીર પરિસ્થિતિમાં પણ તે બન્ને હસી રહ્યાં હતા. એ આડંબર હતો કે આવનારી ક્ષણોનો ભાર હળવો કરવાની ચેષ્ઠા હતી એનો ખ્યાલ આવતો નહોતો. ફૂલ રફ્તારમાં ભાગતી કાર સમય કરતાં વહેલાં જેટ્ટીનાં પાર્કિંગ એરિયામાં આવીને ઉભી રહી હતી. ધડાધડ કરતાં બારણાં ખૂલ્યાં અને તેઓ નીચે ઉતર્યાં. સુરજ હજું ઉગ્યો નહોતો પરંતુ વાતાવરણમાં ધૂંધળો ઉજાસ પ્રસરવો શરૂ થઈ ચૂકયો હતો. સમુદ્ર તરફથી વહેતી ઠંડી હવા વાતાવરણને આહલાદકતાં પ્રદાન કરતી હતી. અભિમન્યુએ ચારેકોર નજર ઘુમાવી. પાર્કિંગ લોટનાં એક ખૂણે બે કારો પાર્ક થયેલી દેખાતી હતી. એ કોની કાર હોઈ શકે તેનો અંદાજ તે બન્નેને આવ્યો હતો. આંખોનાં ઈશારાઓથી જ આપસમાં વાતોની આપ-લે થઈ અને તેઓ સાવધાની પૂર્વક આગળ વધ્યાં. તેમણે વીલીને શોધવાનો હતો. લોબોએ વીલીનો નંબર ઓલરેડી તેમને આપી જ રાખ્યા હતો છતાં ખ્યાલ હતો કે તે આટલામાં જ ક્યાંક હોવો જોઈએ એટલે ફોન કર્યો નહી. પાર્કિંગ લોટની બહાર નિકળતાં જ સમુદ્ર કિનારાની ભૂખરી, આછી, ઝિણી રેતીનો ટેકરી નૂમા વિશાળ પટ્ટો શરૂ થતો હતો જે કિનારાની સમાંતર બનેલો હતો. એ પટ્ટો લગભગ દોઢ માથોડાં જેટલો ઉંચો હતો એટલે સમુદ્ર કે જેટ્ટી અહીથી દેખાતા નહોતા. આ તરફ નાળીયેરી અને તાડનાં ઘણાં વૃક્ષો હતા. અત્યારે આ ઈલાકો સમગ્રતહઃ નિર્જન ભાસતો હતો. ક્યાંય કોઈ માનવીય હલચલ નજરે ચડતી નહોતી. અભિમન્યુ અને ચારુંની નજરો વીલીને શોધી રહી હતી. તેમને ખ્યાલ હતો કે એ આટલામાં જ ક્યાંક હોવો જોઈએ. લોબોએ તેને સ્પષ્ટ સુચના આપી રાખી હતી કે તેણે દૂરથી જ દેસાઈની યોટ પર નજર રાખવાની છે. સાથોસાથ અભિમન્યુ આવી રહ્યો છે એ મેસેજ પણ તેને ઓલરેડી પહોંચી જ ગયો હતો.

“શીશશસસસસ……” વહેતા પવન સાથે એક આછાં સીસકારાનો અવાજ ચારુનાં કાને અફળાયો અને ચોંકીને તે ઉભી રહી ગઈ. આંખો ખેંચીને તેણે અવાજની દિશામાં જોયું. એ તરફ કંઈ દેખાતું નહોતું પરંતુ અચાનક ઝાડ પાછળથી એક ઓછાયો નિકળ્યો અને તેમની સામે આવીને ઉભો રહી ગયો. એ વીલી હતો. “હાય, હું વીલીયમ્સ. લોબો સરે તમે આવશો એવો સંદેશો આપ્યો હતો.”

“ઓહ હાય વીલી, યોટ પર કેટલાં લોકો છે? તેમની કોઈ ગતિવિધી?” અભિમન્યુએ આગળ આવ્યો અને કોઈ ખોટી ફોર્માલિટીમાં પડયાં વગર સીધું જ વીલીને પૂછયું. વિતતી એક-એક ક્ષણ કિંમતી હતી એટલે હવે સમય બગાડવો પાલવે એમ નહોતું. પરંતુ વીલી અભિમન્યુનાં દેદાર જોઈ ચોંક્યો હોય એવું લાગ્યું. તેની સામે ઉભેલા વ્યક્તિનાં આખા શરીરે ઉંડા ઘાવ હતા અને ઉફ્ફ…. તેનો ચહેરો..! તે સહમી ગયો. આછા પ્રકાશનાં ઝાંખા ઉજાસમાં દેખાતો એ ચહેરો તેને ડારી ગયો. એવું લાગતું હતું જાણે કોઈએ એ ચહેરા ઉપર ભયંકર ઝુલમ ગુજાર્યો છે. તે હલી ગયો. લોબોએ આ વ્યક્તિને તેની પાસે મોકલ્યો એમાં જરૂર તે થાપ ખાઈ ગયો હોય એવું લાગ્યું. સખત રીતે ઘાયલ આ વ્યક્તિ યોટ ઉપર સવાર છ- છ હટ્ટાકટ્ટા માણસોનો સામનો કેવી રીતે કરી શકશે? અને એટલું આછું હોય એમ તેની સાથે કોઈ ઓરત પણ હતી. આ બાબત તેને કંઈ ઠીક લાગી નહી. ફક્ત બે માણસો એ ભયંકર લોકોનો સામનો કઈ રીતે કરી શકશે? તે અસંમજસમાં પડયો.

“વીલી, મેં તને કંઈક પૂછયું છે. યોટ ઉપર કેટલા વ્યક્તિઓ છે?” વીલી તરફથી જવાબ ન મળતાં અભિમન્યુ અકળાયો હતો. વીલી એકાએક સજાગ થયો. લોબોએ તેને ફક્ત અહીનું ધ્યાન રાખવાનું જ કામ સોંપ્યું હતું. તે જે માહિતી અહીથી મોકલે એનું શું કરવું જોઈએ એ તેણે જોવાનું હતું. આ લોકોને લોબોએ મોકલ્યાં છે તો જરૂર કંઇક વિચારીને જ મોકલ્યાં હશે ને, એમાં મારે શું? તેણે માથું ઝટકાવ્યું અને મનમાં ઉઠતાં તમામ સવાલોને ખંખેરી નાંખ્યાં.

“પહેલાં ચાર માણસો હતાં. ગઈરાત્રે બીજા બે આવ્યાં. એક્ચ્યૂલી તેઓ અહીથી જ ગયા હતા અને પાછા આવ્યાં હતા. તેમની પાસે લાર્જ સાઈઝની બેગ હતી. મને ખાતરી છે કે એ લોકો એ બેગ માટે જ ગયા હોવા જોઈએ. પાર્કિંગમાં એમની જ કાર પડી છે.” વીલીએ કોઈ ડિટેક્ટીવની અદાથી કહ્યું. જ્યારથી ડેરન લોબોનાં સંપર્કમાં તે આવ્યો હતો ત્યારથી… અને તેમાં પણ વાગાતોર બીચ ઉપર મચેલાં કોહરામમાં હેમખેમ જીવિત બચ્યા પછી તેનામાં ગજબનું પરીવર્તન આવ્યું હતું. તે પોતાને બોટનો કોઈ સામાન્ય કેરટેકર સમજવાને બદલે હવે મહત્વપૂર્ણ વ્યક્તિ સમજતો હતો જે લોબો માટે કામ કરી રહ્યો હતો.

“બટ.. તેઓ હજું સુધી કેમ રોકાયાં છે એ સમજાતું નથી!” તેણે સવાલ ઉછાળ્યો. આ એક યક્ષ પ્રશ્ન હતો. ખરેખર તો તેઓએ અત્યાર સુધીમાં પલાયન કરી જવું જોઇતું હતું.

“તું એની ફિકર છોડ. મને ખ્યાલ છે કે તેઓ શું કામ રોકાયાં હશે.” અભિ મુસ્કુરાયો અને વીલીની નજીક જઈ તેનો ખભો થપથપાવ્યો. “તેં સરસ કામ કર્યું છે. હવે બધું મારાં પર છોડી દે. તારે અહી શું થાય છે ફક્ત એનું જ ધ્યાન રાખવાનું છે અને શક્ય હોય ત્યાં સુધી જેટ્ટીથી દૂર જ રહેજે.”

“અને કોઈ જોખમ જણાય તો?”

“તો બને એટલી ઝડપે બીચ છોડી દેજે અને લોબોને ખબર કરજે. પણ ભૂલેચૂકેય અહી ઉભો રહેતો નહી.” અભિ બોલ્યો. વીલીનો જીવ જોખમમાં મુકાય એવું તે ઈચ્છતો નહોતો. અને હવે તેણે પણ ઝડપ કરવાની જરૂર હતી. સૂર્યનું પહેલું કિરણ ઉગતાંની સાથે જ દૂર્જન રાયસંગા યોટ લઈને રફૂચક્કર થઈ જશે એની ખાતરી હતી. વીલીને ત્યાં જ રહેવાનું સુચન આપીને તેઓ બન્ને રેતીનો ઉંચો ટેકરો ચડયાં.

તેમની નજરોની સામે અફાટ જળરાશી ઘુઘવાટા કરી રહી હતી. સમુદ્રમાંથી ઉઠતાં મોજાઓનો અવિરત નાદ તેમના કાને અફળાઈ રહ્યો. સામે જ લાકડાની બનેલી જેટ્ટી દેખાતી હતી. એ જેટ્ટી ઉપર અત્યારે થોડીક પ્રાઈવેટ બોટો લાંગરેલી હતી. જેટ્ટી સુધી જવા માટે પાક્કો રસ્તો પણ બનેલો હતો જેની ઉપર અત્યારે કિનારાની ઝિણી ગીરદ છવાયેલી હતી. અભિએ ચારુનો હાથ પકડયો અને સાવધાની પૂર્વક જેટ્ટીની દિશામાં આગળ વધ્યો.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.