sundari chapter 2 in Gujarati Fiction Stories by Siddharth Chhaya books and stories PDF | સુંદરી - પ્રકરણ ૨

Featured Books
Categories
Share

સુંદરી - પ્રકરણ ૨

બે

ત્યાં જ બસ આવી અને બસ સ્ટેન્ડથી જરા દૂર ઉભી રહી એટલે વરુણ, કૃણાલ અને પેલી છોકરી ત્રણેયને થોડુંક દોડવું પડ્યું. સ્પોર્ટ્સમેન હોવાને લીધે વરુણ ઝડપથી દોડીને સહુથી પહેલો દરવાજા પાસે પહોંચી ગયો પરંતુ તે બસમાં ચડ્યો નહીં. જેવી પેલી છોકરી નજીક આવી એટલે તેના તરફ ઝૂકીને તેણે એને બસમાં પહેલા પ્રવેશ કરવાનો ઈશારો કર્યો. પેલી છોકરી હસી પડી અને કૃણાલે પોતાનું માથું પહેલા ડાબે-જમણે હલાવ્યું અને પછી કૂટ્યું!

“ચલો, ચલો હવે ટાયલા પછી કરજો.” આ બધું જોઈ રહેલા કંડક્ટરે કહ્યું.

પેલી છોકરીની પાછળ પાછળ વરુણ અને તેની પાછળ કૃણાલ ચડ્યો અને વરુણે કંડક્ટર સામે તીખી નજરે જોઇને ગુસ્સો દેખાડ્યો. આમ તો વહેલી સવાર હોવાથી બસ લગભગ આખી ખાલી જ હતી પરંતુ પેલી છોકરી થોડે દૂર જઈ અને જમણી તરફની એક સીટ પર બારી પાસે બેસી ગઈ. વરુણે આ જોયું અને એ તરત જ એ સીટ તરફ દોડ્યો અને ત્યાં જ ડ્રાઈવરે બસ ચાલુ કરી અને વરુણે પોતાનું બેલેન્સ ગુમાવ્યું અને એ પડવા જેવો થઇ ગયો, પરંતુ પાછળ કૃણાલ હતો એણે તેને પોતાના બંને હાથથી ટેકો આપ્યો.

“બસ દોસ્ત, જીવનભર હું જ્યારે પણ આ રીતે બેલેન્સ ગુમાવું, મને આમને આમ સંભાળતો રહેજે!” વરુણે પાછળ જોઇને કૃણાલને આંખ મારી.

“સફ્ફાઈ ઠોકવાનું બંધ કર, પેલી ત્યાં એકલી બેઠી છે.” કૃણાલે પણ હસીને પોતાના નાટકીયા દોસ્તના કાનમાં હળવેકથી કહ્યું.

વરુણે કૃણાલને વળતી આંખ મારી અને પેલી છોકરીની બાજુમાં બેસી ગયો.

“હાઈ, ગૂડ મોર્નિંગ! શું નામ તમારું?” વરુણે શેક હેન્ડ કરવા પોતાનો હાથ તોફાની સ્મિત સાથે પેલી છોકરી તરફ લંબાવ્યો.

“શું જરૂર છે?” પેલી છોકરી પણ હસી રહી હતી.

“સફરમાંસાથ આપી રહેલા હમસફર વિષે માહિતી તો હોવી જોઈએને? બાય ધ વે મારું નામ વરુણ છે!” વરુણે હજી પણ પોતાનું સ્મિત અને હાથ બંને પાછા ખેંચ્યા ન હતા.

“પણ તકલીફ એ છે મિસ્ટર વરુણ કે આપણી કુલ સફર માત્ર પંદર મિનીટની છે અને ત્રણેક મિનીટ ઓલરેડી વીતી ચૂકી છે તો બાકીની બાર મિનીટ તમે મારું નામ જાણ્યા વગર પણ મારી સાથે વાત કરશો તો શો ફરક પડવાનો છે?” પેલી છોકરી પણ સ્માર્ટ હતી અને હસી રહી હતી.

“એમાં એવું છે કે જો કોઈ અજાણી વ્યક્તિનું નામ ખબર પડે તો એ વ્યક્તિની પર્સનાલિટી વિષે આપોઆપ ખ્યાલ આવી જાય.” વરુણે હવે તેનો હાથ પાછો લીધો અને સ્મિત પણ.

“ફોર એકઝામ્પલ?” પેલી છોકરીએ સવાલ કર્યો.

“ફોર એકઝામ્પલ મારું જ નામ લ્યો વરુણ. હવે તમને કદાચ આ નામ સાંભળીને વરુણ ધવન યાદ આવી જાય તો એમાં તમારો બિલકુલ વાંક નથી, અને આમ જુઓ તો હું પણ એ વરુણ જેવો જ હેન્ડસમ છું જ એટલે એના પરથી સાબિત થાય છે કે દુનિયામાં જેટલા વરુણો છે એ બધા જ હેન્ડસમ હોય છે! તો એ જ રીતે તમારું નામ પણ જો એ પ્રકારનું હોય તો એ સાબિત થશે કે...” વરુણે હજી પોતાની વાત પૂરી કરી ન હતી પણ ત્યાં જ..

“...કે હું પણ એના જેવી જ સુંદર છું, રાઈટ? મતલબ કે હું જો એમ કહું કે મારું નામ દીપિકા છે તો એનો મતલબ એ થયો કે દીપિકા પાદુકોણ સુંદર છે અને હું પણ સુંદર છું એટલે દુનિયાની બધીજ દીપીકાઓ સુંદર છે રાઈટ?” પેલી છોકરી હસી રહી હતી.

“એબ્સોલ્યુટલી રાઈટ, આપણા વિચારો બહુ મળતા આવે છે નહીં?” વરુણ પેલી છોકરીના જવાબથી ઉત્સાહિત થઇ ગયો.

“મારું નામ અમરીશ છે તું શું હું અમરીશ પુરી જેવો લાગું છું? ચલો ટીકીટ!” કંડક્ટરે વચ્ચે લંગસીયું નાખ્યું.

“બિલકુલ, તમે ત્યારે રંગમાં ટીકીટનો ભંગ પાડીને એ જ સાબિત કર્યું છે. બે યુનિવર્સીટી અને એક પાંજરાપોળ.” વરુણે પચાસની નોટ ધરી.

કંડક્ટર પણ વરુણની મજાકથી હસી રહ્યો હતો અને તેણે ત્રણ ટીકીટ વરુણને આપી અને બાકીના છુટ્ટા પૈસા પણ.

“બિલકુલ નહીં, આપણા વિચારો બિલકુલ મળતા નથી આવતા કારણકે હું એક એવી માછલી છું જે ફ્લર્ટિંગના સરોવરમાં બિછાવેલી માછીમારની જાળનો એક એક દોરો ક્યાંથી પસાર થાય છે તે જાણે છે અને એટલે તે એમાં ફસાતી નથી. એન્ડ બાય ધ વે તમારી જાળના દોરાઓ વચ્ચે તો આખેઆખો હાથી નીકળી જાય એટલી બધી જગ્યા છે.” પેલી છોકરીએ હસીને વાતનો દોર આગળ ચલાવ્યો.

“એટલે?” હવે વરુણ ગૂંચવાયો.

“એટલે એમ કે મારું સ્ટોપ આવી ગયું અને આપણી પહેલી મુલાકાત અંતિમ મુલાકાત બની રહેશે, સો સેડ ને? મે આઈ?” પેલી છોકરી પોતાની સીટ પરથી ઉભી થઇ અને જવા માટે વરુણને ખસવાનું કહ્યું.

વરુણે ખસીને તેને જગ્યા આપી અને પેલી છોકરી આગળની તરફ બસના ઉતરવાના દરવાજા તરફ આગળ ચાલવા લાગી.

“એક્સક્યુઝ મી, ભલે છેલ્લી મુલાકાત હોય પણ મને તમારું નામ જાણવાની ઈચ્છા ખરી.” વરુણ દોડીને તેની નજીક ગયો અને તેને ધીમેથી પૂછ્યું.

“હું એ તમારી ઈમેજીનેશન પર છોડું છું કારણકે તમે જો નામ જાણીને લોકોની પર્સનાલીટી જાણી લેતા હોવ તો આજે મારી પર્સનાલીટી જોઇને મારું નામ પણ જાણી લો, અને આ રહ્યા ટીકીટના પંદર રૂપિયા મને કોઈનો એક પૈસો પણ ઉધાર રાખવાની આદત નથી! બાય..” પેલી છોકરી વરુણના હાથમાં દસની નોટ અને પાંચનો સિક્કો પકડાવીને છેક ડ્રાઈવર સુધી પહોંચી ગઈ.

“બાય અનામિકા!” વરુણે હસતાં હસતાં પેલી છોકરીને કહ્યું.

“અનામિકા? નાઈસ ટ્રાય...બાય વરુણ!” આટલું કહીને બસ ઉભી રહેતાની સાથે જ પેલી છોકરી વરુણ સામે એક તોફાની સ્મિત કરીને ઉતરી ગઈ.

વરુણ હસતો હસતો કૃણાલની બાજુમાં બેસી ગયો.

“વેરી સોરી, તારું તીર આ વખતે એનું નિશાન ચૂકી ગયું.” કૃણાલે વરુણની મશ્કરી કરતા કહ્યું.

“તીર બરોબર નિશાન પર લાગ્યું છે માય ફ્રેન્ડ! સવાર સવારમાં કોઈ અજાણ્યો વ્યક્તિ વગર કારણે તમને ખુશ કરી દે અને તમારો બાકીનો આખો દિવસ સુંદર બનાવી દે એવું તો ભાગ્યશાળીઓના જ નસીબમાં હોય છે. એ છોકરી લકી હતી કે તેને તેની કોલેજના પહેલા દિવસે હું ભટકાઈ ગયો. કાલે બપોરે જ્યારે એ કોલેજે જશે...પહેલીવાર ત્યારે એ મને બહુ મીસ કરશે જોજે!” વરુણે કૃણાલના ખભાને પોતાના ખભાથી ધક્કો માર્યો.

થોડી જ વારમાં એ બંનેનું સ્ટોપ પણ આવી ગયું. ડી એલ કોલેજ ઓફ આર્ટ્સ એ વરુણ અને કૃણાલના ઉતરવાના બસ સ્ટેન્ડની બિલકુલ સામે જ હતી. લગભગ સો વર્ષ જૂની આ કોલેજની ઈમારત અતિશય ભવ્ય હતી અને કોલેજ અમદાવાદની કેટલીક પ્રખ્યાત આર્ટ્સ કોલેજોમાંથી એક હતી.

વરુણ અને કૃણાલ રસ્તો ક્રોસ કરીને કોલેજના મેઈન ગેઇટમાં દાખલ થયા. વરુણની આંખો તરતજ સ્કેનર બની ગઈ અને આસપાસ કોઈ સુંદર છોકરીને શોધવા લાગી. કૃણાલને વરુણની આ એક્ટીવીટીનો તરત જ ખ્યાલ આવી ગયો.

“કાલ માટે તો થોડું બાકી રાખ? અત્યારે આપણે પહેલા આપણો ક્લાસ શોધવાનો છે, પહેલું લેક્ચર સાડા સાત વાગ્યાનું છે, ઓકે?” કૃણાલે વરુણને કોણી મારી.

“જીવનમાં પહેલીવાર તે અક્કલની વાત કરી કૃણાલીયા... ચલ જઈએ!” વરુણે પોતાની ચાલ ઝડપી બનાવી અને બંને કોલેજના મુખ્ય બિલ્ડીંગમાં ઘુસી ગયા.

વરુણ અને કૃણાલ આમેતેમ જોઈ રહ્યા હતા જેથી એમને ખબર પડે કે એમનું પહેલું લેક્ચર ક્યાં અને ક્યારે છે. બંનેના મોબાઈલમાં સાતને દસ દેખાતા હતા એટલે આમ ઉતાવળ ન હતી પરંતુ તેમ છતાં તેઓ કોઈજ ચાન્સ લેવા ન હોતા માંગતા.

“હેલ્લો, ફર્સ્ટ યર મેઈન હિસ્ટ્રી, ફર્સ્ટ લેક્ચર ક્યાં છે?” કૃણાલે નજીકથી પસાર થતા એક છોકરાને પૂછ્યું.

“સોરી, બટ મારું પણ ફર્સ્ટ યર જ છે...હું પણ ક્લાસ જ શોધી રહ્યો છું. મેઈન સાઈકોલોજી!” પેલા એ જવાબ આપ્યો.

“કૃણાલીયા, અહીં આય...” વરુણે અચાનક કૃણાલને બૂમ પાડી. એ એક મોટા નોટીસ બોર્ડ પાસે ઉભો હતો જેમાં લગભગ દસ થી બાર વિવિધ રંગના કાગળિયાં ચોંટાડવામાં આવ્યા હતા.

“બોલ...અને બધા સામે મને કૃણાલીયા નહીં કહેવાનું, આ સ્કુલ નથી ઓકે?” કૃણાલે ધીમેકથી વરુણને વઢી નાખ્યો.

“ઓહો, મારા રાજા! હવે તમે કોલેજમાં આવી ગયા એમને? એટલે આટલી બધી છોકરીઓ સામે તને કૃણાલીયા કહીને બોલાવું તો તારું ઈન્સલ્ટ થાય એમને? વાહ બેટા પહેલા જ દિવસે લાઈન પર આવી ગયા હોં તમે તો!” વરુણ હસી રહ્યો હતો.

“એવું નથી બે! ચલ બોલ કેમ બોલાવ્યો.” કૃણાલે મુદ્દાની જ વાત કરી.

“જો અહીંયા બધાના ટાઈમ ટેબલ છે અને રૂમ નંબર પણ છે. હું મારી બુકમાં લખી લઉં છું. આપણું પહેલું લેક્ચર પાંત્રીસ નંબરમાં છે અને હિસ્ટ્રી વન એવું લખ્યું છે. પછી બે લેક્ચર ફ્રી છે અને ચોથું અને પાંચમું લેક્ચર હિસ્ટ્રી ટુ અને પોલિટિક્સ વન છે. પછી તું મારી પાસેથી ટાઈમ ટેબલ લઇ લેજે.” વરુણ પોતાની બૂક ખોલતા બોલ્યો.

“ઓકે હું થોડું દૂર જઈને ઉભો છું એટલે બીજાને લખવું હોય તો હું એમને નડું નહીં.” કહીને કૃણાલ ખસી ગયો.

વરુણે લગભગ બે થી ત્રણ મિનિટમાં આખું ટાઇમ ટેબલ પોતાની બુકના છેલ્લા પાનામાં ઉતારી દીધું.

“ચલ પાંત્રીસ નંબરમાં.” ટાઈમ ટેબલ લખીને વરુણ કૃણાલ પાસે આવીને બોલ્યો.

“તું અહીંનો પ્રિન્સીપાલ છે?” કૃણાલે સીધું જ પૂછ્યું.

“ના કેમ?” વરુણને આશ્ચર્ય થયું.

“તો તને ખબર છે કે પાંત્રીસ નંબરનો રૂમ ક્યાં છે? ચલ પાંત્રીસ નંબરમાં એટલે?” કૃણાલે છેલ્લું વાક્ય વરુણના ચાળા પાડતા કહ્યું અને થોડો ગુસ્સો કર્યો.

“આજે જીવનમાં બીજી વખત તેં અક્કલની વાત કરી દીધી કૃણાલીયા...સોરી કૃણાલભાઈ. ચલ કોઈને પૂછીએ.” વરુણને કાયમની જેમ કૃણાલના ગુસ્સાની કોઈજ અસર ન પડી.

બંને જણા આસપાસ કોઈ એવી વ્યક્તિને શોધવા લાગ્યા જે આ કોલેજની જ હોય જેથી તે તેમને પાંત્રીસ નંબરનો રૂમ ક્યાં છે એ સીધેસીધું કહી શકે.

“વરુણ ત્યાં લાઈબ્રેરી છે, ત્યાં પૂછીએ તો?” કૃણાલ બોલ્યો.

“કોલેજમાં આવતાની સાથે જ તારી બેટરી મસ્ત ચાર્જ થઇ ગઈ...આજે જીવનમાં તે ત્રીજી વખત...” કહીને વરુણે કૃણાલની મશ્કરી કરીને એનો આઈડિયા સ્વીકારી લીધો.

==:: પ્રકરણ ૨ સમાપ્ત ::==