રાઈટ એંગલ
પ્રકરણ–૩૯
બન્ને કૌશલને અનુસર્યા. વિશાળ ડ્રોઇંગરુમ રિક્લાઈનર સોફાથી શોભતો હતો. આકર્ષક લાઇટિંગ, દિવાલ પર કલાત્મક પેન્ટિંગસ અને શ્રીમંત ઘરમાં હોય તેવી ઊડીને આંખે વળગે તેવી નયનરમ્ય સજાવટ. નાણાવટી હાઉસમાં આવવાનો ધ્યેય માટે આ પહેલો પ્રસંગ હતો. કશિશને જોઇને અતુલભાઇ સોફા પરથી ઊભા થયા અને બોલ્યા,
‘વેલકમ ટુ હોમ બેટા!‘ કશિશે એના જવાબમાં માત્ર સ્માઇલ કર્યું. એણે હજુ ય ધ્યેયનો હાથ પકડી રાખ્યો હતો, એની અતુલભાઇની ચકોર નજરે નોંધ લીધી.
‘મેં આમને ન ઓળખ્યા!‘ એમણે ધ્યેય સામે જોઇને પૂછયું, આજ પહેલાં એવા સંજોગ કદી બન્યાં ન હતા કે કશિશના દોસ્તને એ મળ્યાં હોય.
‘ડેડ એ ફેમસ વકીલ ધ્યેય સૂચક છે. કશિશના બાળપણના ફ્રેન્ડ છે.‘ કૌશલે જ ધ્યેયની ઓળખાણ આપી. અતુલ નાણાવટી એકાદ ક્ષણ ધ્યેયનું નિરિક્ષણ કરતાં રહ્યાં,
ક્લિનશેવ્ડ ચહેરો, લેટેસ્ટ હેર કટ અને કથ્થઇ જીન્સ અને લેમન યલો શર્ટમાં આ માણસ ખરેખર બહુ હેન્ડસમ લાગે છે સાથે સાથે એની પ્રભાવી આંખોથી જ ખ્યાલ આવે કે આ માણસ ભારોભાર હોશિયાર તેમજ બુધ્ધિશાળી છે.
‘ઓહ...તમારું નામ તો બહુ સાંભળ્યું છે. આજે મળવાનું સદ્ભાગ્ય મળ્યું. નાઇસ ટુ મીટ યુ.‘ અતુલ નાણાવટીએ ધ્યેય સાથે શેકહેન્ડ કરવા હાથ લંબાવ્યો. એટલે ધ્યેયએ પણ એમની તરફ હાથ લંબાવ્યો. નાનકડાં બાળકને અજાણી જગ્યાએ ડર લાગે અને હાથ પકડી રાખે તેમ કશિશે હજુ ય ધ્યેયનો બીજો હાથ પકડી રાખ્યો હતો. ધ્યેયએ અતુલભાઇ સાથે શેકહેન્ડ કર્યા,
‘હેવ અ સીટ..!‘ સોફા તરફ ઇશારો કરતાં અતુલભાઇ બોલ્યા, સોફા પર બેસતા ધ્યેયએ કશિશને ઇશારો કર્યો,
‘હવે હાથ છોડ...સારું ન લાગે.‘ કશિશે પરાણે હાથ છોડી દીધો પણ એ ધ્યેયની બાજુમાં જ બેઠી.
‘કૌશલે મારી ઓળખાણ અધુરી આપી...હું કશિશનો મિત્ર તો છું જ પણ હાલ એનો કેસ પણ હું જ લડી રહ્યોં છું.‘ ધ્યેયએ જાણી જોઇને આ વાત ઉચ્ચારી. કશિશના કોર્ટ વિશે અતુલભાઇનું વલણ હવે કેવું છે તે એ જાણવા ઇચ્છતો હતો.
‘ઓહ...ઘેટસ ગ્રેટ...આજકાલ તો મિડિયામાં તમારા વિશે જ ચર્ચા છે.‘ અતુલભાઇએ કેસ વિશે એકદમ પોઝિટવ રિસ્પોન્સ આપ્યો એથી ધ્યેયની આંખમાં ચમક આવી.
‘સોરી હું અચાનક ટપકી પડ્યો છું...અમે આ બાજુ એક દોસ્તને ત્યાં જ આવ્યા હતા, કશિશને અહીં આવવાનું હતું એટલે અમે સાથે અહીં આવી ગયા.‘ ધ્યેય પોતે આમંત્રણ વિના આવી ગયો છે તે વિશે ખુલાસો કરતાં કહ્યું,
‘ઇટસ માય પ્લેઝર...પ્લિઝ બી કમ્ફર્ટેબલ!‘ અતુલભાઇએ વિવેક કર્યો. બિઝનેસમેનની કેળવાયેલી નજરથી એમણે તરત પારખી લીધું કે કશિશ અને ધ્યેય વચ્ચે મિત્રતા કરતાં કંઇક વધુ સંબંધ છે. વળી કશિશે જે રીતે ધ્યેયનો હાથ પકડી રાખ્યો હતો તે બન્ને વચ્ચે કેવો સંબંધ હોય શકે તે વિશે ઈશારો કરવા કાફી હતો.
‘શું લેશો? કશિશ કોફી વીથ આઈસ્ક્રીમ ચાલશે?‘ કૌશલે આ સવાલથી પોતાની હાજરી પુરાવી. ધ્યેય અને અતુલભાઈ વાતચીત કરતાં હતાં ત્યારે કૌશલ અપલક નજરે કશિશને જોઇ રહ્યો હતો. કશિશ ઘર છોડીને ગઈ એને આજે મહિનાઓ થઇ ગયા. એ પછી પહેલીવાર જોઇ રહ્યોં છે. પહેલાં કરતાં સહેજ સ્લિમ થઇ છે. એટલે પહેલાં કરતાં વધુ સુંદર લાગે છે. પણ રંગ સહેજ શ્યામ થયો છે. ઘરની, કોફી હાઉસની જવાબદારી એકલાં હાથે સંભાળવી સહેલી તો નથી જ. એ માટે બહાર ફરવું પડતું હશે. તાપ–તડકો સહેવો પડતો હશે. એને મનોમન કશિશની ખૂબ દયા આવી. પોતે બહુ મોટી ભૂલ કરી નાંખી એનો અહેસાસે એને વધુ ન્રમ બનાવ્યો,
‘ધ્યેય તું શું લઇશ?‘ કશિશ સીધો જવાબ આપવાના બદલે ધ્યેયને પૂછયું, એમાં સ્પષ્ટ દેખાય આવતું હતું કે એ કૌશલથી નારાજ છે.
‘જી...મને કોફી જ ચાલશે!‘
‘હું પણ કોફી જ પીશ.‘ કશિશે કહી દીધું. કૌશલને એની નારાજગીનો અહેસાસ થયો. પણ એનાથી દિલ દુભાવવાના બદલે એણે હસીને નોકરને બોલાવીને કોફી લાવવા કહી દીધું,
‘કોફી આવે તે પહેલાં હું આન્ટીને મળી લઉં?‘ કશિશ મોમના બદલે આન્ટી બોલી એ અતુલભાઇની ચકોર નજર પકડી પાડ્યું. અગર માણસ સમયને સાથ ન આપે તો સમય બધાં સંબંધોના સમીકરણ બદલી નાંખતો હોય છે. અતુલભાઇથી નિ:સાસો નંખાઇ ગયો.
‘ચોક્કસ બેટા...કૌશલ! કશિશને તારી મોમ પાસે લઇ જા.‘
કશિશ સોફા પરથી ઊભી થઇ. એણે ધ્યેય સામે જોયું અને સાથે આવવા આંખથી જ ઇશારો કર્યો, ધ્યેયએ નજરથી જ ના પાડી. પણ કશિશ ઊભી રહી એટલે ધ્યેય બોલ્યો,
‘યસ, કિશુ તું મેડમને મળી લે...હું અતુલભાઇ સાથે વાત કરીશ.‘
ધ્યેય જાણીજોઇને ‘કિશુ‘ બોલ્યો હતો જેથી કશિશને લાગે કે એ એની સાથે જ છે. કશિશ એની વાત માનીને કૌશલની પાછળ પાછળ અંદર ગઇ. આ ઘરમાં આ પહેલાં એ એનકવાર આવી હતી. કારણ કે આ એનું સાસરું હતું, ના હતું નહીં હજુ પણ છે. પોતે મનથી ભલે નાણાવટી રહી ન હોય પણ હજુ કૌશલ સાથે ઓફિશયલ ડિવોર્સ નથી થયા ત્યાં સુધી આ ઘર એનું સાસરું જ રહેશે. વિશાળ બંગલાના ઉપરના માળે જવા માટે બન્ને લિફટમાં પ્રવેશ્યા. કૌશલ વાત કરવા માટે બેચેન હતો પણ કશિશના ચહેરા પરની સખતાઇથી એ જરા અચકાતો હતો.
‘કેમ છે તું?‘ હાથમાં આવેલો મોકકો સરી જાય તે પહેલાં આખરે બોલવાની હિંમત કૌશલે કરી નાંખી,
‘ફાઇન...!‘ કશિશે ટૂંકમાં પતાવ્યું. એથી જરા પણ નાસીપાસ થયા વિના કૌશલે તરત બીજો સવાલ પૂછયો,
‘કોફી હાઉસ કેવું ચાલે છે?‘
‘સારું ચાલે છે.‘ લિફટ ઊભી રહી એટલે કશિશ જાતે જ દરવાજો ખોલીને બહાર આવી ગઇ. કૌશલ જે રીતે એનામાં રસ લઇ રહ્યોં હતો તેથી સ્પષ્ટ હતું કે એને કશિશ સાથે ફરી સંબંધ જોડવામાં રસ છે. પણ જે માણસ અણીના સમયે સાથ ન આપ્યો હોય એના પર હવે કેટલો ભરોસો કરી શકાય?
કશિશ આ ઘરથી અજાણી ન હતી એટલે કૌશલ લીફટ બંધ કરીને બહાર આવે તેની રાહ જોયા વિના એ આગળ ચાલવા લાગી. કૌશલ એ જોઇને ઝડપથી લિફટ બંધ કરીને એની સાથે થઇ ગયો.
‘મમ્મા તને બહુ યાદ કરે છે. શી મિસ યુ!‘
કશિશ આ બાબત પર ઈમોશનલ થઇ ગઇ. ભલે ભાવનાબહેનના સાથે બહુ નિકટતા ન હતી. પણ એક સાસુ તરીકે એમણે એને ખૂબ આઝાદી આપી હતી. કૌશલ એમનો એકનો એક દીકરો હતો છતાં એનાથી અલગ રહેવાની મંજુરી આપી તે નાની–સુની વાત ન હતી. વળી અઠવાડિયે એકાદ વાર તેઓ મળતાં ત્યારે પણ તેઓ બહુ હેત–પ્રેમથી વાતો કરતાં. કશિશ ભાગ્યે જ એમની સાથે શોપિંગ પર ગઇ હતી, પણ એ જતાં ત્યારે અચુક કશિશને ફોન કરીને સાથે લઇ જતા. કશિશને એમના માટે દિલથી માન–સમ્માન હતા.
કશિશ અને કૌશલ રુમમાં પ્રવેશ્યા ત્યારે ભાવનાબહેન ઓટોમેટિક મોબેલિટિ બેડને પાછળથી ઊંચો કરીને બેઠાં હતા. નર્સ એમનું બી.પી. ચેક કરતી હતી. હાર્ટ એટેક અને એ પછીની સારવારે એમને સહેજ ઝાંખા પાડી દીધા હતા. કશિશને જોઇને એમનો ચહેરો ખીલી ઊઠયો.
‘જય શ્રી કૃષ્ણ!‘ કશિશ બોલી. એમની નજીક જઇને પગે લાગી. ભાવનાબહેન એને ગળે લગાડી દીધી. એના ગાલ પર વહાલ કર્યું,
‘મારી દીકરી પાતળી થઇ ગઈ.‘ ભાવનાબહેન એને નીરખીને બોલ્યા,
‘ના...એ તો તમે ઘણાં સમયે મને જોઇને એટલે એવું લાગે..‘
ભાવનાબહેનની આંખમાં હરખના આસું આવી ગયા હતાં તે જોઇને કશિશે બાજુના ટેબલ પરથી ટિસ્યુસ્ટેન્ડમાંથી ટીસ્યુ કાઢીને એમને આપ્યું. નર્સને પાણી આપવા કહ્યું. ભાવનાબહેન પાણી પી અને ટિસ્યુથી આંખો લૂછીને સ્વસ્થ થયા.
‘તમને કેમ છે?‘ કશિશે એમની બાજુમાં પડેલાં સોફા પર બેઠી.
‘સારું છે દીકરાં...‘
‘જલદી સાજા થઈ જાવ...અને ફરી હવેલી દર્શન કરવા જવા લાગો!‘ ભાવનાબહેન વૈષ્ણવ ધર્મમાં બહુ વિશ્વાસ ધરાવતા હતા. ઘરમાં પણ કાનુડો પધારાવ્યો હતો. પોતાનાથી થાય તેટલી સેવા કરતા. દરરોજ સાંજે હવેલીએ આરતી અને શયનના દર્શન કરવા અચુક જતા. કિર્તન બહુ મીઠી હલકથી ગાતા.
‘હવે તો ઠાકોરજી બોલાવે ત્યારે જઇશ બેટા...આજકાલ કરતાં પંદર દિવસ થઇ ગયા. હજુ ડોકટરે ચાલવાની રજા નથી આપી. બસ હવે મારો લાલો બોલાવે એટલીવાર છે.‘
‘ડોન્ટવરી...તમે બહુ જલદી સાજા થઈ જશો. દિવાળી સુધીમાં તો દોડતાં થઇ જશો. પછી આપણે સાથે દીપમાળાના દર્શને જઇશું.‘ કશિશ બોલી એટલે ભાવનાબહેનના ચહેરા પર જાણે હમણાં જ દીપમાળા પ્રગટી હોય તેવો ઉજાસ ફેલાઇ ગયો. એમને કશિશના આ બોલમાં એ ઘરે પાછી ફરશે તેવો પડઘો સંભળાતો હતો.
‘કૌશલ બેટા...જા મંદિરમાંથી મઠરીનો પ્રસાદ લઇ આવ તો...કશિશને ખવડાવ.‘
ભાવનાબહેનના રુમની બાજુના રુમમાં ભવ્ય હવેલી સ્ટાઇલનું મંદિર બનાવવામાં આવ્યું હતું. સાગના લાકડાનું કોરતણીકામથી સજાવેલું મંદિરમાં ભગવાન માટે અલગ અલગ કક્ષ હતા. મંદિરની કોતરણીમાં સાનાનો ઢોળ ચડાવ્યો હતો. એક બાજુ ઠાકોરજીને ઝુલાવવા માટે નાનકડો હિંચકો પણ હતો. કૌશલ પ્રસાદનો ડબ્બો લઇને આવ્યો.
‘કાલે હવેલીની મારી બહેનપણીઓ આવી હતી તે મારા માટે પ્રસાદ લઇને આવી.‘ ભાવનાબહેન બોલ્યા. કૌશલે મઠરીનો ડબ્બો કશિશ તરફ લંબાવ્યો. કશિશે એના હાથનો સ્પર્શ ન થાય તે તકેદારી રાખીને ડબ્બો હાથમાંથી લીધો. એમાંથી બે મઠરી કાઢી,
‘એક મારાં માટે અને એક મારા ફ્રેન્ડ માટે લઉં છું.‘ કશિશ અહીંપણ ધ્યેયને યાદ રાખ્યો તે કૌશલને સમજાયું. કેટલી અભિન્ન દોસ્તી છે. પોતે પતિ બનવા કરતાં કશિશનો દોસ્ત બન્યો હોત તો કદાચ આજે આ દિવસ આવ્યો ન હોત.
‘એક મને પણ આપ ને!‘ હજુ ય પોતે સંબંધ સુધારી શકે છે તે વિશ્વાસથી કૌશલે એની સામે જોઇને કહ્યું.
કશિશે એક મઠરી કૌશલને આપી.
‘બેટા...બે શું કામ...બધી લઇ જા ને...‘ભાવનાબહેને નોકરને બોલાવીને મઠરી પેક કરવા કહી દીધું. એ પછી પંદર–વીસ મિનિટ એમણે વાતો કરી. કશિશ સાથે વાત કરીને ભાવનાબહેન આજે અડઘા સાજા થઇ ગયા. એકના એક દીકરાંનો સંસાર પડી ભાંગે તે દુ:ખ માને સૌથી વધુ પીડે. ભલે ગમે તેટલી સંપતિ હોય પણ પોતાનું સંતાન સુખી ન હોય તો કંઇ મા સુખી રહી શકે?
‘હવે હું જાઉં? કશિશ ઊભી થઇ. ધ્યેય બિચારો બોર થતો હશે. અતુલભાઇ સાથે એ કેટલી વાતો કરી શકે?
‘બસ જાય છે બેટા?‘ ભાવનાબહેન બોલ્યા,
‘હા...મારો ફ્રેન્ડ પણ સાથે આવ્યો છે...એને મોડું થશે..‘
‘ઓ.કે. બેટા...જા પણ જલદી પાછી આવજે.‘ ભાવનાબહેન એની સામે આશાભરી નજર જોઇ રહ્યાં. એમનો આવું કહેવાના બે મતલબ હતા. તે કૌશલ અને કશિશ બન્ને સમજ્યા. કૌશલે જાણીજોઇને કશિશ સામે નજર કરી પણ કશિશે એની સામે જોવાનું ટાળ્યું.
કશિશ ફરી ભાવનાબહેનને ભેંટી અને ‘ધ્યાન રાખજો‘, એટલું બોલી, ભાવનાબહેનનું હેત એના પગમાં લાગણીનું બંધન બાંધી દે એ પહેલા એ ઊભી થઇ ગઇ.
કશિશ લિફટ પાસે અટક્યા વિના સડસડાટ દાદર ઉતરવા લાગી. એ નહતી ઇચ્છતી કે ફરી એ લિફટમાં કૌશલ સાથે એકલી પડે. કૌશલ એની પાછળ દોડ્યો. હવે એકલાં વાત કરવાની કદાચ આ આખરી તક હતી. એ મોક્કો કૌશલ ગુમાવવા ઇચ્છતો ન હતો.
‘કશિશ એક મિનિટ...!‘ કૌશલે બૂમ પાડી.
(ક્રમશ:)
કામિની સંઘવી