About Corona - Outburst Of Nature in Gujarati Moral Stories by Param Garvaliya books and stories PDF | કોરોના વિશે - પ્રકૃતિના દોહનનો અતિરેક

Featured Books
Categories
Share

કોરોના વિશે - પ્રકૃતિના દોહનનો અતિરેક

વિશ્વમાં દર વખતે સમસ્યા આવે જ છે.સંઘર્ષ એ જ જીવનનો એક ભાગ છે.કોરોના મહામારી આખા વિશ્વમાં ફેલાઈ રહી છે.ભયના ઓથાર નીચે માનવીઓ રહી ગયાં છે.અધૂરા સપનાઓ સાથે,અધૂરા વાયદાઓ સાથે!

વિશ્વમાં જે કંઈપણ બને છે.તેની પાછળ કંઈક ને કંઈ કારણ હોય છે.કોરોના માનવીનો પ્રકૃતિ પર થતો દોહનનો અતિરેક જ છે.જંગલી પ્રાણીઓનું ગામડામાં આવવું – એ સંસ્કૃતિ અને પ્રકૃતિના સંઘર્ષની લડાઈ છે.હકીકતે, આપણે હદ વટાવી ગયા છીએ.પ્રકૃતિના આપણે સ્વામી નથી,એનો માત્ર એક ભાગ છીએ.આપણી સમસ્યા માટે આપણે જ જવાબદાર છીએ.‘ગ્લોબલ વોર્મિંગ’માં કહેવાતી વાતો હવે આપણે લાગુ કરવી જ પડશે.નૈતિકતાના આધાર પર નહિ, અસ્તિત્વના આધાર પર!

પ્રાકૃતિક જીવનવ્યવસ્થાને ખલેલ પહોંચાડ્યા વગર હવે જીવન જીવવું પડશે.પ્રકૃતિનાં ભોગે વિકાસ હવે લાંબો સમય ટકશે નહિ.જંગલને નષ્ટ કરીને શહેર પણ સમૃદ્ધ થઈ શકશે નહીં.પ્રાણી-પશુ-પક્ષી આપણી કોઇ મિલકત નથી,આપણી જેમ જ જીવ છે.પ્રાણીઓની મનોવ્યથા આપણે બરોબર સમજવી પડશે.સીમાઓ ઓળંગવાનો આપણને શોખ થઈ ગયો છે.અસીમિતની દોટ પકડી રહ્યાં છીએ.બ્રહ્માંડ,અંતરિક્ષ,મંગળ-ચંદ્રની વાતો કરનાર માણસ આજે પ્રકૃતિના નજીવા એવા જીવાણુથી પોતાને સુરક્ષિત કરી શકતો નથી.વાસ્તવમાં, પ્રકૃતિ જ શ્રેષ્ઠ છે,પણ સંસ્કૃતિ જરૂરી છે.

માણસનું મન એનું મિત્ર અને એનું જ શત્રુ હોય છે.સતર્કતા અને ભય વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે.આ સમય કપરો છે.પણ,અડીખમ રહેવાનો આ જ અવસર છે.પરિવર્તનના વાયરાઓ ફૂંકાઈ રહ્યાં છે.પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચે હવે સમતુલન જરૂરી બન્યું છે.આપણી દરેક વિચારધારાઓ જીવવા પર પ્રેરિત કરે છે,એ દેશ-કાળ સાથે બદલાય છે.કોરોના તો ખાલી એક નાની ઘંટડી છે,સૂતી માનવજાતિને જગાડવાની! સમય કપરો છે,એ વાતમાં ના નથી.પણ,એનાં જવાબદાર આપણે જ છીએ.જ્યારે અતિ થાય છે ત્યારે તેના ચિત્કારની ગૂંજ ગગનને ગજવે છે.અબોલ પશુની વ્યથા પ્રકૃતિ બરાબર જાણે છે.પ્રકૃતિ પરિવર્તનના ઈશારા સાથે વળી રહી છે.આ તુફાન-ધરતીકંપ-મહામારી એના જ રૂપ છે.સમાજ ધીરે-ધીરે પ્રકૃતિથી દૂર થતો જાય છે અને પ્રકૃતિ માનવીથી રુષ્ટ! આજે તમારાં ઘરમાં લાઇટ-પંખો 2-3 કલાક બંધ કરી જોજો,અકળામણ થાય છે.આ મનુષ્યની બનાવેલી સૃષ્ટિ કાચની હોય એવું લાગે છે,તે પ્રકૃતિના પથ્થરનો સામનો કરવા સક્ષમ નથી.પ્રકૃતિની ઉપરવટ જઈને સંસ્કૃતિ રહી નહિ શકે.બીજા ગ્રહની શોધ કરતાં પહેલાં,આ પૃથ્વીને બધાં માટે જીવવા લાયક બનાવવા જરૂરી છે.

એક પૌરાણિક કથામાં,રાજા પૃથૃ પૃથ્વીને અતિશય થતાં દોહનથી બચાવે છે.પ્રકૃતિના અતિ શોષણથી પૃથ્વી ગાય બની દૂર ચાલી જાય છે.ગાયનાં રક્ષણ સાથે પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંતુલન જળવાય છે.જે પ્રાચીન સાંસ્કૃતિક વિચાર આજે પણ બહુમૂલ્ય છે!

દરેક સમસ્યામાં સમાધાન મળે છે,જો દૃષ્ટિકોણ અપનાવવામાં આવે તો!પરંતુ,કોરોના એક જ સમસ્યા નથી લાગી રહી.આ ભારત માટે,કોરોના-બેરોજગારી-ચીનનું વલણ આ ત્રણ ત્રિવિધ તાપ બન્યાં છે. મોદી સરકારે ભારતને બચાવવાં લોકડાઉન લાગુ કર્યું.પરંતુ,એ લોકડાઉનનો ભોગ મધ્યમ અને ગરીબનો લેવાયો.હવે,સરકારે ‘અનલોક-1’ કર્યું.ઉદ્યોગો ખુલ્યા,મંદિરો ખૂલ્યાં-વેપાર શરૂ થયા.પરંતુ, કેસ વધતાં જ ગયાં.સમસ્યા હજી વધારે ગાઢ બની રહી છે.લોકો પણ સમજી રહ્યાં છે.પણ,હવે હિંમત હારવાની નથી!ભારતે કેટલાય આક્રમણો – કેટલીય વ્યથા સહી છે.ભારતીયોના રક્તમાં જ સંઘર્ષના મોટી ચમકે છે.‘વસુધૈવ કુટુંબકમ્’ની વિરાટ ભાવના આપણે જ વિશ્વને આપી છે.અત્યારે ભારતનું નેતૃત્વ સમર્થ હાથોમાં છે.સમસ્યાથી હારવાનું નથી,સમાધાનનો સંકલ્પ કરવાનો છે.

"અંતરમનની શોધ ભૌતિક સુખથી પરે છે.મનની મીઠાશ જ આપણી તરસને છીપાવી શકે છે."

પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વની ઝલક અને અસર કોરોના પર પડી છે.ભારત અન્ય વિકસિત રાષ્ટ્રોની સરખામણીમાં આગળ રહીને ‘નાયક’ની ભૂમિકામાં યુદ્ધ લડી રહ્યું છે.આ ગૌરવની ક્ષણ છે.કહેવાતા વિકસિત રાષ્ટ્રોની અવગણના એમને ભારે પડી છે.સમસ્યાને મૂળથી જ સમજવી,નીતિઓમાં વિલંબ ન કરવો,કડકમાં કડક પગલાં લેવા – આ ભારતની સચોટદાર નીતિ બની છે.વિશ્વમાં આ ભારતનું થતું ઉત્થાન છે.સદીઓના શોષણ પછી ભારત ધ્રુવ તારાની માફક માનવજાતિને કિનારે પહોંચાડવા દિશાસૂચક બન્યું છે.એવે વખતે આપણો સંયમ અને સહકાર જરૂરી બને છે.

"धरती हो हरी-भरी ,

हवाएं हो निर्मल ;

आओ मिलकर मनाए प्रकृति का त्योहार ,

फिर से खिल उठे , नवजीवन का संचार।"

બેરોજગારી પણ વધી રહી છે.પરંતુ,સમયની સાથે, સૌના સહકારથી બધું સારું થઈ જશે.અન્ય પ્રશ્ન છે-શિક્ષણનો!પાછલાં 2-3 માહિનામાં શિક્ષણ ક્ષેત્રમાં પ્રશ્નાર્થ ઊભો થયો છે.આ કપરા કાળમાં શિક્ષણ પધ્ધતિમાં સુધારો આવશ્યક છે. ઓનલાઇન શિક્ષણ એક વિકલ્પ તરીકે જોવાતો હતો,હવે સમયની માંગ છે. શિક્ષક બોર્ડમાં ભણાવે એવું જ સીસીટીવી કેમેરા હોય એમ ભણાવાથી વિધાર્થીમાં બોરિંગનેસ વધી શકે.ગ્રાફિક્સ-સાઉન્ડ-ટેક્નોલોજી તમામની મદદ લેવી પડે છે.બાળકને ગમે એ રીતે જ્ઞાન પીરસવું એ આજની સૌથી મોટી જરૂરિયાત છે.એક કહેવત છે કે – વિજ્ઞાનની જનની જરુરીયાત છે.

ઓનલાઇન ક્લાસથી લઈને રેડીયો પર સુંદર અવાજ અને કથનશૈલીમાં ભણાવી શકાય. હવે જમાનો પુસ્તકો સાંભળવાનો આવ્યો છે. Amazon Audible એવું જ નામ છે. જેમાં બુક્સ-વાર્તા-નાટક રસપ્રદ રીતે રજૂ થાય છે.પહેલાનાં જમાનામાં,વાર્તાઓ કહેવામાં આવતી.લોકો સાંભળતા,હવે ફરીથી લોકો સાંભળી રહ્યાં છે.કથન શૈલીનો અદ્ભુત નમૂનો જોઈ રહ્યાં છે,માણી રહ્યાં છે.ગુજરાતીમાં પણ એવું જ માધ્યમ છે Jalso Music Application.ગુજરાતી ગીત-સંગીત-ગઝલ-વાર્તાઓનું સુંદર અવાજ સાથે કથન.અહીં,આ કંપનીઓને પ્રમોટ કરવાનો કોઈ ઈરાદો નથી.માત્ર વાચકની સાહિત્ય સૃષ્ટિનો અભિગમ વધારવાનો છે.

ચીન વિશે પણ કંઈ ચોક્કસ કહી શકાય તેમ નથી.તે ભારત માટે,પહેલાંથી જ ખતરાની ઘંટી છે.મીઠું-મીઠું મધ જેવું બોલી પોતાના હિતને સાધવું અને ન સધાય તો વિવાદ કરવો ચીનની કાયમી નીતિ છે.ચીન બધી બાજુથી ઘેરાયેલું છે.કોરોના મહામારી ને છુપાવાની નીતિથી વિશ્વ ત્રસ્ત બન્યું છે.અમેરિકા,યુરોપ અને વિશ્વ ના લગભગ તમામ રાષ્ટ્રો ચીન તરફ લાલ આંખ કરીને બેઠા છે.ઘરઆંગણે પણ ચીન આંદોલન-વિરોધ નો સામનો કરી રહ્યું છે.પોતાની આક્રમક નીતિથી આંદોલનોને દબાવી દેવાના પ્રયાસો કરવા છતાં પણ,તે બહાર આવી રહ્યાં છે.

ચીનની સીમાપર જે થયું તે સહન કરવા યોગ્ય નથી.LAC પર LACK-OF-CONTROL નહીં ચાલે!પાકિસ્તાન સાથેની સરહદ પર જે થાય છે,તે ચીનની સરહદ પર થવું સામાન્ય નથી!સાપ અને અજગરની આ જોડી ખતરનાક છે.વેપાર અને યુદ્ધ કદી સાથે ના ચાલી શકે.ચીન 'આત્મનિર્ભર' ભારતથી ચિંતિત બની ગયું છે.તેને આર્થિક મહાશક્તિ બનવાનો જે નશો ચડ્યો હતો તે ફિક્કો પડી ગયો છે.દેશ એક થઈ રહ્યો છે.લોકો ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરવા લાગ્યાં છે.અહીં,એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે,ભારત ચીનની સંપૂર્ણ સામગ્રી પર પ્રતિબંધ ન લગાવી શકે.એમ કરવાથી ભારતની આંતરરાષ્ટ્રીય વ્યાપાર નીતિ ખરડાઈ શકે છે.પરંતુ,કોઈપણ દેશ 'પોતાની વસ્તુ-સમાન' બનાવવા - વેચવા સ્વતંત્ર છે.લોકોનો સહકાર અને સરકારનો નિર્ણય ચીનને યોગ્ય સબક શિખાડી શકે છે.

ચીન સાઈડથી હવે નેપાળ પણ ભૂલ કરી રહ્યું છે.ચીન સામે તે મજબૂર છે કાં તો લાલચી બની રહ્યું છે.નેપાળ-ભારતના સંબંધો આવા ક્યારેય તણાવભર્યા નહોતા જેવા હવે થઈ રહ્યાં છે.નેપાળ અને ભારત એક જ સંસ્કૃતિના બે અલગ-અલગ રાષ્ટ્રો છે. અનેકવાર મદદ કરવા છતાં પણ નેપાળ ચીનની સામ્યવાદી વિચારધારામાં ફસાઈ રહ્યું છે.નક્શાને લઈને ખોટા જમીન વિવાદમાં ભારત સામે લડીને તે પોતાનું જ નુકસાન કરી રહ્યું છે.ભારતે હંમેશા મિત્રતાનો સાથ આપ્યો છે.પરંતુ,અફસોસ કે મિત્રોએ એવો ક્યારેય પ્રતિસાદ નથી આપ્યો.આ કડવું સત્ય છે,પરંતુ સ્વીકારવું જ પડે!

અંતે, ગલવાન ઘાટીમાં શહીદ થયેલા વીરોને વંદન સાથે -

"રક્તનું જ્યાં-જ્યાં ટીપું પડે છે, ત્યાં શોર્યનું ફૂલ ખીલે છે!"

એક સૈનિકની લાગણીને સલામ કરતાં -

"है आरज़ू , ए मेरी मिट्टी ;

तुझमें रहूँ जिंदा सदा।"

~Param.G ©