આ વખતનો મારો વિષય, ' રસોડું - એક આહાર મંદિર ' હતો. આ વિષયની પૂર્ણાહુતિ પર જ હતો , તે ત્યાં જ એક સુંદર વિચાર સ્ફૂર્યો.
ઘરના રસોડા માટે મને 'આહાર મંદિર' થી નીચે એક શબ્દ પણ માન્ય નથી. આપણા શાસ્ત્રોમાં પણ કહેવાયું છે તેમ, 'અન્ન એવું મન' , 'આહાર તેવો વિચાર'. આ ઉક્તિઓ હિન્દુ સંસ્કૃતિમાં આહાર મંદિર નું મહત્વ અતિવિશિષ્ટ છે, એ દર્શાવે છે.
શું રાષ્ટ્ર કે દેશ પણ એક મંદિર ન હોઈ શકે? અહીં આપણે દેશ પરત્વે 'મંદિર ભાવના' ના મહિમાને યથાર્થ ગણવો રહ્યો અથવા તો આવકારવો રહ્યો. ભારતભૂમિ પ્રત્યેનો 'મંદિરભાવ' એ આધ્યાત્મિક ભૂમિ તરફ જતો સેતુ છે.
'ભારત. . . એક મંદિર' કેવું હોઈ શકે? એને વર્ણવવાનો યથાશક્તિ પ્રયત્ન મનની વિચાર સૃષ્ટિમાં ખીલેલા પુષ્પોના સથવારે કર્યો છે.
-> આ મંદિર નું નામ હશે ' ભારત ' અને આ મંદિરીયા મા બિરજનારિત દેવી એટલે ' માં ભારતી '
-> સ્વપ્નસૃષ્ટિ સમાન આ મંદિરના આધારસ્તંભ એટલે સફેદ આરસપહાણ માંથી બનેલા એકતા, અખંડિતતા, સાહસ, શૌર્ય, ભક્તિ, પ્રેમ, કરુણા, જ્ઞાન, સ્વાસ્થ્ય અને સહજતા.
-> મંદિર ના પૂજારી બની તેની શોભા માં અભિવૃદ્ધિ કરશે, માનવજાતનાં સૌથી નિર્દોષ જીવ એવાં વ્હાલાં બાળકો. ભૂલકાંઓ જેટલો નિર્દોષ અને પવિત્ર પ્રેમ દેશને કોણ કરી શકે!
-> ભારતમંદિરનું ગર્ભગૃહ સુસજ્જિત હશે, ભારત દેશને વરદાન સમા વેદ, ઉપનિષદ, વેદાંગ, શાસ્ત્ર, પુરાણ, મહાકાવ્ય, ગ્રંથ,ભારતનું બંધારણ અને ભારતનાં મહામૂલા વૈજ્ઞાનિકોથી.
-> માં ભારતીનાં મંદિરના બગીચામાં તથા તેનાં પરિસરમાં દરેક પ્રકારના ધર્મ, સંસ્કૃતિ અને જનમાનસ રૂપી ફૂલોનાં નિખાલસ સ્મિત નો પવન ફૂંકાતો હોય. આ દિવ્ય બગીચાનું સુંવાળું ઘાસ મલકાતું જાય અને ભારત દેશનાં એવાં અમૂલ્ય આધ્યાત્મિક વારસાની દશેય દિશાઓ માં ઉદઘોષણા કરતું હોય.
ભારતની એકતા, સામાજિક સૌહાર્દ, દેશ પ્રેમ અને તહેવારોની વૈવિધ્યતા, એ બગીચા નાં ફૂલોની સુગંધિત ચાડી ખાતા જણાતાં હોય.
-> जननी जन्म भूमिश्च स्वर्गादपि गरीयसी, વ્હાલાં મંદિરની પ્રાર્થના તથા આરતી માં ગવાતું હોય. તેની સાથે માં ભારતી ને દેશની પ્રગતિ, સાર્વભૌમત્વ અને દરેક ક્ષેત્રમાં પરસ્પર સહકાર થી અગ્રસર રહેવાની કામના થતી હોય.
આ બધામાં ભારતીય શાસ્ત્રીય સંગીતનાં મંત્રમુગ્ધ કરી દેતા સૂર-તાલ સાથે સમગ્ર જીવસૃષ્ટિ પોતાનો સાદ પૂરાવી રહી હોય ( જેમ રામસેતુ બનાવવામાં સઘળાં પશુ - પંખીઓ પ્રભુ શ્રીરામ ની સેવામાં લાગી ગયાં હતાં ).
પ્રકૃતિ સાથેનાં આ તાદાત્મય વાતાવરણ ની અનુભૂતિ કેટલી દૈવીય હશે! આ દશ્ય ની પરિકલ્પના માત્રથી જ મારાં શરીરમાં આનંદ, ઉત્સાહ અને ઉમંગ રૂપી સમુદ્રી મોજાં ઉછાળા મારી ઊઠે છે.
-> ભારતનું પ્રબળ નેતૃત્વ અને સમગ્ર વિશ્વમાં એ નેતૃત્ત્વ ને માન મળવું, આ બંને મંદિરનાં ઘંટ અને તેના ગુંજારવ નો સાથીયો પૂરે છે.
-> સંપૂર્ણ વિશ્વમાં ભારતની દરેક ક્ષેત્રમાં આગેકૂચ નો શંખનાદ મંદિર નાં પટાંગણ માંથી થઈ રહ્યો હોય અને પ્રવેશ દ્વાર પરના પહાડ જેવા હાથી એટલે ભારતીય સેનાની ત્રણેય પાંખોના સૈનિકો, સદૈવ ખડેપગે આ મંદિર રૂપી દેશની સુરક્ષા માં તત્પર.
-> ભારતનો રાષ્ટ્રધ્વજ ' તિરંગો ' એ મારાં ભારત મંદિર ની ધ્વજા સમાન એકદમ ઉંચે લહેરાય જાણે કે હિમાલય પર્વત પર આરૂઢ થયો હોય.
-> રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નાં રૂપમાં મંદિર પરનો સુવર્ણ કળશ આ ભારત દેશની ભવ્યતા અને તેના અસ્તિત્વનો મર્મ સમજાવે છે.
-> ભારત મંદિરમાં ભારતીયતા નો આશિર્વાદ અને ભારતને આત્મનિર્ભર તથા મહાસત્તા બનાવવા નો પ્રસાદ દરેક દેશવાસી ને મળતો હોય.
આચાર્ય ચાણક્યે કહ્યું છે તેમ, " સંસ્કૃતિ એ કોઈ ધર્મ નથી, કોઈ ભાષા નથી, કોઈ જાત નથી. સંસ્કૃતિ! એ તો પરસ્પર એકબીજાને જોડવાનો સેતુ છે. હિન્દુ સંસ્કૃતિ પણ એક વિચાર છે, એક જીવનશૈલી છે.
'મંદિર ... નામે ભારત' , માટે મનમાં બાળસહજ અધીરાઈ અને ઉત્સુકતા કાયમ જળવાઈ રહે એવી પ્રભુને પ્રાર્થના છે.
આચમન . . .
દેશ પ્રત્યે મંદિર ભાવ, ભારતીયો માં જ્યારે પણ જાગશે, એ દિવસથી દેશમાં 'સ્વચ્છતા ઝુંબેશ' આદરવી નહીં પડે કે ન કોઈ ભૂખ્યું સૂશે.
માતૃભૂમિ ભારત ના મંદિર હોવાનો મનોભાવ , એ દેશ માટે આપણે કરેલું 'અનુષ્ઠાન' તરીકે આલેખાવું જોઈએ.
✍🏾.. પંકિલ દેસાઈ